મનોહર ત્રિવેદીનાં કાવ્યો


ગીત


મનોહર ત્રિવેદીનાં કાવ્યો

સંપાદક: વિપુલ પુરોહિત



ઠેશ

જમુનાને ઘાટ હું તે પાણીડાં ગૈ’તી ન્યાં
વાગી ગૈ એક મુને ઠેશ!
ગોધણ લઈ આવતા મોહનની બંસીનો
સૂર મુને આંહીં પરખાણો,
ઇમાં તે બૈ! હું તો ભાન ભૂલી ગૈ,
મારા પગમાં અટવાણો એક પાણો;
નંદવાણી ચૂડિયું ને તૂટી ગ્યું બેડું, મારાં
ભીંજવાયાં રુદિયું ને વેશ! — જમુનાને
ઈ ચિત્તડાના ચોર મારી પડખેથી સરક્યો
ને બોલ્યો ના એક્કે તે વેણ,
મૂંગાં મલકાટમાં પૂર્યા’તાં ઈણે તો
કૈ કૈયે લાખેણાં કેણ;
દલડાનો તઇં ભારો ચંદર ઊગ્યો ને
ઓલી સંધ્યા પે ઢળતી’તી મેશ! – જમુનાને

મોં – સૂઝણું

એક કૂબાની બ્હાર રેલાતા કોડિયાનો અજવાસ રે ઝાંખો!
વાયરો સારી રાત વિંઝાયો; તો ય પેલી એ
દીપ–શિખાએ પ્રસન્ન ચ્હેરે આદર્યો જાણે નાચ!
‘અહીં કૂબાની માંહ્ય છે કેવો દીપ, કે જે – હું –
વગડા કેરી બીક કશી ના લાગતી વળી આંચ?
સપન છે કે સતની લીલા?’

દ્વારનો કરી હાથ હલાવે, ચોળતો જાણે નિજની આંખો! –
એક કૂબાની બ્હાર રેલાતો કોડિયાનો અજવાસ રે ઝાંખો!

આવી રહી મોં સૂઝણી જ્યંહી વેળ
પ્રભંજન ભાન ભૂલીને ફૂંકતો બેઠો;
(નિર્મળા ને સ્વચ્છ ઝરાને બેઉં કિનારે
બાઝતો જતો લીલ ભરેલો મેલ.)

ત્યાં જ ક્ષિતિજે સુરખી રેલી, ફૂટતી હતી સુનલમુખી રેખ,
અણમાનુષ વાયરે માર્યું ઝાપટુ, આખર તેજ રેલાવી
હોલવાયો એ દીવડો નાનો, મેલતો ગયો સ્મિત આછેરું એક
(પ્રકૃતિની ગોદમાં એની ઝાંય જાણે કે નીતરી રહી છેક!)
સાંકડી કોઈ નીડમાં સારી રાત ગોંધાએલ આજ પારેવાં
મોકળે મને, ચાંચમાં પ્રોવી ચાંચ ને ઊડ્યાં
          પ્રસરાવી ને આભમાં પાંખો!
એ જ કૂબાની બ્હાર બધેબધ
          કોડિયાં જલે આજ શું લાખો?

ઑય મા મુંને –

ઑય મા, મુંને પગમાં કાંટો લવકે છે કંઈ
ઑય મા, જેવું આંખ્યમાં કણું ખટકે છે કંઈ...

નેળ્યને કેડે આમ તો સખિ
હોય શું કહે : હોય ગાડેતી જણ, બીજું શું ધૂળ?
ધ્યાન બા’રી લગરીક થઈ ત્યાં
‘ઝમ’ શારાની ગઈ ભોંકાઈ પગમાં બાવળશૂળ
ઑય મા, મુઝાઈ મરતી એવું સાંસમાં લીલું ચટકે છે કંઈ...
ઑય મા, મુંને પગમાં કાંટા લવકે છે કંઈ....

કોઈ દિ’ રાતું ફાળિયું ભાળી અમથું અમથું
બોલવું નહીં ચાલવું નહીં કાઈ દિ’ સામે મળવું નહીં, નીમ
કોઈ દિ બાઈ, કારણ વગર દેખવું નહીં દાઝવું નહીં
લાજવું નહીં કોઈ વાતે પણ ચળવું નહીં, નીમ

ઑય મા રે, સંભારણા પેઠે જામરો મારી પાનીએ મૂવો
સળકે છે કંઈ....

ઑય મા, મને પગમાં કાંટો લવકે છે કંઈ....
ઑય મા, જેવું આંખ્યમાં કણું ખટકે છે કંઈ....

તમે ભલે ઘર છોડી ચાલ્યાં–

તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં.....
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં....

હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ
ટાંકા લેતી આંગળિયું કંઈ તરવરતી તોરણિયે
બારસાખ આંખો ઢાળીને જોઈ રહે ઉંબરમાં....

નથી રોટલે ભાત્ય તમારી હથેળિયુંની પડતી
નથી રોટલે ભાત્ય – યાદ એ વળી વળી ઉપસતી
નથી તમે–ની સરત રહે ના કેાઈ અવરજવરમાં....

આળીપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ
પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ
ગીત વગરનું ગીત ટપકતું ફરી ફરી ભીતરમાં....

તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં....
તમે ભલે સુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં....

લંબાતા દંનનું ગીત

આમ હવાની ફૂંક વાગે ને ધૂળને ફૂટે પાંખ
આમ આઘેની ટેકરીના ગુલમૉરની ખૂલે આંખ

થાય બપોરી વેળ ને ભીનો ધોરિયો પોરો ખાય
૨ે પછી ધોરિયો પોરો ખાય
ભથવારીના હોઠની પેઠે ભાથની છૂટે ગાંઠ
ને દોણી છાશની ઊણી થાય
પીંપળા હેઠે થાકની આંખો જાય ઘેરાતી જાય ઘેરાતી જાય
કાંઈ નવાણે કાંઈ નવાણે
કાંઈ ધુબાકા ખાય હવે આ ચૈતર ને વૈશાખ....

પંથને ફૂટે કેડીયું એવી કેડીયું જેવા
સીમમાં લાંબા દંન ઊગે રે દંન
આવશે ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે
સાંજનાં શીળાં વંન કે શીળાં વંન
ખોરડાં મેલી ગામથી આઘા
જાય ઠેલાતા જાય લીલા આષાઢ અને શ્રાવણ
આભ વિના કેઈ આભ ના બીજે ક્યાંય
ના કાળુભારમાં વહે નીર કે વડે આભ....
આમ હવાની ફૂંક વાગે ને ધૂળને ફૂટે પાંખ
આમ આઘેની ટેકરીના ગુલમૉરની ખૂલે આંખ

‘ગામમુખીનાં ત્રણગીત’ માંથી ૩

મુખી સત્તરવાર, તે કાળુભારને ધૂને
ધોમખપોરે જઈ ને શું ધૂબકા લગાવાય નંઈ?–

રાતના ભેરુબંધની હારે
હીરપરાની વાડ્યને છીંડે ગરકી પછી
મનને ફાવે એટલાં લાગઠ ઝીંઝરાં ચારાય નંઈ? -

ગામને સાડીસાત વખત ખપ હોય તા રાખે
આપણે ક્યાં જલમીને મુખીપદને લાવ્યા ’તા?
ગામઉતારે જઈ ને ક્યાં સરપંચ – તલાટી અથવા તો
કોઈ માનતા માની દેવ મનાવ્યા ’તા?

વાઢ ફરે ત્યાં ઠાવકા થઈ બેસવું મોભાસર :
ઠામુકાં ગીત-સળુકા કાંઈ રે ગવાય નંઈ–

છોકરા સાથે રમીએ જો નવકૂકરી ત્યાં તો
લેક કે’તું કે જોઈ લ્યો મુખીસાબ્યની છોકરમત
મુંજી થઈ બેસવું, કાં તો કોઈની વાદાકોદમાં
માથું મારવું – આને જીત કહું કે મત?

ઘોડા મારે શિંગડાં, એવી ભોયની આ
પટલાઈ મળી કે ડેલીએ ઊભા રઈ
નિરાંતે રેવડી ખવાય નંઈ –

રુંઝ્યું વળવાની વેળ

અને ઊડે છે સાંજ મારે ફળિયેથી....
જાંબુડિયો રંગ જાય ઘૂંટાતો બીડમાં
સુક્કી એકાદ ઘાસ સળિયેથી....
ધણની વચ્ચેથી બે’ક ઊઠે છે વાંભ
પણે સીમ માથે ઊડ્યો ગુલાલ
ખરીઓની છાલકથી વાટ ચડી હેલારે
ગામ ભણી તરતા આ આ ઢાળ
તરતા આ ઢાળના વળાંકમાંથી છેલ્લેરા
છૂટ્યા રે સૂર વાંસળીએથી....
લીંમડાની ડાળખીએ ટાંગેલી ઠીબમાંથી
અંધારે ચાંચને ઝબોળી
ઘરની પછવાડે રાતરાણીનાં ફૂલોએ
હોઠભીની વાત કૈંક ખોલી
આખ્ખુંયે ગામ જાણે હુક્કાનો ડાયરો :
છલકે સોડમ ગલી-ગલીએથી....
રુંઝ્યું વળવાની વેળ ઓસરતી જાય
આમ કોલાહલ નીતરતો શેરીએ
ખેતરનો થાક પછી હળવેથી ચુપચાપ
વાળુ કરીને ચડે મેડીએ
હવે, ઓરડામાં (ચણિયાનાં આભલાંમાં આભ બીજું)
કોડિયાંઓ ઝલમલતાં ચણિયેથી....
અને ઊડી ગઈ સાંજ મારે ફળિયેથી...

