સોરઠ, તારાં વહેતાં પાણી/૫૦. એક વિદ્યાપીઠ

From Ekatra Wiki
Revision as of 11:59, 22 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૦. એક વિદ્યાપીઠ|}} {{Poem2Open}} રાજ-સામૈયામાં ચાલતા કો’ ચપળ રેવતન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫૦. એક વિદ્યાપીઠ

રાજ-સામૈયામાં ચાલતા કો’ ચપળ રેવતની જેમ એ કદાવર બંદૂકધારી ઘડીવાર પોતાની જમણી બાજુ સુરેન્દ્રદેવજીને, તો ઘડીવાર પોતાની ડાબી બાજુ જરાક પાછળ ચાલ્યા આવતા પિનાકીને પોતાની વંકી નજરમાં લેતો. “આપે તો સંચોડો જનમ-પલટો કરી નાખ્યો, બાપા!” બંદૂકધારીએ તાજા તલના તેલ-શી ઝલકતી આંખે સુરેન્દ્રદેવજીના દીદાર ફરીફરી નિહાળ્યા. “છેલ્લો મને ક્યારે દીઠેલો, શેઠ?” સુરેન્દ્રદેવજીએ શરમાતે પૂછ્યું. “રાજકોટની નાકટશાળામાં રાજસિંહનો ખેલ હતો. તમે તે રાતે, બાપા, રાણીપાઠ કરનાર છોકરાને પોશાકનું ઈનામ આપેલું: યાદ છે?” “બહુ વહેલાંની વાત!” “સાત સાલ પહેલાંની વાત. આપનો લેબાસ પણ તે દી તો...” બંદૂકધારીએ જોયું કે સુરેન્દ્રદેવજીને આ સ્મરણો ગમતાં નહોતાં. એટલે એણે વાત પડતી મૂકીને કહ્યું: “જાણે વાસુકિએ કાંચળી ઉતારી નાખી.” “બસ?” સુરેન્દ્રદેવજી હસ્યા: “અંદરખાને તો સાપનો સાપ જ રહ્યો છું ને?” “સાપ તો હજો આપના શત્રુઓના. હું તો વગડાનો વાસી છું. સાપ જોડે ભમું છું. વાદીના મૂઠને ન માને એવા વિષધર મને ગમે છે.” “મૂઠ તો પડી ચૂકી છે, શેઠ!” સુરેન્દ્રદેવજીએ કહ્યું. “હા. આંહીં બધીય વાતું મારે કાને પડે છે. જાણું છું.” “માટે જ કહ્યું ને મેં કે છેલ્લી વારકો શેઠની શેરડીનો સ્વાદ લેવા આવેલ છું.” કહેતાં કહેતાં સુરેન્દ્રદેવજીની લાલચટક મુખમુદ્રા ઉપર વાદળીઓ ભમવા માંડી. “શા માટે બલિદાનના બકરા બનો છો?” “શું કરું? કાળી ટીલી કરાવું તો જ સોરઠમાં જીવી શકાય તેવું છે.” “ના, બાપા!” ‘ટીલી’ શબ્દ સાંભળતાની વાર જ બંદૂકધારીની મીટ મહેમાનના લલાટ પરના નાજુક લાલચટક ચાંદલા પર લાગી. આવેશમાં આવીને એ બોલી ઊઠ્યો: “વાહ! લલાટની એ લાલ ટીલડી તો નથી જ ગઈ ને શું! જેવા છેલછબીલા જોયા’તા તેવા ને તેવા આજ જોઉં છું. બે જુગના સીમાડા ઉપર આ એક લાલ ટીલી જ અનામત રહી છે, ને રે’વાની છે.” વાડીની વૃક્ષ-ઘટા નીચે ત્રણેય જણાનાં મોં પર ઊગતા