અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રીના મહેતા/એક દિવસ આવી

Revision as of 20:37, 6 July 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એક દિવસ આવી

રીના મહેતા

એક દિવસ આવી એ પૂછશે કે કેમ છે?
કહેવું શું એને બધું એમનું રે એમ છે!

વરસ્યા વિનાની આંખ જાણી જશે કે હવે ભીતર આ ચોમાસું બેઠું,
અમથું અમથું રે એક વાદળ બંધાશે ને ઝટ્ટ દઈ કોણ માંહે પેઠું?
ઝરમર ઝર, ઝરમર ઝર વરસી એ કહેશે કે ‘કાં બધું કુશળ ને ક્ષેમ છે?’
એક દિવસ...

એમનાં રે એમ મારાં ટેરવાંનાં પંખી ને એમની રે એમ ઊભી પાંખ!
ઊડ્યા વિનાની એક લ્હેરખી રે નાની, મારી છાતીમાં ઉડાડે રાખ!
ધીમું રે ધીમું કંઈ ધખતું રહે ને એ જો દાઝે તો જાણો કે પ્રેમ છે!
એક દિવસ...

એક દિવસ આવી એ પૂછશે એ વાતે હું તો જાગતી ને જાગતી રઈ,
ખોબો ધરીને એક તારાને ઝીલવા હું અંધારે અંધારે ગઈ!
ઝીલી ઝીલીને ઝીલ્યું ઠાલું એક ટીપું, ને અજવાળે દીઠું તો હેમ છે!
એક દિવસ...



આસ્વાદ: પ્રેમના પંથની કટોકટી – વિનોદ જોશી

આ કવયિત્રીનું નામ અગાઉ ક્યાંય વાંચ્યું, સાંભળ્યું નથી. ‘શબ્દસૃષ્ટિ' સામયિકના તાજા ગીતવિશેષાંકમાં આ રચના નજરે પડી અને એક ઊઘડી રહેલા નવા અવાજનો પરિચય થયો. ઘણું કરીને નારીવિશિષ્ટ કહેવાય તેવી અભિવ્યક્તિ પણ મુખ્યત્વે પુરુષ કવિઓ જ કરતા હોય છે. સ્ત્રીને જેમ અન્ય બાબતોમાં સીમોલ્લંઘન કરવાનું હોતું નથી તેમ કલાના પ્રદેશમાં પણ એણે પ્રવેશવાનું હોતું નથી એવી સમજણ જાણ્યે-અજાણ્યે પણ પ્રર્વતતી હોય છે. આ એક કમનસીબ વાત છે. પણ અહીં કેટલાક અપવાદો પૈકી એક વધુ અપવાદ થયો છે તેનો આનંદ છે. પ્રેમની અતિનાજુક, પ્રતીતિનો અહીં કવિતા રૂપે નમણો આવિષ્કાર થયો છે.

હરીન્દ્ર દવેના એક ગીતનો ઉપાડ કંઈક આવો છે:

જાણીબૂઝીને અમે અળગા ચાલ્યા ને

છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે

સાવ રે સફાળા તમે ચોકી ઊઠ્યા ને પછી

ઠીક થઈ પૂછ્યું કેઃ કેમ છે?’

કેમ છે? એવો લગાતાર વપરાતો રહેલો પ્રશ્નાર્થ હવે અર્થ ગુમાવી બેઠો છે તે આપણે જાણીએ છીએ. ઉત્તરમાં ‘સારું છે' એવા શબ્દો પણ તત્ક્ષણ પ્રગટીને પ્રાશ્નિકને એના પ્રશ્ન જેવો જ વળતો ઉપચાર પકડાવી દે છે. આ બધું એટલું તો યંત્રવત્ થાય છે કે એમ ન થાય તો કંઈક ખામી આવી ગયાની દહેશત જાય છે. ચિનુ મોદીના એક ગીતની પ્રારંભિક પંક્તિ આવી છેઃ

કેમ છો? સારું છે?

દર્પણમાં જોયેલા ચહેરાને રોજરોજ

આમ જ પૂછવાનું કામ મારું છે?'

