સરસ્વતીચંદ્ર ભાગ ૪/મિત્રના મર્મપ્રહાર.

From Ekatra Wiki
Revision as of 05:12, 25 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મિત્રના મર્મપ્રહાર. |}} {{Poem2Open}} सुहृदर्थधमीहितमजिद्मधियां...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મિત્રના મર્મપ્રહાર.

सुहृदर्थधमीहितमजिद्मधियां प्रकृतेर्विराजति विरुद्धमपि ॥ माघ. પાઞ્ચાલીની વાણીને જાગૃત યોગમાં પ્રત્યક્ષ કરી સરસ્વતીચંદ્ર અને કુમુદ સૌમનસ્યગુફાના વર્ણવેલા ઓટલા ઉપર કેટલીક ઘડીઓ સુધી આનંદયોગની નિદ્રામાં હાલ્યા ચાલ્યા વિના બેસી રહ્યાં. અન્તે પાછલી રાત્રે કુમુદ જાગી એ ખંડના વચલા ભાગમાં જાતે સુઈ ગઈ અને સરસ્વતીચંદ્ર ઓટલા ઉપર પોતાના હાથનું ઉશીકું કરી સુઈ ગયો. પ્રાત:કાળમાં વ્હેલી ઉઠી કુમુદ સરસ્વતીચંદ્રની પાસે ઉભી રહી તેને જગાડવા ઇચ્છતી ક્‌હેવા લાગી.

“સરસ્વતીચંદ્ર, પ્રાત:કાળ થયો, ઉઠો.”

એ ન જ ઉઠ્યો. કુમુદે તેને કપાળે હાથ મુક્યો ને મુખેથી બોલી ઉઠાડવા જાય છે તે પ્હેલાં હાથના સ્પર્શથી પુરુષ જાગી ઉઠ્યો તેની સાથે કુમુદે હાથ લેઈ લીધો.​“મને સ્વપ્નમાં મ્હારી જનની દેખાઈ. મ્હારે કપાળે હાથ મુકી કંઈ ક્‌હેવા જતી હતી એટલામાં હું જાગ્યો.”

કુમુદ કંઈ સ્મિત કરતી કરતી બોલી: “આપની સાથે આપનાં જનનીના પણ કંઈક ધર્મ કેટલાક વિષયમાં મ્હારે પાળવા, અને આપને જનનીની ખોટ પડેલી મને દેખાઈ છે તે મ્હારે પુરવી, એવો અભિલાષ કાલ રાત્રે જ મને થયો હતો. આપને કપાળે મ્હેં મુકેલા મ્હારા હાથને આપે આપનાં જનનીનો હાથ સ્વપ્નમાં જાણ્યો તે મ્હારા અભિલાષને બહુ શુભ શકુન થયા. હવે ચંદ્રકાંતભાઈની પાસે વસી આપને આપનું – આપણું – કુટુંબ બહુધા સાંભરવાનું.”

સર૦– એથી કુટુંબ ગમે તો વધારે સાંભરશે ને ગમે તો તે જેટલું સાંભરે છે તે સર્વ ભુલાશે. મને લાગે છે કે આન્હિક કરી લેઈ હું તેના સામે જાઉં.

કુમુદ૦- અવશ્ય પધારો.

સરસ્વતીચંદ્ર બોલવા જાય છે એટલામાં બ્હાર કંઈ સ્વર સંભળાયો અને ઓટલા બ્હાર દૃષ્ટિ કરી જુવે છે તો ગુફાઓની વચ્ચેના ઝરાઓની પાળો પર થઈને બે ત્રણ સાધુઓની વચમાં ચાલતો ચંદ્રકાંત આવતો દૃષ્ટિએ પડ્યો.

“કુમુદસુંદરી ! ચંદ્રકાંત આવે !” સરસ્વતીચંદ્રે આનન્દનો ઉદ્ગાર કર્યો.

“આપ મોડા થયા ને એમની પ્રીતિએ એમના પગને ઉતાવળા ઉપાડ્યા. આજ્ઞા હોય તે હું હવે સાધ્વીઓમાં જઈને બેસું ને આપ તરત એમના સામા જાવ. મ્હારું નામ બધાનાં દેખતાં દેશો નહીં ને એકાંતમાં તેમને યથેચ્છ ક્‌હેજો.”

