સ્વાધ્યાયલોક—૮/હું સમરું એસ. આર.

From Ekatra Wiki
Revision as of 15:07, 23 April 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું સમરું એસ. આર.}} {{Poem2Open}} ‘પરથમ સમરું…’ કોને? મધ્યકાલીન કવિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હું સમરું એસ. આર.

‘પરથમ સમરું…’ કોને? મધ્યકાલીન કવિ હોત તો આ લેખનો આરંભ પદ્યમાં આમ કર્યો હોત : ‘પરથમ સમરું શારદા…’ આવતી કાલથી નિવૃત્તિનો આરંભ થાય છે. ત્યારે આજે શિક્ષકજીવનનાં છત્રીસ વરસ પછી નિવૃત્તિની પૂર્વસંધ્યાએ, સૌથી પહેલું ભટ્ટસાહેબનું સ્મરણ થાય છે. એથી આ લેખના આરંભે ‘હું સમરું એસ. આર…’ ૧૯૪૪માં એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં મારો વિદ્યાર્થી તરીકે પ્રવેશ. ત્યારે ભટ્ટસાહેબનો મને પ્રથમ પરિચય, એમના વિદ્યાર્થી તરીકે. પછી ૧૯૫૦માં એ જ કૉલેજમાં મારો અધ્યાપક તરીકે પ્રવેશ. ત્યારે ભટ્ટસાહેબનો મને વધુ પરિચય, એમના સહ-અધ્યાપક તરીકે. પછી ૧૯૮૪ લગી, ચાલીસ વરસ લગી, એમના આયુષ્યના અંત લગી, આ પરિચય વધુ ને વધુ વિકસ્યો હતો. માત્ર કૉલેજમાં જ નહિ પણ ભટ્ટસાહેબની સાથે-સાથે એ. જી. ભટ્ટ, જયંતિ દલાલ, એસ. વી. દેસાઈ, ઉમાશંકર આદિ મુરબ્બી મિત્રોના ઘરમાં વરસોનાં વરસો લગી કલાકોના કલાકોની મિલનગોષ્ઠિઓ દ્વારા વિસ્તર્યો હતો. આમ, ભટ્ટસાહેબ સાથે મારે ચાલીસ વરસનો અંગત આત્મીય સંબંધ. મારા જીવનમાં એમનું માત્ર અધ્યાપક કે સહ-અધ્યાપક તરીકે જ નહિ પણ મિત્ર, મુરબ્બી અને મોટા ભાઈ તરીકે સ્થાન — કહો કે પિતાતુલ્ય સ્થાન. માત્ર શેક્્સ્પિયર અને અંગ્રેજી સાહિત્ય જ નહિ પણ સમગ્ર વિશ્વસાહિત્ય વિશેની એમની મૌલિક, માર્મિક સૂઝસમજ. એથી શિક્ષણ અને સાહિત્ય વિશેની મારી જે કંઈ સજ્જતા હતી તે વધુ સજીવ થાય, મારી જે કંઈ સર્જકતા હતી તે વધુ સતેજ થાય એવી એમની પ્રેરણા. માત્ર શિક્ષણ, સાહિત્ય અને સર્જકતામાં જ નહિ પણ જીવનમાં પણ અનેક સુખદુઃખના પ્રસંગે પણ એમની પ્રેરણા. ભટ્ટસાહેબના અવસાનને બે વરસ થયાં. બે વરસથી શબ્દો શોધું છું. પણ એક પણ શબ્દ જડતો નથી. વિચારું છું કયા નામથી ભટ્ટસાહેબને નવાજી શકાય? કયાં વિશેષણથી ભટ્ટસાહેબને વર્ણવી શકાય? એકેએક નામ-વિશેષણ ઓછું પડે છે, અપૂરતું લાગે છે. ભટ્ટસાહેબના વ્યક્તિત્વમાં જ એવું કંઈક હતું જે શબ્દોમાં સમાવી ન શકાય, વર્ણવી ન શકાય. શબ્દોમાં પકડવા જાઓ ને છટકી જાય. ભટ્ટસાહેબનું મિત્રોમાં હુલામણું નામ હતું એસ. આર… આ કંઈક તે જ એમનું એસ. આર.