અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/બાવીસ – હરિભાઈ દેવ થયા

From Ekatra Wiki
Revision as of 12:37, 18 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાવીસ – હરિભાઈ દેવ થયા|}} {{Poem2Open}} મહાદેવભાઈએ नवजीवनનું કામ તં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બાવીસ – હરિભાઈ દેવ થયા

મહાદેવભાઈએ नवजीवनનું કામ તંત્રી તરીકે વિધિવત્ ઉપાડી લીધું તે પહેલાં, જેલમાંથી છૂટ્યા પછી પોણા સાત માસ પછી, ૨–૭–’૨૩ ને સોમવારે, એમના પિતા હરિભાઈ અચાનક એમના મૂળ વતન દિહેણ ગામમાં અવસાન પામ્યા.

મહાદેવભાઈ ત્યારે અમદાવાદમાં હતા. તે પહેલાં ૧૦–૬–’૨૩ ને રોજ ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠકમાં હાજરી આપવા મહાદેવભાઈ સુરત આવ્યા ત્યારે દિહેણ પણ આંટો મારી આવેલા. તે વખતે હરિભાઈની તબિયત સારી હતી. પણ જૂન માસના છેલ્લા દિવસોમાં તબિયત સહેજ કથળી. તે વિશે હરિભાઈએ મહાદેવભાઈને પત્ર દ્વારા સમાચાર આપેલા. એ પત્ર મળતાંવેંત જ મહાદેવભાઈએ લખેલું કે સુરતથી દાક્તર ઘિયાને લઈને તેઓ પહેલી જુલાઈએ દિહેણ પહોંચશે. પણ તેઓ તેમ નીકળે તે પહેલાં હરિભાઈનો બીજો પત્ર મહાદેવભાઈને મળ્યો. એમાં જણાવ્યું હતું કે તબિયત સારી છે અને અત્યારે આવવાની જરૂર નથી. વળી એ જ પત્રમાં હરિભાઈએ ‘नवजीवन પ્રકાશન મંદિર’નાં કેટલાંક પુસ્તકો તથા દેશી રંગો અંગેનું એક પુસ્તક પણ મગાવ્યું હતું. આ બધાને લીધે મહાદેવભાઈ છેતરાયા. તેમને લાગ્યું કે તરતોતરત જવાની જરૂર નહોતી. વળી ગુરુવારે नवजीवनનો નવો અંક કાઢવો હતો એટલે પણ તેમણે શનિ–રવિ જવાને બદલે અંક કાઢ્યા પછી જવાનો વિચાર કર્યો.

હરિભાઈના દેવ થવાના સમાચાર મહાદેવભાઈને અમદાવાદમાં તાર દ્વારા બીજે દિવસે, એટલે કે, ૩જીએ મળ્યા. સતત ચોધાર આંસુ વહાવતાં પણ તેમણે नवजीवन માટેનું લખાણ પૂરું કર્યું. પછી તેઓ તરત જ દુર્ગાબહેન સાથે દિહેણ જવા નીકળ્યા.

દિહેણનું મકાન બે ગાળાનું માટીનું ઘર હતું. ઉપર વાંસની કામડી પર દેશી નળિયાં. બારણામાંથી પ્રવેશ કરતાં જ ઠેઠ અંદર વચલો ઓરડો અને પાછળના રસોડાની પેલી બાજુ વાડામાં બેઠેલા માણસ દેખાય એવું સીધું ઘર. આગલા ઓરડામાં હરિભાઈ સાંજે ખુરશી પર બેસીને કશુંક વાંચતા હતા. ઇચ્છાબહેન૧ રસોડાના કામકાજમાં પરોવાયેલાં હતાં. શાંતા, બચુ [નિર્મળા] અને બાબુ [પરમાનંદ] આંગણામાં ક્યાંક રમતાં હતાં. હરિભાઈ જે પત્રિકા વાંચતા હતા તે नवजीवन જ હશે એવો મહાદેવભાઈ પાછળથી અંદાજ કરતા હતા. હરિભાઈ પાસે બેઠેલા કોઈક ભાઈએ કહ્યું કે, ‘તમે વાંચવાનું છોડો, તમારી તબિયત નબળી, આરામ લો.’ હરિભાઈએ જવાબમાં કહ્યું, ‘સાચી વાત છે ભાઈ.૨ આ જ છેલ્લા શબ્દો હતા. આ શબ્દો પૂરા થતાં જ એમનું જીવન પૂરું થયું. ગરદન એક તરફ ઢળી ગઈ અને આંખ મીંચાઈ ગઈ.