કુમુદ ગઈ ને સરસ્વતીચંદ્ર નીચે ઉતર્યો ત્યાં ગર્જનાઓ થતી હતી – “નન્દકો નન્દન એક આનન્દ દેત હય !” આ ગર્જનાઓ પોતાની ગુફામાંથી નીકળતી હતી અને બ્હારથી પ્રત્યુત્તરમાં પણ એવી જ ગર્જનાઓ આવતી હતી. પોતાની સાથના સાધુઓને લેઈ સરસ્વતીચંદ્ર ગુફા બ્હાર નીકળ્યો ને ચંદ્રકાંતની સામે વાધ્યો. બે મિત્રોના ચરણ વેગથી સામાસામી ધસવા લાગ્યા, બે પાસની વધતી અને પ્રતિધ્વનિ પામતી ગર્જનાઓ વચ્ચે અને સાધુઓ અને ગુફાઓ વચ્ચે મિત્રોના જીવ માત્ર એક બીજા ઉપર દૃષ્ટિરૂપ જ થઈ ગયા અને ક્રિયા માત્ર ચરણરૂપ જ થઈ ગઈ. જોતા જોતામાં બે જણ પાસે ​આવ્યા, પરસ્પર ભેટવા માટે ઉછળી પડ્યા અને સરસ્વતીચંદ્ર એ ભેટ સ્વીકારે ત્યાર પ્હેલાં વીજળીની ત્વરાથી ચંદ્રકાંત સરસ્વતીચંદ્રની કોટે વળગી પડ્યો અને એની આંખોમાંની આંસુની ધારાઓ મિત્રના ખભાને ન્હવરાવી અંચળાને ભીનો કરી તેમાંથી ગેરુના નીગાળા ઉતારવા લાગી.

“Is it you, my dearest, whom I see in this plight? સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ! આ શું ? છેક આમ જ ?” ચંદ્રકાંત તેને ભેટીને ગાજી ઉઠ્યો, છુટો પડી સામે ઉભો રહી, બોલ્યા વિના, મુખથી કે કંઠથી નહીં પણ નેત્રથી, નિર્ભર રોવા લાગ્યો, ને એનું મુખ અતિ રંક થઈ ગયું ને પોતાની સાથેના બાવાને ક્‌હેવા લાગ્યું.

“બાવાજી, આ જ મ્હારો મિત્ર ! આ અંચળાથી ઢંકાયો ન રહ્યો. આ હૃદયથી સંતાયો ન રહ્યો. સરસ્વતીચંદ્ર ! આ શું ?”

સરસ્વતીચંદ્રની આંખોમાં પણ પાણી ભરાયું હતું અને કણ્ઠ ગદગદ થઈ ગયો હતો.

“ચંદ્રકાંત, આ સાધુજનોની કૃપાએ મને નવો દેહ આપ્યો છે ને મ્હારા અંતરાત્માને નવો જન્મ અને નવો સંગ આપ્યો છે. તેની વાતો કરવાને ઘણો અવકાશ મળશે. આ સાધુજનો આપણા લોકમાં હરતા ફરતા બાવાઓ જેવા નથી, પણ જે ઋષિલોક આ દેશની સંપત્તિને કાળે વસતા હતા, જે ઉદાર બૌદ્ધો આર્ય દેશના ઉપદેશના મેઘને વર્ષાવવા આ દેશની ચારે પાસના દેશોમાં પરિવ્રજ્યા કરતા હતા, જે લોકના ઉચ્ચગ્રાહ ભવભૂતિ જેવાઓના ગ્રન્થોમાં આપણે પાઠશાળામાં વાંચ્યા હતા - તે મહાત્માઓના વિચાર અને આચારના કલ્યાણ અંશ આ સાધુજનોમાં અખંડ જ્યોતથી હજી દીપ્યમાન છે ! એ સાધુજનેામાં આવી હું પરમ ભાગ્યશાળી થયો છું અને મ્હારા ઉપર જે પ્રીતિ કે શ્રદ્ધા ત્હારા હૃદયમાં છે તે સર્વને સાકાર કરી આ સાધુજનોનો સત્કાર કરી લે, પછી આપણી વાતોનો અવકાશ એ જ સાધુજનોની કૃપાથી અનેકધા પામીશું.”