અહીં આ કવયિત્રી આવા બોદા અને ચપટા બની ગયેલા પ્રશ્નને બહુ ભાવવિભોરતાથી મઢી દે છે. એ વિચારે છે કે પોતાને ‘કેમ છે?' એવું પુછાય ત્યારે ઉત્તરમાં કંઈક તો કહેવું પડે. પણ તરત જ અંદરથી પ્રત્યાઘાત આવે છે: ‘કહેવું શું એને બધું? એમનું રે એમ છે!’ બહુ ભોળે ભાવે જાત સાથે આ સંવાદ થાય છે. જો એમનું એમ ન હોત તો જરૂર કંઈક કહેવાનું હોત, પણ એમનું એમ છે એ કંઈ કહેવાની વાત નથી. ખરેખર તો બધું એમનું એમ જ છે એ જ વાતનું દુઃખ અહીં વ્યંજિત થાય છે તે સહૃદયો સમજી શકશે. એક દિવસ જે આવનાર છે તેની અનુપસ્થિતિમાં આ વાત થઈ રહી છે. કાવ્યનાયિકા એકલી છે. પ્રશ્નનો પૂછણહાર ત્યાં સુધી ન આવે ત્યાં સુધી બધું એમનું એમ છે. એવું કોઈને કહી શકાય તેમ પણ નથી. કારણ કે હવે પોતાની સ્થિતિ છે તે વિકટ છે, આંખો વરસ્યા વિનાની છે પણ અંદર ચોમાસું બેસી ગયું છે. એ કેવળ નામનું ચોમાસું નથી. વાદળ બંધાવાની શક્યતા સાથેનું છે અને વાદળ બંધાય કે તરત ‘ઝટ્ટ દઈ તેમાં કોઈનો પ્રવેશ થઈ જવાનો છે. એટલું થાય કે તરત ઝરમર વરસાદનો પ્રારંભ અને એ વરસતી ધારાઓમાં જ છુપાઈને પેલી જાણભેદુની જેમ પ્રવેશેલી વ્યક્તિ પૂછવા લાગશે કે, ‘કાં બધું કુશળ ને ક્ષેમ છે?’ એ વ્યક્તિનું સ્વરૂપ વાદળનું છે, જે બંધાઈને રહેવાને બદલે ઝરમર વરસી જાય છે. વળી આકાશમાંથી ધરા પર વરસે તો ઠીક, આ તો આંખેથી વરસે. વરસાદ એ આમ તો આનંદની ઘટના છે. પણ અહીં તો આંખેથી વરસતા વરસાદની વાત છે. એમાં તો વેદનાની રંગોળી જ હોય. કવયિત્રીએ અહીં બેવડા દોરે કવિતા સિદ્ધ કરી છે. અહીં વિયોગ અને મિલન બેઉના ઉદ્ગાર કરી સરવાળે પોતાની એકાકીતાનો નિર્દેશ કર્યો છે. પિયુ નથી છતાં છે તો એવા સ્વરૂપે કે એને ઝાલી શકાય નહીં!

બીજા અંતરામાં એક ઊંડા નિઃશ્વાસથી આરંભાતી પંક્તિ મળે છે. ‘એમના રે એમ’ એવા શબ્દો જ સ્થિતિમાં કોઈ પરિવર્તન નહીં આવ્યાની સાક્ષી પૂરે છે. પિયુના ગયા પછીની આ સ્થિતિ અકળાવી મૂકનારી છે. ટેરવેથી ઊડવા ઇચ્છતાં સ્પર્શનાં પંખી ઊડતાં નથી. એમ જ જ્યાંનાં ત્યાં બેઠેલાં છે. એમની પાંખો લગીરે ફફડતી નથી. ‘ટેરવાં' શબ્દ પ્રયોજીને કવયિત્રીએ ‘સ્પર્શ’નો સંકેત લાક્ષણિક રીતે આપી દીધો છે. ચૂપચાપ બેઠેલું હૈયાનું પંખી સાવ નિસ્પંદ છે. જાણે કશું જ બનતું નથી, કંઈ જ થતું નથી, હવાની એક લ્હેરખી અચાનક ક્યાંકથી આવી ચડે છે અને હૃદયમાં ઓલવાઈ ગયેલા કોઈ ખાસ સંવેદન પરની રાખને જાણે ઉડાડે છે. અને એટલું થતા જ અંદરથી કંઈક ધખારો પ્રગટી ઊઠે છે, દઝાડી મૂકે તેવું કંઈક થવા લાગે છે. કવયિત્રી એનું નામ પાડીને કહે છે કે એ જ તો પ્રેમ છે પણ આ આગ કંઈ ભડકો થઈને પ્રજ્જવળી ઊઠે તેવી આક્રમક નથી, કવયિત્રી કહે છેઃ ‘ધીમું રે ધીમું કંઈ ધખતું રહે' મીરાંબાઈ એક પદમાં કહે છેઃ

