મેઘાણીની સમગ્ર નવલિકા 2/પહેલું વોળાવું
“ઠાકોર છે ઘરે?” એવી પૂછપરછ કરતા બે-ત્રણ વેપારી મુસાફરો, ચરોતરના પંડોળી નામે ગામડામાં એક ધારાળાને ઘરે આવી ઊભા રહ્યા. સાંજ નમીને અંધારું થઈ ગયું હતું. ઘરમાંની બાઈએ બહાર આવી કહ્યું: “ઠાકોર તો ખેતરામાં ગયા છે. હમણાં આવવા જોઈએ. શું કામ છે?” “અમારે એમનું વોળાવું જોઈતું હતું. અમો ખંભાત જઈએ છીએ.” રેલગાડીના પાટા આણંદ સુધી જ હતા. ખંભાતની ટ્રેન થઈ નહોતી, તે સમયની આ વાત છે. મુસાફરોને આણંદથી મજલ કરતાં પંડોળીને પાદર રાત પડેલી, એટલે કોઈક વિશ્વાસપાત્ર વોળાવિયો જોઈતો હતો. ને ગામમાં કોઈએ આ ધારાળાનું નામ આપેલું. બાઈએ ખાટલો ઢાળતાં કહ્યું: “બેસોને, હમણાં ઠાકોર આવશે.” વણિક વટેમાર્ગુઓ એ ઘરની પરસાળમાં ખાટલા પર ઘરધણી ગરાસિયાની વાટ જોતા બેઠા હતા ત્યારે થાંભલી પાસે ઊભો ઊભો એક કિશોર છોકરો મૂંગો મૂંગો આ મુસાફરો અને માની વચ્ચેની વાત સાંભળી રહ્યો હતો તેમ જ મહેમાનોને જોઈ રહ્યો હતો. થોડી વારે એ છોકરાએ પૂછ્યું: “મારા બાપા વિના બીજાનું વોળાવું શું ના ચાલે? મને વોળાવામાં ના લઈ જાઓ?” મુસાફરોએ દીવાને ઝાંખે અજવાળે આ છોકરાની સામે નિહાળ્યું. ઉંમર ચૌદેક વર્ષથી વધુ ન લાગી. મોમાંથી માનું ધાવણ ફોરતું હોય તેવી કુમાશ હતી હોઠ પર. સાથે ગાડું હતું. ગાડાંમાં છેક મુંબઈથી રળી આણેલી કમાઈ હતી. પંડોળીથી ખંભાત સુધીની વેરાન વાટ રાતમાં ને રાતમાં કાપવાની હતી. વચ્ચે ધારાળાનાં, ઠાકરડાનાં, પાટણવાડિયાનાં જોખમી ગામો આવતાં હતાં. તેમનાં ઢચુપચુ મન સમજી ગયેલો છોકરો બોલ્યો: “હું પણ મારા બાપનો દીકરો છું. એનું નામ લીધ્યે મારા વોળાવાને કોઈ ના આંતરે. ચાલો, આવું.” “ચાલો ત્યારે, ભઈ. અમારેય બીજું શું કામ છે?” છોકરો ઘરની અંદર જઈ જરા વારે બહાર નીકળ્યો ત્યારે એની કેડ્યે તલવાર હતી, ખભે તીરનો ભાથો અને કામઠું હતાં. “ચાલો,” કહેતાં મુસાફરો ઊઠ્યા. ને થોડી વાર પછી ગાડું જ્યારે ખંભાત બાજુ પંડોળી ગામની સીમને કાપવા માંડ્યું, ત્યારે અહીં ધારાળા ઠાકોરને ઘેર વર-બૈરી વચ્ચે ગરમાગરમી ચાલતી હતી. સીમમાંથી ઘરે આવેલા ઠાકોરે રોટલો ખાવા બેસતાં પૂછ્યું: “છોકરો ક્યાં?” “એ તો ગયો વોળાવે.” સ્ત્રીએ જે બન્યું