પરકમ્મા/કાળો ભીલ : ખીમો વાજો
ઉપર ગયા, પુરાતન ચાંચિયા કાળા ભીલની કોઠીઓ (માલ સંતાડવાને માટે ખડકમાં દરિયાબાજુએ કોરેલાં ઊંડાં ટાંકાં) જોઈ અને એનાં પરાક્રમ સાંભળ્યાં. કોટડાનો એ ચાંચિયો બાર વહાણ રાખતો, રાતોરાત ગોવા સુધી લૂંટ કરી આવીને ઘરે આવી સુઈ જતો, સવારે કોટડા આવી પહોંચતો. એકવાર ફિરંગીઓ પાછળ થયા, પકડાયો, અને ગોવાના કિલ્લામાં ચણી લીધો હતો. તેમાંથી આ કોટડાની ચાંચિયા–દેવી ચામૂંડાએ છોડાવ્યો— કાળાને ગઢને કાંગરે જડિયલ બેલાં જે, એ માં થી ઉ પા ડ્યે તેં છોડાવ્યો ચામુંડી. પછી ક્ષત્રિય ચાંચિયા ખીમા વાજાની વાત સાંભળી, એનાં પણ વહાણ ચાલતાં— થળ પર હાલે થાટ જળ પર જહાજ તાહરાં; વાજા! બેને વાટ ખીમા! ધર રૂંધી ખાત્રી! (હે ખીમા વાજા! તારાં તો પૃથ્વી પર સૈન્યો ચાલે ને જળ પર જહાજ ચાલે. બન્ને માર્ગે તેં ધરણીને રૂંધી રાખી છે.) શત્રુનો કવિ કહે છે— ખીમા! મ કર ખલવલાં, મ કર મામદ શું મેળ્ય; જાજન તણો જડ કાઢશે, કાળ વળુંધ્યો કેળ. (હે ખીમા! તું જાજનશાહના બેટા મામદશાહ, સાથે યુદ્ધ ન કર, એ કાળ જેવો તારી જડ કાઢશે.) ખીમો ઉત્તર વાળે છે— કાળ વાળુંધ્યો કાંઉ કરે જેને બાંયાબળ હોય; તું ખર ને હું ખીમરો જુદ્ધ કરું તે જોય. (અરે તારો કાળ જેવો બાદશાહ પણ જેને બાંયમાં-ભુજામાં બળ છે તેને શું કરશે? હું જુદ્ધ કરું તે જોઈ લેજે.) પછી બાદશાહનો કવિ કહે છે કે મામદશા તો ફણીધર છે; તો ખીમાનો કવિ ખીમા વતી પડકારે છે કે, ફણીધર તેને ઘર ઘર ફેરવું, ના ક ચ ડા વી ન થ; હું ખીમો લખધીરરો છઉં ગારડી સમરથ. (તારા ફણીધરને તો હું નાકમાં નથ પરોવીને ઘેર ઘેર ફેરવીશ. હું લખધીરનો પુત્ર ખીમો તો સમર્થ ગારુડી છું.) મુસ્લિમે બેન કીધી આ બાદશાહ મામદશા કોણ? લોકવાર્તા તો આમ બોલે છે. ખીમો વાજો કોઠ ગાંગડની વાઘેલી કન્યાને પરણેલા. કન્યાને લઈને વેલડું ચાલ્યું આવતું હતું. રસ્તામાં કંટાળા ગામ પાસે ધોકડવા ગામે થઈને નીકળ્યું. ત્યાં એણે મામદશા બાદશાહનો બગીચો દીઠો. પછી કોટડે આવ્યાં. ત્યાં તો બાઈએ ઉજ્જડ દીઠું. પતિને કહ્યું કે ‘ઓહો! શું બાદશાહનો બગીચો છે!’ આંહી તો તમે કહેલ આંબાઆંબલીને બદલે બાવળ ને બોરડી જ છે! ખીમો કહે-હા, બગીચો તો ધોકડવે જ છે. જાવે બગીચાવાળા કને! વાઘેલી રાણી ચાલી. હેલ ભરીને મામદશાને આંગણે જઈને ઉભી રહી. મામદશા કહે ‘કોણ?’ કે ‘મેણીઆત.’ કે ‘મેણું ખુદા ઉતારશે. બેન છો.’ બહેન કરી રાખી. બેનને કોલ દીધો કે તારા ધણીને મારીશ નહિ. પણ કોટડા તો પાલટીશ. કોટડે બાદશાહી ફોજે ઘેરો ઘાલ્યો. ત્રણ વર્ષ થયાં પણ કોટ તુટે નહિ. પણ ખીમાએ એક વાર ‘રતનાગરની શાખ’ લોપીને ભરૂચના એક વાણિયાને લૂંટ્યો. વાણિયો ગાંડો થઈ ગયો. રતનાગર સ્વપ્નામાં આવ્યા. ‘કહેજે બાદશાને કે સવા પહેાર દિ’ ચડ્યે ખીમો પગમાં હથિયાર છોડશે.’ ખીમાએ એ દિવસ એક લાલ વાવટાવાળું વહાણ જોયું. વહાણ દીઠા ભેળું સમાઈ ગયું. ને ખીમાએ રતનાગર રૂઠ્યા ગણી તરવાર છોડી. બીજી વાત એમ છે, કે ખીમો અજિત હતો, કારણ કે એને મા ચામુંડા તરફથી ચૂડી મળેલી તે પોતે કાંડે પહેરી રાખતો. પાદશાહને આ ખબર પડી. એણે ખીમાને મેણું દીધું— ‘બાઈડી છો તે બોલાયું પહેરછ?’ એ મહેણાથી ચૂડી ફગાવી દઈને ખીમો લડાઈમાં ઊતર્યો, હાર્યો, પકડાયો. એની આંખો સીવી લીધી. પછી બાદશાહે દમણને પાલટવા ચડાઈ કરી. તેમાં ખીમા વાજાને સાથે લઈ જઈ ત્યાં વોરી મુસલમાન પરણાવી હતી. એના વંશના હજી પણ વોરા વાજા કહેવાય છે. એના વહાણમાં ભીલ કોળી લડવૈયા હતા. શઢના કૂવા ઉપર માતા ચામુંડાનું ત્રિશૂળ હતું. એના ભીલ લડવૈયામાં ઉગો ને હામો એ બે નામો જાણીતાં છે. ઉગાને ફિરંગીઓએ ચણ્યો હતો દમણના કોટમાં, હામાની બેડીઓ બૂટ માને પ્રતાપે ગળી. બંદીખાનું તોડીને ભાગ્યો, એક કૂવાથંભ વગરના વહાણમાં ચડી જઈ એ વહાણ હાંકી કોટડે આવ્યો હતો. રાડું અને જોડો આવી આવી ચાંચિયા બહાદુરોની વાતો એ રાત્રિએ હેઠા કોટડા ગામના એક ભીલ ગામેતીએ – જેને ઘેર ઉતારો હતો – તેણે મૃત્યુકાળ નજીક હતો તેવા દિવસોમાં, હોકો પી પીને શરીર કાંટે રાખીને સંભળાવી હતી. પણ એ સર્વ વીરતાને સામે પલ્લે નીચેની એક જ વાત હું ઊંચા કોટડાના ભૈરવી ખડક પરથી મગજમાં લઈને ઊતર્યો હતો— ખડક પર ગામની વચ્ચે, દેવી ચામુંડાનાં ફળાંની નજીક જ એક ચુનાબંધ ચણેલ ઓટો હતો. એ જોઈને મેં પૂછ્યું ‘આ શું છે?’ લોકોએ મને જવાબ દીધો— ‘વે’લાંની વેળામાં, આંઈ એક પરદેશી ટોપીવાળો આવેલો. એણે આવીને બીજું કાંઈ ન કર્યું, પણ એક ધૂડનો ધફ્ફો બનાવી, તેના પર એક રાડું ખોડી, એ રાડા ઉપર પોતાનું એક પગરખું ભરાવ્યું, ને મૂંગો મૂંગો બસ ચાલ્યો જ ગયો. પાંચ વરસે એ પાછો આવ્યો, તપાસ્યું તો પોતે ગોઠવેલ પગરખું, રાડાની ટોચે બરોબર જેમનું તેમ છે! બસ, ચુપચાપ પાછો ઊતરી ગયો, ને થોડા જ દિવસમાં આંહીં દરિયાકાંઠે ફિરંગીઓના ધાડાં ફરી વળ્યાં, મુલક સર કરી લીધો. મેં પૂછ્યું, ‘એ જોડાવાળી વાતનો મર્મ શું?’ ‘મર્મ એટલો જ બાપુ, કે એણે લોકોનું દૈવત પારખી લીધું. એણે જોયું કે જે લોકો આવી કરામતથી પણ ડરી જઈ, પાંચ વર્ષ સુધી એ પગરખાને અડક્યા પણ નહિ, તે લોકો નીર્વીર્યતાને છેક છેલ્લે પાટલે બેસી ગયા હોવા જોઈએ, માટે હવે અહીં ફિરંગી ફોજ ઉતારવામાં વાંધો નથી.’ એ આપણી દૈવતવિહોણી દશાનું આ સ્મારક છે. અહીં ફિરંગીઓએ પાકો ઓટો બનાવીને આપણા કપાળમાં કાળી ટીલી તરીકે ચોડી ગયા.
‘મારી મેંદીનો રંગ ઉડી જાય રે!’ કરસનજી તેડાં મોકલે રે રાધા! મારે મોલે આવ, રે રાધા! મારે મોલે આવ. ઓતર-દખણ ચડી વાદળી રે ઝીણા ઝરમર મેહ રે ઝીણા ઝરમર મેહ જાઉં તો ભીંજાય ચૂંદડી રે નીકર તૂટે રે સનેહ રે નીકર તૂટે રે સનેહ ધોળી ભીંજાય મારી ચૂંદડી રે મારે રાખવો સનેહ રે મારે રાખવો સનેહ ટાંચણમાંનું આ ગીત ૧૯૨૮ નો ભાવનગરમાં લીધેલો બેએક વર્ષનો વસવાટ યાદ કરાવી રહેલ છે. મકાન-માલિક નવું ચણતર કરાવતા હતા, મજૂરણો ચૂનો ખાંડતી ખાંડતી તાલે–સ્વરે ને કાવ્યે આ ચણતર-મસાલાને રસતી હતી. ગવરાવનારી ૪પ વર્ષનું વય વટાવી ગયેલ, અર્ધબોખી હતી. કાળું ફાટલું ઓઢણું યાદ આવે છે. દેહ ઢાંકવા નિરર્થક મથતા સાડલાની માફક જ દેહની ચામડી તરડાયેલી હતી. અનામત હતો ફક્ત એક કંઠ. ‘જાઉં તો ભીંજાય ચુંદડી રે, નીકર તૂટે રે સનેહ!’—સ્નેહ. જીવનની એ સનાતન સમસ્યા છે. સાચો પ્રેમ પલના યે વિલંબ વિના સમસ્યાનો નિકાલ લાવે છે– ‘ધોળી ભીંજાય મારી ચૂંદડી રે ‘મારે રાખવો સનેહ’
‘ઘોળ્યો’ — એ એક જ શબ્દમાં આ પંજાબીઓએ, સિંધીઓએ અને સોરઠવાસીઓએ નિછાવરપણાની કેટલી બધી ઘટ્ટ ઘન તાકાતની ઊર્મિ ભરી આપી છે! સામા પારના વાસી પિયુ મેહારને છેલ્લી વાર મળવા જતી સુહિણીએ પણ સિંધુનાં મધ્યવહેનમાં મધરાત્રિએ ઓગળેલ ઘડાનો આધાર ગુમાવ્યો હતો ત્યારે આ ‘ઘોળ્યો’ શબ્દ જ ઉચ્ચાર્યો હતો : ‘ઘર ભગો ત ગોરેઓ—’ ઘડો ભાંગ્યો તો