છેલ્લી ઘડીએ પિતાની સેવા ન કરી શક્યા એનો વસવસો મહાદેવભાઈના મનમાં લાંબા ગાળા સુધી રહી ગયો. કોઈની પણ સેવા લીધા વિના ગયા એનો સંતોષ તેઓ આ ઘટના ઉપરથી લઈ શક્યા હોત. પણ તે વિચાર તેમને આવ્યો નથી લાગતો. નરહરિભાઈનો સરભણ આશ્રમથી તરત આશ્વાસનનો પત્ર મળેલો. તેમને જવાબ આપતાં પણ મહાદેવભાઈના મનમાંનો આ શોક પ્રગટ થાય છે.:

नवजीवनનો વધારો ગુરુવારે ન હોત, અને એમનો ડૉક્ટરની સાથે ન આવવાનો કાગળ ન હોત, તો હું રવિવારે [એટલે કે મૃત્યુને આગલે દિવસે] જરૂર મળી જાત. મને એમ થયા જ કરે છે કે ‘દેશસેવા’ના વિચિત્ર ખ્યાલને લીધે એમના આખરના કાળમાં એમની સાથે રહી એમની આંતરડી ઠારવી જોઈએ, તે મારાથી ન થયું. આ પશ્ચાત્તાપ એક કાયમનો જખમ મારી જિંદગીમાં રહી જશે.૩

બે દિવસ પછી પં. જવાહરલાલજીને લખેલ પત્રમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરે છે:

બીજી તારીખે હૃદય બંધ પડી જવાથી મારા પિતાનું અચાનક અવસાન થયું. એ વખતે હું આશ્રમમાં હતો અને આ ધરતી પરની તેમની છેલ્લી ઘડીએ તેમની નજીક રહેવાના સમાધાનથી દુર્દૈવે મને વંચિત રાખ્યો. તમને અદ્ભુત રીતે સાચા પિતા મળવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. એટલે તમે મારું દુ:ખ સમજી શકશો. તેમને લીધે જ છેલ્લાં છ-સાત વરસ દરમિયાન હું મારા મનમાં આવે તે કરી શક્યો છું. ઘરની બધી ચિંતાઓમાંથી તેમણે જ મને મુક્ત રાખ્યો હતો તથા પ્રેમપૂર્વક તેમણે મને ફાવે તે કરવા દીધું હતું. પંડિતજીના તમારા પર ચાર હાથ છે તે જ રીતે મારા જેવા તુચ્છ અને માલ વગરના પુત્ર પર તેમના પણ ચાર હાથ હતા. અને મને ભયંકર સંતાપ એ વાતનો છે કે: જેને કોઈ પણ રીતે સેવા કહી શકાય એવું તેમને માટે મેં કશું જ કર્યું નથી. મારે માટે તેમણે પાર વગરનું વૈતરું કર્યું છે. તેમની બધી જહેમતનાં ફળ મેં ભોગવ્યાં, પણ એના બદલામાં મારાથી તો કશું જ થઈ શક્યું નહીં. ભગવાન મને કેવી રીતે માફ કરશે? આ બધા વિચારો મારા મનને સંતાપી રહ્યા હતા ત્યારે મને પંડિતજી યાદ આવ્યા અને મેં તેમને બે લીટી લખી છે. તમને લાગે કે તેમની માંદગીમાં એથી તેમને તકલીફ નહીં પડે તો તેઓ જ્યાં હોય ત્યાં કૃપા કરીને એ તેમને મોકલી આપજો.’૪

