સોરઠી બહારવટીયા/બાવા વાળો

From Ekatra Wiki
Revision as of 06:39, 14 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાવા વાળો|}} {{Poem2Open}} બચ્ચા રાનીંગ વાલા! માગી લે.” “બીજું કાંઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બાવા વાળો

બચ્ચા રાનીંગ વાલા! માગી લે.” “બીજું કાંઈ ન જોવે મહારાજ; ફક્ત શેર માટીની ઝંખના છે.” પાવડી ઉપર કપાળ ફેરવીને અવધૂતે ધ્યાન ધર્યું.દસમે દ્વારે જીવને ચડાવીને જોઈ વળ્યા. પછી સમાધિ ઉતારીને બોલ્યા કે “તેરા લલાટમે પુત્ર નહિ હે બેટા.” “તો જેવાં મારાં નસીબ અને જેવાં જોગીનાં વચન! મહાત્માનાં બોલ્યા મિથ્યા થાય: હાથીના દંતૂસળ પેટમાં પેસે: એ આજધીસુ નહોતું જોયું બાપુ! મારૂં ખોરડું મહા પાપીયું છે એટલે વંશ રાખવાની આશાએ તો મે તમને જાંબુડું ગામ અરપણ કરી દીધું, પણ મારાં પાપનો પાર નહિ આવ્યો હોય!" જોગી ઘમસાણનાથ આ સાંભળીને શરમીંદા બની ગયા. આખરે પોતાના શિર પરથી આ કરજનું પાપ ઉતારવા માટે મરવાનો જ નિશ્વય કરીને એ બોલ્યા, “અચ્છા ભાઈ! તેરે ઘર પુત્ર આવેગા–બરાબર નવ મહિના પીછે: લલાટમે વિભૂતિકા તિલક હોય તો સમઝના કે સંકરને દીયા. [૧]અઠાવીસ વર્ષ કા. આયુષ રહેગા. નામ 'બાવા' રખના.” એટલું બોલીને જાંબુડા ગામના ભોંયરામાં મહારાજ ઘમસાણનાથે જીવતાં સમાત લીધી. પોતાનો જીવ પોતે લુંઘીયાના કાઠી રાણીંગવાળાને ઘેર કાઠીઆણીના ઉદરમાં મેલ્યો, અને બાઈને દિવસ ચડયા લાગ્યા.[૧]

    • કોઈ તેત્રીશ વર્ષની આવરદા બતાવે છે.

નવ મહિને દીકરાનો જન્મ થયો. માતાના પેટમાંથી નીકળાતાંજ બાળકને કપાળે ભભૂતનું તિલક દેખાણું. ફુઈએ 'એાળી ઝોળી' કરીને 'બાવો' નામ પાડયું. રાણીંગવાળાએ ધમસાણનાથની જગ્યામાં વધુ જમીન દીધી. પણ નાનપણમાં જ બેટા બાવાને મેલીને રાણીંગવાળાએ પરભવનું ગામતરૂં કર્યું.

  • * *

આજે સુડાવડ ગામમાં કારજ છે પહેલી પાંતે રોટલા ખાઈને બાર વરસનો બાવાવાળો સૂડાવડને ચોરે લોમા ધાધલ નામના અમીરના ખોળામાં બપોરે નીંદર કરે છે. માથે લાંબા લાંબા કાનશીયા જટા જેવા વિખરાઈ પડયા છે. મુખની કાન્તિ પણ કોઈ ભેખધારીને ભજે તેવી ઝળહળે છે. કારજમાં જેતપૂરનો કાઠી દાયરો પણ હાજર છે. “કાં કાકા!” જેતપૂરના દરબાર મૂળુવાળાએ દેવાવાળાને આંગળી દેખાડીને કહ્યું “જટા મોકળી મેલીને બાવો સૂતો છે. જોયો ને?” કાકા દેવાવાળાએ ડોક ધુણાવ્યું કે “હા, બાવો! સાચોસાચ બાવો! ફુઈએ બરાબર નામ જોઈને આપ્યું છે હો! બાવો ખરો, મોટા મઠનો બાવો!” “અને આ બાવો લુંધીઆનાં રાજ કરશે? એ કરતાં તો ખપ્પર લઈને માગી ખાય તો શું ખોટું?” “દરબાર!” સનાળીના કશીયાભાઈ ચારણથી ન રહેવાતાં એ બોલ્યા, “બાવો ખપ્પર લેશે નહિ, પણ બીજા કોકને ખપ્પર લેવરાવશે, એ ભૂલતા નહિ. મલક આખાને બાવો લોટ મગાવશે.” × × ×

  • કોઈ કહે છે કે ઘમસાણનાથે પોતે નહિ, પણ એના એક ચેલાએ સમાત લીધેલી.

જુવાનીમાં આવતાં જ બાવે બારવટુ આદર્યું : એક જેતપુરના દરબાર મૂળુવાળા સામેઃ કેમકે એણે વાઘણીયા ગામમાં બાવાવાળાના બાપની જમીનનો ભાગ દબાવ્યો હતો. અને બીજું વીસાવદરના હરસૂરકા કાઠીઓની સામે. મૂળ વીસાવદર અને ચેલાણા પરગણાના ચોરાશી ગામ ઘેરે કરવામાં બે જણાનો હાથ હતોઃ બાવાવાળાના વડવાનો અને હરસૂરકા કાઠી માત્રાવાળાના બાપનો. પણ બેયની વચ્ચે વેરનાં બી વવાયેલાં. બાંટવાના દરબારે બેય વચ્ચે દા' સળગાવલો, એમાં બાવાના બાપ રાણીંગે બધો મુલક ઘેરે કરી માત્રાને બહારવટે કાઢેલો. માત્રાની આવરદા બહારવટું ખેડતાં ખેડતાં પૂરી થઈ ગયેલી. ત્યાં તો બીજી બાજુ એજન્સીની છાવણી ઉતરી. જમીનના સીમાડા નક્કી કરવા નીકળેલા બાકર (Col. Walker) સાહેબના હાથમાં વીસાવદરનો મામલો પણ મૂકાયો અને એમાં એણે રાણીંગવાળાના હાથમાંથી તમામ ગામ આંચકીને માત્રાવાળાના દીકરા હરસુરવાળાને સોંપી દીધાં. રાણીંગવાળો તો બાવાને નાનો મૂકીને મરી ગયા. પણ મરણ ટાણે આઠ વરસના દીકરા પાસે પાણી મુકાવતો ગયો કે, “બેટા! જો મારા પેટનો હો તો બાપની જમીન પાછી મેળવ્યા વગર ઝંપીશ નહિ.” ઝાકાઝીક! ઝાકાઝીક! ઝાકાઝીક! બાવાવાળાની તરવાર ફરવા માંડી. “હરસૂરકાના વંશને રહેવા દઉં તો મારૂં નામ બાવો નહિ” એવી પ્રતિજ્ઞા લઈને બાવો પંદર સોળ વરસની ઉમ્મરે તો હરસૂરકાનાં લીલાંછમ માથાં વાઢવા લાગ્યો.

મેં જાણ્યું રાણીંગ મુવે, રેઢાં રે'શે રાજ,
(ત્યાં તો) ઉપાડી ધ૨ આજ, બમણી, ત્રમણી બાવલે.

સૂંઠ જ સવા શેર, ખાધેલા તોં વેળા ખત્રી
ઘોડે કરીયલ ઘેર બાપ રાંણીંગ જયું બાવલા

વાઢયા અમરેલી વળા ખાતે લાડરખાન
લખ વોરે લોબાન, બાંય નો વોરે બાવલા.
વાળા વાઘણીઆ તણો રતી યે ન લીધો રેસ
દેવાવાળાનો દેસ બાળી દીધો તેં બાવલા.
માથું મેંદરડા તણું ભાગ્યું ભાયાણા
તુંથી રાણ તણાં, બીએ જેતાણું બાવલા.
ગળકે કામન ગોંખડે, ૨ંગભીની મધરાત
ચોચીંતાનો આવશે, ભડ આવો ૫૨ભાત.
૫૨ભાત આવે નત્ય ત્રાડ પડે
ગણ જીત ત્રંબાળુ તીયાં ગડે
ઘણમૂલા કંથ આવો ધજાએ,
ઝળકે કામન ગોંખડીએ.
ખાવીંદ વન્યાનું ખોરડું ધણ્યને ખાવા ધાય,
પ્રીતમ બાવે પાડિયા, કુંજાં જીં ક૨લાય.
કુંજ સમી ધણ્ય સાદ કરે
ઘ૨મૂલા કંથ તુ આવ્ય ઘરે
રંગ રેલ ધણી તળમાં રીયો
થંભ ભાગ્યો ને ખોરડ ઝેર થીયો.

બાવાના નામનો એટલો બધો ત્રાસ પડી ગયો. અને એક પછી એક હરસૂરકાનાં ગામડાં ધબેડાતા ગયાં.

