સત્યના પ્રયોગો/ખોરાકના પ્રયોગો

From Ekatra Wiki
Revision as of 22:38, 11 July 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૧૭. ખોરાકના પ્રયોગો | }} {{Poem2Open}} જેમ જેમ હું જીવનમાં ઊંડો ઊતર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૭. ખોરાકના પ્રયોગો

જેમ જેમ હું જીવનમાં ઊંડો ઊતરતો ગયો તેમ તેમ મને બહારના અને અંતરના આચારમાં ફેરફારો કરવાની જરૂર પડતી જણાઈ. જે ગતિથી રહેણીમાં અને ખર્ચમાં ફેરફારો થયા તે જ ગતિથી અથવા વધારે વેગથી ખોરાકમાં ફેરફારો કરવાનું શરૂ કર્યું. અન્નાહાર વિશેનાં અંગ્રેજી પુસ્તકોમાં મેં જોયું કે લેખકોએ બહુ સૂક્ષ્મ વિચારો કરેલા. અન્નાહારને તેઓએ ધાર્મિક, વૈજ્ઞાનિક, વ્યાવહારિક, ને વૈદ્યક દૃષ્ટિથી તપાસ્યો હતો. નૈતિક દૃષ્ટિએ તેઓએ વિચાર્યું કે, મનુષ્યને પશુપંખીની ઉપર સામ્રાજ્ય મળ્યું છે તે તેઓને મારી ખાવાને અર્થે નહીં, પણ તેઓની રક્ષા અર્થે; અથવા, જેમ મનુષ્ય એકબીજાનો ઉપયોગ કરે છે પણ એકબીજાને ખાતા નથી, તેમ પશુપંખી પણ તેવા ઉપયોગ અર્થે છે, ખાવાને અર્થે નહીં. વળી તેઓએ જોયું કે, ખાવું તે ભોગને અર્થે નહીં પણ જીવવાને અર્થે જ છે. આ ઉપરથી કેટલાકે ખોરાકમાં માંસનો જ નહીં પણ ઈંડાંનો અને દૂધનો પણ ત્યાગ સૂચવ્યો ને કર્યો. વિજ્ઞાનની દૃષ્ટિએ ને મનુષ્યની શરીરરચના જોઈને કેટલાકે એવું અનુમાન કાઢયું કે, મનુષ્યને રાંધવાની આવશ્યકતા જ નથી; તે વનપક ફળો જ ખાવા સરજાયેલ છે. દૂધ પીએ તે કેવળ માતાનું જ; દાંત આવ્યા પછી તેણે ચાવી શકાય એવો જ ખોરાક લેવો જોઈએ. વૈદ્યક દૃષ્ટિએ તેઓએ મરીમસાલાનો ત્યાગ સૂચવ્યો. અને વહેવારની અથવા આર્થિક દૃષ્ટિએ તેઓએ બતાવ્યું કે ઓછામાં ઓછા ખર્ચવાળો ખોરાક અન્નાહાર જ હોઈ શકે. આ ચારે દૃષ્ટિઓની અસર મારા ઉપર પડી, અને અન્નાહાર આપનારી વીશીઓમાં ચારે દૃષ્ટિવાળા માણસોને હું મળતો થયો. વિલાયતમાં તેને લગતું મંડળ હતું અને સાપ્તાહિક પણ હતું. સાપ્તાહિકનો હું ઘરાક બન્યો અને મંડળમાં સભ્ય થયો. થોડા જ સમયમાં મને તેની કમિટીમાં લેવામાં આવ્યો. અહીં મને અન્નાહારીઓમાં જેઓ સ્તંભ ગણાતા તેવાઓનો પરિચય થયો. હું અખતરામાં ગૂંથાયો.

ઘેરથી મીઠાઈઓ, મસાલા વગેરે મંગાવ્યા હતાં તેબંધ કર્યાં અને મને બીજું વલણ લીધું. તેથી મસાલાઓનો શોખ મોળો પડી ગયો અને જે ભાજી રિચમંડમાં મસાલા વિના ફીકી લાગતી હતી તે કેવળ બાફેલી સ્વાદિષ્ટ લાગી. આવા અનેક અનુભવથી હું શીખ્યો કે સ્વાદનું ખરું સ્થાન જીભ નથી પણ મન છે.

આર્થિક દૃષ્ટિ તો મારી સામે હતી જ. તે વખતે એક પંથ એવો હતો કે જે ચાકૉફીને નુકસાનકારક ગણતો અને કોકોનું સમર્થન કરતો. કેવળ શરીરવ્યાપારને અર્થે જોઈએ તે જ વસ્તુ લેવી એ યોગ્ય છે એમ સમજ્યો હતો. તેથી ચાકૉફીનો મુખ્યત્વે ત્યાગ કર્યો, કોકોને સ્થાન આપ્યું.

