શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/શુભ ભાવમાં ઠરીએ

From Ekatra Wiki
Revision as of 11:58, 15 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શુભ ભાવમાં ઠરીએ


ઉભડક ઉભડક કશું ન કરીએ,
કરીએ કામ નિરાંતે;
ધરતીમાનો ખોળો મળિયો,
ખૂંદીએ એને ખાંતે. —

રોજ સવારે નમી સૂર્યને,
બેસી પદ્માસનમાં;
હેતે કરીએ યાદ હરિને,
સદ્ગુણ રહે સ્મરણમાં. —

રોજ સ્નાન કરીએ બેસીને,
પાવન તીર્થો સ્મરીએ;
ભોજન કરીએ બેસી પાટલે,
ચિત્તે શાંતિ ધરીએ. —

કથા-શ્રવણ ને વાચન-લેખન
ટટાર બેસી કરીએ,
સૂતાં પહેલાં ટટાર બેસી,
શુભ ભાવમાં ઠરીએ.

*