અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/ત્રેવીસ – આજની ઘડી રળિયામણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ત્રેવીસ – આજની ઘડી રળિયામણી

‘લુચ્ચા! તમે લોકોએ અમને થોડા કલાક વહેલા કેમ મોકલી દીધા? તમને એક લપડાક મારવી જોઈએ. પણ શું કરું? પ્યારાની પાસે એક ચોડાવજો.’૧

એક અહિંસક માણસે બીજા અહિંસક માણસ પર લખેલા પત્રનો આ આરંભ હતો. પત્ર લખ્યો છે ગાંધીજીના મંત્રીએ અને લખાયો છે ગાંધીજીના સૌથી નાના ચિરંજીવ પર. પત્રલેખક હોંશમાં ને હોંશમાં પત્રમાં તારીખ લખવાનું ભૂલી ગયા છે. પણ સંદર્ભ સ્પષ્ટ છે કે, કારાવાસમાંથી ગાંધીજીના મુક્ત થવાના સમાચાર મળતાંવેંત લખાયેલો આ પત્ર છે. થોડા કલાક પહેલાં તો મહાદેવભાઈ કેદી ગાંધીજીનાં રોગશય્યા પર દર્શન કરી આવ્યા છે. જેલમાંથી છૂટવા અંગે તે વખતે કાંઈ અણસાર નહોતો. એટલે જ તેઓ પૂના છોડીને नवजीवनની જવાબદારી સંભાળવા અમદાવાદ પાછા ફરે છે ને ત્યાં જ ખુશીખબર આવી પહોંચે છે. હરખઘેલા મહાદેવ એ વાત પણ વિસારી દે છે કે ગાંધીજીને પકડી રાખવા કે છોડવાની જવાબદારી દેવદાસની નહોતી. મહાદેવનું ચાલ્યું હોત તો તો એ દેવદાસને કોટી કરીને ભેટ્યા હોત. પણ વચ્ચે ઘણા જોજનનું છેટું હતું તેથી આમ પત્ર દ્વારા ભેટતા હતા.

શરીરથી મહાદેવભાઈ સાબરમતીને કાંઠે હતા, પણ દિલથી તો એ બાપુ પાસે, મૂળામૂઠાના સંગમ પર પહોંચી ચૂક્યા હતા — જ્યારથી છૂટવાના સમાચાર આપતો તાર મળ્યો ત્યારથી.

જે બાપુને છોડાવવા સારુ મહાદેવ नवजीवन દ્વારા કે દેશમાં ઘૂમી ઘૂમીને આંદોલનને તેજસ્વી બનાવવા છેલ્લા એક વરસથી અહર્નિશ મથતા હતા, તે બાપુ હવે મુક્ત હતા, પણ આંદોલન તીવ્ર થયું હતું તેથી નહીં, પણ તેમના (ગાંધીજીના) નબળા સ્વાસ્થ્યને કારણે. અલબત્ત, આ છુટકારો બિનશરતી હતો, શરત હોત તો બાપુ કબૂલ જ શાના કરત, પણ એમના છૂટવાના આનંદ કરતાં એમની તબિયત અંગેની ચિંતા કાંઈ ઓછી નહોતી. દૂર હોવાથી મહાદેવને એ ચિંતા બેવડી સતાવતી હતી. ખેડામાં સૈન્યભરતી વેળાએ બાપુ જીવલેણ માંદગીમાં પટકાયા ત્યારે તો મહાદેવ રાતદિવસ ખડે પગે એમની પાસે સેવાશુશ્રૂષામાં હતા. એક રાતે હાલત કટોકટીભરેલી હતી ત્યારે આખી રાત મહાદેવે બાપુની પથારી પાસે બેસીને એક જ પ્રાર્થના કરી હતી: ‘હે ભગવાન, તું મારું અડધું આયુષ્ય લઈ લે પણ બાપુને મરતા બચાવ.’ મળસકે જરા ઝોકું આવી ગયેલું. થોડી વારમાં કાંઈક પગરવ સાંભળી સફાળા જાગી ગયા તો જોયું કે દાક્તર તપાસે છે, મહાદેવ આતુર નયને દાક્તર ભણી તાકી રહ્યા. શો ચુકાદો આપે છે દાક્તર? અને દાક્તરના મુખે જાણે મહાદેવના આરાધ્યદેવ બોલ્યા: ‘સંકટકાળ પસાર થઈ ગયો!’ સંકટકાળ પસાર થઈ ગયો. બાપુ બચી ગયા — તે દિવસથી શેષ આખી જિંદગી મહાદેવે મનમાં મનમાં માન્યું છે કે ‘હું મારું અડધું આયુષ્ય બાપુને આપી ચૂક્યો છું, એટલે લાંબું જીવવાનો નથી.’ પણ છોડો એ બે વરસ જૂની વાત. અત્યારે તો માથે ચિંતા છે બાપુની તબિયતની. તેથી પેલા પત્રમાં દેવદાસ સાથે ધોલધપાટ કર્યા પછી બીજા ફકરામાં મહાદેવભાઈ ગંભીર થઈને લખે છે:

‘હવે બાપુને સંભાળવાની જવાબદારી સરકારના માથા ઉપરથી ખસીને આપણા ઉપર આવી પડી છે. બાપુ તો છૂટ્યા, પણ સરકાર પણ છૂટી છે. આપણે હવે બાપુને ખૂબ જિવાડી શકીએ તો જ આપણું જીવેલું સાર્થક છે.’૨

મહાદેવ ચાતકની માફક બાપુના ઝીણામાં ઝીણા સમાચારની, એમના એક એક વાક્યની, એક એક શબ્દની રાહ જુએ છે. રોજેરોજ ટપાલનો કોથળો ઉપાડીને આવતા ટપાલીનાં પગલાં પણ હવે મહાદેવનાં જાણીતાં થઈ ગયાં છે. એ કોથળાનું મૂલ્ય પણ જાણે કે રાતોરાત વધીને સોનામૂલ થઈ ગયું છે.

મહાદેવ દેવદાસને ઉપરાછાપરી આદેશ આપે છે:

તમે બાપુને છોડીને ભટકતા ન ફરો તો સારું — ‘ભટકતા’નો ખોટો અર્થ ન કરશો, કારણ કે તમારા ચોવીસ કલાક ભરેલા હોય છે તે હું જાણું છું. પણ દરેકે नवजीवन અને यंग इन्डियाને માટે બાપુનાં પાંચ-પંદર વાક્યો તેમણે લખાવેલાં નહીં મળે તો કાંઈ નહીં, પણ તેમણે બોલેલાં — આપણને મળી જવાં જોઈએ. અને એટલું જ नवजीवन અને यंग इन्डियाના પહેલા પાના ઉપર આવે તો બસ.

તમારી પાસે બીજી આશા પણ રાખું છું — જ્યાં સુધી બાપુ ત્યાં છે ત્યાં સુધી બાપુની તબિયતનો ખૂબ વિગતવાર કાગળ દર બુધવારે પોસ્ટ થવો જ જોઈએ.’૩

બાપુની તબિયતની ચિંતા કર્યા પછી મહાદેવને બાપુનાં नवजीवन અને यंग इन्डिया સાંભરે છે. ત્યાર બાદ નવરાશ મળે છે આ છેડાના આનંદોલ્લાસનું વર્ણન કરવાની:

અહીં આજે આનંદનો પાર નથી. ગુજરાત કૉલેજમાં મારે ‘બાપુનાં દર્શન’ ઉપર ભાષણ આપવાનું હતું તે ભાષણ કૅન્સલ થયું! અને છોકરાઓએ તુરત જ સરઘસ કાઢ્યું અને આખા ગામમાં ફર્યા. છોકરાઓમાં ૫૦-૬૦ સાઇકલવાળા હતા. ‘રઘુપતિ રાઘવ રાજારામ’ એ આખું સરઘસ ગાતું હતું. અને સાઇકલની ઘંટડીઓથી તાલ અપાતા હતા. શહેરમાં સ્થળે સ્થળે સાકર વહેંચાતી હતી, ગરીબોને લાડુ વહેંચાતા હતા. વાજાંવાળાઓ વગર બોલાવ્યા વાજાં વગાડતા સરઘસની આગળ આવ્યા હતા! રાત્રે શહેરમાં રોશની છે અને બાપુના સ્વાગતની તૈયારી ઈશ્વરકૃપા હશે તો સરસ થશે, તે દિવસે એક પણ જણ રસ્તા ઉપર ખાદી વિનાનો ન હોય એવી વ્યવસ્થા કરવાને માટે વિદ્યાલયના વિદ્યાર્થીઓ લાગી જશે. તમને આજે બે તાર કર્યા છે તેનો અમલ જરૂર કરજો. બાપુનો મૅસેજ — સંદેશ — બે લીટીનો પણ यंग इन्डिया માટે આવે તો તે પહેલા પાના ઉપર આવી શકે, અને મારે કશું ટાયલું લખવું ન પડે.’૪

પછી મહાદેવ ગાંધીજીની તબિયત સુધરે એવા સમાચાર એમની પાસે પહોંચાડવા લખે છે:

ડૉક્ટર રાયે૫ પોતાની ૫૦, ૦૦૦/- ની મિલકત ખાદીના કામમાં આપી દીધી છે. તેની ખબર તમે બાપુને આપી છે કે નહીં? આપી ન હોય તો જરૂર આપજો. આપણા વિદ્યાલયના ઘણાખરા છોકરાઓ નિયમિત વિદ્યાપીઠની જમીન ઉપર ઊગેલા રૂને પીંજી કાંતે છે. કાંતવાના ક્લાસમાં સવારથી તે સાંજ સુધી ૧૦-૧૨ છોકરાઓ તો બેઠેલા જ જુઓ – અને ખાસ સરસ કાંતનારાઓમાં મિલમાલિકના છોકરાઓ છે! પ્રોફેસર કૃપાલાનીની મોહિની અજબ છે!૬

અને છેવટે મહાદેવની લાક્ષણિક નમ્રતામાં દેવદાસ સાથેની ભાઈબંધીને લીધે મસ્તી ભળે છે:

તમારું કામ ત્યાં ખૂબ જ વધી પડ્યું હશે. તેમાં હું વધારો કરી રહ્યો છું. પણ માફ કરશો. હું ત્યાં હોત તો કેવું સારું થાત! રિલીઝની [છુટકારાની] ખબર આવી ત્યાર પછી હૉસ્પિટલમાં શું થયું — બાપુના ઉદ્ગારો વગેરેની ખબર तमे ज આપી શકો. તમે નહીં આપો તો તમને નિષ્ઠુર કહીશ કે દુષ્ટ કહીશ કે શું કહીશ તે સૂઝતું નથી. બાઘા તો કહીશ જ… આ કાગળ વાંચવાનો તમને વખત હશે કે કેમ તે ખબર નથી. પણ પાયખાને જવાનો વખત રહે તો ત્યાં જઈને વાંચજે.

લિ. તમારો ભાઈ, મહાદેવ

તા. ક.

‘તમારો ભાઈ’ સાથે છે. આજે એક કાગળ મારા ઉપર આવ્યો છે તેના ઉપર સિરનામું ‘મહાદેવદાસ મોહનદાસ ગાંધી’ લખ્યું છે!!!૭

હરખના ઊભરા વચ્ચે પણ મહાદેવનું પત્રકારત્વ વીસરાતું નથી. તેથી દેવદાસને લખેલ પત્રમાં અડધાથી વધારે જગા नवजीवन અને यंग इन्डियाને ધ્યાનમાં રાખીને આપી છે, તેમને સમાચાર જોઈએ છે, તરત જોઈએ છે, પહેલે પાને છપાય એવી સામગ્રી જોઈએ છે, અધિકૃત જોઈએ છે, બીજા કોઈ પાસે ન હોય તેવી ખાસ જોઈએ છે.

જેલમાંથી ગાંધીજીની મુક્તિના સમાચાર તો છેલ્લા થોડા દિવસોથી ઉત્તરોત્તર પરાકાષ્ઠાએ પહોંચેલા સમાચાર હતા. મહાદેવે नवजीवन અને यंग इन्डिया દ્વારા તેનસિંગ કે હિલેરી એવરેસ્ટ પર ઝંડો ચડાવે તેમ એ સમાચારને એની તમામ નજાકત જાળવીને, એનાં સર્વ પરાક્રમને તાદશ કરીને લોકો આગળ ફરકાવ્યા છે. આ ઉમળકો नवजीवनના અનેક અંકો સુધી સતત ચાલુ રહે છે.

