નરસિંહથી ન્હાનાલાલ/૨૨

From Ekatra Wiki
Revision as of 22:36, 12 July 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ફિલસૂફી અને સાહિત્ય

જગતસાહિત્યના ઇતિહાસમાં ફિલસૂફી અને સાહિત્ય વિશેનું પ્રથમ વિવેચન પ્રાચીન યુગમાં ઈ. પૂ. ૫મી સદીમાં ગ્રીસમાં એથેન્સમાં સૉક્રેટિસ, પ્લેટો અને ઍરિસ્ટોટલે કર્યું હતું. સૉક્રેટિસના શિષ્ય પ્લેટો અને પ્લેટોના શિષ્ય ઍરિસ્ટોટલ. ગુરુ-શિષ્યની આ ત્રિપુટીએ ફિલસૂફી અને સાહિત્ય વિશે વાદ, વિવાદ અને સંવાદ કર્યો હતો. The ancient feud between philosophy and poetry’ – ફિલસૂફી અને કવિતા વચ્ચેનો પ્રાચીન કલહ. પ્લેટો(ઈ. પૂ. ૪૨૭-૩૪૭)એ એમના પ્રસિદ્ધ અને અત્યંત વિવાદગ્રસ્ત ગ્રંથ ‘Republic’ – ‘આદર્શ નગરરાજ્ય’ના ૧૦મા પ્રકરણમાં ફિલસૂફી અને કવિતા (અહીં કવિતા શબ્દ સાહિત્યના વ્યાપક અર્થમાં યોજ્યો છે) વચ્ચેના કલહ વિશે આ વિધાન કર્યું છે. આ કલહ પ્લેટો માટે પ્રાચીન હતો, કારણ કે પ્લેટોના પુર:કાલીન કવિઓ અને ફિલસૂફો – હોમર (ઈ. પૂ. ૮મી સદી), હેસિયડ (ઈ. પૂ. ૮મી સદી), ઝેનોફેનીસ (ઈ. પૂ. ૫૭૦-૪૭૯), હીરાક્લિટસ (ઈ. પૂ. ૫૪૦-૪૭૫) અને પાર્મેનાઇડ્ઝ(ઈ. પૂ. ૫૨૦-૪૫૦)નાં ફિલસૂફી અને કવિતા વિશેનાં કેટલાંક વિધાનોથી આ કલહનો આરંભ થયો હતો. એની વિગતો માટે અહીં અવકાશ નથી, અહીં એની આવશ્યકતા પણ નથી. પ્લેટોની વિશ્વતોમુખી પ્રતિભા હતી. પ્લેટો ફિલસૂફ હતા. એ સાહિત્યકાર પણ હતા, પણ સાહિત્યકારથી વિશેષ તો એ ફિલસૂફ હતા. એમણે યુવાવસ્થામાં કાવ્યો રચ્યાં હતાં. હોમરની કવિતાના એ પ્રેમી હતા. એમના સંવાદોમાં કવિતાનાં અનેક ગુણલક્ષણો છે. એમાં શૈલીસ્વરૂપમાં ગદ્યદેહી કવિતા છે, પણ વસ્તુવિષયમાં તો ફિલસૂફી જ છે. એમણે કવિતાના આનંદનો અંગત અનુભવ કર્યો હતો, એટલું જ નહિ, એના પ્રભાવનો એકરાર પણ કર્યો હતો. છતાં અથવા તો કદાચને એટલે જ એમણે ‘રીપબ્લિક’માં કવિ અને કવિતાનો મહદંશે પ્રતિકાર કર્યો હતો અને અંશત: પુરસ્કાર કર્યો હતો. માત્ર અપવાદરૂપ એવા કેટલાક કવિઓ અને કેટલીક કવિતાનો પુરસ્કાર કર્યો હતો. આમ, પ્લેટોએ કવિ અને કવિતા વિશે હકારાત્મક અને નકારાત્મક, અસ્તિવાચક અને નાસ્તિવાચક વિવેચન કર્યું હતું. એમણે ‘રીપબ્લિક’ના સર્જક-ફિલસૂફ તરીકે આ પ્રતિકાર કર્યો હતો. એમાં રાજકીય, ધાર્મિક, તાત્ત્વિક, નૈતિક અને શૈક્ષણિક સંદર્ભ હતો. ઈ. પૂ. ૪૩૧-૪૦૪માં, એમના નિકટના ભૂતકાળમાં જ, સ્પાર્ટા સાથેના પેલોપોનેસિયન યુદ્ધમાં અંતે ઈ. પૂ. ૪૦૪માં એથેન્સનો પરાજય થયો હતો અને ઈ. પૂ. ૩૯૯માં એમના ગુરુ-મિત્ર સૉક્રેટિસ(જન્મ ઈ. પૂ. ૪૬૯)નું દેહાન્ત- દંડથી અવસાન થયું હતું. એથી એ એથેન્સની લોકશાહીથી નિર્ભ્રાન્ત, નિરાશ અને નિરુત્સાહી થયા હતા, પણ એ નિષ્ક્રિય થયા ન હતા. એમણે એથેન્સ એક આદર્શ નગરરાજ્ય થાય એ માટે ‘રીપલ્બિક’માં એક કાચો મુસદ્દો – બ્લ્યુ પ્રિન્ટ, યુટોપિયા – રચવાનો પ્રભળ પુરુષાર્થ કર્યો હતો. એમણે આ આદર્શ નગરરાજ્યના નિર્માણમાં જે કોઈ, જે કંઈ વિઘ્નરૂપ, હાનિરૂપ, જોખમરૂપ હોય એવી વ્યક્તિઓ અને પ્રવૃત્તિઓનો પ્રતિકાર કર્યો હતો. આ વિશિષ્ટ અને વિદગ્ધ પરિપ્રેક્ષ્યમાં, ઉદાર અને ઉદાત્ત સંદર્ભમાં એમણે કેટલાક પ્રકારના કવિઓ અને કેટલાક પ્રકારની કવિતાનો પણ પ્રતિકાર કર્યો હતો, કારણ કે આ કવિઓ અને કવિતા આદર્શ નગરરાજ્ય માટે વિઘ્નરૂપ, હાનિરૂપ, જોખમરૂપ છે એવી એમની પ્રતીતિ હતી. આદર્શ નગરરાજ્યમાં એમની ઉપસ્થિતિ અનિષ્ટ અને અનિચ્છનીય છે. એમનું સ્થાન, માન-સન્માન ન હોવું જોઈએ. એથી એમનો અંતિમ નિર્ણય હતો કે આદર્શ નગરરાજ્યમાંથી આ કવિઓને દેહ પર સુખડ-ચંદનના લેપ સાથે, મસ્તક પર પુષ્પોના મુકુટ સાથે વિદાય કરવા જોઈએ, નિર્વાસિત કરવા જોઈએ. પ્લેટોએ એમના દસેક સંવાદોમાં – મુખ્યત્વે ‘રીપબ્લિક’માં અને તેમાંયે ૨જા, ૩જા અને પરાકાષ્ઠારૂપ અંતિમ ૧૦મા પ્રકરણમાં ફિલસૂફી અને કવિતા વિશે વિવેચન કર્યું છે. ૨જા પ્રકરણમાં અંતે એમણે ધાર્મિક કારણે પ્રતિકાર કર્યો છે. પરમેશ્વર પૂર્ણ છે, અપરિવર્તનશીલ છે. હોમર અને હેસિયડની કવિતામાં દેવો અપૂર્ણ છે, મનુષ્યતુલ્ય છે, પતનશીલ અને સ્ખલનશીલ છે. વળી એમાં વીરપુરુષોના વીરત્વનો હ્રાસ થાય એવું એમનું પાત્રાલેખન થયું છે. ૩જા પ્રકરણમાં એમણે નૈતિક કારણે પ્રતિકાર કર્યો છે. કેટલીક કવિતામાં દેવો અને વીરપુરુષોમાં એમને અનુકૂળ અને અનુરૂપ ન હોય એવી વૃત્તિઓનું આરોપણ કર્યું છે. વળી કવિ જ્યારે ઊર્મિકાવ્ય રચે છે ત્યારે તો એ એના પોતાના અવાજમાં ઉક્તિ કે ઉદ્ગાર કરે છે, પણ એ જ્યારે નાટ્યકાવ્ય કે મહાકાવ્ય રચે છે ત્યારે પાત્રો માટે જ ઉક્તિઓ કે ઉદ્ગારો રચે છે ત્યારે પોતે જાણે કે એ પાત્રો છે એવું એ પાત્રોનું અનુકરણ (imitation, mimesis) કરે છે. પ્લેટોેએ આ mimesis શબ્દ અહીં ૩જા પ્રકરણમાં મર્યાદિત અર્થમાં – impersonationના અર્થમાં યોજ્યો છે. પણ પછી ૧૦મા પ્રકરણમાં એમણે એનો અર્થવિસ્તાર કર્યો છે, એને વ્યાપક અર્થમાં, તાત્ત્વિક અર્થમાં યોજ્યો છે. ૧૦મા પ્રકરણાં પ્લેટોના આ પ્રતિકારની પરાકાષ્ઠા છે. ફિલસૂફ તરીકે પ્લેટોએ એક વિશિષ્ટ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે : Theory of Forms, Theory of ldeas. આ જગતની, આ દૃશ્ય જગતની પર અને પાર એક તત્ત્વ છે, અદૃશ્ય તત્ત્વ છે. (એને પ્લેટોએ Forms, Ideas નામ આપ્યું છે. એને સત્ય કહીશું ? વાસ્તવ કહીશું ? ઓમ્ કહીશું ? બ્રહ્મ કહીશું ? ઈશ કહીશું ? એને ઈશ્વર કહીશું ?) આ દૃશ્ય જગત, એમાં જ કંઈ છે, જે કંઈ થાય છે એ આ તત્ત્વનું અનુકરણ (mimesis) છે, એની અનુકૃતિ છે, એનો પડછાયો છે. કવિઓ અને કલાકારો એમની કવિતામાં અને કળામાં એનું અનુકરણ કરે છે, એટલે કે અનુકરણનું અનુકરણ કરે છે. આમ, કવિતા એ સત્યથી, વાસ્તવથી અતિ દૂર છે. એટલે કે કવિતામાં અસત્ય