પન્ના ત્રિવેદીની વાર્તાઓ/અમોલી
આજે, અમોલીના ઘરનું બારણું જરી વધારે કડકાઈથી ખખડી ઊઠ્યું. મજૂરીએથી આવીને થાકીને નિચોવાઈ ગયેલી અમોલીની મા અને લાકડાંનું કામ કરી આવેલો અમોલીનો ભાઈ બંને એકબીજાનાં મોં તાકતાં ઊભાં રહી ગયાં : ‘કોણ હશે આ સમી સાંજે?’ ને ગભરાટની મારી અમોલીની માએ મોટેથી પૂછ્યું : ‘કોણ છે બ્હારે?’ પણ જવાબમાં સાંકળ વધુ તુમાખીથી ખખડી ઊઠી. તેર વરસની અમોલી દોડીને ઘરમાં ખૂણે મૂકેલા વાંસના ટોપલાઓની ઓથે લપાઈને બેસી ગઈ. કારણ કે એણે સાંકળ પરના હાથને વગર જોયે ઓળખી નાખ્યો હતો. તેની નાનકડી આંખોને જાણે ભયનાં ગીધો ચૂંથવા લાગ્યાં. તેનું હૃદય જોરજોરથી ધડકવા લાગ્યું. દર વખતે તો કંઈ પણ ખરાબ બનવાનો થોડો અણસાર પણ જો આવી જાય તો જીભે સહુથી પહેલાં મા ભવાનીનું નામ જ ચઢી જાય. પણ અત્યારે ફફડાટ જ એવો થતો હતો કે મા ભવાનીનું નામ પણ યાદ આવતું નહોતું. નહીંતર અમોલીએ ચોક્કસ કહ્યું જ હોત : ‘હે ભવાની, બારણે એ ના હજો...’ અમોલીનો ભાઈ ગભરુ જવાન હતો, પણ આજે તો તેનેય અંદરથી ગભરાટ થતો હતો. કેમ કે સૂરજ આથમ્યે આખી વસ્તીમાં કોઈ કરતાં કોઈ જ ઘર બહાર નહોતું નીકળતું. જોવા જાવ તો આ વસ્તી હિંદુસ્તાનમાં જ હતી ને તો ય તેને દેશ કે તેના કાયદા સાથે કોઈ પણ પ્રકારની લેવાદેવા જ નહોતી જાણે. વૃક્ષોનાં પર્ણો પર પડતાં ઝાકળબિંદુઓ પર આકાશના અગણિત ટુકડા ઝળકી રહેતા, પણ આઝાદીનું અજવાળું હજી અહીં સુધી પહોંચ્યું નહોતું. કહેવા માટે તો આ એકવીસમી સદી હતી પણ જો આ લોકોના જીવનના રંગઢંગને સમયમાં માપવાનું કહેવામાં આવે તો આ સદીના લાગે જ નંઈ ને! પહાડી વિસ્તારની આ નાની ટેકરી પર વસેલી વસ્તીને એમની જુદી જ મસ્તી હતી. આસપાસ અડાબીડ જંગલથી ઘેરાયેલી આ જગામાં મોટા ભાગે સ્ત્રીઓ ખેતમજૂરીનું ને આદમીઓ લાકડાંનું નાનું-મોટું કામ કરી લેતાં. ઘરો નાનાં-નાનાં ને છૂટાંછવાયાં હતાં. ઊંચી ઊંચી ટેકરીઓથી લઈને તળેટી સુધી જ્યાં નજર દોડાવો ત્યાં બસ જંગલ જ જંગલ! એક એવી પણ માન્યતા હતી કે સૂરજ આથમ્યે જે કોઈ આ જંગલમાં પગ મૂકે તે પછી કદીય બહાર નીકળી ન શકે. જંગલ તેને ભરખી જાય. કહે છે, જે અંદર જાય તેને પછી દુનિયાના કોઈ જ અવાજ ન સંભળાય. એટલે જ ગમે તેટલો ભડવીર માણસ પણ જંગલમાં પગ મૂકવાની હિંમત કરતો નહીં. વસ્તીને છેડે એક મોટી જગા હતી જેને લોકો પીર છલ્લાવાળી જગા કહેતા. વરસમાં એકવાર ત્યાં મોટો મેળો ભરાતો. સહુ કોઈ એની કાગડોળે