સહજ પાછા વળીને જોઈએ. સાથે રહેવાની ઇચ્છા કાંઈ મહાદેવની એકલાની નહોતી. ગાંધીજીએ પણ તે ઇચ્છા લાંબા વખતથી સેવી હતી. મહાદેવભાઈ इन्डिपेन्डन्टનું કામકાજ કરતા હતા ત્યારે ઠેઠ ૧૯૨૧માં એમણે મહાદેવભાઈને લખ્યું હતું:

‘તમારા જેવું માણસ મારી સાથે હોય તો છેવટે મારું કામ ઉપાડી શકે એવો લોભ રહી જાય છે… તમે ત્યાંથી નવરા થાવ ત્યારે મારી સાથે જોડાઈ જશો એ ઠીક થશે. … ‘૮

બીજી બાજુ મહાદેવભાઈએ જેલમાંથી છૂટીને આવતાં જ લખ્યું હતું:

ગાંધીજી જેલમાં જતાં મારા જીવનનું ચેતન ગયું, મારાં લખાણનો પ્રાણ ગયો. હવે મારાં નિષ્પાણ લખાણ લખતાં મને જેટલું દર્દ થાય તેટલું વાચકને પણ દર્દ થશે, મારા તરફ અભાવ નહીં થતાં સહાનુભૂતિ થશે. કારણ, મારું દુ:ખ એ તેમનું દુ:ખ છે. એ દુ:ખનિવારણ કરવાનું ઈશ્વરને હાથ છે.૯

ગાંધીજી જેલમાં હતા ત્યારે પોતે છૂટ્યા તે વખતની મહાદેવભાઈની લાગણી એમના તે વખતના લેખોમાં ઠેકઠેકાણે પ્રગટ થયા જ કરતી.

‘જેલમાંથી છૂટતાં તો મને મૂંઝવણ થવા લાગી છે, કારણ કે જેમને હું મારા પ્રાણ માનતો હતો તે તો જેલમાં છે. એમના વિના જીવવું એ મને ભયંકર અંધકાર તુલ્ય લાગ્યું છે.’૧૦

આમ, મોહન અને મહાદેવની સ્થિતિ સ્વ. શ્રી જુગતરામભાઈએ પોતાના અનુપમ ભક્તિકાવ્યમાં વર્ણવી છે —

‘આ પા ઊછળે, તે પા ઊછળે, હૃદય ભરી ભરી પ્રીત; આકર્ષણ, પણ સ્પર્શ નહીં ક્ષણ ચેન પડે નહીં ચિત! અરેરે આડું અંતરપટ આ અદીઠ!’

તેના જેવી હતી.

દેવદાસને લખેલ પત્રમાં મહાદેવભાઈએ ‘અમને થોડા કલાક વહેલા … મોકલી દીધા’ એવું મર્મવચન કહી જે ઉપાલંભ કર્યો છે, તે મહાદેવભાઈ પૂનાની સાસૂન હૉસ્પિટલમાં ઍપેન્ડિસાઇટિસના ઑપરેશન પછી ગાંધીજીની મુલાકાતે ગયા હતા, અને ત્યાંથી તેઓ પાછા આવ્યા પછી થોડા જ કલાકમાં ગાંધીજીને બિનશરતે છોડી મૂક્યા છે, એવી જાહેરાત કરવામાં આવી, તેના અંગે છે.

એ મુલાકાત અને તે દિવસોમાં જોયેલાં દૃશ્યોનું વર્ણન नवजीवनની કટારોમાં અને પછી મહાદેવભાઈની ડાયરીમાં (ભાગ–છઠ્ઠામાં) પાને પાને પ્રેમે નીતરતું જોવા મળે છે. પૂનાથી ગાંધીજી મુંબઈ આવી જૂહુ રહ્યા, ત્યાં તબિયત ઠીક ઠીક સુધર્યા પછી તેમણે પોતાની સાધારણ પ્રવૃત્તિઓ ચાલુ કરી. આ આખો ગાળો नवजीवनના અંકો દ્વારા મહાદેવભાઈ આપણને એક સાત્ત્વિક પ્રેમપ્રકરણ પીરસે છે.

૧૮મી જાન્યુઆરી, ૧૯૨૪ને દિને સાંજે ચાર વાગ્યે બોરસદના સત્યાગ્રહમાં ‘ક્ષિપ્ર વિજય’ મેળવી વલ્લભભાઈ અને મહાદેવભાઈ પૂનાની સાસૂન હૉસ્પિટલમાં છ દિવસ પહેલાં ઍપેન્ડિસાઇટિસનું ઑપરેશન કરાવી ખાટલે પડેલા ગાંધીજીને મળ્યા. હૉસ્પિટલમાં મુલાકાતનો સમય સાંજે ચાર પછીનો હતો. ગાંધીજી જો ઇચ્છત તો આ બે પ્રિયજનોને દિવસના કોઈ પણ ભાગમાં મુલાકાતે બોલાવી શક્યા હોત. પણ પ્રિયજનો સારુ એમણે એવી કોઈ ખાસ સગવડ ન માગી. છ દિવસ ઉપર ઑપરેશન કરાવવા જેલમાંથી હૉસ્પિટલમાં લઈ ગયા ત્યારે પણ ગાંધીજીને પોતાના વિશ્વાસપાત્ર દાક્તરો અને સ્વજનોને બોલાવવાની છૂટ આપવામાં આવી હતી. તેમણે મુંબઈના દાક્તર દલાલ અને વડોદરાના દાક્તર જીવરાજ મહેતાનાં નામો આપ્યાં હતાં, પણ બંનેને પૂના પહોંચતાં મોડું થાય એમ હતું અને શસ્ત્રક્રિયામાં વિલંબ કરવો ઇષ્ટ નહોતો તેથી જેલના દાક્તર મેડકના દ્વારા જ ઑપરેશન કરવાનું ગાંધીજીએ સ્વીકાર્યું હતું અને ડૉ. મેડકને લખી આપ્યું હતું કે મને આપની ઉપર પૂરો વિશ્વાસ છે. સ્વજનો તરીકે તેમણે રાજનૈતિક વિચારોમાં પોતાનાથી ભિન્ન વિચાર ધરાવતા શ્રી શાસ્ત્રીઆર અને નૃસિંહ ચિંતામણિ કેળકરનાં નામો આપ્યાં હતાં. ત્રીજું નામ ડૉ. ફાટકનું આપ્યું હતું જેઓ ખાદીના કામમાં રસ લેતા હતા. આ ત્રણે જણ તો પોતપોતાની રીતે ગાંધીજીએ ઑપરેશન વખતે પોતાને બોલાવ્યા તેથી આશ્ચર્યચકિત થઈ ગયા. ના. શાસ્ત્રીઆર હૉસ્પિટલમાં સૌથી પહેલા હાજર થઈ ગયા હતા. શ્રી કેળકરે તો આગળ ઉપર અનેક લેખોમાં ગાંધીજીનો વિરોધ પણ પ્રકટ કર્યો હતો. પોતાને ગાંધીજીએ સ્વજન તરીકે કટોકટીને વખતે પાસે રહેવા બોલાવ્યા તેનાથી પ્રભાવિત થઈને પાછળથી લખેલા એક લેખમાં એની કદર પણ કરી હતી. ડૉ. ફાટક તો પહેલાં માનવા જ તૈયાર નહોતા કે પોતાના જેવા ‘સામાન્ય’ કાર્યકર્તાને ગાંધીજી યાદ કરે. પણ જ્યારે એમને ખાતરી થઈ કે તેમને પોતાને જ બોલાવ્યા હતા, ત્યારે તેમણે ધન્યતા અનુભવી હતી. એક ચોથું નામ કોઈ હરિજનનું પણ આપવા ગાંધીજીનો વિચાર હતો, પણ નજીકમાં કોઈ હરિજન મિત્રનું નામ ચોક્કસપણે ન આપી શક્યા તેથી તેમણે આ ત્રણ જ નામો આપ્યાં હતાં.

‘આવો બોરસદના રાજા!’ કહીને બાપુએ પથારીમાંથી વલ્લભભાઈનું સ્વાગત કર્યું. ઑપરેશન થિયેટરમાંથી હૉસ્પિટલના ઉપલા માળમાં આવતાંની સાથે ગાંધીજી જ જાણે સાસૂન હૉસ્પિટલના રાજા બની ગયા હતા. એમણે પોતાના માધુર્ય અને વિનોદ વડે દાક્તરો, નર્સો, પરિચારકો, જાણ્યાઅજાણયા સૌ મુલાકાતીઓનાં દિલ જીતી લીધાં હતાં. વલ્લભભાઈને પોતે આપેલી નવી પદવીથી ખુશ થઈને પોતે ખૂબ જ ખડખડાટ હસ્યા. જોકે હસવાથી એમના ઘામાં થોડું દરદ થતું હતું. પછી માંડીને આખી વાત કરી. આસપાસના લોકો પાસે વલ્લભભાઈ અને મહાદેવ બંને આખી વાત સાંભળી ચૂક્યા હશે એવો ગાંધીજીને અંદાજ હતો, છતાં પોતાના લોકોને માંડીને વાત કરવાનો એક ખાસ પ્રકારનો સંતોષ હતો, જે માણવાનું ગાંધીજી શાના ચૂકે? એમ તો ઑપરેશન વખતે ચારે દીકરાઓ કે પત્નીને યાદ ન કરનાર ગાંધીજીને મન પોતીકાં કોણ ને પારકાં કોણ? પણ છતાંયે એ તે જ ગાંધીજી હતા જેને મળવાથી દરેક મુલાકાતીને એમ લાગતું કે ગાંધીજી બીજા સર્વ કરતાં મારે માટે કાંઈ વિશેષ સંબંધ રાખે છે.

પ્રથમ તો ડૉક્ટરોનાં વખાણથી વાત શરૂ થઈ. બંને દાક્તરો પોતાને છ વરસની સજા ફટકારનાર બ્રિટિશ સરકારના નોકરો, બંને ગોરા, બંને સાથે જૂની ઓળખાણ પણ નહોતી. પણ અહિંસાનો પૂજારી એમને દેશ-રંગના ભેદોથી ઉપર ઊઠી માત્ર મનુષ્ય તરીકે જોતો હતો. અને તેમાં આ બે તો અણીને વખતે બચાવનાર કુશળ તબીબો, એટલે પછી વખાણ કરવામાં શી કચાશ હોય? યરવડા જેલના સુપરિન્ટેન્ડેન્ટ કર્નલ મરે વિશે કહ્યું, ‘અતિશય કુશળ માણસ છે. આઈ. એમ. એસ. ઉપરાંત એમ. ડી. છે અને બીજી વૈદ્યકીય ડિગ્રી લીધી છે. પૉર્ટબ્લેરમાં પણ હતો. એ મારા પર ભારે મમતા રાખે છે. હમેશાં મને કહે કે તું તારી ઉપર દરરોજ આમ અખતરા કરે એ સારું નહીં. હું કહું એ રીતે તારે ખાવુંપીવું જોઈએ.’૧૧

મરેએ પેટ તપાસ્યું. ફરી ફરીને ઍપેન્ડિક્સ આગળ. હું કહું કે ત્યાં દુ:ખ થાય છે. ત્યારે તેને શંકા પડી. પછી દર્દ નરમ થયું, પાછું ૧૨મીએ દર્દ ઊપડ્યું એટલે એણે કર્નલ મેડકને બોલાવ્યો. મેડકને થયું કે જૂના મરડાનો વિકાર હશે. ફરી પાછું અસહ્ય દર્દ થયું ત્યારે મેડકે આવીને જેલ બહાર લઈ જવાનો વિચાર કર્યો. દાક્તર પોતાની જ કારમાં હૉસ્પિટલમાં લાવ્યા. વ્યવસ્થા કરવામાં સમય લાગ્યો. એટલામાં ગાંધીજીએ સૂચવ્યા હતા તે લોકોને બોલાવવામાં આવ્યા.

