કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૫.ભર્યા સમંદર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૫.ભર્યા સમંદર

રાવજી પટેલ

ભર્યા સમંદર આંખોથી ખાલી કરવાના
હજી કેટલું જીવવાનું છે; બકવાનું છે ?
ગાલ નીચેની માટીમાં આકાશ લસરતું
સરવર જલને મળી ચૂકેલું માંસ બોલતું.
‘ભર્યા સમંદર આંખોથી ખાલી કરવાના’
જન્મ્યું શું ? – રોજ ઊઠીને પૂછીએ તો ક્ હે –
હજી કેટલું જીવવાનું છે; બકવાનું છે ?
ગાર નીચેની માટીમાં આકાશ લસરતું
પવન રુધિરે છણક્યો – છાતીનાં ફૂલ ખરશે
ખરશે એવું થઈને ભૂલ્યાં ગઈ કાલને
યાદ કરીને ભૂલ્યાં – ભૂલ્યાં સુખ આજનાં
જન્મ્યું શું રોજ ઊઠીને પૂછીએ તો ક્ હે :
‘પવન રુધિરે છણક્યો – છાતીનાં ફૂલ ખરશે’
એવું માઠું સમણું પાછું કાઢો – પાછું કાઢો.
મરવાનું છે કાલે ગીધને પાછું કાઢો, પાછું
યાદ કરીને ભૂલ્યાં એ પણ. સુખ આજનાં
ખરશે એવું સમજી ઝૂલ્યાં ગઈ કાલને
ઝૂલે. સરવર ઝૂલે, વાસણ ઝૂલે ઓરે !
મરવાનું છે કાલે ગીધને પાછું કાઢો, પાછું.
હજી અમે ના દીઠી કોયલ વ્હેતી; આંબો
હરતો ફરતો હજી અમે ના દીઠો, પર્વત
ઝૂલે ? સરવર ઝૂલે ? વાસણ ઝૂલે ? ઓરે
હજી અમે ના દીઠી કોયલ વ્હેતી ? આંબો
શરીરમાંથી લચક્યો ક્યારે લળક્યો ક્યારે ?
મરવાનું છે કાલે ગીધને પાછું કાઢો; પાછું.
હરતો ફરતો હજી અમે ના દીઠો પર્વત –
પર્વત બકાસુરનું મસ્તક થઈને વાગે !
વાગે – વહાણવટાની વાતો, ખરતું પાન આંખનું
વાગે – વાગે કન્યાની પીઠીનો પીળો પડછાયો.
હરતો ફરતો હજી અમે ના દીઠો : આંબો
શરીરમાંથી લળક્યો ક્યારે, લચક્યો ક્યારે ?
લોહી વગરનો – માંસ વગરનો – કૈંક વગરનો.
(અંગત, પૃ. ૧૯-૨૦)