વસુંધરાનાં વહાલાં-દવલાં/૯. સલામ કર!
ઇંદ્રનગરની જેલને દરવાજે તેજબાએ પોતાના બાળકને જેલરના હાથમાં સહેલાઈથી સોંપી દીધો એમ જોનારાઓ કહે છે, પણ જોનારાઓ જ્યાં જોઈ નથી શકતા તે આંતર-સૃષ્ટિનો એક પરમ દ્રષ્ટા તો જુદી જ વાતોનો સાક્ષી બન્યો. છોકરાને માએ છાતીમાંથી ઉતરડીને છૂટો કર્યો હતો. મા કે છોકરો બેમાંથી કોઈ રડ્યું નહિ, કેમ કે તેમને ખબર નહોતી રહી કે ક્યારે રડાય—ક્યારે હસાય. તેઓ બંને ભૂલાં પડ્યાં હતાં. અનાથાશ્રમમાં ચાર વર્ષના એ બાળકનો સંચાલકે જ્યારે કબજો લીધો ત્યારે એની પહેલી તાલીમ સલામથી શરૂ થઈ. સંચાલકે એને પોતાની સામે ઊભો રાખીને હાકોટો દીધો: “બોલ, ‘સાહેબજી, સલામ’!” છોકરો કાંઈ સમજ્યો નહિ. સંચાલકે છોકરાનો જમણો હાથ ઝાલીને એના કપાળ પર મંડાવવા પ્રયત્ન કર્યો. ને એ ક્રિયાની સાથોસાથ ઉચ્ચાર્યું: “શલ્લામ!” છોકરાએ મૂંગે મોંએ જિદ્દ લીધી. એનો હાથ આ નિગૂઢ ક્રિયાને આધીન ન થયો. એણે કહ્યું: “મા!” “મા નહિ, શ-લા-મ.” બીજી વાર સંચાલકે છોકરાના હાથને ઝાડની માફક કપાળ બાજુ મરોડવા મહેનત કરી. “મા, મા, મા.” છોકરાના એ માકારામાં નવું જોર ને ઝનૂન ઉમેરાયાં. સંચાલકે રોટલાનું બટકું હાથમાં લઈને બતાવ્યું. છોકરાએ હાથ ધર્યો: “નહિ, શ-લા-મ.” “નૈ, નૈ, નૈ, મા.” છોકરો રોટલાના ટુકડા સામે ખૂનની જેવી નજરે તાકી રહ્યો. “અલ્યા છોકરાઓ!” સંચાલકે બે વર્ષથી બાર વર્ષ સુધીના તમામ અનાથોને બોલાવી હારબંધ ઊભા કર્યા, કહ્યું: “સ—લા—મ!” ‘સલામ’ કહીને બીજા તમામ છોકરાઓએ કોઈ અજબ ચપળતાથી ને ખુમારીથી કપાળે હાથ મૂક્યા. નવા બાળકે આ દૃશ્ય દીઠું. સંચાલક ફુલાયા ને ફોસલામણા સ્વરે નવા બાળક સામે બોલ્યા: “શ—લા—મ.” “નૈ...ઈ-ઈ-ઈ! મા!” નવો છોકરો જિદ્દ છોડતો નહોતો. “એને કકડીને ભૂખ લાગવા દઈએ. પછી એ માની જશે. બીજા સૌ પોતાપોતાનાં શકોરાં લઈને બેસી જાઓ.” પ્રભાતનું ભોજન હતું. પ્રત્યેક બાળક શકોરું ધરી ધરી આવતો ગયો તેમ તેમ રસોઈયો દરેકના શકોરામાં એક મોટી દેગમાંથી કડછી કડછી ખીચડી નાખતો ગયો. પીરસનારની ઝડપ એટલી બધી પ્રશંસનીય હતી કે કોઈના શકોરામાં મોટો લચકો તો કોઈનામાં નાનો લચકો ચટ ચટ પડતો હતો. પ્રત્યેકના પ્રારબ્ધમાં માંડ્યા મુજબ સર્વને નાનોમોટો લચકો મળતો હતો. વિધાતા અને તકદીર પરની આસ્થાના અંકુરો પ્રત્યેક બાળકના મનમાં આ રીતે વવાતા અને પોષાતા હતા. શકોરાંમાંથી છોકરા ખાતા ત્યારે તે સામે ટાંપી રહેલા નવા બાળકને સંચાલકે બાવડું ઝાલીને ઓફિસમાં લીધો, ત્યાં જઈ પાછી તાલીમ શરૂ કરી: “ખીચડી ખાવી છે?” “હં—અં!” “પીળી પીળી કેવી મજાની છે! લચકો લચકો, મીઠી મીઠી. વાવા વાવા, નૈ!” “હં—અં!” કહીને બાળક પોતાના સૂકા હોઠ પર જીભ ફેરવવા લાગ્યો. “તારે જોઈએ?” “હં—અં!” “તો બોલ: શ—લા—મ.” “નૈ, નૈ, નૈ, મા!” કહીને છોકરાને પોતાનો જોરાવરીથી કપાળે મુકાવેલો હાથ ઝટકાવી લીધો. “તો.... ખીચડી પણ નૈ, નૈ, નૈ!” સંચાલકે બાળકની તોતળી બોલીમાં બાળકનાં ચાંદૂડિયાં પાડ્યાં. છોકરાં થોડી વાર ઊભો થઈ રહ્યો. પછી એ બેસી ગયો. દરમિયાનમાં પિરસણિયો દોડતો આવ્યો. વ્યગ્ર અને ઉશ્કેરાયેલો અવાજે એણે સંચાલકને કહ્યું: “તમે જરા પધારો ને!” “કેમ? શું છે?” “લૂલિયો ફરી વાર માગે છે.” “ફરી વાર માગે છે? લૂલિયો?” ચોંકીને સંચાલક ભોજન-ગૃહમાં ધસી ગયા. લૂલિયો નામે બીજો નવો છોકરો ખીચડીના ચરુ પાસે ખાલી શકોરું લઈને ઊભો હતો. શકોરામાં એક પણ દાણો બાકી નહોતો. લૂલિયાએ શકોરું ચાટીને સાફ કર્યું હતું. ઘડીક પિરસણિયાની તો ઘડીક સંચાલકની સામે ભૂખી આંખ માંડતો લૂલિયો માગતો હતો: “વધુ આપો.” સંચાલકની આંખ ફાટી ગઈ. પિરસણિયો દિગ્મૂઢ બની ગયો. લૂલિયો ફરીથી બોલ્યો: “વધુ આપો.” “લે વધુ —લે-લે-લે! જોઈએ વધુ?” કહેતાં સંચાલકે ચાર વર્ષના છોકરા લૂલિયાને ત્રણ તમાચા ચોડ્યા. “જા, બેસી જા, છોકરાઓને બગાડવા માગે છે તું, એમ ને?” લૂલિયો જ્યાં હતો ત્યાં પાછો બેસી ગયો. “હવે ફરી વાર વધુ માગીશ?” કહી સંચાલકે ફરીથી થોંટ ઉગામી. “નૈ માગું.” લૂલિયાએ બે હાથ આડા દીધા. અને પછી લૂલિયો જ્યારે પોતાની એક ટાંગ ઉલાળતો ઉલાળતો સૌની સાથે શકોરું ધોવા ગયો ત્યારે એક પછી એક તમામ છોકરાઓએ એના ચાળા પાડ્યા. ‘વધુ આપો! વધુ આ...પો! આ લ્યો વધુ! આ લ્યો!’ એમ કહેતા કેટલાક તો લૂલિયાને ધપ્પો મારતા ગયા. ભૂખ્યો પડેલો નવો બાળક આખરે એ શૂન્ય ખંડમાં ચોમેર નજર કરવા લાગ્યો. એણે ભીંતો પર આરસની તકતીઓ દીઠી. પ્રત્યેક તકતીમાં દાતાનાં નામ-ઠામ અને રૂપિયાની રકમ કોતરેલી હતી. તેના ખાડામાં એણે પોતાની આંગળીઓ ફેરવી. એ સુંવાળા સંગેમરમર પર એના હાથ લસરવા લાગ્યા. એ કેટલા બધા મુલાયમ હતા! મારી માનાં સ્તનો કરતાં તો મુલાયમ નથી ના! તોય ઠીક છે. આવડા મોટા મકાનમાં આટલી તો સુંવાળપ જડી ગઈ! હાથ ફેરવતો ફેરવતો એ ભીંતને આધારે ઝોલાં ખાવા લાગ્યો. એનાં મોં અને નાકમાંથી લીંટ ઝરવા લાગી. એને મોઢે માખીઓના બણબણાટ મચ્યા. કેટલી વાર એમ ને એમ પડ્યો રહ્યો તે તો કોણ જાણે, પણ ઊંઘમાં ને ઊંઘમાં એને કાને દૂરથી સ્વરો આવતા હતા. શબ્દો તો એ નહોતો સમજી શકતો, પણ જેઓને કુતૂહલ હોય તેઓને એ શબ્દો કહેવા જોઈએ: નાનપણથી કોઈનાં માતાપિતા મરશો ન...ઈં...ઈં...ઈં...ઈં વચ્ચે વચ્ચે ગીત અટકી જતું ને ધમકીના હોંકાટા ઊઠતા. ‘એ ભાલિયા, આ ગીત ગાતાં ગાતાં હસાય કે રોવાય? મોઢું રોવા જેવું કરતો જા, નીકર તારા બાપ કોઈ આશ્રમને પૈસા નહિ આપે. તારી મા મરી ગઈ છે કે નહિ? મરી ગઈ છે ને? તો એને યાદ કરીને ગાતો કેમ નથી? ખીચડીનો લચકો કેમ ગળે ઝટ ઊતરી જાય છે?’ વગેરે વગેરે શબ્દો વડે તાલીમ અપાઈ રહી હતી. પણ નિદ્રા કરતાં નવાં બાળકોને એના આછા આછા ભણકારા આવવા ઉપરાંત કશી ગમ હતી નહિ. દાતારોની તકતીઓના ફરસા સંગેમરમરે એનું માથું જાણે કે છાતીએ લીધું હતું. એ માથું થોડી વારે નીચે ઢળી પડ્યું. એ સૂતો નહોતો પણ જાણે કરમાઈ ગયેલ મૂળાની માફક પડ્યો હતો. થોડી વાર પછી માથું ગોઠણની જોડે બેવડ વળીને લબડતું હતું. ખીચડીનો એઠવાડ ચાટીને એક કૂતરી ઓસરી પર ચડી. ઓસરીમાં કોઈ માણસ નથી તેની ખાતરી કરીને કૂતરી ઓરડામાં આવી. આવીને એણે નવા બાળકને ગોતી કાઢ્યો. ભૂખી કૂતરીએ બાળકના મોં પાસે બણબણતી માખીઓ પકડવા ડાચિયાં નાખ્યાં. બાળકનાં મોંની લાળ અને નાકની લીંટ ચાટી. બીજું કશું ચાટવા જેવું નહોતું રહ્યું, પણ લાળ વહેશે એ રાહ જોઈને કૂતરી ત્યાં ઊભી રહી. ફરસબંધી ઠંડી લાગવાથી કૂતરીએ ત્યાં આસન વાળ્યું અને બાળકને વારંવાર ચાટ્યો. બાળકને લાગ્યું કે કોઈકનો સુંવાળો હાથ પોતાનું મોં પંપાળી રહેલ છે. માતાથી તાજા વિખૂટા પડેલા બાળકને ઊંઘમાં મા પાછી