શાસ્ત્રીઆરે ગાંધીજીની હાલત વિશે એક નિવેદન બહાર પાડેલું. તેને લીધે દેશને એમની તબિયત વિશે વિગતવાર જાણ થયેલી. નામદાર શાસ્ત્રીઆર મારફત ગાંધીજીએ દેશને જણાવ્યું કે:

મારી આસપાસ અત્યારે જે દાક્તરો છે તેમના ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે, તેઓ મારા પ્રત્યે ખૂબ ભલાઈ બતાવી રહ્યા છે, અને મારી ખૂબ સંભાળ રાખે છે. દેશમાં જે કંઈ ખળભળાટ થાય તો હું એમ જાહેર કરવા ઇચ્છું છું કે અમલદારો વિરુદ્ધ મારે કંઈ પણ તકરાર કરવાની છે જ નહીં. મારા શરીરની માવજત કરવામાં તો આ લોકો કશી ઊણપ રાખતા નથી.૧૨

શ્રી શાસ્ત્રીઆરના નિવેદન અંગે ગાંધીજીએ મહાદેવભાઈ આગળ કહ્યું:

શાસ્ત્રીની સાથે થયેલી વાતચીતનો એમણે બરાબર ખ્યાલ નથી આપ્યો. મેં એમને ત્રણ મુદ્દાઓ આપેલા હતા. મેં કહેલું કે મને કાં લોકો પોતાના બળ વડે છોડાવે; કાં હું નિર્દોષ છું અને હું દરેક અંગ્રેજને ચાહું છું, એમ સરકાર માની લે ને મને છોડે અથવા તો મારો અને એમનો કજિયો ચાલુ જ છે એટલે છ વરસની આખરે છોડે. [પણ શાસ્ત્રીના] મનમાં કે આવી રીતે મૂકવામાં કદાચ મારા છુટકારામાં વિઘ્ન આવે એટલે એવી રીતે ન મૂકતાં જુદી રીતે મૂક્યું.૧૩

પછી ગાંધીજીએ પોતાની દૃષ્ટિએ રોગનું કારણ જણાવ્યું:

જેમ જેમ વિચારું છું તેમ તેમ લાગે છે કે મારો સંયમ હજી કાચો છે. આફ્રિકામાં મેં મારું શરીર જેલના અધિકારીઓને પૂરેપૂરું સોંપ્યું હતું. અહીં ત્રણ વખત માંદો પડ્યો. મેં હમેશાં માન્યું છે કે હું તલવારની ધાર પર રહું છું. પણ એ તલવારની ધાર બુઠ્ઠી હશે. … ગમે તેટલો સંયમ હોય પણ માણસ એક વાર ચાતરી જાય તો પછી મૂઓ જ છે. એક વાર એમ લાગતું હતું કે મને કંઈ રોગ થઈ જ ન શકે. … પણ હવે જોઉં છું કે આટલા સંયમ છતાં હું ત્રણ વાર માંદો પડ્યો.’

પછી મહાદેવ તરફ જોઈને કહે:૧૪

તમને તો અનેક વાર નિરાશા થઈ, મને મળી જ ન શક્યા. કાંઈ નહીં, એમાં તમારું પણ સારું છે. આપણા કાર્યને પણ ફાયદો થાય છે. તમને ચાર વાગ્યાને ટકોરે બોલાવ્યા એટલે હવે હું કોઈ પણ જણને કહી શકવાનો કે મેં વલ્લભભાઈને અને મહાદેવને વહેલા મળવાની ના પાડી. તમે પણ ન આવતા. તમારે વિશે મેં સાંભળ્યું. તમે તો પેલા યુધિષ્ઠિરના કૂતરાની જેમ વલ્લભભાઈ કહે તેમ કરી રહ્યા છો, તે દિવસના તારા બતાવે તો તારા કહો છો અને રાતના સૂરજ બતાવે તો સૂરજ કહો છો. મને એ બહુ ગમ્યું. એ જ રીતે કામ થાય.૧૪

પછી દુર્ગાની ખબર પૂછી. નરહરિની પૂછી. બોરસદમાં થયેલાં કામનાં ગાંધીજીએ વારંવાર વખાણ કર્યા, મહાદેવે કહ્યું કે આપ આવો ત્યારે બોરસદ તૈયાર હશે, તેનાથી ગાંધીજી બહુ રાજી થયા.

બીજે દિવસે બાપુને મળતાં મહાદેવભાઈએ ફરિયાદ કરી કે, ‘તમે ગઈ વખતે માંદગી વખતે આટલા નબળા નહોતા થઈ ગયા.’ એટલે કહે, ‘હા, હશે. જેલમાં બીજું દુ:ખ તો નહોતું, પણ માનસિક દુ:ખ આપવામાં મણા નથી રાખી.’૧૫

અનેક સાથીઓ વિશે ગાંધીજીએ પૂછપરછ કરી. વિનોબા દ્વારા સંપાદિત ‘મહારાષ્ટ્ર ધર્મ’ વિશે તપાસ કરી. એમાં આવેલ ઉપનિષદ વિશેનાં વખાણ કરતાં ગાંધીજી ધરાતા જ નહોતા. જેલમાં પોતાના ઉર્દૂ અભ્યાસની વાત નીકળતાં કહે, ‘મુસલમાનોને કહેજો કે હું મૌલવી થઈને આવવાનો છું એવો તેમનો ભય સાચો પડવાનો છે.’૧૬

વલ્લભભાઈને પૂછ્યું કે કૉંગ્રેસની કારોબારીના કોણ કોણ સભ્યો ચૂંટાયા છે. તેમને મળેલા મતોનો ઉલ્લેખ થતાં કહે, ‘[દેશબંધુ ચિત્તરંજન] દાસ આવ્યા એ ઠીક થયું. અને તેમને આટલા ઓછા મળ્યા તે પણ સારું થયું.’૧૬

દેશબંધુ દાસે આ ગાળામાં અસહકાર અને ગાંધીજી વિશે કેટલાંક અવિવેકી વાક્યો ઉચ્ચાર્યાં હતાં. ગાંધીજી જો એ વિરોધીને ન આવકારે તો તેમની અહિંસા લાજે, અને તેમને મળેલા ઓછા મતો વિશે જે અભિપ્રાય આપ્યો તે એ સિદ્ધ કરતું હતું કે ગાંધીજીની અહિંસા કાંઈ ભોળપણમાંથી નીપજી નહોતી.

લાલા લજપતરાયને ગાંધીજીએ, ‘આવો પંજાબ કેસરી’ કહીને વધાવ્યા. તેઓ ગાંધીજીને કહી ગયા: ‘તમે જલદી આવો. તમે બહાર આવશો અને ફરી પાછું અમારું નેતૃત્વ લેશો એ આશા ઉપર અમે મદાર બાંધીને બેઠા છીએ. તમારી ગેરહાજરીમાં ગુરુ વિનાના નિશાળિયાઓ જેવા અમે છીએ. નાનાં બાળકોની જેમ અમે અંદર અંદર લડી રહ્યા છીએ.’૧૭ ગાંધીજીએ પેટ પકડીને કહ્યું, ‘મને પેટ પકડીને હસવાનું મન થાય છે. પણ હસવું દાબવું પડે છે. … મારી પાકી ખાતરી છે કે જેલમાં રહીને હું દેશની એટલી જ સેવા કરી રહ્યો છું. બહાર કરતો હતો તે કરતાં વધારે નહીં તો એટલી તો ખરી જ.’૧૭

ચાર દિવસ પછી જેલના સુપરિન્ટેન્ડેન્ટ કર્નલ મરે મળવા આવ્યા. તેમની કોમળતા અને નમ્રતા જોઈ મહાદેવભાઈ પણ ચકિત થયા. એમની ગાંધીજી સાથેની મુલાકાત મહાદેવભાઈ નોંધતાં શાના ચૂકે? ‘બાપુની સાથે હાથ મિલાવીને કહે, તમને એમ તો નથી લાગતું ને મિ. ગાંધી, કે હું તમને વીસરી ગયો? પણ મને એમ થયું કે તમારા આરામમાં હું વિક્ષેપ ન પાડું. આટલા દિવસ પછી તમને જોઉં છું એટલે તમારામાં ખૂબ જ સુધારો થયેલો દેખાય છે. તમારા ચહેરા ઉપર પણ બહુ સ્ફૂર્તિ લાગે છે.’ બાપુએ કહ્યું કે, ‘હું દિલગીર છું કે તમારી ઉપર છાપામાં બહુ ખરાબ હુમલા થયા છે.’ કર્નલે હસીને જવાબ આપ્યો, ‘એની જરાયે ચિંતા કરશો નહીં. જેઓ મને ઓળખે છે તેમણે એ હુમલા કર્યા નથી.’ બાપુએ પોતાના જેલના સાથીઓની ખબર પૂછી. તેમણે જવાબ આપ્યો, ‘તમને સૌ યાદ કરે છે. તમારા સાથી મિ. ગનીએ કહાવ્યું છે કે તમારો ચાર વાગ્યે ઊઠવાનો નિયમ બરાબર પાળું છું. ઇંદુલાલ વગેરે સૌ મજામાં છે. સૌને તમારી ખોટ લાગે છે, અને (જરા મોં મલકાવીને) આશા રાખું છું કે એ સૌને કાયમને માટે તમારી ખોટ સાલે.’ બાપુ હસીને બોલ્યા: ‘સાચું, પણ તમને ખાતરી આપું છું કર્નલ, કે મને તો સાજા થઈ ગયા પછી પાછું તમારી જ દેખરેખ નીચે આવીને મારું કામ કરતા થઈ જવાનું જેવું ગમે તેવું કશું જ ન ગમે.’ કર્નલના મુખ પર શરમના શેરડા પડ્યા. ‘જલદી સારા થાઓ અને કામકાજ ફરમાવજો.’ એટલું કહીને તે વિદાય થયા. એટલે બાપુ કહે, ‘જુઓને, એનું મોં જ કેવું છે? કેટલું નિખાલસપણું અને ભલમનસાઈ!’ આખી મુલાકાત અંગે મહાદેવભાઈની મિતાક્ષરી ટીકા:

‘કર્નલ મરેને જોઈને બાપુની જેલની ઓરડી કેટલી પ્રેમના વાતાવરણથી ભરેલી હશે તેનો ખ્યાલ આવ્યો, અને જે સરકાર એ પ્રેમના પ્રકાશને એક ઓરડામાં પૂરી રાખવાનો પ્રયત્ન કરી રહી છે એના અજ્ઞાન ઉપર દયા આવી.’૧૮

માંદગીને બિછાને પડેલા ગાંધીજીને જોવા કોણ ન આવે? મહાદેવભાઈ આમાંથી બને એટલા મુલાકાતીઓ સાથે ગાંધીજીને થયેલી વાતોની નોંધ જનતા આગળ તાદશ રજૂ કરે છે, અને દરેક મુલાકાતના વર્ણનમાં ગાંધીજીના વિચાર લોકો સમજે, એમનું ચારિત્ર્ય લોકો આગળ પ્રગટ થાય અને મહાદેવભાઈનો ગાંધીજી વિશેનો પ્રેમ જગત આખા પર પ્રસરે એવો એમનો અથાક પ્રયાસ ચાલુ હોય છે. માત્ર આ વર્ણનોમાં ભક્તિ છે, અતિશયોક્તિ નથી, પ્રેમ છે, ચાપલૂસી નથી, ગાંધીજીના ગુણો પ્રગટ કરવાનો પ્રયાસ છે, એમની મર્યાદાઓને ઢાંકવાનો પ્રયાસ નથી. ક્યાંક બાપુની અન્યજનો સાથેની વાતચીતમાં પોતાનો ઉલ્લેખ આવે તો તેને તેઓ ખૂબ સંકોચ સાથે કહે છે. દાખલા તરીકે, દેવદાસભાઈને ગાંધીજી એક વાર કહે છે: ‘મહાદેવ તો જાણે જન્મથી જ માખીને પણ ઈજા કરી શકે નહીં એટલા કોમળ.’૧૯ અથવા તો બીજી એક વાર વાતચીત લંબાતાં મેં બંધ કરવા કહ્યું એટલે બાપુ કહે:

આજે બીજી ઘણીયે વાતો થઈ. એમાં કંઈ મને બહુ રસ ન પડે. તારી આગળ વાત કરું છું, તેમાં રસ પડે છે. અને તારા જેવું પાત્ર મળે પછી શું? તારા જેવા પાંચ-સાત જુવાનિયાઓને હું મારા વિચાર બરાબર આપી શકું અને તેઓ તે ધોરણે વિચાર કરતા થઈ જાય તો મને સંતોષ થાય.૨૦

આ વર્ણનોમાં દેશના રાજકારણના ગંભીરમાં ગંભીર પ્રશ્નો આવે છે. તો આશ્રમ-જીવનના રોજિંદા પ્રશ્નો આવે છે. તેમાં જીવનને સ્પર્શે તેવા ભાતભાતના વિષયોનો સ્પર્શ થાય છે તો જાતજાતના સ્વભાવના લોકોનાં ચિત્રણો આવી જાય છે. એમાં પેટ પકડીને હસવું આવે એવા રમૂજી કિસ્સાઓ છે અને વાંચતાં આંખ ભીની થાય એવા ભાવવાહી કિસ્સાઓ પણ છે.