ચન્દ્રકાંત સાધુજનોના સામો ફરી ઉભો અને પ્રણામ કરી ક્‌હેવા લાગ્યો: “સાધુજનો, આ મિત્રરત્ન ઉપર મ્હારો પક્ષપાત છે ને એનો આપના ઉપર પક્ષપાત છે, માટે એના ઉપરની પ્રીતિથી અને શ્રદ્ધાથી હું ચંદ્રકાંત આપ સર્વને પ્રથમ પ્રણામ કરું છું, અને તે પછી આપનો ઉપકાર માનું છું - કારણ આ મ્હારું અને અનેક સજ્જનોનું રત્ન શોધવાનો ​મ્હારો પ્રયત્ન આપની કૃપાથી સફળ થયો છે. મુંબઈના વિદ્વન્મંડળનું આ રત્ન મુંબાઈમાંથી ખોવાયું તેને આપે આવી પ્રીતિથી અને પ્રયત્નથી જાળવી રાખ્યું તેને માટે અનેક હૃદયો આપને માટે ઉપકારથી દ્રવશે !”

રાધેદાસ આગળ આવી બોલ્યો, “આ રત્નની પ્રાપ્તિથી સાધુજનો પોતાનો ઉત્કર્ષ માને છે અને તમે પણ તમારો ઉત્કર્ષ માનો છો - એ રત્નને પૂર્વાશ્રમમાં તમારા જેવાએ સંસ્કારેલું છે અને અમે તો માત્ર તેના ગ્રાહક થયા છીયે. ચંદ્રકાંતજી, અમે સાધુજનો સંસારની વ્યવસ્થાના ભોમીયા નથી, પણ આપના સન્મિત્ર જેવા સાધુજનો જે સંસારમાંથી આવે છે તે સંસાર પણ ઉત્કૃષ્ટ જ હોવો જોઈએ એવું માની આપનો સત્કાર યથાશક્તિ યથામતિ કરીશું. તે સ્વીકારવાની કૃપા કરજો.”

સરસ્વતીચંદ્ર ચંદ્રકાંતનો હાથ લેઈ બોલ્યો; “ચંદ્રકાંત, આ સાધુજન રાધેદાસે જંગલમાં અંધકારમાં શબવત હું પડ્યો હતો ત્યાંથી આ શરીરને સાચવી આણેલું છે. આ એમની જોડે સાધુદમ્પતીઓના મઠના ઉપરી જ્ઞાનભારતી છે – તેમને મનુષ્યોનાં સ્થૂલ સૂક્ષ્મ રસશાસ્ત્રમાં, દમ્પતીઓના ધર્મશાસ્ત્રમાં, અને જ્ઞાનમાં, અતિશય નિપુણતા અને અનુભવ છે. તેમની જોડે આ અમારા સુન્દરદાસજી અનેક પ્રાચીન કલાઓના વેત્તા છે. આ સુરદાસજી ભક્તિરહસ્યના શાસ્ત્રીય જ્ઞાનનો ભંડાર છે, અને આ માયાપુરી લોકસંગ્રહના શાસ્ત્રની વ્યવસ્થાઓમાં પ્રવીણ છે ને સંગીતકલા પણ સુન્દર જાણે છે. આ સર્વ રત્ન છે. My dear Chandrakanta, there is nothing in or among these learned saints that is low or vulgar. The very air they breathe is impregnated with the sweet and solemn fragrance of their holy and ennobling souls. Their mode of living is simple and yet refined, and their minds are cultured, to an extent of which none on our Indian plains has any idea or even a dream. Not you but your heart will love and revere them as you are allowed the rare privilege of living among them and unhappy and repentant will be the man that thinks of marring the picture of innocence, sweetness, and sanctity of life which thrives on these hills and is ever kept warm by the high and ​unheard-of attainments of these modest and simple. looking anchorites.”

ચંદ્રકાંત– You may rest assured that my fortnight's residence with that noble lady - your once mother-in-law – whom you have so cruelly wronged, has taught me at least this one thing, viz., not to disturb pictures of peace and innocence such as I found there or may find here as you say. After the hard lesson which your conduct has taught to the world, it scarcely remains for poor Chandrakanta to follow your tuition in the rare art of making happy people unhappy - that is, the art in which you have excelled as an expert of such superior eminence and unrivalled fame.