દરિયાની વાત કાંક દરિયો જાણે —

દરિયાની વાત કાંક દરિયો જાણે ને કાંક જાણે છે નીતરતી આંખો
તૂટતાં મોજાંની પીડ ભેખડ જાણે ને કાંક જાણે છે ભીતરનો કાંઠો
હો ભાઈઓ, દરિયાની વાત

રેતીમાં ભરતીની રેખા લંબાય એવી જમણા તે હાથમાં રેખાતી
ડૂસકાંનાં મોજાંમાં ઘુમરાતી જાય પછી છલતી ઊછળતી આ છાતી
હલ્લેસાં મારીને થાકે છે શ્વાસ : પડે સૂરજનો પડછાયેા ઝાંખો
હો ભાઈઓ, દરિયાની વાત

એવા નિઃશ્વાસ કદી તળિયેથી ઊઠતા કે પળમાં ડૂબે છે કૈંક સદીઓ
દરિયાની જેમ છતાં ફેલાવો હાથ એમાં સળવળશે સંબંધની નદીઓ
શ્રાવણની ધૂપ સમા હળવા થઈ ઊડીએજી પ્હેરીને પાણીની પાંખો
હો ભાઈઓ
દરિયાની વાત કાંક દરિયેા જાણે ને કાંક જાણે છે નીતરતી આંખો
તૂટતાં મોજાંની પીડ ભેખડ જાણે ને કાંક જાણે છે ભીતરનો કાંઠો,

શિખરિણી

         ચરણ સરતા જાય મિતવા...
ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા....

અને સામે કૅલેન્ડર ઉપરથી સૂર્ય ખરતો
સવારે તક્તામાં કુમકુમ મુખે શો છલકતો
હવામાં મીરાંનાં પદ ટપકતાં જાય મિતવા....
         ચરણ સરતા જાય મિતવા....

વળાંકો છાયા નભ પથ અને ઢાળ નમણાં
કરે ઊંચા બાહુ હરખવશ, આ ઘાસ-તરણાં
મને ભીની ભીની લહર ધરતાં જાય મિતવા....
         ચરણ સરતા જાય મિતવા....

પ્રવેશું ઝાંપામાં અઢળક અહો, વ્હાલ વરસે
ભર્યાં એકાન્તોમાં મખમલ સમી દૃષ્ટિ પરસે
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા....
         ચરણ સરતા જાય મિતવા....

બે

                  આંગણમાં આવીને
કોનો અણસાર સખિ, નેવાંની હેઠ મને ખેંચે છે ઘરમાંથી લાવીને

તડકા જો હોત તો તો સમજ્યાં કે
જાળીથી વાયરાઓ લાવે છે લૂ
ખાંગા થૈ ચોમાસાં વરસે છે રાતના
ને પળે પળે દાઝું છું હું

હૈયું છે હૈયું, એ છોકરું નથી કે એને ચપટીમાં રાખીએ મનાવીને

આભેથી ઝીલીને ભોંય પછી મેલે છે
સીમ ભણી ખળખળતાં વ્હેણ
સુક્કાં તે પાંદડાંના છૂટશે તરાપા
પણ કૈ કૈ પા મોકલવાં ક્હેણ

એટલીયે સમજણ આ મનને નથી ને આમ જાગે છે નીંદર સજાવીને
આંગણમાં આવીને

બે

બાઈ
નદીએ ના’વાને હું તો એક વાર ગૈ’તી ત્યાં રામ જાણે ગઈ ક્યાં અટવાઈ!

કંચવો ઉતારીને પાણીમાં ગઈ
એમાં એવી તે ભૂલ કઈ કીધી?
ઝાડવાની આડશમાં આંખો માંડીને
એણે પાણીની જેમ મને પીધી
લૂગડાં નીચોવીને વળગણીએ સૂકવ્યાં ને એમ અમે ચાલ્યાં સુકાઈ

પોપચાં મીંચીને સ્હેજ પડખાભર થૈ’તી
ત્યાં નદી થઈ વ્હેતી પરસાળ
મેં જોયુંઃ અંબોડો છૂટતાં તણાઈ ગયો
એક મારો સોનેરી વાળ
સાંજુકા, વાળ અને કુંવરીની વાત માંડી ઠૉળ કરે વચલી ભોજાઈ

ગોધૂલિવેળા

થઈ ગોધૂલિવેળા
ફૂલ તિમિરનાં સ્હેજ ઊઘડતાં વહ્યા ગંધના રેલા

ફળિયામાં કલશોર : લીંમડે
લચી ઊઠતા માળા
બોઘરણે ઝિલાય ગાયના
આંચળથી અજવાળાં

ગાડામાંથી સીમ ઊતરતાં મળ્યા ઊલટના મેળા

ઘરમાં ઝીણી બોલાશુંની
આળેખાતી ભાત
જાળી પાસે નમી ડાળખી
સાંભળવાને વાત

છતમાંથી ચાંદરણાં ઊતર્યા : ભળ્યા વાયરા ભેળા

નભનાં મોતી ચરવા જ્યારે
હંસો થાય પસાર
ઝણણણ ઝાલરમાં ઝળકે છે
દીપશિખાની ધાર

તંબૂરનાં જળ મંદ હલકથી ઠારે કાંઈ ઝળેળા
થઈ ગોધૂલિ વેળા

મશ

મશ આંજી’તી મશ
ઈરખા કરી નીરખે મને વ્રજની દશેદશ

એટલે તો વંકાઈને ચાલ્યાં જમનાજીનાં જળ
ફૂલનાં યે મોં ઝંખવાયાં તે જાય ઊડી ઝાકળ

રીંસમાં રાધા કદમ્બની ત્યાં લૈ ઊભી આડશ

કોઈકે લોચન ફેરવ્યાં : કીધાં કોઈકે વાંકાં વેણ
એવડી તે શી ભૂલ કે પવન લાવતો નથી ક્હેણ?

