મેઘાણીની સમગ્ર નવલિકા 2/‘માડી, હું કેશવો!’

From Ekatra Wiki
Revision as of 05:42, 21 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘માડી, હું કેશવો!’|}} {{Poem2Open}} <center>[૧]</center> સાઠેક વર્ષ ઉપર જામનગરનો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘માડી, હું કેશવો!’
[૧]

સાઠેક વર્ષ ઉપર જામનગરનો એક લત્તો તુલસીની મંજરીઓથી મહેકી ઊઠતો. નગરના બ્રાહ્મણવાડાને ગોતવા જવાની જરૂર નહોતી. અજાણ્યો મહેમાન આવતો તો કોઈ ભોમિયાની વાટ જોતો નહોતો ઊભો રહેતો. મહેક મહેક થતા તુલસીના મોર એ મહેમાનને જાણે કે સુગંધેસુગંધે દોરી જતા. ચાલીસેક વર્ષની એક આધેડ બાઈ આ બ્રાહ્મણવાડાની સાંકડી ચોખ્ખી શેરીઓ વચ્ચે રાતના પહોરે અટવાતી હતી. એના એક હાથમાં દિવેલ તેલના ઝાંખા દીવાનું ચોખંડું ફાનસ હતું. એના બીજા હાથમાં ખોખરી પાતળી લાકડી હતી. ગોળ મૂંડેલા માથા ઉપર કાળો સાડલો સરખો કરતી એ બાઈ આંગણેઆંગણે ખડકી ખખડાવતી. ખડકીનાં કમાડ ખુલ્લાં થતાં ત્યારે અંદરથી સો-બસો-પાંચસો કિશોર-કંઠોના સંસ્કૃત ધ્વનિઓ ખડકી બહાર ધસી આવતા. બાઈ એ ધ્વનિઓના જૂથમાંથી જાણે કે કશીક શોધ કરતી હતી. “કેમ, ભાભુ?” ખડકીએ આવીને કોઈ પૂછતું. “મારો કેશવો છે આંહીં?” બાઈ પૂછતી. “ના, એ આંહીં નથી ભણતો.” એવો એને જવાબ મળતો. “ત્યારે પીતાંબર શાસ્ત્રીજીની પાઠશાળાએ તો હું જઈ આવી, ત્યાંયે નથી, ક્યાં ગયો હશે રોયો?” એટલું કહીને બાઈ એક ઓટલેથી ઊતરી બીજે ઓટલે ચડતી. પ્રત્યેક ઓટલો ચંદને લીંપ્યા જેવો ભાસતો હતો. ચાંદનીને પણ પોઢવાનું મન થાય તેવી એ છાણમાટીના ઓળીપાની ધવલ કુમાશ હતી. ખડકીઓનાં રેતી-પાથર્યાં આંગણાંની અંદર હારબંધ અર્ધ-ઉઘાડાં બાળ-શરીરો પલાંઠી ભીડીને બેઠાં હતાં. ખભે ધનુષ્યો ચડાવ્યાં હોય તેની પણછ જેવી જનોઈદોરીઓ ચાંદનીમાં સ્વચ્છ દેખાતી હતી. મૂંડાવેલ માથાની ચકચકિત ફરસબંધી પર મલબારી અગરબત્તીઓનાં અણચેતવ્યાં ઝૂમખાં ગોઠવ્યાં હોય તેવી તેઓની ચોટલીઓ ટટાર ઊભી હતી. ને એ સર્વ બટુકોનાં મોંમાંથી લઘુકૌમુદી વગેરે વ્યાકરણના ઘોષ ગવાતા હતા. સંસ્કૃત વાણી વ્યાકરણ જેવા કઠોર વિષયમાં પણ પોતાના સંગીતનું મધુ સીંચી રહી હતી. આવાં સો-પચાસ આગણાંને ખૂંદતી એ સ્ત્રીને ઠેકાણે ઠેકાણેથી નકાર મળ્યો. ફરીવાર એ પીતાંબર શાસ્ત્રીની પાઠશાળા પર