સવારને પહોર સૂરજ મા'રાજ કોર કાઢે, અને સાંજે મા'રાજ મેર બેસે, એ બેય ટાણે બાવોવાળો ઘોડેથી ઉતરી જતો અને ઘીના દીવાની જ્યોત પ્રગટાવી સૂરજ સન્મુખ માળા કરતો. ચાહે તેવી સંકડામણમાં પણ એણે આ વ્રત ભાંગ્યું નહોતું. એક વખત પોતે ખુમાણ પંથકમાંથી લુંટ કરીને ચાલ્યો આવે છે. વાંસે વા'ર વહી આવે છે. બધુંકોના ચંભા વાંસેથી છૂટતા આવે છે. એમાં આડી શેલ નામની વખંભર નદી આવી. નદીની ભેખમાં ઉતરતાં જ સુરજ ઉગીને સમા થયા. એટલે બાવાવાળાએ ઘોડેથી ઉતરી જ્યોતની તૈયારી કરી, હાથમાં માળા ઉપાડી. “અરે આપા બાવા!” સાથીઓ કહે છે, “આ સમદરનાં મોજા જેવી વાર વહી આવે છે, અને અટાણે માળા કરવાનું ટાણું નથી. માટે ગરમાં જઈને કાલ સવારે બેય દિવસના જાપ હારે કરજો.” “એ ના ના બા, પૂજા કાંઈ છંડાય? તમારી મરજી હોય તો તમે હાલી નીકળો. હું હમણા જ વાંસોવાંસ આવીને તમને આંબી લઉ છું. બાકી માળા તો મારાથી નહિ મેલાય.” કહેવાય છે કે એના સતને પ્રતાપે વાર આડે માર્ગે ઉતરી ગઈ. અને બાવાવાળાએ માળા પૂરી કર્યા પછી જ આગળ ડગલું દીધું. ચલાળા ગામમાં તે વખતે દાન ભગતની વેળા ચાલે છે. આપો દાનો કાઠીઓના પીર કહેવાતા. ઠેકાણે ઠેકાણે એના પરચાની વાતો થતી. દાના મહારાજને તો ત્રણ ભુવનની સુઝે છે : દલ્લીમાં ઘોડાં દોડતાં હોય એ દાનો પીર નજરોનજર ભાળે છે : એની આંતરડી દુવાય તો માણસનું ધનોત પનોત નીકળી જાય : અને એનો આત્મા રીઝે તો નસીબ આડેથી પાંદડું ઉડી જાય : એવી વાતો કાઠીઆવાડમાં પ્રસિદ્ધ હતી. દાના મહારાજની કરણી પણ ભારી ઉંચી કહેવાતી. ગરનાં એક ગામડામાં ભરવાડની છોકરીનું માથું કીડે ખદબદતું હતું - વેદનાનો પાર નહોતો - તેમાંથી પાસ પરૂને તથા કીડાને દાના ભગતે ત્રણ વાર પોતાની જીભેથી ચાટી લઈને એ છોકરીને રોગ મટાડ્યો હતો! એવા અવતારી પુરૂષને ખોળે જઈને બાવાવાળાએ માથું નાખી દીધું. હાથ જોડીને એણે ભગતને મર્મનું વચન ચોડ્યું કે “બાપુ! જો જગ્યામાં દીવેલની તૂટ પડતી હોય તો હું માગો એટલું મોકલતો જાઉં.” “કાં બા૫, અવળાં વેણ શીદ કાઢછ?” “ત્યારે શું કરૂં? મેંથી આ દોડાદોડમાં રોજ બે ટાણાં દીવેલ સાથે રાખીને દીવા કરવાની કડાકૂટ થાતી નથી. વાંસે ​રાજરજવાડાની ગીસ્તું ગોતતી ફરે છે. એટલે હવે મારો દીવો આંહી જ કરતા જાઓ.” “બાવા વાળા! એટલાસારૂ જગ્યાને આળ કાં દે બાપ? જા, કોડીયામાં વાટ મેલીને સૂરજ સામે ધરજે. તારા દીવામાં દીવેલ પણ સરજ પૂરશે, અને જ્યોત પણ સૂરજ પેટાવશે. જાપ કરતા આળસવું નહિ. જયાં સુધી જાપ કરીશ ત્યાં સુધી વાર તને વીંટીને ચાલશે તોય નહિ ભાળે.” “અને બાપુ, મારૂં મોત?” “જ્યોત ન થાય ત્યારે જાણજે કે તારે માથે ઘાત છે. બાકી તો દેવળવાળો જાણે બાપ! હું કાંઈ ભગતનો દીકરો થોડો છું? પણ સતને માર્ગે રેજે!"

“કાંઈ વાવડ?” “હા સાહેબ. નાંદીવેલે ડુંગરે.” “કેટલાં માણસ?” “દસ જ. રાતોરાત પહોંચીને ફુંકી મારવા જોવે. નીકર સવાર ઉગે હાથ આવી રહ્યો.” ગીરના જગલમાં, બાવા વાળાને જેર કરવા ગાયકવાડ સરકારના બંદર ખાતાનો સાહેબ, જેનું નામ ગ્રાંટ હતું, [૧]તે પોતાની ટુકડી લઈને ભટકી રહ્યો છે. એક રાતે બાતમીદારે એને બાવાવાળો તુળશીશ્યામની પડખેના શંકરના પોઠીઆના આકારના ભયંકર નાંદીવેલા ડુંગરમાં રાતે રહ્યાની બાતમી પહોંચાડી. અને સાહેબે દારૂગોળા લાદીને સાંઢીઓ વહેતો કર્યો.

  • આ વાતમાં બીજી સમજ એમ છે કે ગ્રાંટ સાહેબ બાવાવાળા સાથે લડવા તો નહોતો જ ગયો. લડનારી ફોજ જેતપુરની હતી. અને નિર્દોષ ગ્રાંટ તો ઓચીંતો વેલણ બંદરથી અમરેલી તરફ જતાં પકડાઈ ગયો હતો.

