સોરઠ, તારાં વહેતાં પાણી/૧૩. દેવલબા સાંભરી
પિનાકીની રજા પૂરી થઈ. વળતા પ્રભાતે એને ઘોડા પર ચડવાનું હતું. એની ટ્રંક એક વેઠિયો ઉપાડવાનો હતો. આગલી રાતે મોટીબાએ એના માટે પેંડા વાળી આપ્યા. એ પેંડાનો માવો ઉતારવાનું દૂધ આ વખતે મહીપતરામે રોકડા પૈસાથી મંગાવ્યું હતું, ભાણાના દેખતાં જ રૂપિયો ચૂકવ્યો. ભાણો કોઈ પણ રીતે દૂધપાકનો પ્રસંગ વિસારે પાડે એવું કરવાની એની નેમ હતી. પત્નીને એ કહેતા કે “મેં તો ઘણાયના નિસાસા ને પૈસા લીધા છે; પણ આ દૂધપાકના દૂધનો સાવ નજીવો બનાવ મને જેટલો ખટકે છે એટલા બીજા પૈસા નથી ખટકતા.” પિનાકી જાય છે તેની વ્યથા મોટાબાપુને અને મોટીબાને ઊંડેઊંડે થતી હતી. મોટીબા પેંડાનો ડબો ભરીને એ વ્યથાને મટાડવા મથતાં હતાં. રખે ક્યાંક રોઈ પડાય એવી બીકે એ પિનાકીને તાડૂકી તાડૂકીને ચેતવણી આપતાં હતાં કે “રોજ અકેકો જ પેંડો ખાજે. ભાઈબંધ-દોસ્તારોને રોજ-રોજ ભેગા કરીને ખવરાવી દેતો નહિ, કોઈકોઈ વાર જ બીજાને આપજે. દાનેશ્વરી કરણ થતો નહિ.” ને પિનાકીએ બરાબર પૅક કરી લીધેલી ટ્રંક પણ મોટાબાપુએ ફરી વાર ઉખેળી છેક તળિયેથી બધી ચીજો નવેસર ગોઠવી આપી. ઘુનાળી નદીને સામે કાંઠે ચડીને પિનાકીએ પાછળ નજર માંડી. સફેદ મકાનો દૂર ને દૂર પડતાં હતાં... મોટીબાને કામ કરવાનું સૂઝતું નહિ હોય. દાદાને ભગવાન, ઘણાં વર્ષ જિવાડજો! નહિતર મોટા બાપુનો ગરમ સ્વભાવ મોટીબાને બાળી નાખશે! — ને ઘુનાળીના શીતળ વાયરાએ એની આંખનું એક આંસુ લૂછ્યું. પહેલું ગામ વટાવી પોતે આગળ વધ્યો. તે પછી થોડી વારે એણે પોતાની પાછળ સાદ સાંભળ્યો. સાથે આવતો પસાયતો ભાણાભાઈની ટ્રંક માટે વેઠિયો બદલાવવા રોકાઈ ગયો હતો. આ વખતે એ ટ્રંકને ઊંચકનાર કોઈ બાઈ માણસ જણાયું. પિનાકીએ ઘોડીની ચાલ ધીરી પાડી. પસાયતાની અને એ બાઈની વચ્ચે કશીક ગરમાગરમ વડછડ ચાલતી હતી. માર્ગની બેઉ બાજુએ લેલાં પક્ષીઓની પણ અંદર-અંદરની એવી જ કોઈ તકરાર મચી ગઈ હતી. સેંકડો લેલાં જ્યાં ને ત્યાં, બસ, સામસામાં ‘તેં-તેં-તેં —’ અવાજ કરીને એક જૂની લોકકથાને તાજી કરતાં હતાં: ઘણે દિવસે મળવા આવનાર એકના એક ભાઈને પોતપોતાને ઘેર ખેંચી જવા મથતી સાત બહેનોએ એ ખેંચાખેંચીથી ભાઈનું મોત નિપજાવ્યું, અને પછી ‘તેં માર્યો... તેં માર્યો... તેં-તેં-તેં’ કરી એકબીજાનો રોષ કાઢતી એ બહેનો મરીને લેલી પંખણીઓ સરજાઈ છે. ‘આ પસાયતો અને આ વેઠિયાણી પણ એવો જ કોઈ અવતાર પામશે?’ એવું કલ્પતો પિનાકી મનમાં રમૂજ પામતો હતો. કેરડાંનાં ગુલાબી નાનાં ફૂલ રસ્તાને બેઉ કાંઠેથી એની સામે હસતાં હતાં. કાઠીઓનાં પડતર ખેતરો વચ્ચે બોરડીનાં જાળાં લાલ ટબા-ટબા ચણીબોર દેખાડીને પિનાકીને રમવા આવવા લલચાવતાં હતાં. એ વિચારે ચડ્યો: આ ચણીબોર વીણવા માટે મોટીબા અને બાપુજીની ચોરીછૂપીથી હું દીપડિયાને સામે પાર કોઈકની જોડે જતો હતો. કોની જોડે? સાંભર્યું: દાનસિંહ હવાલદારની દીકરી દેવલબા જોડે. આ વખતની રજામાં મેં દેવલબાને બહુ થોડી જ દીઠી. એની કોટડીની ઓસરીમાં ખપાટની જે જાળી છે, તેની આડા કંતાનના પડદા ચોડી નાખેલ છે. હું એક-બે વાર ત્યાં ગયેલો; પણ દાનસિંહ હવાલદારની દીકરા-વહુને મેં ‘ભાભી’ શબ્દે બોલાવી તે દેવલબાની માને ન ગમ્યું. એણે મને કહ્યું કે અમારામાં ‘ભાભી’ કહેવાની મનાઈ છે. સગો દિયર પણ ભાઈની વહુને ‘બોન’ કહી બોલાવે. આવું બન્યા પછી મને ત્યાં જવાનું દિલ નથી થયું. પણ દેવલબા મારાથી નથી ભુલાતાં. આ વખતે તો મેં સાંભળ્યું કે એના ફોટોગ્રાફ પણ પાડવામાં આવ્યા છે. ને એને લઈને એનાં માબાપ વિક્રમપુર શહેરમાં પણ જઈ આવ્યાં. એને માટે શી દોડાદોડી થઈ રહી છે! બે વર્ષ પર તો હું ને દેવલબા બેઉ એનાં માબાપની જોડે દરિયાકાંઠે નાગનાથને મેળે ગયાં હતાં. પૂનમની રાતે ગાડું ચાલતા ઢોલિયા જેવું લાગતું, ને કાગાનીંદરમાં હું દેવલબાની માનાં ગાણાં સાંભળતો. દાનસિંહે ના કહેવા છતાં એની વહુ ‘મારાથી ગાયા વિના નહીં રહેવાય — આજ તો નહિ જ રહેવાય!’ એવો જવાબ દઈને સીમાડાને લીંપી નાખતા સૂરે ગાતાં હતાં કે —
ચાંદા પૂનમ-રાત
અગરચંદરણ રાત:
અણસામ્યાં અજવાળાં
ક્યાંથી ઊભરે?
આકાશની ઝાલર જેવો ચાંદો દેખી મને એના ઉપર ડંકા બજાવવાનું દિલ થયેલું. નાગનાથ પહોંચીને બાકીની રાત અમે બેઉ જણાં ગાડાની નીચે એક જ છાપરે સૂતેલાં. ચણીબોરના ગોળ રાતા ટબામાંથી ઊપડેલા વિચારો બે વર્ષોના ભૂતકાળ પર કૂંડાળું દોરીને પાછા વળ્યા ત્યારે પસાયતા ને વેઠિયાણી તેને આંબી ગયાં હતાં.