ચૂંદડી ભાગ 2/લોકગીતોની પ્રવાહિતા
લોકસાહિત્યનું મોટામાં મોટું બળ તે એની સાર્વજનિકતા છે. એ સાર્વજનિકતા જન્મે છે એની પ્રવાહિતામાંથી. યુરોપનું એક લોકગીત દસ-દસ ને પંદર-પંદર પાઠાન્ત્તરો દ્વારા ત્યાંના દેશદેશની ભાષામાં ઊતરી ગયું છે. આપણા ગુજરાતમાં પણ અક્કેક લગ્નગીતે પ્રાંતે પ્રાંતે ભમીને ભિન્ન ભિન્ન પાઠાન્ત્તરો જન્માવ્યાં છે. આપણે પ્રજાજીવનમાં ‘રિધમ’ (તાલબદ્ધતા) માગીએ છીએ. આપણો અંતરતમ પ્રાણ એક તાલે ધબકતો નથી. પણ એકસૂરીલા આંતરજીવનની સામગ્રી તો આપણું લોકસાહિત્ય પૂરી પાડે છે. એકનું એક ગીત, એકની એક જ કલ્પના, સ્વર અને શબ્દોના વૈવિધ્ય વડે વિભૂષિત બનીને પ્રાંતે પ્રાંતમાં પોતાના પડઘા જગાવે, અને કંઈક શતકો સુધી એ પડઘા શમે જ નહિ, એ દૃશ્ય આપણા ઊંડા બળની સાક્ષી પૂરે છે. એવું કહેવાય છે કે આજે ‘ડેડ સી’ (મૃત સમુદ્ર) પોતાનાં નીરમાં એટલી બધી કડક ખારાશ ધારણ કરી બેઠો છે કે એમાં જીવનને સ્થાન નથી — નાનું-શું જંતુ પણ એમાં જીવતું નથી. આવડી બધી કડકાઈનું, આટલી બધી અક્કડ પ્રકૃતિનું એક કારણ એ મનાય છે કે મૃત સમુદ્રને પોતાની છોળો બહાર રેલાવવાનું કશું ‘આઉટલેટ’ (દ્વાર) નથી. એના પ્રવાહો શી રીતે વહે? આડે ઊભા છે પહાડોના ખડકો. મૃત સમુદ્રને ખડકો રુંધે છે. એના જીવનને ગૂંગળાવી મારે છે. એની કડકાઈનું અભિમાન બેશક પોષાય છે, એનું વ્યક્તિત્વ આજે જગતના સર્વે સમુદ્રોથી હરગિજ જુદું છે. પરંતુ એ વ્યક્તિત્વમાં ગૌરવ તો છે કેવળ મૃત્યુનું, જીવનનું નહિ. એ જ દશા થાય છે પ્રવાહહીન સાહિત્યની. લોકસાહિત્ય એ સ્થિતિમાંથી મુક્ત રહી શક્યું છે કેમ કે પોતાના વ્યક્તિત્વને ભોગે પણ પ્રવાહીપણાનું તત્ત્વ એણે જાળવી રાખ્યું છે. એ કોઈ ઉત્તમ ચિત્રકારના ચિત્ર જેવું નથી, પણ ગામને પાદર ઊભેલા પાળિયા જેવું છે. ચિત્રકાર પોતાના ચિત્રનો માલિક હોવાથી, પોતાના ચિતરામણમાં એક રેખા કે બે બિન્દુનો પણ ફેરફાર કરવા કોઈને નહિ આપે, જ્યારે પાળિયા ઉપર તો સહુ ગામલોકો પોતાને મનગમતાં સિંદૂર-ચિતરામણો આલેખી શકશે. લોકગીતોમાં તો કોઈ કર્તાની છાપ ન હોવાથી માલિકીની કડકાઈ નથી, પણ સાર્વજનિકતાની કુમાશ છે. જેને ઊર્મિ ઊઠે તે એમાં નવા રંગો ઉમેરે, નવી રેખાઓ આંકે. પાઠાન્તરોની પ્રચુરતાનો આખો મર્મ એ છે. એણે સહુને ભાવે તેવી છેકભૂંસ ને રંગપુરવણી કરવા દીધી છે. ઘણે વખતે આ છૂટમાં નધણિયાતાપણાના દોષને લીધે વિકૃતિ નીપજી હશે, પરંતુ તે છતાં એના પ્રવાહીપણાને એણે સજીવન તો બરાબર રાખ્યું છે. એ સજીવપણું કેટલું વ્યાપક છે, તેની થોડીક સમીક્ષા આજે કરશું. પ્રવાહી સાહિત્યની વિશિષ્ટતા જ આ છે : સમસ્તતાનું — ઊંચનીચ અને ગરીબ-ધનવાન તમામનું એ સહિયારું ધન હોઈ, એ સાહિત્યને સહુ કોઈ પોતાની પીંછી લગાવી પોતાના અંતરતમ પ્રાણમાં જૂજવા રંગો પૂરે, અને એક જ રેખાના ફેરફાર વડે આખો ભાવ પલટી નાખે, નવું જ સૌંદર્ય નિપજાવે : જેમ કે, કાઠિયાવાડનાં લગ્નગીત માંહેનું —
ઊંચા ઊંચા રે દાદે ગઢ રે ચણાવ્યા
ગઢ રે સરીખા ગોખ મેલિયા,
ગઢડે ચડીને બાઈનો દાદોજી જોવે,
કન્યા ગોરાં ને રાયવર શામળા!
એના ઓરતડા મ કરજો, દાદા,
દ્વારકામાં રણછોડરાય શામળા!