વીશીમાં બે વિભાગ હતા. એકમાં જેટલી વાનીઓ ખાઓ તેના પૈસા આપવાના. આમાં ટંકે શિલિંગ બે શિલિંગનું ખર્ચ પણ થાય. આમાં ઠીક સ્થિતિના માણસો આવે. બીજા વિભાગમાં છ પેનીમાં ત્રણ વાની અને રોટીનો એક ટુકડો મળે. જ્યારે મેં ખૂબ કરકસર આદરી ત્યારે ઘણે ભાગે હું છ પેનીના વિભાગમાં જ જતો.

ઉપરના અખતરાઓમાં પેટાઅખતરાઓ તો પુષ્કળ થયા. કોઈ વેળા સ્ટાર્ચવાળા ખોરાક છોડવાનો, કોઈ વેળા માત્ર રોટી અને ફળ ઉપર નભવાનો, તો કોઈ વેળા પનીર, દૂધ અને ઈંડાં જ લેવાનો.

આ છેલ્લો અખતરો નોંધવા જેવો છે. તે પંદર દિવસ પણ ન ચાલ્યો. સ્ટાર્ચ વિનાના ખોરાકનું સમર્થન કરનારે ઈંડાંની ખૂબ સ્તુતિ કરી હતી, અને ઈંડાં માંસ નથી એમ પુરવાર કર્યું હતું. તે લેવામાં જીવતા જીવને દુઃખ નથી એ તો હતું જ. આ દલીલથી ભોળવાઈ મેં માની આપેલી પ્રતિજ્ઞા છતાં ઈંડાં લીધાં. પણ મારી મૂર્છા ક્ષણિક હતી. પ્રતિજ્ઞાનો નવો અર્થ કરવાનો મને અધિકાર નહોતો. અર્થ તો પ્રતિજ્ઞા દેનારને જ લેવાય. માંસ ન લેવાની પ્રતિજ્ઞા દેનારી માતાને ઈંડાંનો તો ખ્યાલ જ ન હોય એમ હું જાણતો હતો. તેથી મને પ્રતિજ્ઞાના રહસ્યનું ભાન આવતાં જ ઈંડાં છોડયાં ને તે અખતરો પણ છોડયો.

આ રહસ્ય સૂક્ષ્મ છે ને ધ્યાનમાં રાખવા યોગ્ય છે. વિલાયતમાં માંસની ત્રણ વ્યાખ્યાઓ મેં વાંચેલી. એકમાં માંસ એટલે પશુપક્ષીનું માંસ. તેથી તે વ્યાખ્યાકારો તેનો ત્યાગ કરે, પણ માછલી ખાય; ઈંડાં તો ખાય જ. બીજી વ્યાખ્યા પ્રમાણે જેને સામાન્ય મનુષ્ય જીવ તરીકે જાણે છે તેનો ત્યાગ હોય. એટલે માછલી ત્યાજ્ય પણ ઈંડાં ગ્રાહ્ય. ત્રીજી વ્યાખ્યામાં સામાન્યપણે મનાતા જીવમાત્ર અને તેમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓનો ત્યાગ. આ વ્યાખ્યા પ્રમાણે ઈંડાંનો અને દૂધનો પણ ત્યાગ બંધનકારક થયો. આમાંની પહેલી વ્યાખ્યાને હું માન્ય ગણું તો માછલી પણ ખવાય. પણ હું સમજી ગયો કે મારે સારું તો માતુશ્રીની વ્યાખ્યા જ હતી. એટલે જો મારે તેની આગળ લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવું હોય તો ઈંડાં ન જ લઈ શકાય. તેથી ઈંડાંનો ત્યાગ કર્યો. આ મને વસમું થઈ પડયું. કારણ કે, ઝીણવટથી તપાસતાં અન્નાહારની વીશીઓમાં પણ ઈંડાંવાળી ઘણી વસ્તુઓ બનતી હતી એમ માલૂમ પડયું. એટલે કે, ત્યાં પણ મારે નસીબે, હું ખૂબ માહિતગાર થયો ત્યાં લગી, પીરસનારને પૂછપરછ કરવાપણું રહ્યું હતું. કેમ કે, ઘણાં `પુડિંગ’માં ને ઘણી `કેક’માં તો ઈંડાં હોય જ. આથી હું એક રીતે જંજાળમાંથી છૂટયો, કેમ કે, થોડી ને તદ્દન સાદી જ વસ્તુ લઈ શકતો. બીજી તરફથી જરા આઘાત પહોંચ્યો, કેમ કે જીભે વળગેલી અનેક વસ્તુઓનો ત્યાગ કરવો પડયો. પણ એ આઘાત ક્ષણિક હતો. પ્રતિજ્ઞાપાલનનો સ્વચ્છ, સૂક્ષ્મ અને સ્થાયી સ્વાદ મને પેલા ક્ષણિક સ્વાદ કરતાં વધારે પ્રિય લાગ્યો.

