કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪.બારી બહાર જોતો વૃદ્ધ
Revision as of 07:33, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
૪.બારી બહાર જોતો વૃદ્ધ
બારી પરે જર્જર દેહ ટેકવી
ઝૂકી પડી સ્હેજ, પછી નિરાંતે
જોઈ રહ્યો એ ક્ષીણ લોચનોથી
જ્યાં સૌ મકાનો બની મૂક મોજમાં
ઝીલી રહ્યાં અંગ પરે અખંડ
વર્ષા તણી શીતલ ઝીંક તન્મય.
ને છાપરામાં
કબૂતરાં બે ફફડાવી પાંખો
નાહી રહ્યાં – નાચી રહ્યાં નિમગ્ન.
ને શેરીમાં સૌ જલલુબ્ધ બાળકો
કરી રહ્યાં શોરબકોર, નગ્ન
દોડી રહ્યાં મોજ મહીં મનસ્વી !
સુદૂરથી શૈશવની સ્મૃતિની
આવી પૂગી નાજુક એક વાદળી
ધીમે ધીમે વર્ષી રહી અજસ્ર.
બારી મહીંથી નિજ હાથ દુર્બળ
કાઢ્યો ધીમેથી જરી બ્હાર, ઝીલવા
વર્ષા તણી શીતલ ધાર, જેનો
થતાં જરી સ્પર્શ ફરી વળ્યું કશું
શરીરમાં ચેતન અંગઅંગે !
ને વૃદ્ધની જર્જર કાય છોડીને
શેરી મહીં શી ચકચૂર નાચતી
નાગીપૂગી એ શિશુટોળકીમાં
ભળી ગયું એક શિશુ વિશેષ !
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૩૩)