રાતોરાત એની ટુકડી નાંદીવેલા માથે લપાઈને ચડી ગઈ. બંદૂકદારો બંદૂકો લઈને ગોઠવાઈ ગયા. અને દારૂગોળાનો ઢગલો થાય કે તૂર્ત બંદૂકો ધરબીને, સામી ખેપમાં બેઠેલ બહારવટીયાને ઉડાવી મૂક્યાની વાટ જોવા લાગ્યા. મ્હોંસૂઝણું થઈ જવા આવ્યું છે. બાવાવાળાને કાંઈ ખબર નથી. એ તો પોતાની રોજની રીતે પથારીમાંથી ઉઠીને પ્રથમ આપા દાનાની સ્તુતિ કરી રહ્યા છે. અને એના રહેઠાંણને માથે જ સાંઢીયા ઉપરથી કોથળા ઉતારીને, નીચે પાથરેલ બુંગણ ઉપર, ગ્રાંટ સાહેબના બરકંદાજો દારૂ ઠલવી રહ્યા છે. એક જ ઘડીનું મોડું થાય તો તો બહારવટીયાને જીવવાની બારી જ ન રહે. પણ ત્યાં એક અકસ્માત બન્યો. લોકો ભાંખે છે કે જે ઘડીયે બાવાવાળાએ આપા દાનાની સ્તુતિ કરી, તે જ ઘડીયે ચલાળા ગામમાં દાના ભગતે પોતાની જગ્યામાં શગડીની પાસે બેઠાં બેઠાં, એક ચીપીઆ વતી શગડીના અંદરથી એક ધગધગતો તીખારો ઉપાડી બીજી બાજુ મેલ્યો, ને મેલતાં મેલતાં પોતે બોલ્યા કે “હવે મેલ્યને એમાં ટાંડી!” “હવે મેલ્યને એમાં ટાંડી?” એ વેણ આંહી આપા દાનાનાં મ્હોંમાંથી પડ્યું, અને નાંદીવેલાને માથે જાણે કે એ હુકમનો અમલ થયો હોય તેમ દારૂ પાથરતાં પાથરતાં એક બરંકદાજની બંદૂકની સળગતી જામગ્રી દારૂમાં અડકી ગઈ. અડકતાં તો બુંગણમાં પડેલો ગંજાવર ઢગલો સળગી ઉડયો. હ ડ ડ ડ! દા લાગ્યો. અને સાહેબની ટુકડીનાં માણસે માણસ જીવતાં ને જીવતાં સળગીને ભડથાં થઈ ગયાં. “આ શું ગઝબ! આ ભડકા ને આ ભડાકા શેના! આ બોકાસાં કોનાં!” એમ બોલતા જેમ બહારવટીયા બહાર નીકળ્યા તેમ દારૂખાનાનો દાવાનળ દીઠો. ડુંગરાની ખોપો થરથરી ગઈ, ​અને ગંધકના ગોટેગોટ ધુમાડામાં એક બીજાનાં મ્હોં ન દેખાય એવી આંધી પથરાઈ ગઈ. બહારવટીયા બ્હાવરા બનીને ડુંગરામાં દોટાદોટ કરવા લાગ્યા. જાણે ડુંગરાને કોઈએ પોલો કરીને અંદર દારૂખાનું ભર્યું હોય એવી ધણેણાટીથી ભાગતા ભેરૂબંધોને જુવાન બાવાવાળાએ ત્યાં ને ત્યાં સ્થિર ઉભા રહીને પડકારો કર્યો: “સુરજના પોતરા ભાગતાં લાજતા નથી કે બા?” “બાવા વાળા! ભુંડે મોતે મરવું? જીવતા હશું તો નામાં કામાં થઈ શકશે, પણ ભીંત હેઠળ શીદ કચરાઈ મરવું?” “એ બા, કાઠીભાઈ ભાગે તોય ભડનો દીકરો! એવું બોલવું બહારવટીયાના મ્હોંમાં ન શોભે. જીવતર વહાલું હોય ઈ ભલે ભાગી નીકળે. મારાથી તો નહિ ખસાય.” ભોંઠા પડીને કાઠીઓ ઉભા રહ્યા. અને થોડી વારમાં ધુમાડો વીંખાયો કે તુર્ત જ બહારવટીયાઓએ ગ્રાંટ સાહેબને ઘોડે ચડીને ભાગતો દીઠો. “એલા ટોપીવાળો જાય.” “એને બરછીએ દ્યો! ઝટ પરોવી લ્યો!” “ખબરદાર, બા કોઈએ ઘા કર્યો છે તો. દોડો, ઘોડાં ભેળાં કરીને જીવતો ઝાલો. સાહેબ મર્યો લાખનો, પણ જીવતો સવા લાખનો!” એવું બોલીને બાવાવાળાએ પોતાની ઘોડીને પાટીએ ચડાવી, સાહેબના વેલુર ઘોડાની પાછળ, હરણ ખોડાં કરે એવા વેગથી, મૃત્યુલોકના વિમાન જેવી કાઠીઆવાડી ઘોડીએ દોટ કાઢી. અને થોડુંક છેટું રહ્યું એટલે બાવાવાળાએ હાકલ કરી કે “હવે થંભી જાજે સાહેબ, નીકર હમણા ભાલામાં પરોવી લીધો સમજજે.” લગામ ખેંચીને ગ્રાંટે પોતાનો ઘોડો રોક્યો, સામે જોવે તો બાવાવાળાની આંગળીઓના ટેરવા ઉપર બરછી, સુદર્શન-ચક્ર જેવી ઝડપે ચકર ચકર ફરી રહી છે. બાવે બીજો પડકારો કર્યો કે “સાહેબ, તારાં હથીઆર નાખી દે ધરતી માથે. નીકર આ છૂટે એટલી વાર લાગશે. અને હમણાં ટીલડીમાં ચોંટી જાણજે.” સાહેબે આ કાળસ્વરૂપને દેખી શાણપણ વાપર્યું. પોતાનાં હથીઆર હેઠે નાખી દઈ, પોતે માથેથી ટોપી ઉતારી બાવાવાળાની સામે મલકાતે મ્હોંયે ડગલાં દીધાં. “રામ રામ! બાવાવાલા રામ રામ!” કહીને ચતૂર ગોરાએ પોતાનો હાથ લંબાવ્યો. સાહેબ લોકોના હથેળી-મિલાપના રીવાજ ન જાણનાર બહારવટીયાએ, કાઠીની રીત મુજબ પોતાનો એક હાથ લંબાવી સાહેબને ખભે લગાવ્યો. અને પછી કહ્યું કે “સાહેબ, તમે મારા કેદી છો.” “અચ્છા બાવવાલા, કાઠીઆવાડના બહારવટીઆની ખાનદાનીનો મને ઈતબાર છે. તેં મને જીતેલ છે. એટલે લડાઈના કાનૂન પ્રમાણે બેશક હું તારો કેદી જ છું.” “સાહેબ, તમારૂં નામ શું?” “ગ્રાંટ” “ઘંટ? ઠીક ઘંટ સાહેબ, તમારો ઘોડો મોઢા આગળ કરો. અને ચાલો અમારે ઉતારે.” સાહેબ આગળ ને બાવાવાળો પાછળ, એમ બન્ને ચાલ્યા. બહારવટીયાનાં સોનાનાં સિંહાસનો સરખા ગીરના સેંકડો ડુંગરાઓ અને ગાળાઓ ઓળંગતો એાળંગતો ગ્રાંટ સાહેબ ગીરની સાયબી વચ્ચે આ જુવાન કાઠીનું રાજપાટ નિરખે છે. ત્યાં તો, જૈતો વેગડ, લોમો ધાધલ ને ભોજો માંગાણી પણ ભેળા થઈ ​ગયા. છેટેથી સાહેબને અને બાવાવાળાને ભાળતાં જ ભોજાએ ચસ્કો કર્યો કે : “બાવાવાળા, ટુંકું કરવું'તું ને!” “થાય નહિ બા. ઘંટ સાહેબે હથીઆર છોડી દીધાં. પછી એનું રૂંવાડું ય ખાંડુ ન થાય. સુરજ સાંખે નહિ.” “ત્યારે હવે?” “હવે જ્યાં આપણે ત્યાં સાહેબ.” “પણ એના ખાવા પીવાનું શું? ઈ તો સુંવાળું માણસ કહેવાય. બાદશાહી બગીચાનું ફુલ.” “એમાં બીજો ઉપાય નથી. આપણે ખાશું તે સાહેબ ખાશે. બહારવટાં કાંઈ દીકરાનાં લગન થોડાં છે?” સાહેબ તો સમજતા હતા કે સોરઠનો બહારવટીયોયે કોણ જાણે કેવી યે સાયબીમાં મ્હાલતો હશે. પણ સાંજ પડતાં જ સાહેબનો ભ્રમ ભાંગી ગયો. પથરાનાં ઓશીકાં, ધૂળની પથારી, બાજરાના ધીંગા રોટલાનાં ભોજન, અને આ ડુંગરેથી પેલે ડુંગરે સળગતા બપોરે કે સુસવતા શિયાળાની અધરાતે ઉઘાડા આભ નીચે ઉતારા! સાહેબને ગર લાગી. તાવ લાગુ પડ્યો. રોજરોજ બહારવટીયાની સાથેજ ઘોડાં તગડી તગડીને સાહેબની કાયા તૂટી પડી. એની નસો ખેંચાવા લાગી. રાત દિવસ એને કોઈ વાતચીત કરવાનું સ્થળ ન મળે. બહારવટીયા દારૂ પીને કલ્લોલ કરતા હોય ત્યારે પોતે તાવથી પીડાતો સુનમુન પડ્યો રહે. અને પોતાના છૂટકારાની ઘડી પણ ક્યારે આવશે એ વાતની ક્યાંય તાગ ન આવે. મોતનાં પરિયાણ મંડાયાં માનીને ગ્રાંટે ગીરની નિર્જનતા વચ્ચે પોતાનાં બાળબચ્ચાંના અને પોતાની વ્હાલી મઢમનાં વસમાં સંભારણાં અનુભવવા માંડ્યાં. એક દિવસ ધાણી ફુટે એવા બળબળતા તાવમાં પડ્યાં પડ્યાં, બેહાલ થઈ ગયેલા સાહેબે ડુંગરાની ગાળીની અંદર બહારવટીઆને નીચે પ્રમાણે વાત કરતા સાંભળ્યા: “બાવાવાળા, સાહેબને પકડીને તો તેં સાપ બાંડો કર્યો છે.” “હોય બા, થાતાં થઈ ગયું.” “આપા બાવાવાળા, આખી કાઠીઆવાડને ધમરોળી નાખત તો ય કોઈની ભે' નહોતી. પણ આ તો ગોરાને માથે આપણો હાથ પડ્યો. એના એક ગોરા સાટુ રાણી સરકાર પોતાનું આખું રાજપાટ ડુલ કરી નાંખ, ઈ જાણછ ને?” “જાણ છું." “અને આ ગરને ઝાડવે ઝાડવે ગોરો ચોકી કરવા આવશે, હા?" “હો!" “બાવાવાળા, જોછ ને? સાહેબને ઝાલ્યા પછી આજસુધી આપણાં ઘોડાનાં પાખર નથી ઉતર્યાં કે નથી આપણાં બખતર ઉતર્યા. નથી એકેય રાત નીંદર કરી. હવે તો ડીલના કટકા થઈ ગયાં છે. અને આ માંદાને ઉપાડવો પડે છે.” “ત્યારે હવે તો શું કરવું ભાઈ ભોજા!” “બીજુ શું? એનું ટુંકું કરી નાખીએ.” સાંભળીને સાહેબને અંગે પરસેવો વળી ગયો. એનાં અંત૨માં ઈસુનું નામ બોલાવા લાગ્યું. બાવાવાળાએ જવાબ દીધો કે “ભાઈ, એમાં ડહાપણ નહિ કે'વાય. સાહેબને માર્યા ભેળી તે આખી વલ્યાત આંહી ઉતરી સમજજો. અને જીવતે રાખશું તે કો'ક દિ વષ્ટિ કરીને સરકા૨ આપણું બારવટુ પાર પડાવશે. માટે સ્વારથની ગણતરીએ યે મરાય નહિ. તેમ ખાનદાનીની રીતે ય જો એનું રૂંવાડું ખાંડું કરીએ, તો સાત જન્મારાની ખોટ્ય ખાઈ બેસશું. બાકી તો હવે તમે કહો તેમ કરીએ.“જુવાન બાવાવાળાની આવી શાણી શીખામણ સાંભળીને મોટા મોટા તમામ અમીરોને ગળે ઘુંટડો ઉતરી ગયો. અને સાહેબ ઉપર જાપ્તો રાખીને બહારવટું ખેડાવા લાગ્યું. ગોરા ટોપીવાળાઓની જે વખતે ગામડે ગામડે ફે ફાટતી, તેવા વખતમાં બાવાવાળાની આવી ગઝબની છાતી સાંભળીને કીર્તિના દુહા જોડવા લાગ્યા કે ટોપી ને ત૨વા૨ ન૨ બીજાને નમે નહિ, સાહેબને મહિના ચાર, આ દીખાને રાખ્યો બાવલા! [દેશમાં એમ કહેવાતું કે ટોપી અને તરવાર પહેરનાર અંગ્રેજ લોકો કોઈ બીજા માણસને માનતા નથી. પણ તેં તો હે બાવાવાળા, ગોરાને ચાર મહિના કેદમાં રાખ્યો] વશ કીધો વેલણનો ધણી, ગરમાં - ઘંટને જે (એની) વાળા વલ્યાતે બુંબું પૂગી બાવલા! [વેલણ બંદરના સાહેબ ગ્રાંટને તે કેદ કર્યો, તેની બુમો તો ઓ બાવાવાળા! છેક વિલાયત પહોંચી ગઈ છે.] ઘંટ ફ૨તો ઘણું દળવા કજ દાણા એને મ્હોં બાંધીને માણા! બેસારી રાખ્યો બાવલા! [આ ગ્રાંટ સાહેબ, કે જે મોટી ઘંટી રૂપી બનીને બહારવટીયા રૂપી દાણાને દળી પીસી નાખવા ગીરમાં ફરતો (ચાલતો હતા), તેને હે બાવાવાળા, તે મ્હોં બાંધીને બેસારી દીધો. - આ દુહામાં 'ઘંટ' શબ્દ ઉપર શ્લેષ છે: (૧) ગ્રાંટ સાહેબ. (૨) બળદથી ચાલતી, અનાજ દળવાની મોટી ઘંટી.] સરકારે ગ્રાંટના વાવડ લેવા બહુ ઈલાજો કર્યા. પણ બહારવટીયાઓએ પતો લાગવા દીધો નહિ. સરકારની શરમને પાર નહોતો રહ્યો. રાજકોટથી માંડી વિલાયત સુધીના ટોપીવાળા કાંડાં કરડતા હતા. કપ્તાન દરજ્જાનો એક અંગ્રેજ ગીરના કયા ગાળામાં દટાઈ રહ્યો છે, તેનો પતો ન મળે તો તો કાલ સવારે જ અંગરેજની બેસતી બાદશાઈને ગણકારશે કોણ? સરકારી તોપખાનું ગીરમાં લઈ જઈને કયા ડુંગરા સામે માંડવું? વિચાર પડતી વાત થઈ ગઈ. મુંબાઈ સરકારે આખરે ખબર કઢાવ્યા કે “બાવાવાળાને શું જોઈએ છે?” કોઈ વટેમાર્ગુએ સરકારને ચિઠ્ઠી પહોંચાડી કે બાવાવાળાને એનું વીસાવદર પરગણું પાછું મળશે તો જ ગ્રાંટને જીવતો ભાળશો.” કોઈને ખબર ન પડી કે ચિઠ્ઠી મૂળ આવી કયે ઠેકાણેથી! અને સરકારને ફાળ પડી ગઈ કે ગ્રાંટને અને મોતને ઝાઝું છેટું નથી રહ્યું. મુંબઈની સરકારમાંથી જુનાગઢના નવાબ ઉપર ખરીતો ગયો કે “ચાહે તે ભોગે પણ હરસુરિકા કાઠીની પાસેથી વીસાવદર પરગણું બાવાવાળાને અપાવો. અને જો ગ્રાંટના ખુનનું ટીપું પડશે તો ગોરી પલ્ટનો ઉતરીને ગીર સળગાવી નાખશે. અને રાણી સરકારનો ખોફ તમારાં રજવાડાં ઉપર ઉતરશે.” નવાબના ચતુર દિવાને ગિરના ગાળામાં સંદેશો પહોંચાડ્યો. જુનાગઢની મદદથી વીસાવદર પરગણું બાવાવાળાને હાથ પડ્યું. અને કપ્તાન ગ્રાંટને ગીરમાં છૂટો મેલી બહારવટીયા વીસાવદરની ગાદી ઉપર ગયા.

સોરઠી ગીરની અંદર, ધ્રાફડ નદીને કિનારે, વેકરીયા અને વીસાવદર ગામની વચ્ચે “જમીને ધડો” નામે એાળખાતો એક નાનો ડુંગર છે. એ જગ્યા ઉપર, દાતારની જગ્યા પાસે એક ગામડું વસાવીને બાવાવાળાએ રહેઠાણ કર્યું હતું. પડખે જ ઘાટી ઝાડીથી ભરેલી ગીર હોવાથી બહારવટીયાને સંતાવાની સુગમતા પડતી. ગીર તેની માનું પેટ ગણાય છે. પરંતુ વિજયના મદમાં ચકચૂર થયેલા બાવાવાળાની બુદ્ધિ ફરી ગઈ હતી. એણે માણસાઈ મેલી દીધી હતી. બાવાવાળાના દેહમાં જુવાનીનાં તેજ કિરણો કાઢી રહ્યાં છે. એની રૂડપ જાણે કે શરીરમાં સમાતી નથી. પણ પોતે બહારવટના પંથે ઉભો છે. અને આપા દાનાનું દીધેલ માદળીયું બાંધે છે. પોતાના હાથમાં રેઢી જ્યોત થાય છે. એટલાં બિરદ માથે લઈ ફરનાર પુરૂષની નાડી લગરીકે એબ ખમે નહિ આ તરીકે બારવટીયો જુવાનીને ચારે કોરથી દબાવીને વર્તે છે. પરણેલ છે, પણ કાઠીઆણી ચલાળે આપા દાનાની પાસે જ રહે છે.* [૧] “ભણેં માત્રા!” ભોજા માંગાણીએ વાત છોડી, “ધમસાણનાથજીએ આની આવરદા કેટલી ભણી છે ખબર છે ને?” “હા ભોજા, અઠાવીસ વરસની.” “દીવો એાલવાતાં કાંઈ વાર લાગશે?” “ના. અઠાવીસ વરસ તો કાલ સવારે પૂરાં થાશે.” “પછી એના વંશમાં તો અંધારૂ થઈ જાશે ને?” “તો તો મહા પ્રાછત લાગ્યું લેખાય.” “તો પછી આઈને ચલાળે ન બેસારી રખાય.” માત્રો સમજી ગયો. બાવાવાળાને પૂછશું તો ના પાડશે, એમ માનીને છાનોમાનો અસવારને ચલાળે રવાના કર્યો. બીજે દિવસે દીવે વાટ્યો ચડ્યા પહેલાં તો 'આઈ'ને લઈને અસવાર જમીના ધડા ભેળા થઈ ગયો.