સૂર્યનાં તીરછાં કિરણો સોના-રસ રેલવતાં હતાં. વાઢમાંથી શેરડીની અને વાડીમાંથી બકાલાની, પપૈયાંની, દ્રાક્ષ, કેળા અને ચીકુ વગેરેની સુવાસ ઘૂંટી-કરીને કોઈ એક માદક મિશ્રણની પ્યાલીઓ ભરીભરી હવાની લહેરો ચાલી આવતી હતી. “એલા, આજે ઢોલિયો ન પાથરતો.” બંદૂકધારી શેઠે બંદૂક નીચે ઉતારીને મોં ધોતે ધોતે પોતાના નોકરને કહ્યું. પથરાયેલું બિછાનું સંકેલાવા લાગ્યું. “કેમ? અત્યારે પથારી કોને માટે?” સુરેન્દ્રદેવજીએ પૂછ્યું. “મારા માટે.” શેઠે જવાબ આપ્યો: “મારું તો જાનવર જેવું જીવતર છે ને, બાપા! સહુ સૂએ ત્યારે મારે બંદૂક ખભે ઉપાડી આખી રાત સીમ ભમવાની, ને આખું જગત જાગે ત્યારે મારે થોડી વાર જંપી લેવાનું.” “જાનવર જેવું નહિ, મુનિવર જેવું! આખી રાત ચોકી કરો છો?” “બીજો શો ઈલાજ? નહિ તો આ મારાં બચળાંને કોણ જીવવા આપે?” એમ કહેતાં કહેતાં બંદૂકધારી શેઠની નજર બબ્બે માથોડાં ઊંચાઈએ ઝૂલતી શેરડી પર અને વાડીનાં ફળઝાડો પર, માના હોઠ ફરતા હોય તેવી રીતે, ફરી વળી. “શેરડીનો સાંઠો કેવડો કર્યો, શેઠ?” “કાલ જોખી જોયો: ત્રેવીસ રતલ પાકા ઊતર્યો.” “મરચું?” “અગિયાર તોલા.” “શું બોલો છો?” “ભોમકાની તાકાત છે, મારી નહિ.” શેઠે ધરતી તરફ આંગળી ચીંધી. “પણ શું કરું? આ અભાગણી ભોમકાને માથે — માફ કરજો, બાપા! — તમારા જેવા પોણોસોના પગ ખુંદાય છે. આમ જુઓ: એક લાખ બાવળનાં થડ મેં નાખ્યાં છે. ને રાજગઢ જેવું નગર સાત જ ગાઉને પલ્લે પડ્યું છે. પણ શું કરું?” નિશ્વાસ નીકળી પડ્યો. “કેમ?” “રાજની ટ્રામે રાજગઢનો કુલ વહેવાર પોતાને કબજે લીધો છે. મારો માલ હું મારાં વાહનોમાં ન લઈ જઈ શકું! મારી જ જનમભૂમિ! મારા જ રાજવી! મારી પોતાની જ જાંઘ ઉઘાડી કરવી ને? ચૂપ થઈને બેઠો છું.” ડગલો ઉતારીને શેઠે ગરદન પર હાથ ફેરવ્યો, મહેમાનનું ધ્યાન પણ એ ચૂંથાયેલા દેહભાગ પર ગયું: પૂછ્યું: “આ શું?” “બહારવટિયાની આપેલ ભેટ.” શેઠની મૂછોના વાળ ફરક ફરક થઈ રહ્યા. “બાપડા રાંક હતા. એક દી ભળકડે મારી ઊંઘનો લાગ લીધો. બાપડાઓની ગોળી જરાક આ ગરદનનો લોચો ચાખી ગઈ. ખેર! થયા કરે.” શેરડીના રસનાં રામપાતર ભરાઈને આવ્યાં. દ્રાક્ષ, ચીકુ વગેરે કાઠિયાવાડમાં મળવાં દુર્લભ એવાં કૈક ફળો કેળનાં પાંદડાંમાં પીરસાયાં. પિનાકી તો આ માનવીની એકેએક