મનોહર ત્રિવેદીનાં કાવ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
7 Manohar Trivedi Kavya Title.jpg


મનોહર ત્રિવેદીનાં કાવ્યો

સંપાદક: વિપુલ પુરોહિત




ગીત

ઠેશ

જમુનાને ઘાટ હું તે પાણીડાં ગૈ’તી ન્યાં
વાગી ગૈ એક મુને ઠેશ!
ગોધણ લઈ આવતા મોહનની બંસીનો
સૂર મુને આંહીં પરખાણો,
ઇમાં તે બૈ! હું તો ભાન ભૂલી ગૈ,
મારા પગમાં અટવાણો એક પાણો;
નંદવાણી ચૂડિયું ને તૂટી ગ્યું બેડું, મારાં
ભીંજવાયાં રુદિયું ને વેશ! — જમુનાને
ઈ ચિત્તડાના ચોર મારી પડખેથી સરક્યો
ને બોલ્યો ના એક્કે તે વેણ,
મૂંગાં મલકાટમાં પૂર્યા’તાં ઈણે તો
કૈ કૈયે લાખેણાં કેણ;
દલડાનો તઇં ભારો ચંદર ઊગ્યો ને
ઓલી સંધ્યા પે ઢળતી’તી મેશ! – જમુનાને

મોં – સૂઝણું

એક કૂબાની બ્હાર રેલાતા કોડિયાનો અજવાસ રે ઝાંખો!
વાયરો સારી રાત વિંઝાયો; તો ય પેલી એ
દીપ–શિખાએ પ્રસન્ન ચ્હેરે આદર્યો જાણે નાચ!
‘અહીં કૂબાની માંહ્ય છે કેવો દીપ, કે જે – હું –
વગડા કેરી બીક કશી ના લાગતી વળી આંચ?
સપન છે કે સતની લીલા?’

દ્વારનો કરી હાથ હલાવે, ચોળતો જાણે નિજની આંખો! –
એક કૂબાની બ્હાર રેલાતો કોડિયાનો અજવાસ રે ઝાંખો!

આવી રહી મોં સૂઝણી જ્યંહી વેળ
પ્રભંજન ભાન ભૂલીને ફૂંકતો બેઠો;
(નિર્મળા ને સ્વચ્છ ઝરાને બેઉં કિનારે
બાઝતો જતો લીલ ભરેલો મેલ.)

ત્યાં જ ક્ષિતિજે સુરખી રેલી, ફૂટતી હતી સુનલમુખી રેખ,
અણમાનુષ વાયરે માર્યું ઝાપટુ, આખર તેજ રેલાવી
હોલવાયો એ દીવડો નાનો, મેલતો ગયો સ્મિત આછેરું એક
(પ્રકૃતિની ગોદમાં એની ઝાંય જાણે કે નીતરી રહી છેક!)
સાંકડી કોઈ નીડમાં સારી રાત ગોંધાએલ આજ પારેવાં
મોકળે મને, ચાંચમાં પ્રોવી ચાંચ ને ઊડ્યાં
          પ્રસરાવી ને આભમાં પાંખો!
એ જ કૂબાની બ્હાર બધેબધ
          કોડિયાં જલે આજ શું લાખો?

ઑય મા મુંને –

ઑય મા, મુંને પગમાં કાંટો લવકે છે કંઈ
ઑય મા, જેવું આંખ્યમાં કણું ખટકે છે કંઈ...

નેળ્યને કેડે આમ તો સખિ
હોય શું કહે : હોય ગાડેતી જણ, બીજું શું ધૂળ?
ધ્યાન બા’રી લગરીક થઈ ત્યાં
‘ઝમ’ શારાની ગઈ ભોંકાઈ પગમાં બાવળશૂળ
ઑય મા, મુઝાઈ મરતી એવું સાંસમાં લીલું ચટકે છે કંઈ...
ઑય મા, મુંને પગમાં કાંટા લવકે છે કંઈ....

