ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ/૬. પ્રવેશદ્વાર
છેલ્લાં બે વર્ષથી ચોમાસું જામે છે. ગઈસાલ કરતાં આ સાલ તો આખું આભ ફાટ્યું છે! ગામડેથી ફોન હતો કે, ‘ભઈ... મારા આયખામાં આવો મેહ મીં નથી ભાળ્યો... ગાંમનો વોહળો પાંણી ન ખમી હચ્યો તે પાંણી પાધરું ગામમાં પેહી જ્યું... બુંગિયો કરીન ગાંમ ભેળું થ્યુ નઅ વધાબ્બું પડ્યું તાંણઅ પાંણી પાછું વળ્યું....’ માનો અવાજ મોબાઇલમાંથી ધ્રૂજતો મારી ભીતર ફરી વળ્યો છે ગઈરાતથી... એમાં પાછું – તમે કમ્પલેન નોંધાવી’તી કે નહીં? ‘હા. સાલુ... એ તો ભૂલી જ ગયો....’ ‘દર સાલ ધાબું તરપે છે ને તમે કશું કરતા નથી.’ પત્નીના શબ્દો સાંજે રૂમ પર આવતાં જ ધોધમાર વરસાદની જેમ ઝડી બોલાવી ગયેલા. ઝટપટ જમવાનું પતાવીને રિમોટ હાથમાં લીધેલું. આખું ગુજરાત વરસાદના પાણીમાં ડૂબકા મારતું ટી.વી.માં ભરાઈ બેઠું હતું. અંતરિયાળ વિસ્તારની તબાહી પર નજર સ્થિર થાય ત્યાં ટી.વી. સ્ક્રીન પર નીચે ક્યાંયથી પટ્ટી ફૂટી નીકળી. ‘ઘરનું ઘર’ની લાંબી જાહેરાત ફટાફટ વાંચી ગયેલો. એ કંઈ પહેલી વાર નહોતી વાંચી. છેલ્લા અઠવાડિયાથી વાંચતો આવેલો. એ પહેલાંય બીજી એવી જ મકાનના લે-વેચની જાહેરાતો વાંચેલી. પત્નીની વાત પણ કંઈ ખોટી તો નથી જ. ‘આપણી સાથેનાં બધાં પડોશીને ઘરનું ઘર થઈ ગયું. રહેવાય ગયાં... એક આપણે જ આ પોપડા ઊખડેલા સરકારી ક્વાર્ટરમાં પડ્યાં છીએ. હજુ છોકરાં નાનાં છે ત્યાં સુધી કંઈક કરી... લોન ... બોન લઈનેય....’ અહીં નાનકડા શહેરની વચ્ચે થઈને હાઈવે ફોર લેન નીકળી છે. એની બંને બાજુ લાગેલાં જાતજાતની જાહેરાતોનાં બોર્ડ પર અલપઝલપ નજરે હું આગળ વધું છું. પણ ગ્રામરોજગારીની જાહેરાતમાં ચીતરાયેલા ગ્રામજીવનના ચહેરામાંથી કોઈ મને સાદ કરી રહ્યું હોય એમ લાગે છે.... ‘કેમ, વિજય... કેમ, યાર હવે ખાસ કંઈ આવતો નથી લ્યા? ગામ સાથેનો નાતો ભૂલી ગયો કે શું....’ અશોક એની નાનકડી હાટડીએ બેઠો બેઠો કરિયાણું લેનારાંનાં પડીકાં વાળતો હોય અને મને દૂરથી જોતાં જ બધું પડતું મૂકીને સામે આવી ઊભો રહે. એના ઉમળકામાં મને ઠપકો સાંભળ્યા જેવું લાગ્યા કરે છે. વરસે દહાડે ગામડે જાઉં છું ને સાંભળ્યા કરું છું અશોકને હરખથી. એ માને જોઈતી ચીજવસ્તુ પૂરી પાડે છે. સાથે ભણ્યા છીએ. પહેલાં નંબરે પાસ થવાની હરીફાઈમાં ઝઘડ્યા છીએ. પણ એકબીજા વગર રહી શક્યા નથી. ગામમાં આમેય હવે ખાંસ કાંઈ... જૂનો વાસ ખાલી છે. નવા રાહતપરામાં સૌ પોતપોતાની રીતે મથ્યા કરે છે. હવે પહેલાં જેમ કોઈ એકબીજાના ત્યાં બેસવા ઊઠવા રાજી નથી. પણ માને ત્યાં ફાવી ગયું છે. ગઈકાલે ઑફિસેથી રૂમ પર આવતાં માનો ફોન આવેલો. એ અશોકના એસ.