વળેલી લાગી. એણે માની ગોદમાં પેસવા મોં સરખું કર્યું. એણે ધાવણ તો વહેલું છોડ્યું હતું પણ તેની સાન નહોતી ગુમાવી. જૂની આદતને આધીન એના હોઠે કશીક શોધ કરી. ઓચિંતા એ હોઠ કૂતરીના આંચળ પર ગયા. તાજાં મૂએલાં કુરકુરિયાંની એ માને આંચળ પરના આ નાના હોઠ મીઠા લાગ્યા. ને એમ બંનેની કુદરતી સમજણના પરિણામે કૂતરીનું ધાવણ માનવીના બાળે ધાવવા માંડ્યું. કૂતરી લાંબી થઈને પડી. એની પૂંછડી પટપટ થઈ. એણે બાળકનો દેહ ચાટ્યો. એ પછી એની લાંબી જીભ લસલસ કરતી વાત્સલ્ય-સુખની પાછી વળેલી લહેરમાં ઝૂલી રહી. એકાએક કૂતરીના ડેબામાં એક ધિંગો ધોકો પછડાયો અને એ ભૂલમાં ને ભૂલમાં પોતે જેને ધવરાવતી હતી તે જ બાળકનો અપરાધ સમજીને તેને એક બચકું ભરતી, ‘વોય વોય’ સ્વરે ત્યાંથી નાસી ગઈ. કૂતરીએ બરાબર હોઠ ઉપર જ કરડેલો બાળક ઝબકીને ઊઠ્યો. એણે કૂતરીનો તો ન દીઠી, પણ પોતાના ઉપર ધોકો ઉગામીને ઊભેલા પડછંદકાય સંચાલકને તેમ જ બારીઓમાંથી ખિખિયાટા કરતાં બાળકોને જોયાં. એને ઘઘલાવીને સંચાલકે ખડો કર્યો ત્યારે એના હોઠ પર કૂતરીના ધાવણનાં બે ટીપાં બાજી રહ્યાં હતાં. બાળકે ચીસ પાડતાં પાડતાં હોઠ પર જીભ ફેરવી. જીભ પર કાંઈક ખારું ખારું લાગ્યું. હોઠમાંથી કોઈ ખારાશ ઝરતી હતી. બાળકને એનો સ્વાદ આવ્યો. બાળક એ ખારું લોહી પણ ચાટવા લાગ્યો. લોહી ચટાયું તેમ વધુ આવ્યું. નીચે ટપટપ ટીપાં પડ્યાં ને હોઠમાં બળતરાં હાલી. બાળકના બેઉ હોઠ પર કૂતરીના તીણા દાંતે ઊંડા દંશ મૂક્યા હતા. એ દંશો દેખીને સંચાલક ડર્યા. એણે બાળકને બાવડે હડબડાવીને દવાખાને લીધો. જેલ, દવાખાનું ને અનાથાશ્રમ એકબીજાનાં પાડોશી હતાં. ત્રણેય જાણે સમાનધર્મી સ્વજનો હતાં. “હોઠની આર્ટરીઝ (નસો) કપાઈ ગઈ છે.” નવા આવેલા જુવાન દાક્તરે એ હોઠને ચીપિયા વગેરે ઓજારો વતી ચૂંથી ચૂંથીને નિરાંતે નિરીક્ષણ કર્યું. દરમિયાન બાળકની ચીસો ચાલુ હતી. બીજા પણ એક-બે દાક્તરો આવી ચડ્યા, એટલે ત્રણેય જણાએ આ બાળકના હોઠનું બારીક પૃથક્કરણ કરતે કરતે ‘ડિસ્કશન’ (વિવેચન) જારી રાખ્યું. રૂનો નાનો એવો પોલ ઊડતો હોય તેના જેવી ઊડ ઊડ ગતિએ એક નર્સ ત્યાં આવી પહોંચી. “શું છે, ડોક્ટર?” “સ્ત્રીઓને માટે