રાત્રે ખાઈ રહ્યા પછી નર્સો આવીને ગમ્મત કરવા લાગી. એકને પૂછ્યું, ‘તને ગાતાં આવડે છે?’ ત્યારે તેણે કહ્યું, ‘ગાતાં આવડતું હતું, પણ આજે નહીં ગવાય.’ ત્યારે બાપુએ કહ્યું કે જાઓ, તમે નર્સ નહીં કહી શકાઓ. નર્સની એક અગત્યની લાયકાત તેની ગાયનશક્તિ છે. મને પહેલી નર્સ જે મેળવવાનું ભાગ્ય પ્રાપ્ત થયું તે નર્સ ભારે ગાનારી હતી. તે ધંધાદારી નર્સ ન હતી. એ તો મિ. ડોકની પુત્રી ઓલિવ હતી — મને એક ઘા લાગેલો હતો. દર્દ પાર વગરનું થતું, ત્યારે ઓલિવને ‘લીડ કાઇન્ડલી લાઇટ’ (પ્રેમળ જ્યોતિ તારો દાખવી) ગાવાનું કહ્યું. તેણે એટલી સરસ રીતે ગાયું કે એના સૂર હજી મારા કાનમાં ગુંજે છે. … મારું દર્દ ક્યાંયે ચાલ્યું ગયું. બીજી નર્સે પછી અનેક બહાનાં કાઢ્યાં. ગળામાં ઑપરેશન કરાવ્યું છે, વગેરે.૨૧

મહાદેવભાઈ કહે છે:

અમલદારોને, નર્સોને પોતે પોતાના પ્રેમથી તરબોળ કરી દીધાં છે. એટલે એમના ઓરડામાં એ પ્રેમનું જ વાતાવરણ પ્રગટી રહ્યું છે. જે કોમળતાથી તેમની પાસે ડૉક્ટરો આવે છે, જે મીઠાશથી તેમની ખબર પૂછે છે તે જોઈને કઠણમાં કઠણ હૃદય પર પણ અસર થયા વિના ન રહે. એક અંગ્રેજ બાઈ, જે નર્સોની મુખી છે, તે તો જાણે મોટા સાગરનાં મોજાંઓ ઉપર મહાલતા હોડકાની જેમ જ્યારે આવે ત્યારે હસતી ને હસતી જ. તેને જોઈને બાપુથી પણ હસ્યા વિના રહી શકાતું નથી. બાપુની આંખ ઠરે એવી. ઓરડાનો ટાપટીપ પોતે કરવાની, સુંદર અજવાળેલા કળશ લાવી તેમાં ફૂલો મૂકી, ગાંધીજીને, ઓરડાનો પોતે કરેલો શણગાર વખાણવાનું કહેવાની!૨૨

દિવસમાં સારવાર કરનારી નર્સ … ના પ્રેમનો પાર નથી. આ મારો પહેલો જ ખાનગી કેસ. ચાર વર્ષ અભ્યાસ કરીને હું હૉસ્પિટલમાંથી નીકળવાની હતી, ત્યાં તો ગાંધી આવ્યા. અને તેમનો જ કેસ મને પહેલો મળ્યો. મારી કારકિર્દીની આ કેવી મંગળ શરૂઆત કહેવાય! …સેવામાં ખરેખર લહેજત આવી હોય તો આ દર્દીની. … આજે ડૉક્ટર મને કહે છે કે, ‘તું તારા રિપોર્ટ આવા મોતીના દાણા જેવા અક્ષરે તો કોઈ વાર લખતી નહોતી!’ મેં તેમને કહ્યું, ‘કારણ કોઈ વાર આવા દર્દીયે નહોતા મળતા.’ બહાર ગયા પછી પોતાની સાહેલીઓની સાથે ભેગી થાય ત્યાંયે ગાંધીજીની જ વાત કરે. એટલે પેલી બહેનો કોઈ વાર મશ્કરી કરીને કહે, ‘કેમ આજે કાંઈ ગાંધીની વાત કરવાની નથી કે? તું તો તારા દર્દી ઉપર મોહિત થઈ છે!’ તરત પેલી જવાબ આપે, ‘તમે ગાંધીને જાણો તો તમે પણ હમેશાં તેની જ વાતો કરતાં ફરો.’૨૨

… આશ્રમમાંથી ગાંધીજીનાં મોટાં બહેન કેટલીક બહેનોને લઈને મળવા ગયાં હતાં. એ દૃશ્ય વર્ણવ્યું જાય એમ નથી. કેટલે વર્ષે બહેને પોતાના ભાઈને જોયા? તેમનાથી તો કશું બોલાય એવી તેમની દશા રહી ન હતી. પણ બાપુએ જ કહ્યું:

આજે તો ઊઠીને પ્રણામ કરાય એવી સ્થિતિ નથી. બહુ સારું થયું તમે આવ્યાં.’ જ્યારે જવા નીકળ્યાં ત્યારે પેલી હસાવનારી નર્સ પૂછવા લાગી, ‘આ તમારાં બહેન?’ બાપુ કહે, ‘હા.’ ‘ત્યારે આ?’ બાપુ કહે, ‘એ પણ બહેન.’ ‘આ?’ ‘એ પણ બહેન.’ ‘બધી જ તમારી બહેનો? હુંયે તમારી બહેન?’ ‘જરૂર, તુંયે બહેન થાય તો બહેન જ.’ પેલી ખડખડાટ હસી પડી. વસુધાને કુટુંબ માની બેઠેલા ઉદાર પુરુષને નર્સ બિચારી ઓળખવા લાગી, સર્જનો પણ ઓળખવા લાગ્યા. સરકાર ક્યારે ઓળખશે?૨૩

કોમી વિખવાદનો પ્રશ્ન તે વખતે પણ દેશમાં માથાં ઊંચકતો હતો. બંને પક્ષના નેતાઓ મળે તો સામો શું કરે છે એ વિચાર કરતા હતા. એ બાબતમાં ગાંધીજીના વિચાર જુદા હતા અને બંને પક્ષોને પચાવવા આકરા પડે એવા હતા. તેમણે મહાદેવ જોડે આ બાબત ગંભીરતાથી વાત કરી:

હિંદુ ધર્મનું તત્ત્વ જ મને તો આત્મત્યાગ અને અહિંસા લાગે છે, અને જ્યાં સુધી તમે એ વસ્તુ બરાબર ન સમજી લો ત્યાં સુધી તમે પછડાવાના છો. જ્યાં તમારું લોકો સાંભળે નહીં ત્યાં ઊભા ન રહેવું. કાળી આગળ બકરો કપાય છે તે વિશે મને કાંઈ લાગતું નથી શું? મને તો ગાય અને બકરી બંનેના પ્રાણની સરખી કિંમત છે. પણ હિંદુને ગાયને માટે ભારે માન છે, એટલે ગાયની વાત હું કરી રહ્યો છું. આજે ગાયને બચાવું તો કાલે બકરીને પણ બચાવી શકીશ.૨૪

એટલામાં રાજાજી અને શંકરલાલ આવ્યા. તેમને અંગ્રેજીમાં કહેવા લાગ્યા:

હું મહાદેવને કહેતો હતો કે … હિંદુ-મુસલમાનોનો સવાલ એવો છે કે જેમાં પ્રતિયોગી સહકાર ન ચાલી શકે, એમાં પ્રતિયોગી સહકારનું સ્થાન જ નથી. પ્રેમની બધી બાબતોમાં સામા માણસથી નિરપેક્ષ વર્તન રાખવાનું હોય છે. બેમાંથી એક પક્ષ બધી શરતોનું પાલન કરે તો પૂરતું છે. એમાં સામાની સાથે સાટું કરવાની વૃત્તિ હોય જ નહીં. હું તમને એટલા માટે નથી ચાહતો કે તમે મને ચાહવાને કબૂલ થાઓ છો. હું તમને ચાહું છું કારણ, એ મારો ધર્મ છે. હું મૌલાના અબદુલ બારીને મળ્યો ત્યારે તેમણે મને સવાલ પૂછેલો કે મુસલમાનોના સહકારના બદલામાં હિંદુઓ શી અપેક્ષા રાખે છે? મેં કહ્યું, કશાની નહીં. મુસલમાનોને જે પોતાનો ધર્મ લાગે તે પ્રમાણે તેઓ વર્તે… જ્યારે હું કહું છું કે મારે કશો બદલો નથી જોઈતો ત્યારે હું એ કહેવા માગું છું કે મુસલમાનો પાસેથી બદલામાં હું કશું માગતો નથી. પણ ઈશ્વર પાસેથી જરૂર મને મારો બદલો મળવાનો છે. ઈશ્વર મારી મહેનતનું અને મારા ત્યાગનું ફળ મને આપશે એવી પૂરી શ્રદ્ધા સાથે મારા સિદ્ધાંતને ખાતર હું મરીશ…’૨૫

(પોતાની કાર્યપદ્ધતિનો વિરોધ કરનારા તે કાળના ધુરંધર મહાપુરુષો વિશે)૨૬ [કહ્યું].

એમ નથી કે એ લોકોની બુદ્ધિ તો સત્યને જોઈ શકે છે, પણ એમના આવેગો તેમને બીજે માર્ગે ખેંચી જાય છે. ના. આ બાબતમાં તેમની બુદ્ધિ જ ધૂંધળી થઈ ગઈ છે. આ વિશે મારા વિચારો ચોક્કસ અને નિશ્ચિત છે. હું અત્યારે યરવડા જેલમાં પુરાયેલો છું અને બહાર સંદેશો ન મોકલી શકું તોપણ આ હું તમને કહું છું. કારણ, મારે માટે એ જીવનમરણનો સવાલ છે. હું એને માટે જ જીવી રહ્યો છું, હિંદુ-મુસલમાન સવાલનો ફડચો અહિંસાથી થઈ શકે, એવો સંદેશો હું ગમે ત્યાંથી આપી શકું. તમે કહો છો કે તેમણે તો જનસંખ્યાનું ધોરણ પકડ્યું છે. આટલા ટકા અમને મળવા જોઈએ એમ તેઓ માગણી કરે છે. હું કહું છું કે તમે એમને કહી દો કે અમારે તો શૂન્ય ટકો જોઈએ છે. આ બાબતમાં તમે તેમના હાથમાં કલમ મૂકી દો. આપણે નિષ્ફળ ગયા છીએ અને નિષ્ફળ જઈશું, જો આપણી અંતર્દૃષ્ટિ નિર્મળ ન થઈ હશે; સત્ય અને અહિંસાનો સર્વત્ર અને સદાકાળ વિજય જ છે એ વિશે શ્રદ્ધાની આપણામાં ઊણપ હશે. આ બાબતમાં તમારે તમારા મન સાથે નિશ્ચય કરી લેવાનો છે. બાકીની વાત એમના ઉપર તમે છોડી દો.

