કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૬.શેઢો (ગઝલ)
Jump to navigation
Jump to search
૨૬.શેઢો (ગઝલ)
રાવજી પટેલ
સદા ઘરથી છેટે રહ્યો ઘાસ જેવો,
છતાં આંખથી ના અલગ થાય શેઢો.
ચગદતો હમેશાં ગમે તેમ એને,
બળદને કદી ના ચરી જાય શેઢો.
પગલાંનો એ છે જનમથી જ ભૂખ્યો,
પથ પર ઘણી વાર પથરાય શેઢો.
નથી પાંખ એને કે ઊડી શકે એ,
છતાં નીડમાં ક્યાંક સંતાય શેઢો.
નથી કોઈ હોતું કને વાત કરવા,
મને એ સમયથી જ સમજાય શેઢો.
રહ્યો છું કને ને કને તોય છે શું ?
નર્યો ઘાસ છું કે ન પરખાય શેઢો !
(અંગત, પૃ. ૪૩)