છે, કવિ અસત્યવાદી છે. આમ, આ તાત્ત્વિક સંદર્ભમાં પ્લેટોએ કવિ અને કવિતાનો પ્રતિકાર કર્યો છે. વળી કવિઓ કવિતામાં જે પાત્રો સર્જે છે એમાં દયા, ભય આદિ અનેક નિમ્ન ભાવો પ્રગટ થાય છે. એથી કવિતા મનુષ્યમાં બુદ્ધિને કે તર્કને નહિ, પણ ક્ષુદ્ર વૃત્તિઓને, દુર્વૃત્તિઓને પોષે-સંતોષે છે, એટલે કે કવિતામાં અનીતિ છે, કવિ અનીતિવાદી છે. આમ, આ નૈતિક સંદર્ભમાં પ્લેટોએ કવિ અને કવિતાનો પ્રતિકાર કર્યો છે. ઍરિસ્ટોટલ (ઈ. પૂ. ૩૮૪-૩૨૨) પ્લેટોના શિષ્ય હતા. એમની પણ પ્લેટોના જેવી વિશ્વતોમુખી પ્રતિભા હતી. એ વ્યવસાયે જીવવિજ્ઞાની હતા. એથી એમનામાં વૈજ્ઞાનિક દૃષ્ટિ હતી, સમતોલ બુદ્ધિ હતી. એ વ્યવહારુ હતા એ આત્યંતિક કક્ષાએ પ્રવૃત્ત થતા ન હતા. એ મધ્યમમાર્ગી હતા. અનેકાન્તવાદી હતા, ખુલ્લા મગજના અને ખુલ્લા મિજાજના માનવી હતા. એમને ગુરુ પ્રિય હતા, પ્લેટો પ્રિય હતા, પણ સત્ય વધુ પ્રિય હતું. એથી એમણે એમના કાવ્યશાસ્ત્ર વિશેના પ્રસિદ્ધ ગ્રંથ ‘Poetics’ (કાવ્યશાસ્ત્ર)માં પ્લેટોના નામનો ઉલ્લેખ કર્યો નથી, પણ એમના પ્રિય ગુરુના કવિ અને કવિતા વિશેના વાદ વિશે વિવાદ કર્યો છે, પ્રતિવાદ કર્યો છે અને અંતે ફિલસૂફી અને કવિતા વચ્ચે સંવાદ સિદ્ધ કર્યો છે. ‘પોએટિક્સ’માં ૨૬ પ્રકરણો છે. એમાંથી ૬ઠ્ઠા, ૯મા, ૧૩મા અને ૧૪મા પ્રકરણોમાં પ્લેટોના વાદ વિશે વિવાદ- પ્રતિવાદ કર્યો છે. ૬ઠ્ઠા પ્રકરણમાં એમણે ટ્રેજેડીની વ્યાખ્યા આપી છે. એમાં એમણે mimesisનો, imitationનો મૌલિક, સ્વતંત્ર અર્થ કર્યો છે. કવિતામાં પદાર્થો(objects)નું અનુકરણ, કથન કે વર્ણન નથી, પણ કાર્ય- (action)નું અનુકરણ નહિ, પણ અનુસર્જન (representation) છે. અને આ અનુસર્જન અલબત્ત દયા અને ભય દ્વારા પ્રગટ થાય છે. પણ અંતે આ વૃત્તિઓનું, ભાવોનું Katharsis – વિરેચન, નિરસન થાય છે. આ કેથાર્સિસ શબ્દ એ વૈદકશાસ્ત્રનો પારિભાષિક શબ્દ છે, medical metaphor છે. ૧૩મા અને ૧૪મા પ્રકરણોમાં આ દયા અને ભયની વૃત્તિઓનું, આ ભાવો વિશે વિસ્તારથી વિગતે વિવેચન કર્યું છે. ટ્રેજેડીમાં જે કાર્યનું અનુસર્જન છે તેમાં આ વિરેચનનો, નિરસનનો હેતુ છે. ઍરિસ્ટોટલ પ્લેટોની સાથે સંમત છે કે કવિ કવિતામાં જે પાત્રો સર્જે છે તેમાં દયા અને ભય આદિ નિમ્ન ભાવો, ક્ષુદ્ર વૃત્તિઓ, દુર્વૃત્તિઓ પ્રગટ થાય છે, પણ એ દ્વારા તો પાત્રોમાં આ ભાવો અને વૃત્તિઓનો જે અતિરેક છે તેનું વિરેચન, નિરસન થાય છે અને પાત્રો અંતે સ્વસ્થ થાય છે, સમતોલ થાય છે, મુક્ત થાય છે, આ ભાવો અને વૃત્તિઓનું શાંતરસમાં પર્યવસાન થાય છે અને પાત્રો ટ્રેજેડીનો આનંદ અનુભવે છે. આમ, કવિતામાં અનીતિ નથી અને કવિ અનીતિમાન નથી. કવિતામાં નીતિ છે અને કવિ નીતિમાન છે. એમાં નૈતિક સંદર્ભમાં પ્લેટોએ કવિ અને કવિતાનો જે પ્રતિકાર કર્યો હતો એનો ઍરિસ્ટોટલે પ્રતિવાદ કર્યો છે. ‘પોએટિક્સ’ના ૯મા પ્રકરણમાં તાત્ત્વિક