અતિ કીમતી ગણાય એવી એક ચીજ જોખમમાં છે.” ડોક્ટરે કાતર અને ચીપિયા, લોશન અને આયોડીન વગેરે ચલાવતાં ચલાવતાં નર્સ સામે હસીને કહ્યું. બાળકના હોઠમાંથી લોહી વધુ ને વધુ નાસતું હતું. “યુ, ડેવિલ....!” નર્સે મધુરી ખીજ બતાવી. ત્યાં બીજા દાક્તરે કહ્યું: “હોઠ તો પુરુષોના જ વધુ કીમતી કહેવાય!” “માટે જ આટલી મહેનત કરતા લાગો છો!” નર્સે કહ્યું. “હોઠની આર્ટરી લોહી વિનાની બની જાય કે નહિ, ડોકટર?” “બને પણ ખરી ને ન પણ બને!” સર્વ જ્ઞાનની સીમાનું ચિહ્ન આ અભિપ્રાય છે. “તો હોઠ સુકાઈ જાય કે નહિ?” “હા, કોન્ટ્રેક્ટ થઈ જાય—ઇયળની માફક.” “એને સ્થાને બનાવટી હોઠ નાખી શકાય કે નહિ?” “જોઈએ, હવે આમાં એવું જ કાંઈક કરવું પડશે ને? આર્ટરીઝ વધુ ને વધુ તૂટતી જાય છે.” એમ કહી બાળકને જરા ક્લોરોફોર્મ આપી કાતર વિશેષ ઊંચે ચલાવીને દાક્તરે બાળકના હોઠ ટૂંકા કર્યા. ઉપર પાટાપિંડી કરીને બાળકને અંદરના દરદી તરીકે લીધો. “ફક્ત એક-બે દિવસ જ લાગશે, વધુ નહિ લાગે. કાંઈ ચિંતા કરશો નહિ.” એમ કહી દાક્તરે સંચાલકને વિદાય આપીને પછી પોતે ચા-પાંઉ ખાતે ખાતે પોતાના સાથીઓ સાથે આની ચર્ચા આદરી. એ ચર્ચા હોઠ વિષેની હતી. એમાં પોતે આ બાળકના હોઠ વધુ પડતા ચૂંથી નાખ્યા છે તે વાતનો ચોખ્ખો ઇનકાર હતો. સાથીઓની ઉમેદ એવું ઠરાવવાની હતી કે આ દાક્તરે હોઠ કાપવાનો ‘સ્પેશ્યલ સ્ટડી’ નથી કર્યો. દરમિયાન ક્લોરોફોર્મની મીઠી અસરમાંથી પોતાની ઇચ્છા વિરુદ્ધ બાળક બહાર આવી રહ્યો હતો. લહેર તૂટી ને બાળક શુદ્ધિમાં આવ્યો. એના દાંતે એને કહ્યું કે અમારી પાસેથી અમારા મિત્ર હોઠ આઘા ખસી ગયા જેવું કાંઈક થયું છે. સંધ્યા પણ તે વખતે ધરતીને પોતાના તેજનાં છેલ્લાં ધાવણ-ટીપાં ચુસાવતી ચુસાવતી અંધકારના દંડાની દહેશતે નાસતી હતી. ફરી વાર ખીચડી-રોટલાનું ટાણું થયું હતું. ફરી વાર શકોરાં તૈયાર થતાં હતાં. લૂલિયા છોકરાને ફરી વાર બાળકો ખીજવતાં હતાં કે “વધુ આપો! વધુ માગવું છે ને અટાણે પણ, હેં લૂલિયા?” “લૂલિયાની બીજી ટાંગ પણ તોડી નાખવી જોવે.” “હું જો ‘સાહેબજી બાપુ’ હોત ને, તો ડંડે ડંડે લૂલિયાની ટાંગ ઉડાવી દેત!” ‘સાહેબજી બાપુ’ એ સંચાલક માટેનું સંબોધન