આ પત્રનો જવાબ ઠેઠ ઑગસ્ટમાં જવાહરલાલજી આપવા પામ્યા. એ ઉત્તરમાં જવાહરલાલજીનાં લાક્ષણિક ઉષ્મા અને સ્નેહ સાથે એમના ચારિત્ર્યની ગરિમા વર્તાય છે:

ઑગસ્ટ, ૧૯૨૩ પ્રિય મહાદેવ,

જે પત્ર લખવાની આપણને તીવ્ર ઇચ્છા હોય છે, તે લખવામાં ઘણી વાર વિલંબ થાય છે, એ ખરેખર વિચિત્ર છે. સામાન્ય પત્રો, રોજિંદા વહેવારના પત્રો રીતસર લખાય છે, અને તેમ છતાં, જે લખવા આપણે ખૂબ વિચારતા હોઈએ તે અણલખ્યો જ રહે છે. છઠી કે સાતમી ઑગસ્ટે મને તમારો લાગણીભર્યો પત્ર નાગપુર ખાતે મળ્યો ત્યારથી દરરોજ હું તમારે વિશે તથા એ પત્ર વિશે વિચારતો રહ્યો છું. હું નાગપુર સ્ટેશને ઊતર્યો એ જ વખતે મને માઠી ખબર મળી. રામદાસે મને તે આપી. તમારા દુ:ખમાં મારું હૃદય તમારા તરફ દોડી ગયું, કેમ કે તમે કેવા દુ:ખમાં ડૂબી ગયા હશો, એ હું બરાબર સમજી શકું છું. સારી પેઠે ભૂલો અને પાપો કરનારા અમારા જેવા કેટલાક લોકો દુનિયાદારીની રીતોથી રીઢા થઈ ગયા છે. પરંતુ તમારા જેવા નિર્દોષ પુરુષને તો એ વસ્તુ અતિશય વસમી લાગતી હશે અને હું તમારી મનોવેદના તથા તમારો આત્મનિંદાનો ભાવ સારી રીતે સમજી શકું છું.

પિતાના અખૂટ પ્રેમનો પૂરેપૂરો અનુભવ કરવાનું સદ્ભાગ્ય મને પણ સાંપડ્યું છે, અને હું જન્મ્યો તે દિવસથી મારા પર જે પ્રેમ વરસાવવામાં આવ્યો તથા મારી પારાવાર ખાતરબરદાસ કરવામાં આવી, તેના બદલામાં મેં કશુંયે કર્યું છે કે કેમ, એની મને ખરેખર શંકા રહે છે. મારા મનમાં એ સવાલ અનેક વાર ઊઠે છે અને પ્રત્યેક વખતે એ બાબતમાં મારી પોતાની ઊણપ માટે હું શરમાઈ મરું છું. કેટલીક વાર વધારે વિશાળ મુદ્દાઓ વચ્ચે આવ્યા અને હું ભારે વિમાસણમાં મુકાઈ ગયો, દ્ધિધામાં આવી પડ્યો અને શું કરવું એ મને સૂઝ્યું નહીં. સત્યાગ્રહ સભાના દૂર દૂરના દિવસોમાં, મારા મનની ખેંચતાણ મારે માટે લગભગ અસહ્ય બની ગઈ ત્યારે બાપુએ મને આપેલી સલાહ હું કદી ભૂલી શકીશ નહીં. તેમના સાંત્વન આપનારા શબ્દોથી મારી મુશ્કેલી હળવી થઈ અને મને કંઈક શાતા મળી. ૧૯૧૯ના માર્ચ મહિનામાં દિલ્હીમાં આચાર્ય રુદ્રને ઘેર આપણે પહેલાવહેલા એકબીજાને મળ્યા તે દિવસો તમને યાદ છે ખરા? બાપુ, તમે, પેલા નાનકડા દાક્તર અને હું એમ આપણે સાથે અલાહાબાદ ગયા. અને પછી એક યા બે દિવસ બાદ તમે લખનૌ કે પછી બનારસ ગયા; એ ગમે તે હો, પણ બાપુની સૂચનાથી હું તમારી સૌની સાથે પ્રતાપગઢ આવ્યો હતો અને ત્યાં જતાં માર્ગમાં તેમની અને મારી વચ્ચે અમારી વાતો થઈ. તેમની સાથેની મારી એ પહેલવહેલી જ ઠીક ઠીક લાંબી અને ગંભીર સ્વરૂપની વાત હતી. એને વરસ તો માત્ર ચાર જ થયાં છે, પણ એ પછી જાણે યુગો વીતી ગયા હોય એમ લાગે છે!

