ભૂંસાતાં ગ્રામચિત્રો/૧૧. સીમ-સીમાડો

From Ekatra Wiki
Revision as of 10:59, 17 January 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૧. સીમ-સીમાડો

‘ઘરની દાઝી વન ગઈ તો વનમાં લાગી લ્હાય’. માનવજીવનની વિષમતાને ચીંધતી આ લોકોક્તિ ‘પડે છે ત્યારે સઘળું પડે છે—’ની પણ નિર્દેશક છે. જોકે, આથી ઊલટું મારા ગામ મોટાપલ્લાની વહુવારુ ઘણી વાર ઘરકંકાસ કે મનદુઃખની મારી સીમ-ખેતરમાં જતી રહે છે. સાથે જ ત્યાં એને ઘણી રાહતનો અનુભવ થાય છે. ઘર-ગામ એને એક સીમામાં રાખે છે જ્યારે સીમ એને અસીમનો અનુભવ કરાવે છે. તરુખેતર, વાડવેલા, મોલ-માણસ ને પશુપંખીઓથી ભર્યું ભર્યું એ વિશ્વ… માથે નીલાકાશથી વરસતો અવકાશ. હૂંફાળ તડકો ને નીચે હરિતા ધરતી! મનનાં કારણો અહીં ઘડીક વિસારે પડે… છેવટે પડોશણ સાથે ખેતરશેઢે બેસીનેય દુઃખવિસારો કરવા જેટલો વખત મળે… કહી દેવાથી હળવા થવાનું સુખ વહુવારુને સીમમાં મળે એટલું કૂવાકાંઠે થોડું મળે! ઘરની દાઝીને સીમમાં સથવારો સાંપડે છે.

વહાલનો પર્યાય બનીને ગામને વીંટળાઈ વળેલી સીમ ઘરની પછીત સુધી આવી જાય છે — ચોમાસે ઘાસ થઈને કે શિયાળે પાકેલાં ધનધાન્ય રૂપે… ગાડે ચડીને આવે છે સીમ! પણ આપણે સીમનાં અસીમ રૂપો જોવાં છે! ગામડે સ્ત્રીને ઘરકામ અને સીમ-ખેતરનાં કામ — બે વચ્ચે પસંદગી કરવાની હોય તો મોટા ભાગની સ્ત્રીઓ ખેતરસીમ પસંદ કરે. હાસ્તો! ઘરમાં તો રાંધવાથી માંડીને વાસણ, કપડાં, ઢોરઢાંખર અને છોકરાં-મહેમાન સુધી અનેકની કાળજી લેવાની ને સો ભાતનું કામ કરવાનું… પાર જ ના આવે, જ્યારે ખેતર-સીમમાં તો નિરાંત. જે કામ હાથમાં લીધું એ કર્યે જવાનું… વચ્ચે પોરો ખાવ ને પાછા ઓળમાં આગળ વધો. સીમમાં કામ કરવાનો આનંદ મળે છે — તાપટાઢથી ટેવાઈ જનારાંને તો વગડો જ વહાલો લાગે. આ વાત અમારા પૂર્વોત્તર પંચમહાલના પાટીદારોની છે… ચરોતરના સુંવાળા પાટીદારોની કે કદીય ખેતર-સીમમાં ન જતી એમની વહુ-દીકરીઓની નથી!

ધોરણ નવમામાં ભણતો’તો. છંદો શીખતો’તો, ત્યારે મેં પહેલવહેલી કવિતા લખેલી, દલપતશૈલીમાં કરેલો એ કાવ્યપ્રયત્ન સીમ-ખેતરની સાખે થયો હતો  :

‘આંબા ઉપર મોર બેઠો, કોયલ ક્યાંક છુપાઈ;
બા-બાપુજી ખેતર વાઢે, ગાડું જોડે ભાઈ!’

મેંય મગફળીનાં ખેતરોમાં કામ કર્યું છે. ‘ઓતરાચીતરા’ના તાપમાં ડાંગર-બાજરી વાઢવા લાગ્યાં છે… ખેતરોમાં રખોપા સારુ રાતો ગાળી છે ને માળે બેસી સૂડાચકલાં ટોયાં છે. કામ અઘરું પડે પણ ફાવી જાય પછી સીમ-ખેતર વિના સોરવાય નહીં… ઋતુઋતુના એના કૈંક રંગો, મોસમ પ્રમાણેનાં ધનધાન્ય અને જાતજાતનાં ફૂલફળોની દુનિયા! વાવકૂવા ને નહેરતળાવનાં ચોખ્ખાં પાણી… જાતભાંગીને કામ કરતું મનેખ. મહેનતનો રોટલો ખાઈ, ઝાડ નીચે, હાથને ઓશીકે, ધરતીને ખોળે, છાંયો ઓઢી ઊંઘતો મજૂર… ને એના જ જાતભાઈ એવા આપણે! ત્યારે ખાસ કશી એષણાઓ નથી જાગતી.

