કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૮.પ્હેલ રે વ્હેલેરાં...
Revision as of 12:04, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
૨૮.પ્હેલ રે વ્હેલેરાં...
રાવજી પટેલ
પ્હેલ રે વ્હેલેરાં કંકુપગલાં ઉંબર પરથી અમને જડ્યાં !
ઝીણી પારેવીની પાંખ ઝીણી પરવાળાની આંખ થઈને અમને જડ્યાં !
ઘરમાં હરતાં ફરતાં રાતાં આભ હસ્યાં, નાનાં આભ હસ્યાં,
મનમાં પગલાં ઝર્યાં;
પગલાં પોચાં-પોચાં, પગલાં સોનું-રૂપું, પગલાં રાત-દિવસ
પગલાં સૌને ગમ્યાં. પ્હેલ રે વ્હેલેરાં.
એ રે પગલાંમાં ફૂટ્યા ફૂલ-દરિયા ઊગ્યા પાછલા જનમ
કૉળ્યા સુખદુઃખના મોર, ઘર ગ્હેકી ઊઠ્યું –
મનમાં મ્હેકી ઊઠ્યું;
પગલાં ઝાંઝરનો ધૂપ, પગલાં રાતરાણી, પગલાં રણનો છાંયો
પગલાં એવાં જડ્યાં. પ્હેલ રે વ્હેલેરાં.
એ રે પગલાંમાં ઘર જાગી જતું, ઘર ઊંઘી જતું
ઘર ઘઉંનું કણસલું થઈને ડોલરિયું ડોલી જતું
મનમાં ડોલી જતું;
પગલાં લંગર્યાં ના લંગરાયાં, ફરી હાથ ના’વ્યા રે ના’વ્યાં
જડેલાં જરી ના જડ્યાં.
પ્હેલ રે વ્હેલેરાં કંકુપગલાં ઉંબર પર ખીલે જડ્યાં !
(અંગત, પૃ. ૪૭)