તમારા પિતાને મળવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું નથી, પરંતુ સિવિલ વૉર્ડના આપણા નાનકડા બગીચામાં તમે મને તેમને વિશે વાત કરી હતી. તેઓ પોતાના પુત્રને માટે ગૌરવ અનુભવતા હતા તથા તેમની સઘળી તકલીફો અને જહેમતનું આવું સુંદર ફળ આવ્યું એ માટે પૂરેપૂરા સંતુષ્ટ હતા, એ હું બરાબર કલ્પી શકું છું. તમે વૃથા સંતાપ કરો છો. તમારા પિતાની પાસેથી તમે સેવાનો જે પાઠ શીખ્યા તે તમે બહારની દુનિયામાં લાવ્યા છો અને તમારા અંગત ઉદાહરણ દ્વારા તમે નિ:શંક અનેક લોકોના ઉપર અસર પાડી છે. તમારા પિતા એ સામે વાંધો ઉઠાવે અથવા દેશની સેવાના તમારા વ્યાપક ક્ષેત્રને બદલે તેઓ તમારે માટે કુટુંબનું સંકુચિત ક્ષેત્ર વધારે પસંદ કરે એમ બને જ નહીં.૫

મહાદેવભાઈએ નરહરિભાઈને લખેલ પત્ર, કુદરતી રીતે વધુ અંગત છે. તેમાં તેઓ લખે છે:

તમે મારી પાસે હોત તો તમને મોટા ભાઈ માની૬ તમારા ખોળામાં માથું મૂકી રોઈ મારો ભાર હલકો કરત, પણ હવે કાંઈ નહીં. તમારે એ કારણે ત્યાંથી આવવાની કશી જ જરૂર નથી. વરસાદ તો આ બાજુએ હજી નથી આવ્યો પણ હવે એકાદ બે દહાડામાં આવવાનો જ. હું ૧૫-૧૬મીએ આશ્રમમાં જઈશ. તે પહેલાં તમને કાગળ લખીશ, ત્યારે જો બને તો સુરત આવી જજો. પણ કાગળ ન લખાય તો ચિંતા કરશો નહીં, એટલા ખાતર આશ્રમ તો ન જ આવશો. વરસાદ પછી અહીં આવીશ ત્યારે કદાચ લઈ જાઉં. વરસાદ પછી તમારાથી બને તો એક વાર ઇચ્છાને તમારે મળી જવું જોઈએ ખરું. તમારી તેમણે વારંવાર ખબર પૂછી હતી. મારા પિતાના તેજને લીધે તે પણ સામાન્ય કરતાં વધારે ઊંચી વૃત્તિની સાવકી મા છે.૭

મહાદેવભાઈએ વાર્યા છતાં નરહરિભાઈ હરિભાઈના મૃત્યુના સમાચાર જાણી તરત સરભણથી દિહેણ ગયા હતા. મરણ પછી સ્ત્રીઓ રડવા-કૂટવાનું ન કરે એ દૃષ્ટિએ ગરુડપુરાણ વાંચવાનો રિવાજ છે. મહાદેવભાઈએ ત્યારે પહેલી જ વાર ગરુડપુરાણ વિશે જાણ્યું. એ સાંભળવાથી ચિત્તની શાંતિ થતી હશે એવો એમને ખ્યાલ હતો. તેથી તેમણે આગ્રહપૂર્વક તે વંચાવ્યું, પણ તેમાં તો યમના માર અને નરકની યાતનાઓનાં ઘોર વર્ણનો જોયાં. તેથી તેઓ ખૂબ અકળાયા.મણિશંકર માસ્તરે માહિતી આપી કે એના છેલ્લા અધ્યાયમાં જ્ઞાનની વાતો છે. પછી માસ્તરે સંસ્કૃત ગરુડપુરાણ મગાવી આપ્યું અને મહાદેવભાઈ તેને એક છેડેથી બીજા લગી વાંચી ગયા. ગરુડપુરાણના છેલ્લા અધ્યાયથી તેમને ખૂબ શાંતિ મળી. આ જ માસમાં મહાદેવભાઈએ ૨૬–૭–’૨૩ના नवजीवनના વધારામાં એક લેખમાં લખ્યું:

મેં જોયું કે (ગરુડપુરાણમાં) અંતિમ અધ્યાય જેટલો શાંતિપ્રદ છે એટલો બીજો એકે અધ્યાય નથી. મોક્ષનાં સનાતન સાધનો એમાં વર્ણવવામાં આવ્યાં છે અને દુ:ખને પ્રસંગે માણસ એ સાંભળે તો એના ચિત્તની શાંતિ થાય એવું છે. પણ કોણ જાણે એ જ ભાગનું વાચન અપશુકનસૂચક છે. મેં સાંભળ્યું છે કે વાજસનેય સંહિતાનો પાઠ થાય છે ત્યારે તેને અંતે આવેલું ઈશોપનિષદ નથી વાંચવામાં આવતું. અતિશય યજ્ઞક્રિયાઓથી સત્યસ્વરૂપનો નાશ કરવાની ક્રિયા ઈશોપનિષદ ન વાંચવાથી સંપૂર્ણ થઈ રહે છે. આપણી બ્રહ્મવિદ્યાના અર્કરૂપ એ અઢાર મંત્રો પ્રાકૃત જનોને સાંભળવા યોગ્ય નહીં હશે તેથી નહીં વંચાતું હોય?૮

પિતાની યાદમાં મહાદેવભાઈએ વિચાર્યું:

મરણ પછી અમારામાં દહાડો થાય છે. મને એ વસ્તુની દુષ્ટતા વિશે ઇચ્છાને સમજાવતાં વાર નહીં લાગી. મારા પિત્રાઈ છોટુભાઈ અને ભીખાભાઈ બંને મળતા થયા એટલે એક પણ દિવસ સગુંવહાલું કે બ્રાહ્મણ કોઈ ન જમે. શ્રાદ્ધ તો કરીશ જ. કારણ, તેમાં મારી વૃત્તિ અજ્ઞાનીની છે. જે વસ્તુ સમજી શકતો નથી તે વસ્તુ હું પાખંડ તરીકે નહીં ફેંકી દઈ શકું. પણ શ્રાદ્ધ કરાવ્યા પછી બ્રાહ્મણને બ્રહ્મભોજન જેવી કશી જ વસ્તુ નહીં એમ રાખ્યું છે. બ્રાહ્મણને જોઈએ તો પોતાને ઘેર સીધું લઈ જઈ રાંધી લે. બીજા લોકોને આ વસ્તુ નથી ગમી, પણ મારે નિશ્ચય અમલમાં મૂકવાનો આ પ્રથમ પ્રસંગ, મારાથી કેમ ડગાય?૯

પણ બ્રહ્મભોજન ન કરાવવાના નિષેધાત્મક વિચારથી મહાદેવભાઈ અટકતા નહોતા. જે નવો માર્ગ તેમણે પસંદ કર્યો હતો તેને અનુરૂપ સ્મારકનો વિચાર પણ તેમના મનમાં આવેલો. છઠ્ઠી જુલાઈના જ પત્રમાં મહાદેવભાઈ નરહરિભાઈને લખે છે:

મારા ‘કૉમ્પ્રોમાઇઝ’ના ભાષાંતરમાંથી એક હજાર આવશે તેમાંથી પાંચસો રૂપિયા પૂ. પિતાશ્રીના નિમિત્તે, સવાસો રૂપિયાની ચાર શિષ્યવૃત્તિ’ માટે કાઢવાનો નિશ્ચય રાખ્યો છે. ચાર છોકરા અથવા છોકરી વસ્ત્રકળાશાસ્ત્ર સવાસો રૂપિયામાં છ મહિનામાં આશ્રમમાં રહી શીખી શકે.૧૦