કોઈ દિ’ રાતું ફાળિયું ભાળી અમથું અમથું
બોલવું નહીં ચાલવું નહીં કાઈ દિ’ સામે મળવું નહીં, નીમ
કોઈ દિ બાઈ, કારણ વગર દેખવું નહીં દાઝવું નહીં
લાજવું નહીં કોઈ વાતે પણ ચળવું નહીં, નીમ

ઑય મા રે, સંભારણા પેઠે જામરો મારી પાનીએ મૂવો
સળકે છે કંઈ....

ઑય મા, મને પગમાં કાંટો લવકે છે કંઈ....
ઑય મા, જેવું આંખ્યમાં કણું ખટકે છે કંઈ....

તમે ભલે ઘર છોડી ચાલ્યાં–

તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં.....
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં....

હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ
ટાંકા લેતી આંગળિયું કંઈ તરવરતી તોરણિયે
બારસાખ આંખો ઢાળીને જોઈ રહે ઉંબરમાં....

નથી રોટલે ભાત્ય તમારી હથેળિયુંની પડતી
નથી રોટલે ભાત્ય – યાદ એ વળી વળી ઉપસતી
નથી તમે–ની સરત રહે ના કેાઈ અવરજવરમાં....

આળીપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ
પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ
ગીત વગરનું ગીત ટપકતું ફરી ફરી ભીતરમાં....

તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં....
તમે ભલે સુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં....

લંબાતા દંનનું ગીત

આમ હવાની ફૂંક વાગે ને ધૂળને ફૂટે પાંખ
આમ આઘેની ટેકરીના ગુલમૉરની ખૂલે આંખ

થાય બપોરી વેળ ને ભીનો ધોરિયો પોરો ખાય
૨ે પછી ધોરિયો પોરો ખાય
ભથવારીના હોઠની પેઠે ભાથની છૂટે ગાંઠ
ને દોણી છાશની ઊણી થાય
પીંપળા હેઠે થાકની આંખો જાય ઘેરાતી જાય ઘેરાતી જાય
કાંઈ નવાણે કાંઈ નવાણે
કાંઈ ધુબાકા ખાય હવે આ ચૈતર ને વૈશાખ....

પંથને ફૂટે કેડીયું એવી કેડીયું જેવા
સીમમાં લાંબા દંન ઊગે રે દંન
આવશે ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે
સાંજનાં શીળાં વંન કે શીળાં વંન
ખોરડાં મેલી ગામથી આઘા
જાય ઠેલાતા જાય લીલા આષાઢ અને શ્રાવણ
આભ વિના કેઈ આભ ના બીજે ક્યાંય
ના કાળુભારમાં વહે નીર કે વડે આભ....
આમ હવાની ફૂંક વાગે ને ધૂળને ફૂટે પાંખ
આમ આઘેની ટેકરીના ગુલમૉરની ખૂલે આંખ

‘ગામમુખીનાં ત્રણગીત’ માંથી ૩

મુખી સત્તરવાર, તે કાળુભારને ધૂને
ધોમખપોરે જઈ ને શું ધૂબકા લગાવાય નંઈ?–

રાતના ભેરુબંધની હારે
હીરપરાની વાડ્યને છીંડે ગરકી પછી
મનને ફાવે એટલાં લાગઠ ઝીંઝરાં ચારાય નંઈ? -

ગામને સાડીસાત વખત ખપ હોય તા રાખે
આપણે ક્યાં જલમીને મુખીપદને લાવ્યા ’તા?
ગામઉતારે જઈ ને ક્યાં સરપંચ – તલાટી અથવા તો
કોઈ માનતા માની દેવ મનાવ્યા ’તા?

વાઢ ફરે ત્યાં ઠાવકા થઈ બેસવું મોભાસર :
ઠામુકાં ગીત-સળુકા કાંઈ રે ગવાય નંઈ–

છોકરા સાથે રમીએ જો નવકૂકરી ત્યાં તો
લેક કે’તું કે જોઈ લ્યો મુખીસાબ્યની છોકરમત
મુંજી થઈ બેસવું, કાં તો કોઈની વાદાકોદમાં
માથું મારવું – આને જીત કહું કે મત?

