નરસિંહથી ન્હાનાલાલ/૨૬

From Ekatra Wiki
Revision as of 22:40, 12 July 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ગાંધીજી અને ગુજરાતી સાહિત્ય પરિષદ | }} {{Poem2Open}} પરિષદનું ત્રી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગાંધીજી અને ગુજરાતી સાહિત્ય પરિષદ

પરિષદનું ત્રીજું અધિવેશન ૧૯૦૯માં રાજકોટમાં યોજવામાં આવ્યું હતું. એને માટે જ્યાં પૂરતી સંખ્યામાં ગુજરાતીઓ વસ્યા હોય તેવા ઇંગ્લૅન્ડ સહિતના ૧૫ દેશો અને નગરોમાં આમંત્રણપત્રો પાઠવવામાં આવ્યા હતા. એના અનુસંધાનમાં લંડનમાં ઑક્ટોબરની ૫મીએ સાંજે ૪ વાગ્યે વિક્ટોરિયા સ્ટ્રીટમાં વેસ્ટમિનિસ્ટર પૅલેસ હોટલમાં લંડનવાસી ગુજરાતીઓની એક જાહેર સભા સર મંચેરજી ભાવનગરીના પ્રમુખપદે યોજવામાં આવી હતી. આ સભાના એક હિન્દુ, એક મુસ્લિમ અને એક પારસી એમ ત્રણ સંયોજકો હતા. એમાં કુલ ત્રીસેક સભ્યો (૧૭ હિન્દુ, એક બાનુ સહિત ૭ પારસી, ૩ મુસ્લિમ. એમની નામાવલિ ત્રીજી પરિષદના રીપૉર્ટમાં આપવામાં આવી છે) ઉપસ્થિત હતા. ભાષા અને સાહિત્ય જ ભિન્નભિન્ન ધર્મ, જાતિ અને લિંગનાં મનુષ્યોનું ઐક્ય સ્થાપવાનું, સહિયારી-મઝિયારી ઓળખ આપવાનું એકમાત્ર સાધન છે એનું આ ઉજ્જ્વળ ઉદાહરણ છે. આ સભામાં પારસી બાનુ મિસિસ માણેકબાઈ ઘડિયાળીએ – એક સ્ત્રી સભ્યે – ‘અંગ્રેજી રાહ રસમો’ વિશે ગુજરાતીમાં નિબંધ વાંચ્યો હતો એ પણ એક નોંધપાત્ર ઘટના છે. ડૉ. ઘડિયાળીએ પણ ‘મારી આંખોએ ઇંગ્લાંડ’ વિશે ગુજરાતીમાં નિબંધ વાંચ્યો હતો. આ સભામાં ત્રણ ઠરાવો – ૧. પરિષદને અભિનંદન અને સફળતા માટે શુભેચ્છા, ૨. ગુજરાતી ભાષાનું સંરક્ષણ અને સંવર્ધન, ૩. ઇંગ્લૅન્ડમાં પણ પરિષદ જેવી સંસ્થાની સ્થાપના – પસાર કરવામાં આવ્યા હતા. આ સભામાં ઉપસ્થિત થવા તે સમયે દક્ષિણ આફ્રિકાથી ‘ટ્રાન્સવાલ ડેપ્યુટેશન’ ઇંગ્લૅન્ડ આવ્યું હતું એના ભારતીય સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મિ. મોહનદાસ કરમચંદ ગાંધી આ ડેપ્યુટેશનમાં ભારતીય સભ્ય તરીકે દક્ષિણ આફ્રિકાથી ઇંગ્લૅન્ડ આવ્યા હતા અને ચારેક માસ લંડનમાં રહ્યા હતા. તેઓ સભામાં ઉપસ્થિત હતા, એટલું જ નહિ, પણ પ્રમુખ સર મંચેરજી ભાવનગરીના ગુજરાતી ભાષા વિશેના વ્યાખ્યાન પછી એમણે જાણે કે એના અનુસંધાનમાં જ પ્રથમ ઠરાવની દરખાસ્ત રજૂ કરી ત્યારે વ્યાખ્યાન કર્યું હતું. આ બંને વ્યાખ્યાનો ત્યારે ન હતાં એટલાં આજે અર્થપૂર્ણ અને મૂલ્યવાન છે, એથી એ વ્યાખ્યાનોના મુખ્ય વિચાર જેમાં હોય એવો પ્રસ્તુત ભાગ અહીં આપવામાં આવ્યો છે. સર મંચેરેજી ભાવનગરીનું વ્યાખ્યાન: ‘થોડાં વર્ષ થયાં ગુજરાતી સાહિત્ય પરિષદ એ નામનું મંડળ થયું છે. આ મંડળના કામમાં રાજપ્રકરણી તત્ત્વ દાખલ થતું નથી. તેમાં મુખ્ય હેતુ એ સમાયેલો છે કે ગુજરાતી ભાષાને જાળવવી અને ખીલવવી. આમ કરવાનું શું કારણ છે એમ કોઈ પૂછે તો તેનો જવાબ એ છે કે હિંદુસ્તાનની ભાષાઓ કંઈ ધાસ્તીમાં આવી પડી છે તે કંઈક દુશ્મનના હુમલાને લીધે નથી, પણ એવો સમય આવી ગયો છે કે આપણી ભાષાઓ તથા બીજી દેશી વસ્તુઓ તરફ બેદરકારી જોવામાં આવે છે. સર્વ મરદો અને ઓરતો અંગ્રેજી અભ્યાસ કરવા લાગ્યાં છે અને તે વાજબી છે. જે ભાષામાં રાજ્યકારભાર ચાલે છે, જે ભાષામાં વેપાર ચાલે છે, તે ભાષા શીખવાની લોકોને ઊલટ થાય છે ને થવી જોઈએ. પણ તેથી કંઈ પોતીકી ભાષા છોડી દેવાની ન હોય. આપણામાંના ઘણા ફ્રેંચ, જરમન પણ શીખીએ છીએ, ત્યારે જે ભાષા આપણી કુદરતી છે તે કેમ છોડી દેવાય ? તે ભાષાની હાંસી કરવી તે કોઈ રીતે વાજબી નહીં કહેવાય. છતાં કોઈ ના પાડશે નહીં કે એવી બેદરકારી હિંદમાં