સ્વાધ્યાયલોક—૪/ભક્તિ દ્વારા મુક્તિનું કાવ્ય

From Ekatra Wiki
Revision as of 15:17, 7 May 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભક્તિ દ્વારા મુક્તિનું કાવ્ય}} {{Poem2Open}} THE GIFT OUTRIGHT The land was ours before we were the...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભક્તિ દ્વારા મુક્તિનું કાવ્ય

THE GIFT OUTRIGHT The land was ours before we were the land’s. 
She was our land more than a hundred years 
Before we were her people. She was ours 
In Massachusetts, in Virginia; 
But we were England’s, still colonials, 
Possessing what we still were unpossessed by, 
Possessed by what we now no more possessed. 
Something we were withholding made us weak 
Until we found out that it was ourselves 
We were withholding from our land of living, 
And forthwith found salvation in surender. 
Such as we were we gave ourselves outright 
(The deed of gift was many deeds of war) 
To the land vaguely realizing west-ward, 
But still unstoried, artless, unenhanced, 
Such as she was, such as she would become. Robert Frost રૉબર્ટ ફ્રૉસ્ટે આ કાવ્ય William and Mary College Phi Beta Kappa Poem તરીકે વાંચ્યું હતું અને ૧૯૪૨માં ‘A Wit-ness Tree’ કાવ્યસંગ્રહમાં પ્રસિદ્ધ કર્યું હતું. આ કાવ્ય રાષ્ટ્રપ્રેમનું બલ્કે રાષ્ટ્રભક્તિનું કાવ્ય છે. આપણા યુગમાં રવીન્દ્રનાથ, યેટ્સ અને ફ્રૉસ્ટે રાષ્ટ્રપ્રેમનાં અનેક સુંદર કાવ્યો રચ્યાં છે. રાષ્ટ્રપ્રેમનાં કાવ્યોમાં આત્મસ્તુતિ અને/અથવા પરનિંદાને કારણે વિકૃતિ અને વિરૂપતા પ્રવેશી જાય છે. પરિણામે એ કાવ્યોમાં મોટે ભાગે અકવિતા હોય છે. ભાગ્યે જ એવું રાષ્ટ્રપ્રેમનું કાવ્ય હશે જે આ અશ્લિલતા કે અપલક્ષણથી, આ દોષ કે દૂષણથી મુક્ત હોય. સદ્ભાગ્યે રવીન્દ્રનાથ, યેટ્સ અને ફ્રૉસ્ટનાં રાષ્ટ્રપ્રેમનાં કાવ્યો એનાથી મુક્ત છે. છેલ્લાં વીસ-ત્રીસ વરસથી જેમણે ભારતમાંથી અમેરિકામાં સ્થળાંતર કર્યુ છે, જેમણે ભારતીય નાગરિકત્વનો ત્યાગ કર્યો છે અને અમેરિકન નાગરિકત્વનો સ્વીકાર કર્યો છે, અને જેઓ હવે કદી ભારતમાં વસવાના નથી અને હંમેશ માટે અમેરિકામાં જ વસવાના છે તેવા વાચકો માટે અને એમના વંશજો માટે આ કાવ્યનો સવિશેષ અર્થ છે, આ કાવ્યનું સવિશેષ મૂલ્ય છે. આજે અમેરિકામાં