‘દવ તો લાગેલ ડુંગરમેં,

કહોને રાણાજી, અમે કેમ કરીએ?’

‘પ્રેમ’ એવું નામ પાડ્યા પછી હવે કાવ્યનાયિકાને પોતાની વાત સ્પષ્ટ થઈ જતાં કોઈ આણ રહેતી નથી. એ ખુલ્લંખુલ્લા કહે છે, ‘એક દિવસ આવી એ પૂછશે એ વાતે હું તો જાગતી ને જાગતી રઈ’ એક માત્ર ‘કેમ છો?' એવા પ્રશ્નની રાહમાં રાતોની રાતોના ઉજાગરા કરનારી આ મુગ્ધાને મુને એક ઠાલા પ્રશ્નનું પણ કેટલું મહત્ત્વ છે!

છેલ્લી બે પંક્તિઓમાં તો અનન્ય કવિતા સિદ્ધ થઈ છે. ખોબો ધરીને’ એવા શબ્દો અહીં પ્રયોજ્યો છે. શો અર્થ કરશું એનો? કવિતા કંઈ અર્થ કરવા માટે થોડી જ હોય છે? આ ષોડશીની કંઈક ઝીલવાને આતુર મુદ્રાનું ભાવોત્તેજક ચિત્ર અહીં અંકાયું છે. હાનાલાલની કાવ્યનાયિકા ખોબો ધરીને ઊભી ઊભી ગાય છે:

‘ચંદ્રીએ અમૃત મોકલ્યાં, હો બહેન!

ફૂલડાં કટોરી ગૂંથી લાવ, જગમાલણી

હો બ્હેન! અમૃત અંજલિમાં નહીં ઝીલું...'

ખોબામાં અમૃતનો આસવ નહીં પણ તારાનો ઉજાસ ઝીલવા આપણી કવયિત્રી નીકળે છે. વળી એનો એ પ્રવાસ અંધારામાં થાય છે. એ એક વધારાની વાત, માર્ગની ખબર ન હોય અને લક્ષ્ય જ દેખાઈ રહ્યું હોય તેવો પ્રવાસ પણ કેવો વિકટગામી હોય! પ્રેમના પંથની કટોકટીનો બહુ વિલક્ષણ એવો આવિષ્કાર અહીં થયો છે. પણ અંત બહુ માર્મિક છે. એક ઠાલું લાગતું ટીપું અંધારામાં ઝિલાયું તેનો અવસાદ, અજવાળે એ ટીપું સોનાનું બની ગયું તે સિદ્ધિમાં ઓગળી જાય છે. અંધારે એવો કોઈ કાંચનસ્પર્શ થયો કે બધું હેમ લાગવા માંડ્યું. હજી તો આવનાર આવ્યો નથી ત્યાં જ આ બધું અનુભવાઈ ગયું. પ્રેમની ઉપલબ્ધિ શું દરેક વખતે આવી જ હશે? આમેય અજવાળાની પ્રતીતિ અંધારા વિના ક્યાં થાય છે? વિરહ વિના મિલનની ઉત્કટતા ક્યાં હોય છે? નર્યા સહજ પ્રેમનો ઉદ્ગાર અહીં હૃદયસ્પર્શી બનીને નિખર્યો છે.