ચાલી છે. મને યાદ છે કે જ્યારે હું બાળક હતો ત્યારે કેટલાક નવજવાનો પોતાના ઘરમાં પણ ગુજરાતી ભાષા બોલવા નહિ આપતા. તેમાંના કેટલાકનાં નામ હું આપી શકું છું. કેટલાક વળી અંગ્રેજોની નકલ એટલે દરજ્જે કરતા કે આયા પણ હિંદુસ્તાની રાખતા કે જેથી છોકરાંઓ અંગ્રેજની માફક માત્ર જરૂર પડતું હિંદુસ્તાની જ બોલે. આ બધું અઘરી કેળવણીને લીધે થતું હતું. હવે એવા દાખલા થોડા જોવામાં આવે છે. હું ઘણાં વર્ષથી અહીં જ (વિલાયતમાં) વસું છું, છતાં પોતીકી ભાષાનો મહાવરો મેં છોડ્યો નથી. મને કોઈ ગુજરાતીમાં કાગળ લખે તેને જવાબ ગુજરાતીમાં જ આપું છું.’ મિ. મોહનદાસ કરમચંદ ગાંધીનું વ્યાખ્યાન: ‘હિંદુસ્તાનમાં આજકાલ નવો પવન ચાલી રહ્યો છે. હિંદુ, મુસલમાન, પારસી, એ બધા ‘મારો દેશ’ અથવા ‘આપણો દેશ’ એમ ઝંખના કરી રહ્યા છે. આ બાબત આપણે રાજ્યપ્રકરણી પદ્ધતિએ વિચારવાનું હાલ નહિ કરીએ. ભાષાની પદ્ધતિએ વિચારતાં આપણને સહેજે માલમ પડી આવે છે કે ‘આપણો દેશ’ એમ આપણે અંતરનો પોકાર કરી શકીએ તે પહેલાં ભાષાનું અભિમાન આપણને આવવું જ ઘટશે. મને તો લાગે છે કે હિંદુસ્તાનમાં મોટાનાના સહુ પોતપોતાની ભાષા સાંભળતા થઈ ગયા છે. એ સંતોષકારક પગલું છે. દરેક પ્રાંતના અગ્રેસરે બીજા પ્રાંતની ભાષાઓ જાણ્યે છૂટકો છે. ગુજરાતીને બંગાળી, મરાઠી, તામિલ, હિંદી વગેરે ભાષા સહેલમાં આવડે. એ કંઈ મુશ્કેલીની વાત નથી. જેટલી માથાકૂટ ને જેટલો પ્રયાસ આપણે કેટલાક વિચારોને લઈને ફોકટ અંગ્રેજી ભાષા ભણવામાં કરીએ છીએ તેથી અર્ધો પ્રયાસ આપણે હિંદુસ્તાની ભાષાઓને વિશે કરીએ તો ઓર જ રંગ આવે. તેમાં હિંદુસ્તાનના ઉદ્ધારનો સમાસ બહુ અંશે થાય છે. ગુજરાતીઓ એકબીજાની વચ્ચે અંગ્રેજી બોલે એ અધમ દશા સૂચવે છે એમ કહ્યા વિના રહેવાતું નથી. તેમ થવાથી માતૃભાષા કંગાળ થઈ ગઈ છે. આપણે જ તેનું અપમાન કરીએ છીએ, એટલે આપણે દીન બની જઈએ છીએ. હું મારા વિચારો ગુજરાતીમાં બરાબર ન બતાવી શકું અને અંગ્રેજીમાં બતાવી શકું એ વિચાર કરું છું ત્યારે મને કંપારી છૂટે છે. જેણે પોતાની ભાષાનો અનાદર કર્યો છે, તે પોતાના દેશનું શું ભલું કરશે ? ગુજરાતની મહાન પ્રજા કોઈ કાળે ગુજરાતી ભૂલી બીજી ભાષાનો અંગીકાર કરે એમ સ્વપ્ને પણ નથી સંભવી શકતું; અને જો તેવો સંભવ ન હોય તો જેઓ તે ભાષાને પડતી મૂકે છે, તેઓ દેશના એટલે પોતાની પ્રજાના દ્રોહી છે એમ કહેવું અતિશયોક્તિમાં નહિ ખપે. ભાષામાં પ્રજાની છબી પડે છે એ વાક્ય અનુચિત નથી. કેટલાક બહુ ઇંગ્રેજી ભણેલાનાં લખાણમાં મેં વાંચ્યું છે, કેટલાકને બોલતા સાંભળ્યા છે કે તેઓ ગુજરાતી કરતાં ઇંગ્રેજી વધારે જાણે છે. આ વાત આપણને શરમ ઉપજાવનારી છે. હકીકતમાં ખરી નથી. એવું લખનાર બોલનાર ઇંગ્રેજી ભાષા શુદ્ધ લખતા-બોલતા નથી, એમ કહેતાં આંચકો નથી ખાતો. એમ જ હોવું જોઈએ. કેટલાક વિચારો અંગ્રેજી ભાષામાં સહેલાઈથી બતાવાય એ માનું છું ને તે પણ આપણને શરમાવાનું કારણ છે. પણ અંગ્રેજી ભાષાનાં રૂઢિ અને વ્યાકરણ આપણે બરોબર જાણીએ છીએ એમ સાધારણ રીતે ન કહી શકાય. ગુજરાતી ભાષાનાં વ્યાકરણ ને રૂઢિ તો સાધારણ રીતે બધા હિંદી અસલથી જ ઠીક જાણશે. ગુજરાતી ભેળા થાય ત્યારે ગુજરાતી બોલશે તેથી અંગ્રેજી જ્ઞાન ઘટવાનું નથી, વધવાનો સંભવ છે, કેમ કે તેમ કરવાથી આપણા સાંભળવામાં માત્ર અંગ્રેજનું જ અંગ્રેજી આવશે તેથી કાન તેજ થશે ને ખોટું અંગ્રેજી તુરત પારખી શકાશે. વળી ગુજરાતી ભાષા કંઈ નાખી દેવા જેવી નથી, જેમાં નરસી મેતો, અખો ભગત, દયારામ આદિ કવિ થઈ ગયા છે તે ભાષાને ખીલવી શકાય એમ છે. જે ભાષા બોલનારા દુનિયાના ત્રણ મોટા ધર્મ હિંદુ, ઇસ્લામ ને જરથુસ્તી પાળનારા છે તે ભાષાની ચઢતીની સીમા બાંધી શકાતી નથી. હિંદુના ગુજરાતીમાં સંસ્કૃતની છાયા પડશે. હિંદુ મુસલમાન તો હિંદુસ્તાનની બધી ભાષાને સારુ છે, પણ પારસીને તો ગુજરાતીને જ સારુ કેમ જાણે ખુદાએ ઇરાનથી ન મોકલ્યા હોય ?’ પરિષદનું છઠ્ઠું અધિવેશન ૧૯૨૦માં અમદાવાદમાં યોજવામાં આવ્યું હતું. આ અધિવેશન અનેક કારણે અવિસ્મરણીય અને ઐતિહાસિક હતું. ૧૯૧૩માં રવીન્દ્રનાથને નૉબેલ પુરસ્કાર અર્પણ થયો હતો. ૧૯૧૫માં ગાંધીજી આફ્રિકાથી આવીને અમદાવાદમાં વસ્યા હતા. આ અધિવેશનમાં ગુરુદેવ અને મહાત્મા એકસાથે એક જ સ્થળે અને એક જ મંચ પર – અમદાવાદમાં પરિષદના મંચ પર જાહેરમાં પ્રથમ અને અંતિમ વાર ઉપસ્થિત હતા, વળી આ મંચ પર એક આદર્શ અંગ્રેજ અને ભારતના સદાયના મિત્ર તથા ગાંધીજી અને ટાગોરના આત્મીય સ્વજન એવા સી. એફ. એન્ડ્રુસ પણ ઉપસ્થિત હતા. બલવન્તરાય ઠાકોરે ‘ઇતિહાસ-દિગ્દર્શન’ અને કેશવ હર્ષદ ધ્રુવે ‘વનવેલી’ વિશે સીમાચિહ્નરૂપ વ્યાખ્યાનો કર્યાં હતાં; ન્હાનાલાલના અતિપ્રસિદ્ધ કાવ્ય ‘ગુજરાત’ના ગાનથી કાર્યક્રમનો આરંભ થયો હતો; પરિષદના પિતા રણજિતરામના અકાળે અવસાનની નોંધ લેવામાં આવી હતી; સમાજ સાહિત્યાભિમુખ થાય એ હેતુથી પ્રથમ વાર જ લાલ દરવાજાના ખુલ્લા મેદાનમાં પ્રસિદ્ધ વિદ્વાનો અને સર્જકોનાં જાહેર વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનની પરાકાષ્ઠારૂપે ટાગોર અતિથિવિશેષ હતા અને એપ્રિલની બીજીએ સાંજે એમને માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું; એના પ્રત્યુત્તરમાં ટાગોરે ‘Construction and Creation’ પર એમનું એક અતિપ્રસિદ્ધ વ્યાખ્યાન કર્યું હતું. એના અનુસંધાનમાં પૂર્વોક્ત જાહેર વ્યાખ્યાનોમાં એપ્રિલની ૨જીએ સાંજે ગાંધીજીએ વ્યાખ્યાનોના હેતુને અનુરૂપ એવું ‘જનસમાજની દૃષ્ટિએ સાહિત્યનો વિચાર’ પર એમનું એક અત્યંત ચર્ચાસ્પદ અને સાહિત્યકારોને ચૅલેન્જરૂપ વ્યાખ્યાન કર્યું હતું. અને ટાગોરે એપ્રિલની ૩જીએ સાંજે ‘વસંતની વધામણી’ પર એમનું એક અત્યંત પ્રેરક એવું પયગંબરી વ્યાખ્યાન અંગ્રેજીમાં કર્યું હતું. ગાંધીજીએ એનો સાર ગુજરાતીમાં તત્કાલ શ્રોતાઓને સુલભ કરી આપ્યો હતો. ગાંધીજીના વ્યાખ્યાનના સારનો મહત્ત્વનો ભાગ અહીં આપવામાં આવ્યો છે. એમાં ગાંધીજીનો સાહિત્યનો વિચાર ૧૯૨૦માં નિરક્ષરો અને નિર્ધનો પ્રત્યેના પ્રેમથી પ્રેરિત છે એથી અપાર આદરને પાત્ર છે. પણ એ પ્રશ્ન તો પૂછવો જ રહ્યો કે જ્યારે ભારતમાં સો ટકા અક્ષરજ્ઞાન હશે, ઉચ્ચાવચતાભેદ, જાતિભેદ, લિંગભેગ, વર્ગભેદ નહિ હોય ત્યારે કોશિયો તો હશે, પણ એ કોશિયો ‘સરસ્વતીચન્દ્ર’ વાંચતો હશે કે નહિ ? વાંચતો હોય એવું આજે ઇચ્છવું જોઈએ કે નહિ ? ૧૯૨૦માં ભલે કોશિયા-સાહિત્યનો ‘સત્યાગ્રહ’ જરૂરી હોય (આજે જેમ દલિત સાહિત્ય, નારી સાહિત્યનો આગ્રહ જરૂરી હોય તેમ), પણ કાલક્રમે દૂર-અદૂરના ભવિષ્યમાં જ્યારે નિરક્ષરતા અને નિર્ધનતા, જાતિભેદ અને લિંગભેદ અદૃશ્ય થશે અને સ્વાતંત્ર્ય, સમત્વ અને બંધુત્વનો એક આદર્શ સમાજ અસ્તિત્વમાં હશે ત્યારે આ વિશેષણો અદૃશ્ય થશે કે નહિ ? અદૃશ્ય થાય એવું આજે ઇચ્છવું જોઈએ કે નહિ ? ગાંધીજીનું વ્યાખ્યાન: ‘આપણું કામ પ્રભુને ઓળખવાનું છે, એ મારા જેવા મજૂરનો વિચાર. પ્રભુને ઓળખવાનું ભૂલી જઈને આપણે પૈસાની પૂજા કરતા થયા, સ્વાર્થ સાધતા થયા. સાહિત્યના રસિકોને હું પૂછું છું કે તમે તમારી કૃતિ મારફતે મને પ્રભુની પાસે જલદી મૂકશો કે કેમ ? જો મને તેઓ ‘હા’માં જવાબ આપશે તો તેઓની કૃતિમાં હું ગિરફતાર થઈ જઈશ. સાહિત્યસેવકના પુસ્તકમાં મને