પણું. જયંતિ દલાલે લાડમાં તે લાડમાં એમનું ‘અસાર’ એવું નામ પાડ્યું હતું. સંસાર અંતે અસાર છે એવો સંસારનો સાર, એવું સંસારનું રહસ્ય જાણે કે ભટ્ટસાહેબ સંસારમાં આવ્યા તે પૂર્વે જ પામીને આવ્યા ન હોય! શેક્્સ્પિયર સાથે ભટ્ટસાહેબને જીવનભરની જે આત્મીયતા હતી એનું રહસ્ય હતું શેક્્સ્પિયરના આવા જ વ્યક્તિત્વ સાથે ભટ્ટસાહેબના આ વ્યક્તિત્વનું સામ્ય. ઇંગ્લંડમાં હેરલ્ડ નિકલ્સન વિશે કહેવાય છે કે એ કશું પણ થઈ શક્યા હોત, ધાર્યું હોત તો ઇંગ્લંડના વડાપ્રધાન થઈ શક્યા હોત. પણ એમણે એવું કશું જ ધાર્યું નહિ. એમણે કશું જ ન થવાનું ધાર્યું. એ કશું જ ન થયા. એટલે એક અર્થમાં એ બધું જ થયા. એ જ એમની મહાનતા. ભટ્ટસાહેબ વિશે પણ આવું કંઈક કહી શકાય. એમણે ધાર્યું હોત તો એ દેશના એક ધારાશાસ્ત્રી કે પ્રમુખ લોકનાયક કે… કશું પણ થઈ શક્યા હોત. પણ એ શિક્ષક થયા. એટલે કે કશું જ ન થયા. અને એટલે એક અર્થમાં એ બધું જ થયા. આ જ ભટ્ટસાહેબની મહાનતા. એમણે એમના સન્માન માટેની એક સભામાં કહ્યું હતું, ‘હું શિક્ષક ન થયો હોત તો શું થયો હોત? કલ્પી જ શકતો નથી.’ પણ શિક્ષક થવું એમને માટે અનિવાર્ય હતું. વિધિનિર્માણ હતું. પિતા રણછોડદાસ અને માતા વિજયાગૌરી બન્ને શિક્ષક. શિક્ષક થવું એ ભટ્ટસાહેબને માતાપિતાનો વારસો હતો. ગુજરાતનો શિક્ષણનો ઇતિહાસ ઊજળો છે. વ્યક્તિ વિશે કહેવાય છે કે ‘સુખી જો શરીરે સુખી સર્વ વાતે.’ તેમ સમાજ વિશે કહી શકાય કે ‘સુખી શિક્ષણે તો સુખી સર્વ વાતે.’ કારણ કે સમાજની અનંત અને અસંખ્ય કર્મધારાની ગંગોત્રી શિક્ષણ છે. ગુજરાત શિક્ષકે સદ્ભાગી છે. નર્મદ, નવલરામ, દુર્ગારામ, દલપતરામ આદિથી તે આજ લગી સો સવાસો વરસથી મહાન શિક્ષકોની પરંપરા છે. આ શિક્ષકોનું શિક્ષણ વર્ગની ચાર ભીંતોમાં સીમિત ન હતું. એ સમગ્ર સમાજમાં વિસ્તર્યું-વિકસ્યું હતું. ભટ્ટસાહેબ આ પરંપરામાં શોભતા હતા. એટલું જ નહિ, ભટ્ટસાહેબે આ પરંપરાને શોભાવી હતી. ભટ્ટસાહેબનો જન્મ ૧૯૧૬ના ફેબ્રુઆરીની ૨૪મીએ સુરતમાં. એમનું પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ સુરતમાં મ્યુનિસિપલ પ્રાથમિક શાળામાં અને સાર્વજનિક વિદ્યાલયમાં. શાળાજીવનમાં જ કોઈ કોઈ તેજસ્વી વિદ્યાર્થીને ક્યારેક એને લાયક શિક્ષક મળી જાય છે. ભટ્ટસાહેબને આવા એક આદર્શ શિક્ષક ચીમનભાઈ ડાહ્યાભાઈ પટેલ મળી ગયા. એમનો મોટો અંગત પુસ્તક સંગ્રહ હતો. એમણે ભટ્ટસાહેબને પુસ્તકોની વચમાં છૂટા મૂકી દીધા. આદર્શ શિક્ષક એટલે વિદ્યાર્થીને પૂછ્યું જ નહિ, ‘શું વાંચે છે?’ અને તેજસ્વી વિદ્યાર્થી એટલે શિક્ષકને પૂછ્યું જ નહિ, ‘શું વાંચવું જોઈએ?’ પણ ભટ્ટસાહેબે અહીં આટલી નાની વયે ચાર્લ્સ ડિકીન્સની બધી જ નવલકથાઓનું વાચન કર્યું હતું. ઉચ્ચ શિક્ષણમાં બી. એ.નું શિક્ષણ સુરતમાં એમ.ટી.બી. કૉલેજમાં અને એમ.એ.નું શિક્ષણ મુંબઈમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં. સુરતમાં આરંભમાં જ ભટ્ટસાહેબના અંગ્રેજી નિબંધો વાંચીને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કહ્યું, ‘બી.