ઘોડા મારે શિંગડાં, એવી ભોયની આ
પટલાઈ મળી કે ડેલીએ ઊભા રઈ
નિરાંતે રેવડી ખવાય નંઈ –

રુંઝ્યું વળવાની વેળ

અને ઊડે છે સાંજ મારે ફળિયેથી....
જાંબુડિયો રંગ જાય ઘૂંટાતો બીડમાં
સુક્કી એકાદ ઘાસ સળિયેથી....
ધણની વચ્ચેથી બે’ક ઊઠે છે વાંભ
પણે સીમ માથે ઊડ્યો ગુલાલ
ખરીઓની છાલકથી વાટ ચડી હેલારે
ગામ ભણી તરતા આ આ ઢાળ
તરતા આ ઢાળના વળાંકમાંથી છેલ્લેરા
છૂટ્યા રે સૂર વાંસળીએથી....
લીંમડાની ડાળખીએ ટાંગેલી ઠીબમાંથી
અંધારે ચાંચને ઝબોળી
ઘરની પછવાડે રાતરાણીનાં ફૂલોએ
હોઠભીની વાત કૈંક ખોલી
આખ્ખુંયે ગામ જાણે હુક્કાનો ડાયરો :
છલકે સોડમ ગલી-ગલીએથી....
રુંઝ્યું વળવાની વેળ ઓસરતી જાય
આમ કોલાહલ નીતરતો શેરીએ
ખેતરનો થાક પછી હળવેથી ચુપચાપ
વાળુ કરીને ચડે મેડીએ
હવે, ઓરડામાં (ચણિયાનાં આભલાંમાં આભ બીજું)
કોડિયાંઓ ઝલમલતાં ચણિયેથી....
અને ઊડી ગઈ સાંજ મારે ફળિયેથી...

દરિયાની વાત કાંક દરિયો જાણે —

દરિયાની વાત કાંક દરિયો જાણે ને કાંક જાણે છે નીતરતી આંખો
તૂટતાં મોજાંની પીડ ભેખડ જાણે ને કાંક જાણે છે ભીતરનો કાંઠો
હો ભાઈઓ, દરિયાની વાત

રેતીમાં ભરતીની રેખા લંબાય એવી જમણા તે હાથમાં રેખાતી
ડૂસકાંનાં મોજાંમાં ઘુમરાતી જાય પછી છલતી ઊછળતી આ છાતી
હલ્લેસાં મારીને થાકે છે શ્વાસ : પડે સૂરજનો પડછાયેા ઝાંખો
હો ભાઈઓ, દરિયાની વાત

એવા નિઃશ્વાસ કદી તળિયેથી ઊઠતા કે પળમાં ડૂબે છે કૈંક સદીઓ
દરિયાની જેમ છતાં ફેલાવો હાથ એમાં સળવળશે સંબંધની નદીઓ
શ્રાવણની ધૂપ સમા હળવા થઈ ઊડીએજી પ્હેરીને પાણીની પાંખો
હો ભાઈઓ
દરિયાની વાત કાંક દરિયેા જાણે ને કાંક જાણે છે નીતરતી આંખો
તૂટતાં મોજાંની પીડ ભેખડ જાણે ને કાંક જાણે છે ભીતરનો કાંઠો,

શિખરિણી

         ચરણ સરતા જાય મિતવા...
ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા....

અને સામે કૅલેન્ડર ઉપરથી સૂર્ય ખરતો
સવારે તક્તામાં કુમકુમ મુખે શો છલકતો
હવામાં મીરાંનાં પદ ટપકતાં જાય મિતવા....
         ચરણ સરતા જાય મિતવા....

વળાંકો છાયા નભ પથ અને ઢાળ નમણાં
કરે ઊંચા બાહુ હરખવશ, આ ઘાસ-તરણાં
મને ભીની ભીની લહર ધરતાં જાય મિતવા....
         ચરણ સરતા જાય મિતવા....

પ્રવેશું ઝાંપામાં અઢળક અહો, વ્હાલ વરસે
ભર્યાં એકાન્તોમાં મખમલ સમી દૃષ્ટિ પરસે
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા....
         ચરણ સરતા જાય મિતવા....