ગઈ. ઘૂમટો કાઢીને એણે ઘોઘરા અવાજે સાદ કર્યો: “પંડિતજી, મારો કેશવો તે મૂઓ ક્યાં હશે? મને ગોત્ય તો કરી દ્યો! આ બધા કેવા રૂડા વાણી કરી રહેલ છે, ને મારા કેશવાની અક્કલમાં તે કેમ લાલબાઈ મુકાઈ ગઈ?” ટપાક ટપાક ચાખડીઓ વાગી. ચાખડીઓનું લાકડું સીસમનું હતું. ને તેના ઉપર હાથીદાંતની નકશી હતી. મદડોલન્ત પગલે ખડકી પર આવી ઊભેલ પીતાંબર શાસ્ત્રીજી નગરના સરસ્વતી-સરોવરમાં ઝૂલતો જાણે કે માનવલખોટો હતો. નગરને બીજા કાશીનું બિરુદ અપાવનાર એ અડીખમ બ્રાહ્મણ હતા. ચોસર્યો ડોલર એમના ગળા ફરતાં વીંટળાયેલ વિદ્વતાસુંદરીના ગૌર ગૌર બાહુ જેવો રમ્ય લાગતો હતો; કેમ કે તે દિવસનું નગર નર્યું સરસ્વતીનું જ નહિ, ફૂલોનુંય ધામ હતું. સાંજના સમીર તે દિવસોમાં નગરને ટીંબે દીવાના થતા. નગરનાં નીચ ઊંચ હરેક લોકોને હૈયે તે સમયની સંધ્યાએ ફૂલમાળાઓ પડતી. હાર પહેરવાનો રિવાજ હજુ નિંદાયો નહોતો. “કેશવો!” શાસ્ત્રીજી હસ્યા. ડોલર ફૂલોનું જૂથ પણ એમની ખુલ્લી પહોળી છાતી પર થનગન્યું. “તમારા કેશવાને ગોતવા માટે તો, બાઈ, તમારે આને બદલે કોઈ બીજે સ્થળ જવું પડશે.” “ક્યાં?” “બાવાઓની ધૂણીઓ નગરમાં જ્યાં જ્યાં ઝગતી હોય ત્યાં.” “ગરીબની મશ્કરી કાં કરો, બાપા!” “મશ્કરી હું નથી કરતો, બહેન!” શાસ્ત્રીજીના બોલ જામનગરી બોલીનાં મોતી જેવા પડ્યા: “કેશવાને ગાંજાની લત લાગી છે. બાવાઓની ચલમો ભરતો એને મારા વિદ્યાર્થીઓએ વારંવાર પકડ્યો છે. તારો કેશવો ભણી રહ્યો, બહેન!” બાઈનું માથું નીચે ઢળ્યું હતું. એ માથાના કાળા-ધોળા કેશના ઝીણાઝીણા કાંટા તરફ શાસ્ત્રીજીના પચીસ-પચાસ જુવાન શિષ્યો પણ જોઈ રહ્યા હતા. “બ્રાહ્મણ તો ખરો, પણ સારસ્વત બ્રાહ્મણ ને, બાઈ!” શાસ્ત્રીજીના બોલ જાણે કે દાઢ વચ્ચે ભીંસાઈને નીકળતા હતા: “ફેર — એટલો ફેર!” બાઈએ દુભાઈને ઊંચું જોયું. એણે શાસ્ત્રીજીની આજુબાજુ પચાસ જનોઇધારી વિદ્યાર્થીઓની કીર્તિમાન કાયાઓ દીઠી. એ તાજી નહાયેલી કાયાઓ પરથી ગ્રીષ્મનો પવન જાણે કે ચંદન, ભસ્મ અને તુલસીનાં સુગંધ-કેસરો વાળતો હતો. “સારસ્વતને વિદ્યા ક્યાંથી વરે, બહેન! એ તો ક્રિયાકાંડમાંથી ચ્યુત થયેલા બ્રાહ્મણો ખરા ને!” શાસ્ત્રીજીની સામે એ રાંડીરાંડ બ્રાહ્મણી વધુ વાર ન જોઈ શકી. આ પચાસમાંથી કોઈ જ શું પોતાનો કેશવો નથી? કેશવો જાણીબૂઝીને તો મને ટગાવતો