  • એમ પણ કહેવાય છે કે કાઠીઆણી પોતાને પીયર ખડકાળા ગામેજરહેતાં. એક વાર રાતે બાવાવાળાએ ખડકાળા ગામને પાદર મુકામ નાખીનેબાઈને તેડાવેલાં. બાઈએ જવાબ વાળેલો કે “દરબારને કહેજો કે મારાથીન અવાય. અમે અસ્ત્રીની જાત તો લીલો સાંઠો કહેવાઈએ. વખત છે નેદૈવનો કોપ થાય,તો દુનિયા વાતું કરશે કે ધણી તે બિચારો પથરાનાંએાશીકાં કરીને બારવટાં ખેડે છે, અને બાયડી ઘેરે છોકરાં જણે છે!આવું થાય તો મારે અફીણ ઘોળવું પડે. માટે દરબારને કહેજો કે ઉઘાડેછોગ તેડાવીને ભેળી રાખવી હોય તો જ તેડાવજો!

રાત પડી. અધરાતે દાયરો વીંખાયો. સહુની પથારી વચ્ચે પોતાની પથારી ન જોવાથી બાવાવાળાએ પૂછ્યું, “મારી ૫થારી કયાં?” “આજની તમારી પથારી ઓરડે છે, બાવાવાળા!” બાવાવાળો સમજી ગયો. એને કોઈએ જાણ નહોતી કરી. અચાનક મેળાપ થતાં એને હેતના ને હરખના હિલેળા ચડશે, એમ સહુના અંતરમાં આશા હતી. કાઠીઆણી પણ પરણ્યા પછી કંથને આજ ઘણે વરસે મળવાનાં છે, એવા કોડથી જીમી ને મલીરની નવી નકોર સુગંધ દેતી જોડ્ય ધારણ કરીને ઝમરખ દીવડે પોતાના સાવઝશૂરા કંથની વાટ જોવે છે. પતિરાજના પોરસ થાકી ફુલતા દેહ ઉપર ચૂડલીઓ તૂટું! તૂટું! થાય છે. દાયરામાંથી ઉઠીને અધરાતે બાવોવાળો ઓરડે આવ્યો. રંગભીના ઓરડામાં રાજવણને બેઠી ભાળતાં જ એને અચંબો ઉપડ્યો. “તું ક્યાંથી?” જરા ય મ્હોં મલકાવ્યા વગર પૂછ્યું. “તમારી તેડાવી!” ભોળુડી સ્ત્રી હજુ હસે છે. “મેં તેડાવેલી? ના! કોની સાથે આવી?” “તમારા કાઠી સાથે.” ત્યાં તો બાવાવાળાનાં રૂવાડાં બેઠાં થઈ ગયાં. એની આંખોમાં દેવતા મેલાણો. “તું મારી અસ્ત્રી! પર પુરૂષ સાથે હાલી આવી? બહુ અધીરાઈ હતી?” “દરબાર, અધીરાઈ ન્હોય? ધણીને મળવાની અધીરાઈ ન હોય? મેં શું પાપ કર્યું?” “બાવા વાળાની જીભે માઝા મૂકી.” “કાઠી! કાઠી!” આઈની કાયા કાંપવા મંડી, “બસ કરી જાઓ. આ શું બોલો છે? સાવઝ તરણાં ચાવે છે? દરબાર! આટલો બધો વહેમ! ઈ તો તમારીયું......” ઝબ! દેતી બાવાવાળાએ તરવાર ખેંચી. “ઓહોહો! દાતરડાની બ્હીક દેખાડો છો? આ લ્યો." એમ કહેતી કાઠીઅાણી ગરદન ઝુકાવીને ઉભી રહી. દયાવિહોણા બારવટીયાએ અબળાની ગરદન પર ઝાટકા ચોંટાડ્યા. જે ગળામાં પિયુજીની મીઠી ભૂજા પડવાની હતી, ત્યાં તરવાર પડી અને ઘડી બે ઘડીમાં તો એનો જીવ જાતો રહ્યો. અત્યારે એ બાઈની ચુંદડી ને એનો મોડીયો ખડકાળા નામના ગામમાં પૂજાય છે.

બાવા વાળાથી થાતાં તો થઈ ગયું, પણ પછી તો એની રીસ ઉતરી, કાઠીઆણીનું નિર્દોષ મ્હોં એની નજરમાં રમવા માંડ્યું, અને એને પસ્તાવો ઉપડ્યો. અંતરમાં ઝાળો ઉઠી. ક્યાં યે ઝંપ નથી વળતો. આંખે અખંડ આંસૂડાં ઝરે છે. એણે બોલવું ચાલવું પણ બંધ કરી નાખ્યું છે. 

“બાવાવાળા!” પોતાના સાથીઓ સમજાવવા લાગ્યા, “હવે પછી ચીંથરાં શું ફાડછ? એારતો થાતો હોય તો પ્રભુની માળા ફેરવ્ય. પણ માણસ કાં મટી જા?” તો યે બાવાવાળાને શાંતિ વળી નહિ, છાનોમાનો નીકળીને એ ગોપનાથ પહોંચ્યો. દરિયામાં સ્નાન કરીને મંદિરમાં જઈ ઉભો રહ્યો. તરવાર કાઢીને એણે દેવની પ્રતિમાજી સમક્ષ કમળપૂજા ખાવાની તૈયારી કરી. ચોધારાં આંસુડાં ચાલ્યા જાય છે. અને સ્ત્રીહત્યાના પાપનો પોતે વિલાપ કરે છે તે વખતે નાગ૨વ ગીયડ નામના ચારણે એનો હાથ ઝાલીને ઓચીંતી તરવાર ઝુંટવી લીધી. “નાગરવ ભા! મને મરવા દે.” બાવાવાળાએ તરવાર પાછી માગી. “બાવાવાળા! બે ય કાં બગાડ્ય? પેટ તરવાર નાખ્યે અસ્ત્રી હત્યા ઉતરશે એમ માનછ? મરીને ભૂત સરજીશ, બાવા વાળા! અને શાંતિનો છાંટો ય નહિ જડે. માટે આદર્યાં કામ પૂરાં કર, અને સંસારમાં રહીને પાપ ભસ્મ થાય એવી પ્રભુ- ભક્તિ કર.” એમ ફોસલાવીને બાવાવાળાને પાછો લઈ ગયો, અને એને ફરીવાર પરણાવ્યા.