બે

                  આંગણમાં આવીને
કોનો અણસાર સખિ, નેવાંની હેઠ મને ખેંચે છે ઘરમાંથી લાવીને

તડકા જો હોત તો તો સમજ્યાં કે
જાળીથી વાયરાઓ લાવે છે લૂ
ખાંગા થૈ ચોમાસાં વરસે છે રાતના
ને પળે પળે દાઝું છું હું

હૈયું છે હૈયું, એ છોકરું નથી કે એને ચપટીમાં રાખીએ મનાવીને

આભેથી ઝીલીને ભોંય પછી મેલે છે
સીમ ભણી ખળખળતાં વ્હેણ
સુક્કાં તે પાંદડાંના છૂટશે તરાપા
પણ કૈ કૈ પા મોકલવાં ક્હેણ

એટલીયે સમજણ આ મનને નથી ને આમ જાગે છે નીંદર સજાવીને
આંગણમાં આવીને

બે

બાઈ
નદીએ ના’વાને હું તો એક વાર ગૈ’તી ત્યાં રામ જાણે ગઈ ક્યાં અટવાઈ!

કંચવો ઉતારીને પાણીમાં ગઈ
એમાં એવી તે ભૂલ કઈ કીધી?
ઝાડવાની આડશમાં આંખો માંડીને
એણે પાણીની જેમ મને પીધી
લૂગડાં નીચોવીને વળગણીએ સૂકવ્યાં ને એમ અમે ચાલ્યાં સુકાઈ

પોપચાં મીંચીને સ્હેજ પડખાભર થૈ’તી
ત્યાં નદી થઈ વ્હેતી પરસાળ
મેં જોયુંઃ અંબોડો છૂટતાં તણાઈ ગયો
એક મારો સોનેરી વાળ
સાંજુકા, વાળ અને કુંવરીની વાત માંડી ઠૉળ કરે વચલી ભોજાઈ

ગોધૂલિવેળા

થઈ ગોધૂલિવેળા
ફૂલ તિમિરનાં સ્હેજ ઊઘડતાં વહ્યા ગંધના રેલા

ફળિયામાં કલશોર : લીંમડે
લચી ઊઠતા માળા
બોઘરણે ઝિલાય ગાયના
આંચળથી અજવાળાં

ગાડામાંથી સીમ ઊતરતાં મળ્યા ઊલટના મેળા

ઘરમાં ઝીણી બોલાશુંની
આળેખાતી ભાત
જાળી પાસે નમી ડાળખી
સાંભળવાને વાત

છતમાંથી ચાંદરણાં ઊતર્યા : ભળ્યા વાયરા ભેળા

નભનાં મોતી ચરવા જ્યારે
હંસો થાય પસાર
ઝણણણ ઝાલરમાં ઝળકે છે
દીપશિખાની ધાર

તંબૂરનાં જળ મંદ હલકથી ઠારે કાંઈ ઝળેળા
થઈ ગોધૂલિ વેળા

મશ

મશ આંજી’તી મશ
ઈરખા કરી નીરખે મને વ્રજની દશેદશ

એટલે તો વંકાઈને ચાલ્યાં જમનાજીનાં જળ
ફૂલનાં યે મોં ઝંખવાયાં તે જાય ઊડી ઝાકળ

રીંસમાં રાધા કદમ્બની ત્યાં લૈ ઊભી આડશ

કોઈકે લોચન ફેરવ્યાં : કીધાં કોઈકે વાંકાં વેણ
એવડી તે શી ભૂલ કે પવન લાવતો નથી ક્હેણ?

મારગે મળે કા’ન તો બધી વાત માંડીને ક’શ

પોપચે પ્હેરી પાંખ ને પછી પગમાં મૂકી ઠેક
ઊઠતી મારા પંડ્યમાંથી કાં કોઈ અજાણી મ્હેક?