પણ ખરી પરીક્ષા તો હજુ હવે થવાની હતી, અને તે ત્રીજા વ્રતને અંગે. જેને રામ રાખે તેને કોણ ચાખે?

આ પ્રકરણ પૂરું કરું તે પહેલા પ્રતિજ્ઞાના અર્થ વિશે કેટલુંક કહેવું જરૂરનું છે. મારી પ્રતિજ્ઞા એ માતાની સમક્ષ કરેલો એક કરાર હતો. દુનિયામાં ઘણ ઝઘડા કેવળ કરારના અર્થથી ઉત્પન્ન થાય છે. ગમે તેટલી સ્પષ્ટ ભાષામાં કરારનામું લખો તોપણ ભાષાશાસ્ત્રી કાગનો વાઘ કરી આપશે. આમાં સભ્યાસભ્યનો ભેદ નથી રહેતો. સ્વાર્થ સહુને આંધળાભીંત કરી મૂકે છે. રાજાથી માંડીને રંક કરારોના પોતાને ઠીક લાગે તેવા અર્થ કરીને દુનિયાને, પોતાને અને પ્રભુને છેતરે છે. આમ જે શબ્દ અથવા વાક્યના પોતાને અનુકૂળ આવે એવા અર્થ પક્ષકારો કરે છે તેને ન્યાયશાસ્ત્ર દ્વિઅર્થી મધ્મયપદ કહે છે. સુવર્ણન્યાય તો એ છે કે, સામા પક્ષે આપણા બોલનો જે અર્થ માન્યો એ જ ખરો ગણાય; આપણા મનમાં હોય તે ખોટો અથવા અધૂરો. અને એવો જ બીજો સુવર્ણન્યાય એ છે કે, જ્યાં બે અર્થ સંભવિત હોય ત્યાં નબળો પક્ષ જે અર્થ કરે તે ખરો મનાવો જોઈએ. આ બે સુવર્ણમાર્ગનો ત્યાગ થવાથી જ ઘણે ભાગે ઝઘડા થાય છે ને અધર્મ ચાલે છે. અને એ અન્યાયની જડ અસત્ય છે. જેને સત્યને જ માર્ગે જવું છે તેને સુવર્ણમાર્ગ સહેજે જડી રહે છે. તેને શાસ્ત્રો શોધવાં નથી પડતાં. માતાએ ‘માંસ’ શબ્દનો જે અર્થ માન્યો અને જે હું તે વેળા સમજ્યો તે જ મારે સારુ ખરો હતો; જે હું મારા વધારે અનુભવથી કે મારી વિદ્વત્તાના મદમાં શીખ્યો એમ સમજ્યો તે નહીં.

આટલે લગીના મારા અખતરાઓ આર્થિક અને આરાગ્યની દૃષ્ટિએ થતા હતા. વિલાયતમાં તેણે ધાર્મિક સ્વરૂપ નહોતું પકડયું. ધાર્મિક દૃષ્ટિએ મારા સખત અખતરાઓ દક્ષિણ આફ્રિકામાં થયા તે હવે પછી તપાસવા પડશે. પણ તેનું બીજ વિલાયતમાં રોપાયું એમ કહી શકાય.

જે નવો ધર્મ સ્વીકારે છે તેની તે ધર્મના પ્રચારને લગતી ધગશ તે ધર્મમાં જન્મેલાંના કરતાં વધારે જોવામાં આવે છે. અન્નાહાર એ વિલાયતમાં તો નવો ધર્મ જ હતો, અને મારે સારુ પણ તે મ જ ગણાય, કેમ કે બુદ્ધિથી તો હું માંસાહારનો હિમાયતી થયા પછી વિલાયત ગયો હતો. અન્નાહારની નીતિનો જ્ઞાનપૂર્વક સ્વીકાર તો મેં વિલાયતમાં જ કર્યો. એટલે મારે સારુ નવા ધર્મમાં પ્રવેશ કર્યા જેવું થયું હતું, નવધર્મીની ધગશ મારામાં આવી હતી. તેથી જ લત્તામાં તે વેળા હું રહેતો હતો તે લત્તામાં અન્નાહારી મંડળની સ્થાપના કરવાનો ઠરાવ કર્યો. આ લત્તો બેઝવૉટરનો હતો. તે લત્તામાં સર એડવિન આર્નલ્ડ રહેતા હતા. તેમને ઉપપ્રમુખ થવા નોતર્યા; તે થયા. દાક્તર ઓલ્ડફિલ્ડ પ્રમુખ થયા. હું મંત્રી બન્યો. થોડો વખત તો આ સંસ્થા કંઈક ચાલી; પણ કેટલાક માસ પછી તેનો અંત આવ્યો, કેમ કે મેં મારા દસ્તૂર મુજબ તે લત્તો અમુક મુદ્દતે છોડયો. પણ આ નાના અને ટૂંકી મુદ્દતના અનુભવથી મને સંસ્થાઓ રચવાનો ને ચલાવવાનો કંઈક અનુભવ મળ્યો.