ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી ગુજરાતી કહેવત સંદર્ભગ્રંથો

From Ekatra Wiki
Revision as of 08:01, 3 March 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુજરાતી કહેવત વિશેના સંદર્ભગ્રંથો'''</span> : લોક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગુજરાતી કહેવત વિશેના સંદર્ભગ્રંથો : લોકસાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કહેવત, લોકગીત, લોકકથા, લોકનાટય આદિનું સંશોધન-સંપાદન કાર્ય શાસ્ત્રીય રીતે તો ઓગણીસમી સદીમાં આરંભાય છે. પણ પ્રજા પાસે તેનું લોકસાહિત્ય સદીઓથી છે. મધ્યકાળમાં શામળ, અખો, માંડણ બંધારો, શાલિભદ્રસૂરિ આદિ અનેક સર્જકોએ પોતાની કૃતિઓમાં કહેવતોનો વિનિયોગ કર્યો છે. હેમચંદ્રાચાર્ય પાસેથી આપણને ગુર્જર અપભ્રંશ દુહાઓ સાંપડે છે. તો ઓગણીસમી સદીના આરંભે બ્રિટિશ ડોક્ટર રોબર્ટ ડ્રમન્ડે ૧૮૧૮માં ‘ઈલસ્ટ્રેશન્સ ઓફ ધી ગ્રામેટીકલ પાર્ટસ ઓફ ધી ગુજરાતી મહરન્ટ્ટ એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજિસ’ નામનું પુસ્તક આપ્યું. અહીંથી ગુજરાતી કહેવત સાહિત્ય વિશેના પુસ્તકનો આરંભ ગણી શકાય. આ પુસ્તક મુંબઈના કુરિયર પ્રેસમાં છપાઈને પ્રગટ થયું હતું. જે તૈયાર કરવા પાછળનો મુખ્ય ઉદેશ પશ્ચિમ ભારતમાં કામ કરતા બ્રિટીશ અધિકારીઓ અને ખ્રિસ્તી પાદરીઓને મદદરૂપ થવાનો હતો. અહીં ગુજરાતીના પાયાના વ્યાકરણની સમજૂતી સાથે ૧૭૦ જેટલી ગુજરાતી કહેવતો આપી છે. ૧૮૫૦માં દલપતરામ પાસેથી ‘કથનસપ્તસતી’ નામનું ૭૦૦ કહેવતોના સમાવેશ સાથે કહેવતોનું એક સ્વતંત્ર પુસ્તક મળે છે. આ ઉપરથી ૧૮૫૧માં મગનલાલ વખતચંદે ‘કથનસપ્તસતી’માં નહીં સમાવેલી એવી ૧૮૦૦ કહેવતો એકત્રિત કરી તેને ‘કથનાવળી’ નામે પ્રકાશિત કરી. ૧૮૬૦માં ‘ગુજરાતી તથા અંગ્રેજી કહેવતસંગ્રહ’ પ્રગટ થયો હતો. જેના કર્તા કે પુસ્તક વિશેની માહિતી પ્રાપ્ત થતી નથી. ૧૮૬૩માં પારસી લેખક ડોસાભાઈ સોરાબજી મુનશી પાસેથી ‘દોહરા તથા કહેવતપોથી’ મળે છે. જેમાં ભાગ-૨માં ૧૨૬ કહેવતો અને તેના અંગ્રેજી ભાષામાં અનુવાદ આપ્યા છે. પેશતનજી કાવસજી રબાડી પાસેથી ‘કહેવતમૂલ ઈઆને ચાલુ વપરાતી કહેવતોની ઉત્પત્તિ અને તવારિખનો મુખતેશર શારાંઉસ’ પ્રાપ્ત થાય છે. જેમાં ૪૩ કહેવતો અને તેની પાછળના કથાનકો પારસી ગુજરાતી ભાષામાં મૂકી આપ્યા છે. ૧૮૮૭માં ‘ગુજરાતી કહેવતોની ચોપડી’ મંછારામ ઘેલાભાઈ અને કીકાભાઈ પ્રભુદાસ પાસેથી તો કરીમઅલી રહીમ નાનજીઅણી પાસેથી કહેવત અંગેના ત્રણ પુસ્તકો ‘ગુજરાતી કહેવતો’(૧૮૮૫)’કચ્છી કહેવતો’(૧૮૮૨)અને ‘કચ્છી સુકેણી’(૧૮૯૨) મળે છે. જોશી ઈચ્છારામ હરિશંકર ‘સૃષ્ટિ સૌંન્દર્ય કહેવતસંગ્રહ(૧૮૮૭)’મહેતા ગુલાબરાય લક્ષ્મીદાસ બૂચ ‘ચાર કહેવતની રમૂજી વારતા’(૧૮૮૯)મહત્ત્વના ગ્રંથો છે. ડાહ્યાભાઈ દલપતભાઈ દલાલ ‘ગુજરાતી પ્રોવબ્ઝ વિથ ધેર ઇંગ્લિશ ઇક્વિવેન્ટસ(૧૮૮૯)આપે છે. જેમાં ૪૦૦કહેવતો છે, ગુજરાતી કહેવતોની સામે અંગ્રેજી કહેવતો કે અર્થ આપ્યા છે. દામુભાઈ ડાહ્યાભાઈ મહેતાએ ‘ગુજરાતી કહેવતો’(૧૮૯૩)માં નવ હજાર કહેવતો અકારાદિક્રમમાં મૂકી આપી છે. ભગુભાઈ ફતેહચંદ કારભારી ‘ગુજરાતી પ્રોવેબ્ઝ વિથ ધેર ઇંગ્લિશ ઇક્વિવેલેન્ટ’(૧૮૯૮)માં ગુજરાતી સાથે સમાંતર અંગ્રેજી કહેવતો આપે છે. જમશેદજી નસરવાનજી પીતીત પાસેથી ‘કહેવતમાળા’(૧૯૦૩)ના બે ભાગ મળે છે. જમશેદજીને તેમના સ્કૂલકાળથી જ કહેવતો એકઠી કરવાનો શોખ લાગ્યો હતો. અને તેના પરિણામ સ્વરૂપે દસ હજાર જેટલી કહેવતો અકારાદિક્રમમાં ગોઠવીને ‘કહેવતમાળા’ એવા શીર્ષકથી ‘વિદ્યામિત્ર’માં હપ્તાવાર(‘ફ’અક્ષર સુધીની કહેવતો) પ્રગટ કરી હતી. બત્રીસ વર્ષની વયે તેમનું અવસાન થતાં તેમના મિત્ર જીજીભાઈ પેસ્તનજીએ કહેવતો ભેગી કરવાનું કામ ઉપાડેલું અને પુસ્તકરૂપે પ્રકાશિત પણ કર્યુ. એટલે સંપાદક તરીકે જીજીભાઈ પેસ્તનજીનું નામ જોડાયેલું છે. જમશેદજીએ કહેવતમાળામાં ગુજરાતી કહેવતોની સાથે સાથે વિદેશીભાષાઓ અને ભારતીય ભાષાઓની કહેવતોનો પણ સમાવેશ કર્યો છે. તેમાં મુખ્ય ગુજરાતી ભાષાની કહેવતને રાખી છે. જરૂર પડે ત્યાં કથાનકો, અર્થો, સમજૂતી આપી છે. આશારામ દલીચંદ શાહ પાસેથી ‘ગુજરાતી કહેવતસંગ્રહ’(૧૯૧૧)અને ‘પ્રાચીન દોહરાઓ અને સાખીઓ’(૧૯૬૮)શાતિલાલ ઠાકર પાસેથી ‘કહેવતો’(૧૯૪૯)પ્રાપ્ત થાય છે. સ્વામી પ્રણવતીર્થજીએ ‘કહેવત કથાનકો’(૧૯૫૮)માં ૨૧૩ કહેવતો તેના કથાનક સાથે આપી છે. દિવાનબહાદુર કૃષ્ણલાલ ઝવેરીનું ૪૩૪ કહેવતોનું ‘કહેવત સંગ્રહ’ (૧૯૫૯)મુંબઈથી પ્રગટ થાય છે. શાંતિલાલ ઠાકર પાસેથી ‘કહેવતો’(૧૯૬૦)નામનું ૯૯૬ જેટલી કહેવતોનું પુસ્તક મળે છે. અનસૂયા ત્રિવેદી દ્વારા પીએચ. ડી.