મારગે મળે કા’ન તો બધી વાત માંડીને ક’શ

પોપચે પ્હેરી પાંખ ને પછી પગમાં મૂકી ઠેક
ઊઠતી મારા પંડ્યમાંથી કાં કોઈ અજાણી મ્હેક?

આજ તો એવું થાય કે જાણે હું ય ના મારે વશ
મશ આંજી’તી મશ

વ્રજગીત

મૈં ભોરી બ્રિજ–નાર
પલ પલ હિય મેં હરખ લેઈકે ગઈ જસોદા-દ્વાર

સુનકે મેરે પાંવ કે ઘુંઘરું બૈઠ ગયો મુખ મોરી
લગી રિઝાવત મધુર બાની મૈં લૈ ઝૂલે કી ડોરી

નિંદિયારીં અંખિયન – સોં ઓરિ તૂટન લાગ્યો તાર

મૈં હૂં તોરી મુગધ રાધિકા, મૈં હૂં કદમ્બ-ડારી
મૈં હી ગોધૂરિ બ્રિજ-બન કી, મૈં કાલિન્દી કારી

શ્યામ મનોહર ઐસો રિઝ્યો બરસ્યો અનરાધાર
મૈં ભોરી બ્રિજ-નાર

મોસમનો પહેલો વરસાદ

મોસમનો પહેલો વરસાદ પડ્યો, હેય હેય!—
          આળસ મરડી ફટાક છાપરાનાં નળિયેથી
                   દરિયો ફળિયામાં દડ્યો, હેય હેય!–

હેય હેય! નેવાંનાં પાણી–સમેત
          વહે અંધારું રે ઝાકમઝોળ
નદીએ તો ઠીક, અહીં છાતીમાં ઊઠે છે
          પ્હેલવ્હેલ્લો કોઈ હિલ્લોળ

ગોખેથી સ્હેજસાજ સૂરજ દેખાય : ભીનો
          ઘરને ઉજાસ જડ્યો, હેય હેય – !

હેય હેય! વહેલી સવારે લખમીજીનાં
          લીલાં પગલાંની જોઉં ભાત
પાંદડીએ પાંદડીએ ઝિલાતી જાય
          એની ઘૂઘરીઓ તૂટ્યા–ની વાત

જાસૂદનાં ફૂલ જેમ તારીયે આંખોમાં
                   કેવો ઉન્માદ ચડ્યો, હેય હેય – !

એય...ને કાળુભાર

ચાલતી રહે એ...યને ઠુમકદાર બે કાંઠે મ્હાલતી રહે એય...ને કાળુભાર!
લૂનાં પીળાં ઝૂમખાઓ ખંખોળિયું ખાવા આવતાં એને હળવે રે હુલાવતી રહે
                  એય...ને કાળુભાર!

રેતના ઘાસલ થૂમડે બેસી કાળિયો કોશી ભરબપ્પોરે સૂર રેલાવે મોકળે મને અડવાણે પગ સોંસરી વીંધી સીમ આ પવન વાતવે વળે ઝાડની આછી છાંયડી કને
એકલવાયું ઊડતું પંખી ચાંચ બોળીને જાય એ મશે જળનો દઈ સાદ એને
                  બોલાવતી રહે એય...ને કાળુભાર!
અહીંથી તહીં પતંગિયાની પાંખ–શાં નયન રઘવાયા થઈ ઠેકઠેકાણે ભટકે કદી ગઈ વેળાનાં સગડ ક્યાંથી હોય વેળુમાં? – તોય થાકોડાભેર બે ચરણ અટકે કદી
પાનીએ રાતા લવકારાને ઠારવા ત્યારે કોઈ ભીના સંભારણે છાલક મારતી રહે
                  એય...ને કાળુભાર!

ફળિયે ફૉરી દાડમડી

ફળિયે ફૉરી દાડમડી ને દાડમડીનાં ફૂલ કે વાંકો ડોલરિયો
ફૂલની ઊઘડી આંખ : આંખની ઝલમલ ઝલમલ ઝૂલ કે વાંકો ડોલરિયો

પગમાં ઊડશે સીમડી કાંઈ સીમે સૂકું ઘાસ કે વાંકો ડોલરિયો
છતાં તમારે હોઠ ફરક્યો ભીનો ચૈતર માસ કે વાંકો ડોલરિયો

વનવગડામાં વાડિયું એક વાડી લચકાલોળ કે વાંકો ડોલરિયો
પાણી સીંચશે પાતળિયો સખી ન્હાશે માથાબૉળ કે વાંકો ડોલરિયો

અડખેપડખે કેડિયુમાં ઊંચા-નીચા ઢાળ કે વાંકો ડોલરિયો
પછવાડેના ઓરડે કોણ ગૂંથશે સૈયર, વાળ કે વાંકો ડોલરિયો

આગળ પાછળ આંગણુ ને વચાળ ઊભું ઘર કે વાંકો ડોલરિયો
ઘરહીંડોળે ઝૂલે સખિ ને હૈડે રાજકુંવર કે વાંકો ડોલરિયો

ગામ ગોંદર્યે તલાવડી ને તલાવડીમાં નીર કે વાંકો ડોલરિયો
નીરથી આછી રાત ઊગશે ઊંઘમતીને તીર કે વાંકો ડોલરિયો

