સ્વાધ્યાયલોક—૧/કર્તા વિશે

Revision as of 10:54, 5 March 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કર્તા વિશે | }} {{Poem2Open}} નિરંજન નરહરિ ભગતનો જન્મ ૧૯૨૬ના મેની ૧...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કર્તા વિશે

નિરંજન નરહરિ ભગતનો જન્મ ૧૯૨૬ના મેની ૧૮મીએ અમદાવાદમાં થયો હતો. એમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં કાલુપુર શાળા નંબર ૧, પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ અને નવચેતન હાઈસ્કૂલમાં તથા ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજ અને મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રાપ્ત કર્યું હતું. ૧૯૫૦માં અંગ્રેજી સાથે એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી એ જ વરસથી અમદાવાદમાં વિવિધ આર્ટ્સ કૉલેજોમાં અંગ્રેજીનું અધ્યાપન કર્યું હતું અને ૧૯૮૬માં નિવૃત્ત થયા હતા. તેઓ ૧૯૭૮-૧૯૮૨માં સાહિત્ય અકાદમી, ન્યુ દિલ્હીની જનરલ કાઉન્સિલમાં સભ્ય તરીકે અને ૧૯૭૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૮મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. એમને ૧૯૪૯માં કુમાર ચન્દ્રક, ૧૯૫૭માં નર્મદ સુવર્ણ ચન્દ્રક અને ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણ ચન્દ્રક અર્પણ થયો હતો. ૧૯૯૪માં ગુજરાત સાહિત્ય અકાદમીએ મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે એમનું સન્માન કર્યું હતું. ‘છંદોલય’, ‘કિન્નરી’, ‘અલ્પવિરામ’, ‘છંદોલય’ (સંકલિત), ‘૩૩ કાવ્યો’, ‘છંદોલય’ (સમગ્ર)—એમના પ્રગટ કાવ્યસંગ્રહો છે. ‘આધુનિક કવિતા’, ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’, ‘મીરાં’, ‘કવિતા કાનથી વાંચો’, ‘મીરાંબાઈ’, ‘કવિ ન્હાનાલાલ’, ‘ડબ્લ્યુ. બી. યેટ્સ’, ‘ટી. એસ. એલિયટ’, ‘વિક્ટર હ્યુગો’, ‘વિક્ટર હ્યુગોની સાહિત્યસૃષ્ટિ’— એમનાં પ્રગટ ગદ્યલખાણો છે. એમણે બંગાળીમાંથી ‘ચિત્રાંગદા’નો ગુજરાતીમાં ‘ચિત્રાંગદા’, હિબ્રુ-અંગ્રેજીમાંથી બાઇબલના ‘The Book of Job’નો ગુજરાતીમાં ‘યોબ’, સ્પૅનિશ-અંગ્રેજીમાંથી સેન્ટ જ્હોન ઑફ ધ ક્રોસનાં આઠ મુખ્ય કાવ્યોનો ગુજરાતીમાં ‘અષ્ટપદી’ અને સંસ્કૃતમાંથી ‘સ્વપ્નવાસવદત્તમ્’નો અંગ્રેજીમાં ‘The Vision of Vasavdatta’ ગ્ અનુવાદ કર્યો છે. હમણાં તેઓ ફ્રેન્ચમાંથી શાર્લ બૉદલેરના ‘Les Flears du Mal’ અને ‘Petits Poemes en Prose’નો ગુજરાતીમાં ‘દુરિતનાં પુષ્પો’ અને ‘લઘુ ગદ્યકાવ્યો’ શીર્ષકથી અનુવાદ કરી રહ્યા છે. છેલ્લા દોઢેક દાયકાથી તેઓ ઇંગ્લેંડ, યુરોપ અને અમેરિકાનો વારંવાર પ્રવાસ કરે છે. તેઓ લંડન, પૅરિસ, રોમ, ઍથેન્સ અને ન્યુયોર્કના પ્રવાસ-અનુભવો વિશે પણ નોંધ કરી રહ્યા છે. એમણે ૧૯૫૬-૧૯૫૮માં ‘સંદેશ’ દૈનિકમાં ‘સાહિત્ય-સાધના’ સાપ્તાહિક કોલમ, ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિક અને ૧૯૭૮-૧૯૭૯માં ‘સાહિત્ય’ ત્રૈમાસિકનું સંપાદન કર્યું હતું. આજે હવે ‘સ્વાધ્યાયલોક’ના આઠ ગ્રંથોમાં ૧૯૫૧થી આજ લગીના સાડા ચાર દાયકાનાં એમનાં સાહિત્ય વિશેનાં વિવિધ લખાણો પ્રગટ થાય છે. ચિમનલાલ ત્રિવેદી