ભારતમાંથી અને વિશેષ તો ગુજરાતમાંથી આવું સ્થળાંતર કરનાર બે-ત્રણ લાખ લોકો છે. ૧૯૮૫માં એપ્રિલ-જૂનમાં અમેરિકામાં વીસેક નગરોમાં પ્રવાસ કરવાનું થયું હતું ત્યારે એમાંના કેટલાક અલ્પસંખ્ય લોકોને મળવાનું થયું હતું, ત્યારે એમના માનસનો કિંચિત્ પરિચય થયો હતો. આ કાવ્યમાં એમના એ માનસનું સ્વચ્છ અને સુરેખ પ્રતિબિંબ છે. એથી આ કાવ્ય પ્રત્યે એમનું ધ્યાન કેન્દ્રિત કરવાનો અહીં પ્રયત્ન છે. એક ભૂમિમાંથી નિર્મૂળ થવું અને અન્ય ભૂમિમાં સમૂળ થવું, એક ભૂમિમાંથી સ્થળાંતર કરવું અને અન્ય ભૂમિમાં સ્થિર થવું, સદ્ધર અને સમૃદ્ધ થવું એ એક મોટું સાહસ છે. યુગોથી અસંખ્ય મનુષ્યોએ આ સાહસ કર્યું છે. મનુષ્યજાતિની અધઝાઝેરી પ્રગતિ આ સાહસિકોના પુરુષાર્થ અને પરિશ્રમને આભારી છે. આ સાહસિકોને સલામ! આ પ્રક્રિયામાં — આરંભમાં સ્થળાંતરકારોની પ્રથમ પેઢી માટે — અનેક ભૌતિક, આર્થિક, સામાજિક, માનસિક, આધ્યાત્મિક પ્રશ્નો હોય છે અને એમની આસપાસ ભય અને શંકાનું વાતાવરણ હોય છે. એથી એમની વિશિષ્ટ અને વિચિત્ર — બલ્કે વિકટ અને વિષમ માનસિક પરિસ્થિતિ હોય છે. આ સંદર્ભમાં આ કાવ્ય પ્રત્યે એમનું ધ્યાન કેન્દ્રિત કરવાનો અહીં સહાનુભૂતિપૂર્વક, વિનમ્રતાપૂર્વક મિત્રભાવે પ્રયત્ન છે. આ કાવ્યમાં ત્રણ-ચાર સૈકા પૂર્વે ‘મેફલાવર’માં કેટલાક અંગ્રેજોએ ઇંગ્લૅન્ડમાંથી અમેરિકામાં સ્થળાંતર કર્યું તે સમયની વાત છે. આપણે ભૂમિના હતા તે પૂર્વે ભૂમિ આપણી હતી. આપણે અમેરિકાના હતા તે પૂર્વે અમેરિકા આપણું હતું. ટૂંકમાં અમેરિકાએ આપણને અપનાવ્યા હતા પણ આપણે અમેરિકાને અપનાવ્યું ન હતું. સોથી પણ વધુ વરસ સુધી એ આપણી ભૂમિ હતી પણ આપણે એ ભૂમિના ન હતા. મેસેચ્યુસેટ્સ આપણું હતું, વર્જિનિયા આપણું હતું, પણ આપણે તો ઇંગ્લેન્ડના જ હતા. આપણે તો હજુ સંસ્થાનવાસી જ હતા. ‘અમે તો ઇંગ્લેન્ડના, અમે અમેરિકાના નહિ! અમે તો અંગ્રેજ. અમે અમેરિકન નહિ!’ એવું આપણને વળગાડ હતું. ભૂત આપણા પર સવાર હતું. આપણે જેને બાંધ્યું એનાથી આપણે બંધાયા નહિ, ઊલટાનું આપણે જેને ત્યજી દીધું એનાથી આપણે બંધાયેલા રહ્યા. આપણે કોઈકને કશાકથી વંચિત રાખ્યું હતું, એથી આપણે જ નિર્બળ રહ્યા. પણ જ્યાં આપણને સૂઝ્યું કે આપણે જે ભૂમિમાં વસીએ છીએ, જે ભૂમિમાં જીવીએ છીએ, જે ભૂમિના અન્ન-જળ અને તેજ-વાયુથી આપણું પોષણ-રક્ષણ કરીએ છીએ એ ભૂમિને જ આપણે આપણી જાતથી વંચિત રાખી છે. ત્યાં જ આપણે એ ભૂમિને આપણી જાતનું સમર્પણ કર્યું અને ત્યાં જ આપણો મોક્ષ થયો. આ સમર્પણ એ જ ભક્તિ અને આ મોક્ષ એ જ ભક્તિ દ્વારા મુક્તિ! અંગ્રેજોને, આ કાવ્યમાં સૂચવ્યું છે તેમ, આ સમર્પણ કરવામાં સોથી વધુ વરસ સુધીનો વિલંબ થયો. એનું કારણ ફ્રૉસ્ટે આ કાવ્યના અનુસંધાનમાં ૧૯૬૧માં કેનેડીના પ્રમુખપદે એમના આમંત્રણથી વૉશિંગ્ટનમાં અમેરિકન કૉંગ્રેસની સભાના ઉદ્ઘાટન પ્રસંગે જે કાવ્ય — ‘The Gift Outright” વાંચ્યું હતું તેમાં સૂચવ્યું છે. ત્રણ-ચાર સૈકા પૂર્વે યુરોપમાંથી અનેક પ્રજાઓએ સ્થળાંતર કર્યું હતું. એથી આરંભમાં તો કોનું વર્ચસ્‌? ફ્રેન્ચ, સ્પેનિશ, ડચ, અંગ્રેજ… કઈ પ્રજાનું વર્ચસ્‌? એ પ્રશ્ન હતો. આ પ્રજાઓ વચ્ચે આંતરવિગ્રહ હતો. એથી આ સમર્પણ શક્ય ન હતું. આ કાવ્યમાં પણ સૂચવ્યું છે તેમ અનેક યુદ્ધોને અંતે આ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત થયો છે પછી જ આ સમર્પણ શક્ય થયું હતું. પણ આજે શું છે? આજે આવો કોઈ પ્રશ્ન નથી છતાં જેમણે હજુ ગઈ કાલે જ ભારતમાંથી અને વિશેષ તો ગુજરાતમાંથી અમેરિકામાં સ્થળાંતર કર્યું છે એવા લોકોમાં પણ આવા સંસ્થાનવાસી તરીકેનું માનસ હોય એ જ સ્વયં એક પ્રશ્ન છે. અમેરિકાના નાગરિકત્વનો સ્વીકાર કરવો, અમેરિકાના પુરુષાર્થ અને પરિશ્રમના ફળરૂપ સુખ-સંપત્તિ અને સાધન-સામગ્રી આદિનો ઉપયોગ-ઉપભોગ કરવો અને છતાં ‘અમે તો ભારતના, અમે અમેરિકાના નહિ! અમે તો ભારતીય, અમે અમેરિકન નહિ!’ એમ માનવું-મનાવવું એ ગેરનૈતિક છે એટલું જ નહિ ગેરકાનૂની પણ છે. એમાં અકૃતજ્ઞતા છે. એથી એમાં અભારતીયતા છે. અકૃતજ્ઞતા એ ભારતીય સંસ્કૃતિ નથી. જેટલી સાચી નરસિંહ-મીરાંની ઈશ્વરભક્તિ છે એટલી જ સાચી ફ્રૉસ્ટની રાષ્ટ્રભક્તિ છે. જેમ નરસિંહ-મીરાં ખોટું ન બોલે તેમ ફ્રૉસ્ટ પણ ખોટું ન બોલે. ગઈકાલે જે જન્મે ગુજરાતી પણ આજે અને આજ પછી હંમેશ માટે જે અમેરિકન (અને જેમના વંશજો તો જન્મે પણ અમેરિકન) છે એવા લોકો — ગુજરાતી અમેરિકનો — નો ભૌતિક, આર્થિક મોક્ષ તો થયો જ છે, અથવા થશે જ, પણ જેટલું વહેલું એમનું સમર્પણ — અહીં ફ્રૉસ્ટે જેનું સૂઝ સમજપૂર્વક કાવ્ય કર્યું છે તે સમર્પણ — એટલો વહેલો એમનો સામાજિક, માનસિક, આધ્યાત્મિક મોક્ષ! જે પચીસ કરોડ અમેરિકનો અને એમના પૂર્વજોનું થયું છે તે જ આ અઢી લાખ અમેરિકન ગુજરાતીઓ-ભારતીઓ અને એમના વંશજોનું થવાનું, એ અનિવાર્ય છે. ગુજરાતી અમેરિકનોને આ લેખ દ્વારા ફ્રૉસ્ટના આ મુક્તિમંત્રની સપ્રેમ ભેટ — the gift outright છે ઃ sal-vation in surrender — ભક્તિ દ્વારા મુક્તિ!

૧૯૮૮


*