— એ ગીત ગુજરાતની કોઈ કાવ્યરસિક ગુજરાતણના લગાર જ સ્પર્શ થકી વિશેષ કાવ્યમય બન્યું :
ઊંચાં મેડી ને ગોખ જાળિયાં,
ત્યાં બેસી કન્યાના દાદાજી કહે રે!
દીકરી ગોરાં ને રાયવર શામળા!
દાદાજી મોરા! હૈયે ન ધરશો,
તડકાને તેજે રાયવર શામળા!
‘તડકાને તેજે રાયવર શામળા!’ નવીન જ ઊર્મિ : શામળા રંગની હકીકત જ જૂઠી પડી ગઈ. અથવા કાઠી-ગીત લઈએ —
મેડીને મોલ બેઠાં મોંઘીબા બોલે,
કાં રે દાદાજી! વર શામળો?
છેટેથી આવ્યો રજે ભરાણો
રજનો ભરાણો રાયવર શામળો.
— એ ફેરકાર થઈ શક્યો, તેનું કારણ લોકસાહિત્યની પ્રવાહિતા. વહેતું ઝરણું પોતાના માર્ગમાં જેમ આકાશ, વૃક્ષ અને પશુપંખી તમામના રંગો આકારો ઝીલે તેમ લોકસાહિત્યે ભિન્ન ભિન્ન આત્માની ઊર્મિઓ પોતાના પ્રવાહમાં ઝબકોળી લીધી. એવા જ નજીવા ફેરફાર વડે આપણે કોઈ નવી જ કલ્પનાની લહેર અનુભવીએ છીએ, અને લોકકલ્પનાની સમૃદ્ધિનું સાચું માપ કાઢી શકાય છે. વિદાય વેળાના ગીતમાં
દાદાને આંગણે આંબલો,
આંબલો ઘોર ગંભીર જો!
એક તે પાન, દાદા, તોડિયું
દાદા! ગાળ નો દેજો જો!
એને બદલે બીજું પાઠાન્તર પ્રગટ થયું :
ડાળ મરડીને દાતણ મેં કર્યું
દાદા! ગાળ મ દેશો રે!
એ ‘ડાળ મરડીને દાતણ મેં કર્યું’ની કરુણતા ‘એક તે પાન, દાદા, તોડિયું’ કરતાં રમ્ય રીતે જુદી પડે છે. ડાળ મરડવાની ક્રિયામાંથી કન્યાનું નિર્દોષ અને તોફાની છતાં ઓશિયાળું બાલસ્વરૂપ નિષ્પન્ન થાય છે. ભાવ અને કલ્પના એક જ રહેવા દઈ, થોડા થોડા શબ્દના ફેરફાર વડે લોકોએ પોતપોતાનાં વિશિષ્ટ વ્યક્તિત્વવાળાં ભાતીગળ પાઠાન્તરો જન્માવ્યાં : દૃષ્ટાંતો લઈએ :
વાડીમાં રોપાવ્યો રૂડો કેવડો રે,
ફરતી વવરાવી નાગર વેલ્ય
વેલ્યે વળુંભ્યો રૂડો કેવડો રે
કિયા ભાઈનો મોભી રૂડો કેવડો રે
કિયા વેવાઈની નમણી નાગર વેલ્ય. — વાડીમાં.
કિયે ગામ ગડ્યાં રે નિશાન
કિયા ગામને પાદર મોરી રાજવણ! તંબૂ તાણિયા રે.
કિયા ભાઈ કેરો રે મોર
કઈ વહુ સુવાસણ મોરી રાજવણ! ઢળકતી ઢેલડી રે
એમાં કોઈક પ્રશ્નોરી રસિકાની એક પીંછી ફરી ગઈ :
મોરને માથે છે મોડ
ઢેલડીને માથે મોરી રાજવણ! નવરંગ ચૂંદડી રે.
મલપતો આવે છે મોર
ઢળકતી આવે છે મોરી રાજવણ! રૂડી ઢેલડી રે.
દાદા! વર જોજો કાંઈ વાડી માયલો મોર રે!
કન્યા ઢળકતી ઢેલડી રે!
વીરા! વર જોજો કાઈ આષાઢીલો મેઘ રે!
કન્યા ઝબૂકણ વીજળી રે.
ઠાકોર, તમે ઠાકોર તમે આષાઢીલા મેઘ,
ત્યારે અમે વાદળ કેરી વીજળી રે.
આપણ બન્ને તે વરસવા જોગ,
ત્યારે ગગન દીસે રળિયામણું રે.
ઠાકોર તમે, ઠાકોર તમે વનના મોરલા,
ત્યારે અમે તે વન કેરી ઢેલડી રે.
આપણ બન્ને, આપણ બન્ને તે ટહુકવા જોગ,
ત્યારે વન દીસે રળિયામણાં રે.
એ રીતે વેલ્ય અને વેલ્યે વળુંભ્યો કેવડો : મલપતો મોર અને ઢળકતી ઢેલડી : ચંપાનો છોડ ને ચંપાફૂલની પાંખડી : આષાઢીલો મેઘ ને ઝબૂકણ વીજળી : દેરા માયલો દેવ ને દેરાસર-પૂતળી : સરોવરના હંસ અને સરવર-હંસલી : આટલાં જોડલાંની નિરનિરાળી ઉપમાઓ, નોખે નોખે ઢાળે ને તાલે યોજીને ભિન્ન ભિન્ન પ્રદેશનાં ગુજરાતીઓએ રાષ્ટ્રીય અભેદને વિવિધતાથી મઢી લીધો. ભાતભાતનાં વેણીપુષ્પોને વીંધી સોંસરવા ચાલ્યા જતા દોરા સરીખો એક જ ભાવ આ ગીતોમાં પરોવાઈ રહ્યો. પ્રદેશગત પ્રકૃતિ અનુસાર તાલ ફરે, સંગીતરસ જુદો પડે : જેવું કે —