કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૫.હું તડકો-તમાકું ને તું

From Ekatra Wiki
Revision as of 12:03, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૫.હું તડકો-તમાકું ને તું

રાવજી પટેલ

સોનેરી પત્તાં તમાકુનાં આમતેમ તડકામાં અમળાતાં જાય
એવો હું અમળાતો આળોટું તડકો થૈ તડકીલો જીવ મારો ન્હાય.
ઝાંઝવાના કુંડ સામે સેઢેને થાય ઃ મને બોળીઝબોળીને પીઉં.
ઝાડપાન ઝાપટમાં લેવા મથે રે ક્યાંથી મરજીમાં માય મારો જીવ ?
જીવ પછી જોજે ને પાંપણથી ઠેલવો છે આખા મલકને વાયરાની જેમ,
સોનેરી પત્તું તમાકુનું તડકાની આંગળીથી અમળાતું એમ.
શકરાની કીકી શો આથમણે ઉગમણે ઝાલુઝબાક તારું નામ,
મોતીને વ્હાલપથી નરખું હું એમ નેણ અંજાતું સુરમાળું ગામ.
તડકો ઠરીને એવો બેઠો છે આંખમાં હો અલકાતો મલકાતો ભેજ,
લીલમિયા પાંદડામાં સોનેરી પાશ જેવું જીવતરિયું દુઃખ મારું સ્હેજ,
સ્હેજ જરા સ્હેજ જરા ઓ પા અમારામાં આળોટો માટીની જેમ,
સોનેરી પત્તું તમાકુનું તડકાની આંગળીથી અમળાતું એમ.
(અંગત, પૃ. ૪૨)