નથી? ને કાળા મેશ જેવા કેશવાનું અંગ ઓચિંતો આવો ઊજળો વર્ણ તો નથી પહેરી બેઠું ને? એવા તરંગોમાં ડૂબકીઓ ખાતી એ બ્રાહ્મણીને ભાન ન રહ્યું કે શાસ્ત્રીજી તેમ જ વિદ્યાર્થીઓ ત્યાંથી ક્યારના ખસી ગયા હતા. ફક્ત પવન જ તુલસીની મંજરીઓનાં માથાં ધુણાવતો અને બ્રાહ્મણ-ઘરની મિશ્ર ફોરમની લૂંટાલૂંટ કરતો બ્રાહ્મણના ઝાંખા દીવાને ધમકીઓ આપતો હતો. “માજી!” બ્રાહ્મણીને કાને કોઈકનો છૂપો સાદ પડ્યો. કેશવાની મા થડકી ઊઠી: “કોણ, મારો કેશવો!” “ના, ના, એ તો હું ગિરજો છું.” “અરે ગિરજા, કેશવો ક્યાં?” “માજી,” ગિરજા નામના વિદ્યાર્થીએ સમાચાર આપ્યા તેની અંદર કેશવ નામના બ્રાહ્મણપુત્રના જીવનનો ચિતાર હતો: “માજી, કેશવો ઘણું કરીને તો મોટા હડમાને તમને જડશે.” “ત્યાં કેમ?” “આજ શનિવાર છે ને!” “હા.” “તો કેશવો ઘરમાંથી કંઈક વાસણ નથી લઈ ગયો?” “વાસણ શા માટે?” “તેલ લઈ આવવા માટે.” “શેનું તેલ?” બ્રાહ્મણી આ બાળકના બબડાટમાં કંઈ સમજતી નહોતી. “એ તો એમ, માજી!” ગિરજો થૂંકના ઘૂંટડા ગળતો બોલ્યો: “આજે શનિવારે હનુમાનજીને તેલ ચડે છે ને, હેં ને, એ તેલની આખી કૂંડી હનમાનજીની હેઠળ ભરાઈ જાય છે. અમે એક વાર એક લોટો ભરીને ઉપાડી આવ્યા હતા. પણ મને બાવાએ પકડીને અડબોત લગાવી હતી. એટલે તે દિવસથી હું નથી જતો. કેશવો તો હોશિયાર છે, એટલે લઈ આવતો હશે!” એમ કહીને ગિરજો રવાના થઈ ગયો. “હાય હાય, પીટ્યો! આ તે બ્રાહ્મણનો અવતાર કે કોઈ આડોડિયાનો!” કપાળ કૂટતી બ્રાહ્મણી ત્યાંથી ચાલી નીકળી. બ્રાહ્મણીએ ગામ આખાને પગ તળે કાઢ્યું. કેશવાની ભાળ જડી નહિ. સ્મશાન ગોત્યું, વાવ-કૂવા જોયા, તળાવની પાળે પણ બે-ત્રણ દિવસ ઉપરાછાપરી જઈ આવી, પણ તળાવનાં પાણીએ કેશવાનું શબ પાળ પર હાજર ન કર્યું. “કેશવાની મા!” કોઈકે ભાળ દીધી: “રંગમતીને કાંઠે ખાખીઓનો પડાવ છે ત્યાં તારો કેશવો પડ્યો હતો.” બાઈએ બાવાઓના બિહામણા અખાડામાં ધ્રૂજતે હૈયે પ્રવેશ કર્યો. એને અરધાપરધા ભાંગ્યાતૂટ્યા શબ્દોમાં બાવાઓએ ખબર આપ્યા કે ‘આયા થા સાલા કોઈ રંડીકા લડકા! બિના ગાંજા કોઈ બાત નહીં! ધોકા મારકે નિકાલ દિયા દુષ્ટકો’. જ્યાં જ્યાંથી ભાળ જડી, અરે સાચા-ખોટા પણ સમાચાર જડ્યા, ત્યાં ત્યાં બધે બ્રાહ્મણી માથે પોટકી મૂકીને દોડાદોડ કરી આવી, પણ કેશવો હાથમાં આવ્યો નહિ. બાઈએ ઘેર આવીને કેશવાના