આ વસ્તુ મને અનુભવે લાધેલી છે. તે હું તમારી આગળ મૂકું છું. આ સિદ્ધાંતના સ્વીકારથી જ દક્ષિણ આફ્રિકામાં મને વિજય મળેલો. હિંદુસ્તાનમાં પણ હિંદુ-મુસલમાન ઐક્યનું એક નાનકડું મોજું ચડેલું દેખાયું હતું તે પણ આ સિદ્ધાંતના સ્વીકારને જ પ્રતાપે. મુસલમાનોના જેવા શરીરબળિયા થવાની૨૭, અખાડા કાઢવાની અને નાગરિક સંરક્ષક દળો ઊભાં કરવાની વાત વાહિયાત છે. એ બધાં ફાંફાં છે. હિંદુઓ કહે છે કે મુસલમાનો કરતાં વધારે બળવાન થાઓ. એના જવાબમાં મુસલમાનો હિંદ બહારના પોતાના સધર્મીઓ સાથે જોડાવાનો વિચાર કરશે. પછી આપણે ચીન, જાપાન અને બીજા એશિયાઈ દેશો સાથે સંધિ કરવાના બેત રચીશું. આમ ક્યાં પાર આવશે? એક વાર શરીરબળના ઉપયોગનો સ્વીકાર કરો એટલે પછી જોતજોતામાં તમે આખા દેશને લશ્કરી છાવણીમાં ફેરવી નાખશો. તમે જાતે તમારો બચાવ ન કરી શકતા હો તો ભાડૂતી ગુંડાઓને રોકવા જશો! બીજું પગલું પોલીસની મદદ લેવાનું આવશે. પછી બહારનાં રાષ્ટ્રોની મદદ લેવાનો વિચાર કરવો પડશે. આમ આ વસ્તુનો પાર નહીં આવે.૨૮

તમારે તો મન સાથે નિશ્ચય કરી લેવાનો છે કે જે વસ્તુને આપણે ધર્મ માન્યો છે તેમાંથી એક તસુ પણ ચલિત થવું નથી. મારો સિદ્ધાંત સદાકાળ માટે છે. કોઈ મારું નહીં સાંભળે તો તેમાં મારું શું જવાનું છે? બુદ્ધે આપેલા ઉપદેશનાં ફળ હજી આવ્યાં નથી. પણ તેથી કોણ કહેશે કે બુદ્ધ નિષ્ફળ ગયા? હજી તો માત્ર ૨,૬૦૦ વર્ષનો ગાળો વીત્યો છે. ખ્રિસ્તી સમાજે વ્યવહારમાં ઈશુખ્રિસ્તના ઉપદેશનો ઇન્કાર કર્યો છે. તેવું જ મહમદ પેગંબરનું બન્યું છે. આજના મુસલમાનોમાં લડવાની ખોટી બડાઈ હાંકવા સિવાય બીજું શું છે? તેમનામાં મહમદ અને તેની પછીના ચાર ખલીફાઓનો આપભોગ, સાદાઈ, ઈશ્વરનિષ્ઠા ક્યાં જેવામાં આવે છે? મહમદનો સંદેશો એ હવે અંતિમ સંદેશો છે, અને શાશ્વતકાળને માટે છે એમ પણ મને લાગતું નથી. જે દેશમાં અને જે કાળે એ સંદેશો અપાયો તે દેશ અને કાળ માટે એ બહુ સારો હતો, પણ તેથી તે પરિપૂર્ણ અને નિર્ભેળ છે એમ ન કહી શકાય. મહમદ એ છેલ્લો પેગંબર થઈ ગયો અને હવે બીજો પેગંબર આવવાનો નથી એમ પણ હું માનતો નથી.૨૯

હકીમજી, મહમદઅલી અને શૌકતઅલી મળ્યા તે પ્રસંગ પણ શૌકતઅલી મળ્યા ત્યારના પ્રસંગ જેવો હૃદયદ્રાવક હતો. મહમદઅલીએ પગ ચૂમ્યા, પણ ઓઢેલા સાથે. હકીમજીને બાપુએ જ પ્રણામ કર્યા અને હાથ મિલાવ્યા.

પછી ઘણી વાતો થઈ, તેમાં વચ્ચે મહમદઅલીએ પૂછ્યું: ‘બાપુ, એક ઇજાજત ચાહિયે. પરદેશો મેં પ્રચારક કે લિયે નહીં, લેકિન વહાં જો કુછ ગલત પ્રચાર હોતે હૈ ઉનકો મિટાને કે લિયે.’ એટલે બાપુએ બમનજીને જે કહ્યું હતું તે જ કહ્યું અને જણાવ્યું કે, ‘હું ઇજાજત આપનાર કોણ? મારે ગાંધીરાજ નથી કરવું ઇત્યાદિ.’ તોપણ પેલાએ આગ્રહ ધર્યો ત્યારે તેમણે કહ્યું કે, ‘તમે જે કરશો તે વિચારીને કરશો. હું આવીને તમને ઠપકો નથી આપવાનો. મારો પોતાનો મત તો એવો છે કે કાંઈ બહાર પ્રચાર કરવાની જરૂર નથી.૩૦

આ જ દિવસોમાં મહાદેવભાઈએ नवजीवनના વાચકો સારુ ખાસ લેખો પણ લખ્યા. મહાદેવભાઈ પોતાના હૃદયનો પડઘો પોતાની કલમ મારફત વાચકો પર કેવો પાડતા હતા તેના નમૂનારૂપે તે કાળના नवजीवनના લેખોમાંથી ખૂબ કંજૂસાઈથી વીણેલા કેટલાક ઉતારાઓ નીચે આપ્યા છે:

બાપુનાં દર્શન …નું ભાગ્ય પ્રાપ્ત થયું, સેવા કરવાનું તો નહીં જ… મુંબઈમાં તોફાન વખતે [૧૯૨૧]માં જોયેલા ત્યાર પછી ગયે અઠવાડિયે…જોયા. અશક્તિનો પાર ન હતો. તેમને ધીમે ધીમે બોલવાનો પ્રયત્ન કરતા જોઈને ગભરાઈ જઈએ. ચાદરમાંથી માત્ર તેમનું મોં જ બહાર દેખાતું હતું. બાકીનું શરીર એટલું સૂક્ષ્મ થઈ ગયેલું હતું કે શોધ્યું નહોતું જડતું. તેમને બોલવા દેવા એ પણ નિર્દયતા હતી. પણ તેમનો પ્રેમનો સાગર રોક્યો કેમ રોકાય? એમને જોતાંની સાથે તે તેમના હાસ્યના રૂપમાં ઊલટી પડ્યો …એ પ્રેમના અમે પાત્ર થયા તેથી શું હું અમને ધન્યવાદ આપું? નહીં જ. સૂર્યનો પ્રકાશ તો પૃથ્વીની દસે દિશામાં અને દરેક ખૂણામાં સરખો જ પડે છે. એ પ્રેમ પામ્યા એ અમારું ધનભાગ્ય ખરું…

ત્યાર પછી તો આજ સુધી બાપુના ઓરડાની બહાર સિપાઈગીરી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, અને ત્રણ વરસ ઉપરની માંદગી વખતે હું એવી રીતે ચોકી કરતો તે દિવસો યાદ આવે છે.

મેં લોકોના પ્રેમની તો વાત જ નથી કરી. કારણ, એ તો એટલો જગજાહેર છે કે તેની વાત કરવાની જરૂર નથી. પણ એ પ્રેમના પ્રકારો વર્ણવું: જાણ્યા-અજાણ્યાના સવારથી તે રાત સુધી તાર આવે છે, જેના જવાબ આપવામાં જ દેવદાસની દિવસભરની સેવા પૂરી થાય છે. તિરુવાડી (તાંજોર)ના રહીશો લખે છે કે, અમે સૌએ અમુક દેવના મંદિરમાં અભિષેક અને અર્ચના કરી હતી. અને પંચનંદીશ્વરની વિભૂતિ તથા ધર્મવર્ધનિ અંબાનો કુંકુમ પ્રસાદ ગાંધીજીને માટે મોકલીએ છીએ. બીજે દિવસે કાશીથી ખબર કે ત્યાંના બ્રાહ્મણોએ મૃત્યુંજય મહાદેવના મંદિરમાં જાપ કર્યા હતા. તો કોઈ અંગ્રેજ બાઈએ જણાવ્યું હોય કે હું દરરોજ તમારે માટે પ્રાર્થના કરું છું. અવન્તિકાબહેન લખે છે કે બાપુ માંદા છે ત્યાં સુધી બાપુને બદલે બે કલાક વધારે કાંતીશ. એક અંગ્રેજ છે. તે બુઢ્ઢાને કોઈ ના પાડી શકતું જ નથી. બહાર નીકળતાં કહે, ‘એ તો અદ્ભુત માણસ છે. હું દિવસમાં ત્રણ ટાણાં એને માટે પ્રાર્થના કરું છું કે એ મારા જેવો ઘરડો થાય.’ અનેક અંગ્રેજો પ્રાર્થના કરે છે. અનેક અમલદારો એની ખબર પૂછે છે.

હકીમજી જેવા, મૌ. અબુલકલામ આઝાદ, મહમદઅલી અને જવાહરલાલ જ્યારે પુછાવે છે કે, ‘બાપુને મળી શકાય ખરું કે?’ ત્યારે શ્રી જયકર જેવા લખે છે કે, અત્યાર સુધી જાણીને જ નથી આવ્યો. હવે આવવાનો ઇરાદો રાખું છું. તે કેવળ હું, મારા મિત્ર નટરાજન દૂરથી એમનાં દર્શન કરી શકીએ તેટલા માટે જ.૩૧

नवजीवनના કામ અંગે મહાદેવભાઈને અમદાવાદ આવવું પડે છે. બાપુ માંદગીના બિછાને હોય ત્યારે તેમનાથી દૂર જઈને બેસવું એમને માથાના ઘા જેવું લાગે છે. પણ અંકોના અંકો સુધી એમનાં લખાણનો વિષય તો ખાટલે પડેલા બાપુ એ જ છે. ‘અમૂલખ અવસર’ નામના લેખમાં તેઓ એની ચોખવટ કરતાં કહે છે:

પૂનામાં ઉત્પન્ન થયેલી ઉન્મત્ત દશા હજી ઊતરી નથી. અને એ દશા તુરત તો કેમ ઊતરે? જે રસાયણશક્તિને નથી વય અસર કરી શકતી, નથી બંદીખાનાની બેડી અસર કરી શકતી, કે નથી ભયંકર વ્યાધિ અસર કરી શકતી, તે રસાયણ બધાં સ્થૂળ બંધનોને તોડે છે. તેથી સૌ કોઈ પલટાય છે. એ પ્રેમના રસાયણની અસર ઉત્પન્ન થઈ કે એને અટકાવવાની કોઈની તાકાત નહોતી, તેમાંથી છૂટવાની કોઈની તાકાત નહોતી. … બાપુનો વ્યાધિ જોઈને કોઈનું અંતર રડ્યું ન હોય એમ નથી, છતાં સૌ માનતાં જ હતાં કે ઈશ્વરે વ્યાધિને મિષે તેમનાં દર્શન કરાવ્યાં. સૌ નિરાશા, નિરુત્સાહ થયાં હતાં, તેમને પ્રાણ અને ચેતન મેળવવાનો પ્રસંગ ઈશ્વરે ગાંધીજીના વ્યાધિથી ઉત્પન્ન કર્યો. આપણે નિષ્ઠુર બન્યા હોઈએ તો વ્યાધિમાં પણ ગાંધીજીની પ્રકૃતિસિદ્ધ મધુરતા જોઈને મધુર બનીએ, કાર્યવિમુખ થયાં હોઈએ તો વ્યાધિમાં છતાં પણ કાર્યપરાયણતા આચરતા અને ઉપદેશતા ગાંધીજીનાં દર્શન મેળવી કાર્યપરાયણ થઈએ, આપણે ભેદભાવથી ભરેલા હોઈએ તો વ્યાધિશય્યામાંથી પણ અભેદભાવ ઉપદેશતા ગાંધીજીને જોઈને કાંઈક ભેદભાવ તજીએ; એવો નિશ્ચય કરીને જ સૌ પૂનાથી વિદાય થયા હશે એમ મારું માનવું છે.૩૨

ઉપરોક્ત વાક્ય મહાદેવભાઈની અંતરની વૃત્તિનો જ પડઘો નહીં તો બીજું શું છે?