રહેવા કાજે માટેરી ઘર કે ઘાસછાયું ચોખ્ખું એક ઝૂંપડું. એની ચારે બાજુ વૃક્ષોની છાંયા, પાસે બારમાસી કૂવો, પહેરવા બે જોડ કપડાં, ખાા માટે ઊનાં રોટલો, શાક ને પોઢવા પડસાળે ઢાળેલો ખાટલો. હરવાફરવા સીમવગડો, નહાવા તળાવ ને તરવા નદી, ચઢવા ડુંગરો ને ઊતરવા ટેકરીઓ, સંતાવા વાવ ને રાજી થવા મોલલચ્યાં ખેતરો, વગાડવા પાવો ને બજાવવા ઢોલ, પવન અને પાંદડાંની સંગતમાંથી પ્રગટતું સંગીત, ઝાંપલી ખોલી મળવા આવતો વાયરો, લળી લળીને ‘આવ’… ‘આવ’ કહી બોલાવતાં તળાવપાળનાં કાશફૂલો, ઓળખનાં ઉખાણાં પૂછતાં પંખીઓ… માટી સાથે સદાચ મહેનત, ઊંઘના ખોળા સુધી લઈ જતો થાક… ક્યાં ગયું આ બધું! મારા ગામની સીમમાં આજેય આ સમૃદ્ધિ છે… તો કયો શાપ મને શહેર સુધી લઈ આવ્યો છે? કઈ સંસ્કૃતિનું આ કારસ્તાન છે?

ટીંબાવાળી રાયણોમાં ખરતાં રાયણાં પીળાં પીળાં મે-જૂનના તડકા જેવાં. મધુરપ એની માના દૂધ જેવી. સીમના છેવાડે ઊભેલા હાર્યોવાળા આંબાની સાખો… બાળસખી જેવી આંબડીઓ… એને આવેલા મરવાનો સ્વાદ તે કાચી વયની છોકરીના સાથ જેવો… તૂરોખટસૂરો  : પેલી અખાતરિયા આંબાની સાખ લઈ આવતી ઝમકુ. એના રસમાં ઉમેરાતો એના પ્રેમનો સ્વાદ. લાડવાની કાચી કેરી ખાતાં એની મીઠાશ સાથે કોણ સાંભરી આવે તે ના પૂછશો! વાંઝિયા કૂવાની અલાંણીમાંનો જાંબુડો. કાંઈ કેટલાંય જાંબુ ખાધાં છે — વાંઝિયા કૂવામાં છુપાઈને. લક્કડિયા માતા પાસેની બીલીનાં બીલાં તોડીને અમે ચોપડીઓ-નોટો સાંધતા, મા એના ચીકણા ગરથી વાંસની ટોપલીઓ લીંપતી. એની ઈરમી ઈરમી ગંધ ને એવો જ કશોક જરાક ચાખ્યાનો સ્વાદ. તોરણવાળી કોઠીનાં કાંચાં ને પાકાં! મરચુંમીઠું ભભરાવીને ખાવાનાં. શ્રાવણિયા સોમવારનો ઘરનાંએ ફરજિયાત કરાવેલો ઉપવાસ આવાં ખાણાંથી અમે સમૃદ્ધ કરતા. ઝરાના મહુડાનાં મહુડાં મીઠાં, એની સુકવણી શેકીને ગોળ સાથે લાડુ બનાવીને ખાવા મળતી. એને ડોળી બેસે એટલે અમે વાંસ ને થેલી લઈને ઊપડતા.

ટેકરીઓમાં, શિયાળે ચણીબોર પાકે… કાંઈ-કેટલીયે બોરડીઓ, નાની નાની! એનાં રાતાંગલ બોર તોડતાં એનો વાંકડિયો કાંટો ટેરવામાં વાગે કે તરત ચણીબોર જેવડું લોહીનું બુંદ ઊભરી આવે… એય ચૂસી જતા અમે. ચોમાસું ઊતરતાં સીતાફળ ઉતારવાં જઈએ… એને પરાળનાં કૂંધવાંમાં પાકવા મૂકીએ ને પછી રોજ પરોઢે વહેલા ઊઠીને એની ‘ઊઘડેલી આંખો’ જોઈને પાકવાનો અંદાઝ માંડીએ… આ સીતાફળી નામ તો પછી જામ્યું… અમારે તો એ અનૂરાં. એને માટે નિશાળે જતાં-વળતાં ગોઠિયાઓ જોડે લડાઈ થતી. મગફળીનો ઓળો પાડવા સાંજે ખેતરે જઈએ… ચણાનો ઓળો સીમમાં ખાઈએ ને પાછા એના છોડ ઘેર લાવીએ તે સાંજે ઘરઆંગણેય ઓળો પડે… આખો કબીલો વાતો કરતાં કરતાં એ ઓળો ખાય… મકાઈડોડાની જયાફતો, ઝાલરપાપડીના બાફેલા પાલા, શેરડી, બટાટા, પપૈયાં! કોઈ ઋતુ ખાવાની નવજુ વસ વિના આવે જ નહીં! ખાધા વિના અમે રહીએ નહીં.