આજ તો એવું થાય કે જાણે હું ય ના મારે વશ
મશ આંજી’તી મશ

વ્રજગીત

મૈં ભોરી બ્રિજ–નાર
પલ પલ હિય મેં હરખ લેઈકે ગઈ જસોદા-દ્વાર

સુનકે મેરે પાંવ કે ઘુંઘરું બૈઠ ગયો મુખ મોરી
લગી રિઝાવત મધુર બાની મૈં લૈ ઝૂલે કી ડોરી

નિંદિયારીં અંખિયન – સોં ઓરિ તૂટન લાગ્યો તાર

મૈં હૂં તોરી મુગધ રાધિકા, મૈં હૂં કદમ્બ-ડારી
મૈં હી ગોધૂરિ બ્રિજ-બન કી, મૈં કાલિન્દી કારી

શ્યામ મનોહર ઐસો રિઝ્યો બરસ્યો અનરાધાર
મૈં ભોરી બ્રિજ-નાર

મોસમનો પહેલો વરસાદ

મોસમનો પહેલો વરસાદ પડ્યો, હેય હેય!—
          આળસ મરડી ફટાક છાપરાનાં નળિયેથી
                   દરિયો ફળિયામાં દડ્યો, હેય હેય!–

હેય હેય! નેવાંનાં પાણી–સમેત
          વહે અંધારું રે ઝાકમઝોળ
નદીએ તો ઠીક, અહીં છાતીમાં ઊઠે છે
          પ્હેલવ્હેલ્લો કોઈ હિલ્લોળ

ગોખેથી સ્હેજસાજ સૂરજ દેખાય : ભીનો
          ઘરને ઉજાસ જડ્યો, હેય હેય – !

હેય હેય! વહેલી સવારે લખમીજીનાં
          લીલાં પગલાંની જોઉં ભાત
પાંદડીએ પાંદડીએ ઝિલાતી જાય
          એની ઘૂઘરીઓ તૂટ્યા–ની વાત

જાસૂદનાં ફૂલ જેમ તારીયે આંખોમાં
                   કેવો ઉન્માદ ચડ્યો, હેય હેય – !

એય...ને કાળુભાર

ચાલતી રહે એ...યને ઠુમકદાર બે કાંઠે મ્હાલતી રહે એય...ને કાળુભાર!
લૂનાં પીળાં ઝૂમખાઓ ખંખોળિયું ખાવા આવતાં એને હળવે રે હુલાવતી રહે
                  એય...ને કાળુભાર!

રેતના ઘાસલ થૂમડે બેસી કાળિયો કોશી ભરબપ્પોરે સૂર રેલાવે મોકળે મને અડવાણે પગ સોંસરી વીંધી સીમ આ પવન વાતવે વળે ઝાડની આછી છાંયડી કને
એકલવાયું ઊડતું પંખી ચાંચ બોળીને જાય એ મશે જળનો દઈ સાદ એને
                  બોલાવતી રહે એય...ને કાળુભાર!
અહીંથી તહીં પતંગિયાની પાંખ–શાં નયન રઘવાયા થઈ ઠેકઠેકાણે ભટકે કદી ગઈ વેળાનાં સગડ ક્યાંથી હોય વેળુમાં? – તોય થાકોડાભેર બે ચરણ અટકે કદી
પાનીએ રાતા લવકારાને ઠારવા ત્યારે કોઈ ભીના સંભારણે છાલક મારતી રહે
                  એય...ને કાળુભાર!

ફળિયે ફૉરી દાડમડી

ફળિયે ફૉરી દાડમડી ને દાડમડીનાં ફૂલ કે વાંકો ડોલરિયો
ફૂલની ઊઘડી આંખ : આંખની ઝલમલ ઝલમલ ઝૂલ કે વાંકો ડોલરિયો

પગમાં ઊડશે સીમડી કાંઈ સીમે સૂકું ઘાસ કે વાંકો ડોલરિયો
છતાં તમારે હોઠ ફરક્યો ભીનો ચૈતર માસ કે વાંકો ડોલરિયો

વનવગડામાં વાડિયું એક વાડી લચકાલોળ કે વાંકો ડોલરિયો
પાણી સીંચશે પાતળિયો સખી ન્હાશે માથાબૉળ કે વાંકો ડોલરિયો