એ.માં અંગ્રજી લેજો!’ પછી ભટ્ટસાહેબે બી.એ.માં અંગ્રેજી લીધું ત્યારે આરંભમાં જ વિષ્ણુપ્રસાદે વર્ગમાં પૂછ્યું, ‘એસ. આર. ભટ્ટ હાજર છે? નથી. તો આજે વર્ગ નહિ લેવાય.’ કે. એલ. દેસાઈના વર્ગમાં ભટ્ટસાહેબને શેક્્સ્પિયરનો પરિચય થયો હતો. ચાર્લ્સ ડિકીન્સની નવલકથાઓના વાચનનો અનુભવ તો હતો જ. એના અનુસંધાનમાં આ પરિચય થયો હતો. એથી પછીથી શેક્્સ્પિયર સાથે ભટ્ટસાહેબનો અનન્ય આત્મીય સંબંધ થયો હતો. એટલું જ નહિ પણ આ સંબંધમાં નિમિત્તરૂપ કે. એલ. દેસાઈ સાથે પણ એમનો દેસાઈસાહેબના અવસાન લગી જીવનભર અંગત આત્મીય સંબંધ રહ્યો હતો. ભટ્ટસાહેબ સુરતથી મુંબઈ ગયા ત્યારે સાથે સુરતનો મિજાજ, નર્મદના ‘જોસ્સા’નો વારસો લઈ ગયા હતા. મુંબઈની સરખામણીમાં સુરત તો મુફલિસ વિસ્તાર. મુંબઈના વિદ્યાર્થીઓની વચમાં સુરતના વિદ્યાર્થીની તે શી વિસાત એવા કોઈ મિજાજથી આરંભમાં જ હૅમિલે વર્ગમાં ભટ્ટસાહેબની આગળના મુંબઈના વિદ્યાર્થી પાસે કંઈ વંચાવ્યું અને જાણે વર્ગમાં ભટ્ટસાહેબને અવગણીને ભટ્ટસાહેબની પાછળના મુંબઈના વિદ્યાર્થીને ઉદ્દેશીને કહ્યું ‘નૅક્સ્ટ આફ્ટર ધ નૅક્સ્ટ’ ત્યારે ભટ્ટસાહેબે તરત જ કહ્યું, ‘નો નૅક્સ્ટ આફ્ટર ધ નેક્સ્ટ’ અને ભટ્ટસાહેબે જાણે વર્ગમાં હૅમિલનું અસ્તિત્વ જ ન હોય તેમ હૅમિલને અવગણીને જે કંઈ વાંચવાનું હતું તે વાંચ્યું. ત્યારે એક મિજાજી શિક્ષકને એમનાથી સવાયા મિજાજી વિદ્યાર્થીનો પરિચય થયો હશે. પછી એક દિવસ જી. સી. બેનરજીના વર્ગમાં ચૉસરના મધ્યકાલીન અંગ્રેજી ભાષાના કાવ્યનો અર્વાચીન અંગ્રેજી ભાષામાં અનુવાદ કરવામાં ભટ્ટસાહેબે એક શબ્દનો જે અનુવાદ કર્યો એનો બેનરજીસાહેબે અસ્વીકાર કર્યો. બન્ને વચ્ચે એ વિશે વાદવિવાદ થયો. એટલે આખો વર્ગ ગયો યુનિવર્સિટી લાઇબ્રેરીમાં. ચૉસરના અનુવાદોનાં પુસ્તકોમાં અંગ્રેજ વિદ્વાનોએ પણ એવો જ અનુવાદ કર્યો હતો. શિષ્યથી ઇચ્છે પરાજય એવા બેનરજીસાહેબનો ભટ્ટસાહેબના અવસાન લગી જીવનભર ભટ્ટસાહેબ સાથે મુરબ્બી મિત્ર તરીકેનો અંગત આત્મીય સંબંધ રહ્યો હતો. ભટ્ટસાહેબ જ્યારે હજુ ભટ્ટસાહેબ થયા ન હતા, હજુ વિદ્યાર્થી ભટ્ટ હતા ત્યારનું આ ચિત્ર છે. આ તો ઝાંખુંપાંખું ને આછુંઅધૂરું આલેખન માત્ર છે. પણ એ દ્વારા પણ પ્રતીતિ થાય છે કે ત્યારે એટલે કે આ સદીના ત્રીજા-ચોથા દાયકા લગી એટલે કે ગઈકાલ લગી ગુજરાતમાં વિદ્યાનું વાતાવરણ હતું અને શિષ્યથી પરાજ્ય ઇચ્છે એવા ગુરુ હતા અને એવા શિષ્ય હતા. પણ આજે? આશા છે કે આજે પણ હોય! ગુજરાતના શિક્ષણના ઇતિહાસમાં ૨૦મી સદીનો પાંચમો દાયકો ભટ્ટસાહેબના નામે જમા થશે. અને એ ઇતિહાસનું એ એક સુવર્ણ પ્રકરણ હશે. ભટ્ટસાહેબે શિક્ષણજગતમાં એમની આ મહાન કારકિર્દીનો આરંભ ૧૯૩૮માં મુંબઈમાં સેન્ટ મૅરી સ્કૂલમાં શિક્ષક, પછી થોડો સમય અમદાવાદની નિકટ જેતલપુરની હાઈસ્કૂલમાં આચાર્ય અને પછી થોડો સમય રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં અધ્યાપક તરીકે કર્યો હતો. ૧૯૪૩માં ભટ્ટસાહેબ અમદાવાદ આવ્યા અને ૧૯૫૩ લગી એમણે એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું. એ દાયકો ભટ્ટસાહેબના શિક્ષણજીવનનો સુવર્ણકાળ હતો. ભટ્ટસાહેબ અમદાવાદ આવ્યા ત્યારે સાથે શું લાવ્યા હતા? એમનો પેલો મિજાજ. એ મિજાજ એમની મોંઘી મૂડી હતી, મોટી મિરાત હતી. આયુષ્યના અંત લગી એમણે એનું જીવની જેમ જતન કર્યું હતું. દલપતનગરીના શાણા માણસોમાં નર્મદનગરીનો આ મિજાજી માણસ! આ મિજાજી માણસ માટે આ શાણા માણસોની વચમાં જીવવું જેટલું સોહ્યલું હતું એટલું જ આ શાણા માણસો માટે આ મિજાજી માણસને જીરવવું દોહ્યલું હતું. જોતજોતામાં આ ઉષ્મા અને ઉત્સાહથી ભર્યાભર્યા શિક્ષકે હજારો વિદ્યાર્થીઓનું હૃદય જીતી લીધું હતું. ભણાવવાની એમની એક અનોખી શૈલી હતી. એસ.આર. શૈલી. અનિર્વચનીય અને અન્-અનુકરણીય એ શૈલી હતી. એને વાણી શું વખાણે? એ તો અનુભવી હોય તે જાણે ને સ્વપ્ન કે સાકરની જેમ એને મૂંગોમૂંગો માણે — એવી હતી એ શૈલી! એટલે અહીં માત્ર અંગત અનુભવનાં એક-બે ઉદાહરણોનો ઉલ્લેખ કરી શકું. ભટ્ટસાહેબ ૧૯૪૪–૪૫માં ફર્સ્ટ ઇયર આર્ટ્સમાં બર્કની ‘સ્પીચીઝ’ અને ૧૯૪૫–૪૬માં ઇન્ટરમીડિયેટ આર્ટ્સમાં મિલ્ટનનું ‘પેરેડાઇઝ લૉસ્ટ : ગ્રંથ બે’ ભણાવે. પ્રત્યેક પિરિયડમાં એકાદ વાક્ય કે પંક્તિ જ વાંચે. પછી એનું એવું વિશ્લેષણ અને વિવેચન કરે — એમાં વિદ્વાનો કે વિવેચકોનાં અવતરણો કે વિવિધ અને વિસ્તૃત વાચનસામગ્રીના ઉલ્લેખો ન હોય, એમાં કશું પૂર્વયોજિત કે પૂર્વનિશ્ચિત ન હોય, બધું સહસા અને સહજ હોય કે એમાં તમને માત્ર એ વાક્ય કે પંક્તિના અર્થનું જ નહિ પણ સમગ્ર કાવ્ય અને ઇતિહાસના, કવિ અને ઇતિહાસકારના તથા એમના યુગના રહસ્યનું, વૈયક્તિકતા અને વૈશ્વિકતાનું દર્શન થાય. સમગ્ર વ્યાખ્યાન ભરપૂર માનવરસ અને છલોછલ જીવનરસથી એવું તો તરબતર હોય. વ્યાખ્યાનને અંતે તમે પૃથ્વી પર નહિ પણ કોઈ અ-ધરલોકમાં છો એવું તમને થાય. ૧૯૪૮–૫૦માં એમ.એ.માં ઇબ્સનનું ‘એ ડૉલ્સ હાઉસ’ ભણાવે. એક દિવસ બપોરના બે-અઢી વાગ્યે વ્યાખ્યાનનો આરંભ કર્યો અને પછી જ્યારે કૉલેજના પટાવાળા ખંડ બંધ કરવા આવ્યા ત્યારે જ્ઞાન થયું કે સાત વાગ્યા હતા, ત્યારે બહાર અંધારું થઈ ગયું હતું એનું ભાન થયું. પાંચેક કલાક વર્ગમાં એટલું અજવાળું હતું! આવા તો અસંખ્ય અનુભવો ભટ્ટસાહેબના મારા જેવા અસંખ્ય વિદ્યાર્થીઓને થયા હશે. ભટ્ટસાહેબના અનેક વિદ્યાર્થીઓ પછીથી અધ્યાપકો અને સર્જકો થયા એમાં શું આશ્ચર્ય? કૉલેજના વર્ગોની ચાર ભીંતોમાં સીમિત હોય, યુનિવર્સિટીના અભ્યાસક્રમો અને પાઠ્યપુસ્તકો તથા પરીક્ષાઓમાં પરિમિત હોય તે ભટ્ટસાહેબ નહિ! ૧૯૫૧. દેશમાં પ્રથમ ચૂંટણીની પૂર્વસંધ્યા. પરમ મિત્ર બી. કે. મઝૂમદાર મુંબઈ રાજ્યની ધારાસભાની બેઠક માટે સમાજવાદી પક્ષના ઉમેદવાર. એમના ચૂંટણીપ્રચારમાં અમદાવાદમાં લત્તે લત્તે અને ચૌટે ચકલે, પોળે-પોળે અને ગલીએ ગલીએ એકાદ માસ લગી રોજ રાતે ભટ્ટસાહેબનાં ચારપાંચ ભાષણો. પાનવાળો હોય કે સાડીવાળો હોય — સાંજના પાંચેક વાગ્યે દુકાનો બંધ. શ્રોતાઓનું ટોળું ભટ્ટસાહેબની સાથે-સાથે પાછળ-પાછળ જાય–જાણે હેમલિનના પાઈપરની પાછળપાછળ બાળકોનું ટોળું! ત્યારે ભટ્ટસાહેબે ગામ ઘેલું કર્યું હતું. મધ્યમ કદના ભટ્ટસાહેબ અને તે પણ બૂટ, મોજાં, કોટ, પાટલૂન અને ટાઇમાં. મોંમાં પાન હોય, એક બાજુ ડોક સહેજ નમી હોય, બીજી બાજુના હાથની પહેલી આંગળી ગોળગોળ ફરતી હોય, જાણે લોકહૃદયને નચાવી ન રહી હોય! એક પછી એક શબ્દઝૂમખાંથી એક સુદીર્ઘ વાક્ય જાણે છેક છેલ્લા શ્રોતા લગી વિસ્તરતું હોય અને એક પછી એક આવાં વાક્યોથી જાણે આખું વાતાવરણ કોઈ જાદુઈ અસર અનુભવતું હોય. અમદાવાદના સમગ્ર ઇતિહાસમાં પ્રજાહૃદય પર ભાગ્યે જ કોઈની આવી ભૂરકી હોય, આવી મોહિની હોય. ત્યારે અમદાવાદને ભટ્ટસાહેબનું એવું ચુંબકત્વ જેવું અદ્ભુત આકર્ષણ હતું, એવું ઘેલું લાગ્યું હતું. શાળા-કૉલેજમાં જવાનું જેમનું સદ્ભાગ્ય ન હતું એવા અનેકને માટે આ લોકશિક્ષણ હતું. આપણી નવજાત લોકશાહીના ભટ્ટસાહેબ ત્યારે લોકશિક્ષક હતા. સુરતમાં ભટ્ટસાહેબનો જરી-કસબના કારીગરોના વિસ્તારમાં વસવાટ હતો. ત્યારે માત્ર પંદર વરસની જ વયે ત્યાં એમણે ઇકબાલ જયંતી પ્રસંગે એમનું પ્રથમ જાહેર ભાષણ કર્યું હતું. પછીથી આયુષ્યના અંત લગી લગભગ વરસોવરસ સુરતમાં પયગંબરસાહેબની તિથિ પ્રસંગે વ્યાખ્યાન કરવાની જાણે એમની પરંપરા હતી. સ્થળ ગામડાની ગલીઓ હોય કે શહેરની શેરીઓ હોય, શ્રોતાઓ શ્રમિકો હોય કે બૌદ્ધિકો હોય, ભાષા ગુજરાતી હોય કે અંગ્રેજી હોય, વિષય પાંચમાથી અંગ્રેજી હોય કે શેક્્સ્પિયર હોય, યુનિવર્સિટીની સેનેટમાં કે રાજ્યની એસેમ્બ્લીમાં, અનેક સભાઓમાં, સમિતિઓમાં, પરિષદોમાં, પરિસંવાદોમાં ભટ્ટસાહેબે જીવનભર અનેક વ્યાખ્યાનો કર્યાં હશે. એક વાર પંડિત સુખલાલજી ભટ્ટસાહેબની ભાવસમૃદ્ધિ અને વિચારસમૃદ્ધિથી, વાક્છટા અને વાક્ધારાથી એટલા મુગ્ધ થયા હતા કે એમણે ભટ્ટસાહેબને કહ્યું હતું, ‘હું તમને સાંભળતો હતો ત્યારે જાણે કોઈ ધોધની નીચે નહાતો હોઉં એવું લાગતું હતું. અગાઉ એકમાત્ર કવિ કાન્તને સાંભળ્યા ત્યારે આવો અનુભવ થયો હતો.’ ૧૯૫૨માં ભટ્ટસાહેબ મુંબઈ રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહની બેઠક માટેની ચૂંટણીમાં સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે સફળ થયા. ત્યારે જે કૉંગ્રેસ પક્ષના સભ્ય અને લોકસભાના સ્પીકર પણ હતા એવા કૉલેજના સંચાલકમંડળના ઉપપ્રમુખે આમ ચૂંટણીમાં, રાજકારણમાં સક્રિયતા દ્વારા સંસ્થા સાથેના કરારની શરતનો ભંગ થયો છે એવા મુદ્દા પર ૧૯૫૩માં ભટ્ટસાહેબનો લેખિત ખુલાસો માગ્યો. ત્યારે શિક્ષકો માટે સ્વતંત્ર મતવિભાગ અને બેઠક દ્વારા બંધારણે શિક્ષકોને ચૂંટણીમાં, રાજકારણમાં સક્રિય થવાનો અધિકાર આપ્યો હતો છતાં બંધારણનું અને નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાનો જેનો ધર્મ એવા રક્ષક જ્યારે ભક્ષક થાય ત્યારે ભટ્ટસાહેબે લેખિત ખુલાસો આપવાનો ન હોય. લેખિત ખુલાસો ન આપ્યો, ભટ્ટસાહેબે રાજીનામું આપ્યું. ૧૯૫૩–૧૯૫૬ ભટ્ટસાહેબ લો સોસાયટીના આર્ટ્સ સેક્શનમાં અધ્યાપક. ભટ્ટસાહેબ માટે આ વિરામનો સમય હતો. ૧૯૫૬માં ભટ્ટસાહેબ બી. ડી. આર્ટ્સ કૉલેજમાં આચાર્ય. કૉલેજના પ્રથમ દિવસે જ જે સજ્જને કૉલેજનું ઉદ્ઘાટન કર્યું એમણે ઉદ્ઘાટન પ્રવચનમાં જ એમની ઇચ્છા પ્રગટ કરી હતી કે ટૂંક સમયમાં જ ભટ્ટસાહેબ એ કૉલેજમાંથી પદભ્રષ્ટ થવા જોઈએ. પણ પરમેશ્વર ક્યારેક સજ્જનોની ઇચ્છા સફળ કરતો નથી. એ માટે એક દિવસ પરમેશ્વરને જરૂર ધમકાવવામાં આવશે. ભટ્ટસાહેબ આ કૉલેજમાંથી પદભ્રષ્ટ તો ન થયા પણ સત્તાવીસ વરસ પછી ૧૯૮૨માં નિવૃત્ત થયા. લગભગ આયુષ્યના અંત લગી ભટ્ટસાહેબે એમનું રહ્યુંસહ્યું સર્વસ્વ આ સંસ્થાને સમર્પણ કર્યું હતું. આચાર્ય સંતપ્રસાદ ભટ્ટ. અહીં ‘આચાર્ય’ શબ્દ કેવો શોભે છે! સમગ્ર વિશ્વસાહિત્યમાંથી માત્ર શેક્સ્પિયર સાથે જ ભટ્ટસાહેબને આત્મીયતા હતી, તાદાત્મ્ય હતું, કહો કે આધ્યાત્મિક સંબંધ હતો. શેક્્સ્પિયર પર બોલે ત્યારે ભટ્ટસાહેબ સોળે કળાએ ખીલે. કલાકોના કલાકો એ બોલે ને શ્રોતાઓ એ ઝીલે. શેક્્સ્પિયર જેવા સર્જક હોય અને ભટ્ટસાહેબ જેવા સહૃદય હોય — જાણે સોનામાં સુગંધ! જીવનભર ભટ્ટસાહેબે ગુજરાતમાં ચારેકોર શેક્સ્પિયરનો રસ લૂંટ્યો-લુટાવ્યો છે. શેક્સ્પિયર પર એમને સાંભળવા એ મારા જેવા અસંખ્ય શ્રોતાઓના જીવનનો એક લહાવો હતો. શેક્સ્પિયર જેવા સર્જકથી ભટ્ટસાહેબ ધન્ય થયા છે તો ભટ્ટસાહેબ જેવા સહૃદયથી શેક્સ્પિયર પણ ધન્ય થયા છે. ભટ્ટસાહેબ શેક્સ્પિયરના સમાનધર્મી હતા. શેક્સ્પિયરમાં પરમેશ્વર જેવી અને જેટલી કરુણા છે. ભટ્ટસાહેબમાં પણ અંશત : એ કરુણા હતી. કોઈ મનુષ્ય પ્રત્યે ઘૃણા નહિ, તિરસ્કાર નહિ; સૌ મનુષ્યો પ્રત્યે કેવળ કરુણા. મારા અનુભવમાં અન્ય કોઈ મનુષ્યમાં મેં આ કરુણાનું દર્શન કર્યું નથી. અનેક મહાપુરુષોથી સમૃદ્ધ અને સભર એવું ઍલિઝાબેથના