આજ તો સરધારપરને માથે પડીએ.” “દરબાર, ઈ ઘીંહરાનો મારગ લેવા જેવો નથી. ત્યાં તો આયરની વસ્તી વસે છે.” “પણ આયરોને તો દરબાર મૂળુવાળાએ ઉચાળા ભરાવી બહાર કાઢ્યા છે. ઈ અાયરો તો ઉલટા આપણી ભેર કરશે.” એવી ભ્રમણામાં પડીને ત્રણસો ઘોડે બાવોવાળો સરધારપર ભાંગવા હાલ્યો. સાથે માત્રો વેગડ, લોમો ધાધલ, ભોજો માંગણ, જેઠસૂર બસીઓ વગેરે કાળદૂત જેવા ભાઈબંધો ચડ્યા છે. તૂર્ત સરધારપરમાં જાણ થઈ કે આજ બાવોવાળો પડશે. જેતપૂરના દરબારે જે આયરોના ઉચાળા બહાર કઢાવ્યા હતા, તેમાંથી એક બોલ્યો કે “વધામણી! આજ મૂળુવાળાની મૂછનો વળ ઉતરી જાશે.” “અરે ફટ્ય તમને આયરના દીકરાઓ! એલા, આજ મૂળુવાળે કઢાવ્યા, પણ આજ સુધી દાંતમાં અન્ન કોનું ભર્યું છે? આપણ જીવ્યે બાવાવાળો સરધારપર ભાંગે? મા ઘરધે ને દીકરા ગળ ચોખા જમે? બાવા વાળો બોકડીયુંમાં ચર્યો છે, પણ હજી સીંગાળીયું'માં નથી આવ્યો. આવાવા દ્યો એને.” પોતાના દરબારે નજીવા જ કારણથી ઓચીંતાં ખોરડાં ખાલી કરાવીને આયરોને બહાર કઢાવ્યા છે, ક્યાં જવું તેનો, વિચાર કરતા આયરો અંતરિયાળ ઉચાળા લઈને પડ્યા છે, બચ્ચાં રૂવે છે, કોઈ ગર્ભવતી આયરાણીઓ પીડાતી પડી છે, ઘરડાં બુઢ્ઢાં બિમાર અને આંધળાં અપંગ આયરોને ઉંચે આભ ને નીચે ધરતી જેવું થયું છે. વરસતા વરસાદમાં વિના વાંકે દરબારે બહાર કઢાવ્યાં તેથી બોર બોર જેવાં પાણી પાડતી આયરાણીઓ ​અંતરમાં દરબારને શાપ દઈ રહી છે. તેમ છતાં પણ ધણીની લાજ આબરૂ સાચવવાનો સમો આવ્યો સમજી આયરો ઉભા થઈ ગયા. આયરાણીઓ સાંબેલાં લઈને ઉભી રહી. ને ગામની બજારમાં એવી તો ઘટા બંધાઈ ગઈ કે જાણે વાટ્યો વણાઈ ગઈ છે. એવા નીમકલાલ આયરો ઉપર બાવો તૂટી પડ્યો. ખસી જાવ! ખસી જાવ! એવા ઘણા પડકારા કર્યા. પણ આયરોનો તો ઘટાટોપ બંધાઈ ગયો. કોઈએ પાછો પગ દીધો નહિ, ત્યારે બાવાવાળાએ કહ્યું “આ ભૂત વરણ છે. લાખ વાતેંય નહિ ખસે. માટે હવે વાટ્ય કોની જોવી? કાપી નાખો.” પછી મંડ્યા વાઢવા, આયર આયરણીએાના ઢગલા ઢાળી દીધા. એકે એક આયર, છાતીના ઘા ઝીલતો ઝીલતો પડકારી રહ્યો છે કે “હા મારો બાપો! મોરલીધરનું નામ! મોત ન બગાડજો! આવી ઉજળી ઘડી ફરી નથી મળવાની” પણ બાવાળાના કાળઝાળ ઝટકે આયરોનો સોથવાળી દીધો. પાંત્રીસ મોડબંધા પડ્યા, અરેકાર વરતાઈ ગયો, આજ પણ સરદારપરની બજારે અને પાદરમાં સીંદૂરવરણા પાળીઆનો પાર નથી. જાતાની વાર જ આપણા દિલમાં અરેરાટી છૂટી જાય છે. સારી પેઠે સાનું રૂપું લુંટીને બાવાવાળો ભાગ્યો. અસવાર તો ક્યારનો નીકળી ચૂક્યો હતોઃ જેતપૂર ખબર પહોંચી ગયા. જેતપૂરમાં દરબાર દેવા વાળા પથારીવશ પડ્યા છે. એનાથી તો ઉઠાય તેમ નહોતું. પણ ભત્રીજા મૂળુવાળાએ વાંદર્ય ઘોડીને માથે પલાણ મંડાવ્યાં. “મૂળુ?” દેવા વાળાએ ચેતવણી દીધી. “જોજે હો! વાંદર્યને લજવતો નહિ,” મૂળુવાળે ઘોડાં હાંક્યાં. વાવડ મળ્યા હતા કે ગોરવીઆળીની સીમમાં બહારવટીયા રોટલા ખાવા રોકાશે. એટલે પોતે બરાબર દેહલી ધારનો મારગ લીધો. ​અાંહી બહારવટીયા ગોરવીઅાળીની સીમમાં બેસીને રોટલાની તૈયારી કરે છે, ત્યાં તો એક અસવારે આભમાં ડમરી ચડતી ભાળી. જોયું તો ભાલાં સૂરજને સંદેશા દેતાં આવે છે. પલકારામાં તો દેહલી ધાર ઉપર ભાલાં ઝબુકતાં દેખાયાં, અસવારે ચીસ નાખી કે 'બાપુ ગઝબ થયો. આપો દેવોવાળો પોગ્યા. દેવો કાંથડનો! હવે કટકેય નહિ મેલે.” બાવોવાળો નજર ઠેરવીને નિહાળી રહ્યો. દેખાયું તો દેહલી ધાર માથે અસવારો ઉતરી ઉતરીને ઘોડાંના તંગ તાણતા ને અફીણની ખરલો ઘુંટતા લાગ્યા. “ઝખ મારે છે!” બાવાવાળાએ હરખનો લલકાર કર્યો. “નક્કી ભાઈ મૂળુવાળો છે, દેવો વાળો ન હોય. દેવો કાંથડનો હોય તો તો કદિ તંગ ખેંચવા યે રોકાય? દેવો તો ઢીલે તંગે ઘોડાં ભેળાં કરે. ફિકર નહિ. હવે તમ તમારે નિરાંતે ઘોડાં પલાણો.” ઝબોઝબ ઘોડાં ઉપર ઘાસીઆ નખાયા અને કાઠીઓ ચડી ગયા. સામી બાજુથી મૂળુવાળો અફીણ કસુંબા લઈને અને તંગ તાણીને ઉતર્યો. બેય સગા માશીયાઈ : બેય ગોરવીઆળીની સપાટ ધરતીમાં સામ સામા આટકયા. પેઘડા માથે ઉભા થઈ જઈને બે ય જણાએ ભાલાં ઉગામ્યાં. આભને ભેદે એવા સામસામા પડકારા દેવાણા. પણ ત્યાં તો કોણ જાણે શી દૈવગતિ બની કે રણમાં સદા ખીલાની જેમ જડાઈ જનારી વાંદર્ય ઘોડી પોતાના અસ્વાર મૂળુવાળાના હાથમાંથી નીકળીને પાછી ફરી ગઈ. મૂળુવાળા તે વખતે ભુંડા દેખાણા. મૂળુભાઈ ભાગો મા! મૂળુભાઈ ભાગો મા! નહિ મારી નાખીએ! લોહીનો ત્રસકો ય નહિ ટપકીએ! એ બા ઉભા રો! ઉભા રો! એવા ચસ્કા શત્રુનાં માણસો પાડવા લાગ્યાં. અને પછી મૂળવાળે ઘણી યે વાંદર્યને પા ગાઉં માથેથી પાછી વાળી, પણ ત્યાં તો ગોરવીઅાળીના ચારણોને જાણ થાતા એ બધા દોટ મેલીને અાંબી ગયા. બે ય કટકને જોગ​માયાની દુહાઈ દઈને નોખાં પાડ્યાં. ચારણના દીકરા વચ્ચે આવવાથી બે ય માશીઆઈ નોખનોખી દિશામાં કટકને હાંકી ગયા.

“બાપુ! ભાઈ મૂળુવાળાએ પારોઠનાં પગલાં ભર્યા!” એમ જેતપૂરમાં વાવડ પહોંચ્યા, સાંભળતાં જ દેવોવાળા પથારીમાં પડ્યા પડ્યા મોઢું ઢાંકી ગયા. ભત્રીજો આવતાં જ આપા દેવાએ પડખું ફરીને કહી દીધું કે “મને મ્હોં દેખાડીશ મા!” “અરે કાકા! પણ મારો વાંક નહોતો. હું ન ભાગું. મારાં ભાગ્ય અવળાં તે વાંદર્ય ફરી ગઈ, પણ હવે તમારે પગે હાથ દઈને કહું છું કે હું બાવાને ફરી વાર ભેટીશ, અને ઘોડી ફરી હતી કે હું ફર્યો હતો તે બતાવી દઈશ.” એટલી ખાત્રી મળ્યા પછી જ દેવાવાળાએ મ્હોં પરથી લૂગડું ખસેડ્યું.

આવો આવો આપા માણસૂર!” ડુંગરના તખ્ત ઉપર બિરાજેલા બાવાવાળાએ મહેમાનોને આવકાર આપ્યો. “અાપા બાવાવાળા!” માણસુર ધાધલ બોલ્યો, “હું આજ સ્વારથની વાતે આવ્યો છું.” “બોલો બા?” “જો ભાઈ, મારે ગુંદાળા ગામમાં ખોરડાં કરવાં છે. પણ જો તું એ ગામને માથે ન પડવાનો હો તો જ હું ખોરડાં ઉભાં કરૂં.” “આપા બાવાવાળા!” બાવાનો સંગાથી જેઠસૂર બસીઓ કે જે માણસૂર ધાધલનો સગો માશીઆઈ થતો હતો, તે વચ્ચેથી જ બોલી ઉઠ્યો:”અાપા! જો વેણ પળાય એમ હોય તો જ હા પાડજે હો. નીકર પછી થુક્યું ગળવું પડશે, ને અમારૂં બેય ભાઈયુંનું મોત બગડશે.” “બહુ સારૂં આપા માણસુર, જાવ મારો કોલ છે. ગુંદાળા માથે ન ચડવાનું હું પાણી મેલું છું.” માણસુર ધાધલે તો ગુંદાળે જઈને રૂપાળાં ખોરડાં ચણાવ્યાં અને એક જેબલીઆ કાઠીની જમીન પોતાના મંડાણમાં હતી. તે લઈને ખેડવાનું આદર્યું . બાવાવાળાના વેણ માથે એને વિશ્વાસ છે. પણ બાવાવાળાનો કાળ આવવા બેઠો છે ને! એટલે જે કાઠીની જમીન માણસુર ધાધલ ખેડવા મંડ્યો એ જ જેબલીઅા કાઠીએ વ્હેતાં મેલ્યાં બાવાવાળાની પાસે જઈને બાવાવાળાને ચડાવ્યો: “ભણેં આપા બાવાવાળા! હાલ્ય. ગુંદાળા માથે ત્રાટક દેને. રોગું હેમ પાથર્યું છે.” “પણ અાપા, મારાથી જીભ કચરાઈ ગઈ છે. શું કરૂં?” બાવાવાળાની દાઢ તો સળકી. પણ કોલ ઉથાપવાનો ડર લાગ્યો. “અાપા બાવાવાળા, બરાબર. તારો કોલ સાચો. એટલે તું માણસુરના લબાચા ચૂંથીશ મા. પણ ગુંદાળામાં તો હેમ પાથર્યું છે, હેમ!” ધર્મના માર્ગેથી લપસતો જાતો બાવોવાળો લોભાઈને આખરે ગુંદાળા માથે ચડ્યો. આવતાં જ છેટેથી એને માણસુર ધાધલે ભાળ્યો. માણસુરે આધેથી ધા નાખી, “અરરર બાવાવાળા! વચન લોધ્યું! આપા દાનાને લજવ્યો! કમતીઆ | ડાકણ પણ એક ઘર છોડી દ્યે. તું ઈથી યે ઉતરતો પાકયો?” “આપા માણસુર!” ભોંઠા પડેલ બાવાએ ગોટા વાળ્યા, “તું તારે તારૂં ઘર સંભાળ્ય, તારૂં રૂંવાડું ય ખાંડુ નહિ કરૂ!” “હવે બસ કરી જા બાવાવાળા!” માણસૂર ધાધલ તલવાર કાઢીને બહાર નીકળ્યો : “કાઠીના પેટનો થઈને મને ​મારૂં એકલાનું ઘર વહાલું કરવાનું કહેછ? મને પણ તું જેવો જ માન્યો?” એમ બોલતો માણસૂર ધાધલ ગામની રક્ષા માટે ઓરડેથી ઉતર્યો. જાતાં જાતાં પોતાની સ્ત્રીને કહ્યું “કાઠીઆણી! બેય છોકરાઓને એારડામાં પૂરી રાખજે!” એટલું બોલીને માણસૂર કેસરી સિંહની જેમ કુદ્યો. જાળવ્ય! માણસૂર જાળવ્ય! એમ બાવાવાળાએ હાકલા કર્યા. પણ જાળવે શું? તલવાર લઈને માણસૂરે એકલાએ રણ આદર્યું. ઘડી એકમાં તો એના પરજેપરજા ઉડી ગયા. ત્યાં તો ખારડા ઉપરથી છાપરું ફાડીને માણસૂર ધાધલનો નાનો દીકરો બહાર નીકળ્યો. એણે પોતાના બાપને ધીંગાણે શોભતો દીઠો. પોતાની પાસે તરવાર તો નહોતી એટલે શત્રુઓ ઉપર એ લાકડીના ઘા કરવા માંડ્યો. “બાપુ!” આસવારો બોલ્યા,”છોકરો ઘોડાં માથે પરોણાની પ્રાછટ બોલાવે છે.” “મારશો મા! ઈ ટાબરને મારશો મા! એને ઝાલી લ્યો. અને હવે હાલો. ઝટ ભાગી નીકળો! લુંટ નથી કરવી. દાટ વાળી નાખ્યો.” એમ કહીને એણે ભુંડે મ્હોંયેં વીસાવદરનો કેડો લીધો. માર્ગે એક નહેરૂં આવે છે. ત્યાં માણસૂરના ભાઈ જેઠસુર બસીઆને પોતાના અસવારે સાથે તડકા ગાળવા બેઠેલો દીઠો. અને જેઠસૂરે બાવાવાળાને દીઠો. “કોણ બાવા વાળો!” “હા અાપા જેઠસૂર!” પણ એ હોંકારામાં રામ નથી રહ્યા. બાવાવાળાના મ્હોં ઉપરથી, વિભૂતિ માત્ર ઉડી ગઈ છે. અને વળી બાવોવાળો ગુંદાળાને માર્ગેથી ચાલ્યો આવે છે. એટલે જેઠસૂરે અનુમાન કરી લીધું. “કાળો કામો કરીને આવછને ભાઈ!” બાવાવાળો ચુપ જ રહ્યો. “બાવાવાળા! બીજું તો શું કરૂં? તારૂં અન્ન મારી દાઢમાં છે. તારી થાળીમાંથી ઘણા દિ' રોટલાનાં બટકાં ભાંગ્યાં છે. પણ હવે રામ રામ! આપણાં અંજળ ખુટી ગયાં.” જેઠસૂરના વળના જેટલા અસવારો હતા તે તમામ તરી નીકળ્યા. અને બાવોવાળો ભોજા માંગાણીને લઈ માર્ગે ચડ્યો. પણ આજે એની દશા પલટાતી હતી. એટલે એની કાંધે કુમત જ ચડી બેઠી હતી. ભોજા માંગાણીએ પાસેના ખેતરમાં એક બેહાલ અાદમી સામે અાંગળી ચીંધીને પૂછ્યું, “આપા બાવાવાળા, ઓલ્યો સાંતી હાંકે ઈ કોણ છે, એાળખ્યો?” “કોણ છે ભોજા?” “ઈ હરસુરવાળો પોતે : તારાં ચોરાશી પાદરનો ગઈ કાલનો ધણી.” “એટલે તારૂં કહેવું શું છે ભોજા?” “બાવાવાળા! દુશ્મનની આવી દશા દીઠી જાય છે ખરી? સાવઝને શું તરણા ખાતો કરાય?” “ત્યારે શું શત્રુના પગ ધોઈને પીવાતા હશે? “બાવાવાળા, એને વધુ નહિ, એક જ ગામડી દે. પણ આ હરસુરવાળાના હાથમાં સાંતી તો દેખ્યું નથી જાતું.” “ભોજા! જમીન ચાકડે નથી ઉતરથી, જાણછ ને?” ​“તો પછી બાવા વાળા! ભોજો ય ચાકડે નથી ઉતરતો, ઈ યે તુ જાણછ ને?” “એટલે ભોજા!” બાવા વાળો તિરસ્કારથી હસ્યો. “બહુ દાઝતું હોય તો એને ચોરાશી યે ચોરાશી પાદર પાછાં અપાવજે!” “બાવાવાળા! તારા મ્હોંમાં અવળાં વેણ ન શોભે. બાકી તો તું જાણછ ને? વિકમા ગયા, શેખવા ગયા, જેઠસૂરે તને છોડ્યો – એમ પછી પીછડા વિનાનો મોર રૂડો લાગશે?” “મોર હશે તો નવાં હજાર પીછડાં આવશે.” “પછી ઓરતો નહિ થાય ને? “ના ના, આ લે, એક બરછી બાંધછ, ને આ બીજી પણ ભેળી બાંધજે.” “ત્યારે હવે રામરામ બા. શેલણા ને વીસાવદરનાં ને એક સો ને અડસઠ પાદરના ધણી! જાગતો રે'જે!” એટલું કહીને ભોજો માંગાણી પોતાનાં ઘોડાં તારવી પાછો વળ્યો. સીધેસીધો ખેતરમાં સાંતી હાલતું હતું ત્યાં ઘોડી હાંકી જઈને પડકારો કર્યો કે “આપા હરસૂરવાળા! મેલી દે સાંતી. ઠાકર તારાં ચોરાસી યે ચોરસી તને પાછાં આપશે.” “ભોજા માંગાણી! આ બે સાંતીની જમીન રહી છે એય નથી સહેવાતી કે શું? આભને ઓળે રહીને મારાં બે છોરૂડાં ઉઝેરૂં છું. એટલું યે તારી આંખમાં ખટકે છે કે ભાઈ!” બોલતાં બોલતાં હરસૂરવાળાની પાંપણો પલળતી લાગી. હેઠો ઉતરીને ભેજાએ પોતાની તરવાર હરસૂરવાળાના હાથમાં દીધી, અને બોલ્યો, “આપા હરસૂર! આજથી તું મારો ઠાકર ને હું તારો ચાકર. ઉઠ. નીકળ બારવટે.”