ઘોળ્યો! આપબળે તરીને આ ભયાનક સિંધુ–પ્રવાહ પાર કરીશ, પાછી તો નહિ જ વળું. મારા પિયુ વાટ જોઈ રહેશે. મુસ્લિમ સંસ્કારની પ્રસાદી ભાવનગરને ઘરઆંગણે ચૂનાની કૂંડીમાં ઘોકા પડે છે, અને બીજું એક ગીત એના તાલ-સ્વર-બોલની ત્રેવડી ધારે સિંચાય છે— ધૂપ પડે ને ધરતી તપે છે ભલા ધૂપ પડે તો ધરતી તપે છે ભલા! સૂરજ રાણા ધીમા તપોને મારી મેંદીનો રંગ ઉડી જાય! કોના હાથપગની હથેળીઓ પાનીઓ પરથી સંસાર–સૂરજના ઉગ્ર સંતાપ આ મેંદીનો રંગ ઉછેડી લેતા હશે? કોઈક મિંયાંની બીબીના જ તો! મેંદીના લાલી–શણગાર સજતી. એજન્સી થાણાના પોલીસોની ગરીબ રસિક સિપારણોમાં મારી શૈશવ–સ્મૃતિમાંથી તરવરી આવે છે. સાત સાત રૂપિયાના પગારદાર પતિઓની એ સપારણો બે રીતે લાલી પ્રગટાવતી : મસાલા વાટીને અને મેંદી વાટીને : Food & Sex : મેંદીનો રંગ, એ તો છે મુસ્લિમ સંસ્કારની પ્રસાદી. ગીત પણ મિંયાનો જ નિર્દેશ આપે છે— મિયાં કે વાસ્તે દાતણિયાં મગાવું ભલા! ××× મિયાં કે વાસ્તે પોઢણિયાં મગાવું ભલા! હાં રે મારાં જોબન જાય ભરપૂર, હાં રે મારાં નેણાં ઝબૂકે જલપૂર સુરજ રાણા! ધીમા તપોને, મારી મેંદીનો રંગ ઊડી જાય. વિવેચનનો સૂર્ય–તાપ વધુ તપે તો આ ગીતોનો મેંદી–રંગ પણ ઉપટી પડે એ બીકે વધુ કંઈ લખાતું નથી. જોબન જેનાં ભરપૂર નીરે વ્યર્થ વહી જતાં હશે તેનાં નેણાંમાં જલબિન્દુઓ ઝબૂકી રહેતાં હશે. એક ત્રીજુ ટાંચણ ટીપણી–ગીત આપે છે— મોર આદુર દાદુર બોલે છે, ઝરમર મેવલો વરસે છે. તમે જેસર ઓરા આવો રે એક તમારી અરજ કરું. આંગણીએ હોજ ગળાવું રે ચોકમાં ચંપો રોપાવું. વીંઝણલે વાહર ઢોળું રે ફૂલની સેજે પોઢાડું આટલી બધી સુકોમળ સારવાર શા માટે? આટલા માટે કે— તમે ધડીક મુજ પાસે બેસો રે હૈડાં હેઠાં મેલીને. તમને સાચી વાત સુણાવું રે જો રુદિયામાં રાખો તો. તમે જો રિદિયામાં રાખો તો. અમરત આલું ચાખો તો!
સ્વતંત્ર રચનાઓનો જન્મ હૈડાં હેઠાં મેલીને મેં એ ટીપણી–ગીતો એકાદ પખવાડિયું સાંભળ્યા કર્યા. રુદિયામાં જ રાખે ગયો. એમાંથી જન્મ થયો–મારી સૌપહેલી સ્વતંત્ર ગીતરચનાઓનો. દીકરી ઈંદુ ખોળે રમતી હતી, છએક મહિનાનું ફૂલ, ત્યારે ત્યાં, ભાવનગરમાં ‘વેણીનાં ફૂલ’ રચાયાં— લીલા છે મોર કાળી વાદળી રે એક વાર ઉભાં રો’ રંગવાદળી વરસ્યા વિણ શાને વહ્યાં જાવ રે એક વાર ઊભાં રો’ રંગવાદળી! એ ઋતુ-ગીત; ‘નીંદરભરી રે ગુલાલે ભરી ‘બેનીબાની આંખડી નીંદરભરી રે’ એ હાલરડું; અને ભેટે ઝૂલે છે તલવાર વીરાજી કેરી ભેટે ઝલે રે. એ શૌર્ય ગીત તો રાત્રિયે સૂતા પહેલાં રચીને પ્રભાતે સ્વ. મિત્ર અમૃતલાલ દાણીની પાસે હોંશભેર લઈને દોડ્યો ગયેલો તે સાંભરે છે. એનું પ્રોત્સાહન પામીને વળતા જ દિવસે ‘શિવાજીનું હાલરડું’ બનાવ્યું. એક જ બેઠકે રચીને પછી જ ઉઠ્યો, દાણી પાસે પહોંચ્યો. અમૃતલાલ દાણીએ લાલન કર્યું બોટાદકરની કવિતાનું લાલન કરનાર એ અમૃતલાલ દાણી હતા. મારી આ કવિતા–કૂંપળોને પણ એ જ અમૃતલાલે અમૃતમય ઉત્સાહે સિંચી ઉઝેરી. ‘આવો આવો રે બહાદુર ઓ બહેન હિંદવાણી!’ નું મારું ગીત ભાઈ અમૃતલાલના આત્માને સ્વરહિલ્લોલ પર ચડાવી ડોલાવી શક્યું હતું. પોતાના મહિલા–વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ–જેમાં કુમારિકાઓથી લઈ સુહાગણો વિધવાઓ પણ હતી–તેમની આગળ આ કૃતિઓ સંભળાવવા પ્રેરીને, આડકતરી તેમજ સીધી ઉભયવિધ જુક્તિ વડે મારામાં કવિતાસર્જકતાનો આત્મવિશ્વાસ રોપનાર પણ અમૃતલાલ દાણી હતા. દાણીનું એ ઋણ ન ચુકવાય તેવું છે. સામા માણસને પોતાની પ્રભા વડે આંજી દેવો, પોતાના તેજપુંજથી ચકિત, મુગ્ધ, સ્તબ્ધ બનાવી દેવો, પોતાનો નમ્ર આશ્રિત ભક્ત બનાવવો, એ સહેલ છે. સામા માણસની સુષુપ્ત શક્તિઓને પારખી લઈને પછી એની લાઘવ-ગ્રંથિનું આવરણ ઉખેડી લેવું, એનામાં નિજશક્તિભાન સંચારવું અને એને આ નિજ શક્તિનાં અતિભાનમાંથી ઉગારી લેતે લેતે સર્જનપ્રવૃત્તિને પંથે પળાવવો એ વિકટ કામ છે. દાણીમાં એ આવડત હતી. મારી કાવ્યસર્જકતાનો રોપ, સીધેસીધી રાષ્ટ્રોત્થાનભાવની જોખમભરી ભૂમિમાં પડતો બચી ગયો અને નિસર્ગલક્ષી બાળગીત કૌમારગીત તેમજ દાંપત્યગીતની ક્યારીમાં રોપાયો એ સ્વ. દાણીના પ્રતાપ. પત્રકારિત્વથી હું ત્યારે આજની માફક આઘો ખસી ગયેલો હતો. ‘કિલ્લોલ’ ‘વેણીનાં ફૂલ’નો ફાલ એટલે જ સંભવિત બન્યો. રાષ્ટ્રભાવી કૃતિઓનો ઉગમ તો તે પછી, ફરી પત્રકારિત્વે ઊતર્યો ત્યારે, ’૨૯–’૩૦નાં વર્ષોમાં, ‘જાગે જગનાં ક્ષુધાર્ત’ અને‘“કવિ તને કેમ ગમે!’ એ અનુકૃતિઓ વડે સૌરાષ્ટ્ર સાપ્તાહિકનાં પહેલાં પાનાંને શણગારવા માટે થયો હતો. ‘યુગવંદના’ મને પ્રિય છે, પણ ‘વેણીનાં ફૂલ’ ને ‘કિલ્લોલ’ પ્રિયતર છે. જનમેદનીને પ્રાણમાં જલધિ-ઘોષ ગર્જાવતું— જાગો જગનાં ક્ષુધાર્ત જાગો દુર્બલ અશક્ત પૃથ્વીના પાટ પર કરાલ કાલ જાગે અગર તો— છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ! એનાં કરતાં મનમાં મનમાં એકલા ગવાતું મારું— મોરલા હો મુંને થોડી ઘડી તારો આ૫ અષાઢીલો કંઠ! ખોવાયેલી વાદળીને હું છેલ્લી વાર સાદ પાડી લઉં. એ ગીતો જીવનની વિફલતાઓ વચ્ચે વિશેષ આશ્વાસક બની રહેલ છે. ચૂંદડીની રંગઝાલકો ’ર૭–’ર૮ની આ બે સાલનું શ્રેય આટલેથી સમાપ્ત નથી થતું, સ્વ. દાણીને ખાતે જમા થયેલ બીજું એક મહાઋણ છે, ‘મેઘાણીભાઈ, તમે લોકગીતોનો ગરબા, રાસડા, હાલરડાં વિ. પ્રદેશ ખેડો છો, પણ કાવ્યદૃષ્ટિએ ઘણાં વધુ ચડિયાતાં આપણાં લગ્નગીતોને તો તપાસો.’ આ હતી ભાઈ દાણીની વારંવારની ટકોર, લગ્નગીતોનો પ્રદેશ મારે માટે અણદીઠ હતો. એમાં મને પ્રવેશ કરાવનાર અમૃતલાલ. એમનાં પત્ની જયાબહેને આ ગીત–ભવનનાં બારણાં ઉઘાડી આપ્યાં. સ્વ. દાણી સાચા પડ્યા. જયાબહેન જેમ જેમ ગાતાં ગાયાં— ધરતીમાં બળ સરજ્યાં બે જણાં એક ધારતી બીજો આભ વધાવો આવિયો. આભે મેહુલા વરસાવિયા ધરતીએ ઝીલ્યા ભાર-વધાવો એ પહેલું ગીત;— દૂધે તે ભરી રે તળાવડી મોતીડે બાંધી પાળ; ઈસવર ધોવે ધોતિયાં પારવતી પાણીડાં જાય. એ બીજું;— એક ઊંચો તે વરનો જોજો રે દાદા! ઊંચો તે નત્ય નેવાં ભાંગશે. એ પુત્રીહૃદયના આગળા ઉઘડાવતું ગીત – કુંવારી ચડી રે કમાડ સુંદર વરને નિરખવા રે એ સ્વયંવર ગીત : કાળી શી કોયલ શબદે સોયામણી આવે રે કોયલ આપણા દેશમાં એ લગ્નજીવનના સાફલ્યનું શેષ મંગલ— તેમ તેમ જીવન-ચૂંદડીનાં ગલકૂલ વણાટમાં ઊપડતાં આવ્યાં. ‘ચૂંદડી’ નામના લગ્નગીત-સંગ્રહો પ્રજાને આપ્યા એ તો ઠીક, પણ એ ગીતોની સંજીવનીએ આ બળતા વેરાન વચ્ચે આતમ-ભૂમિને રસવાનું જે ચિરકાલીન કામ બજાવ્યે રાખ્યું છે તેની વાત કરવા બેસતાં વાચા વિરમી જાય છે. કેટલીક વસ્તુઓ તો મૂંગાં મૂગાં જ માણવા જેવી છે, ને પછી તો ‘ચુંદડી’ની રંગઝાલકો ક્યાંક્યાંથી ઊડી તે યાદ કરું છું. એક અજાણ્યાં બહેને છેક બ્રહ્મદેશ–આક્યાબથી એક ગીત સંગ્રહમાં નહોતું તે કાગળમાં મોકલ્યું— ગોરાં... વહુ તે ...