રાહ જોતું. મેળાના આ દિવસ પહેલાં તો લોકો મનમાં ને મનમાં કંઈકેટલીય વાર મેળો મ્હાલી લેતા. ખાસ તો જુવાનિયાઓની ઊંઘ તો મહિનાટાણાથી ઊડી જતી. તેમની અધીર આંખોમાં ઊંઘની જગ્યાએ ગોરીચિટ્ટી કે ઘઉંવર્ણી સ્ત્રીકાયાઓ પથરાઈ જતી. કેમ કે મેળો તો એક બહાનું હતો પણ તેની અનોખી પરંપરા જ લોકોને ત્યાં ખેંચી જતી. પુરુષો ગજવામાં સિંદૂરની દાબડીઓ નાખીને ફરતા અને આંખને ભાવી ગયેલી કોઈ પણ છોકરીની માંગને સિંદૂરથી ભરી દેતા. બસ, સેંથામાં સિંદૂર પડ્યું કે એ જ ક્ષણથી પેલી સ્ત્રી એની ‘ઘરવાળી’માં ખપતી થઈ જતી. પુરુષ પરણેલો હોય તોપણ એ ગમે તેટલી વયની કાચ્ચી કુંવારી સેંથીને સિંદૂરથી લાલઘૂમ કરી શકતો. સેંથીમાં એકવાર સિંદૂર પડ્યું એટલે છોકરી ઘેર જાય અને સિંદૂર ભરનારનું નામ કહી પોતાનાં લૂગડાંની પોટકી સાથે સ્વામીને ઘેર ચાલી જતી. મેળાના આ દિવસ માટે સ્ત્રીઓ ઓઢણીઓ રંગાવતી. ચાંદીની વાળી ખરીદતી. વીંછિયા પહેરતી ને આગલી રાતે જ ગજરો-વેણી બનાવી દઈને ભીનાં કપડાંમાં મૂકી તેને લપેટી દેતી. જેથી મેળામાં જવાની અડધી વેળ પણ બગડે નહીં ને ગજરાની સુવાસથી પોતે આખો દિવસ મઘમઘી રહે. પણ જેમ જેમ મેળાના દિવસની ક્ષણ નજીક ને નજીક આવતી જાય તેમ તેમ મુગ્ધાઓની છાતી અજાણ્યા ભયથી ફફડી રહેતી. આમ તો આ વસ્તીની દરેક છોકરીઓ એ વાતથી માનસિક રીતે તૈયાર જ રહેતી કે તે મેળાના દિવસે કોઈ પણ ક્ષણે કોઈ પણ અજાણ્યા પુરુષની ઘરવાળી બની શકે છે, પણ આ ‘કોઈ પણ’ શબ્દ તેમને અજંપ કરી મૂકતો. તે ભવાનીના મંદિરે જઈ જઈને દેવીમાને પ્રાર્થના કરતી રહેતી કે સિંદૂર ભરનારો કોઈ ખાતા-પીતા ઘરનો હોય. જેની પાસે એનું પોતાનું છાપરું હોય. અન્નના કોઠાર ના હોય તો કંઈ નહીં પણ સ્વામીના જમી લીધા પછી પોતાના માટેય અડધો રોટલો બચી રહે. બસ, રોજેરોજ આ દાડીએ જવામાંથી છુટકારો મળે. જરીક વધારે સ્વપ્નશીલ છોકરીઓ એવુંય ઉમેરી લેતી કે વાર-તહેવારે એને નવાં નવાં ઘાઘરી-પોલકાં પહેરવા મળે, ચાંદીની હાંસડી જીવનભર એની ડોકમાં રહે. જેમ વખતોવખત વેચી દેવી પડે છે તેવી વેચવી ના પડે ને એને ક્યારેય પોતાની શોક્યનું મોં જોવાનો કે એને વધાવવાનો વારો ના આવે... અને એટલે જ તો વસ્તી માટે આ મેળો એ કંઈ તહેવારની જગા નહોતી પણ ‘ભાગનો મેળાવડો’ પણ હતો ને પોતે ભાગી છે કે કમભાગી, એવો દૈવી ઇશારો પણ આ મેળામાંથી જ તો મળતો હતો. ત્યાં સહુ કોઈને જવાની ચટપટી રહેતી. કોઈ ગમે તેટલું ઇચ્છે, તોય આ મેળો ભૂલી શકતું નહીં. કેમ કે ભલા આદમીના હાથે પુરાયેલું સિંદૂર એને માટે સૌભાગ્ય બની રહેતું ત્યારે એ સ્ત્રી માટે મેળાનો દિન દેવદિવાળી સમો બની રહેતો. પણ જો કોઈ નરાધમના હાથે સિંદૂર ભરાઈ ગયું હોય ત્યારે મેળામાં આવ્યાની પળને કોસતી, માથું કૂટતી ને પોતાના ભાગ્યના મોત પર અવાજ વિનાની છાતી કૂટતી ચૂપચાપ એના ઘર ભણી ચાલી નીકળતી. નાની નાની છોકરીઓની માને તો આ મેળો કોઈ ગ્રહણ જેવો લાગતો. પોતાની છોકરીના જીવનમાં આ ગ્રહણનો પડછાયો ન પડે એ માટે દેવીમાને પ્રાર્થના કર્યા કરતી ને ધ્યાન રાખતી કે એ દિવસે પોતાની છોકરી પોતાને પૂછ્યા વિના જ ચગડોળ કે મીઠાઈની લાલચે ક્યાંક ત્યાં દોડી ના જાય! અમોલીની માએ પણ એ દિવસે કેટલું ધ્યાન રાખેલું! પોતાનેય મેળે જવાનું કેટલું મન થયેલું પણ અમોલી એની પાછળ પાછળ જાય ને કોઈ ‘રાખહ’ એની માંગ ભરી દે તો! પોતે જાય તો એને આવવાનું મન થાય ને? ને એક દિવસ તો અમોલીએ પણ મેળે જવાનું જ છે, ત્યાર પછીનો એક પણ મેળો પોતે નહીં છોડે એવી મનોમન ગાંઠ મારી હતી. વિચાર્યું હતું કે પોતાની સાથે જ અમોલીને ખેતમજૂરીએ વળગાડી દેશે. આંખ સામે હશે તો પોતાના હાથ પણ બરાબરના કામ કરશે. પણ અમોલીની આંખોમાં મેળો હિલ્લોળાતો હતો. આ દિવસ માટે તો ગઈકાલથી આખી રાત ઊંઘી નહોતી. લીલી લીલી ચૂડીઓ આખી રાત રણકી હતી. મેળામાં મળતા બુઢ્ઢીકા બાલનો વિચાર આવતાં જ મોંની લાળ પણ ગુલાબી ગુલાબી થઈ ગયેલી. તેને માણકી યાદ આવી. ગઈ ફેરા તો મેળાના દિવસની સવારે બધાં સાથે વડની વડવાઈએ લટકીને ઝૂલતી હતી ને પછી કોણ જાણે એ ક્યારે મેળે જઈ ચડેલી કે કોઈનેય ખબર નહોતી પડી. પણ બીજા દિવસે એ મળેલી ત્યારે કેવી જુદી જુદી લાગતી હતી? નવાં ચમકતાં ઘાઘરી-પોલકું પહેરેલી માણકીને એનો આદમી તેડીને લઈ જતો હતો... ને થોડા દિવસો પછી તો એ શરમાતી હતી ત્યારે મા જેવી મોટી મોટી લાગતી હતી. એટલે જરૂર કંઈક તો મજાનું હશે આ મેળામાં, ને માંગ ભરનારા આદમીઓમાં! ...ને માણકી તો હવે બોરાં તોડવાય નથી આવતી પણ મજ્જાથી ઘેર બેઠી બેઠી જ બોરા ખાય છે. અમોલીએ પણ વિચારી લીધું કે ‘આ વખતે ગમે તે થાય, હું મેળે જઈને જ રહીશ. ને માણકીએ ખાધેલા તેવા બુઢ્ઢીકા બાલ પણ ખાઈને જ રહીશ.’ એટલે તેણે આજ સવારથી જ લખીને કહી રાખેલું : ‘મા ગમે તેટલો પહેરો કેમ ના રાખે પણ આ અમોલી છે. પહેરામાં રહે તે અમોલી નંઈ! તું અડધે રસ્તે રાહ જોજે, ગમે તે રીતે છટકીને હું મેળામાં આવી જ જઈશ.’ કામ કરતી અમોલીના હાથ ઝપાટા મારતા હતા. દૂર દૂરથી વહી આવતું ગીત ધીમું ધીમું સંભળાતું હતું. બાર બાર મહિને વરસ્યો આ મેઘ જુગ જુગથી તરસ્યો મનેખ રે... દલડું ભીંજવતો મેળો મોંઘેરો, વ્હાલમા! સેંથી સિંદૂરિયે સોંઘેરી, બાલમા થર થર કાંપે મોરી કાય રે...! મેળો જાણે દૂરથી જ સોડાવા લાગ્યો. અમોલીએ માથી થોડે આઘે જઈને દૂર દૂરનું નિંદામણ કાઢવા માંડ્યું પણ ભીતર તો અનેક સપનાંઓની વાવણી કરતી જતી હતી. તે વારે વારે મા સામે જોયા કરતી હતી કે મા તેને જુએ છે કે નહીં? તે થોડે વધુ દૂર ગઈ જેથી લાગ મળતાં જ છટકી શકાય. પણ મા હતી કે તેના પર આંખના ડોળા ખોડી બેઠી હતી. તેણે પોતાની પાસે બોલાવી લીધી હતી. ત્યાં જ માને યાદ આવ્યું કે સાંજે રાંધવા માટે ચોખા લાવવાના છે. તેણે અમોલીને બોલાવીને કહ્યું : ‘જા, ભાઈ પાસેથી દસ રૂપિયા લઈને ચોખા લઈ આવ. પણ જો, મેળા બાજુ તો નંઈ જાય ને?’ માએ શંકાથી પૂછ્યું. ‘ના રે મા, તું તો જો, જાણે કે હું તારું કહ્યું માનતી જ ના હોય કદી...’ મા સામે નજર મેળવ્યા વિના જ આમતેમ ફાંફાં મારતાં તેણે ફટ દઈને કહી નાંખ્યું. જેવું માએ ‘જા’ કહ્યું કે એણે ઉઘાડા પગે જ દોટ મૂકી. ઘાઘરીને અડી અડીને વાતા પવનનો ફરફરાટ એવો હતો જાણે અમોલી સંગીત સાથે દોડતી હતી. ભાઈ પાસે પહોંચીને તે હાંફતી હાંફતી બોલી : ‘માએ ચોખા લેવા માટે બાર રૂપિયા મંગાવ્યા છે.’ થડની ડાળીએ ભેરવેલા પહેરણના ગજવામાંથી પંદર રૂપિયા કાઢીને અમોલીના હાથમાં મૂકતાં તેણે જરા અણગમા સાથે કહ્યું : ‘જા. પણ ત્રણ રૂપિયા પાછા આપવા પડશે હોં!’ અમોલી રૂપિયાવાળી હથેળીની કલાઈ પર ન પહેરાયેલી લીલી ચૂડીઓની ખનક સાંભળી રહી. તેણે એકદમ ખુશ થઈને કહ્યું : ‘તું તો જો ભાઈ, જાણે કે ત્રણ રૂપિયાની હું ચૂડીઓ લઈ પાડવાની હોવ! આપી જ દેવાની હોવ ને!’ ને જેવી એ પાછું ફરવા ગઈ, ત્યાં જ પાસેના લાકડાની ઊપસેલી ખીંટીએ અમોલીની ઘાઘરીને સહેજ ચીરી નાંખી, પણ અમોલીએ એની ઝાઝી પરવા ના કરી. તેણે તો રીતસરની દોટ મૂકી. પવનનો ફરફરાટ હવે ઘાઘરીના કાણામાંથી નીકળીને ક્યાંય અલોપ થઈ ગયો હતો. અમોલીની આંખો જાણે મેળો મેળો થઈ ગઈ :ઓહો રી. આ બધી લાલ-લીલી થઈને કેવું નાચે છે! તેણેય નાચતી મોટેરી સ્ત્રીઓ વચ્ચે ઘૂસ મારી. ઢોલના તાલે બધાંના પગ એકસરખા પડતા હતા. પણ અમોલીને તો પેસતાં વેંત જ આંટી વાગી ગઈ. લૂખી બહાર નીકળી આવવા બૂમ પાડતી હતી પણ એના કાન ઢોલની થાપને જડાઈ ચૂક્યા હતા. તાલ ખોરવાતો હતો. પાછળવાળી સ્ત્રીઓ મોં કટાણું કરતી કહેતી હતી : ‘ચલ ચલ આગળ ચલ, નહીંતર નીકળી જા....’ અમોલીને પણ ખૂબ નાચવું હતું, તેને બહાર નીકળવું નહોતું પણ એ લોકો જેવું નાચવું ફાવતુંય નહોતું. તેણે મોં બગાડ્યું ને પાછળવાળી સ્ત્રીના પગ પર પગ મૂકી દઈ બહાર નીકળી ગઈ. કેટલાક લોકો કાંસાના કટોરામાં તાડી પીતા હતા. માથામાં પીળા-કેસરી ગલગોટાનાં ફૂલો, હાથમાં લીલી-લીલી ચૂડીઓ, નાકમાં ચમકતી ચૂની, અંગે કોરુંકટ્ટાક લૂગડું, ગળામાં મોર-હાંસડી ને પગમાં વજનદાર કલ્લાવાળી સ્ત્રીઓને અમોલી એકીટશે તાકી રહી. એકાએક પાછળથી રમકડાની બંદૂક ફૂટવાનો અવાજ આવ્યો, પણ અમોલી જરાયે ચોંકી નહીં. આમ તો અસલી બંદૂકના અવાજો માટેય તેના કાન ટેવાયેલા હતા. વસ્તીમાં તો દિનદહાડે જમીનદારોની બંદૂકની ગોળીઓ ગરીબની પાંસળી સોંસરવી નીકળી જતી જોતી હતી. તેનું ધ્યાન કઠપૂતળીના ખેલ તરફ ગયું, તેણે લૂખીનો હાથ ખેંચીને તેને નીચે બેસાડી દીધી. ખેલ ચાલુ હતો. રાજા વારે વારે ઘૂમટો ખોલવા રાણીને વીનવતો હતો, પણ શરમાળ રાણી નન્નો ભણતી હતી. પાછળ ગીત વાગતું હતું : ‘ઘૂંઘટ કા પટ ખોલ રે, તોહે પિયા મિલેંગે...’ અમોલી ખડખડાટ હસતી હતી, પણ એનું મન તો માણકીએ જે વર્ણવ્યું હતું તે મોંમાં મૂકતાં વેંત જ પીગળી જાય તેવા બુઢ્ઢીકા બાલમાં હતું. હાથમાં પૂરા પંદર રૂપિયા હતા. તેને મોમાં પાણી આવ્યું. તેની આંખમાં બુઢ્ઢીકા બાલનો ગુલાબી રંગ ચમકી રહ્યો હતો. તેણે અને લૂખીએ બે-બે વાર બુઢ્ઢીકા બાલ ખાધાં, પણ તરત જ લૂખીએ યાદ અપાવ્યું : ‘અમોલી, તારા ભાઈને શું જવાબ દઈશ? હિસાબ માંગશે તો?’ પણ અમોલી ક્યાં કશું સાંભળતી હતી? તેની આખો તો સામે ખોડાઈ ગઈ, જ્યાં કોઈ આદમી પગના વીંછિયા ખરીદતી એક છોકરીની માંગમાં સિંદૂર ભરી રહ્યો હતો. રિવાજ પ્રમાણે આસપાસના લોકોએ તાળીઓ અને ચિચિયારીઓ પાડી. ઢોલ ઢબૂકી ઊઠ્યો. છોકરી થોડું ગભરાઈ, પણ પછી કોઈકે કંઈક કહ્યું, કે તે શરમાઈ ગઈ. તેણે પગે પડીને સ્વામીની ચરણરજ લીધી. પણ હવે અમોલીનું મન હિસાબમાં પરોવાયું : શું કહેવું ભાઈને? ધારો કે દસ રૂપિયાના બદલામાં આઠ રૂપિયાના ચોખા લઈ લે તો? પણ માની આંખો તો ત્રાજવાં જેવી છે. જોતાંવેંત જ તોલી લે...! ખબર તો પડવાની જ. તો સાચું કહી દેવું? પણ તો તો મા કટકા જ કરી નાંખે ને! જો એને ખબર પડે કે પોતે મેળામાં આવી હતી! હજી તે ગડમથલમાં જ હતી કે એકાએક એક વજનદાર હાથે