નામનું એક છાનું રુદન કરી લીધું. પ્રભાત પછી પ્રભાત પડતાં જાય છે. પાછલા પરોઢને હૈયે હજારો વિદ્યાર્થીઓના મંત્ર-ઘોષ ઘેરાય છે. રંગમતી નાગમતી નદીઓના કિનારા તરફ તારા-સ્નાન કરવા જતા પ્રત્યેક પાઠશાળાના બાળકો આ સારસ્વત બ્રાહ્મણીના અર્ધજંપ્યા અંતરમાં ભણકારા જન્માવે છે, ને બાઈ ભૂલભૂલમાં જાણે કે પુત્રને જગાડે છે: ‘ઊઠ્યો, કેશવા? ઊઠ માડી, ઊઠ! આ બધા અસ્નાન કરવા પહોંચ્યા. ઊઠ તો, નીકર બ્રાહ્મમુરત વિના વિદ્યા ચડશે નહિ; ને બાપ, શાસ્ત્રીજીનું તે દીનું મે’ણું મારાથી નથી ખમાતું. સારસ્વતનો દીકરો શું સરસતી માતાનો અણમાનેતો જ રહેશે?’ બડબડાટ કરતી બ્રાહ્મણી જાગી જતી, ત્યારે જોતી કે પોતે જેને પંપાળતી હતી, તે પોતાનો કેશવો નહોતો, પણ પોતાના ગોદડાનો ગાભો જ હતો.

[૨]

પછી તો એ રંગીલા નગરના રંગીલા રાજવી વીભા જામને અંગે વીસેક વર્ષોનાં તેલો–અત્તરો ઢોળાયાં. રંગમતી નાગમતીનાં ભરપૂર જળોએ ધોબીઓની ધોણ્યોમાંથી ફૂલમાળોની ફોરમો, કંકુની મદગંધીલી લાલપો, બાંધણીઓની મીઠીમીઠી રંગ-રાગીણીઓ અને ચંદનના સુકાયલા લેપો ચૂસ્યા કર્યા. જામ વીભો હજુય રાજભવનની આરસીઓની સામે કલપ લગાવેલી મૂછોના વળ દેતો દેતો પોતાની રાણીઓને હાકલ પાડતો હતો કે ‘આવો આવો, રજપૂતાણિયું, જુઓ, મર્દ કેવો લાગે છે!’ પાઠશાળામાંથી પાકતા પાકતા નામાંકિત પંડિતો બહાર નીકળતા રહ્યા. જામ વીભાના વિદ્યાપ્રેમની પાઘડીઓ એવા કંઈકને માથે બંધાતી રહી. ઊંચા પ્રકારનાં ઔષધિ-દ્રવ્યો નગરના લોકજોબન તેમ જ રાજજોબનને બહેલાવતાં રહ્યાં. ફૂલો તો નગરમાં અખૂટ રહ્યાં. વિદ્યા નગરીમાં અપરાજિતા રહી. બ્રાહ્મણવાડો નગરને સોરઠનું વારાણસી બનાવીને અણડાર્યો ઊભો રહ્યો. વીભાના રંગ-બાગો બહેક બહેક જ રહ્યા. એક દિવસ સમાચાર આવ્યા કે વારાણસીના એક પ્રતાપી સભાજિત પંડિત દ્વારિકાજીની યાત્રાએ ચાલ્યા આવે છે. એમના રાજ-પડાવોનાં વર્ણનો ઉપરાછાપરી આવવા લાગ્યાં. એની જોડે તો હાથીઓ ને ઘોડાં છે. પાંચસો જેટલા શિષ્યો છે. છત્ર, ચામર ને છડીનો ધારનારો એ કોઈ દરજ્જાદાર સરસ્વતીપુત્ર છે. વારાણસીના પંડિતના ડેરા-તંબુ એક દિવસ નગરીના ટીંબે નખાયા. ડંકા નિશાન બજી ઊઠ્યાં. શંખોએ ધ્વનિ કાઢ્યા. ઘોડાની હાવળો પડી. રાજ-પંડિતનો મહાવત હાથીને નગરમાં ફરવા લઈ ગયો ત્યારે એની ઝૂલ્યના ટોકરાએ રાજ વીભાની ગજશાળામાં