શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૧. આ માટીમાં

Revision as of 09:15, 15 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૭૧. આ માટીમાં


આ માટીમાં મૂળિયાં છે ને આ માટીમાં મંન;
આ માટીમાં જેમ ઊતરીએ, લહીએ એમ ગગંન!

મૂળિયાં જ્યારે માટી ચૂમે,
ડાળે તાજાં પાન;
મૂળિયાં વાટે ચઢતા રસની
ફળમાં રસબસ લ્હાણ!
મૂળિયાંની માટીનું લહેરે પુષ્પે રમ્ય ગવંન! –

આ માટીની સોડમ એવી,
પ્રાણે તાજપ સીંચે;
આ માટીની મસ્તી કેવી
પાને પાને હીંચે!
આ માટીને કણ કણ કોળે માધવનું મધુવંન! –

(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૫૭)