કંટાળો ઊપજે તો મારી જડતાનો દોષ નથી. દોષ છે તેની કળાનો. શક્તિમાન સાહિત્યસેવકે કળાને એવી તો ખીલવવી જોઈએ કે વાંચનાર તેના વાચનમાં લીન થાય. મને દિલગીરી થાય છે કે આપણા સાહિત્યમાં આવું ઓછું છે. આપણું સાહિત્ય અત્યારે એવું છે કે જનસમાજ તેમાંથી એકાદ વસ્તુ પણ લઈ શકે એમ નથી. આપણા સાહિત્યમાં એક પણ એવી વસ્તુ નથી કે જે એક અઠવાડિયાને સારુ, એક વરસને સારુ કે એક જમાનાને સારુ નભી શકે. વીસ વરસ દક્ષિણ આફ્રિકામાં રહ્યા પછી હું હિંદુસ્તાન આવ્યો અને મેં જોયું તો મને જણાયું કે આપણી દશા ભયભીત છે. પ્રજાની જ્યારે આવી દશા હોય છે ત્યારે એ પ્રજાના ઉદ્ગારો નિર્ભયતાથી નથી નીકળી શકતા. દાબની નીચે આપણે લખવાનું હોય તો આપણા કવિત્વની ધારા પણ નહિ છૂટે, સત્ય પણ નહિ તરે. હિંદુસ્તાનમાં અત્યારે સંધ્યાનો સમય છે. કરોડો માણસોને એમ થઈ રહ્યું છે કે આપણામાં મોટામોટા ફેરફારો થવાના છે. આપણું ભિખારીપણું મટી હવે આપણી ઉજ્જ્વળ દશા આવશે. સત્યયુગની આપણને હવે ઝાંખી થશે. આવા ઉદ્ગારો હું સ્થળેસ્થળે સાંભળી રહ્યો છું. ઘણા અત્યારે એમ સમજી રહ્યા છે કે હિંદુસ્તાન હવે એક નવું પાનું ફેરવશે. જો હિંદુસ્તાન નવું પાનું ફેરવશે તો તેમાં કયા લેખો સમાયેલા હશે ? સુધારા આપણને જે મળ્યા હશે તે હાંસડી-રૂપે જ થવાના છે અને આપણે આજે જેમ બળદની માફક હંકાયા જઈએ છીએ એમ હંકાયા જઈશું. આ સમયે સાહિત્યની સેવાવાળા પાસેથી તો હું ઈશ્વરનો મેળાપ અને સત્યનું દર્શન જ માગીશ. આપણા સાહિત્યસેવકોએ બતાવી જ આપવું જોઈએ કે હિંદુસ્તાન પાપી નથી છેતરનાર નથી. પોપે – ઇલિયડવાળો નહિ – દક્ષિણપ્રાંતની જે સેવા કરી છે તેવી સેવા કોઈ પણ મદ્રાસીએ નથી કરી. હું રંગી રહ્યો એટલે દરેકના હૃદય ચોરવાને ખાસ ઇચ્છું. દક્ષિણપ્રાંતના ભાઈઓનાં હૃદય ચોરવા મારે તેની ભાષા શીખવી પડી. રેવ. પોપે જે લખાણો લખ્યાં છે તેમાંથી તો હું અત્યારે કાંઈ નથી આપી શકતો, પરંતુ એટલું તો કહું છું કે તામિલ ભાષામાં કોસ હાંકનારાઓ માટે પણ જે કાવ્યો છે, તેમાં કવિત્વ છે, એ અલૌકિક છે. સૂર્ય ઊગ્યો પણ ન હોય ત્યારે કોસ હંકાય છે. બાજરી, ઘઉં – સર્વ પર ઝાકળનાં મોતીઓ છે. ઝાડનાં પાંદડાં પર બાઝી રહેલું પાણી મોતીના દાણા જેવું છે. આ માણસો, આ કોસ હાંકનારાઓ કાંઈ આવું-આવું ગાય છે. હું જ્યારે કોચરબમાં રહેતો હતો ત્યારે કોસ હાંકનારને જોતો, સાંભળતો. પરંતુ તેના મોંમાં તો બીભત્સ શબ્દો હતા. આનું કારણ શું ? આનો જવાબ હું અહીં બેઠેલા રા. નરસિંહરાવ પાસે તેમ જ આપણા પ્રમુખસાહેબ પાસે માગું છું. સાહિત્ય પરિષદને હું કહું છું કે આપણા કોસ હાંકનાર જેવાના મોંમાંથી અપશબ્દો કઢાવો અને નહિ તો આપણી અવનતિનું પાપ તમારે શિરે રહેશે. સાહિત્યના સેવકોને એમ પૂછું છું કે પ્રજાનો મોટો ભાગ કેવો છે અને તેવાને માટે તમે શું લખશો ? સાહિત્ય પરિષદને હું એમ જ કહીશ કે તમારામાં જે ન્યૂનતા છે તે કાઢો, કાઢો, કાઢો. ગુજરાતની રાંકડી પ્રજા, માધુર્યવાળી પ્રજા અને જેની સજ્જનતાનો પાર નથી, જે આટલી બધી ભોળી છે, જે પ્રજાને ઈશ્વરમાં અખંડ વિશ્વાસ છે એ પ્રજાને જો આગળ વધવું હોય તો સાહિત્યસેવકોએ મજૂરો, કોસ હાંકનારાઓ અને એવા બીજા માટે પોતાનાં કાવ્યો રચવાં જોઈએ, એવા માટે લખવું જોઈએ. આપણી પ્રજા સત્ય લખતી, સત્ય બોલતી અને સત્ય આચરતી થાય એ મારી અંત:કરણની પ્રાર્થના છે.’ ગુજરાતી સાહિત્ય પરિષદનું ૧૨મું અધિવેશન ૧૯૩૬માં અમદાવાદમાં ગાંધીજીના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. પરિષદ સાથેનો ગાંધીજીનો આ ત્રીજો પ્રસંગ હતો, આ પરાકાષ્ઠારૂપ અને અંતિમ પ્રસંગ હતો. ૧૯૦૯માં લંડનમાં એ પરિષદને અભિનંદન પાઠવવા માટેની સ્થાનિક સભામાં આમંત્રિત સભ્ય હતા, ૧૯૨૦માં અમદાવાદમાં એ પરિષદમાં આમંત્રિત વક્તા હતા. આ પ્રસંગે એ પરિષદના પ્રમુખપદે હતા. એમના પ્રમુખ તરીકેના મૌખિક વ્યાખ્યાનમાં ત્રણ મુખ્ય મુદ્દાઓ હતા. ૧. પરિષદના બંધારણમાં સુધારા શા માટે ? ૨. ગુજરાત વિદ્યાપીઠ કોને માટે ? ૩. સાહિત્ય કોને માટે ? ૧૯૨૨માં પરિષદમાં કનૈયાલાલ મુનશીનો પ્રવેશ થયો હતો. ૧૯૨૪ના અધિવેશન લગી પ્રમુખની પસંદગી આદિ પરિષદનું કામકાજ પરંપરાગત, પ્રણાલીગત પદ્ધતિથી ચાલતું હતું. પરિષદનું કોઈ ઔપચારિક બંધારણ ન હતું. ૧૯૨૪ અને ૧૯૨૬નાં અધિવેશનોમાં બંધારણનો એક કાચો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. મુનશીએ ૧૯૨૬ના અધિવેશનમાં એ બંધારણ અવ્યવહારુ અને અયોગ્ય છે એવી લૂલી દલીલ સાથે પોતાનું બિનલોકશાહી અને સરમુખત્યારસાહી બંધારણ રજૂ કર્યું હતું. ૧૯૨૬ અને ૧૯૨૮નાં અધિવેશનોમાં એ બંધારણ અંગે ચર્ચા ન થાય એ માટે એમણે યુક્તિ-પ્રયુક્તિઓ આચરી હતી. છતાં બલવન્તરાય ઠાકોર આદિ દ્વારા ચર્ચાઓ થતી રહી હતી. પરંતુ ૧૯૩૧ના અધિવેશનમાં મુનશીનો પ્રપંચ સફળ થયો હતો અને એમનું પોતાનું બંધારણ પસાર થયું હતું. પછી પણ પરિષદમાં નહિ પણ અન્યત્ર સર્વત્ર વ્યાપક સમાજમાં એ બંધારણના પ્રતિકારમાં એમાં સુધારા અંગેની જાહેર ચર્ચાઓ થતી રહી હતી. એના પરિણામે ગાંધીજીના પ્રમુખ તરીકેના વ્યાખ્યાનમાં બંધારણમાં સુધારાનો એક મુખ્ય મુદ્દો રહ્યો હતો. આ પ્રશ્નના જાણે કે ઉત્તર-રૂપે ગાંધીજીએ એમના વક્તવ્યમાં આ પ્રમાણે કહ્યું હતું : ‘મારે વિશે છાપાંમાં આવ્યું અને છાપાંની કાપલીઓ મને મોકલાઈ તે તો હું ન વાંચી શક્યો, પણ મારા ઉપર કાગળો આવે તે તો વાંચવા જ જોઈએ – વિનય ખાતર પણ વાંચવા જોઈએ. હું ‘ડેમોક્રૅટ’ ગણાઉં છું અને હું છું પણ ખરો. એટલે એ લોકોએ મારા ઉપર આશા બાંધી. એ લોકોએ કહ્યું કે પરિષદનું બંધારણ મુનશીનું છે, એમનો તો એ ઇજારો કહી શકાય. એ કાયદાશાસ્ત્રી રહ્યા, એટલે એમણે એને ઘડ્યું છે જ એવું કે એની એક ઈંટ પણ અમે નથી ચસકાવી શકતા. પણ તમે એકબે ઈંટ હલાવો તો કાંઈક થાય, મને-કમને દબાણથી અમુક ફેરફાર કરાવી શકાય તો કરો. આ ઉપરાંત પણ કેટલીક સૂચનાઓ આવી – આ સૂચનાઓ હું પચાવી નથી શક્યો. હું પોતાને ‘ડેમોક્રૅટ’ – લોકશાસનમાં માનનારો – માનું છું. અને એ અર્થમાં જે ખરો ‘ડેમોક્રૅટ’ હોય તે તો સાનમાં સમજી જાય કે પ્રજાનો કબજો એટલે શું, ક્યાં ‘ડેમૉક્રસી’ ચાલે અને ક્યાં ન ચાલે ? મને તો ખબર જ છે કે ક્યાં ડેમૉક્રસી ચાલે ને ક્યાં ન ચાલે. અને એથી જ કહું છું કે સાહિત્ય પરિષદમાં ‘ડેમૉક્રસી’ના બધા નિયમો નહિ હોય. હું ‘ડેમોક્રૅટ’ છું છતાં કહું છું કે આવી પરિષદો ‘ડેમૉક્રસી’ને ધોરણે ન ચાલી શકે. તેમાં ‘ડેમૉક્રસી’નું તત્ત્વ હશે, પણ નિયમો નહિ હોય. આવી સંસ્થામાં ‘ડેમૉક્રસી’નું ધોરણ ન ચાલે. ચલાવવામાં આવે તો એ ‘ડેમૉક્રસી’ નહિ પણ ‘મૉબૉક્રસી’ થાય. ગમે તેવા બંધારણમાં ન્યૂનતા તો રહેવાની જ. ક્યાંય પણ શું એવું બંધારણ છે જેમાં કોઈ ફેરફાર કરાવવા ઇચ્છે તો ન કરાવી શકે ? બંધારણમાં ફેરફાર જ કરવા જેવું ન હોય એવું બંધારણ તો કોણ રચી શકે ? મને સૂઝશે અને જેટલી કળા વાપરી શકાશે તેટલી વાપરીને બંધારણમાં ફેરફાર કરવાનું હું સૂચવી શકીશ, જોકે ફેરફાર કરાવી જ શકીશ એમ નથી.’ ૧૯૨૦માં ગાંધીજીએ અણદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ સ્થાપી હતી. યોગાનુયોગ એ છે કે એ જ વર્ષમાં, ૧૯૨૦માં રવીન્દ્રનાથે શાંતિનિકેતનમાં ‘વિશ્વભારતી’ સ્થાપી હતી. રવીન્દ્રનાથે વિશ્વભરના વિદ્વાનોને માટે ‘વિશ્વભારતી’ સ્થાપી હતી. ‘વિદ્યાપીઠ કોને માટે ?’ એવા પ્રશ્નના જાણે કે ઉત્તરરૂપે ગાંધીજીએ એમના વક્તવ્યમાં આ પ્રમાણે કહ્યું હતું : ‘વિદ્યાપીઠમાં ગિદવાણી નથી, કૃપાલાણી નથી, કાકા નથી. એમાં ગામઠી માણસો છે. પણ શું સાક્ષરો જ વિદ્યાપીઠ ચલાવે ? માણસ ભલે ગામઠી હોય. એ ગામઠી હૃદયવાળા જોઈએ, નાટકી ન જોઈએ. જેનું હૃદય ખરેખરું ગામઠી છે એવા વિદ્યાપીઠ ચલાવી શકશે. અમદાવાદનાં ઢીંગલાઢીંગલી માટે વિદ્યાપીઠ થોડી જ છે ? ભલે ને ભાઈ અંબાલાલની દીકરી ત્યાં આવી ગઈ. પણ વિદ્યાપીઠ એવી ડીપો નથી જ્યાં ઢીંગલાઢીંગલી આવે, તેમને સુશોભિત બનાવીએ અને પાછાં હતાં તેવાં તેમનાં માબાપને ‘ડિલીવરી’ કરીએ – સોંપી દઈએ. વિદ્યાપીઠ તો ગામઠી સ્ત્રીપુરુષોને ઘડવા સારુ રચાયેલી છે. એમને ઘડતાં નથી આવડતું, પણ તેઓ પ્રયત્ન તો કરે જ છે. તેવાને માટે ગીતાજીના છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે કે એમનું અકલ્યાણ નહિ થાય. ભગવાનની એ પ્રતિજ્ઞા છે અને સાચી ભાવનાવાળાને વિષે એ સફળ થશે.’ ૧૯૨૦માં ગાંધીજીએ પરિષદમાં આમંત્રિત વ્યાખ્યાતા તરીકે અમદાવાદમાં લાલ દરવાજાના ખુલ્લા મેદાનમાં ‘સાહિત્ય કોને માટે ?’ એવા પ્રશ્નના જાણે કે ઉત્તરરૂપે સાહિત્યકારોને કોશિયા માટેનું સાહિત્ય રચવાનો અનુરોધ કર્યો હતો. ગાંધીજીએ એમના વક્તવ્યમાં હૃદયમાં તીવ્ર વેદના સાથે એનું આ પ્રમાણે પુનરુચ્ચારણ કર્યું હતું : ‘સાહિત્ય પરિષદે શું કરવું ? પરિષદ પાસેથી શી આશા હું રાખું ? સ્વાગતાધ્યક્ષે (સર ચિનુભાઈએ) મારો ભાર હળવો કર્યો છે. મેં પહેલાં સાહિત્ય પરિષદને જે કહ્યું હતું તે તેમણે આપને ફરી કહી સંભળાવ્યું છે. મેં કહ્યું હતું કે મારી પાસેના કૂવા ઉપર કોસ ચલાવનાર કોસિયો કેવી ભાષા વાપરે છે એની એને ખબર નથી. એ ગાળ બોલે છે એનું એને ભાન નથી. તેને હું શું કહું ? કવિ હોય તે એની પાસે જાય. મુનશી તો નવલકથાકાર રહ્યા, એ તો જઈ ન શકે. અદ્ભુત કળાકાર હોય તે એની પાસે જઈને એને સમજાવી શકે. એ શબ્દ અહીં ટિકાડ્યા, બે શબ્દ ત્યાં ટીકાડ્યા અને એવું કહે કે પેલો ઝીલી શકે એવું હોય... આપણે સાહિત્ય કોને માટે રચીશું ? કસ્તૂરભાઈ ઍન્ડ કંપની માટે કે અંબાલાલભાઈ માટે કે સર ચિનુભાઈ માટે ? પણ પેલા કોસિયાનું શું ? આટલો મેં બબડાટ કર્યો છે તે માટે મને માફ કરજો. મારા હૃદયમાં ગાર વ્યાપી રહ્યો છે. મારે કહેવાનું છે તેમાંથી થોડું જ કહ્યું છે. અત્યારે મારું હૃદય રડે છે. પણ હું આંખમાંથી આંસુ કેમ ઢાળું ? ભારે વેદના હોવા છતાં મારે તો હસવું છે. રડવાના પ્રસંગો આવે છે છતાં રડ્યો નથી. હૈયું કઠણ કરું છું પણ એ સેગાંવ – ત્યાંનાં હાડપિંજરો જોઉં છું (અહીં ડૂમો ભરાઈ આવ્યો. થોડી વાર અટકીને બોલ્યા) ત્યારે મને તમારું સાહિત્ય રેઢિયાળ લાગે છે.’ ૧૯૩૧ના અધિવેશનમાં પાંચ વર્ષ લગી યુક્તિ-પ્રયુક્તિના પ્રપંચને પરિણામે કનૈયાલાલ મુનશીનું બિનલોકશાહી અને સરમુખત્યારશાહી બંધારણ પસાર થયું હતું. ૧૯૨૬થી ૧૯૩૧ લગી પાંચ વર્ષ લગી મુનશીના બંધારણનો ચર્ચાઓ દ્વારા પ્રતિકાર કર્યા પછી ૧૯૩૧માં સ્વતંત્ર મિજાજના બલવન્તરાય ઠાકોરને નિર્વેદનો અનુભવ થયો હતો એથી પરિષદથી સંપૂર્ણપણે વિમુખ થયા હતા. ૧૯૩૧ પછીનાં પાંચ વર્ષમાં જ મુનશીના બંધારણને કારણે પરિષદમાં સત્તાલાલસાના પ્રદૂષણનું વાતાવરણ સર્જાયું હતું. એથી અનેક પરિષદપ્રેમી અગ્રણીઓ – કેટલીક મુનશીપ્રેમી વ્યક્તિઓ સુધ્ધાં – ને બંધારણમાં સુધારો થવો જોઈએ એવી પ્રતીતિ હતી. ૧૯૩૬માં પરિષદનું ૧૨મું અધિવેશન અમદાવાદમાં યોજવાનો નિર્ણય થયો પછી અમદાવાદની