મેઘાણીની સમગ્ર નવલિકા/વિવાહ

From Ekatra Wiki
Revision as of 06:03, 4 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિવાહ|}} {{Poem2Open}} રાતનો બીજો પહોર જામતો ગયો તેમ શરણાઈઓમાંથી બિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વિવાહ

રાતનો બીજો પહોર જામતો ગયો તેમ શરણાઈઓમાંથી બિહાગના સૂર નીકળવા લાગ્યા. ઢોલનગારાંનો કોલાહલ બંધ છે. માયરાની નીચે છેડાછેડી બાંધેલ વરકન્યા આંખો નમાવીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યાં છે. ચોપાસના ઝરૂખાઓની બારીઓ ખોલીખોલીને નગરની રમણીઓ ઘૂમટાનાં ઝીણાં બાકોરામાંથી વર-કન્યાને જોઈ રહી છે. અષાઢના નવમા દિવસની એ ઝરમર ઝરમર વરસતી રાત્રીએ ધીરું ધીરું આકાશ ગરજે છે, ને ધરતી ઉપર ધીરીધીરી શરણાઈ બોલે છે. એ કોણ પરણે છે? એક ક્ષત્રિય રાજા પરણે છે: મારવાડનો એક મંડળેશ્વર: મેડતાનો તરુણ રાજા. શરણાઈના એકલા સૂર ક્ષત્રિયના વિવાહમાં નહિ તો બીજે ક્યાં વાગે? ઈશાન ખૂણામાંથી વાયુના સુસવાટા વાય છે. આકાશની છાતી ઉપર વાદળાં ઘેરાય છે. માયરામાં મણિજડિત ઝુમ્મરો લટકે છે; દીવાઓ જાણે એ મણિઓની અંદર પોતાનાં હજારો પ્રતિબિમ્બો નિહાળી નિહાળીને નાચી રહ્યા છે. જ્યોતિઓથી ઝળહળતા એ લગ્નમંડપમાં અચાનક કોણ વિદેશી આવીને ઊભો રહ્યો? દરવાજે આ રણભેરી કોણે બજાવી? આ ગઢના નગારા પર ડાંડી કેમ પડી? જાનૈયાઓ વીજળીના ચમકારાની જેમ ખડા કેમ થઈ ગયા? તલવાર ખેંચીને ક્ષત્રિયો વરકન્યાની આસપાસ કાં વિંટાઈ વળ્યા? કોઈ યમદૂત આવી પહોંચ્યો કે શું? ના; એ તો મારવાડરાજનો દૂત આવ્યો છે. વરરાજાના હાથમાં એક લોહીછાંટેલો કાગળ મૂકે છે અને સંદેશો સંભળાવે છે: “દુશ્મનો મારવાડમાં આવીને ઊભા છે, મરધરપતિ રામસિંહ રણે ચઢી ચૂક્યા છે. જોધાણનાથે કહાવ્યું છે કે હે માંડળિકો! હથિયાર લઈને હાજર થજો. બોલો રાણા રામસિંહનો જય!” મેડતાનો રાજા માયરામાં ઊભોઊભો ગરજી ઊઠ્યો કે “જય, રાણા રામસિંહનો જય!” એની ભ્રૂકુટિ ખેંચાઈ ગઈ અને કપાળ પર પરસેવાનાં બિન્દુ જામ્યાં. પરણતી કન્યાની નમેલી આંખોમાં આંસુ છલછલ થાય છે. એનું અંગ થરથર થાય છે. પુરુષ પોતાની પરણેતરની સામે ત્રાંસી એક નજર નાખવા જાય ત્યાં દૂત બૂમ પાડી ઊઠ્યો કે “રાજપૂત, સાવધાન! હવે સમય નથી.” એ ભીષણ અવાજથી આખો મંડપ જાણે કંપી ઊઠ્યો: દીવાની જ્યોતો જાણે થંભી ગઈ. “અશ્વ લાવો, રે કોઈ દોડો! અશ્વ લાવો.” રાજાએ સાદ કર્યો. ચાર નેત્રો મળી ન શક્યાં. મુખમાંથી વિદાયનો એક ઉચ્ચાર પણ ન કરી શકાયો. એ વીરની છાતીમાંથી આંસુ ઊઠ્યાં. તે આંખોને ખૂણે આવીને જ પાંછા વળી ગયાં. હણહણતો અશ્વ આવી પહોંચ્યો. એ-નો એ લગ્નમુગટ, એ ની એ ગુલાલભરી અંગરખી, હાથમાં એ-નો એ મંગળ મીંઢોળ: ને રાજા અશ્વ ઉપર ચડી ચાલી નીકળ્યો. કન્યા તો ઘોડાના ડાબલા સાંભળતી રહી. મંડપના દીવા મણિમાળામાં પોતાનાં મોં નિહાળતા રહ્યાં, પુરોહિતનો મંત્રોચ્ચાર અરધે આવીને ભાંગી ગયો, અને