રિસામણે જતી કણબણનું ગીત

કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર–
પગમાં ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે
જેમ કે ઊડે આભમાં કાબર—કીર–

મરને માથાબંધણું મેલું દાટ જોઈ સંભારતો
વાવડ પૂછતો મારા ગામના : મારે શું?
જીવ ટાઢોબૉળ રાખશું, ભરત ભરશું
આઠે પો’ર હિલોળા, હીંચકો અને હું!
મારી બલારાત વેઠે ઉજાગરા, વેઠે વ્રત, વેઠે અપવાસ,
નીતારે આંખ્યથી ઊનાં નીર –

આંય તો મીઠી માવડી, ખીલે ગાવડી
સખિસૈયરું હશે ભાઈ અને ભોજાઈ
ન્યાં સૂનાં—અણોસરાં તોરણ–તક્તા,
ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ને અભરાઈ

હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા
સાવ કોરી ધાકોર નદીને તીર –

એંધાણી

એવાં ખોરડાંની રાખજો એંધાણી
         સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી

ઊઘડતાં ફૂલ જેવી ઊઘડતી આંખ હોય
                  નીંદરમાં પોપચે બિડાણી
પંખીના કણ્ઠ હાર્યે ઝૂલે પ્રભાતિયાં
                  તુલસીક્યારો જ્યાં ઝીલે પાણી
         સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી

વગડાનો થાક જેનો નીતરતો પંડ્યથી
         ન્યાં સો – સો સોડમની સરવાણી
એનાં ભાણેથી ભરજો અમરતના ઑડકાર
                  સાચકલાં અન્નને પિછાણી–
         સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી

આઠે તે પૉર ઊલેચાય જેની અંજળિ
                  ને આઠે તે પૉરની ઉજાણી
આંટીઘૂંટીથી કાંઈ અળગી રહે છે એવી
                  ધૂળમાં રજોટાતી વાણી–
         સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી

કોના હોઠે

ધીરાં ધીરાં
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરાં?

મ્હેક મ્હેકનાં થળથળ થાનક
ઊઘડ્યાં સૂરનાં પારિજાતક
ક્યાંથી ઊઘડી અદીઠ પાછી હલકભરેલી પીરા?

કોઈ ખાલી, કોઈ અધૂરાં
ક્યાં મેવાડ, ક્યાં ગોકુલ-મથુરા!
પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરાં

જાત ભૂલીને નીકળ્યાં પોતે
કોણ અહીંયા કોને ગોતે?
કોના હોઠે : માધવ માધવ : કોના હોઠે : મીરાં?

ત્રણ ગાયત્રી ગીત

એક

તને નહીં હું શોધું માડી, તું જ મને લે શોધ –
ખબર તને પણ પડે ભલે કે ક્યાં ક્યાં છે અવરોધ?

         ખૂણેખાંચરે ફરીશ તોયે
         એમ હાથ નહીં આવું
         હું ય એટલું જાણું છું કે
         કયે સ્થળે સંતાવું?

છાનું છાનું હસી હું નીરખીશ : તારો ખોટ્ટો ક્રોધ :

         પાલવ પાછળ સંતાયાની
         તને થશે જ્યાં જાણ
         બેઉ આંખના વ્હેણ વચાળે
         વધતું જાશે તાણ

અળગાં કેમ કરીને થઈએ : તું સરિતા, હું ધોધ–
તને નહીં હું શોધું માડી, તું જ મને લે શોધ –

‘મીરાં સામે પારનું’ સ્મરણ થતાં લખાયેલું ગીત

         હરિ હાલીને આવ્યા અમરેલીએ
મેં તો ધાર્યું’તું કે પ્હેલવ્હેલા ઊતરશે ગામની ત્યાં ઊંચી હવેલીએ

         મારા હાથમાંથી વાસીદાં હેઠેં પડ્યાં
         એ તો આવ્યા–ન આવ્યા ને હૈડે અડ્યા

સખિ, આવવાના વાવડ જો લગરીકે હોત તો તો નીંદરને દીવે ના મેલીએ?

         જોયા લથબથ ને નખશિખ રઘવાયા થતા
         કોના વિરહી લોચનથી ખેંચાયે જતાં?
કહે, ગોકુળના આંસુમાં ઓછપ હતી કે અહીં અટકે તે શ્રાવણની હેલીએ?

         ક્યાંક સ્યાહીમાં ઘૂઘરીઓ વાગી ઝીણી
         જરી અટકે ને ઠમકારા લેતા વીણી

પછી કાગળ પર મીરાંને નાચંતી જોઈ હિર ઊભા રમેશજીની ડેલીએ

મરમી, તમે રે[1]

મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ–આગળા–

ખંખેર્યાં જાળાં ને ગાર–ગોરમટી
મન મૂકીને ધોળી ભીંતેભીંત
ખોરડાં ચાળ્યાં ત્યાં ઝળહળ ઓરડા
પાણિયારે ઝવ્યાં ઝીણાં ગીત

ઝૂલ્યાં રે તોરણ ઝૂલ્યા ચાકળા
મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ–આગળા–

આંગણે સુકાતી કૉળી ડાળખી
અડક્યાં—નાં નીતર્યાં જ્યાં નીર
લીલી રે બોલાશું ફરકી પાનમાં
પાને પાને બેઠાં કાબર—કીર

કીધા રે અળગા જી તડકા આકરા
મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ આગળા

પપ્પા, હવે ફોન મૂકું?