હતું તે કહી સંભળાવ્યું. “શી વાત કરે છે, મૂરખી!” ધણી તપી ગયો; “એટલા નાના છૈયાને તેં આવી કાળી રાતે વોળાવે મેલ્યો?” “ચ્યમ ના મેલું? તમે એકલા જ વોળાવું કરી જાણો, ને મારો છૈયો નહિ!” બૈરીના બોલવાથી ઠાકોરે વધુ તાપ દેખાડ્યો, ને પોતે રોષે ભરાયો હોય તે રીતે ભર્યે ભાણેથી ઊઠી, હાથ વીંછળી, ઘર બહાર ચાલ્યો ગયો. ત્રણ-ચાર જે જોડીદારો હતા તેને કહ્યું કે “ચાલો તો લગીર, તલવાર-ધારિયાં લઈ લેજો જોડે. એક તાલ જોવો છે.” ગાડું તો શાહુકાર મુસાફરોને લઈ રાતની નીરવ ટાઢાશમાં હળવે હળવે વાટ કાપતું જતું હતું. પેલો વોળાવિયો છોકરો ગાડાની પધોરે પધોરે પણ માર્ગે નહિ, ખેતરમાં થોડે છેટે ચાલ્યો આવતો હતો. (વોળાવિયો ગાડાંથી દૂર જ ચાલે, કારણ કે ગાડાં પર કદી જો ધાડપાડુઓનો હુમલો થાય તો ગાડાં જોડે પોતે પણ ઘેરાઈ જાય તો તો થઈ રહ્યું, એ લાઇલાજ બને. છેટે છેટે કોઈ ન જાણે તેમ ચાલતો હોય, તો હુમલાખોરો પર દૂરથી તીરોનો મારો ચલાવી શકે.) એકાએક ખેતરોમાંથી આડા ફંટાઇને ત્રણ-ચાર શખ્શોએ અંધારામાં ગાડાને આંતર્યું અને હાકલ પાડી: “ઊભું રાખ ગાડું.” ખેતરમાં ચાલતા આવતા વોળાવિયા છોકરાએ છેટેથી સામે હાક દીધી: “ગાડાથી છેટા રે’જો. એ ગાડાને મારું વોળાવું છે, ને મારા બાપનું નામ ... ઠાકોર છે.” એણે પિતાનું જાણીતું નામ જણાવી દુહાઈ દીધી. “હવે બેસ્ય બેસ્ય ... ઠાકોરની છોકરી!” એવા કશાક શબ્દે ગાડું આંતરનારા મુખ્ય આદમીએ છોકરાને બાપ સમાણી ગાળ દીધી. “બાપા!” છોકરાએ સામેથી જે જવાબ આપ્યો તેના અવાજમાં નવીન જાતની ધ્રુજારી હતી. એણે લૂંટારાનું ગળું ઓળખ્યું હતું. “બાપા! કહું છું કે ગાડેથી છેટા રે’જો. આ મારું પહેલું વોળાવું છે; કહું છું, છેટા રહેજો.” એ નજીક ને નજીક આવતા અવાજની ફરી પાછી ઠેકડી કરીને ગાળ કાઢનાર લૂંટારાએ ગાડાના આગલા ભાગમાં ઊભા રહી બળદનાં જોતર છોડી નાખવા એક હાથ ઊંચો કર્યો. ધ....ડ: એ ઊંચા થયેલા હાથના બાવડા પર એક તરવારનો ફટકો પડ્યો. લૂંટારાનો હાથ છેદાઈ ગયો હતો; અને વોળાવિયો છોકરો ખુલ્લી તરવારે સામે ખડો થયો હતો. એક હાથ ખભેથી લબડી રહ્યો હતો ત્યારે બીજા હાથે લૂંટારાએ છોકરાનો બરડો થાબડ્યો. “શાબાશ દીકરા! પહેલું વોળાવું કરી જાણ્યું.”