ટી.ડી. પરથી જ જોડી આપેલો હતો. મા સાથે વાત કરવામાં અશોકની સાથે વાત કરવી રહી ગયેલી. એ હવે મને બરાબરનો ઊધડો લેશે. પણ શું થાય, ફોન પર સાલું કશુંક તો રહી જ જાય છે....’ હું બાલાજી તરફ ફંટાયો. આસપાસની સોસાયટીની અવરજવરને હનુમાનજીની દેરીની આગળ માથું નમાવતી જોઈ મને પણ એમ કરવાનું મન થયું. પણ પડખામાં સાઇકલની ઘંટડી વાગી ને હું સહેજ આઘો પાછો થઈ ગયો. વહેલી સવારની સ્કૂલમાં જઈ રહેલી બાળામાં મને પીન્કી દેખાણી. સાઇકલની ઘંટડી જેવો એનો અવાજ કાનમાં ગુંજવા લાગ્યો... ‘પપ્પા... પ્લીઝ અંતાક્ષરી કરોને...’ મારું ધ્યાન હાથમાં પકડી રાખેલા રિમોટ પર ગયેલું. વરસાદી માહોલના સમાચાર અને ઘરનું ઘરની જાહેરાત... બધું આછા ઘોંઘાટમાં અદૃશ્ય થઈ ગયેલું. ને ટી.વી. સ્ક્રીન પર ઝરઝરીયાં જ ઝરઝરીયાં... ‘લે, તું જો બેટા...’ બોલતો હું રિમોટ પીન્કીને આપી પથારીમાં આડો થયેલો. ‘જીવડાં આવશે બકા... ટ્યુબ લાઇટ ઑફ કરીને જો.’ કહેતી પત્ની મારી પાસે આવી ઊભેલી. મારા કપાળે હાથ મૂકી, ‘માથું દુઃખે છે? શરદી તો નથી ને... લાવો બામ ઘસી દઉં...’ ‘ના પ્લીઝ... એમ કર.. એક કપ ફૂદીનાવાળી ચા કરી આપ.’ ‘પાછા કહેશો કે ઊંઘ નથી આવતી... ભઈ સા’બ મૂકોને ચાનું લપ...’ ‘ના... ના... બનાવી આપને...?’ પછી ચા પીવાઈ ગયેલી. બામ ઘસાઈ ગયેલો. પીન્કી એની અંતાક્ષરી જોઈને સૂતેલી. પત્ની બગાસાં ખાતી ઊંઘી ગયેલી. બહાર પવન વાઈ રહ્યો હતો. એની સાથે વરસાદી ફર... ફર... ઊડીને બારીએ અથડાતી હતી. દેડકાં-તમરાંના અવાજ હળવા પડેલા. સ્ટ્રીટ લાઇટ પર કુંડાળે વળેલાં જીવડાં સતત ઘૂમરીઓ લઈ રહ્યાં હતાં. મને ઊંઘ નહોતી. પત્નીની વાત સાચી હતી. મોડે સુધી કશુંક વાંચવાની ટેવ, પછી વિચારતાં રહેવું એ મારી જૂની આદત છે. પણ હમણાં હમણાંથી ‘ઘરનું ઘર’ મારો કેડો નથી મૂકતું, મા કહે છે – ‘ભઈ, મેલોન શ્યાલ... ભગવાન રામાપીર ટેંમ આલે તાંણઅ કરજો કાં’ક... હાલ તો ઈયાં કોટર સઅ નઅ આંઈ માથું ઘાલવા જોગ ઊભું સ... ઈમ કરોન... આ સઅ ઈને કાં’ક હારું લાગઅ ઈમ કરો...’ પણ પત્ની ના પાડે છે. ‘ક્યાં છે એટલા પૈસા?’ ગામડે ઘર સુધારશો પછી આ છોકરાનું કરશો કે અહીં શહેરમાં મકાનનું કરશો... નહીં પહોંચી વળાય બધી બાજુ... અહીં જ કરો જે કરવું હોય તે...’ બપોરની રીસેસમાં ચા પીતાં જાતજાતની ચર્ચાએ ચડેલા સ્ટાફ વચ્ચે –‘વિજયભાઈ, બૅન્કો સામે ચાલીને લોન ધીરવા બેઠી છે. શું વિચારો છો ભલા આદમી...’ કરતાં બાજુમાં બેઠેલાં સુધાકરે મારા ખભા હલાવીને સવાલ કરેલો. ખાસ્સું ફરેલો. હાઈ-વે નજીક વિકસતા એરિયા પર બનતી સોસાયટીઓ... દલાલો... મિત્રો સાથે... પછી પડતું મૂકેલું, ‘થશે... છોડો બધું...’ ને ગઈરાતનું ફરી પાછું મનમાં આવી ભરાણું છે ઘરનું ઘર...’ વરસાદે સવારથી જ ઉઘાડ કાઢ્યો છે. આઠ પહેલાં ઊઠવાની ટેવ નથી. પણ આજે વહેલો ઊઠી, તૈયાર થઈને ‘જરા આંટો મારી આવું.’ કહી નીકળી પડ્યો છું. વસુધૈવમ ટાઉનશીપનું પ્રવેશદ્વાર દૂરથી ઊડીને આંખે વળગે એમ ઊભું છે. હું સહેજ ઉતાવળી ચાલે અંદર પ્રવેશવા આગળ વધ્યો. પત્ની સાથે એક બે જગ્યાએ મકાન જોવા ગયેલો. ત્યારે એણે કહેલું ‘તમેય કેવી જગ્યાએ લઈ આવો છો! ફરી એનું એજ... ખીચોખીચ વસતિમાં... સહેજ મોકળાશવાળું... સોસાયટીમાં...’ ‘લે હવે આ રહી મોકળાશ.’ જાણે પત્નીને પ્રત્યુત્તર વાળતો હોઉં એમ મનોમન બબડતો રિસોર્ટ ઑફિસ તરફ વળું છું... કેવી વાત કરો છો મિસ્ટર પ્રધાન? હવે ક્યાં એવું રહ્યું જ છે... એકવીસમી સદીમાં કશું કળાતું જ નથી કે. કોણ શું છે... અરે અહીં એવી બધી પડી જ છે કોને યાર.’ ઑફિસ સ્ટાફમાં ઘણી વાર પેલી રોસ્ટર – બેકલોગની માહિતી ભરતી વખતે ચર્ચા થતી ત્યારે બાજુના ટેબલ પરથી સંભળાતું મંતવ્ય મને અહીં સાચું પડશે એવું લાગવા માંડ્યું. ‘આવો સાહેબ... બેસો અહીં ખુરશીમાં....?’ ઑફિસના માણસે મને આવકારતાં નોકરને પાણી લાવવાનો હુકમ કર્યો. ‘શું લેશો સર... ચા... કૉફી –’ ‘નો. થૅન્ક્સ...’ ‘જરા ખુરસી નજીક લાવો સર... જુઓ આ પ્લાન છે. આટલા સુધીના બ્લોકનું બુકીંગ ઓલરેડી થઈ ગયું છે. આ તરફની નવી લાઇન બાકી છે... ગવર્નમેન્ટ જોબ છે?’ ‘હા.’ ‘ઓ.કે. સરસ.... અહીં બધા સરકારી સાહેબો જ છે મોટાભાગે.’ હું પ્લાન જોવા માંડ્યો. એ મારી સાથે મકાનની વેલ્યુ... બાંધકામ, સિચ્યુએશન વગેરે ચર્ચા કરતો રહ્યો. વચ્ચે વચ્ચે હું તૈયાર ઊભેલાં મકાનને જોતો રહ્યો. બે સામસામેની લાઇન વચ્ચેનો ખાસ્સો પહોળો રોડ, રોડ ઉપર રમતે ચઢેલાં બાળકો અને પોતપોતાના મકાનનો કંપાઉન્ડ ગેટ પકડી સામસામે ઊભેલી બે સ્ત્રીઓ... મને ગામડાગામમાં જૂનો વાસ યાદ આવી ગયો. એકબીજાને પોત-પોતાની ઓસરીમાં રહે રહે ચીજવસ્તુની આપ-લે થઈ શકે એવી સાંકડી જગ્યામાં ઉછરેલું બાળપણ મારી આંખોમાં ઘડીક ઝળઝળિયું થઈ ઊભરાય એ પહેલાં મેં નજર વાળી લીધી. ‘આપને સર... તૈયાર મકાન જોવું હોય તો જોઈ શકો છો. ચમન, જા સાહેબને સામેનું મકાન બતાવી આવ.’ હું ચમનની પાછળ પાછળ ચાલું છે. અહીં હમણાં જ સામાન શીફ્ટ થયો લાગે છે. બધું આડુંઅવળું પડ્યું છે. પણ, ‘હાશ, હવે નિરાંત! નો ભાવ અંદર બેઠેલા ફેમીલીના ચહેરે તરતાય છે. મનેય કંઈક એવું હવે લાગવા માંડ્યું છે. બધું બરાબર છે. આંખને ગમે અને અંતરને ઠારે એવું મકાન જોેતાં હું – ‘આવો સાહેબ ઉપરનો માળ બતાવું...’ કહી દાદરો ચડતા ચમનની પાછળ હળવે પગલે દાદરો ચડું છું. એ મને ઉપરનો માળ બતાવી ગેલેરીમાં લઈ જાય છે. ‘વાહ!’ મારાથી ખુશખુશાલ થઈ જવાય છે. અહીં ગેલેરીમાંથી મારે જે મકાન લેવાનું છે તે સામેની તૈયાર થઈ રહેલી નવી લાઇન દેખાય છે. ‘ત્યાં પણ આવી જ ગેલેરી...’ ના વિચારે હું જાણે કૂદકો મારીને ત્યાં જઈ ચડું છું. ‘ત્યાં બે ખુરશીઓ ઢળાઈ છે. એકમાં પત્ની હવે કામકાજ આટોપીને આવી બેસે છે. બીજીમાં હું ક્યારનોક કશુંક વાંચવા મથું છું. પણ ખોળામાં પુસ્તક ખુલ્લું પડ્યું છે ને હું ઘડીક પુસ્તકમાં ને ઘડીક સામેના વૃક્ષો, ખેતરો, નદી, નદીની ભેખડો, ટેકરીઓનો ઢાળ – મશગૂલ થઈ ગયો છું હું... વચ્ચે નદીના પટમાં રેત ભરવા ઊભેલા ખટારા, મજૂરો અને આથમણી પાથી ઊડતી ડમરીઓ.... મારી કલ્પનાને પેલે પાર આછી આછી કેડી પર હું જાણે સહેજ આગળ ફરવા નીકળું છું... ને – અરે! અહીં મારા વતન ઘરમાં ક્યાં આવી ગયો! ‘મા, લે ચાલ હવે...’ ‘ચ્યાં ડીચરા?’ ‘અમારી સાથે... આપણા નવા મકાનમાં....’ ‘ક્યાં છો તમે?’ હું ચમકું છું જાણે! મા સાથેની વાત અધૂરી રહે છે. ક્યારનીય ચાનો કપ પકડીને ઊભેલી પત્ની મને – ‘ત્યાં શું જોઈ રહ્યા’તા?’ કહી સહેજ મોં મચકોડતી મારી લગોલગ – પીઠ પાછળ ઊભી ઊભી મારા ખભાને સ્પર્શે છે. એના હાથની બંગડીઓનો મીઠો રણકાર મને આગળ ખેંચે એ પહેલાં ચમનના શબ્દો મને પાછો અહીં પારકા મકાનની ગેલેરીમાં ઊભો છું – નું ભાન કરાવે છે. ‘સાહેબ... ચાલો હવે ત્યાં ઑફિસવાળા બોલાવે છે.’ મારાથી મનોમન હસી જવાય છે. આમ જ થાય છે... કશુંક નવું જોયું નથી કે વિચારોના ઘોડે અસવાર થયો નથી...’ મારાથી ઉતાવળે દાદરો ઊતરાય છે. અંદર બેઠકરૂમમાં હવે પેલું ફેમીલી મારી તરફ જોતું લાગે છે. એ કંઈક કહે છે ચમનને. ચમન જવાબ આપતો પાછળ રહી જાય છે ને હું પેલા ઑફિસના માણસ સાથે બધું પાક્કું કરવા બેસું છું. મારે પે સ્લીપ, બૅન્ક સ્ટેટમેન્ટ, ફોટા, આઈકાર્ડ, રેશનિંગ... વગેરે ડોક્યુમેન્ટસ લઈને કાલે અહીં આ જ સમયે આવવું એવું નકકી થાય છે. મારી સાથે વાત