સ્વાધ્યાયલોક—૨/સી. પી. સ્નો વિવિધરંગી વ્યક્તિત્વ

From Ekatra Wiki
Revision as of 16:18, 14 April 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સી. પી. સ્નો: વિવિધરંગી વ્યક્તિત્વ}} {{Poem2Open}} ગઈ કાલે બપોરે ચાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સી. પી. સ્નો: વિવિધરંગી વ્યક્તિત્વ

ગઈ કાલે બપોરે ચાર વાગ્યે અમારે એમની હોટલના રૂમમાં એમને મળવું એમ મિત્ર પ્રફુલ્લ અનુભાઈએ લૉર્ડ સ્નો સાથે સવારે ગોઠવ્યું હતું. બરોબર ચાર વાગ્યે અમે (ઉમાશંકર, નંદિની અને હું) પહોંચી ગયાં. ઇન્ક્વાયરી કાઉન્ટર પરથી એમને ટેલિફોન કર્યો અને આવી ગયા છીએ એમ જણાવ્યું. તરત એમણે કહ્યું, ‘આવો, હું એકતાલીસ નંબરના રૂમમાં છું.’ લિફ્ટને ઉપરનીચે આવવામાં બે મિનિટ મોડું થયું અને એમનો રૂમ હોટલના બીજે માળે હતો પણ લિફ્ટમૅન અમને ભૂલથી ત્રીજે માળે લઈ ગયો એમાં એક મિનિટ વધુ મોડું થયું. અમે એક દાદરો ઊતરીને બીજે માળે આવીએ તે પહેલાં જ એ રૂમની બહાર આવીને અમારી રાહ જોતા ઊભા હતા! વયમાં બોતેરના છે. આંખો બાસઠમાં ઑપરેશન કરાવ્યું પછી કંઈક કાચી છે. અમને ત્રીજે માળેથી નીચે આવતાં જોઈને એ પલકમાં બધું પામી ગયા. અમને રૂમમાં લઈ ગયા. પશ્ચિમની બારીમાંથી તડકો આવતો હતો. શિયાળાનો ખુશનુમા તડકો હતો. છતાં અમને આંખમાં વાગે નહિ એની કાળજી સાથે અમને રૂમમાં બેસાડ્યાં. લાંબા પ્રવાસ પછી બે દિવસથી તદ્દન અજાણ્યા સ્થળમાં છે એટલે એમને વધુ થાક ન લાગે એવી કાળજી સાથે અમે લગભગ સવા કલાક એમની સાથે ગાળ્યો. સવારથી રવિવારનો આ આખો દિવસ એમણે આરામ કર્યો હતો. એટલે અંતમાં એમણે કહ્યું, ‘મારો પુત્ર ફિલિપ ફરંદો છે, આખી દુનિયામાં ફરે છે. મારાથી વધુ ફર્યો છે. આજે જ સવારે મેં એને પત્ર લખ્યો, ‘તું મારાથી વધુ ફર્યો હશે. પણ હું આજે એક એવા દેશમાં આવ્યો છું કે જ્યાં તું હજી આવ્યો નથી. હું ભારતમાં તારા કરતાં પહેલો આવ્યો છું.’ અને પછી અમે ઉમેર્યું, ‘પુત્ર સાથેની પ્રવાસની હરીફાઈમાં મોટી હાર ન થાય એમ આથી તમારી આબરૂ કંઈક સચવાશે.’ અમે પૂછ્યું, ‘ભારતમાં તમે પહેલી વાર આવો છો?’ એમણે કહ્યું, ‘હા, હું ભારતમાં પહેલી વાર આવું છું.’ વચમાં સવા કલાક આપણા જમાનાની અનેક વિવિધ ઘટનાઓ અને અનેક વિશિષ્ટ વ્યક્તિઓ અંગે વાતો ચાલી — સવિશેષ સાહિત્યિક અને સાંસ્કૃતિક-બૌદ્ધિક ઘટનાઓ અને વ્યક્તિઓ અંગે. વિશેષ તો સ્વાભાવિક જ ફ્રૉસ્ટ અને ગાલબ્રેથ જેવી અમને સૌને પરિચિત એવી વ્યક્તિઓ અંગે. એમનો સવા કલાકનો આ સંવાદ જાણે કે ‘ભાતભાતના લોક’(વેરાયટી ઑફ મેન)ના અનુસંધાન જેવો હતો. મનુષ્યને, મનુષ્યજીવનને, મનુષ્યસંબંધને જોવાની એમની દૃષ્ટિ એક કઠોર બુદ્ધિના અને કોમળ હૃદયના સજ્જનની હતી. એટલે વાતમાં બેચાર મિનિટે વારંવાર હસે. બોતેર વરસના બાળકની જેમ હસે. નિર્દોષ અને નાજુક હસે. એમના હાસ્યમાં બુદ્ધિનું તેજ અને હૃદયનો પ્રકાશ હતો. વચમાં મેં પૂછ્યું, ‘તમારા બે સંસ્કૃતિઓ અંગેના વ્યાખ્યાનનો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રતિભાવ શો હતો?’ એમણે કહ્યું, ‘એ અંગે હજુ મારા પર જગતભરમાંથી પત્રો આવે છે. હમણાં જ ગયા અઠવાડિયે — લિથુઆનિયા, હોલૅન્ડ અને અમેરિકા એમ ત્રણ સ્થળેથી પત્રો આવ્યા છે.’ અને પછી જે સ્થળે અને જે સમયે એમણે એ વ્યાખ્યાન આપ્યું હતું અને ત્યાં, ત્યારે જે વાતાવરણ હતું એનું આબેહૂબ વર્ણન કર્યું. લાગતું હતું કે એ સ્થળમાં અને એ સમયમાં એ ચાલ્યા ગયા છે, ખોવાઈ ગયા છે. અને અંતે એમણે કહ્યું, ‘આ વ્યાખ્યાન અંગે હું જ્યારે જ્યારે મોં ખોલું છું ત્યારે ત્યારે વિવાદ જાગે છે.’ તરત જ ઉમાશંકરે ઉમેર્યું, ‘મોં ખોલવા માટે માણસ પાસે એ સારામાં સારું કારણ છે.’ તરત જ એ મુગ્ધ અને મુક્ત હસી પડ્યા. નંદિનીએ પૂછ્યું, ‘તમે વીસેક વરસ પૂર્વે એવું વિધાન કર્યું હતું કે ૨૦મી સદીના અંત લગીમાં વિકસિત અને અલ્પવિકસિત દેશો વચ્ચેનું અંતર અદૃશ્ય થયું હશે. તમને હજી લાગે છે કે ઇતિહાસ તમારું આ વિધાન સાચું પાડશે?’ ભારે ગંભીરતાથી એમણે કહ્યું, ‘ઇતિહાસ અત્યંત સમર્થ છે. હા, હજી પણ મને લાગે છે કે ઇતિહાસ મારું આ વિધાન સાચું પાડશે.’ આરંભમાં જ ઉમાશંકરે પૂછ્યું હતું  ‘હમણાં નવી નવલકથા લખવાનું ચાલતું હશે?’ એમણે કહ્યું  ‘હા. પણ કદાચ હું હવે નવી નવલકથા નહિ લખું. પણ નવલકથાઓ વિશે લખીશ. મારે મારી પ્રિય નવલકથાઓ વિશે અને નવલકથાકારો વિશે એક પુસ્તક લખવું છે. હમણાં જ મેં ટ્રોલોપ વિશે એક પુસ્તક લખ્યું છે. લોકોને ગમ્યું છે. પણ ટ્રોલોપ નાના નવલકથાકાર છે. મારે બાલ્ઝાક અને ડિકિન્સ જેવા મોટા નવલકથાકારો વિશે લખવું છે.’ સવા પાંચે અમે ઊઠ્યાં. સ્વાગત માટે તો રૂમની બહાર આવીને ઊભા હતા પણ હવે આવજો કહેવા ઠેઠ બહાર ન આવવાને, એટલો બધો શ્રમ ન લેવાને અમે એમને વારંવાર જણાવ્યું પણ એ કોઈ બહાને બહાર આવ્યા જ, એટલું જ નહિ પણ ‘લિફ્ટ ત્યાં છે’ કહીને અમને લગભગ લિફ્ટમાં પણ બેસાડી ગયા. અમને એક અંગ્રેજના, ખાનદાન અંગ્રેજના, લૉર્ડ સ્નોના સૌજન્યનું દર્શન થયું. રાતે નવ વાગ્યે સાબરમતી ગાંધી આશ્રમમાં ‘ધ્વનિ અને પ્રકાશ’નો કાર્યક્રમ જોઈને આશ્રમમાંથી બહાર આવતાં એમણે કહ્યું, ‘અત્યંત હૃદયદ્રાવક છે.’ અને પછી ઉમેર્યું, ‘હું જ્યાં જાઉં છું ત્યાં અમારાં અંગ્રેજોનાં દુષ્કૃત્યો જોઉં છું.’ અમે કહ્યું, ‘તમે તમારી જાત પ્રત્યે કંઈક ક્રૂર થાઓ છો.’ પછી તરત જિમખાનામાં ટ્રસ્ટીમંડળના યજમાન સભ્યો સાથે ભોજન હતું. ભોજન અગિયાર વાગ્યે પૂરું થયું, લગભગ બે કલાક ચાલ્યું. એમાં બેત્રણ વાર એમણે આ વાક્યનું પુનરુચ્ચારણ કર્યું અને ઉમેર્યું, ‘અંગ્રેજોએ ભારત પર નહિ પણ ઔદ્યોગિક ક્રાન્તિ અને ભવિષ્યમાં પોતાને માટેનાં એનાં પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું.’ વચમાં સમકાલીન જગતમાં એકના એક જ સમાજમાં ભિન્ન ભિન્ન વિચારો અને વર્તનો વચ્ચેના સંઘર્ષો તથા ભિન્ન ભિન્ન સમાજો વચ્ચેના સંઘર્ષો અંગે વાતો ચાલી. આ સૌ વાતોમાં ભવિષ્યના જગતમાં સૌ સમાજોમાં અને સમાજ-સમાજ વચ્ચે સંવાદ અંગેની સતત ચિંતા હતી. એમાં વિજ્ઞાન અને સાહિત્ય — એ બે સંસ્કૃતિઓ વચ્ચે ભવિષ્યમાં સંવાદનું સર્જન થાય એ સ્વપ્નના પેલા પરિચિત સર્જકનું, એક સ્વપ્નદ્રષ્ટાનું ક્ષણે ક્ષણે દર્શન થતું હતું. લૉર્ડ સ્નોનું વિવિધરંગી વ્યક્તિત્વ છે. જાણે કે એક જ મનુષ્યમાં ‘ભાતભાતના લોક’નું મિલન થયું ન હોય! લૉર્ડ સ્નો સ્વયં ‘વેરાયટી ઑફ મેન’ છે. પણ આ વિવિધરંગી વ્યક્તિત્વમાં સાહિત્યનો રંગ સૌથી વધુ સુંદર અને સમર્થ છે. ૨૦મી સદીના પૂર્વાર્ધના અંગ્રેજ સમાજનું અને એ દ્વારા વિશ્વવ્યાપી બૃહદ્ મનુષ્યસમાજનું, સમગ્ર મનુષ્યસમાજના બાહ્યજીવનનું સબળ અને સજીવ ચિત્ર એમની નવલકથાઓમાં પ્રગટ થાય છે. આજે સવારે સાહિત્યગોષ્ઠિ સમયે એમણે કહ્યું, ‘મને યુવાન વયે વ્યક્તિમાં અલ્પ શ્રદ્ધા હતી. પણ સમષ્ટિમાં અનલ્પ શ્રદ્ધા હતી. હવે આ વયે સમષ્ટિમાં એટલી અનલ્પ શ્રદ્ધા નથી. એનો અર્થ એ નથી કે વ્યક્તિએ નિષ્ક્રિય રહેવું. વ્યક્તિએ સમષ્ટિ માટે બધું જ કરી છૂટવું જોઈએ.’ એમની નવલકથાઓમાં સમષ્ટિથી વિશેષ તો વ્યક્તિના આંતરજીવનનું, આંતરજીવનના સંઘર્ષનું સુરેખ અને સચોટ ચિત્ર પ્રગટ થાય છે. વૈશિષ્ટીકરણના આપણા યુગમાં વ્યક્તિવિશેષનું મહત્ત્વ છે. અનેકાંગી શિક્ષણ, એકકેન્દ્રી વ્યક્તિત્વ અને જીવનના — સવિશેષ જાહેર જીવનના વિકલ્પોમાં, ધન-સત્તા-કીર્તિ અંગેના વિકલ્પોમાં વિવેકપૂર્ણ પસંદગીનો વિશેષ મહિમા