અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/મધુ રાયની વારતા
મધુ રાયની વારતા
સિતાંશુ યશશ્ચંદ્ર
દંતશૂળ ડંખ કે ન્હોર વિનાનાં, ત્હોય,
હવામાં સ્હેજ હૂંફ થાય છે ને ફૂલો બેધડક ખૂલી જાય છે.
એ ફૂલોના ગુચ્છા વચ્ચેની ડાળીઓ વચ્ચેના માળાની અંદરના ઈંડાની
અંદર
કંઈક સળવળે છે.
ધ્યાનથી જુઓ નહીં તો જણાયે નહીં.
પણ જોનારા તો આંખ માંડીને ઊભા છેઃ
સામો સરપ છે, ઉપર સીંચાણો છે, નીચે પારધી છે.
વારતામાં ગણો તો ફૂલો છે,
જે ગણ્યાં નથી.
આ બધાથી અજાણ્યું એવું બચ્ચું તો
અંદરથી ઈંડું ફોડે છે,
છાતીમાં શ્વાસ ભરે છે,
પીઠ થરથર કોરી કરે છે,
ને બેઉ આંખો ખોલે છે.
આંખો ખોલીને જુએ છે તો બચ્ચું શું દેખે છે?
— કે કોઈ પણ એક ફૂલનું નામ લઈ મધુ રાય વારતા લખે છે.
(સપ્ટેમ્બર, ૧૯૯૭)