છટાને નીરખવામાં તલ્લીન બન્યો હતો. એનું બેસવું, બાજુમાં બંદૂકને રાખવી, પાઘડીને નીચે મૂકવી, ચાકુ કાઢીને શેરડી છોલવી વગેરે દરેક ક્રિયામાં રસ હતો: શેરડીના સાંઠામાં ભર્યો હતો તેવો જ જીવન-રસ. રસનું રામપાતર શેઠની સામે પડ્યું જ રહેલું જોઈને સુરેન્દ્રદેવજીએ યાદ કરાવ્યું: “તમે તો પીઓ!” “ના, બાપુ.” શેઠે જવાબ વાળ્યો. “કાં!” “નથી ભાવતી. વાયુ ઊપડે છે.” બાગાયત વાવેતરમાં બે કલાક ઘૂમ્યા પછી સુરેન્દ્રદેવજીએ પિનાકીની ગરદન પર હાથ થાબડતે પૂછ્યું: “કાં ભાણા, ગમે છે અહીં?” “બહુ જ ગમે છે.” “શું ગમે છે? વધુમાં વધુ કઈ વાત ગમે છે?” પિનાકી શરમિંદો બન્યો. શેઠ પણ જાણે કે એના જવાબની રાહ જોતા તાકી રહ્યા. “ખચકાય છે શીદ? કહે, સહુથી વધુ શું પ્યારું લાગે છે?” “ભરી બંદૂકે રાતભરની ચોકી.” “તારો બાપુજી યાદ આવ્યો કે શું!” “આ છોકરો ટકશે.” શેઠે હસીને કહ્યું: “ચાર આવી ગયા. સોરઠભરમાં મેં કહેવરાવેલું કે જુવાનોને મોકલો: મારી ગાંઠના રોટલા ખવરાવી તૈયાર કરું. ચાર આવ્યા. પણ રોજ છાપાં માટે વલવલે, ટપાલના હલકારા માથે ટાંપ માંડીને બેઠા રહે. નોવેલું વાંચે. પંદર દિવસમાં તો ભાગ્યા.” “આ નહિ ભાગે?” “બનતાં સુધી તો નહિ ભાગે. એનું ધ્યાન આ જિંદગાનીની ખરી ખુમારી ઉપર ઠર્યું છે.” “ત્યારે સોંપી જાઉં છું.” “સુખેથી.” બપોર સુધી સુરેન્દ્રદેવજી અને શેઠ વચ્ચે શાંતિભર વાર્તાલાપ ચાલ્યો. પિનાકીના રુધિરમાં તરવરાટ મચી ગયો. હાલારી નદીના પાણી-બંધ ઉપર ચડીને એણે પણ પાંચાળના જોગંદરો જેવા ડુંગરાઓને નિહાળ્યા કર્યું. એના પ્રાણમાં બાપુજીનો માનસિક તોર જાગી ઊઠ્યો. એણે પોતાની નજીકમાં પીરાણી ઘોડીનો અસવાર રૂખડ શેઠ ઊભેલો જોયો. એની આંખોમાં પહાડો પીને આવતા વાયરાનો મદભર્યો સુરમો અંજાયો. એ હવાની વચ્ચે એકાદ-બે લહેરખીઓ જુદેરી પણ વાઈ જતી હતી: મોટીબા એકલાં થઈ પડશે: દેવુબા ક્યાં હશે? પુષ્પાને તો હવે નહીં મળાય ને! એનો જીવ ઊંડેઊંડે બળતો રહ્યો. સાંજે સુરેન્દ્રદેવજીએ વિદાય લીધી. કહેતા ગયા કે “ભાણા, તારાં દાદીમાની ચિંતા કરતો ના. હું એને સંભાળીશ. તું જીવ હેઠો મેલીને આંહીં શીખજે. આંહીં જ તારી યુનિવર્સિટી, ને આ જ તારો મુર્શદ. બીજું તો તારું ચાહે તે થાવ, પણ તું ગુલામ તો નહિ જ થાય એ નક્કી સમજજે.”