સ્વાગતસમિતિના કેટલાક સભ્યોએ બલવન્તરાયને પ્રમુખપદ માટેની ચૂંટણીમાં ઉમેદવારી કરવા અનુરોધ કર્યો હતો. પણ બલવન્તરાયે બંધારણમાં કડકમાં કડક સુધારા કરવાનો આગ્રહ રાખ્યો હતો. એથી સ્વાગતસમિતિના સભ્યોમાં એવા સુધારા માટેની માનસિક ક્ષમતા ન હતી. એથી બલવન્તરાયે એમના અનુરોધનો અસ્વીકાર કર્યો પછી સ્વાગતસમિતિના સભ્યોએ ગાંધીજીને પ્રમુખ તરીકે ચૂંટ્યા હતા. એથી હવે બંધારણમાં સુધારા અંગે આશા અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું. અનેક વ્યક્તિઓએ અને વર્તમાનપત્રોએ સુધારા અંગે જાહેરમાં સૂચનો કર્યાં હતાં. બલવન્તરાય આદિએ ગાંધીજીને અંગત પત્રો દ્વારા સૂચનો મોકલ્યાં હતાં. અધિવેશનના એક વર્ષ અગાઉ ઉમાશંકર જોશીએ પણ ૧૯૩૫ના ઑક્ટોબરની ૨૮મીએ જેમાં લોકશાહી સ્વાતંત્ર્યનો મિજાજ પ્રગટ થાય છે એવો એક પત્ર ગાંધીજીને લખ્યો હતો અને એમનાં સૂચનો મોકલ્યાં હતાં. એ પત્રનો મુખ્ય ભાગ અહીં રજૂ કર્યો છે : ‘આપ તો પ્રમુખ થવાના જ છો. હવે આ કાગળ લખવાનો ઝાઝો અર્થ નથી. છતાં આપના પ્રમુખ થવા સાથે સંબંધ ધરાવતા ગુજરાતીસાહિત્ય ને જીવનને લગતા કેટલાક મુદ્દાઓ બને તેટલા ટૂંકાણથી આપની સમક્ષ રજૂ કરું છું. ૧. અમદાવાદમાં સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે આપે સાક્ષરો સામે બળાપા કાઢેલા કે આપને તો ‘કોસિયા’નાં ગીત જોઈએ છે. વ. વ. આજે દોઢેક દસકા પછી અમદાવાદમાં જ એ જ પરિષદમાં પ્રમુખ તરીકે જવા માટે આપની પાસે શું કારણ છે ? આપને ‘કોસિયા’નાં ગીતો મળ્યાં છે ? (જોકે કોસિયાને ગીતો કરતાં જુવારબાજરાની વધારે જરૂર છે, પણ એ અલગ બાબત છે.) આટલાં વરસ સુધી ‘અમે સાક્ષરો નહિ’ એમ અસહકારી લેખકો કહેતા, પણ હવે તો ‘ના, ના, આપ સૌ પણ સાક્ષરો છો’ એવા મનામણાને સ્વીકારતા હો એવું જ આ પ્રમુખપદના બનાવ પરથી સમજાય છે. કદાચ એ અનિવાર્ય હશે. ભદ્રવર્ગીય સાક્ષરો સાથે જ આપને વિશેષ સામ્ય હશે. નહિ તો કુદરતી રીતે મોત પામતી પરિષદને પ્રાણવાયુ આપવા આપ સમય કાઢો નહિ. પરિણામે બે બાબતો તરી આવશે : ૨. આપની સાહિત્યના ક્ષેત્રમાં મુખ્ય સેવા એ હતી કે સાહિત્ય કરતાં જીવન વધારે મહત્ત્વનું છે અને સાહિત્ય સેવાનું સાધન થઈ શકે એ આપે જાતઅખતરાથી સમજાવ્યું. પણ હવે તો આપના કામમાં ને બીજાઓના કામમાં કાંઈ ફરક રહ્યો નહિ. એટલું જ નહિ પણ સાહિત્યના ક્ષેત્રમાં આપ સાચે જ સેવા કરી શકો એમ હતું એ વાત જ ભ્રમરૂપ છે એમ બતાવવા આપ જાણે પ્રમુખપદ સ્વીકારતા ન હો. ૩. જે સંમેલનના પ્રમુખ તરીકે આપ જાઓ છો તેની બાંધણી આજે તો વિશેષ વિચિત્ર છે. સાક્ષરો પણ છે તે ઘણુંખરું અર્ધદગ્ધ ને (defunct) અકામગરા અને બીજાઓ છે તે ઘણુંખરું વ્યાયામથી માંડીને રાજકારણ સુધી ગમે તે વિષયને લગતી સભામાં મંત્રી-તંત્રી થઈ બેસનારા સર્વવ્યાપી હોદ્દાખોરો. સાચા માણસો પણ હશે. પણ તો એ સચ્ચાઈ બતાવતા નથી એ હકીકત છે. જલસો માત્ર માનની દેખાતી આપલે કરવા માટેનો હોય એમ લાગે છે. સાહિત્ય સાથે એને કશી નિસબત દેખાતી નથી. મને જાતઅનુભવ નથી, પણ એક દાખલો : અમદાવાદમાં ગુજ. સા.નું સંમેલન, ગુજ. ભાષા પાસે જે એકનું જ નામ કંઈક અભિમાન લેવા જેવું છે તે કવિશ્રી નાનાલાલની છાતી પર ભરાશે. કવિમાં હાસ્યવૃત્તિ હશે તો સભામંડપ ભણી જોઈ હસશે ખરા કે ‘ભલા હું લખું છું તે કદાચ ગુજરાતી નહિ પણ કોઈ બીજી જ ભાષા હશે!’ આ એક જ વસ્તુ આવા સંમેલનને શૂળીએ ચડાવવા (અલબત્ત, અહિંસક રીતે) પૂરતી છે. એ ભાઈ પોતે પરિષદથી રિસાયા હોય એમ પણ બને. ગમે તેમ હોય પણ સાક્ષરો ને ચળવળિયાઓ ભેગા મળીને શું કરી શકે છે તેનો આ કરુણ દાખલો છે. બીજી બાજુ કોઈ પણ તેલી તંબોળી કે રાજ્જા માણસ સાહિત્ય સં.