અડખેપડખે કેડિયુમાં ઊંચા-નીચા ઢાળ કે વાંકો ડોલરિયો
પછવાડેના ઓરડે કોણ ગૂંથશે સૈયર, વાળ કે વાંકો ડોલરિયો

આગળ પાછળ આંગણુ ને વચાળ ઊભું ઘર કે વાંકો ડોલરિયો
ઘરહીંડોળે ઝૂલે સખિ ને હૈડે રાજકુંવર કે વાંકો ડોલરિયો

ગામ ગોંદર્યે તલાવડી ને તલાવડીમાં નીર કે વાંકો ડોલરિયો
નીરથી આછી રાત ઊગશે ઊંઘમતીને તીર કે વાંકો ડોલરિયો

રિસામણે જતી કણબણનું ગીત

કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર–
પગમાં ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે
જેમ કે ઊડે આભમાં કાબર—કીર–

મરને માથાબંધણું મેલું દાટ જોઈ સંભારતો
વાવડ પૂછતો મારા ગામના : મારે શું?
જીવ ટાઢોબૉળ રાખશું, ભરત ભરશું
આઠે પો’ર હિલોળા, હીંચકો અને હું!
મારી બલારાત વેઠે ઉજાગરા, વેઠે વ્રત, વેઠે અપવાસ,
નીતારે આંખ્યથી ઊનાં નીર –

આંય તો મીઠી માવડી, ખીલે ગાવડી
સખિસૈયરું હશે ભાઈ અને ભોજાઈ
ન્યાં સૂનાં—અણોસરાં તોરણ–તક્તા,
ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ને અભરાઈ

હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા
સાવ કોરી ધાકોર નદીને તીર –

એંધાણી

એવાં ખોરડાંની રાખજો એંધાણી
         સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી

ઊઘડતાં ફૂલ જેવી ઊઘડતી આંખ હોય
                  નીંદરમાં પોપચે બિડાણી
પંખીના કણ્ઠ હાર્યે ઝૂલે પ્રભાતિયાં
                  તુલસીક્યારો જ્યાં ઝીલે પાણી
         સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી

વગડાનો થાક જેનો નીતરતો પંડ્યથી
         ન્યાં સો – સો સોડમની સરવાણી
એનાં ભાણેથી ભરજો અમરતના ઑડકાર
                  સાચકલાં અન્નને પિછાણી–
         સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી

આઠે તે પૉર ઊલેચાય જેની અંજળિ
                  ને આઠે તે પૉરની ઉજાણી
આંટીઘૂંટીથી કાંઈ અળગી રહે છે એવી
                  ધૂળમાં રજોટાતી વાણી–
         સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી

કોના હોઠે

ધીરાં ધીરાં
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરાં?

મ્હેક મ્હેકનાં થળથળ થાનક
ઊઘડ્યાં સૂરનાં પારિજાતક
ક્યાંથી ઊઘડી અદીઠ પાછી હલકભરેલી પીરા?

કોઈ ખાલી, કોઈ અધૂરાં
ક્યાં મેવાડ, ક્યાં ગોકુલ-મથુરા!
પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરાં

જાત ભૂલીને નીકળ્યાં પોતે
કોણ અહીંયા કોને ગોતે?
કોના હોઠે : માધવ માધવ : કોના હોઠે : મીરાં?

ત્રણ ગાયત્રી ગીત

એક

તને નહીં હું શોધું માડી, તું જ મને લે શોધ –
ખબર તને પણ પડે ભલે કે ક્યાં ક્યાં છે અવરોધ?

         ખૂણેખાંચરે ફરીશ તોયે
         એમ હાથ નહીં આવું
         હું ય એટલું જાણું છું કે
         કયે સ્થળે સંતાવું?