સીમની હથેળી સદાય ખુલ્લી! ખેતરોમાં કામ કરતાં મનેખ, એમની ઘરસંસારની વાતો; ક્યારેક કજિયા-કંકાસ! મોટે ભાગે શેઢા પડોશીઓ ભેળાં મળીને બપોરિયાં ભાથાં ખાય… સીમની સિકલ જોવા જેવી. ઉનાળે ખેડેલાં ને છાણિયાં ખાતરોની હારબંધ ઢગલીઓથી શોભતાં ખેતરો જોવાં ગમે. એય વરસાદની વાટ જોતાં લાગે. પછી વરસાદ પડે. હળલાકડાં રમણે ચઢે… કોરી ખેતી રોપાઈ જાય… ચારછ દિવસમાં તો ખેતરોમાં હારબંધ અંકુરો ઊગી આવે… શેઢા લીલછાઈ જાય. સીમ, લીટીઓ દોરીને આંક લખેલી, નિશાળિયાંની, હારબંધ ચારે બાજુ ગોઠવેલી, અનેક સ્લેટોના સમૂહ જેવી દેખાય. વધુ વરસાદ થતાં ઘરવાડિયાંની ધરુ ક્યારીમાં રોપતાં મજૂરો વર્તાય. વીસેક દિવસમાં સીમનો ચહેરો ચોમાસુ પહેરી લે, પછી નીંદામણ કરતાં લોકની અવરજવર મંદ પડે. ધીમે ધીમે મોલ લચી આવે… ખેતરો વીંધીને નીકળાય નહીં એવી જમાવટ થાય. પાછી શરદ આવતાં સીમ સોનું છલકાવતી દેખાય… વાઢણાં આરંભાય… ને ખેતરો ખળે ઠલવાય… સીમ મુક્તિ પામેલી પ્રસૂતા જેવી, નિરાંતે સૂતી હોય! થોડાક દિવસોમાં પાછો હળલાકડાંનો હલ્લો થાય. કુંવારકા ધરતી રવિ મોસમ માટે ખેડાય… મોલમાટીની સુગંધોથી મઘમઘ્યા કરે છે સીમ. સીમને જાણે સ્ત્રીઓ સાથે સારું બને… પસાર થતી કેડીઓ, આવતીજતી ભથવારીઓ, ઘાસ લેનારીઓ, વાઢનારીઓ, નીંદનારીઓ… મોટે ભાગે બે-પાંચના ઝૂમખામાં હોય. એમના પગસાંકળાં(છડા)ની ઘૂઘરીઓ ખનકતી હોય, કાચની બંગડીઓ રણકતી હોય, એમનું સોનારૂપાનું હસવું પ્રસરતું હોય! ક્યાંક પન્નાલાલનાં ‘કાળુ-રાજુ’ જેવો ઘાટ હોય તો ક્યાંક ‘મળેલા જીવ’ની જીવી મહુડા નીચે કાનજીની વાટ જોતી હોય. ભર્યા મોલમાં પ્રેમીઓ મળતાં હોય ને મેળે જતાં વળતાં દીધેલા કોલ પાળતાં હોય. કોક પ્રીતવછોયું ઉદાસ હોય કે ડૂસકાં ભરતું હોય — સીમખૂણે છાનુંછપનું! સીમ જેવી મળવાની મોકળાશ બીજે ના મળે! બંને જાતનાં ‘કામ’ ચાલ્યા કરે. ચારે બાજુનાં સીમ-ખેતરનાં નામઠામ હોય — એવાં જ હોય સંકેત- સ્થળો! પાહતું (પસાયતું), ભટિયું, ઢોકળિયાં, બાંમણિયું, કાછલું, પરબિયાં, ડેરૈયાં, ધાંહોવાળાં, માતાવાળું, મોવડિયું, ઝરો, લેંબવાળું, નાડાં, આંબળિયાં, રામવાળું, ટેંબો, કોકલિયાં, માળિયાં, પેંપળિયાં — મૂળાં — કૈં-કેટલાંય નામનાં ખેતરો! જમીનનાં રૂપરંગ એવા ખેતીના દિદાર! ગામડાનું લોક ઘેર રહે છે એથી તો વધારે વખત સીમસીમાડે રહે છે… સીમ વિના એનું આયખું અધૂરું…!!

[૧૯૯૬]