તેની કોરી સેંથીમાં સિંદૂર ભરી દીધું. સામે એક પડછંદ માણસ ઊભો હતો. બાજુમાં છત્રી લઈને ઊભેલા માણસે માલિકના હાથમાંથી ખાલી કંકુની દાબડી લઈને પોતાના ગજવામાં સેરવી દીધી અને પછી જોરજોરથી માલિકને લાખ લાખ વધામણી આપવા લાગ્યો. ઢોલ ફરી ઢબૂકી ઊઠ્યો. આસપાસના લોકોએ કિકિયારીઓ પાડી. સિંદૂર ભરનારે મૂછ પર તાવ દીધો. એકાએક અમોલી ચીસ પાડી ઊઠી : ‘આ શું કર્યું?’ સેંથામાંથી સિંદૂર ખંખેરવા ઘસ ઘસ કર્યું. અમોલીની નજર જાણે બાવળ બની ગઈ. પડછંદ કાયા બિહામણું હસી. અમોલીને ધીટના અંગેઅંગમાંથી ઘિન્ન આવી. છત્રી પકડેલો માણસ કરડાકીથી બોલ્યો : ‘શું કર્યું એટલે? સિંદૂર ભર્યું વળી! હવે એ તારા સ્વામી થયા કહેવાય. ચાલ, પગે લાગ. અને ઘેર જઈને માલિકનું નામ કહી આવ ને પછી તારાં કપડાં લઈને આવી જા.’ માલિકે છત્રી પકડેલા માણસ સામે જોયું કે તરત એણે છેલ્લા વાક્યમાં થોડોક સુધારો કર્યો : ‘એટલે કે કપડાં ના પણ લાવે તોય શું? માલિકને ઘેર તોટો છે કશી વાતનો? બસ, જાતને લઈ આવે એટલે થયું.’ એક ક્ષણ ચૂપ રહીને પછી કંઈક યાદ આવતાં ઊમેર્યું : ‘નામ તો ખબર છે ને? જા, કહેજે કે જમીનદાર ભીમારાવે ભર્યું છે સિંદૂર.’ અમોલી જોરથી થૂંકી : ‘હટ, આને તો માથે વાળ પણ નથી. ના, ના... હું નંઈ બનું આ ટાલિયાની ઘરવાળી. ને આ તો લૂખીના બાપથીય મોટો છે. હું નંઈ બનાવું આવા બુઢ્ઢાને મારો સ્વામી!’ અમોલીનો અવાજ સાંભળતાં જ તાળીઓ પાડતા હાથ અટકી ગયા. ઢોલ ચૂપ થઈ ગયો. આસપાસ ટોળું જમા થઈ ગયું. ફુસફુસાહટ થવા લાગ્યો : – એ શું બોલે છે એનું કંઈ ભાન છે? કેવી મૂરખ છોકરી! પરંપરાની તો કંઈ પડી જ ના હોય જાણે! અરે, જાણે કે વસ્તીની નંઈ, બહારની હોય! છોકરમતમાં એ ય ભૂલી ગઈ કે છોકરીની જાત છે. – સિંદૂર પડી ગયું છે માથામાં ને સ્વામીને ધુત્કારે છે? – જમીનદાર છે એ કંઈ જેવાતેવા ભાગ છે? પહેલી વહુ મરી ગઈ છે ને બીજી બે તો ક્યારનીય ભાગી છૂટી છે. કમભાગી. મરી જ ગઈ હશે ક્યાંક! આવા ભાગ્યથી રિસાઈને કોણ જીવતું રહ્યું છે? ને ચોથી એની ગોઠણ બનીને રહે એટલી તો છે! – એક જ તો શોક્ય છે. ઊલ્ટું જમીનદારે તો આ છોકરીઓની માંગ ભરી પુણ્ય જ કમાયું કહેવાય! ને કાળજી પણ લીધી કહેવાય કે એને એકલું ના લાગે. ને આ છોકરી છે કે... પણ વાત હવે જમીનદારના વટ્ટ પર આવીને ઊભી હતી. અમોલીના કાનમાં લોકોનો ગણગણાટ પડતો હતો પણ આંખ તો સામેના ચહેરાને જોતી કતરાતી હતી. જમીનદારે ચરણસ્પર્શ કરાવવા પગ આગળ કર્યા પણ અમોલી તો ‘હું નંઈ માનું, હું નંઈ માનું... બુઢ્ઢાને ઠિંગો... બુઢ્ઢાને ઠિંગો...’ કરતી ભીડ ચીરીને દોડી ગઈ. ઘોર અપમાનથી ઘવાયેલો ચહેરો રાતોચોળ થઈ ગયો હતો. અમોલીના ઘરની સાંકળ તો ખખડવાની જ હતી! અમોલીની માએ કાંપતા હાથે બારણું ઉઘાડ્યું. ચાર માણસોની સાથે જમીનદાર જાતે આવ્યા હતા. અમોલીની માની કાળી, સુકલકડી કાયા થરથર ધ્રૂજી ઊઠી. આંખ ભોંય પર હતી પણ નજર તો જમીનદારે પહેરેલી ચળકતી મોજડી પર ફરતી હતી. – ‘હુકમ... બાપ... હુકમ.’ – ‘વસ્તીની પરંપરા ખબર નથી તને? તે પાછી અજાણ થઈને પૂછે છે? મેં તારી છોકરીની સેંથીમાં સિંદૂર ભર્યું છે ને હવે એ આવવાની ના પાડે છે.’ – હોં બાપ! જાણ્યું મેં. અમોલીના ભાગ ખૂલી ગયાં. પણ તમ આબરૂદાર. દેવીમાના સોગંદ, એ આવી ત્યારે તો થયું કે મૂઈ શું કરી આવી? પણ તમારું નામ જાણ્યા પછી તો થયું હું હરખથી મરી જઈશ જાણે. તમારે ત્યાં જવા માટે સમજાવું છું ...પણ મૂઈને ભાન જ નથી કે હવે એણે જવું જ પડે. – ‘હંમમ... પણ એણે તો લોક વચ્ચે મારી પાઘડી ઉછાળીને. ધારું ને, તો પંચ પાસે લઈ જઉં. તમારો દાણો-પાણી બંધ થઈ જશે. ને ધારું ને, તો આ માણસો એક પળમાં અંદર અંદર જઈને ખેંચી લઈ આવે... પણ વાત હવે મારી આબરૂ પર છે, કાલ પરોઢ સુધી રાહ જોઈશ. સવારનો ચૂલો એ જ ફૂંકશે. નંઈ આવે તો પછી... અમોલીની મા ચીસ પાડી ઊઠી. અમોલીના ભાઈએ જમીનદારના પગ પકડી લીધા. એનું જોઈને માએ પણ પગ પકડી લીધા. તેમના ખરબચડા હાથ જરીકામ કરેલી મોજડી પર ફરવા લાગ્યા. ‘જાણું છું, આ પહેલી ફેર થયું છે કે ધણીએ જાતે આવવું પડ્યું હોય. પણ હુકમ, ભરોસો રાખોે. કાલ પરોઢે અમોલી તમારે ત્યાં જ હશે ને સવારનો ચૂલો પણ એના જ હાથે સળગશે. મોજડીઓ ભોંયને થોડુંક ઠોકાઈ ને ચાલવા માંડી. અમોલી બહાર આવી. માએ જોરથી ચીમટો ખણ્યો તેથી ઊપસી આવેલા લાલ ચકામા સામે જોઈ રહી. ખબર નહીં, એને ચકામાની કંઈ પીડા જ ન થઈ! મોડી રાત સુધી મા સમજાવતી રહી : ‘ગાંડી... તારાં ભાગ ખૂલી ગયાં રે. તું તો જમીનદારની ઘરવાળી. ઠસ્સો તો તારો જ હવે. તારે દાડીએ નંઈ જવું પડે. પણ બધા તારે ત્યાં જ દાડીએ આવશે.’ અમોલીની માનું ગળું થોડું રુંધાઈ ગયું પણ તેણે થોડીક મશ્કરી કરતાં કહ્યું : ‘પછી હું ને ભાઈ પણ તારે ત્યાં કામે આવીએ, તો રાખીશ ને અમને કામે?’ અમોલી કંઈ સમજ જ નહીં કે આ પળે એણે શું કરવું હતું. એની સહેજ ભીની થયેલી આંખને જોઈને માએ સમજાવટનો દોર ફરીથી સાંધતાં કહ્યું : ‘તું તો બનીઠનીને ફરીશ. માણકી તો શું તારી આગળ? જોજે ને, બધાં પૂછશે, આ કોણ આવે છે? તો હું પણ ઠાઠથી કહીશ, એટલુંય નથી દેખાતું? આ જેણે નવાં ચમકતાં ઘાઘરી-પોલકું પહેર્યાં છે, જરીકામ વાળાં જૂતાં પહેર્યાં છે, નાકની નથણી ઝગારા મારે છે ને છમછમ કરતી આવે છે તે જ તો છે મારી અમોલી!’ પણ અત્યારે તો અમોલીએ એના મસોતા જેવા થઈ ગયેલા પોલકા પરનું લટકી પડેલું ફૂમતું ખેંચી કાઢતાં કહ્યું : ‘...પણ મા, એ તો લૂખીના બાપ કરતાંય મોટો ને ભૂંડો લાગે છે. પછી એનાં ઘરેણાં ને ઘાઘરી-પોલકાંને અડકેય કોણ? ને તેં જોયું નંઈ? એને તો માથે વાળ પણ નહોતા! હું નંઈ માનું એને મારા સ્વામી.’ ‘કંઈ પણ બોલી છે તો હવે...’ ભાઈની રાડ આવી પણ માએ તો બરડા પર ધબ્બો મારી જ લીધો. ભાઈ બોલ્યો : ‘આખી જિંદગી હું કંઈ ખવડાવવાનો નથી. ખવડાવવા જેટલી સગવડ હોત તો હું જ ના જતો રહ્યો હોત આજે મેળે?’ મા બોલી : ‘વાળને ધોઈ પીવા છે? રોટલો જોઈએ છે કે વાળ? ને પંચ..? દાણોપાણી બંધ કરાવીશ? તારી માના પેટને લાત મારીશ? જવું તો પડશે જ. તું નંઈ જાય તો અમે જ તને મૂકી આવીશું. તારા જાતે ના જવાથી મા ભવાની કોપ કરશે તે જુદો.’ અમોલીને થયું : જવું જ પડશે. મા, ભાઈ, જમીનદાર, પંચ, વસ્તી... બધાં એને ઢોલ સાથે લઈ જઈને મૂકી જ આવશે ને કદાચ આડાઈ કરીશ તો ઢોલને બદલે તેને જ પીટતાં પીટતાં લઈ જશે. અમોલી ઊભી થઈ ગઈ. તેણે ઓશિયાળી નજરે મા સામે જોયું : ‘મા, હું જાઉં છું.’ માએ તેને છાતી સરસી ચાંપી. તેનાં દુખડાં લીધાં : ‘જુગજુગ જીવ અમોલી.’ પણ અમોલીને સમજાતું નહોતું કે મા દુખડાં લઈ રહી છે કે આપી રહી છે! ભાઈ હોંશે હોંશે સાજી ને સારી ચાદર શોધવામાં પડ્યો કે જેમાં અમોલી તેનાં કપડાં મૂકીને પોટકું વાળીને લઈ જઈ શકે. અમોલી દરવાજા બહાર નીકળતાં બોલી : ‘કપડાં હું પછી આવીને લઈ જઈશ.’ મા મલકાઈ ઊઠી : ‘હા... હા... હવે તારે થોડાં જ કંઈ આવાં કપડાંનો ખપ છે?’ દરવાજો બંધ થયો. અંદર, અમોલીની માની એક આંખ હસતી હતી ને બીજી રડતી હતી. થોડુંક ચાલ્યા પછી અમોલી એકાએક અટકી ગઈ. એ ત્રિભેટે ઊભી હતી. એક રસ્તો જમીનદારના ઘર તરફ જતો હતો. બીજો પોતાના ઘર તરફ કે જ્યાંથી તે ચાલી હતી અને ત્રીજો જંગલ તરફ જતો હતો. એકાએક અમોલીને યાદ આવ્યું : જે આ જંગલમાં પગ મૂકે તેને જંગલ ભરખી જાય. પછી તેને કોઈ જ અવાજ ન સંભળાય... અને અમોલીએ જંગલમાં જ પગ મૂકી દીધો.