ભાઈને વીનવે, તારા ગામની સીમડી દેખાડ રાયજાદા રે લાલ છેડો લટકાં રે. તમે આઘેરાં ઓઢો ગોરી ઓઢણાં, મારા છોગલાને છાંયે ચાલી આવ મારી ગોરી રે લાલ છેડો લટકાં કરે. એ એક જ ગીતે મને નિહાલ કરનાર સૌરાષ્ટ્રણ બહેનનાં દર્શન અને સમાગમ તે પછી પંદર વર્ષે ‘૪૪માં અચાનક પામ્યો. એનું નામ ચલાળાના લાખાણીપુત્રી સૌ. હેમકુંવર બહેન મગનલાલ. અને બીજો પરિચય તો એ કરતાં પણ વધુ વિસ્મયકર બન્યો. મંગલમૂર્તિ વિજયાબહેન દુર્લભજી પરીખ સાથેની અમારી લેણાદેવીના આજલગીના અખૂટ રહેલ ચોપડામાં પહેલો આંકડો એક લગ્નગીતથી પડ્યો. સીધાં તો મને લખે પણ નહિ એટલાં બધાં અજાણ, તે એક ત્રીજા સ્નેહી દ્વારા ‘ચૂંદડી’ના એક ગીતની ખંડિત પંક્તિઓ પૂરી પાડી અને વિશેષ સંખ્યાબંધ ગીતો લખી મોકલ્યાં. મારો અને મુજ જેવાં અનેકનો વિસામો બનનાર વિજયાબહેન દુર્લભજીભાઈની દુનિયા જ છેક નિરાળી. આ લગ્નગીતોએ વચ્ચે સેતુબંધ સરજાવ્યો. ચલાળાવાસી ગં. સ્વ. મણિબેન પાસેથી મળ્યું અણકલ્પ્યું એક રસગીત— લાડી! તમને કેસરીયો બોલાવે હો રંગભીની! ઓરાં આવો મૂજ પાસ. પાળી ચાલું તો મારા પાહુલિયા દુઃખે, કેમ રે આવું વરરાજ! મોકલાવું રે મારાં અવલ વછેરાં, બેસી આવો મુજ પાસ. હડાળા દ. શ્રી. વાજસૂરવાળાનાં પુત્રીઓએ કાઠી લગ્નગીતો અધરાત સુધી જાગીને ગાઈ ગાઈ ઊતરાવ્યાં, મિત્ર હાથીભાઈ વાંકે એમનાં (તે વખતે મારી ઓજલ પાળતાં) પત્ની પાસે ગવરાવી નોટ ભરી મોકલ્યાં. હમણાં જ એક અખબારમાં કવિ શ્રી નાનાલાલના કોઈક વ્યાખ્યાનનો અહેવાલ જોયો. અંદર હતું કે, મેઘાણીને મળેલા લોકગીતો તો બહુધા બરડાની મેરાણી-દીધાં છે.’ વાત દૂષિત છે, મારાં ગીતદાતા માનવીઓનાં નામ તો મારા પ્રત્યેક સંગ્રહની પ્રસ્તાવનાઓમાં રજુ છે. એટલું સાચું કે શ્રીગણેશ કરાવનાર હતાં મેરાણી બહેન ઢેલી, બરડાના બગવદર ગામનાં. પણ હું ભમ્યો છું પ્રાંતપ્રાંતે. મને સાંપડેલ છે સ્થળેસ્થળના ટહુકાર. ટાંચણ-પાનાંની આ વાર્તા કહેવાનું કહી રહી છે. ખવાસણો ને કાઠીઆણીઓ, વણિક ને બ્રાહ્મણ સ્ત્રીઓ, ઝાલાવાડ, હાલાર અને ગોહિલવાડનું પ્રતિનિધિત્વ કરનારી અનેકની કનેથી હું પ્રસાદી પામ્યો છું. બલંક મને તો બૃહદ્ ગુજરાતનાં વિચિત્ર પ્રતિનિધિઓ વિલક્ષણ રીતે ભેટી ગયાં છે.