શરણાઈના સૂરો શરણાઈના હૈયામાં જ સમાયા. અધૂરી રહેલી સપ્તપદી હવે ક્યારે પૂરી થવાની હશે? કન્યાને અંત:પુરમાં લાવીને માએ રડતાંરડતાં કહ્યું: “અભાગણી દીકરી! પાનેતર ઉતારી નાખ. મીંઢોળ છોડી નાખ. ગયેલો ઘોડેસ્વાર હવે ક્યાંથી પાછો આવે?” કુમારી કહે: “પાનેતર ઉતારવાનું કહેશો નહિ, માડી! ને બાંધ્યા મીંઢોળ હવે છૂટવાના નથી. આ વેશે જ હું હમણાં મેડતાપુરને માર્ગે ચાલી નીકળીશ. ચિંતા કરશો નહિ, મા! રજપૂત પાછો આવ્યા વિના રહેશે નહિ. અધૂરા રહેલા ફેરા ત્યાં જઈને ફરી લેશું.” પુરોહિતે આવીને આશીર્વાદ દીધો. દુર્વાનાં પવિત્ર તરણાં સાથે બંધાવ્યાં. નગરની નારીઓનાં મંગળ ગીત સાંભળતી રાજકુમારી વેલડીમાં બેઠી. સાથે રંગીન વસ્ત્રો પહેરીને દાસદાસીઓ નીકળ્યાં. માતા બચ્ચી ભરીને કહે છે કે, “બેટા! આવજે હો!” એની આંખમાં આંસુ સમાયાં નહિ. બાપુ માથે હાથ મેલીને બોલ્યા: “દીકરી! આવજે હો!” એણે મોં ફેરવી લીધું. છાનીમાની એણે આંખો લૂછી. ઘૂઘરિયાળી વેલ્ય ધૂળના ગોટા ઉડાડતી પાદર વટાવી ગઈ. નદીને પેલે પાર ઊતરી ગઈ. સ્મશાનની પડખે થઈને નીકળી ગઈ. માબાપ જોઈ રહ્યાં. ઓ જાય! ઓ દેખાય! ઓ આકાશમાં મળી જાય! ઓ શરણાઈનો સૂર સંભળાય! અધરાત થઈ અને મેડતાપુરના દરવાજા પાસે મશાલોનો પ્રકાશ ઝળહળી ઊઠ્યો: શરણાઈઓના ગહેકાટ સાથે રાજકુમારી આવી પહોંચી. નગરને દરવાજે પ્રજાજનોની મેદની જામેલી છે. સહુનાં અંગ ઉપર સફેદ વસ્ત્રો છે. પ્રજાજનો બૂમ પાડી ઊઠ્યા: “શરણાઈ બંધ કરો.” શરણાઈ બંધ પડી. દાસદાસીઓ પૂછ્યું.: “શી હકીકત છે?” નગરજનો બોલી ઊઢ્યા: મેડતાના રાજા આજે યુદ્ધમાં મરાયા. આંહીં એની ચિતા ખડકાય છે. એને અગ્નિદાહ દેવાશે.” કાન માંડીને રાજકુમારીએ વાત સાંભળી. આંસુનું એકે ટીપું પણ એ બે આંખોમાંથી ટપક્યું નહિ. વેલડીને પડદો ખોલીને કુમારીએ હાકલ મારી: “ખબરદાર! શરણાઈ બંધ કરશો મા! આજે અધૂરાં લગ્ન પૂરાં કરશું. છેડાછેડીની જે ગાંઠ બંધાઈ છે તેને ફરી ખેંચી બાંધશું. આજે સ્મશાનના પવિત્ર અગ્નિદેવની સમક્ષ, ક્ષત્રિયોની મહાન મેદની વચ્ચે સપ્તપદીના બાકી રહેલા મંત્રો બોલશું. બજાવો શરણાઈ, મીઠામીઠા સૂરની બધીયે રાગરાગણીઓ બજાવી લો.” ચંદનની ચિતા ઉપર મેડતારાજનું મૂર્દુ-સૂતું છે. માથા પર એ નો એ લગ્નમુગટ, ગળામાં એ-ની એ વરમાળા: કાંડા ઉપર એ-નો એ મીંઢોળ: વિવાહ વખતનું એ મૃદુ હાસ્ય હજુ હોઠ ઉપર ઝબકી રહ્યું છે. મૃત્યુએ એ વરરાજાની કાંતિનું એક કિરણ પણ નથી ઝૂંટવી લીધું. સૂતેલો વરરાજા શું કન્યાની વાટ જોતો જોટા મલકી રહ્યો છે? વેલ્યમાંથી રાજકુમારી નીચે ઊતર્યાં. છેડાછેડી બાંધીને વરરાજાના ઓશીકા આગળ બેઠાં. સૂતેલા સ્વામીનું માથું ખોળામાં લીધું. પુરોહિતે સપ્તપદીનો ઉચ્ચાર આરંભ્યો. નગરની નારીઓનાં વૃંદ આવીને મંગળ ગીતો ગાય છે, પુરોહિત ‘ધન્ય ધન્ય’ પુકારે છે. ચારણો વીરાંગનાનો જયજયકાર બોલાવે છે, અને ભભડાટ કરતી ચિતા સળગી ઊઠે છે. જય હો એ ક્ષત્રિય યુગલનો!