હતું. “ભાલિયો ઘંટીમાંથી લોટ ચાટતો’તો આજ. ‘સાહેબજી બાપુ’ને કહી દેવું છે!” “અને ઓલી ગલાબડી જોઈ ગલાબડી?” ચોથાએ એક પાંચ વર્ષની છોકરી બતાવી કહ્યું: “ડુંગળીનું પાંદડું તોડીને સંડાસમાં સંતાઈ ગઈ’તી.” “બધાંની વાત હું ‘સાહેબજી બાપુ’ને કહી દેવાનો છું.” “અને તું કાચી ખીચડી બુકડાવતો’તો તેનું શું?” ગુલાબડી બોલી. “એ બધી વાતમાં કાંઈ નહિ. ઓલ્યો નવો છોકરો તો કૂતરીને ધાવતો’તો!” “હેં અલી ગુલાબડી, કૂતરીનું દૂધ કેવું હોય?” “મેં નથી પીધું, મને શેનો પૂછછ, બાડા!” “તેં તારી માનું પીધું છે?” “કોને ખબર!” “મને સાંભરે છે. મારી મા મરી ગઈ’તી તોય એને હું ધાવતો’તો.” “બહુ મીઠું હોય, હેં?” “મીઠું તો હોય, પણ આવે નહિ ને!” “એક જ દીમાં મારી માનું ધાવણ તો ખારું ખારું થઈ ગયું’તું.” “શાથી?” “કોણ જાણે! તે દી અમારી ગાય હતી ને, ઈ કો’ક ફુલેસવાળા છોડી ગ્યા’તા ને માનું ધાવણ ખારું થઈ ગ્યું’તું એટલું મને સાંભરે છે.” “ગાયને છોડી ગ્યા એમાં તારી માનું ધાવણ ખારું ધાવણ ખારું થઈ જાય? ઈ તો ગાયનું ધાવણ ખારું થઈ જાય. આ દેવલોય ગાંડો થઈ ગ્યો લાગે છે; હે-હે-હે!” એમ કહી ગુલાબડીએ દાંત કાઢ્યા એટલે બીજા તમામે દાંત કાઢ્યા. “હવે તમે કોઈ સમજતાં નથી ને શીદ હસતાં હશો? ગાય લઈ ગ્યા એટલે એમ કે કડી કરી ગ્યા, અમારું ઘર વાસી ગ્યા, તાળું દઈ ગ્યા, ને દીવાનો કાકડો સળગાવીને તાળાને માથે દોરી નાખી ગ્યા, રાતો રાતો ધગધગતો રસ નાખી ગ્યા ને ઈ રસને માથે કાંઈક છાપ દાબી ગ્યા. એવું એવું કાં’ક કરી ગ્યા કે મારી માએ રોયું-કૂટ્યું એટલે એનું ધાવણ ખારું થઈ ગયું. પછી મારો બાપો ને મારી મા બેય જણાં રાતે સૂતાં તે સૂતાં. સવારે બીજા બધા જ ઊઠ્યા, હું ય ઊઠ્યો, પણ ઈ બે જણાં તો સૂતાં જ રિયાં.” “કેવી મજા!” ગુલાબડીએ કહ્યું: “આંહીં તો સૂતાંય રે’વાતું નથી, નીકર ખીચડી ખાવાય કોણ ઊઠે? ભૂખ લાગે જ નહિ ને.” “મારી માને ને મારા બાપને ભૂખ નહિ જ લાગતી હોય?” “એને તો બેય વાતે મજો, ભૂખેય ન લાગે, ઊંઘતાંય કોઈ ન ઉઠાડે!” “અને ઈ ઊંઘી ગયાં એટલે તો મને આંહીં રાખી લીધો ને? હેં ભૈ? ખરું ને ભૈ?” “ને મારા બાપનેય ઊંઘાડી દીધો છે.” ગુલાબડી