કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૮.શી-ઈ-ઈ-ઈ-!

From Ekatra Wiki
Revision as of 10:49, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૮.શી-ઈ-ઈ-ઈ-!

લાભશંકર ઠાકર

શી-ઈ-ઈ-ઈ-!
શીતલ પવનની પીઠ પરેથી લસરે છે
લીંબુરંગનો તડકો
બોરસલીની ડાળ પર ચળકે છે પૂંછડી શ્યામ
શ્વેત રંગના સંયોજનમાં : શી-ઈ-ઈ-ઈ !
શુભ્ર તપાસા જેવું પેટ, દૈયડ
મેગપાઈ રોબિન, આવ –
તારા અવાજમાં ઘૂંટાયા છે, લીંબુરંગી સુખોષ્ણ તડકો,
શીતલ પવન ને કામ. આવ –
દૈયડ અતીતમાંથી આ ક્ષણમાં સામે.
હું તો બેઠો છું નિષ્કામ ને અનિચ્છ. આવ –
તારા અવાજથી ઊઘડી છે મારી આંખ
તાકવા તને, મારી એકલતાની ડાળે
સ્મૃતિ શ્રુતિના ફળિયામાં સકામ કૅમેરાનાં
આંખ-કાનની સામે મિડ શૉટમાં.
તારી પ્રતીક્ષામાં કૅમેરા ઑન છે. આવ –
શી-ઈ-ઈ-ઈ !
(કૅમેરા ઑન છે, પૃ. 1૨૭)