સંદર્ભમાં પ્લેટોએ કવિ અને કવિતાનો જે પ્રતિકાર કર્યો હતો એનો ઍરિસ્ટોટલે પ્રતિવાદ કર્યો છે. કવિતામાં જે કંઈ થાય છે, જે કંઈ છે એનું વર્ણન કે કથન નથી, અનુકરણ નથી, પણ જે કંઈ થયું નથી, પણ થઈ શકે અથવા થવું જોઈએ, જે કંઈ નથી પણ હોઈ શકે અથવા હોવું જોઈએ એનું દર્શન છે. ઇતિહાસ અને કવિતામાં આ જ ભેદ છે. ઇતિહાસમાં જે કંઈ થયું હોય તેનું વર્ણન કે કથન હોય છે, જ્યારે કવિતામાં જે કંઈ થયું નથી પણ થઈ શકે, થવું જોઈએ એનું દર્શન છે. ઇતિહાસમાં હકીકતો (facts) હોય છે, જ્યારે કવિતામાં વૈશ્વિક સત્યો (Universal Truths) હોય છે. એથી કવિતા ઇતિહાસથી વિશેષ તાત્ત્વિક (philosophical) છે. ઇતિહાસમાં particulars, વિગતો, હકીકતો હોય છે, પણ universals, વૈશ્વિકતા હોતી નથી. કવિતામાં particulars, વિગતો, હકીકતો અને universals, વૈશ્વિકતા બંને હોય છે. ફિલસૂફીમાં universals, વૈશ્વિકતા હોય છે, પણ particulars, વિગતો, હકીકતો હોતી નથી. કવિતામાં universals, વૈશ્વિકતા અને particulars, વિગતો, હકીકતો બંને હોય છે. એથી કવિતા ફિલસૂફીથી પણ વધુ તાત્ત્વિક છે. અર્થાત્ કવિતા સત્યથી, વાસ્તવથી અતિ દૂર નથી, પણ અતિ નિકટ છે, ફિલસૂફી સત્યની, વાસ્તવની જેટલી નિકટ નથી તેટલી કવિતા સત્યની, વાસ્તવની નિકટ છે, અતિ નિકટ છે. આમ, ઍરિસ્ટોટલે પ્લેટોએ નૈતિક અને તાત્ત્વિક સંદર્ભમાં કવિ અને કવિતાનો પ્રતિકાર કર્યો હતો એનો સફળ અને સચોટ પ્રતિવાદ કર્યો છે અને કવિ અને કવિતા વિશેના આ વાદ અને વિવાદ-પ્રતિવાદમાં સંવાદ સિદ્ધ કર્યો છે. એથી ઍરિસ્ટોટલના ‘પોએટિક્સ’માં ફિલસૂફી અને કવિતા વચ્ચેના પ્રાચીન કલહનો અંત આવ્યો છે. ઍરિસ્ટોટલે એમના ‘પોએટિક્સ’માં ૯મા પ્રકરણમાં તત્ત્વજ્ઞાનના સંદર્ભમાં પ્લેટોએ એમના ‘રીપબ્લિક’માં કવિતાનો જે પ્રતિકાર કર્યો હતો એનો પ્રતિવાદ કર્યો છે. એમાં એમણે કવિતા અને ફિલસૂફીની તુલના કરી છે. કવિતામાં જે કંઈ થયું હોય એનું આલેખન કે અનુકરણ નથી, પણ જે કંઈ થયું ન હોય પણ થઈ શકે, થવું જોઈએ એનું આલેખન – બલકે સર્જન અથવા દર્શન છે. (વળી એમણે ૨૪મા પ્રકરણમાં તો મહાકાવ્યમાં તો જે કદી થવાનું નથી અને થઈ જ ન શકે એનું દર્શન છે એવું વિધાન કર્યું છે.) એથી એમણે કવિતા ઇતિહાસથી વધુ તાત્ત્વિક છે અને વધુ ઉચ્ચ સ્થાને છે, કારણ કે કવિતામાં વૈશ્વિક સત્ય છે, જ્યારે ઇતિહાસમાં હકીકત છે, હકીકતનું સત્ય છે, વિશિષ્ટ સત્ય છે એવું પ્રતિપાદન કર્યું છે. આમ, એમણે કવિતા અને ફિલસૂફી સમકક્ષ છે, કવિતા અને ફિલસૂફીમાં વૈશ્વિક સત્યનું સામ્ય છે એવું પરોક્ષ સૂચન કર્યું છે. પણ એમણે કવિતા અને ફિલસૂફીની તુલના કરી નથી, કવિતા અને ફિલસૂફી વચ્ચે અસામ્ય છે એવું પ્રત્યક્ષ પ્રતિપાદન કર્યું નથી. ભારતીય કાવ્યશાસ્ત્રમાં ભટ્ટ તૌતે કહ્યું છે, ‘દર્શન હોય તો ઋષિ, દર્શન અને વર્ણન હોય તો કવિ.’ જેનામાં માત્ર દર્શન હોય અને વર્ણન ન હોય તે ઋષિ, પણ જેનામાં દર્શન અને વર્ણન બંને હોય તે કવિ. એટલે કે ઋષિ માત્ર ઋષિ છે, કવિ નથી; જ્યારે કવિ માત્ર કવિ નથી, ઋષિ પણ છે. કવિતામાં વૈશ્વિક સત્ય(દર્શન)ની સાથેસાથે વર્ણન પણ છે, જ્યારે ફિલસૂફીમાં વૈશ્વિક સત્ય(દર્શન)ની સાથેસાથે વર્ણન નથી. કવિતા ને ફિલસૂફી વચ્ચે આ અસામ્ય છે. કવિતામાં વૈશ્વિકતા (Universal) અને વિશિષ્ટ (Particular) બંને છે, જ્યારે ફિલસૂફીમાં વૈશ્વિકતા છે પણ વિશિષ્ટતા નથી. એથી કહેવું હોય તો કહી શકાય કે કવિતા ફિલસૂફીથી વધુ તાત્ત્વિક છે અને વધુ ઉચ્ચ સ્થાને છે. ફિલસૂફીમાં વૈશ્વિક સત્યમાં અમૂર્તતા (abstraction) છે અને જાતિમત્ત્વ (generalization) છે, જ્યારે કવિતા વૈશ્વિક સત્યમાં મૂર્તતા (concretization) છે અને વ્યક્તિમત્ત્વ (particularization) છે. ફિલસૂફીમાં વૈશ્વિક સત્ય બુદ્ધિ અને તર્ક દ્વારા પ્રગટ થાય છે, એમાં ‘બુદ્ધિનો તર્ક’ (logic of reason) હોય છે, જ્યારે કવિતામાં વૈશ્વિક સત્ય ‘કલ્પનાના તર્ક’ (logic of imagination) દ્વારા પ્રગટ થાય છે. એથી કવિતામાં વૈશ્વિક સત્ય અનુભવ, પાત્ર, કાર્ય, પ્રસંગ, પરિસ્થિતિ આદિ દ્વારા તથા સ્વયંસ્ફુરણા, કલ્પના, સંવેદના, ઊર્મિ, ભાવ, ઇન્દ્રિયો, ઇન્દ્રિયવ્યત્યય, હૃદય, કલ્પન, પ્રતીક, પુરાકલ્પન, ઉપમા, રૂપક સંદર્ભ આદિ દ્વારા પ્રગટ થાય છે. એથી એમાં દર્શનનું વ્યક્તિકરણ – પ્રત્યક્ષીકરણ થાય છે. દર્શન વર્ણન-રૂપે સાક્ષાત્ થાય છે. એથી એમાં મૂર્તતા અને વ્યક્તિમત્ત્વ છે. એથી જ એલિયટે કવિતામાં ‘પરલક્ષી સાધર્મ્ય’(objective corelative)નું મહત્ત્વ કર્યું છે. પાઉન્ડે તો કહ્યું છે, ‘મોટાંમોટાં થોથાં રચવા કરતાં જીવનમાં એકાદ કલ્પન રચવું બહેતર છે.’ એમણે આ મૂર્તતા અને વ્યક્તિમત્ત્વ વિશે ‘idea in image’ – કલ્પનમાં સત્ય – એવો શબ્દપ્રયોગ કર્યો છે. કહેવું હોય તો કહી શકાય કે આ મૂર્તતા અને વ્યક્તિમત્ત્વ એટલે ‘image of idea’ – સત્યનું કલ્પન – અથવા ‘image is idea’ – કલ્પન એ જ સત્ય. એથી જ વર્ડ્ઝવર્થે કહ્યું છે કે કવિતામાં ‘the breath and finer spirit of all knowledge’ – ‘સર્વ જ્ઞાનનો શ્વાસોચ્છ્વાસ અને સૂક્ષ્મ આત્મા’ છે. વળી એમણે કહ્યું છે કે કવિતામાં ‘the impassioned expression which is in the countenance of all knowledge’ – ‘સર્વ જ્ઞાનના મુખ પરની ઉદ્રેકપૂર્ણ મુદ્રા’ છે. કૉલરિજે પણ કહ્યું છે કે કવિતામાં ‘centre and circumference of all knowledge’ – ‘સર્વ જ્ઞાનનું કેન્દ્ર અને એનો પરિધિ’ છે. શેક્સપિયરના નાટક ‘કિંગ લીઅર’માં વૃદ્ધ લીઅર અંધ ડ્યુક ઑફ ગ્લોસ્ટરને પ્રશ્ન પૂછે છે કે, ‘તમે જગતને કેવી રીતે જુઓ છો – જાણો છો ?’ ત્યારે ગ્લોસ્ટર ઉત્તર આપે છે, ‘I see it feelingly’ – ‘હું એને સંવેદનાથી જોઉં – જાણું છું.’ કવિતામાં વૈશ્વિક સત્ય એ કલ્પનાનું સત્ય છે, કલ્પન દ્વારા – બલકે કલ્પનરૂપે પ્રગટ થતું સત્ય છે. એથી એ ‘સત્ય’થી, ફિલસૂફીના વૈશ્વિક સત્યથી પણ પર અને પાર એવું સત્ય છે, એ અતિસત્ય છે. એથી એ એક સમાજ કે સંસ્કૃતિ કે યુગમાં નહિ પણ ત્રિલોક અને ત્રિકાલમાં વિચરે – વિહરે છે. વિશ્વમાં ‘શાશ્વતીભ્ય: સમાભ્ય:’ વિલસે છે. કવિતામાં દર્શન અને વર્ણન એકસાથે, એકશ્વાસે, એકનામરૂપે પ્રગટ થાય છે. એમાં પ્રથમ દર્શન અને પછી વર્ણન કે પ્રથમ વર્ણન અને પછી દર્શન એવો ક્રમ કે ભેદ નથી. કવિતાનું સત્ય રસ અને આનંદરૂપે – સુંદરરૂપે પ્રગટ થાય છે. કવિતા રસ, આનંદ અને સૌંદર્યનું એક સુશ્લિષ્ટ, સુગ્રથિત, સુસંકલિત, સુવ્યવસ્થિત વિશ્વ છે. ભૂમિતિના મનોયત્નમાં સત્ય જેમ આરંભે હોય છે અથવા નીતિકથામાં સત્ય જેમ અંતે હોય છે, તેમ કવિતામાં આરંભે કે અંતે સત્યનું કથન કે નિવેદન હોતું નથી. કવિતામાં અણુએ અણુમાં સત્યનું અસ્તિત્વ હોય છે. કવિતાનું સત્ય એ સંવેદનાનું સત્ય છે. ‘વિદ્’ એટલે જાણવું – પ્રમાણવું. કવિતામાં વેદનાનું, સંવેદનાનું સત્ય છે. એ વેદના-સંવેદના દ્વારા પ્રગટ થતું – બલકે વેદના-સંવેદનામાં પ્રગટ થતું સત્ય છે. કલ્પના એટલે કલ્પન, પ્રતીક, પુરાકલ્પનનું સર્જન કરવાની શક્તિ. વેદના, સંવેદના, કલ્પન, પ્રતીક, પુરાકલ્પન એટલે વસ્તુઓ વસ્તુઓ વચ્ચેનો, વ્યક્તિઓ વ્યક્તિઓ વચ્ચેનો, વસ્તુઓ અને વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ. કવિતામાં કવિએ અને ભાવકે વેદના-સંવેદના અને કલ્પના દ્વારા આ સંબંધને જાણવા-પ્રમાણવાનો હોય છે. કવિતામાં સર્જકે અને સહૃદયે એક વ્યક્તિવિશેષ તરીકે અંગત, આત્મીય-રૂપે આ સંબંધને જાણવા-પ્રમાણવાનો હોય છે. કવિતામાં જે વૈશ્વિક સત્ય છે, કલ્પના અને વેદના-સંવેદનાનું સત્ય છે તે ઇતિહાસ અને ફિલસૂફીમાં નથી, કારણ કે ઇતિહાસ અને ફિલસૂફીમાં જાતિમત્ત્વ અને અમૂર્તતા છે, એમાં વ્યક્તિવિશેષ એવા મનુષ્યનું અસ્તિત્વ નથી. કવિતામાં મૂર્તતા અને વ્યક્તિમત્ત્વ છે અને એમાં વ્યક્તિવિશેષ એવા મનુષ્યનું અસ્તિત્વ છે. બોદલેરે એમના પ્રસિદ્ધ કાવ્ય ‘Correspondences’ – ‘સંબંધો’ – માં કવિતામાં જે વૈશ્વિક સત્ય છે એનું ‘પોએટિક્સ’ – કાવ્યશાસ્ત્ર – રચ્યું છે. ફિલસૂફી એટલે વાદો અને વિચારો. કવિ જેમ વધુ મહાન, વધુ ક્રાન્તદર્શી તેમ એનું વ્યક્તિત્વ વધુ સમૃદ્ધ અને વધુ સર્વતોમુખી અને તેમ એને એકથી વધુ વાદો અને વિચારો હોય છે, ક્યારેક પરસ્પર વિરોધી વાદો અને વિચારો હોય છે. એનામાં ‘સામૂહિક અજ્ઞાત’ હોય તો એને માત્ર સમકાલીન જ નહિ પણ પુર:કાલીન અને અનુકાલીન વાદો અને વિચારો હોય અને એ એની કવિતામાં ઉપસ્થિત હોય. પણ એ સૌ કવિએ આત્મસાત્ કર્યા હોય; એ સૌ એની કવિતામાં સઘન મૂર્તરૂપે હોય; એની કવિપ્રતિભાના અંતર્ગત અને અનિવાર્ય અંશરૂપે હોય; રસ, આનંદ અને સૌંદર્યના અનુભવમાં ‘નહિ સાંધો, નહિ રેણ’ એમ એકનામ અને એકરૂપ હોય