...તો, પપ્પા! હવે ફોન મુકું?
તમને યે મોજ જરી આવે તે થયું મને STDની ડાળથી ટહુકું?
હૉસ્ટેલને?... હૉસ્ટેલ તો ફાવે છે... જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે... રંગભર્યું મ્હેકે છે... ડાળખીમાં કરે ઝુલાઝૂલ
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું.
મમ્મીબા જલસામાં... બાજુમાં ઊભી છે?... ના ના...તો વાસણ છો માંજતી,
કે’જો.... આ દીકરીયે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી.
સાચવજો...ભોળી છે... ચિન્તાળુ... ભુલકણી.... પાડજો ના વાંકું કે ચૂંકું,
શું લીધું !... સ્કૂટરને? ... ભારે ઉતાવળા... શમ્મુ તો કે’તો’તો..ફ્રિજ
કેવા છો જિદ્દી?.. ને હપ્તા ને વ્યાજ?... વળી ઘર આખ્ખું ઠલવશે ખીજ
ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય... કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું
તો, પપ્પા! હવે ફોન મૂકું?

તને ઓળખું છું, મા

તને ઓળખું છું, મા
સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે ખમ્મા!

ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ
ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું

મળે લ્હેરખીઃ હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં

તરણા પેઠે ચાવે કે હડસેલે, કોઈ ફેંકે
પગભર ઊભો થાઉં ફરી તારી મમતાને ટેકે

દસે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં

ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે
કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે?

સ્મરણ-સ્મરણ તે તીરથઃ તારી એમ કરું પરકમ્મા
તને ઓળખું છું, મા

કદી સાંભરે ભાઈ

         કદી સાંભરે ભાઈ
નદી જોઉં ને વહેવા લાગે ભીતર એક સગાઈ

પડુંઆખડું રડું હું ત્યારે પળમાં લેતા તેડી
ઝાડ-ઝાંખરાંની વચ્ચે પણ એ જ ચીંધતા કેડી

એકલસૂરો જુએ જરી તો કોણ ઊઠે અકળાઈ?

બાની વાણી ફાગણ ને બાપુ ચૈતર-વૈશાખ
ભાઈ એટલે આંબાડાળે લચી પડેલી સાખ

ઘરમાં એ બોલાશ હતી કે કલરવની વનરાઈ?

આજે મારા ઘરના ફળિયે હું અભ્યાગત હોઉં
સૌની વચ્ચે વસું છતાં યે હું જ મને ના જોઉં

કાળે ખેંચી કિયા કારણે જોજન લગી જુદાઈ?

તડકી

અહો, પોષની તડકી
ટેકરીએ અથડાતાં ફૂટી અંધકારની મટકી
ઢાળ ઉપરથી દિશાદિશામાં વહ્યા તેજના રેલા
ન્હાય હૂંફાળા અજવાળામાં મારગ મેલાઘેલા
વાડ્યે - વાડ્યે વાત કહેવા હવા ઘડીભર અટકી
સોનલવરણી ધૂળ આવતી, ઠેક લઈને હરણાં
પંખી લઈ કલશોર : સીમે આ ધર્યાં જુઓ, પાથરણાં
તરણાંના ટાંકાથી એણે ભરી કિરણની ધડકી
પાનપાનમાં ભરી નવાઈ કાંઠે ઊભાં ઝાડ
મલકે, કારણ પૂછે લઈને એકબીજાની આડ :
તળાવથી જો નીકળ્યો સૂરજ ખોલી જળની ખડકી!
અહો, પોષની તડકી.

મારા પગમાંથી

મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે
પછી કેડી ઉ૫૨ જ્યાં તું ઊછળતી જાય : થાય છાતીમાં હરણાંઓ ઠેકે
કુંજડીની હાર જાણે નભમાં લહેરાય :
તારા ઊડે છે એમ કોરા વાળ
ગુંજી ઊઠી તે તારા હાથની આ બંગડી
કે પંખીના કલરવથી ડાળ?
ઢાળ જેવા ઢાળ આમ બ્હેકી જો જાય પછી કોણ તને જોઈ ના બ્હેકે?
ઝાડવાની નીચે તું ઊભેલી હોય :
એની છાંય થતી જાય ભીને વાન
હસુહસુ થાય ત્યાં તો સૂની બપ્પોર
એવું પાંદડાંને સૂઝે તોફાન :
દોથો ભરીને તારા ગાલ ઉપર તડકાનાં ચાંદરણાં હળવેથી ફેંકે
મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે

ઝાડવું ઝૂરે

                  ગામથી દૂરે
વગડા વચ્ચોવચ્ચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે
લ્હેરખી અડે તોય કાં એને ચડતી નથી કોળ્ય?
સાદ પાડે છે ક્યારની શેઢા દીમથી લીલી ઓળ્ય
કાળિયોકોશી પૂછતો કારણ મીઠડા સૂરે મીઠડા સૂરે મીઠડા સૂરે
ટેકરી એના ઢાળને કહે : જાણજે એનું દુઃખ
પાંદડાં ક્યાં? ક્યાં છાંયડો? ભાળું કેમ ના રાતી ડૂંખ!
દૂરની નદી એ જ વિચારે રેત વલૂરે રેત વલૂરે રેત વલૂરે
કૈંક ચોમાસાં જીરવ્યાં : શીળા વાયરા : તીણા તાપ
મૂળથી માંડી ટોચ લગી જે પ્રગટ્યું આપોઆપ
– એજ પીડાની પોટલી ખોલે : આમ થતું રે આમ થતું રે આમ થતું રે?
                  ગામથી દૂરે
વગડા વચ્ચોવચ્ચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે,

તારી માન્નો તું

         : તારી માન્નો તું :
અમથી મેં તો હોંશ કરી કીધું’ તું એમાં શું?
મધરાતે જ્યાં જાણ થઈ ત્યાં મેં જ વગાડી થાળી
પ્હેલવારુકી મેં જ ઘરેઘ૨ જૈ ઉઘડાવી જાળી
ભાનબળી હું એમ ઊડી’તી જાણે કે કાગળ-પત્તું
હરખપદુડી થૈને મેં તો માણું સાકર વ્હેંચી–
અને અટાણે તું જ આંખથી રઈ છો રીંસ ઊલેચી
કર્યાંકારવ્યાં પર તેં બાઈ, આમ ફેરવ્યું પોતું?
હાબા જેવા ઘરમાં તારે લાખ પળોજણ હોય
લાલાને સાચવવા નવરી છે ગોવાલણ કોઈ?
આફૂડી હું એક, તે ભૂલી જાઉં ફરી બધ્ધું
         : તારી માન્નો તું :

કાંડું મરડ્યું

         કાંડું મરડ્યું એણે
રીસ કરીને છોડાવ્યું તો ઝટ દઈ ઝાલી નેણે
જોઈજોઈ કેસૂડાં મ્હોર્યાં : હું થૈ સુક્કી ભઠ્ઠ
મારી વાળી શેય વળે ના કોયલની આ હઠ્ઠ
પોતીકાએ મને પળેપળ પજવી મ્હેણે - મ્હેણે
શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ
ડાળ નમાવી ટગરટગર નીરખે આ નવરાં ઝાડ
વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વ્હેણે
ચૂંટી ભરતાં, પાણીથી પાતલડી થૈ ગૈ કેડ્ય
હુંય મૂઈ ના કહી શકી કે આમ મને કાં વેડ્ય?
પરવશ હું ખેંચાતી ચાલી સમજું નહીં કે શેણે?
         કાંડું મરડ્યું એણે

લહેરખીને થયું

લહેરખીને થયુંઃ મને ઝીણકુડી-ઝીણકુડી ફૂટી છે ફોરમની પાંખો
નજરુંની પીંછીથી પાડી દઉં ભાત્ય મારી ફરશે જ્યાં ભેજભરી આંખો

આમ જરી જોઉં ત્યાં તો પાંદડીએ પાંદડીએ ઝાકળના ઝળહળતા દીવા
છાંયડાને આછેરું અડકી ત્યાં આલ્લે લે! ડાળખીની નમી જતી ગ્રીવા

તડકાઓ સાતસાત રંગ લઈ આવ્યાઃ મેં ઝાડમહીં ઝુલાવી શાખો

પંખીના કંઠે હું ઘૂંટીઘૂંટીને કાંઈ ટહુકાની પૂરું રંગોળી
થૉરની રૂંવાટી પર દોરું પતંગિયાં તો આખ્ખીયે સીમ જશે કૉળી

સાંજ ઢળી જાય છતાં મારા આકાશનો આ પડશે અજવાસ નહીં ઝાંખો
લહેરખીને થયું મને ઝીણકુડી-ઝીણકુડી ફૂટી છે ફોરમની પાંખો

પ્રાર્થના - ૫

         પ્રગટ્યા દીવા
અજવાળાં તરસ્યાં તે આવ્યાં અંધારાંને પીવા
         નભને કશુંક ક્હેવા આવી
         જુઓ, અષાઢી બીજ :
         અલોપ થઈએ તો ફણગે છે
         અણધારી કો’ ચીજ
ચાસે ચાસે પ્રભુ પધાર્યા : નમી પાનની ગ્રીવા
         આઠે પ્હોર રહે ઝળહળતું
         તનનું આ મંદિર
         નસનસ માંહી રહે ટપકતાં
         ગળતી જેવાં નીર
શ્વાસે - શ્વાસે અહીં બિરાજે શિવજી સાથે શિવા
         પ્રગટ્યા દીવા