સરસ્વતીચંદ્રે ઉત્તર દીધો નહીં. માત્ર નીચું જોઈ ચંદ્રકાન્તને આંંગળીયે વળગાડી પોતાની ગુફા ભણી ચાલ્યો અને સાધુઓ પાછળ પાછળ ચાલ્યા. આ બે જણની અને સાધુઓની વચ્ચેનું અંતર આમની કે તેમની ઇચ્છાથી વધ્યું તે જોઈ સરસ્વતીચંદ્ર બોલ્યો – ચાલતા ગયા ને વાતો કરતા ગયા.

“ચંદ્રકાંત, તું સત્ય બોલે તેમાં હું ના કેવી રીતે ક્‌હેવાનો હતો? મ્હેં ઘણાક જીવને દુઃખી કર્યા – ત્હારે પણ અંહી સુધી ધંધો છોડી, ગંગાભાભીને ઘેર એકલાં મુકી, મ્હારે માટે આથડવું પડ્યું.”

ચંદ્ર૦– હાસ્તો. સ્વજનને દુ:ખી કરી દમવાની આપની કળાની આ તો એક ન્હાનામાં ન્હાની ને થોડામાં થોડી ખુબી છે.

સર૦– ગાંગાભાભી ખુશીમાં છે ?

ચંદ્ર૦– તેમને મળો તો માલમ પડે.

સર૦– તેમને મ્હારે માટે બહુ લાગ્યું હશે.

ચન્દ્ર૦- તે તમે કયાં ગાંઠો એવા છો ?

સર૦– ક્‌હે તો ખરો.

ચંદ્ર૦- એ તો મુવાં હશે કે જીવતાં હશે.

સર૦- શું આમ બોલે છે ? તું ઘણું કઠણ બોલનારો છે તે હજી એવો ને એવો રહ્યો. ​ચંદ્ર૦- તમે ક્‌હો છો કે આ સાધુલોક બોલવામાં તેમ ચાલવામાં બેમાં મધુર છે. મને મધુર બોલતાં નથી આવડતું પણ મ્હારી ચાલ હજી સુધી કોઈને કડવી નથી થઈ પડી. આપ મધુર બોલવાની કળા જેવી ઉત્તમ રીતે જાણો છે તેવી જ કડવી ચાલ કેમ ચાલવી તે પણ જાણો છે. આપના જેવી આવી બેવડી સમૃદ્ધિ મ્હારી પાસે નથી.–

સર૦– પિતાજી સુખી છે ?

ચન્દ્ર૦- “હેં ! તેમની ચિન્તા પડે છે ? પણ તે તમારે પુછવાનો હક શો ?

સુખી તે તો તમારે શું ? દુ:ખી તે તો તમારે શું ? “વર્તમાનપત્રો કોઈ દિવસ આ સુન્દર દેશમાં વાંચવા મળે છે ?”

સર૦- કોઈ દિવસ.

ચંદ્ર૦- ત્યારે તેમાં જ વાંચજોને કે આપનાં પરાક્રમનાં વાવેલાં બીજ કેવાં ઉગી નીકળ્યાં છે તે જણાય.

સર૦– મ્હારા હૃદયને જાણનાર ચંદ્રકાંત હસવું આવે એવું બોલે છે.

ચંદ્ર૦– તમને હસવું આવ્યું ને ન ચ્હડ્યો ક્રોધ કે ન લાગ્યું દુ:ખ ત્યારે ગમે તો તમારું હૃદય જાણવાનું હું ભુલી ગયો છું, ને ગમે તે તમારું હૃદય અંહીની સાધુતાના પૌષ્ટિક પવનથી વધારે કઠણ થયું છે તે હતું તેવું નથી ને હું ઓળખી શકતો નથી. બાકી તમારા વિના બીજાં ઘણાંકનાં હૃદયને તો હું જાણું છું. કોના કોના કાળજામાં કેવી કેવી લાતો આપના શાણપણે મારી છે તે હું સારી રીતે જાણું છું ને તમારા પોતાના હૃદયનું પોત તો હવે જેવું પ્રકટો તે ખરું.