હૉસ્પિટલમાં મુલાકાતે આવનાર મુલાકાતીઓનાં વર્ણનો મહાદેવભાઈની ભક્તિઝબોળી કલમને અભિવ્યક્તિની સામગ્રી આપી રહે છે. આ વર્ણનોમાં નાનાવિધ સ્વરૂપે, નાનાવિધ શબ્દોમાં નાનાવિધ ભાવથી આપણને ભક્તહૃદય મહાદેવની જ છબીઓ જેવા જડે છે. જુઓ શૌકતઅલી, રાજાજી અને હકીમ અજમલખાન જોડેની મુલાકાતનાં વર્ણન:

શૌકતઅલી આવશે ત્યારે શું થશે એવું સૌ કોઈને થતું હતું. એ આવ્યા એની વાત તો આખી ઇસ્પિતાલમાં ફેલાઈ ગઈ. કાખલાકડી ઉપર ચાલતા દર્દીઓ, અને ખુરશીમાં બેસીને આંટા મારતા દર્દીઓ પણ તેમની ખબર સાંભળીને દોડી આવ્યા, અને અમે જે ઓરડામાં બેસીએ છીએ તે ઓરડો આ દર્દીઓથી ભરાઈ ગયો! સૌની સાથે શૌકતઅલીએ હાથ મિલાવ્યા. બાપુની પાસે જતાં પહેલી વાત કરવાનો તો હક બી અમ્માનો જ. તેઓ દુઆ આપી લે ત્યાં સુધી શૌકતઅલી જેમતેમ પોતાનો ઊભરો રોકી શક્યા. આ પછી પોતાની મુસાફરીની વાતો, પોતે ખાદીનું ઢોલ બન્યા છે તેની વાતો, અને બીજી અનેક વાતો કરીને તેમણે બાપુને હસાવ્યા, એટલું જ કહું તો વર્ણન પૂરું ન થાય. હસવાથી માણસનું લોહી વધે છે એમ કહેવાય છે, શૌકતઅલીના શરીરના પ્રમાણમાં બાપુનું લોહી વધારવાની પણ તેમની જવાબદારી તો ખરી જ. અને તેમની એક ખૂબી ભારે રહી. તેઓ ભાગ્યે જ તેમને બોલવા દેવાના. પોતે જ ઘણીખરી વાતો કરે. બિછાનામાં પડેલા બાપુ તો બોલે જ શાના? એટલે બોલવાનું ન હોય છતાં ખડખડ હસ્યા જ કરવાનું હોય એવો દિવસ બાપુનો ઑપરેશન પછી આ પહેલો જ ગયો. અને સૌથી વધારે હસાવીને બાપુનું થોડું લોહી વધારવાનો દાવો બડાભાઈ જરૂર કરી શકે છે. પણ હસાવી તો કોઈ મશ્કરોય શકે. શૌકતઅલીની સાથેના મેળાપની વાત હજુ અધૂરી છે. લાલાજીએ ઉપજાવેલા કરુણાના વાતાવરણને હળવું કરવાનું કામ બાપુએ જ લીધું હતું. બાપુને અને તેમની આસપાસના સૌને ખૂબ હસાવીને તેમને ગંભીર કરવાનું કાર્ય તો શૌકતઅલીએ જ કર્યું. જતાં જતાં બાપુના પગ ફંફોસવા લાગ્યા, ‘મહાત્માજી ઇતને દૂબલે હો ગયે હૈ કિ પૈર તો દિખાઈ નહીં પડતે હૈં.’ સાચે જ ઓઢેલામાં બાપુના લોહીમાંસ વિનાના પગ શોધી કાઢવા કઠણ હતા. આખરે જડ્યા એટલે ઓઢેલું બધું ઉઠાવી લઈ, પગને ખુલ્લા કરી અતિશય પ્રેમ અને કરુણાભરી આંખ સાથે બંને પગ ઉપર ચૂમી લીધી!

પછી રાજગોપાલાચાર્ય આવ્યા, જમનાલાલજી આવ્યા, શંકરલાલ આવ્યા. આ બધા પ્રેમઘેલાઓનાં ચિત્રો આપવા બેસી જાઉં તો હું પોતે મનુષ્ય મટીને નિષ્ઠુર કલાઉપાસક બનું. કેટલીક વાતો ન કહેલી જ શોભે. રાજગોપાલાચાર્ય અને બાપુના મેળાપની અંદર સહેજ ડોકિયું કરવામાં ઔચિત્યનો ભંગ નથી થતો એમ માનીને એક લગાર સરખો પ્રસંગ કહી લઉં:

બાપુ રાજગોપાલાચાર્યની ખબર પૂછવા લાગ્યા. તેમની વારંવાર થતી ઉધરસમાં જ બાપુને પોતાના જવાબનો ઉત્તર મળી રહેતો હતો. આખરે બાપુના પ્રશ્નો વધવા લાગ્યા ત્યારે રાજગોપાલાચાર્યે ઊલટો પ્રશ્ન પૂછ્યો: ‘પણ તમે ખોરાક ક્યારે વધારશો?’ બાપુ કહે: ‘ત્યારે તમારે વાતને ફેરવવી છે કેમ? સાચી વાત. કથરોટ કૂંડાને કાંઈ હસી શકે?’ એટલે રાજગોપાલાચાર્ય કહે, ‘ના, ના, પણ આપ તો છેક અર્ધા થઈ ગયેલા લાગો છો. હું આશા રાખતો હતો કે આના કરતાં તો તમે સારા જ હશો.’ બાપુ બોલ્યા: ‘હા, પણ હું કદાચ તેના કરતાંયે નબળો હોત. પણ તમે તો હોવા જોઈએ તેના કરતાં નબળા છો.’

આવી જ રીતે રાજગોપાલાચાર્યનું મોં બંધ કરનારની હકીમજી આગળ વૃત્તિ જુદી જ હતી. હકીમજી મહમદઅલીની સાથે આવ્યા હતા, સાથે બડેભાઈએ પણ પાછા આવવાની તક લીધી. હકીમજી પોતે ખૂબ નબળા થઈ ગયેલા છે. તેમને બાપુએ કુશળતા પૂછી. હકીમજીએ પૂછ્યું: ‘તકલીફ તો બહુત હુઈ હોગી?’ બાપુ: ‘હાં, ક્યા કહના?’ એટલે હકીમજીએ પાછું પૂછ્યું: ‘સબબ માલૂમ હુઆ?’ બાપુ કહે: ‘સખત ગુનાહ કિયા હોગા, ઉસકી ખુદા સઝા દે રહા હૈ.’ મહમદઅલી સ્તબ્ધ બેઠા હતા. વધારે સ્તબ્ધ થયા, આંખો લૂછવા લાગ્યા. જેને માનવસમાજ નિષ્કલંક માને છે તેને પણ ખુદા આવી સજા કરતો હશે, તેનાથી પણ ગુના થતા હોય તો તો પામરોનું શું ગજું? સૌ કોઈ એ જવાબ સાંભળી સ્તબ્ધ થયું, અને પોતાના અંતરની સાથે એવો જ કાંઈક પ્રશ્ન પૂછવા લાગ્યું. બીજી થોડી વાતો થઈ, પણ તે બધી જ એવી ગમગીનીથી થતી રહી. એ ગમગીનીને કોણ તોડે? એ બડેભાઈ, છોટેભાઈ અને બાપુ ત્રણેયે તોડી. શૌકતઅલી જતાં જતાં કહેવા લાગ્યા: ‘મહારાજ, અચ્છી તરહ સે ખાઈએ, હમ તો આપ કે સિવા ચલા લેંગે. લેકિન આપ કો અચ્છા હો જાના ચાહિયે. આપ બહુત કમ ખાતે હૈ. આપ જ્યાદા ખાઈએ.’ બાપુ: ‘હાં, ખાઉંગા. લેકિન મોટા હો જાઉંગા તો ફિર આપ જેબ મેં મુઝે કૈસે ઉઠા સકેંગે?’ એટલે મહમદઅલીએ ઉમેર્યું: ‘બાપુ, કર્નલ મેડકને કહોને કે શૌકતને કાપીને થોડા કકડા આપના ઉપર ચોંટાડે.’ બાપુ હસીને બોલ્યા: ‘કર્નલ બિચારો શૌકતને જોઈને ડરી રહ્યો હોય તો?’

આમ સૌને હસાવીને બાપુ પોતા વિશેની ચિંતામાંથી એમને મુક્ત કરી રહ્યા છે. પણ બાપુને જોઈને ખરી રીતે હસવાનો સમય આવતાં ઘણી વાર લાગશે. બાપુ હજુ પથારીવશ જ છે. ઘા હવે વધારે રુઝાયો છે, પણ પુરાયો નથી, હજી અર્ધા ઇંચ જેટલો ઊંડો છે, ટાંકા લગાવેલા હતા તેટલા ભાગમાં રૂઝ આવી ગઈ છે, પણ ઘા પૂરો પુરાય નહીં ત્યાં સુધી પથારીમાંથી ડૉક્ટર નહીં ઊઠવા દે.૩૩

नवजीवनના ત્રણ અંકો સુધી ગાંધીજીની માંદગી અને ઇસ્પિતાલમાં ગાળેલા એમના દિવસો વિશે લખવા છતાં મહાદેવભાઈની લેખનસામગ્રી ખૂટતી નથી કે નથી એમને એનો કંટાળો આવતો. આનું કારણ સમજાવતાં તેઓ પોતાના જીવનનું એક સત્ય ઉચ્ચારે છે:

જો કોઈ વાર અમુક વસ્તુ દર્શાવવાની ખાતર સૂર્ય અને દીપકની તુલના કરવી ક્ષમ્ય ગણાય તો હું કહું કે તુલસીદાસને रामचरितमानस લખતાં કંટાળો આવ્યો હોય, અથવા શંકા થઈ હોય કે કોઈ વાંચશે કે નહીં તો મને બાપુ વિશે કાંઈ પણ લખતાં કંટાળો આવે અથવા વાંચશે કે નહીં એવી શંકા થાય.૩૪

બાપુ વિશે લખતાં મહાદેવને કંટાળો આવતો નથી અને બાપુ વિશેનું લખાણ વાંચતાં કોઈને કંટાળો આવશે એવી શંકા પણ મહાદેવને થતી નથી. કારણ, મહાદેવનું ભક્તહૃદય બાપુના ગુણ ગાતાં થાકે એમ નથી અને ભક્તહૃદય હોવાને લીધે તેઓ બીજાના હૈયામાં પણ એ જ ભાવ વાંચે છે. મદ્રાસના એક જમીનદારની મુલાકાતનું વર્ણન આ વાતની સાખ પૂરે છે:

તેઓ દિલ્હી જતાં બાપુને મળવા આવી ગયા હતા. તેમની નિર્મળતાનો તો પાર નથી. તેમની ઉંમર પણ બહુ ઓછી છે. તેઓ એક દિવસ સવારે આવ્યા. સાંભળવાની શક્તિ તેમની બહુ ઓછી છે, એટલે, બાપુએ મોટેથી કહ્યું, ‘તમારી સાથે વાતો કરું એમ તો આશા જ ન રાખશો. મારાથી એટલું તાણીને ન બોલાય.’ બિચારા સ્તબ્ધ ઊભા રહ્યા. બાપુના શરીર ઉપર હળવે હળવે હાથ ફેરવવા લાગ્યા, જરા જરા પગ દબાવવા લાગ્યા. ‘શરીર કેવું અર્ધું થઈ ગયું છે!’ — એટલા જ ઉદ્ગાર તેમની મુખાકૃતિ કહી રહી હતી પણ પછી તેઓ એ દશામાં પણ વધારે વખત ઊભા ન રહી શક્યા. ત્યાંથી ખસ્યા, જરા દૂર જઈને ઊભા રહ્યા. કઠણ પ્રયાસ છતાં તેમની આંખે તેમના મનનું કહ્યું ન માન્યું. ગજવામાંથી રૂમાલ શોધવા લાગ્યા. રૂમાલ ન મળે એટલે કોટના છેડાએ આંખો લૂછી નાખી! તેમનું મન વાળવાની ખાતર કોઈકે પૂછ્યું: ‘દિલ્હી ક્યારે જાઓ છો?’ તેમણે દુ:ખથી જવાબ આપ્યો: ‘ત્યાં કરવાનું શું છે જે દિલ્હી જાઉં?’ વળી કેટલોક વખત સ્તબ્ધ ઊભા રહ્યા, અને ‘સાંજે મારી માતુશ્રીને લઈને આવીશ.’ એમ કહીને ચાલ્યા ગયા. સાંજે આવ્યા ત્યારે તો તેમને દિલ્હી માટે ઊપડવાની ઉતાવળ હતી, એટલે માત્ર રજા લેવા ખાતર અને તેમનાં માતુશ્રીને ગાંધીજી સાથે મેળવવાની ખાતર તેમણે ડોકિયું કર્યું. બહાર નીકળી સવારના જેટલા જ ગળગળા થઈને બોલ્યા: ‘એઓ છૂટે તો એમને જ પગલે હું ચાલીશ.’ કહી વિદાય લીધી.૩૫

