કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૪.અંધકાર

From Ekatra Wiki
Revision as of 07:22, 15 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪.અંધકાર|}} <poem> આંખ પાથરું ત્યાં ત્યાં બસ કૈં શ્યામ કૌમુદી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૪.અંધકાર

આંખ પાથરું ત્યાં ત્યાં બસ કૈં
શ્યામ કૌમુદી છલકે પારાવાર.
એકલો રહ્યો રહ્યો હું સ્પર્શદેશને યાદ કરું
તો પલભર પાંપણને તટ વ્હેતું આવે વિશ્વ.
તોરીલો સૂર્ય ઝૂલતો ઝાકળના ઘોડા પર બેસી.
દીઠી’તી મેં કેશનદી ત્યાં –
ડૂબકી એમાં મારી એનાં કમળ કોળતાં
સૂંઘ્યા’તાં મેં !
એની સળવળતી જલગતિ સરીખો અંધકાર તે આ ?
જ્યાં હમણાં બાળક રડ્યું હતું.
જ્યાં હમણાં વાસણ પડ્યું હતું.
પણ ઘરગથ્થુ અંધાર અહીં તે ક્યાંથી ?
મારું અહીંયાં ચરણહાથ કે આંખ કશું ના
આણે તો અહીં સઘળું મારું
સેળભેળ પોતામાં કીધું.
સાથળની બે પાંદડીઓ આલી’તી
એ પણ છીનવી લીધી !
મેં આ અંધકારને ચીરીને આગળ
ધપવાની વાત કરી’તી...
યુગયુગથી હું જેને ભૂલતો ભૂલતો
ઓળખતો આવ્યો છું; એ મિત્ર-સહોદર આ કે ?
તો ક્યાં છે પેલો
જેમાંથી જીવતી માટીનો શોર કાનમાં
અમૃત જેવો અડ્યો હતો.
આ મલમલસાગર ચોગરદમ
રેશમિયું ઘૂઘવે
એમાંથી હું ભિન્ન થવાની વાત કરું છું ?
જેમાં રહીને સ્પર્શદેશની સફર કરું છું !
(અંગત, પૃ. ૧૭-૧૮)