સર૦– ત્હારું કટુ પણ સત્ય ભાષણ મ્હારાં કર્મના પાપ અંશનું વિષ ઉતારી દે છે ને એ સર્વ સાંભળવાથી હું બહુ તૃપ્ત થાઉં છું. કુમુદસુન્દરીના શબ્દોમાં પણ એવી કટુતા હત તો હું હજી વધારે ભાગ્યશાળી થાત.

ચન્દ્ર૦– ચુપ ! તમારા દુષ્કર્મનો ભોગ થઈ નાળમાંથી કપાઈ ક્‌હોઈ જઈ ડુબી મરેલા એ દુ:ખી કમળનું નામ તમારી જીભ ઉપર આવવું ઘટતું નથી.

સર૦- ચન્દ્રકાન્ત ! એ પણ સત્ય જ કહ્યું. પણ મ્હારા ત્હારા ભાગ્યથી એ જીવ જીવે છે ને આ સુન્દરગિરિની સાધ્વીઓયે, એ કમળ કરમાતું હતું તેને સ્થાને, પોતાની સાધુતાથી એને પાછું પ્રફુલ્લ કરવા માંડ્યું છે. ​ચન્દ્ર૦- શું સ્ત્રીલોકનું એ રત્ન જીવે છે? સરસ્વતીચંદ્ર ! મને એમનાં પુણ્ય દર્શન તરત કરાવ કે ત્હારા જેવા ક્રૂર હૃદયવાળા મિત્રનો મિત્ર હોવાને માટે હું તેમની ક્ષમા માગું અને એમનાં માતાપિતાને વધામણી મોકલી તેમનાં નિરાશ અંત:કરણમાં આશાના વૃક્ષને રોપું.

સર૦– હું તને તેમનું દર્શન અવશ્ય કરાવીશ. તેમની પણ એવી જ ઇચ્છા છે. માત્ર તને સુચવવાનું એટલું કે એમની સાથે એકાંતમાં વાત કરી એમની અનુમતિ લીધા વિના એમનું કે એમના કુટુંબનું નામ આ સાધુજનોમાં પ્રકટ ન કરવું અને એમના અસ્તિત્વની વાત તો કોઈને પણ એ અનુમતિ વિના ક્‌હેવી નહી. એમને સાધુજનો “મધુરીમૈયા ”ને નામે ઓળખે છે.

ચંદ્ર૦- અવશ્ય સાધુજનો સુજ્ઞ છે ખરા કે મધુર જીવને આવું મધુર નામ આપે છે, અને હું પણ એવા જીવને સંબંધે કંઈ પણ વાત એમને પુછ્‌યા વિના નહી કરું. બાકી તમારું નામ પાડવામાં તો સાધુજનો ભુલ્યા છે ને તમને તો મ્હેં જાણી જોઈ વગર પુછ્યે પ્રકટ કરી દીધા છે.

સર૦– મ્હારું નામ મ્હેં પાડ્યું છે- સાધુજનોએ નથી પાડ્યું.

ચંદ્ર૦– લાગે છે. આપની જ ચતુરતા લાગે છે.

સર૦– આ કન્થા પ્હેરીને હું કેવો દેખાઉં છું તે મ્હેં જાતે જોયું નથી - પણ આ નીચે પાણીમાં પ્રતિબિમ્બ જોઉં છું તેમાં તો તું ક્‌હે છે એવું હીન ભાગ્ય નથી દેખાતું.

ચંદ્ર૦- શું કરવા દેખાય ? એ પ્રતિબિમ્બ તો તમારા હૃદયમાં જુવો, અમારા જેવાંનાં અને તમારા પિતાના અને કુમુદસુન્દરીના હૃદયમાં જુવો – પછી ક્‌હો કે તમારા આ અંચળાનો રંગ તે તે એ સર્વેનાં હૃદયનાં મર્મસ્થાનને ચીરી તેમાંથી ક્‌હાડેલી લોહીની ધારાઓનો જ રંગ નથી ?

સર૦- કુમુદસુન્દરીએ પોતે પણ આવી જ કન્થા ધારી છે.