વિસાવદર ગામમમાં સોપો પડી ગયો છે. જળ ઝંપી ગયાં હોય એવી શાંતિ પથરાઈ ગઈ છે. બાવાવાળો દરબારગઢના માયલા ઓરડામાં માળા ફેરવી લઈને સુવાની તૈયારી કરે છે. આજ ત્રણ દિવસથી એની સવાર-સાંજની માળાને ટાણે રેઢી જ્યોત થાતી નથી. એ ચિન્તામાં બારવટીયો ઉંઘ વિના પથારીમાં આળોટે છે. તેટલામાં તો, પોતે જેને બહેન કહી હતી એ કણબણ આવીને ઉભી રહી. “બાપુ, જાગો છો?” “કાં બહેન, અટાણે કેમ આવવું પડ્યું!” “બાપુ, મને વ્હેમ પડ્યો છે.” “શેનો?” “ભોજો માંગણી આવ્યો લાગે છે.” “ક્યાં?” “ધ્રાફડના વોંકળામાં. એકલો નથી. ઘણીયું જામગ્રીયું તબકતી જોઈ.” “ઠીક, જા બ્હેન, ફિકર નહિ.” કણબણ ચાલી ગઈ એટલે ડેલીએ લોમો ધાધલ અને માત્રો વેગડ બેઠેલા, એમાંથી લોમે ફળીમાં આવી પૂછ્યું કે “ભણેં બાવાવાળા! તાળી બેન આવુને કાણું ભણુ ગઈ?” “આપા લોમા!” બાવાવાળાએ અંદરથી અવાજ દીધો, “ભોજાનું કટક ધ્રાફડના નાળામાં હોય એમ લાગે છે. માટે ચેતતા રહેજો.” “ઈં છે? તવ્ય તો ભણેં હવે ડેલીના કમાડ ઉઘાડાં ફટાક મેલુ દ્યો. ભાઈ ભોજાને વળી પાછાં કમાડ ભભડાવવાં પડશે.” બીજી વાત એમ કહેવાય છે કે આયડુએ ખુટીને આજે ઢોરને પહર ચારવા જતી વખતે ડેલી દેવરાવી નહોતી. ડેલીનો દરવાજો આખે આખો ખુલ્લો મૂક્યો. માયલી ડેલીએ પચીસ હેડીના કાઠીઓ હથીઆર ૫ડીઆર લઈને સુતા. સહુને મન તો ભોજો માંગાણી આવ્યાની વાત પર જ ભરોસો નથી એટલે ઝોલાં ખાવા મંડ્યા. પણ માત્રો વેગડ (બાવા વાળાની ફુઈનો દીકરો) પૂરેપૂરો વ્હેમાઈ ગયો હતો. એ બેઠો બેઠો સહુનાં મ્હોં પર પાણી છાંટે છે સહુને સમજાવે છે કે “ભાઈ, આજની રાત ઉઘવું રે'વા દ્યો!” વારે વારે પાણી છંટાવાથી લોમો ધાધલ ખીજાઈ ગયો “એલા માત્રા! ભણેં તેં ચૂડલીયું પહેરી છે? માળ આવડો બધો બ્હીકાળવો?” “આ લ્યો ત્યારે: હવે જે કોઈ પાણી નાખે, કે એક બીજાને જગાડે, એ બે બાપનો હોય.” એટલું બોલી માત્રો વેગડ માથા સુધી સોડ્ય તાણીને સૂઈ ગયો. થોડીક વારમાં તો આખી મંડળીને ઘારણ વળી ગયું. અધરાત ભાંગ્યા પછી ધ્રાફડનું નાળું શત્રુઓની જામગ્રીઓ પેટાતાં જાણે સળગી ઉઠ્યું. જેતો લાલુ બોલ્યો, “ભોજા માંગાણી! પ્રથમ અમે જઈને વાવડ કાઢીએ છીએ જો જાગતા હશે તો અમે કહેશું કે મે'માન દાખલ આવ્ય છીએ! ને ઉંઘતા હશે તો સહુને બોલાવી લેશું.” ડેલીએ આવીને જોયું તો ડેલી ઉઘાડી ફટાક પડી છે. અંદર આવે ત્યાં પચાસ નાખોરાં બોલે છે. થયા સહુ ભેળા. સુતેલા શત્રુને માથે તરવારોની પ્રાછટ બોલવા માંડી, પણ દેકારામાં ને દેકારામાં બે જણ જાગી ઉઠ્યા. ડેલીનું કમાડ ઉધાડુ મૂકાવનારો અને માત્રા વેગડને પાણી છાંટતો અટકાવનાર લોમો તો આંખો ઉઘાડીને આ કતલ જોતાં જ ભાગ્યો. ગઢ ઠેકીને ગયો. [પાછળથી એણે કોઈને ત્યાં પખાલ હાકેલી.] ​ત્યાં માત્રો વેગડ ઉઠ્યો. એની માને એકનો એક હતો. પણ માત્રો ભાગે નહિ. બીજા બધાની લોથો ઢળી પડી હતી, તેની વચ્ચે એકલે હાથે પડકારા કરીને માત્રાએ ટક્કર લીધી. પણ ત્યાં તો એને માથે ઝાટકાના મે વરસી ગયા.

ગઢ ઠેકી લોમો ગીયો, વઢતે બાવલ વીર
 (પણ) સધર્યું સાડ સધીર, મોત તાહાળું માતરા!