કરતો ઑફિસનો માણસ મને વ્યવસ્થિત લાગે છે. ‘અહીં બધા તમારા જેવા સારા માણસો નથી આવતા સર. જાતજાતના વિચિત્ર સવાલો કરે. પડોશી કેવો છે? કઈ બાજુનો છે? શું કરે છે? એનું ફેમીલી નાનું છે કે મોટું? પછી સાતવાર મકાન જોવા આવે. દર વખતે એના ફેમીલીમાંથી અલગ અલગ મેમ્બરને સાથે લાવે.. ને છેવટે પછી દેખાય જ નહીં. ઘણી વાર લોન પેપર્સ થઈ ગયું હોય ને ના પાડી બેસે. આ તમે કેવા શાંત અને જરૂર પડતા જ બોલો છો? કહી એ મને ખુશ થતો જોઈ રહે છે. ‘આમ તો મેં મકાનનો નંબર પસંદ કરી જ લીધો છે. પણ શું છે કે, એક વાર મિસિસ સાથે બેસીને ચર્ચા કરી લઉં પછી...’ હું એની વાતમાં સૂર પૂરાવું એ પહેલાં મારું ધ્યાન સામે ભીંત ઘડિયાળમાં જાય છે. સમય આગળ વધી રહ્યો છે. હું પ્લાનવાળું કાગળ હાથમાં રાખીને ઊભા થવાનું કરું છું. એ મને ‘બેસો સાહેબ, કૉફી આવે છે. પીને જ જાઓ શાંતિથી...’ કહી આગ્રહથી બેસાડે છે. હું પ્લાનનું લીસું કાગળ ખોલી એમાં દોરેલા બધા બ્લોક જોઈ લઉં છું. પછી કાગળ સમેટો તૈયાર મકાન તરફ નજર નાંખું છું, ત્યાં કપડાં સૂકવીને ભીના વાળે પીઠ ફેરવી ઊભેલી સ્ત્રી દેખાય છે. ભીના વાળને સહેજ ખંખેર્યા પછી બે હાથે વાળને આંટી મારીને મોટો અંબોડો બાંધે છે. એની ખુલ્લી પીઠ પર બાઝેલાં પાણીનાં ટીપાં ખભે લટકતા ટુવાલથી લૂછતી એ અંદર ચાલી જાય છે. બાજુના મકાનમાંથી બીજી સ્ત્રી તૈયાર થઈને પૂજા કરવા જતી હોય એમ સુશોભિત છે. ‘શ્રાવણી સોમવારનું વ્રત કરતી પત્ની પણ હવે આ રીતે જ અહીં નવા મકાનમાં તૈયાર થઈને પૂજા કરવા નીકળશે...’ના ખ્યાલે હું ફરી રંગીન સપનામાં ખોવા માંડું છું.’ ‘અરે વાહ!’ કોન્ગ્રેચ્યુલેશન પ્રધાનભાઈ...’ ‘થૅન્ક્સ... થૅન્ક્યું... પણ આવજો બધાં ચોક્કસથી...’ ‘વાસ્તુનાં આમંત્રણ અપાઈ ગયાં છે. બહાર વાહનોની લાઇન લાગી છે. અમે પ્રતિ-પત્ની કંપાઉન્ડ ગેટ પર સૌને આવકારતાં ઊભાં છીએ. મા અંદરના ઓરડે કથા સાંભળતી બેઠી છે. અંદર સગાંવહાલાંની હરફર ચાલુ છે. કોમન પ્લોટમાં બૂફેની તૈયારી થઈ ગઈ છે. ચારેતરફ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. પીન્કી એનાં ફ્રેન્ડ્સ સાથે આમથી તેમ દોડાદોડ કરી રહી છે. ને ત્યાં મને કશુંક ચુભતું હોય તેમ... હું યાદ કરું છું... હા... હા.. પણ જવા દો. આજના શુભ અવસરે એ યાદ કરવાનો શો અર્થ? પણ, નહીં. એ મને સતાવે છે કે કેમ, આ પીન્કીને ખુશ થતી... દોડતી જોઉં છું ને – – એક વાર ગામડે પીન્કીએ જ કહેલું – ‘પપ્પા આ શું છે?’ એઝ લાઇક... એનીમલ.... ઍન્ડ ... ઍન્ડ રાક્ષીસીઝ....’ ‘ઊફ, નહોતું યાદ કરવું તોય સાલું આજે આ વાસ્તુ ટાણે જ ક્યાંથી...’ બાપ-દાદા વખતના કાચી માટીના ઘરમાં મરેલાં ઢોરનાં શીંગડાંની ખીંટી પકડીને લટકવાનો પ્રયત્ન કરતી પીન્કીને હું કશુંય બોલ્યા વગર તાકી રહેલો. પછી ખૂબ મથ્યો. એ ખીંટી ખેંચી કાઢવા, ત્યારે માંડ અડધેથી એ તૂટેલી હાથમાં આવી. હજું અડધું શીંગડું તો એમ જ ભીંતમાં ખૂંપી ગયેલું પડ્યું છે વતનના ઘરમાં... ‘ક્યાં છો તમે? તમારી આ વિચારોમાં ખોવાઈ જવાની આદતથી તો તોબા... પ્રભુ...’ મને પત્ની ઢંઢોળે એ પહેલાં ‘વિજ્યા ડફોળ, ભૂલી જ જ્યોને આખર...’ બોલતો અશોક મને બરાબરનો ભેટી પડે છે. મારું માથું એના ખભે નાખીને હું ખુશીનો માર્યો આંખ ભીની કરી બેસું છું. એક એ જ તો બાળપણનો ભેરુ છે મારો...’ ‘સાહેબ, કૉફી.’ ‘ઓહ! હું પ્લાનના લીસા કાગળ પરથી સરકીને ક્યાંનો ક્યાં પહોંચી ગયો! એક બે ઘૂંટમાં કૉફી પીને હું પેલા માણસ સાથે હાથ મિલાવતો બહાર નીકળ્યો. ફરી આખાયે વસુધૈવમ ટાઉનશીપને જોઈ લઉં છું. હવે અહીંનો જ સભ્ય હોઉં એમ હળવાશથી પ્રવેશદ્વાર તરફ આગળ વધું છું પાછળ બાઇકનું હોર્ન મને રોકે છે. ‘ઓહ! તમે?’ હું પાછળ વળીને મારી પાસે આવી ઊભેલા પેલા ઑફિસના માણસને જોતાં બોલું છું. ‘કઈ તરફ જવાનું આપને?’ ‘હાઈ વે બાજુ સરકારી વસાહતમાં.’ ‘સૉરી, મારે મેઈન બજારમાં જરા જલદી છે નહીંતર આપને મૂકી જાત સર....’ ‘કશો વાંધો નહીં. હું આ રિક્ષામાં જઉં છું. તમે નીકળો.’ કહી હું ચાલવાનું કરું છું. એ બાઇક ધીમું કરીને મારી સાથે જ ચાલે છે. અમે બંને પ્રવેશદ્વારની વચ્ચે આવીને ઊભા રહીએ છીએ. બંધ પડેલી બાઇકને કીક મારીને સ્ટાર્ટ કરતો એ મારી સામે ‘ઓ.કે.’ની મુદ્રામાં સહેજ મલકાય છે. પછી તમે બીજી કોઈ ચિંતા ના કરતા સર... આપણે અહીં બી.સી. લોકોને મકાન નથી આપતા. મુસલમાનને પણ નહીં. એટલે તમતમારે પડોશી બાબતે નચિંત રહેજો. અહીં બધી સારી નાતના લોકોનું જ બુકિંગ થાય છે... બરાબર! તો મળીએ સાહેબ કાલે...’ કહી એ એક જોરદાર લાત સાથે કીક મારી બાઇક સ્ટાર્ટ કરતો સડસડાટ નીકળી ગયો. મારા પગ આ પ્રવેશદ્વારની વચ્ચોવચ્ચ ખોડાઈ ગયા. મને બોલવાનો-સાંભળવાનો કોઈ મોકો જ આપ્યા વગર એ બાઇકમાંથી ધુમાડો ફેંકતો પેલી મેઈન બજારમાં અદૃશ્ય થઈ ગયો. ધુમાડાના ગોટ મને ગુંગળાવે એ પહેલાં હું પ્રવેશદ્વારની બહાર નીકળીને રોડ પર આવતો રહ્યો. ઉઘાડ કાઢેલો વરસાદ ફરી પાછો મોટા ફોરે તડતડ થતોક મને એકધારો વાગતો રહ્યો.