ચન્દ્ર૦- તે યોગ્ય જ કર્યું છે – જે ચિતા ઉપર તમે શબ થઈને પડ્યા છો તેના ઉપર એ તમારી જોડે જ જીવતાં બળવા માંડે છે ! સરસ્વતીચંદ્ર ! તમારું હૃદય શાનું ઘડેલું છે ? મને એ દુઃખી જીવની પાસે સત્વર લેઈ જાવ.

ચંદ્રકાન્તની આંખોમાંથી આંસુ વ્હયાં કરતાં હતાં ને તેને લ્હોવાની પરવા એણે કરી નહી. ​સરસ્વતીચંદ્ર એને લઈને , વસન્તગુફા ભણી ચાલ્યો, અને એક સાધુને આગળ સમાચાર ક્‌હેવા મોકલ્યો. ત્યાં જતા સુધી કોઈ બોલ્યું નહી. સર્વ કલાંત ગંભીર બની, સૂર્યને ઢાંકી દેઈ આકાશમાં એકલાં ચાલતાં જળ વગર પણ કાળાં દુકાળનાં વાદળાં પેઠે ચાલતા હતાં. થોડી વારમાં ગુફાનું દ્વાર આવ્યું. ત્યાં જતાં પ્હેલાં ધીમે રહીને સરસ્વતીચંદ્રે ચંદ્રકાંતના કાનમાં કહ્યું: “સર્વ આપણી વાટ જોઈ સામાં આવે છે; ભુલથી એમનું નામ દેશો નહી. મધુરીમૈયા ક્‌હેજો. સઉની વચ્ચોવચ એ ઉભાં છે ને સઉથી જુદાં પડે છે તે ઓળખી ક્‌હાડજો.”

“બેસો, બેસો, તમે શું ક્‌હેતા હતા ?” એવું ક્‌હેવા જતો જતો ચંદ્રકાંત અટક્યો ને ઉત્તર દીધા વિના સરસ્વતીચંદ્ર ઉપર માત્ર કડવી દૃષ્ટિ કરી આગળ ચાલવા લાગ્યો.

પળ વારમાં સ્ત્રીમંડળ પ્રત્યક્ષ થઈ પાસે આવ્યું, સાધુઓ પાછળ ખમચ્યા અને ઉભા રહ્યા ને ગર્જ્યા: “ નન્દકો નન્દન એક આનન્દ દેત હય ! મધુરીમૈયાકો જય !”

“ મધુરીમૈયા” નો જય પોકારાયો સાંભળીને હર્ષથી, અને એની ભગવી કન્થા જોઈ દુ:ખથી, ચન્દ્રકાંતનાં આંસું વધ્યાં, વાલકેશ્વર ઉપર સરસ્વતીચંદ્રના બંગલામાં જોયેલી કુમુદસુન્દરીની મ્હોટી છબી પોતાના સામી જીવતી થઈ ઉભી લાગીને તેની સુન્દરતા, મધુરતા, અને દીનતાના સંસ્કાર એના હૃદયને, વંટોળીયો વ્હાણના સ્હડને ઉછાળે તેમ, ઉછાળવા લાગ્યા. સઉ છેક પાસે પાસે આવ્યાં ત્યાં સરસ્વતીચંદ્ર આગળ વધી બેાલ્યો: “મધુરી ! આ મ્હારો પરમ મિત્ર ચન્દ્રકાંત !”

કુમુદ૦- ચન્દ્રકાન્તભાઈ, સુખી છો ?

ચન્દ્રકાંત રોઈ પડ્યો – તેનાથી ઉત્તર દેવાયો નહી – એ કુમુદસુન્દરીને પગે પડ્યો ને એની પૃથ્વી પર પડેલી પાઘડી સરસ્વતીચંદ્રે ઉચકી લીધી.

“ કુ...મુ...મધુરીમૈયા ! મ્હારા કઠણ હૃદયના મિત્રના અતિદુષ્ટ અપરાધની ક્ષમા કરજો. એણે તો તે નહી માગી હોય – પણ એને માટે હું ક્ષમા માગું છું ! અમે તમારો અસહ્ય અપરાધ કર્યો છે ને પેટમાં ઉતરેલાં વિષ રગેરગમાં ચરવા માંડ્યાં છે !”