ના સંશોધન નિમિત્તે નોંધપાત્ર ગ્રંથ ‘આપણી કહેવતો એક અધ્યયન’(૧૯૭૦)મળે છે. દુલેરાય કારાણી પાસેથી ‘સાર્થ કચ્છી કહેવતો’ (૧૯૭૬),રમણભાઈ પી. પટેલ પાસેથી ‘કહેવત દર્શન’(૧૯૮૯)અને અરવિંદ નર્મદાશંકર શાસ્ત્રી પાસેથી ‘બૃહદ્ કહેવત કથાસાગર’(૧૯૯૩),બિપીનચંદ્ર યાજ્ઞિક પાસેથી ‘કહેવત સંગ્રહ’(૧૯૯૯),માલતી દેસાઈ પાસેથી ‘કહેવત કહે કથા’(૨૦૦૧),ભરત દવે પાસેથી ‘ઉત્તર ગુજરાતની કહેવતો’ (૨૦૦૫) જેવાં પુસ્તકો પ્રાપ્ત થાય છે. જોરાવરસિંહ જાદવ ‘લોકજીવનની કહેવત કથાઓ’(૨૦૦૬)ના બે ભાગમાં ૯૦ જેટલી કહેવતો પાછળ રહેલી ઘટનાઓ, કથાઓ શોધીને રસમય ભાષામાં આપી છે. ચતુર પટેલનો ‘ચરોતરમાં બોલાતી કહેવતો’(૨૦૦૬)ચરોતરી કહેવતો વિશેનો નોંધપાત્ર સંગ્રહ છે. પુડલિક પવારનું ‘ડાંગી કહેવતો એક અધ્યયન’(૨૦૦૬)માં ૧૭૦ જેટલી ડાંગી કહેવતો કક્કાવારી પ્રમાણે આપેલી છે. ૨૦૦૮ કહેવત વિષયક ત્રણ પુસ્તકો પ્રાપ્ત થાય છે. રતિલાલ સાં નાયકનો ‘કહેવત કોશ’ જેમાં બાર હજાર કહેવતો તેના અર્થ અને કથાનક સાથે અકારાદિક્રમમાં મળે છે. મફતલાલ અં. ભાવસાર પાસેથી બે પુસ્તકો મળે છે. ‘સાર્થ રૂઢિપ્રયોગ અને કહેવત કોશ’ અને ‘વ્યવહારિક કહેવત કોશ’. આ જ અરસામાં ચંદ્રિકાબહેન પટેલનું ‘રૂઢિપ્રયોગ અને કહેવત કોશ’ પ્રગટ થાય છે. પ્રભુલાલ દોશી ‘ભારતીય ભાષા કહેવતસંગ્રહ’માં ૧૪ ભાષાની ૧૨૦૦ કહેવતો આપે છે. તેમની પાસેથી અન્ય બે પુસ્તકો ‘કહેવતોની વાતો’ અને ‘કહેવતોનું કચુંબર’ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત રત્નસુંદરવિજયજીનું ‘કહેવતોનો સમજવા જેવો મર્મ’, ઈશ્વરલાલ ચાંપાનેરીનું ‘અંગ્રેજી-ગુજરાતી સમાનાર્થી કહેવત કોશ’, સુરેશ ઠાકરનું ‘કહેવત કથામાળા’ના આઠ ભાગ પ્રગટ થાય છે. શારદાપ્રસાદ વર્માનું ‘કહેવત કથાનકો’, વિનોદ શ્રીમાળી પાસેથી ‘વર્ગીકૃત કહેવતો અને રૂઢિપ્રયોગો’, શંકરભાઈ એસ. પટેલ પાસેથી ‘આપણી કહેવતો’ પ્રાપ્ત થાય છે. આશારામ શાહ પાસેથી ‘કહેવતો’, જીવરામ જોશી પાસેથી ‘કહેવતોનો કમાલ’, ‘કહેવતની કથાઓ’, વિસ્મય લુહારનું ‘કહેવત ડહાપણનો ભંડાર’, રેખાબેન શાહ પાસેથી ‘કહેવત બોધ’, રાજ ભાસ્કર પાસેથી ‘કહેવત કોમેન્ટ’ અવિનાશ પરીખ પાસેથી ‘કહેવત આધારિત કથાઓ’ વગેરે સો કરતાં વધુ કહેવત અંગેના પુસ્તકો પ્રાપ્ત થાય છે. આ પુસ્તકોમાં ગુજરાતી ભાષામાં કહેવત ક્ષેત્રે વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ થયો છે, જેમાં કેટલાંક પુસ્તકોમાં કહેવતોની કક્કાવારી યાદી છે. તો કેટલાંક પુસ્તકોમાં કહેવતના સ્વરૂપની, લક્ષણોની ચર્ચા છે. ઘણાં પુસ્તકો તો સ્વતંત્ર કહેવતકોશ તરીકે નોંધ લઈ શકાય તેવાં છે.
સં. પ.