હરિભાઈના અવસાનથી મહાદેવભાઈના જીવનનો એક અધ્યાય સમાપ્ત થયો. મહાદેવભાઈની જનની, જમનાબહેન તો પુત્રને સાત વર્ષનો મૂકીને સ્વર્ગે સિધાવ્યાં હતાં. ત્યાર બાદ મા અને બાપ બંનેની જવાબદારી એકલા હરિભાઈને માથે જ આવી હતી. અલબત્ત, તે વખતના રિવાજ મુજબ વિધુર થયા પછી બીજે કે ત્રીજે જ વર્ષે હરિભાઈએ ફરી લગ્ન કર્યાં હતાં. પણ ઇચ્છાબહેન તે વખતે એટલાં નાની વયનાં હતાં કે ઘરના બધા નિર્ણયો તો હરિભાઈને જ કરવા પડતા. તેમણે લાડકા મહાદેવને પોતાની પાસે રાખી ઉછેરવાનો નિર્ણય કર્યો. પ્રાથમિક શાળામાં શિક્ષક હોવાને લીધે હરિભાઈની ઘણે ઠેકાણે બદલી થતી, પણ મહાદેવનું પ્રાથમિક શાળાનું શિક્ષણ હરિભાઈએ પોતાની પાસે જ કરાવ્યું. મહાદેવભાઈને સારુ આ એક ભારે ખુશકિસ્મતીનો નિર્ણય હતો. કારણ, ચારિત્ર્ય ઘડવામાં એમને હરિભાઈથી વધુ યોગ્ય વ્યક્તિ મળી જ ન શકી હોત. હરિભાઈમાં સ્નેહ અને શિસ્ત, સંસ્કારિતા અને ઉદારતાનો સમન્વય હતો. તેમનામાં કઠણ આર્થિક પરિસ્થિતિનો મુકાબલો કરવાની મક્કમતા હતી તેની સાથે દીકરાને છેવટ લગીનું શિક્ષણ મેળવવા સારુ સંજોગો ઊભા કરવાની ઉદારતા પણ હતી. વળી શિક્ષક તરીકે હરિભાઈ ઉત્તમ હતા. વાલોડના એક વિદ્યાર્થીને માત્ર ત્રણ માસ ભણાવ્યો હતો તે છતાં તે નાપાસ થયો એમ સાંભળી તેના પ્રશ્નપત્રો પોતાને ખર્ચે ફેરતપાસરાવી જોવાનો કિસ્સો આપણે આગળ ઉપર નોંધી ગયા છીએ. પંચમહાલ જિલ્લાના ભીલ લોકોના આજીવન સેવક સ્વ. શ્રી ડાહ્યાભાઈ નાયક મૂળ દિહેણ પાસેના ભાંડૂત ગામના. નાનપણમાં તેમણે થોડાં વરસ હરિભાઈ પાસે પ્રાથમિક શિક્ષણ લીધેલું. નેવુ વરસ વટાવી ગયા પછી પણ તેઓ હરિભાઈ પાસે નાનપણમાં શિક્ષણ સાથે જે સંસ્કાર લીધેલા તેને કૃતજ્ઞતાપૂર્વક સંભારવાનું આ લેખકને જ્યારે મળે ત્યારે ચૂકતા નહીં.