છાનું છાનું હસી હું નીરખીશ : તારો ખોટ્ટો ક્રોધ :

         પાલવ પાછળ સંતાયાની
         તને થશે જ્યાં જાણ
         બેઉ આંખના વ્હેણ વચાળે
         વધતું જાશે તાણ

અળગાં કેમ કરીને થઈએ : તું સરિતા, હું ધોધ–
તને નહીં હું શોધું માડી, તું જ મને લે શોધ –

'મીરાં સામે પારનું’ સ્મરણ થતાં લખાયેલું ગીત

         હરિ હાલીને આવ્યા અમરેલીએ
મેં તો ધાર્યું’તું કે પ્હેલવ્હેલા ઊતરશે ગામની ત્યાં ઊંચી હવેલીએ

         મારા હાથમાંથી વાસીદાં હેઠેં પડ્યાં
         એ તો આવ્યા–ન આવ્યા ને હૈડે અડ્યા

સખિ, આવવાના વાવડ જો લગરીકે હોત તો તો નીંદરને દીવે ના મેલીએ?

         જોયા લથબથ ને નખશિખ રઘવાયા થતા
         કોના વિરહી લોચનથી ખેંચાયે જતાં?
કહે, ગોકુળના આંસુમાં ઓછપ હતી કે અહીં અટકે તે શ્રાવણની હેલીએ?

         ક્યાંક સ્યાહીમાં ઘૂઘરીઓ વાગી ઝીણી
         જરી અટકે ને ઠમકારા લેતા વીણી

પછી કાગળ પર મીરાંને નાચંતી જોઈ હિર ઊભા રમેશજીની ડેલીએ

મરમી, તમે રે[1]

મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ–આગળા–

ખંખેર્યાં જાળાં ને ગાર–ગોરમટી
મન મૂકીને ધોળી ભીંતેભીંત
ખોરડાં ચાળ્યાં ત્યાં ઝળહળ ઓરડા
પાણિયારે ઝવ્યાં ઝીણાં ગીત

ઝૂલ્યાં રે તોરણ ઝૂલ્યા ચાકળા
મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ–આગળા–

આંગણે સુકાતી કૉળી ડાળખી
અડક્યાં—નાં નીતર્યાં જ્યાં નીર
લીલી રે બોલાશું ફરકી પાનમાં
પાને પાને બેઠાં કાબર—કીર

કીધા રે અળગા જી તડકા આકરા
મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ આગળા

પપ્પા, હવે ફોન મૂકું?

...તો, પપ્પા! હવે ફોન મુકું?
તમને યે મોજ જરી આવે તે થયું મને STDની ડાળથી ટહુકું?
હૉસ્ટેલને?... હૉસ્ટેલ તો ફાવે છે... જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે... રંગભર્યું મ્હેકે છે... ડાળખીમાં કરે ઝુલાઝૂલ
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું.
મમ્મીબા જલસામાં... બાજુમાં ઊભી છે?... ના ના...તો વાસણ છો માંજતી,
કે’જો.... આ દીકરીયે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી.
સાચવજો...ભોળી છે... ચિન્તાળુ... ભુલકણી.... પાડજો ના વાંકું કે ચૂંકું,
શું લીધું !... સ્કૂટરને? ... ભારે ઉતાવળા... શમ્મુ તો કે’તો’તો..ફ્રિજ
કેવા છો જિદ્દી?.. ને હપ્તા ને વ્યાજ?... વળી ઘર આખ્ખું ઠલવશે ખીજ
ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય... કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું
તો, પપ્પા! હવે ફોન મૂકું?

તને ઓળખું છું, મા

તને ઓળખું છું, મા
સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે ખમ્મા!

ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ
ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું

મળે લ્હેરખીઃ હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં

તરણા પેઠે ચાવે કે હડસેલે, કોઈ ફેંકે
પગભર ઊભો થાઉં ફરી તારી મમતાને ટેકે

દસે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં

ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે
કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે?

સ્મરણ-સ્મરણ તે તીરથઃ તારી એમ કરું પરકમ્મા
તને ઓળખું છું, મા

  1. પૂ. ‘દર્શક’ને કૃતજ્ઞતાપૂર્વક : અમૃત મહોત્સવ પ્રસંગે