[લોમો તો પોતાના વીર બાવા વાળાના યુદ્ધ વખતે ગઢ ઠેકીને ચાલ્યો ગયો. પણ હે માત્રા વેગડ! તે તો તારૂં મોત સુધારી લીધું.] એમ માત્રાનું મોત સુધારી શત્રુઓ અંદર ગયા. બહારથી ભોજા માગાણીએ પડકાર દીધો કે “બાવા વાળા હવે તો સુખની પથારી મે! હવે તો ઓઝલ પડદો ઉપાડ્ય!” “ભોજા, આવું છું. ઉભો રે'જે. ઉતાવળો થાઈશ મા.” ઓરડામાંથી એવો પડકાર આવ્યો, બાવાવાળાએ ભરનીંદરમાં પડેલી પોતાની નવી રાણી આઈ રાઈબાઈને હળવેથી અંગુઠો ઝાલીને ઉઠાડી. ઝબકી ઉઠેલી કાઠીઆણીએ પોતાના સ્વામીનું રૂદ્ર સ્વરૂપ ભાળ્યું ભાળીને બોલી, “શું છે દરબાર!?" “કાઠીઆણી, તું ભાગી નીકળ!” એમ કહીને બાવાવાળાએ છેલ્લી વાર રાઈબાઈનું મ્હોં પંપાળ્યું. “શું છે?" “મારે છેલ્લે ક્યારે પાણી આવી પહોંચ્યાં, દગો થયો. દુશ્મનો બહાર ઉભા છે.” “તે તમારૂં કહેવું શું છે દરબાર! હું ભાગી નીકળું એમ ને?” માર્મિક કટાક્ષે કાઠીઆણી તાકી રહી. “ના ના, હું તને બદનામું નથી દેતો, પણ આપણા વંશનો દીવો ન ઓલવાય એ આશાએ કહું છું કે ભલી થઈને તુ લુંઘીયા ભેળી થઈ જા!” “વંશ સાટુ! કાઠી, વશ તુંને વા'લો છે, ઈથી વધુ વા'લું અસ્ત્રીની જાતને કાંઈક હોય છે, ખબર છે ને?” ત્યાં તો બહારથી હાકલા થયા, “બાવાવાળા, નીકળ! બા'રો નીકળ! બહુ ભુંડો દેખાછ! હજી યે વાતું ખુટતી નથી?” અંદર વાતો થાય છે : “કાઠીયાણી, મારૂં છેલ્લું કહેણ છે હો! અને મેં એકને મારી છે, ભુંડાઈએ મારી છે, તેનું પ્રાયશ્ચિત કરવા દે. મારાં પાપ ધોવા સારૂ ભાગી છુટ-તારો જીવ ઉગારવા સારૂ નહિ.” ડળક! ડળક! આંસુડાં પાડતી કાઠીઆણીની બેય આંખોમાં છેલ્લી પળે બાવાવાળાએ પોતાની પહેલી સ્ત્રીની પ્રતિમા તરવરતી દેખી, બીજી બાજુ બહારથી પડકારા ને મેણાંની ઝડી પડતી સાંભળી કાઠીઆણીને થંભેલી દીઠી. બાવાવાળાએ દોડીને રાઈબાઈનું કાંડું ઝાલ્યું. ધક્કો દઈને નાઠાબારી તરફ કાઢી. બહાર કાઢીને નાઠાબારીને પાછી અંદરથી સાંકળ ચડાવી. કાઠીઆણીનાં છેલ્લાં ડુસકાં સાંભળ્યાં. અને પાછા ઓરડે આવી સાદ દીધો, “હવે આવું છું હો ભોજા! ઉભો રે'જે!” બહાર ઉભેલાઓને અંદરથી બખ્તરની કડીઓના ખણખણાટ સંભળાણા. “એ બાવા વાળા!” ભોજે બુમ દીધી, “બાવા વાળો ઉઠીને અટાણે કાપડું શું પહેરી રહ્યો છે? પ્રાણ બહુ વ્હાલા થઈ પડ્યા તે લોઢાના બખ્તરે બચાવવા છે? તારા નામનો દુહો તો સંભાર! ​

[૧]બાવો, ડગલાં બે, (જો) ભારથમાં પાછાં ભરે,
'(તો તો) મલક માથે મે, વાઘાહ૨ વરસે નહિ.

[જો રણસંગ્રામમાં બાવાવાળો પાછા પગલાં ભરે તો તો હે વાઘાના પૌત્ર! દુનિયામાં વરસાદ ન વરસે.] “આ લે ત્યારે આ કાપડું!” એમ બોલીને બાવાવાળાએ કમાડ ઉઘાડ્યું. હાથમાં બખતર હતું તેનો છૂટો ઘા કર્યો અને એ ઘાયે સામા આદમીનો જાન લીધો. પછી કુદ્યો તરવાર લઈને. ઠેકીને જ્યાં ઘા કરવા જાય છે ત્યાં તો તરવાર એાસરીની આડીમાં પડી. પડતાં જ બે કટકા થઈ ગયા. હાથમાં ઠુંઠી જ તરવાર રહી. અને બીજુ હથીયાર લેવા જાય ત્યાં તો, બોદા સીદીએ એને માથે ઝાટકાના મે વરસાવી ગૂડી નાખ્યો. “બાવા ભાઈ!” ભોજો માંગાણી બાવાની છેલ્લી ઘડીએ બોલ્યો, “અન્યાયને ઈશ્વર નથી સાંખતો હો!” સાંભળીને બાવાવાળાએ આંખો બીડી. અને બાવાની ફુઈ (માત્રાની મા) બહાર નીકળ્યાં :

*મુંબાઈથી શ્રીયુત ગનનન વિ. જોશી આ ઘટના પરત્વે પોતાની નીચે મુજબની માહિતી માકલે છે, એને પાઠાન્તર તરીકે અત્રે આપવામાં
આવે છે:
“બાવાવાળાની કાઠીઆણીને નાઠાબારીએથી વિદાય કરતાં બાવો પોતે
પણ ત્યાંથી નાસી છૂટવા તજવીજ કરેલી. પરંતુ ભોજા માંગાણીએ અગાઉથી 
પેરવી કરીને નાઠાબારી આગળ એક ચારણને બેસાડેલો, તે એવા
હેતુથી કે બાવાની સ્ત્રીની, અથવા તો બાવાની પોતાની ઈચ્છાથી બાવો
નાઠાબારીનો મારગ લ્યે, તો ચારણ, તેના નામની બીરદાઈનો દુહો
લલકારીને એને ભોંઠપ આપીને પાછો ફેરવે : વળી નાઠાબારી આગળ
એકથી વધારે માણસ આવી શકે તેમ ન હતું : આ બન્ને બાબતોનો
પૂરેપૂરો વિચાર કરીને ભોજા માંગાણીએ ચારણની યોજના કરેલી-પોતાની
કાઠીઆણીને વિદાય કરતાં બાવો પણ નાઠાબારીએથી નાસવા તૈયાર
થયેલો: પણ ચારણનો દુહો સાંભળીને નાઠાબારી ઉપરથી તુર્ત જ પાછો
ફરીને, ઘર બારણેથી ભોજા માંગાણી સાથે ધીંગાણામાં ઉતર્યો અને મરાયો."

​“ભોજા કાળમુખા! હવે તો તેં તારો કામો કરી લીધો છે. હવે તમે સહુ રસ્તે પડો બાપ!” “ના ફુઈ, અમે કાઠી છીએ, માત્રાને અને બાવાવાળાને દૈન દીધા પહેલાં નહિ જઈએ.” “ખબરદાર, મારા બાવાના શબને કોઈ અડશો મા.” “તો આ લ્યો, આ અમે આઘા બેઠા.” મોણીએથી ચારણોને બોલાવી બાવાવાળાના શરીરને દેન પાડ્યું. મારવા આવનારા પણ મસાણે જઈને આભડ્યા. એ રીતે અનેક નિર્દયતાનાં કૃત્યો કરીને, પોતાની બીજી સ્ત્રીને બચાવ્યા સિવાયની અન્ય કશી પણ ખાનદાની દાખવ્યા વગર, છવ્વીસ વર્ષની આવરદા ખતમ થઈ ગઈ. એના આશ્રિતોએ માથા પર ફાળીયું ઢાંકીને મરશીયા ગાયાઃ- વીસાણાની વાડીએ ઠાઠ કચારી થાય વેરાણા બાવલ વન્યા ધરતી ખાવા ધાય. [વિસાવદરની વાડીઓમાં દાયરા ભરાતા અને કસુંબાના ઠાઠ માઠ જામતા, પરંતુ હવે તો બાવાવાળાની ગેરહાજરીમાં એ બધા આનંદ ઉડી ગયા છે, ધરતી ખાવા ધાય છે.]