યુગના લંડન જેવું નગર અને પાંચસો જેટલાં પાત્રોથી સમૃદ્ધ અને સભર એવું સ્વયંસર્જિત નાટ્યજગત અને છતાં શેક્સ્પિયરના જીવનમાં એકાન્ત એકલતા! ભટ્ટસાહેબના જીવનમાં પણ અંશત : આ એકાન્ત એકલતા. બાળપણમાં જ પિતાનું અવસાન. વિધવા માતાનું એકનું એક સંતાન. માતા આજીવિકા અર્થે શિક્ષિકા. માતા કલાકો લગી કામે જાય ત્યારે આ બાળક એકાન્ત ઘરમાં એકલું હોય. આમ, બાળક હતા ત્યારથી જ ભટ્ટસાહેબને આ એકાન્ત એકલતાનો અનુભવ. પણ આ એકાન્ત એકલતા એ શૂન્યતા ન હતી, રિક્તતા ન હતી. એટલે જ પછીથી બસ વાંચવું, વાંચવું અને વાંચવું; બસ વિચારવું, વિચારવું અને વિચારવું એ જ ભટ્ટસાહેબનો જીવનભરનો મોટામાં મોટો અનુભવ. એટલે જ એમણે આ એકાન્ત એકલતાને અસંખ્ય શ્રોતાઓથી સભર અને સમૃદ્ધ કરવાનો જીવનભર પ્રયત્ન — કહો કે પુરુષાર્થ કર્યો હતો. આ વાચાળ માણસ ક્યારેક લાખ લોકોની વચમાં કે બેચાર મિત્રોની વચમાં એક ખૂણામાં કલાકો લગી મૂંગામૂંગા બેસી રહ્યા હોય. ત્યારે થાય કે જેણે અસંખ્યવાર ગામ ગજાવ્યું છે તે જ આ ભટ્ટસાહેબ છે? વરસોનાં વરસો લગી કલાકોના કલાકો એમની સાથે હર્યોફર્યો છું, મારે અને એમને પરસ્પર થયું છે એટલું પ્રત્યેકને અન્ય કોઈ મનુષ્ય સાથે વિચાર અને વાણીનું આદાનપ્રદાન થયું નથી. છતાં ક્યારેક એ બાજુમાં જ બેઠા હોય અને લાગે કે જાણે કરોડો માઈલ દૂર છે. એમણે કદી અંગત દુઃખ કે મૂંઝવણ વિશે મારી સાથે કોઈ વાત કરી નથી. મારે અનેક મિત્રો-મુરબ્બીઓ છે, એમાં ભટ્ટસાહેબ જ એક આવા મિત્ર-મુરબ્બી હતા. મારા અંગત અનુભવમાં મેં આવો માણસ જોયો-જાણ્યો નથી. એમના અંતિમ દિવસોમાં એક રેડિયો-કાર્યક્રમ માટેની પ્રશ્નોત્તરીમાં આ એકાન્ત એકલતા વિશે મેં એમને જે અંતિમ પ્રશ્ન પૂછ્યો હતો એના ઉત્તરમાં કહ્યું હતું કે જીવન અને મૃત્યુને જીરવવામાં, ધર્મ અને અધ્યાત્મનું જીવન જીવવામાં એમને આ એકાન્ત એકલતાની સૌથી વધુ સહાય હતી. ભટ્ટસાહેબની શેક્્સ્પિયર-ભક્તિનું રહસ્ય છે બન્ને વચ્ચે આ કરુણા અને આ એકાન્ત એકલતાનું સામ્ય. ૧૯૬૪માં શેક્સ્પિયરની ચતુર્થ જન્મશતાબ્દીના વર્ષમાં ભટ્ટસાહેબે શેક્્સ્પિયર પર ગુજરાતીમાં એક ગ્રંથ લખ્યો હતો. ત્યારે એ અવારનવાર કલાક બે કલાક લગી લખાવે અને હું લખું એમ લગભગ સવા વરસ લગી આ સમગ્ર ગ્રંથ લખવાનું મેં ગણેશકાર્ય કર્યું હતું. આ ગ્રંથ ગુજરાતી ભાષાનું એક ઘરેણું છે. ગુજરાતી ભાષામાં શેક્સ્પિયર પરનો આ એકમાત્ર ગ્રંથ છે. શેક્્સ્પિયર-વિવેચનામાં આ ગ્રંથ બેન જોન્સનની ક્લાસિકલ પરંપરાનો નહિ પણ કૉલરિજની રોમૅન્ટિક પરંપરાનો ગ્રંથ છે. ભટ્ટસાહેબ સવ્યસાચી હતા. ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષાઓ એમના પર પ્રસન્ન હતી, એમને વશ હતી. ભટ્ટસાહેબ અંગ્રેજી ભાષામાં પણ આવો એક ગ્રંથ લખે એવી મારી તીવ્ર ઇચ્છા હતી. આ માટે મેં અને મારા કવિતારસિક મિત્ર પ્રફુલ્લ અનુભાઈએ અલ્પસંખ્ય શ્રોતાઓ સમક્ષ શેક્્સ્પિયર પર ભટ્ટસાહેબનાં અંગ્રેજી ભાષામાં પાંચેક વ્યાખ્યાનોનું આયોજન કરીને એ વ્યાખ્યાનોનું ટેઇપરેકોર્ડિંગ કરીને પછી એ પરથી આ ગ્રંથ તૈયાર કરવાનું ભટ્ટસાહેબ સાથે વિચાર્યું હતું. ભટ્ટસાહેબે શેક્્સ્પિયરની મનોભૂમિનો ખૂણેખૂણો ખૂંદ્યો હતો. પણ ભટ્ટસાહેબ શેક્્સ્પિયરની જન્મભૂમિ સ્ટ્રેટફર્ડ અને શેક્્સ્પિયરની કર્મભૂમિ લંડન પણ જુએ–જાણે એવી પણ મારી તીવ્ર ઇચ્છા હતી. આ માટે અમે બન્નેએ સાથે લંડનની યાત્રાએ જવાનું વિચાર્યું હતું. પ્રવાસનો શ્રમ સહન કરવા જેટલું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય એ માટે હજુ તો સારવાર ચાલતી હતી ત્યાં ધાર્યું ન હતું કે ભટ્ટસાહેબ અચાનક આમ અનંતની યાત્રાએ ચાલ્યા જશે. ૧૯૩૬માં હજુ તો કૉલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે એમણે ‘ધ કૅક્ટસ લૅન્ડ’ શીર્ષકથી એમનાં અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ પ્રગટ કર્યો હતો. એમના ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષાઓમાં કેટલાક વિવેચનલેખો અને અનુવાદો સામયિકોમાં પ્રગટ થયા છે, પણ ગ્રંથસ્થ થયા નથી એ સત્વર ગ્રંથસ્થ થવા જોઈએ. ૧૯૮૨માં ભટ્ટસાહેબે શેક્‌સ્પિયર સોસાયટીની સ્થાપના કરી હતી. એમના પ્રમુખપદે એ સક્રિય હતા. અંતિમ દિવસો લગી એને વધુ સક્રિય કરવાનો એમનો પ્રયત્ન હતો અને એને માટે પોતાને પણ વધુ સક્રિય કરવાનો એમનો પુરુષાર્થ હતો. અવસાનના ચારેક દિવસ પૂર્વે જ રવિવારે તો એમણે વિલ કર્યું હતું. એમાં સાઠ હજાર રૂપિયા જેટલી મોટી રકમ અંગ્રેજી ભાષા-સાહિત્યની સંસ્થા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવા માટે એમણે અર્પણ કરી હતી. ૧૯૮૪ના મેની ૨૪મીએ ભટ્ટસાહેબનું અવસાન થયું. મને હંમેશાં લાગતું હતું કે સૌને મૃત્યુ હોય, એક ભટ્ટસાહેબને જ મૃત્યુ ન હોય. આજે પણ એવું જ લાગે છે. ભટ્ટસાહેબનું સમગ્ર વ્યક્તિત્વ એમના અવાજમાં વ્યક્ત થતું હતું, એમની સંપૂર્ણ પ્રતિભા એમના અવાજમાં પ્રગટ થતી હતી. ભટ્ટસાહેબ એટલે અવાજ, અશમ્ય અને અદમ્ય અવાજ, અસ્ખલિત અને અવિરત અવાજ, અરધી સદીનો જીવતોજાગતો અવાજ, અમદાવાદના અંતરાત્માનો અવાજ. આજે ક્યાં છે એ અવાજ! સહેજ સૂનું લાગે છે. હવે ભટ્ટસાહેબનું મૌન, અનંત મૌન! કેવું અસહ્ય લાગે છે! ભટ્ટસાહેબ અને મૌન એ એક મહાન વિરોધાભાસ છે. ભટ્ટસાહેબનું મૌન એ વિધિની વક્રતા જ નહિ, વિધિનું ચાપલ્ય છે. અંતમાં એ જ પ્રાર્થના કે તમે જે પ્રેમથી પૂર્વે સ્વીકાર્યો’તો મને, ગુરો! 
આજે એ પ્રેમથી મારી સ્વીકારો ગુરુદક્ષિણા!

૧૮ મે ૧૯૮૬

*