ગાંધીજીને વધારે પડતી તકલીફ ન પડે એ આશયથી એમને મળવા આવવા ઇચ્છનાર લોકોને વારવા એ કપરું કામ હતું. મહાદેવભાઈને એ કામ આખી જિંદગી કરવું પડ્યું. પણ માંદગી જેવા પ્રસંગે એ કઠણ કામ વધુ કઠણ થઈ જતું. મહાદેવભાઈની પ્રકૃતિસિદ્ધ નમ્રતાને લીધે જ તેઓ આ કઠણ ‘ડ્યૂટી’ બજાવવા છતાં રોજ નવા નવા દુશ્મન બનાવવામાંથી બચી જઈ શકતા. પૂનામાં કરેલા ‘દ્વારપાળ’ના કામ અંગેની મહાદેવભાઈની પોતાની જ ટિપ્પણી જુઓ:

પણ કઠણ સ્થિતિ દ્વારપાળોની છે. મીઠા મિજાજવાળા દ્વારપાળ જ્યારે રીઝવીને કાઢે છે, ત્યારે પેલી નર્સ જેવા તમાચો મારીને કાઢે છે. પણ કોઈક વાર મીઠાશ કરતાં પણ ભારે ઊંડા પાણીમાં ઊતરવું પડે છે. એકબે જણને કહેવામાં આવ્યું, ‘તમે ખાદી પણ પહેરીને ન આવો તો ગાંધીજીને તમે શી રીતે રાજી કરશો?’ બહુ નમ્રતાથી કહેવામાં આવ્યું હતું. પણ તરત જવાબ મળ્યો, ‘મિ. શાસ્ત્રી: ખાદી પહેરે છે?’ હું મૂંઝાયો. મેં કહ્યું, ‘મિ. શાસ્ત્રીને, મને પૂછીને ગાંધીજીને મળવા જવાનું નહોતું. તેમને તો ગાંધીજી જ મળવા ઇચ્છતા હતા. તમને ગાંધીજી બોલાવતા હોય તો જરૂર જવા દઉં.’ ત્યારે એક ભાઈએ કહ્યું, ‘મેં તો ખાદી પહેરી છે, મને શા સારુ નથી જવા દેતા?’ આમ તર્કશાસ્ત્રના વિદ્યાથીને બહુ ગમ્મત આવે એવી દલીલો થઈ રહી હતી. એક ભાઈએ મને કહેલું: ‘તમે જ રોકો છો, મહાત્માજી તો એટલા દયાળુ છે કે સૌ કોઈને મળવા દે.’ એને જવાબ દેવો પડ્યો: ‘સાચું, હું પણ તેટલો દયાળુ હોત તો હું મહાત્મા હોત, અને તમે મારાં જ દર્શન કરીને તૃપ્ત થાત. પણ મહાત્મા તો ગાંધીજી જ છે, અને હું તો કેવળ પહેરેદાર છું.૩૬

મહાદેવભાઈ માત્ર ગાંધીજીના લખેલા જ પત્રો નહીં, પણ ગાંધીજી ઉપર આવેલા અગત્યના પત્રોની નોંધ પણ જ્યારે તેઓ ગાંધીજી પાસે હોય ત્યારે કરી લેતા. લોકોની શ્રદ્ધા-ભક્તિનો ખ્યાલ આવે એવો એક પત્ર વચ્ચે મહાદેવભાઈ ગાંધીજીના દર્શને મુંબઈ ગયા ત્યારે નોંધ્યો છે:

ગાંધીજી ઉપર એક પત્ર આવ્યો છે, જેનો હૃદયદ્રાવક ભાગ નીચે આપવામાં આવે છે. પત્ર લાહોરના બરકતરામ થાપર નામના સજ્જનનો તા. ૧૦મી ફેબ્રુઆરીનો છે:

આ પત્ર સાથે સો રૂપિયાની નોટ બીડું છું. તે મારી દીકરી સરલાદેવી, જે સોળ વર્ષની કુમળી વયે ગઈ તા. ૬ઠ્ઠીએ સ્વર્ગસ્થ થઈ તેની ઇચ્છાનુસાર હું મોકલું છું. પોતાના મૃત્યુ પહેલાં જ આપના છૂટવાની વાત સાંભળીને તે બહુ ખુશ થઈ હતી. ગયે વર્ષે એપ્રિલમાં એ બિચારી સિમલા ગઈ તે પહેલાંની તેની તબિયત સાધારણ ઠીક રહેતી હતી. મારી સાથે ફરવા આવતી ત્યારે તે ચાલતી પણ ઝપાટાબંધ, અને તે ભારે ખુશમિજાજ હતી. તેની બુદ્ધિ પણ તીવ્ર હતી અને તે પોતાનું, પોતાના કુટુંબ અને પોતાના પ્યારા વતન પ્રત્યેનું કર્તવ્ય બરોબર સમજતી હતી. ૧૯૨૧ના ઑગસ્ટ મહિનામાં તેણે ખાદીની પ્રતિજ્ઞા લીધી હતી અને તે વેળા પોતાની માતા અને મોટી બહેનને સાક્ષી રાખ્યાં હતાં. માતા ખાદીની પ્રતિજ્ઞાની વિરુદ્ધ હતી, કારણ, કુંવારી છોકરી એવી પ્રતિજ્ઞા લે અને વિવાહ પછી તે ન પાળી શકે તો? — એવો તેને ભય હતો. પણ સરલાએ તેની માતાની બીકને હસી કાઢી. દુર્ભાગ્યે મોટી બહેન ૩૦મી જુલાઈએ ૧૯૨૨માં ગુજરી ગઈ, અને સરલા પણ બિચારી ગયા વર્ષની ૧૭મી ઑગસ્ટથી માંદી પડી. અમારા બે જુવાન છોકરા અને એક મોટી દીકરી તો અમે ખોયાં હતાં જ એટલે મારી સ્ત્રીનું હૃદય ઘવાયેલું તો હતું જ તેમાં વળી આ બિચારીની માંદગી આવી. મરતી વખતે તેણે તેની માને કહ્યું, ‘મારી ખાદીની પ્રતિજ્ઞા પળાઈ એ કેવું સારું થયું! મારાં બધાં કપડાં કોઈ નિરાધાર છોકરીઓને આપજો.’ આ પછી મારા તરફ જોઈને ભાંગેલે અવાજે તેણે મને આપના ઉપર રૂ. ૧૦૦/- સ્વરાજ ફંડ માટે મોકલી આપવાનું કહ્યું. પોતાનો દેશ, પૂર્વનો મહિમા અને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરે એવી એ બિચારીની ભારે ઝંખના હતી. ઈશ્વર એની ઝંખના પૂરી કરે.૩૭

હવે આપણે ફરી પાછા આ કાળ દરમિયાન મહાદેવભાઈના માનસમાં ડોકિયું કરીએ. તેમણે તે વખતે લખેલા અને આજ સુધી સચવાયેલા કેટલાક પત્રોમાં એમનું માનસ સારું પ્રગટ થાય છે.

મહાદેવભાઈ અમદાવાદમાં બેઠા नवजीवनનું કામ સંભાળતા હતા, પણ એમનું દિલ તો, સ્વાભાવિક રીતે જ ગાંધીજી પાસે પૂના કે મુંબઈમાં હતું. વળી ગાંધીજીની બાબતમાં ઝીણામાં ઝીણી વિગતો नवजीवनના વાચકો આગળ રજૂ થાય એવું તેમનું પત્રકાર-મન કહેતું. તેમાંયે જે કોઈ જાણીતી વ્યક્તિ ગાંધીજીને મળી હોય અને એ મુલાકાતના સમાચાર તેઓ नवजीवनમાં સમયસર ન આપી શકે તો મહાદેવભાઈનું મન કોઈ દૈનિક પત્રના ચીવટવાળા તંત્રી જેટલું જ કોચવાતું. ગાંધીજી પાસે તે વખતે દેવદાસ, પ્યારેલાલ જે કોઈ હોય તેમની પાસેથી મહાદેવભાઈ પત્રો દ્વારા સમાચાર કઢાવવા પ્રયત્ન કરતા. અને ગાંધીજીને મળીને કોઈ પણ વ્યક્તિ અમદાવાદની આસપાસ ફરકે તો તેમની મુલાકાત લઈ મહાદેવભાઈ नवजीवनના વાચકોને ગાંધીજીના છેલ્લામાં છેલ્લા સમાચારથી વાકેફ રાખવા પ્રયત્ન કરતા. પણ સૌમાં પહેલી પ્રાથમિકતા ગાંધીજીની તબિયતને. મુંબઈમાં ધારાસભામાં ગાંધીજીને છોડવાનો ઠરાવ મુકાવાનો હતો તે જ દિવસે સવારે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. તે સાંભળીને તરત લખેલો પહેલો પત્ર આપણે આ પ્રકરણના આરંભમાં જોયો. ફેબ્રુઆરી ૧૯૨૪માં તારીખ વગરના આ બીજા પત્રમાં મહાદેવભાઈ દેવદાસને લખે છે:

તમને તો બનતાં સુધી હું રોજ કાગળ લખ્યા જ કરવાનો. તમારાથી લખાય તો લખવો અથવા ન લખવો. આજે ૫૦૦ રૂપિયાનો તારથી મનીઑર્ડર કર્યો છે — કારણ હવે તો નર્સ વગેરેનો અને બધો જ ખર્ચ આપણો થઈ પડ્યો. એટલે મને થયું કે તમને તુરતાતુરત પૈસાની જરૂર હશે. તારથી મોકલવાનું જ મુનાસિબ ધાર્યું. બાપુને આ વાત ન કરશો. મારી પાસે આવા પૈસા પડ્યા. હોય છે જ. વધારે જોઈએ તો લખશો.

ખરચની જાણ થાય તો બાપુ નર્સ ન રાખે એ બીકે જ મહાદેવભાઈ ‘કરવી ઘરમાં ચોરીઓ’ સારુ તૈયાર થયા હશે.

પછી કામને લીધે ગાંધીજીની તબિયત અંગે ચિંતા:

આજે क्रॉनिकल જોયું અને તેમાં મહમદઅલીએ બાપુને અજમેર જવાનું કહ્યું એ વાંચ્યું ત્યારથી મને ભારે વસવસો પેદા થવા લાગ્યો છે. આ લોકો શું કરશે? આ લોકોના ત્રાસમાંથી બાપુને બચાવવા અઘરા છે. એ કામ હાલ તો તમારું અને પ્યારેલાલનું થઈ પડ્યું છે. છાપામાં પણ ખૂબ લખાપટ્ટી કરી નાખવી જોઈએ. આ દૃષ્ટિએ ‘સિક્સ ગાંધી મન્થસ’વાળો क्रॉनिकलનો લેખ સરસ ગણાય. પણ એ વિનંતી બાપુને પણ કરી નહીં શકાય? બાપુ પોતે જ અમુક કલાક કોઈ પણ જણને મળવાની ના પાડે, અને અમુક સંખ્યા જેટલા માણસને મળ્યા પછી બંધ કરે, છ મહિના સુધી શાંતિ માટે જે જગ્યાએ જવું હોય તે જગ્યા સિવાય બીજે ક્યાંય ન જાય, અને પૂનાથી અહીં આવતાં અથવા જ્યાં જવું હોય ત્યાં જતાં છાનામાના સ્પેશિયલમાં આવવા કબૂલ થાય. તમને આ સૂચનાઓ કેવી લાગે છે? મારા મનમાંથી તો પેલો વિચાર ખસતો જ નથી કે સરકાર છૂટી ગઈ છે, અને આપણે બંધાયા છીએ હવે.૩૮

છેવટે આ બાજુના સમાચાર:

ઍન્ડ્રૂઝ મળ્યા. એણે છૂટવા વખતનું તાદશ દૃશ્ય આપ્યું. આજે આશ્રમમાં આવવાના છે. આજે મેં ગૂજરાત વિદ્યાપીઠના છોકરાઓ આગળ बे कलाकનું ભાષણ આપ્યું. બાપુના જન્મદિવસનું ભાષણ તો તમે સાંભળ્યું જ હતું. તેવું જ પણ તેથી બમણું અને છોકરાઓ તો કહેતા હતા કે આખો દિવસ બોલ્યા જ કરો. હું થાક્યો હતો. મેં ના પાડી, એટલે પ્રોફેસર કૃપાલાની જેમણે કાલે તો છોકરાઓને રજા આપી હતી, તેમણે આજે પણ છોકરાઓને રજા આપી, એમ કહીને કે આટલું સાંભળ્યા પછી હવે શું ભાષણો સાંભળવાં છે?૩૮

બધા પત્રો આટલી સ્વસ્થતાથી નથી લખાયા. બાપુના સમાચાર મેળવવાનો તલસાટ કદીક અકળાવી મૂકે એવો હોય છે, ઘડીક વળી એ તલસાટ પ્રગટ કર્યા પછી એની ઉપર ફેરવિચાર પણ થાય છે:

તમારા કાગળની દરરોજ ચાતકની માફક વાટ જોઈ છે. અને જ્યારે તેમ કરવામાં નિષ્ફળ થયો ત્યારે મને શું થયું હશે તે તમે કલ્પી શકશો. તમને વખત હશે અને તમે નથી લખતા એમ માનતો જ નથી, પણ મારી અધીરાઈ પણ તમે સમજી શકો એમ છો. તમે એક મોટું જાડું પાકીટ મોકલો, તેમાં કચરા ખાતે નાખવાના લોકોના કાગળો બીડો અને મને આઘાત પહોંચાડો, પ્યારો૩૯ મને લખે છે કે તમે મારે માટે એક ઓડીસી ઘડી રહ્યા છો, અથવા તમારા મનમાં ઘડાઈ રહી છે. અને પછી તે ન આવે! અને વલ્લભભાઈ દરરોજ પૂછે છે કે ‘આજે કાંઈ દેવા૪૦નું આવ્યું છે?’ હવે તો એમને એ જ જવાબ આપવાનો છું કે ‘અધીરા મા થાઓ. અથવા અધીરા થવું ન હોય તો મને પૂના જવા દો. હું ત્યાંથી રોજ કાગળ લખીશ.૪૧

અને ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ કમિટીના પૅડ પર લખાયેલા પત્રમાં પણ એ જ તાલાવેલી અને બાપુ પાસે જવું કે नवजीवनમાં રહેવું એ વિશે મન હાલકડોલક છે:

૯–૩–’૨૪ પ્રિય દેવદાસ,

જ્યારે એકબીજા સાથે ચિડાઈએ છીએ ત્યારે તો હમેશાં તમે જ જીતો છો, શાંત થઈ જવામાં. આ વેળા હું જીત્યો છું. મેં તમને ચિડાયા પછી ચાર કાગળ લખ્યા, પણ તમારો એકે નથી આવ્યો. એક પોસ્ટકાર્ડ લખીને તેના ઉપર ‘ચિડાયો નથી.’ એટલા બે શબ્દ મોકલશો તો મારે માટે બસ થશે. મને મારી ક્ષણિક ચીડનું ધાર્યા કરતાં અનેકગણું પરિણામ મળી ગયું છે. તમારો કાગળ આવશે તો વધારે મળશે.

આજે એક રાજા૪૨નો કાગળ છે. તેની આખરે તે લખે છે: ‘I wish you were here and helped in the talks or at least you were present. But what is the good of this request? The assumption is that you are indispensable at Ahmedabad whereas you would have had your full value and work by Bapu.’ (તમે અહીં હોત અને ચર્ચાઓમાં મદદરૂપ થયો હોત તો કેવું રૂડું થાત! કમસે કમ અહીં હાજર તો રહેત! પણ આ વિનંતીનો અર્થ શો છે? એમ ગૃહીત ધરવામાં આવે છે કે અમદાવાદમાં તમારી હાજરી અનિવાર્ય છે, બાપુ પાસે તમારા સમય અને શક્તિનો પૂરો સદુપયોગ થાત.)

હુંયે પૂછું છું કે જ્યારે કાંઈ જ નથી થઈ શકે એમ ત્યારે આવું લખવું શા કામનું?

તમે જે દિવસે પૂના છોડો — જો હજી ન છોડ્યું હોય તો — ત્યારે એક તાર ન કરો? ‘કોડ’થી કરો જોઈએ તો. આપણો કોડ આટલો જ ‘બાપુ ઑલરાઇટ’? તો પછી ખબર ક્યાં ફેલાવાની? પણ અમને ખબર હોય તો ભલા માણસ કાગળ વગેરે કાંઈ લખવું હોય તો તેની સવડ પડે. આજ આટલું જ. પૂ. બાને પ્રણામ.

લિ., સ્નેહાધીન, મહાદેવ૪૩

ગાંધીજીએ જ્યારે જરાક શરીર વળતાં જ કહ્યું કે, नवजीवन અને यंग इन्डियाનું તંત્રીપદ પોતે સંભાળી લેશે ત્યારે મહાદેવભાઈનો આનંદ લંકાથી પાછા આવી રામચંદ્રે રાજ્યભાર સંભાળ્યો ત્યારે ભરત-શત્રુઘ્નને થયેલા આનંદથી લગીરે ઓછો નહીં હોય. મહાદેવભાઈ તંત્રી તરીકે नवजीवनના વાચકો પાસેથી વિદાય લેતાં હરખભેર લખે છે:

ગાંધીજી જ્યારે ઇસ્પિતાલમાં હતા ત્યારે ત્યાંના જીવનનાં કેટલાંક ચિત્રો આપવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના છૂટ્યા પછી પૂનામાં કેવળ એક વાર અને તેયે બે કલાક માટે, હું તેમને મળેલો, અને ત્યાર પછી જૂહુમાં હમણાં મળ્યો. સૌથી મોટામાં મોટી ખુશખબર મને પહેલી એ મળી કે તેમણે यंग इन्डिया અને नवजीवन બંનેનું તંત્ર આવતા અઠવાડિયાથી પોતાના હાથમાં લેવાનો નિશ્ચય કર્યો છે. ‘તંત્રી તરીકે આપનું નામ જ હવે મૂકવું એટલે બધી જવાબદારી આપ લેશો, કે માત્ર મુખ્ય વિષયો ઉપર જ આપ થોડું લખશો?’ મેં પૂછ્યું, ‘ના; તંત્રી તરીકે નામ મારું જ. હવે મારાથી બેસી રહેવાય જ નહીં, અનેક પ્રશ્નો ઊભા થતા જ જાય છે, થતા જશે એટલે હવે રોકાવું બને એમ નથી. માત્ર લોકો શાંતિ આપે એ વાત બનવી કઠણ નથી.’ બે વરસ થયાં ગભરાયેલા, અકળાયેલા, ગાંધીજીનાં લખાણ વિના ટળવળી રહેલા કેટલાયે છે તેનો વિચાર કરીને, અને મારો વિચાર કરીને હું રાજી થયો. ગાંધીજી જેલમાં ગયા ત્યારે नवजीवन લેનારા ૨૩,૧૪૨ અને यंग इन्डिया લેનારા ૨૧,૫૦૦ હતા, તેમાંથી પ્રથમમાંથી ૧૫,૯૫૫ અને બીજામાંથી ૧૮,૫૦૦ તો થાકીને બંને પત્રો સાથે સંબંધ તોડી બેઠા. તેમનેયે હવે પાછો સંબંધ તાજો કરવાનો વખત આવશે એ જાણીને હું રાજી થયો. અને વિચિત્ર સંજોગોને લીધે હું જે અસ્વાભાવિક સ્થાન મેળવી બેઠો હતો તેમાંથી હવે ખસી જઈ શકાય છે, એ લાગણીથી પણ મારા આનંદનો પાર ન રહ્યો. વર્તમાનપત્ર ચલાવતાં સત્ય અને અહિંસાને જાણતાં-અજાણતાં કેટલો ભંગ થાય છે તે મારું મન જ જાણે છે; એટલે અલાહાબાદમાં જેલમાં જતાં મને જેટલો આનંદ થયેલો તેટલો આજે થાય છે. પણ ગાંધીજીનો વિચાર કરતાં હજી હું ગભરાઉં છું. એ બંને પત્રો ચલાવવા જેટલી શાંતિ, ગાંધીજીએ જે વિનંતી કરી છે તેનો અક્ષરેઅક્ષર પાળીને લોકો તેમને આપશે એવી આશા છે. વિદાય લેતાં અને દેતાં સામાન્ય રીતે દુ:ખ થાય છે, પણ મારા વાચકોની વિદાય લેવાના સંજોગો એવા મધુરા છે, કે તેમને વિદાય દેતાં અને મને લેતાં સરખું જ સુખ છે. એ ઘડી આટલી જલદી આવી એ માટે આપણે સૌ કૃપાળુ પરમેશ્વરનો આભાર માનીએ.૪૪

નોંધ:

૧. નેહરુ સંગ્રહાલય દિલ્હી, હસ્તલિખિત પત્ર, તારીખ નથી. यंग इन्डिया અમદાવાદનું છાપેલું પૅડ છે. વર્ષ ૧૯૨૪ લખેલું છે.

ર. એજન.

૩. એજન.

૪. એજન.

પ. ડૉ. પ્રફુલ્લચંદ્ર રોય.

૬. નેહરુ સંગ્રહાલય, દિલ્હી, હસ્તલિખિત પત્ર, તારીખ નથી. यंग इन्डिया અમદાવાદનું છાપેલું પૅડ છે. વર્ષ ૧૯૨૪ લખેલું છે.

૭, એજન.

૮. महादेवभाईनी डायरी – ૧૮ : પ્રસ્તાવના, પૃ. ૬.

૯. महादेवभाईनी डायरी – ૧૭ : પૃ. ૭.

૧૦. એજન, પૃ. ૨૧.

૧૧. महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૩.

૧૨. એજન, પૃ. ૩૮૩.

૧૩. એજન, પૃ. ૬.

૧૪. એજન, પૃ. ૭.

૧૫. એજન, પૃ. ૭-૮.

૧૬. એજન, પૃ. ૮.

૧૭. એજન, પૃ. ૯.

૧૮. એજન, પૃ. ૧૦-૧૧.

૧૯. એજન, પૃ. ૧૨.

૨૦. એજન, પૃ. ૨૫.

૨૧. એજન, પૃ. ૧૩.

૨૨. એજન, પૃ. ૩૭, ૩૮.

૨૩. એજન, પૃ. ૪૨.

૨૪. એજન, પૃ. ૨૬.

૨૫. એજન, પૃ. ૨૬-૨૭.

૨૬. મૂળમાં આ પ્રમાણે કૌંસમાં છે.

૨૭. અર્થાત્ પ્રતિપક્ષી જેવા શરીર કે સંખ્યાથી બળવાન થવાનો મોહ.

૨૮. महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૨૯.

૨૯. એજન, પૃ. ૨૯-૩૦.

૩૦. એજન, પૃ. ૩૦-૩૧,

૩૧. એજન, પૃ. ૩૬થી ૪૧માંથી સારવીને.

૩૨. महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૪૧-૪૨.

૩૩. એજન, પૃ. ૪૩થી ૪૫.

૩૪. એજન, પૃ. ૫૨.

૩૫. એજન, પૃ. ૩૫.

૩૬. એજન, પૃ. ૫૬.

૩૭. એજન, પૃ. ૭૧-૭૨.

૩૮. નેહરુ મ્યુઝિયમના ‘દેવદાસ ગાંધી પેપર્સ’માંથી. પત્ર ૮૨૮૪.

૩૯. પ્યારેલાલ નય્યર.

૪૦. દેવદાસ ગાંધી.

૪૧. જવાહરલાલ નેહરુ મ્યુઝિયમ ઍન્ડ લાઇબ્રેરી, દિલ્હી: દેવદાસ ગાંધી પેપર્સમાંથી.

૪૨. રાજગોપાલાચાર્ય.

૪૩. નેહરુ મ્યુઝિયમ ઍન્ડ લાઇબ્રેરી, દિલ્હી: દેવદાસ ગાંધી પેપર્સમાંથી.

૪૪. महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૭૭.