કેટલાયે કાનનાં સૂપડાં ઊંચાં કરાવ્યાં. જામ વીભાની કચેરીમાં કહેણ આવ્યું: વારાણસીના હિન્દી પંડિત નગરનાં વિદ્યારત્નોને વાદમાં ઊતરવા આહ્વાન આપે છે. “આહ્વાનનો અનાદર કાંઈ જામ વીભાનું કાશી કરી શકશે?” વીભાએ શાસ્ત્રીઓને રંગ ચડાવ્યો. ને નગરના સરસ્વતીપુત્રોને આવા કોઈ નોતરાની નવાઇ નહોતી. હિંદુસ્તાનના પંડિતનાં ડંકાનિશાન અને છડીછત્ર-ચામર ઉતરાવી લેવાની આકાંક્ષાએ નગરની બહાર રણાંગણ મચાવ્યું. પાંત્રીસેક વર્ષના પરદેશી વિદ્વાને નગરનાં વિદ્યારત્નોને ભૂ પાઈ દીધું. કાવ્યો-નાટકોની રસશ્રી આ પરોણાની જીભેથી અનરાધાર વરસી રહી. વ્યાકરણ, અલંકારશાસ્ત્ર અને તર્કની સૂક્ષ્મતાઓમાં તો અતિથિ નાનો કોઈ ભ્રમર બનીને જાણે ઊતરી ગયો. એના ગળાની હલકે અને એની સંસ્કૃત વાણીના પ્રવાહે નગર પર વશીકરણના મંત્રો છાંટ્યા. એણે પણ નગરના બ્રાહ્મણોની વિભૂતિ સ્વીકારી. વિજેતા મહેમાનને વાજતેગાજતે નગરમાં પધરાવવાની તૈયારીઓ બે દિવસ સુધી ચાલી. આવા પ્રિયવાદીની જોડે વાતો કરવી એ પણ મીઠી લહાણ મનાઈ. નગરના વિદ્વાનો બે દિવસ એની પાસે પડ્યાપાથર્યા રહ્યા. “કયાં કયાં ગોત્રો અને કુળો આ નગરીને શોભાવે છે?” અતિથિએ પૂછપરછ આદરી. પંડિતોએ નામો ગણાવ્યાં: સારસ્વતોનો પણ ઉલ્લેખ કીધો. “સારસ્વતો! વિદ્યાપ્રાપ્તિ કરે છે? શું સરસ્વતી ચડે છે સારસ્વતોને?” “નહિ રે મહારાજ!” પંડિતોએ હસવું આદર્યું. “નગરને ઝાંખપ આપનાર એક એ જ કુલ રહ્યું છે. મારા દીકરા ગંજેડી ને ભંગેડી બની ગયા. બાવાઓને કુસંગે ચડી ગયા. એક હતો કેશવો નામે, રંડવાળ્ય માને રઝળાવીને ચાલ્યો ગયો.” “અરેરે! બ્રાહ્મણનો પુત્ર! શિવ શિવ!” મહેમાને વિસ્મય બતાવ્યું. “એની માતાનું તો પાલન થાય છે ને? માતા જીવન્ત છે કે?” “એ પડી ડોશી. અરધી ગાંડી જેવી એના ખોરડામાં પુરાઈ રહે છે દિવસ બધો.” “પણ છે તો બ્રાહ્મણ-નિવાસમાં ને?” “છે તો બ્રાહ્મણવાડાની અંદર; પણ ન હોવા બરાબર.” “એવાં નિરાધાર બ્રાહ્મણોનું પાલન કરતા રહો એ જ હું તો માગું છું.” પછી તો સવારી ચડી. સભાજિત અતિથિ હાથી-અંબાડીએ ચડ્યા. અને નગરપતિ જામ વીભાજી સરસ્વતીનો દીપક ધરીને પગપાળા આગળ ચાલ્યા. ખંભાળિયા નાકે થઈને સવારી નગરમાં દાખલ થઈ. “શી વાત! શી મહત્તા!” બેય બાજુ તોરણોની માફક બંધાઈ ગયેલી લોકોની કતારોમાં વાત ચાલતી હતી. “રાજા જેવો રાજા