પોતાનાં નેત્રનાં આંસુની અવગણના કરી કુમુદસુન્દરીયે ચન્દ્રકાંતના શરીરને ઉંચું કરવા માંડ્યું. અને એના કોમળ હાથમાં તેમ કરવાની અશક્તિ પ્રત્યક્ષ કરતો ચન્દ્રકાંત એને વધારે પ્રયત્ન કરાવવા વિના જાતે જ ઉભો થયો ને પોતાનો રૂમાલ આંખે ફેરવી બેલતો બોલતો ઉભો. ​"મધુરી મૈયા ! તમે ક્ષમા કરજો ! મ્હારા મિત્રે કરેલો અપરાધ આ ઉપરના આકાશ પેઠે હદ વિનાનો છે અને મીઠા જાણેલા એના હૃદયમાં સાગર જેવી ખારાશ જ ઉડી ભરાઈ છે અને સર્વ પાસ ઉભરાઈ છે તેને મીઠી કરવા હું કેવળ અશક્ત નીવડ્યો.”

આંસુ લ્હોઈ કુમુદસુંદરી બોલી.

“ચંદ્રકાંત ! આપનું આ રત્ન સાધુજનોની, સત્પરીક્ષામાં પણ રત્ન જ નીવડ્યું છે ને તેમનાં પુણ્યે તેને નવા સંસ્કાર અને નવા ઓપ આપ્યા છે તે આપ ધીમે ધીમે પ્રત્યક્ષ કરશો. એમના અત્યંત દુઃખી જીવને મહાપ્રયાસે સાધુજનોએ અને મ્હેં લગભગ શાંત કર્યો છે ને બાકી રહ્યું છે તે આપ કરી શકશો. મ્હારું રંક અનાથ હૃદય એમણે અતિ ઉદારતાથી સ્વસ્થ અને સનાથ કર્યું છે. માટે હવે એ એમના નિર્મળ થયેલા હૃદય સરોવરને ડ્હોળી તેમાંની મહાપ્રયાસે નીચે ગયેલી માટીને પાછી ઉપર આણશો નહી. ઈશ્વરકૃપા છે તો આપ, સાધુજનો, અને હું સર્વ મળી અવકાશે સારું જ પરિણામ આણીશું.”

પ્રકરણ ૪૩. ન્યાયાધિકારીનાં આજ્ઞાપત્ર.

સરસ્વતીચંદ્ર અને ચન્દ્રકાન્તે આખો દિવસ સૌમનસ્ય ગુફાને ઉપલે માળે ગાળ્યો. કુમુદ તેમાં આવતી જતી ભાગ લેતી હતી અને ઘડી બેસી પાછી જતી હતી. કંઈ વાત ગુપ્ત રાખ્યા વિના સરસ્વતીચન્દ્રે પોતાનો અને કુમુદસુન્દરીનો સર્વે ઇતિહાસ ચન્દ્રકાન્તની પાસે અથથી ઇતિ સુધી વિદિત કરી દીધો. ગુપ્ત કથા જેમ જેમ પ્રકટ થતી ગઈ તેમ તેમ ચંદ્રકાન્ત ખેદ, આશ્રર્ય, આનંદ, અને ગુંચવારાઓને વારા ફરતી અનુભવ્યાં અને પ્રાત:કાળે દર્શાવેલી મનોવૃત્તિઓને સ્થાને કંઈક અપૂર્વ તરંગોમાં ચ્હડ્યો.

“ત્યારે તમે બે જણે મળી આ સ્થાનમાં આવી સિદ્ધિ પ્રાપ્ત કરી, અને તમે જે કરો અને જગતને તમારે માટે જે માનવા ન માનવા જેવું લાગે તેને માટે ગાળો ખાવાનું મ્હારે માથે નાંખ્યું ! વાહ ! વાહ ! ભોળાં દેખાતાં કુમુદસુંદરીએ પણ ઠીક જ તાલ રચ્યો !”

ચંદ્રકાન્ત આ બોલતો હતો તે કાળે કુમુદ વસન્તગુફામાંથી આવી એની પાછળ ઉભી હતી. એના પગને ઘસારો લાગતાં ચંદ્રકાંતે પાછું જોયું અને ચમકી ઉભો થયો.