તો એ સૌની ઉપસ્થિતિ હોય એથી અથવા એ સૌની ઉપસ્થિતિ હોય છતાં એ સૌમાંથી કવિતાનું સત્ય પ્રગટ થાય છે. કીટ્સે કહ્યું છે કે વૃક્ષને જેમ પાંદડાં પ્રગટે તેમ કવિને સહજ જ જો કાવ્ય ન પ્રગટે તો બહેતર છે કે કાવ્ય પ્રગટે જ નહિ. આકાશ અને પૃથ્વીનાં તત્ત્વો – તેજ, વાયુ, જલ આદિ – વૃક્ષમાં ઉપસ્થિત હોય છે, પણ પછી કોઈ રહસ્યમય પ્રક્રિયા દ્વારા એમનું પરિવર્તન થાય છે. અને પરિણામે વૃક્ષને પાંદડાં પ્રગટ થાય છે ત્યારે એ સૌ તત્ત્વો અપ્રત્યક્ષ હોય છે. એમ જ કવિને જ્યારે કાવ્ય પ્રગટ થાય છે ત્યારે વાદો અને વિચારોનું પરિવર્તન – sea-change – થાય છે. એ સૌ પ્રત્યક્ષ હોય છે. ડેન્ટિનું કાવ્ય ‘ધ ડિવાઇન કૉમેડી’ એનું ઉદાહરણ છે. ક્રોચેએ શેક્સપિયરને ‘પ્રી-ફિલૉસોફર’ કહ્યા છે. આ બંને કવિઓની કવિતામાં વાદો અને વિચારો કવિતાના વૈશ્વિક સત્યરૂપે પ્રગટ થાય છે. એમ ન થાય તો કીટ્સે કહ્યું છે કે જે કવિતામાં આપણા પર કંઈક (નર્યા વાદો અને વિચારો) લાદવાની ઉઘાડી દાનત હોય છે તે કવિતાને આપણે ધિક્કારીએ છીએ... કવિતા મહાન હોવી જોઈએ અને સાથેસાથે અનાક્રમક હોવી જોઈએ. અને કીટ્સે અંતે જાણે કે શેક્સપિયરની કવિપ્રતિભાનું રહસ્ય પ્રગટ કરવું હોય તેમ માર્મિકપણે કહ્યું છે કે સાહિત્યમાં સર્જકપ્રતિભાનો કયો મહાન ગુણ છે એ વિશે વિચારું છું ત્યારે એ ગુણ શેક્સપિયરમાં અઢળક હતો એમ મને લાગે છે અને તે ગુણ છે નકારાત્મક તટસ્થશક્તિ (negative capability) – અનાસક્ત શક્તિ. એલિયટે કહ્યું છે કે કાવ્ય એ કાવ્ય છે કે નહિ તેનું મૂલ્યાંકન કવિતાના ધોરણે થાય, પણ એ ધોરણે એ કાવ્ય જો કાવ્ય હોય તો પછી એ કાવ્ય મહાન છે કે નહિ એનું મૂલ્યાંકન કાવ્યેતર ધોરણે થાય, એટલે કે જીવનમૂલ્યોનાં ધોરણે થાય. મહાન કાવ્યોમાં આ જીવનમૂલ્યોનું, ફિલસૂફીના આ વાદો અને વિચારોનું અર્પણ હોય છે. ફિલસૂફી એટલે માન્યતાઓ (beliefs). કવિતા અને માન્યતા એ એક અત્યંત સંકુલ અને સંવેદનશીલ પ્રશ્ન છે. અર્વાચીન યુગમાં આઈ. એ. રિચર્ડ્ઝે અને ટી.એસ. એલિયટે આ પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો છે, આ ઉત્તર સ્વયં એમને કે અન્ય કોઈને સંપૂર્ણ સ્વીકાર્ય અને સંતોષકારક લાગ્યો નથી. કવિતામાં માન્યતા હોય ત્યારે પ્રત્યાયન અને રસાસ્વાદનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કવિતાના રસાસ્વાદમાં પ્રથમ આસ્વાદ થાય છે અને પછી અવબોધ થાય છે. એલિયટે કહ્યું છે, ‘Genuine Poetry communicates before it is understood.’ જે કવિતાનો આસ્વાદ થાય, પછી અવબોધ થાય તો પછી એ કવિતામાંની માન્યતાનો સ્વીકાર અથવા અસ્વીકાર, એ કવિતાનો કવિતા તરીકે સ્વીકાર અથવા અસ્વીકાર, ભાવકની માન્યતા અથવા અમાન્યતાનું સ્વૈચ્છિક વિસ્મરણ આદિ પ્રશ્નો ઉપસ્થિત થાય જ. કવિતામાં જે માન્યતા હોય અને ભાવકમાં એથી ભિન્ન માન્યતા હોય ત્યારે કવિતાના આસ્વાદ માટે, કવિતાના કવિતા તરીકે સ્વીકાર માટે ભાવકની માન્યતાનું સ્વૈચ્છિક વિસ્મરણ અનિવાર્ય છે. વળી એલિયટે સૂચન કર્યું છે તેમ કવિતાના આસ્વાદ માટે, કવિતાના કવિતા તરીકે સ્વીકાર માટે એ કવિતામાં જે માન્યતા હોય એની સાથે ભાવકે સહભાગી થવું, એ માન્યતાનો સ્વીકાર કરવો અનિવાર્ય નથી. એ માટે ભાવક એની માન્યતાનું સ્વૈચ્છિક વિસ્મરણ કરે છે. કવિતામાં જે માન્યતા હોય એનો સ્વીકાર ના થાય તોપણ એ કવિતાનો વિશિષ્ટ આસ્વાદ થાય, એ કવિતાનો કવિતા તરીકે સ્વીકાર થાય. કવિતાના આસ્વાદ માટે, કવિતાના કવિતા તરીકે સ્વીકાર માટે કવિતામાં જે માન્યતા હોય એનો સ્વીકાર થાય તો એથી એ કવિતાનો વિશેષ આસ્વાદ થાય. એનું અંતિમ રહસ્ય એ છે કે કવિતાના આસ્વાદ અને અવબોધમાં એ કવિતાની માન્યતાનો સ્વીકાર છે, એ કવિતાનો કવિતા તરીકે સ્વીકાર છે. એથી જ કૉલરિજે કહ્યું છે, ‘Poetry, in ideal perfection, brings the whole soul into activity.’ – ‘કવિતા એની આદર્શ પૂર્ણતાને કારણે, ભાવકના સમગ્ર આત્માને, અસ્તિત્વને સક્રિય કરે છે.’ વળી એમણે કહ્યું છે કે કવિ ભાવકને સમગ્ર મનુષ્ય તરીકે લક્ષ્ય કરે છે અને ભાવક સમગ્ર મનુષ્ય તરીકે કવિતાનો આસ્વાદ કરે છે, કવિતાનો કવિતા તરીકે સ્વીકાર કરે છે. ભાવક જ્યારે કવિતાના આસ્વાદ અને અવબોધનો અનુભવ કરે છે, કવિતાનો કવિતા તરીકે સ્વીકાર કરે છે ત્યારે સમગ્ર મનુષ્ય તરીકે કરે છે, માત્ર આ કે તે માન્યતા ધરાવનાર વ્યક્તિ તરીકે નહિ. કવિતાનો આસ્વાદ અને અવબોધ, કવિતાનો કવિતા તરીકે સ્વીકાર એ જ કવિતામાં જે માન્યતા છે એનો સ્વીકાર છે. એથી જ ભાવકને સહૃદય કહ્યો છે ને! કવિતાના રસાસ્વાદમાં આરંભ આસ્વાદ અને અવબોધનથી થાય છે, કવિતામાં જે માન્યતા છે એના સ્વીકાર કે અસ્વીકારથી નહિ, કવિતાના કવિતા તરીકેના સ્વીકાર કે અસ્વીકારથી નહિ, ભાવકની માન્યતા કે અમાન્યતાના સ્વૈચ્છિક વિસ્મરણથી નહિ. કવિતાના રસાસ્વાદનો અંત આ સ્વીકાર કે અસ્વીકારથી – આ વિસ્મરણથી થાય છે. એથી કવિતાના રસાસ્વાદમાં અંતે આસ્વાદ અને અવબોધનો જ મહિમા છે, આ સ્વીકાર કે અસ્વીકારનો, આ વિસ્મરણનો નહિ. એલિયટે કવિતા અને માન્યતાના આ પ્રશ્નને સમજવા-સમજાવવાનો જીવનભર સતત પ્રયત્ન કર્યો હતો. ૧૯૨૭માં એમણે કહ્યું હતું કે આ પ્રશ્ન અતિ સંકુલ છે, એનો ઉત્તર કદાચને કદી પ્રાપ્ત થશે નહિ. પછી ૧૯૬૨માં એમણે કહ્યું હતું કે આસ્વાદ અને માન્યતાનો સંબંધ – કવિતામાં જે માન્યતા હોય અને ભાવકમાં જે માન્યતા હોય એ અભિન્ન હોય તો એ કવિતાથી ભાવકને કંઈક વિશેષ આસ્વાદ થાય કે કેમ – એ એક એવો પ્રશ્ન છે કે જેનો ઉત્તર કદી પ્રાપ્ત થયો નથી. આ પ્રશ્નનો ઉત્તર આપવાનો કંઈક પ્રયત્ન એલિયટે કર્યો છે પણ એમને એમના પ્રયત્નોથી અસંતોષ છે. આમ, કવિતાના વૈશ્વિક સત્ય અને ફિલસૂફીના વૈશ્વિક સત્યનો સંબંધ, કવિતા અને ફિલસૂફીનો સંબંધ એક અત્યંત સંકુલ અને સંવેદનશીલ પ્રશ્ન છે.