આપણાં પુરાણોમાં બે પુત્રવત્સલ પિતાઓના દાખલા છે. એક ધૃતરાષ્ટ્ર અને બીજા દશરથ. ધૃતરાષ્ટ્રનો પુત્રપ્રેમ એને છેવટ સુધી ધર્મ જાણવા છતાં તે આચરવા સારુ પ્રવૃત્ત થવા દેતો નથી. દશરથનો પુત્રપ્રેમ એને પુત્રવિયોગમાં તરફડીને મરવા દે છે, પણ એને સત્યવચનથી ચ્યુત થવા દેતો નથી. ધૃતરાષ્ટ્ર પ્રેયના માર્ગના પ્રતિનિધિ છે, દશરથ શ્રેયના માર્ગના. હરિભાઈની પુત્રવત્સલતા દશરથની પુત્રવત્સલતા હતી. તેથી તેમણે પોતે પરિવારનો ભાર ઉપાડીને મહાદેવને વકીલાત સારુ મહિનાઓ સુધી ફાંફાં મારવા દીધાં. મહાદેવ ગાંધી સાથે જોડાતાં હરિભાઈએ શોક અવશ્ય અનુભવ્યો, પણ તેમણે મહાદેવને તેમ કરતાં રોક્યા નહીં. મહાદેવ જેલમાં ગયા એ વિચાર જ તેમને કારી ઘા જેવો લાગ્યો. પણ તેમણે કદી મહાદેવને એ પ્રવૃત્તિની વિરુદ્ધ એક શબ્દ સરખો ઉચ્ચાર્યો નહીં. એમની પરમ ઇચ્છા એટલી જ હતી કે મહાદેવ તેમની પાસે આવીને લાંબા ગાળા સુધી રહે, પણ પોતાના છેલ્લા પત્રમાં તેમણે પુત્રને ઉતાવળ કરીને પોતાની પાસે આવતાં વાર્યા અને છેલ્લી માગણી તો ‘नवजीवन પ્રકાશન મંદિર’નાં પુસ્તકોની જ કરી.

પુત્રે પસંદ કરેલા શ્રેયમાર્ગને વિશે હરિભાઈના મનમાં છેવટે તો સમાધાન જ હતું એમ માની શકાય. વાસદથી મુંબઈ જતાં વચ્ચે નવસારી સ્ટેશને ગાંધીજી સાથેના ટૂંકા સંવાદમાં તેમણે મહાદેવ વિશે સંતોષ પ્રગટ કર્યો હતો. દીકરાની માંદગી વખતે આશ્રમમાં જઈને રહ્યા ત્યારે હરિભાઈએ જોયું-અનુભવ્યું કે આશ્રમના નાનામોટા સૌ કોઈને મહાદેવ વિશે પ્રેમ અને આદર હતાં. બીજે ક્યાંય મળે એના કરતાં વધુ કાળજીભરેલી સારવાર તેમને આશ્રમમાં મળતી હતી.नवजीवनના હરિભાઈ નિયમિત વાચક હતા. પિતાના મરણ પછી નરહરિભાઈ ઉપરના પત્રમાં મહાદેવભાઈ લખે છે, ‘नवजीवनનાં મારાં ધૂળ જેવાં લખાણો એમના જેટલી મમતાથી વાંચનારું હવે કોઈ રહ્યું નથી.’ ‘મહાદેવ’ની સહીવાળું લખાણ એટલે એમને માટે જાણે કોઈ ચમત્કારિક વસ્તુ.’૧૧ પરંતુ માત્ર મહાદેવભાઈનાં જ લખાણો નહીં, પણ नवजीवनના કાર્યક્ષેત્રમાં જે કાંઈ આવે તે સઘળું લખાણ હરિભાઈને વહાલું થઈ રહેતું. ત્યાર સુધીમાં ગુજરાતીમાં પ્રગટ થયેલું લગભગ પૂરું ગાંધીસાહિત્ય હરિભાઈએ ઉથલાવી કાઢ્યું હતું. એમને એકમાત્ર ચિંતા એ જ હતી કે મહાદેવનું શરીર નાજુક હતું, એ કષ્ટમય જીવન કેવી રીતે જીવશે?