રાજી થઈ. “ક્યાં?” “દાગતરખાને.” “મોટે દાગતરખાને?” “તયેં નૈ? એનો પગ રેલગાડીમાં આવી ગ્યો’તો.” “કેમ કરતાં?” “મારા બાપનેય ઊંઘ બહુ આવતી’તી. ઊંઘમાં ને ઊંઘમાં મારો બાપો અંજીરને લીલાં-રાતાં ફાનસ દેખાડતો’તો. ઈ સાંધાવાળો હતો. ઈને રાતીપીળી ધજા દેખાડતાં આવડતું’તું. રાત ને દી ગાડિયું, ગાડિયું ને ગાડિયું! ગાડિયુંનાં અંજીર તો મારા બાપ વગર કોઈને ગણકારે જ નૈ. એમાં એક અંજીર હતું ગાંડું. એણે મારા બાપાને ઝોલું આવ્યું તે ભેળો જ ઠેલો માર્યો. પછાડી નાખ્યો. પગ પીલી નાખ્યો. પછી તો એને મોટે દાગતરખાને ધોળાધોળા ફૂલ જેવા ગાદલામાં સુવાડ્યો તોય મારા બાપને ઊંઘ આવી નહિ, ને રાડેરાડું પાડે કે મને ઝટ ઊંઘાડી દ્યો—ઊંઘાડી દ્યો. પછેં એને ખૂબ દવા સુંઘાડી. પછેં એને એવી ઊંઘ ચડી ગઈ કે પગ વાઢ્યો ને, તોય એને ખબર ન પડી. માંડ માંડ ધોળી પથારીમાં સૂવાનું મળ્યું ને, એટલે પછેં મારો બાપો કાંઈ જાગે? મેં, મારી માએ, સૌએ હડબડાવ્યો કે બાપા જાગ, બાપા જાગ, પણ એ તો જાગે જ શીનો? એને મસાણમાં લઈ જઈ બળતાને માથે મેલ્યો તોય ન જાગ્યો.” “પછી તુંને આંહીં લાવ્યા?” “મારી મા ક્યાંક વઈ ગઈ એટલે મને આંહીં લઈ આવ્યા.” “તયેં તું ડુંગળીનું પાંદડું કેમ લઈ ગઈ’તી સંડાસમાં?” ભાવલાએ ગુલાબડીનો કાન આમળ્યો. ગુલાબડીએ ચીસ નાખી. રુદન ચાલી રહ્યું. પણ એ રુદન એકાએક રોકાઈ ગયું. “આ શું? આ નવો છોકરો તો જુઓ! એલા, આજ તો એ દાંત કાઢતો હાલ્યો આવે છે. એનો પાટો આજ છોડ્યો તેમાં એ દાંત શું કાઢતો હશે?” નવો બાળક સમજતો નહોતો કે આ બધા આમ કેમ કહે છે! હું હસું છું? કોણ કહે છે હું હસું છું? એણે મોંએ હાથ દીધા. એને પોતાના દાંત ઉઘાડા લાગ્યા. એ ખસિયાણો પડી ગયો. એ મોં પર હાથ ઢાંકતો ઊભો રહ્યો—ને બધા જ છોકરા હસવા લાગી પડ્યા. બધાને આ નવો છોકરો ગાંડો થઈ ગયો લાગ્યો: “લે, લે, જો તો પણ. આ તો દાંત જ કાઢી રિયો છે: થાકતો જ નથી: શેના માથે દાંત કાઢે છે? આપણી ઠેકડી કરે છે?” હસાહસ અને આનંદની રેલમછેલ ચાલી. બાળકના બે હોઠ ભેળા થઈ જ ન શક્યા. એને ટીખળ ગમ્યું નહિ. એની આંખોમાં પાણી આવી પડ્યાં તો પણ એના મોઢા પરથી દાક્તરની કાતરે ચોડેલું આ ચિર-હાસ્ય