મેઘાણીની સમગ્ર નવલિકા 2/જાતભાઈઓ!

From Ekatra Wiki
Revision as of 06:37, 21 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જાતભાઈઓ!|}} {{Poem2Open}} “તાનાજી! ઓ તાન્યા!” “જી, આવ્યો.” “ચાલ જલ્દી,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જાતભાઈઓ!

“તાનાજી! ઓ તાન્યા!” “જી, આવ્યો.” “ચાલ જલ્દી, ચહા કર.” “જી—” “અરે સબૂર: આ લે આ લખાણ પ્રિન્ટરને આપી આવ — અને, ઊભો રહે, નીચેથી એક પાંઉ લઈ આવ—” “હા.” “રહે રહે. અત્યારનું પેપર ફાઈલમાં કેમ નથી નાખ્યું? જા ઉપલે માળે જઈને ‘મોડર્ન રિવ્યૂ’ ભાસ્કરભાઈની પાસેથી — સમજ્યો?” “હા — ના — શું?—” “આટલા દિવસથી આવ્યો પણ ગમ ન પડી? છે ને ગમાર!” તાનાજી અમારો ઑફિસ-બોય. સવારના સાત વાગ્યાથી સાંજના સાત સુધી ‘તાનાજી!’ એટલે અમારી પ્રત્યેક બૂમનો જીવતો પડઘો. અમારી અર્થાત્ અમારી ત્રણ જણાની. ત્રણેયના એક પછી એક અથવા એકસામટા હુકમો છૂટે. અથવા ત્રણેયની આજ્ઞાઓની દોઢ્ય વળે: “તાનાજી, બાલ્ટીમાં પાણી નથી.” “તાનાજી, સાબુ ક્યાં ગયો?” “તાનાજી, કપડાંને અસ્તરી હજુ ન કરી?” “તાનાજી, સુતારને બોલાવ.” “તાનાજી, કેરી સમાર.” એક દિવસ અકસ્માત્ તાનાજીએ કાપેલી ત્રણ હાફુસ કેરીઓની જોડે છ રોટલી તથા દાળ, શાક, ચટણી જમ્યા પછી લેટતાં લેટતાં મને કલ્પના આવી: “તાનાજી, તું જમ્યો?” “હો–હો–ના–” તાનાજીની જીભ થોથરાઈ. પોતે છૂપીચોરીથી, ચહાની ઓરડીમાં ઊભાં ઊભાં, બારણું સ્હેજ આડું કરી, પસ્તીના એક પરબીડિયામાંથી ઉખેળીને જે કંઈ ભાતું બીકમાં ને બીકમાં ખાઈ લેતો, તેને ‘જમ્યો’ જેવો અમીરી શબ્દ લાગુ પડી શકે કે કેમ? તેની તાનાજીને શંકા હતી. “તાનાજી, ક્યાં રહે છે?” પંદર દિવસે મને પૂછવાનું સૂઝ્યું: સ્હેજ: જમીને જરા આરામ લેવાનો હતો તેથી જ. “મઝગામ.” “જમવાનું જોડે લાવે છે? કોણ કરી આપે છે?” “બહેન છે.” “અહીં રહ્યો તે અગાઉ ક્યાં હતો?” “ક્યાંય નહિ. એક વરસથી બેઠો હતો.” “તે પહેલાં?” “...છાપખાનામાં હતો. પચાસ રૂપિયા મિળતા.” મેં જરા કુતૂહલથી પાસું ફેરવ્યું. આખી વાત પૂછી. ભાંગ્યાતૂટ્યા બોલો એની જીભમાંથી મેં માંડ માંડ પકડ્યા: “પહેલે ઑફિસમાં — ત્રેવીસ રૂપિયા મિળતા. પછી મિસન પર, પચાસ મિળત. દસ વરસની નોકરી. પ્રેસ નવા માલિકના હાથમાં ગયું, તેણે સગળે જૂને લોકને રજા આપી પોતાના જ જાતભાઈઓને ગોઠવી દીધા: અરધા પગારથી-ડબલ શીફ્ટ કામ: તમામ પોતાના જ જાતભાઈઓ.” તાનાજીની આંખમાં મેં નિહાળી નિહાળીને એક ખાસન નિરીક્ષણ કર્યું: એણે જ્યારે આ શબ્દો ત્રણ વાર ઉથલાવ્યા ત્યારે દસ વરસે અમને કાઢીને નવા માલેકે તમામ જાતભાઈઓને રાખ્યા.” એની આંખો સળગતી હતી, — ને કેરી જરા વધુ પડતી ખવાઈ ગયાથી સ્હેજ નિદ્રાઘેરી આંખે પડ્યો પડ્યો હું ચિંતન કરતો હતો કે — આ ‘જાતભાઈઓ’ શબ્દ પરથી બે-ત્રણ કૉલમો ઉપજાવી કાઢું. તાનાજી કોઈક દિવસ એ પ્રેસનો માલિક બને તો? — વૈર વાળશે? પોતાના જાતભાઈઓને ગોઠવશે?