મહાદેવભાઈને બે વાતની ચિંતા હતી. એક તો એમને લાગતું હતું કે હરિભાઈની તબિયત નાજુક ગણાય તેવી હતી અને બીજું એમને સતત એ સાલ્યા કરતું કે પિતાની બનતી સેવા તેમનાથી નથી થઈ શકતી. કુટુંબમાં મહાદેવ જેવા દીકરા હોવા છતાં, એનો ભાર મોટે ભાગે હરિભાઈને વેંઢારવાનો આવતો તે મહાદેવભાઈને વસમું લાગતું. શાંતા અને નિર્મળા, બંને બહેનોને વારાફરતી આશ્રમમાં રાખીને અને ખાસ તો નિર્મળાને પોતાની દીકરીની જેમ લાડથી ઉછેરીને અને પાછળથી શાંતાની દીકરી સુશીલાને પોતાની સાથે ઉછેરીને મહાદેવભાઈએ ઇચ્છાબહેનનો ભાર હળવો કર્યો હતો. ભાઈઓમાં મોટો ઠાકોર તો નાની વયે જ પ્લેગની બીમારીમાં ગુજરી ગયેલો એ આપણે જોઈ ગયા. સૌથી નાના ભાઈ પરમાનંદે દિહેણ, સુરત અને મુંબઈમાં શિક્ષણ લીધું. તે રજાઓમાં અવારનવાર મોટા ભાઈ પાસે રહેવા આવી જતો. દૂર રહેવા છતાં મહાદેવભાઈની કુટુંબવત્સલતા કોઈથી ઊતરે એવી નહોતી. પિતાના ગયા પછી મોટા ભાઈ તરીકે તેમણે પરિવારમાં મુખીનું સ્થાન લીધું હતું. જોકે કુટુંબના મુખ્ય સભ્ય તરીકે સર્વ પ્રકારના નિર્ણયો તો ઇચ્છાબહેન જ લેતાં, પણ તેઓ કોઈ બાબતમાં મહાદેવનો અભિપ્રાય લેવાનું ચૂકતાં નહીં.

હરિભાઈએ મહાદેવભાઈ પર લખેલા છેલ્લા પત્રમાં એમ લખ્યું હતું કે, ‘આ નબળાઈથી જ પ્રાણ જશે એવું લાગે છે.’ પણ તેમણે સાથે એમ પણ જણાવ્યું હતું કે, ‘સારો થઈશ તો, અમદાવાદ આવીશ.’૧૨

છેલ્લી વાર મહાદેવને હરિભાઈ મળ્યા ત્યારે મહાદેવની તબિયત જોઈ સંતોષ અનુભવેલો: ‘આ વખતે તારી છાતી પુરાઈ. નિયમિત જીવનનું એ પરિણામ છે. પણ તું ચંપલ પહેરે એ ઠીક નહીં, સ્લિપર પહેર. પગનાં તળિયાં ફાટી જાય.’ આ છેલ્લા વાક્ય વિશે મહાદેવભાઈ નરહરિભાઈને પોતાના એ જ પત્રમાં લખે છે: ‘હું બાળક જ છું એવો ભાવ એમના મનમાંથી ગયો જ નહોતો.’

કોઈ તુલસીદાસને જઈ પૂછે, કે દશરથને મન રામ વિશેનો એવો ભાવ છેવટ સુધી ગયો હતો ખરો?

નોંધ:

૧. મહાદેવભાઈનાં અપરમાતા.

૨. નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित: પૃ. ૯૭.

૩. એજન, પૃ. ૯૮.

૪. ૫મી જુલાઈ, ૧૯૨૩ને દિને લખેલ પત્ર, મૂળ અંગ્રેજીમાંથી અનૂદિત. ‘शुक्रतारक समा महादेवभाई’: પૃ. ૩૮૩.

૫. એજન પૃ. ૩૮૩,

૬. નરહરિભાઈ મહાદેવભાઈથી પોણા ત્રણ માસ મોટા હતા.

૭. નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित: પૃ. ૯૯.

૮. महादेवभाईनी डायरी – ૧૮ : પૃ. ૧૫-૧૬.

૯. નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित: પૃ. ૯૯. નરહરિને પત્ર, તા., ૬–૭–’૨૩.

૧૦. નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित: પૃ. ૧૦૦.

૧૧. એજન, પૃ. ૯૭-૯૮.

૧૨. એજન, પૃ. ૯૭.