ઊતર્યું નહિ. એ ત્યાંથી નાસી ગયો. એટલામાં તો સંચાલકે આવીને સૌને ખબર આપ્યા: “હમણાં શકોરાં મૂકી દ્યો. મે’માન પધારે છે. ગુલાબડી, તમે છોકરિયું એનાં છેટેથી ઓવારણાં લેજો ને લૂલિયા, તમે સૌ ‘સાહેબજી સલામ’ કરીને પછી ‘નાનપણમાં કોઈનાં માતાપિતા’વાળું ગીત ગાજો. ને સોમેશર, જો ગાતાં ગાતાં મોઢું મલક્યું છે ને, તો આજનાં ખીચડી-શાક મળી રહ્યાં તને, હો કે!” મહેમાનને માર્ગ બતાવતા સંચાલક બાળકોની પાસે તેમને લઈ આવ્યા. સૌએ ‘સાહેબજી સલામ’ કર્યું. નવો બાળક બધાથી દૂર ઊભો હતો. તેને સંચાલકે ફોસલાવીને કહ્યું: “મે’માનને સલામ કર, બચ્ચા! ખાઉ ખાઉ આપું.” બાળકે ખિજાયેલું મોં કરીને જવાબ આપ્યો: “નૈ, મા!” એ મા કહેવા ગયો પણ પૂરો ‘મા’ એવો ઉચ્ચાર એનાથી થઈ શક્યો નહિ. “નવો આવ્યો છે.” “હસ્યા જ કેમ કરે છે?” “રીતભાત સમજતો નથી.” “હજુ સાવ નાનો છે.” મહેમાને બચાવ કર્યો. “અમે નાનેથી જ વિનય શીખવીએ છીએ. કૂણી ડાળ જ વળી શકે છે.” સંચાલક અતિથિને લઈ એક બંધ બારણા તરફ ચાલ્યા. “આ તરફ પધારશો?” એમ કહી એણે બારણું ખોલ્યું ને કહ્યું: “આંહીં અમે કોઈને દાખલ કરતા નથી. આપને માટે જ અપવાદ કરું છું.” ખરી વાતે પ્રત્યેક અતિથિને એમ જ કહીને અંદર લઈ જવામાં આવતો. “આંહીં એવા કુટુંબની સ્ત્રીઓને રખાય છે કે જેમનાં નામ હું નથી લઈ શકતો. ઇંદ્રનગરના અગ્રગણ્ય આબરૂદારનું કલંક જોવું છે? સામેના ખંડમાં સંતાડેલ છે.” એક દ્વાર, અંદર બીજું દ્વાર, તેની અંદરનો ખંડ ઊઘડ્યો ને ત્યાં બેઠેલી સ્ત્રી પાછળ ફરીને ઘૂમટો કાઢી ગઈ. “વિધવા છે. સગા કાકાથી......” અધ્યાહાર શબ્દોએ સ્પષ્ટ શબ્દો કહી શકે તે કરતાં વિશેષ વ્યક્ત કર્યું. અધ્યાહાર વાણી ભયંકર હોય છે. બંદીવાન સ્ત્રીની હાજરીમાં જ સંચાલકે આ ‘અધ્યાહાર’ પિછાન પૂરી કરી. બે-ચાર અપંગો અને ગાંડાઓ બતાવીને એણે પરોણા પાસે વિઝિટબુક અને શાહી-હોલ્ડર ધરી દીધાં. આશ્રમનાં અનાથોને કેવું સાફ અનાજ અપાય છે તેની ખાતરી કોઠારમાં લઈ જઈને કરાવી. જે દાળ અને ભાતની ગૂણીઓમાંથી તેણે મૂઠી ભરીને દાણા દેખાડ્યા તે વસ્તુત: રોજ અનાથોના રસોડાનો રસ્તો ભૂલીને સંચાલકના પોતાના ઘરમાં ચાલ્યા જવાના શોખીન હતા.