કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૧૩. પ્રણયની કબર
Revision as of 12:33, 17 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩. પ્રણયની કબર|}} <poem> અહીંયાં જ મારા પ્રણયની કબર છે, ખરું ક્...")
૧૩. પ્રણયની કબર
અહીંયાં જ મારા પ્રણયની કબર છે,
ખરું ક્હો તમે, આ તમારું જ ઘર છે?
તમે બેકદર થઈ ગયાં તો હું સમજ્યો,
એ મારા સમા માટે સાચી કદર છે.
હૃદય મારું માટીનું કૂંડું થયું છે,
ફૂલો જેમ એમાં કોઈની નજર છે.
સુરાલય પછીથી હું શું કામ શોધું?
તમે પીધો એની મને પણ અસર છે.
મને મારું મન એમ આગળ કરે છે
કે મંઝિલની જાણે કે મુજને ખબર છે!
હવે કોને પોતાનાં ગણવા કહી દો,
અમારી જ સામે અમારું ભીતર છે.
મને રોક્યો મંઝિલના દ્વારે જઈ મેં,
કે મનમાં રહે; સ્હેજ બાકી સફર છે.
(ૐ તત્ સત્, પૃ. ૧૪)