જેની મોખરે પગે ચાલ્યો આવે છે!” “અને ચાલ્યો તો આવે છે, પણ પાછો કેવો મલકાતો આવે છે. વાહ રે વાહ, કાંઈ માન વિદ્યાનાં!” હાથીની આગળ ને પાછળ, આજુ ને બાજુ, હજારો બ્રાહ્મણ-બટુકોના સ્તોત્ર-લલકાર લહેરાય છે. બુઢ્ઢા શાસ્ત્રીઓએ પણ ગળે ફૂલહાર નાખીને શોભા કરી છે. પોથીના પાટલા માથે ઉપાડીને નગરની નારીઓ ધોળ ગાતી પછવાડે મલપતી આવે છે. “આ બધો બ્રાહ્મણવાડો.” મહેમાનને પંડિતોએ પોતાનો મહેકમહેક નિવાસ બતાવ્યો. “આ બાજુથી લેવરાવીએ સવારી,” અંબાડીએ બેઠેલ મહેમાને એ નાની ગલી તરફ આંગળી કરીને પોતાના અનુચરને સૂચના આપી. હાથી જરા અટક્યો. વિદ્વાને બતાવેલો માર્ગ રાજમાર્ગ ન હતો. એ એક ભૂખલેણ લત્તો હતો. માટીનાં ખોરડાં ત્યાં કોઈકની રાહ જોતાં જોતાં જાણે સૂઈ ગયાં હતાં. એક જ ખોરડું હજું ઊભુંઊભું ઢળી પડવાની તૈયારી કરતું હતું. વિદ્વાનની આંખો આ ખંડેરોમાંથી કશોક ઉકેલ કરતી હતી. એણે કહ્યું: “અહીંથી ચાલશું.” “પણ — પણ—” “કંઈ નહિ, ચાલો ને!” વિદ્વાને આગ્રહ પકડ્યો. સૌએ માન્યું કે સરસ્વતીના ધામ બ્રાહ્મણવાડાને નીરખવાની મહેમાનને હોંશ હશે. જામ વીભા એ બાજુ મરડાયા. સવારી આગળ ચાલી. જમણા હાથ પર એકલું અટૂલું ખોરડું ઊભું હતું. સવારી ત્યાં પહોંચી. વિદ્વાને કહ્યું: “હાથી થંભાવો.” હાથી થંભ્યો. ખોરડાની ઓશરીમાં એક જ વસ્તુ જીવન્ત હતી: તુલસીનો ક્યારો. “નિસરણી પાડો.” નિસરણી છૂટી મુકાઈ. અતિથિ નીચે ઊતરી ગયા, અને જામ વીભાને જાણ થાય તે પૂર્વે તો એણે એ એકલવાયા ખોરડાની ખડકીએ ચડીને શુદ્ધ સોરઠી ઉચ્ચાર કાઢ્યો: “માડી, એ માડી, ખડકી ઉઘાડો!” સવારીમાં ચૂપકીદી પડી. “કોણ છે, માડી?” અંદરથી કટકાકટકા થઈ ગયેલો અવાજ આવ્યો: ને ખડકી ખૂલી. બોડા માથાળી એક ડોશીનું જર્જરિત કલેવર ત્યાં ઊભું હતું. ચૂંચી આંખો પર હાથની છાજલી કરીને એણે પૂછ્યું: “કોણ છો, માડી?” “એ તો હું છું, માડી, હું તમારો કેશવો!” એટલું કહીને અતિથિ ડોશીના પગમાં પડી ગયો! [જૂના જામનગરનાં અનેક વિદ્યારત્નોને નિપજાવનાર એ કેશવજી શાસ્ત્રીનું નામ સોરઠી ઇતિહાસમાં વિખ્યાત છે. એમના જીવનના મૂળ એક પ્રસંગ પરથી ઉપજાવેલ આ કથા છે. મૂળ પ્રસંગ શ્રી દામોદરભાઈ વ્યાસ નામના એક કોચીનવાસી વૃદ્ધ વિદ્વાન બ્રાહ્મણની પાસેથી જડેલો છે. દામોદરભાઈ વ્યાસ પોતે જૂના કાળમાં જામનગરમાં જ ભણતા હતા.]