સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/વહાલાં ગયાં વિદેશ

From Ekatra Wiki
Revision as of 10:45, 12 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વહાલાં ગયાં વિદેશ

ઐતિહાસિક મહત્તાનું મમત્વ કોને નથી હોતું? કાઠિયાવાડનાં નાનાં-મોટાં તમામ ભોંયરાં ગીરનારમાં જ નીકળે! જૂની તમામ ગુફાઓ પાંડવોની જ બાંધેલી! જૂનાં તમામ ખંડિયેરો કનકાવતી નગરીનાં! જૂની તમામ મોટી મૂર્તિઓ તો ધૂંધળીમલની ને કાં ભીમની! — એવી જાતના આ મમત્વ તરફ હું આનંદથી જોઈ રહ્યો. ગમે તેમ હો, પણ આ સ્થળ મને નાગ વાળા-નાગમદેનું ખરેખરું જ ઘટનાસ્થળ લાગ્યું. એવી પ્રેમકથાઓ મોટે ભાગે ગીરમાં જ બની હોવી જોઈએ. આમ માનીને હું એ સવિયાણા શહેરની જમીન પર જોઈ રહ્યો : કલ્પના વેગે ચડી : જાણે એ બવળી બજારને કોઈ હાટડે ઘીની તાંબડી લઈને આયર-કુમારી નાગમદે વેચવા આવી છે : વેપારીના ઠામમાં જાણે એના રૂપાળા હાથ ઘી ઠાલવી રહ્યા છે : ઓચિંતો ઘોડેસ્વાર નીકળે છે : નાગમદેની નજર ત્યાં મંડાય છે : આંહીં ઘીની ધાર નીચે ઢોળાય છે : ટિખળી વેપારી એનું ધ્યાન ખેંચે છે : અને નાગમદેના મ્હોંમાંથી વચન સરે છે કે

ઘોળ્યાં જાવ રે ઘી, આજુનાં ઉતારનાં, ધન્ય વારો ધન્ય દિ’, નેણે નીરખ્યો નાગને.

અને એવી પ્રીતિ લાગી ગયા પછી, એક દિવસ ઓચિંતાં શ્રીધારનાં નેસડાં ઊપડી જાય છે, નાગ વાળો ત્યાં જાય ત્યાં તો — નહીં વલોણું વાસમાં, નહીં પરભાતી રાગ, નાગમદેના નેસમાં કાળા કળેળે કાગ.

એવું બધું સૂનસાન દેખે છે. માત્ર ભાંગી ગયેલ પગવાળો એક પાડો જ ત્યાં પડ્યો રહ્યો છે, અને એની ડોકે બાંધેલા કાગળિયામાં પ્રેમિકાના હસ્તાક્ષરનો મીઠો દુહો છે કે

નાગ તમાણે નેસ, ભાંગલ પગ ભેંસા તણો, વા’લાં ગયાં વદેશ, અવધે આવાણું નહીં.

એ ત્રાંબાવરણા તળાવના હિલોળા : વડલાની ઘટા : શ્રીધારના નવ નેસ : માંહી વસેલાં મર્માળાં માનવી : આખી સૃષ્ટિ નજર સમીપે તરવરવા લાગી. પરંતુ ત્યાં તો તુર્ત જ મને દુનિયાદારીના ડહાપણે ધબ્બો લગાવીને શિખામણ દીધી કે ભાઈ! ક્યાંક વિચારવાયુ ઊપડશે! હું ચેતી ગયો, અને નાગ વાળા-નાગમદેની બેવકૂફી પર હસવા યત્ન કરતો કરતો નાગેશ્વરી ભણી ચાલી નીકળ્યો.