મત્યહીણા તેં મારીયો છાની કીધલ ચૂક ત્રૂટું ગરવાનું ટૂંક બારવટીયા તું બાવલો. [અરે મતિહીન માનવી! તે છાનામાનાં આવીને બાવાવાળાને માર્યો! એ મરતાં તો જાણે ગિરનારનું એક શિખર તૂટી પડ્યું હોય એવું દુ:ખ થાય છે.] કેપ્ટન ગ્રાંટે પોતાના હાથનું લખેલું વૃત્તાંત: હિંદુસ્થાન અને અરબસ્તાનના ચાંચીઆ લોકો જે કાઠીઆવાડ અને કચ્છના કિનારા ઉપર ઉપદ્રવ કરતા હતા તેને દાબી દેવા માટે સે. ખા. ખે. ગાયકવાડ સરકારે દરિયાઈ લશ્કર સ્થાપ્યું હતું, એનું આધિપત્ય ધારણ કરવાને વડોદરાના - રેસીડેન્ટ કેપ્ટન કારનોકની માગણી ઉપરથી મુંબાઈ સરકારે ઈ, સ, ૧૮૧૩માં મને નીમ્યો. અમે કેટલાકને પકડી મારી નાખ્યા. અને ઈ. સ. ૧૭૨૦માં તેઓ એટલા તો નિર્બળ થઈ ગયા કે ગાયકવાડને આ ખાતું નહિ રાખવાની જરૂર જણાયાથી તેણે કાઢી નાખ્યું, ત્યારે મને એવો હુકમ લખી મોકલ્યો કે “તમારે વેલણ બંદર અથવા દીવ ભૂશિરનું સ્થાનિક છોડી જમીન રસ્તે અમરેલી જવું. અને ત્યાં ગાયકવાડના તથા કાઠીઆવાડના સર સુબાને તમારા વ્હાણનો ચાર્જ સોંપવો. “રસ્તામાં મારા ઉપર એક કાઠી બહારવટીયો, નામે બાવાવાળો, તેણે પાંત્રીસ ઘોડેસવારો સાથે હુમલો કર્યો. મારા ખાસદારને જીવથી માર્યો. મારી પાસે ફક્ત કુમચી હતી, તેથી હું પોતે સામે થઈ શક્યો નહિ. પ્રથમ જ્યારે અમારે ભેટભેટા થયા ત્યારે બાવાવાળાએ મને કહ્યું કે “મારા કામમાં તમારી સલાહ લેવાની છે.” આ બહાનું બતાવીને તેણે મને ઘોડેથી ઉતરાવ્યો. મારા માણસોને પરાધીન કર્યા, એટલે મને ઘોડા ઉપર બેસીને તેની ટોળી સાથે જવાની જરૂર પડી. તેઓ મને ગિર નામના મોટા જંગલમાં લઈ ગયા, જ્યાં તેએાએ મને બે માસ અને સત્તર દિવસ એક પહાડની ટોચ પર કેદી કરી રાખ્યો. આ સઘળો સમય બે હથિયારબંધ માણસો મારા ઉપર નાગી તરવાર લઈને ચોકી રાખતા હતા. દિવસ રાત વરસાદથી ભીંજાયેલી ભેખડમાં હુ સૂતો તેમાં અપવાદ માત્ર બે રાત્રિ હતી. આ બે રાત્રિ અમોએ દોસ્તીવાળા ગામમાં ગુજારી. ત્યાં જવા મને તો ટોળી ફરજ પાડી લઈ ગઈ. આ ફેરામાં પ્રસંગોપાત મને ઘોડા ઉપર સવાર થવા દેતા. પણ હરવખત એક જોરાવ૨ ટોળી મને વીંટી વળતી, તેથી નાસી જવાની કાઈ પણ કોશીશ કરવી એ મારે માટે અશક્ય હતું. “એક ગામમાં કે જે બાવાવાળાને અનુકૂલ હતું, તેમાં સ્ત્રીઓએ મારો પક્ષ ખેંચ્યો, અને મારી સાથે ઘાતકી વર્તણુક ચલાવવા માટે તેને તથા તેના માણસોને ઠપકો આપ્યો. પ્રતિકૂળ ગામડાં પ્રત્યે તે ટોળીનો એવો રિવાજ હતો કે દરવાજા સુધી ઘોડે બેસીને જવું અને નાનાં બાળક રમતાં હોય તેનાં માથાં કાપી લેવાં, અને પછી પોતાના એ શાપિત પરાક્રમ માટે હરખાતા ને હસતા ચાલ્યા જવું. દિવસનો ખૂનનો ફેરો કરી પોતાના મુકામ પર આવતા ત્યારે “મેં આટલાને માર્યા” એમ જુવાન કાઠીઓ ​મગરૂબી કરતા અને એક દિવસ તો મેં ઘરડા કાઠીઓને તેમને એમ ચોકસીથી સવાલ કરતા સાંભળ્યા કે “શું તમારી ખાત્રી છે કે તમારા ભોગ થયેલાને તમે માર્યા જ છે? એનો એવો જવાબ મળ્યો કે “હા અમે અમારી બરછીને તેમના શરીર સોંસરવી નીકળેલી જોઈ અને અમને ખાત્રી થઈ છે કે તેઓ મરી ગયા.” એક વૃદ્ધ કાઠીએ ટીકા કરી કે “ભાઈ! બીજા કોઈ પ્રાણી કરતાં માણસને જીવથી મા૨વું વધારે વિકટ છે. જ્યાં સુધી રસ્તાની એક બાજુએ ધડ અને બીજી બાજુએ માથું ન જુવો, ત્યાં સુધી એ મરી ગયો એમ ખાત્રી ન રાખવી." કેટલીક વખત રાજા બાવાવાળો અફીણની બેભાન હાલતમાં મારી પાસે આવીને બેસતો અને મારા ઉપર પોતાને જમૈયો ઉગામીને પૂછતો કે “કેટલી વખત આ જમૈયો હુલાવ્યો હોય તો તમારૂં મૃત્યુ નીપજે? હું જવાબ આપતો કે “હું ધારૂં છું, એક જ ઘાયે મારૂ કામ પતી જાય. માટે હું આશા રાખુ છું કે તેમ કરીને તમે મારા આ દુ:ખનો અંત આણશો.” તે જવાબ આપતો કે “તમે એમ ધારતા હશો કે હું તમને નહિ મારૂં! પણ માછી જેટલાં માછલાં મારે છે તેટલાં મેં માણસો માર્યાં છે. તમારો અંત આણતાં હું જરાયે વિચાર નહિ કરૂં. પરંતુ તમારી સરકાર મને મારો ગીરાસ પાછો અપાવે છે કે નહિ એ હું જોઉ છું. એ થોડા વખતમાં પાછો અપાવશે તો હું તમને છૂટા કરીશ.” “ટોળી લુંટ કરવા બહાર નીકળતી ત્યારે દિવસનો ઘણો વખત ઉંઘ્યા કરતી. રાત્રિયે દરેક ઘોડાની સરક તેના સવારના કાંડા સાથે બાંધતા. જ્યારે ઘોડા કંઈક અવાજ સાંભળે ત્યારે તાણખેંચ કરે કે તૂર્ત તેઓ ઉભા થઈ જતા. ખોરાકમાં બાજરાના રોટલો અને મરચાં, ને મળી શકે ત્યારે તેની સાથે દૂધ : મને પણ એજ ખોરાક આપતા. × × × “તેઓમાં બે જુવાન પુરૂષો હતા, કે જે મારે માટે કાંઈક લાગણી બતાવતા. × × મારા છૂટકારા માટે તેઓ પ્રયત્ન કરતા અને મને હિંમત આપતા. પ્રસંગોપાત જ્યારે તક મળતી ત્યારે પોતે કેટલાં માણસ માર્યા તે વિષે, અને જ્યારે પૈસાદાર મુસાફરો માગેલી રકમ આપવાની ના પાડે ત્યારે કયા ઉપાયો પોતે યોજતા, તે વિષે તેઓ મને જાણ કરતા. આ ઉપાય એ હતો કે એ બાપડાં કમનસીબ મનુષ્યોને પગે દોરડાં બાંધી તેઓને ઉંધે માથે ગરેડીએથી કુવામાં ઉતારીને પાણીની સપાટી સુધી ઉતારતા ને ઉપર ખેંચતા. માગેલી રકમ આપવાની કબુલાત ન કરે ત્યાં સુધી આ પ્રમાણે સીંચ્યા કરતા. કબુલ થાય ત્યારે છૂટા કરીને કોઈ ​આડત્તીયા ઉપર હુંડી અથવા કાગળ લખાવી લેતા. ને જ્યાં સુધી રકમ પહોંચતી ન થાય ત્યાં સુધી કેદ રાખતા.× × × એક તોફાની રાત્રિ મારાથી કદિ નહિ વિસરાય. એ બધા મોટું તાપણું કરીને ફરતા બેઠા હતા. સિંહ અને બીન હિંસક પશુઓ ગર્જના કરતાં હતાં, છતાં પણ મારૂં શુ કરવું, તે વિષે તેઓ ચર્ચા કરતા હતા. હું એ સાંભળી શકતો હતો. માણસો ફરીઆદ કરતાં હતાં કે “સાહેબને કારણે અમે બબ્બે મહિનાથી જંગલમાં છીએ. બાયડી છોકરાં દાણા વગર ગામડામાં હેરાન હેરાન છે. તેથી અમે હવે રોકાવાના નથી. તેનો સરદારે જવાબ દીધો કે “ચાલો એને મારી નાખી બીજે ક્યાંઈક ન્હાસી જઈએ.” પણ માણસોએ વાંધો બતાવ્યો કે “અંગ્રેજો લશ્કર મોકલીને અમારાં બાળબચ્ચાંને કેદ કરે ને દુ:ખ આપે." તેથી છેવટ એમ ઠર્યું કે હમણાં તો મને જીવતો રાખવો. છેવટે મારો છૂટકારો પોલીટીકલ એજન્ટ કપ્તાન બેલેન્ટાઈન મારફત આ પ્રમાણે થયો. તેણે નવાબ સાહેબને સમજાવ્યા કે “જે કાઠીએાએ બાવાવાળાનું પરગણું જોર જુલમથી લઈ લીધું છે, તેની પાસેથી તમારી વગ ચલાવીને બાવાવાળાને તેનો ગરાસ પાછો સોંપાવો." બાવાવાળાની ધારેલી મુરાદ બર આવી એટલે એણે મને છોડ્યો. “મારી કેદ દ૨મીઆન મારા ઉપર જે દુ:ખો પડ્યાં તે લગભગ અસહ્ય છે. રોજ સાંજરે હુ પ્રાર્થના કરતો કે હે પ્રભુ! મને વળતું સવાર દેખાડીશ નહિ! એક માસ સુધી તો શરદીને લીધે મારાથી બુટ કાઢી શકાયા નહિ. છેવટ મંદવાડથી નબળો થઈ ગયો ત્યારે જ બુટ નીકળ્યાં. સખ્ત ટાઢીઓ તાવ આવવા લાગ્યો તેની સાથે પિત્તાશયનો સોજો થઈ આવ્યો. આ સ્થિતિ છતાં ખુલ્લી હવામાં ઉઘાડા પડ્યા રહેવાનું, તેથી મને સન્નિપાત થઈ આવ્યો. જ્યારે મને છૂટો કરવામાં આવ્યો ત્યારે પગથી માથા સુધી ઉધઈ ચોટલી, તેવી સ્થિતિમાં રાત્રિયે ખેતરમાં રઝળતો પડેલો હું હાથ લાગ્યો. × × ×” આ ઉદ્ગારોના ઉત્તરમાં મી. સી. એ. કીનકેઈડ આઈ. સી. એસ. પોતાના “ધ આઉટલૉઝ એફ કાઠીઆવાડ” નામના પુસ્તકમાં લખે છે કે:- "અલબત્ત, આપણે બધા પણ જો એવી કેદમાં પડ્યા હોત, તો આપણે કેપ્ટન ગ્રાંટ કરતાં પણ વધુ સખત ભાષા વાપરત. તેમ છતાં બાવાવાળાના પક્ષમાં પણ થોડું કહી શકાય તેવું છે. બેશક બહારવટાંમાં નાનાં બચ્ચાંની ગરદનો કાપવાની પ્રથાનો બચાવ કરવાનું તો મુશ્કેલ છે. છતાં લડાઈની માફક બા૨વટું ૫ણ સુંવાળે હાથે તો નથી જ થઈ શકતું. કદાચ દુશ્મનોનાં ગામડાવાળાઓએ પોલીસને બાતમી પહોંચાડી હશે. ​તે કારણસર બહારવટીયાઓએ તેઓને પાઠ શીખવવાનું ઈચ્છેલ હશે, પણ સપડાઈ જવાની બ્હીકે ગઢમાં તો પેસી ન શકાય, તેથી તેઓ પાદરમાં જ એક બે છોકરાં દીઠાં તેઓને મારી નાખીને ચાલ્યા જતા હશે. બેશક મુકામ પર જઈને તેઓ પોતાનાં પરાક્રમોની બડી બડી વાતો તો કરતા હશે જ. તે સિવાય કેપ્ટન ગ્રાંટના સંબંધમાં તો બાવાવાળો મુંઝવણમાં જ હતો. હેમીલ્કારે પાતાના પુત્ર હનીબાલ ઉ૫ર જેવી ફરજ નાખી હતી તેવી જ પવિત્ર ફરજ બાવાવાળાના પિતાએ પણ તેના ઉપર નાખેલી. ને ગ્રાંટને કેદી રાખ્યા સિવાય એ ફરજ કદિ પણ અદા થઈ શકે તેમ નહોતું. યુરોપી લોકોનો પોતે અજાણ હોવાથી તે નહોતો સમજી શક્યો કે પોતે અને પોતાના સાથીઓ જે સંકટો બેપરવાઈથી ભોગવતા હતા, તેજ સંકટો અંગ્રેજને માટે તો અસહ્ય જ હતાં. ને જ્યારે એને એ સમજ પડી ત્યારે એને આ કેદી ઉપદ્રવ રૂપ જ લાગ્યો. એની બિમારી આ ટોળીને નાસભાગ કરવામાં વિઘ્ન નાખતી, અને ભળતાં ગામડાંની કાઠીઆણીઓના ઠપકા ખવરાવતી.”