ઇચ્છાગીત

માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું
ઉપરથી આટલું મેં ઇચ્છ્યું કે એકે પળ કોઈની સાથે ન પડે વાંકું
ખડકી છે ખડકી : દુકાન છે એ ઓછી કે
જોખીજોખીને કરું વાત?
આવેતુ જણ પૂછે જોઈ ભળભાંખળું
કે ક્યારે આ વીતી ગૈ રાત?
હળુહળુ કાઢું એની અંદરની ગૂંચ છતાં લગરીકે ભાઈ, ના હું થાકું
આથમણાં અંધારાં ઊતરે તો ઊતરે
આ દીવાઓ દેશે અજવાસ
આસનમાં આનાથી રૂડું શું હોય?
મળે ફળિયાનું લીલુંછમ ઘાસ
ઉઘાડું રાખ્યું છે હૈયું તો કેમ કરી ઘરની બે ચીજ કહો, ઢાંકું?
ડાળીમાં ઝૂલે છે નીરભરી ઠીબ
એમ સાચવું હું પંખીનાં ગીત
નીડમાં એ લાવે છે ભરચક આકાશ
મને શીખવે છે જીવવાની રીત
હેમખેમ સાંજની બોલાશ એવી મળજો કે હોકલીમાં મ્હેકે ગડાકુ
માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું

મૂક-બધિરોનું ગીત

કોણ કહે છે કે ફૂલ નથી બોલતાં?
વાત એની સાંભળીને હોંકારા જેમ પેલાં પાંદડાંઓ લાગે હિલ્લોળતાં
ખળખળ વહીને કોઈ ઝરણાંઓ બોલે તો
ફૂલ નહીં રહેવાનાં ચૂપ
પાંખડીમાં જુદા-જુદા રંગ બીજું શું છે?
છે વાણીનાં જુદાં જુદાં રૂપ
ફોરમનો આસપાસ એવો કલશોર કે બારણાં સૌ કૌતુકથી ખોલતા
ઊંચે આકાશમાં તારાની ટોળકી
છાનીછાની માંડે છે વાત
એવું શું એણે એકબીજાને કીધું કે
હસી ઊઠ્યા બત્રીશે દાંત?
ઝાડવાં પણ સાંભળતાં હોય એમ લાગે છે અમથું કદી ન આમ ડોલતાં
આંગળીનાં ટેરવાંમાં મૂક્યો છે કંઠ
અમે આંખોમાં મૂક્યા છે કાન
ગમતું કૈં જોઈ-જોઈ હોઠ જરી મલકે તો,
એને કહેશો ન તમે ગાન ?
એમ જ આ બારસાખ ઓ૨ડાઓ પાણિયારું ચૂલો ને ભીંત્યું કિલ્લોલતાં
કોણ કહે છે કે ફૂલ નથી બોલતાં?

મુને વાયરાએ

મુને વાયરાએ એક વાત વાયરાએ એક વાત વાયરાએ એક વાત કીધી જી રે
મારી પગલીને ધૂળસોતી પગલીને ધૂળસોતી પગલીને ધૂળસોતી પીધી જી રે
એને તડકાએ તોરમાં તડકાએ તોરમાં તડકાએ તોરમાં પૂછ્યું રે લોલ
કિણે ભીના આ પંડ્યને ભીના આ પંડ્યને ભીના આ પંડ્યને લૂછ્યું રે લોલ
મેં તો અણદેખી લે’રખીને અણદેખી લે’રખીને અણદેખી લે’૨ખીને ચીંધી જી રે
મારી પાની પસવારતી પાની પસવારતી પાની પસવારતી કેડી રે લોલ
પછી છાંયડીએ ઊંચકીને છાંયડીએ ઊંચકીને છાંયડીએ ઊંચકીને તેડી રે લોલ
જાણે માડીએ પડખામાં માડીએ પડખામાં માડીએ પડખામાં લીધી જી રે
ઇણે ઉઘાડી રીસને ઉઘાડી રીસને ઉઘાડી રીસને ઢાંકી રે લોલ
હું તો ધરથી હતી જ કાંઈ ધરથી હતી જ કાંઈ ધરથી હતી જ કાંઈ વાંકી રે લોલ
કીધી ચપટીમાં સોંસરી ચપટીમાં સોંસરી ચપટીમાં સોંસરી ને સીધી જી રે

એક રે ભરોસો

એક રે ભરોસો મારા રામનો
ભોંયને ભરોસે જેવાં નીર
સતીને ભરોસો એનાં આંસુનો
નવ સેં નવાણુ દીઠાં ચીર
અવસર આવ્યો જ્યાં એના નામનો...

ગાયુંને મળે રે એનો ગોંદર્યો
ઝાડવાંઓ ધરે મીઠી છાંય
પંખીને દીધાં રે રૂડાં બેસણાં
ફળફૂલ આપી રાજી થાય
જલમારો બીજા તે કિયા કામનો...

કેડીયું જોતી રે ડુંગર-ટોચને
વન વીંધી ચડે ઊંચા ઢાળ
થડકારો ચૂકે ના છાતી કૂમળી
ઊઠે નહીં ક્યાંએ રૂંવે ફાળ
સથવારો એને રે એની હામનો...

ઘેરશે અંધારાં સમી સાંજનાં
વિજનમાં સંભળાશે શ્વાસ
તારી સાથે ચાલે તારું આભલું
આછો આછો દેશે રે અજવાસ
દીવો ત્યાં દેખાશે ઈ મુકામનો...
એક રે ભરોસો મારા રામનો...

  1. પૂ. ‘દર્શક’ને કૃતજ્ઞતાપૂર્વક : અમૃત મહોત્સવ પ્રસંગે