છે. એમની નવલસૃષ્ટિનો નાયક વિકલ્પોની પસંદગી અંગેનો સંઘર્ષ અનુભવે છે. એમાં હૃદય-બુદ્ધિના આ સંઘર્ષની પસંદગી લગીની સમગ્ર કરુણયાત્રાનું વસ્તુવિષય છે. એમાં પ્રયોગાત્મક નવલકથા અને કાવ્યમય નવલકથાથી ભિન્ન — બલકે એનાથી વિરોધી શૈલી-સ્વરૂપ છે. ‘ધ લાઇટ ઍન્ડ ધ ડાર્ક’નો રૉય, ‘કૉરિડૉર્સ ઑફ પાવર’નો રૉજર, અગિયાર ભાગની નવલકથાવલિ ‘સ્ટેઇન્જર્સ ઍન્ડ બ્રધર્સ’નો લેવિસ એલિયટ એનાં ઉજ્જ્વળ ઉદાહરણો છે. લૉર્ડ સ્નોનો આદર્શ નાયક છે કર્મવીર. એમની નવલસૃષ્ટિમાં આ આદર્શ નાયક સિદ્ધ થયો નથી, કારણ કે મનુષ્ય એની અપૂર્ણતા અને એના પરિણામે એની સ્ખલનશીલતા અને પતનશીલતાને કારણે અંતે પસંદગીના પ્રશ્નમાં નિષ્ફળ જાય છે. લૉર્ડ સ્નોના ઉત્તરજીવનની નવલકથાઓમાં આમ વિશેષ થાય છે. એમાં નિરાશા કે વેદના નથી પણ આશા અને આનંદનો અભાવ છે. આમ છતાં મનુષ્ય એની આત્માનુભૂતિ અને સહાનુભૂતિ દ્વારા, સંવેદના દ્વારા જીવનની ચરિતાર્થતા સિદ્ધ કરી શકે છે એવું એમાં વેદનાનું અને વેદના દ્વારા નમ્રતાનું, કરુણનું અને કરુણ દ્વારા કારુણ્યનું દર્શન છે. અને આ દર્શન અત્યંત શાંત અવાજ અને સરલ વાણીમાં અભિવ્યક્ત થાય છે. ૨૦મી સદીની અંગ્રેજી નવલકથાના ઇતિહાસમાં લૉર્ડ સ્નોની આ વિશેષતા છે. આ સાહિત્યકાર વિજ્ઞાની પણ છે. એમાં આ વિશેષતાનું રહસ્ય છે. ૨૦મી સદીમાં ઇંગ્લૅન્ડ, યુરોપ અને જગતમાં અનેક બુદ્ધિશીલ મનુષ્યોની જેમ, સંવેદનશીલ, કલ્પનાશીલ બૌદ્ધિકોની જેમ અંગ્રેજ ઉદારમતવાદની પરંપરાના એક ઉત્તમ પ્રતીક સમા લૉર્ડ સ્નોને પણ યંત્રવિજ્ઞાન અને સમાજવાદમાં શ્રદ્ધા હતી. યંત્રવિજ્ઞાન અને સમાજવાદ દ્વારા એક શાંત અને સુખી મનુષ્યસમાજનું સર્જન થશે એવી શ્રદ્ધા હતી. આજે હવે બે વિશ્વયુદ્ધો પછી અને યુદ્ધોત્તર વિવાદો અને વિસંવાદો પછી, એ સૌના પ્રતીકરૂપ વિજ્ઞાન અને સાહિત્ય — એ બે સંસ્કૃતિઓ વચ્ચેના વિસંવાદ અને એ વિસંવાદ અંગેના વિવાદ પછી સૌની જેમ એમની શ્રદ્ધા પણ કંઈક મ્લાન અને ક્ષીણ છે. પણ લૉર્ડ સ્નોની આ શ્રદ્ધાનો લોપ કે નાશ થયો નથી. એમાં જ મનુષ્યજાતિ માટે આ ક્ષણનું આશ્વાસન છે અને ભાવિ ક્ષણોની સંજીવની છે. આ શ્રદ્ધા સફળ થાય અને એ માટે એમને સુખી અને સ્વસ્થ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય એવી શુભેચ્છા સાથે સદ્ગત વિક્રમ સારાભાઈની પુણ્યસ્મૃતિમાં આજે અને આવતી કાલે વ્યાખ્યાન અર્થે પ્રથમ વાર જ ભારતમાં અતિથિ લૉર્ડ સ્નોનું સ્વાગત હો!

૧૦ જાન્યુઆરી ૧૯૭૭

*