માં પહોળે પગે ઘૂમી શકે છે... સાહિત્ય પણ કોઈ કળા છે. કુંભારી-પંચમાં ઘડાના ઘડવૈયા પૈડાં ઓથે ભરાઈ રહે તે બીજાત્રીજા ઘડાઓની, ઘડનારાઓની, ઘડભાંજ કરે એ તદ્દન અતંત્ર દશાનો નમૂનો નહિ તો બીજું શું ? આપ બીજી વ્યાપક પ્રવૃત્તિઓમાં પ્રેરણારૂપ હોવાથી આમાં પણ આપને આગળ કરવામાં આવે એ બરોબર નથી. આપને સાહિત્યકાર તરીકે નવાજવા એ ખોટું નથી પણ એ એક જાતની વિડંબના તો છે જ. હવે તો આપ એક અગ્રણી ‘સાહિત્યકાર’ તરીકે છપાઈ જશો. આપ પ્રમુખ થાઓ જ છો તો સાહિત્ય-પરિષદને સાહિત્યની પરિષદ બનાવી શકશો ? જૂના સાક્ષરો સાહિત્યને જીવનથી અળગું રાખતા હતા. હવે કમાનને બીજી બાજુ વધારે પડતી નમાવીને જીવનને સાહિત્યથી અળગું ના પાડી બેસીએ એ જોવાનું છે. સાહિત્યને એનું યોગ્ય સ્થાન જીવનમાં મળે એ માટે આપ કંઈ કરશો એવી આશા છે. નહિ તો પછી એ દિશામાંના આપનાં બધાં કામનું સરવૈયું એમ જ પુકારશે કે `स एव पवनः, स एव पननः|' બધા લખનારાઓ જે રસ્તે ગયા છે, શરૂઆતમાં જૂનાઓને ગાળો દઈ પછી એમનાં જ વાજાં વગાડતા ગયા છે તે જ એક રસ્તો છે, તે જ એક રસ્તો છે! હું કદી પરિષદમાં ગયો નથી એટલે ઉપલા લખાણમાં ક્યાંક અથવા સળંગ દોષ પણ હશે. સાહિત્યને જીવનના એક અંગ તરીકે સ્વીકારીને એનો બીજી વ્યાપક પ્રવૃત્તિઓની પેઠે અભ્યાસ કરતાં જે જણાયું તે આપને સીધી બોલચાલની ભાષામાં જણાવ્યું છે. મને પોતાને કોઈ વ્યક્તિ, મંડળ કે સંમેલન સામે રોષ નથી. અંગત અસંતોષ પણ નથી. માત્ર એક પ્રજાવ્યાપી પ્રવૃત્તિ તરીકે સાહિત્યમાં રસ છે... આપને કંઈ અણઘટતું લાગે તો દરગુજર કરશો.’ ગાંધીજીએ એમના પ્રમુખ તરીકેના વ્યાખ્યાનમાં સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ અને ડેમૉક્રસી વિશેના એમના અંગત વિચારો વ્યક્ત કર્યા છે. એમાં સાહિત્ય પરિષદમાં ડેમૉક્રસીના બધા નિયમો નહિ હોય, પણ ડેમૉક્રસીનું તત્ત્વ હશે એવું વિધાન કર્યું છે. એનો અર્થ રાજકીય સંસ્થાઓમાં જેવી ડેમૉક્રસી હોય એવી ડેમૉક્રસી સાહિત્યની સંસ્થાઓમાં ન હોય, પણ બ્રિટનમાં છે એવી ડેમૉક્રસી, જેમાં ડેમૉક્રસીના બધા લેખિત નિયમો ન હોય પણ ડેમૉક્રસીનું તત્ત્વ હોય, ડેમૉક્રસીની પરંપરા હોય એવી ડેમૉક્રસી તો એમાં હોય એમ સમજાય છે. આ વ્યાખ્યાનમાં પરિષદના બંધારણમાં સુધારાને અવકાશ છે, સુધારાની આવશ્યકતા છે એટલો સ્વીકાર તો કર્યો જ છે, જોકે પોતે સુધારા કરાવી શકશે કે નહિ એનું વચન આપ્યું નથી. પછી ગાંધીજીના પ્રમુખપદે સુધારા માટે સમિતિ રચી હતી. પણ પ્રથમ વર્ષમાં અકળ કારણોસર સમિતિની એક પણ મીટિંગ મળી શકી ન હતી. પણ બીજા વર્ષમાં ગાંધીજી બંધારણમાં સુધારો કરશે એવો ભય હશે એથી મુનશી દ્વારા યુક્તિ-પ્રયુક્તિ દ્વારા એક જ વર્ષ પછી અધિવેશન ભંગ કરવામાં આવ્યું હતું અને ગાંધીજીના બે વર્ષના બંધારણીય કાર્યકાળનો આમ એક વર્ષ પછી અંત આણ્યો હતો. એક જ વર્ષ પછી અને પોતાના પ્રમુખપદે ૧૯૩૭માં કરાંચીમાં પરિષદનું ૧૩મું અધિવેશન મુનશીએ યોજ્યું હતું. એમાં સુધારા અંગેની સમિતિએ એક વર્ષમાં કોઈ કાર્યવાહી કરી નથી એમ અહેવાલ આપીને સમિતિનું વિસર્જન કર્યું હતું. આમ, મુનશીએ પોતાના ‘બંધારણને જીવલેણ ઘાતમાંથી બચાવ્યું હતું.’ ગાંધીજી બંધારણમાં સુધારો કરવા-કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા. બરોબર બે દાયકા પછી ૧૯૫૫માં ઉમાશંકરના નેતૃત્વમાં ગુજરાતના સો જેટલા સાહિત્યકારો અને વિદ્વાનો લોકશાહી મિજાજના જાહેર આંદોલન દ્વારા પરિષદને મુનશીના બિનલોકશાહી બંધારણના સરમુખત્યારશાહી બંધનમાંથી મુક્ત કરવામાં સફળ થયા હતા.