ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અંગદવિષ્ટિ’

From Ekatra Wiki
Revision as of 05:37, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘અંગદવિષ્ટિ’ [ ર. ઈ.૧૭૪૩ કે ૧૭૫૨/સં. ૧૭૯૯ કે ૧૮૦૮, આસો સુદ ૧૦, રવિવાર] : ૧૬૪થી ૩૮૪ સુધીની કડીસંખ્યા બનાવતી, સંભવત: કવિને હાથે વૃદ્ધિ પામતી ગયેલી શામળની આ કૃતિ(મુ.) ઝૂલણા, દોહરા, રોળાના છપ્પા, સોરઠા, સવૈયા અને કવિતમાં રચાયેલ છે. ગુજરાતી તથા હિંદી ભાષાનો વિનિયોગ કરતી આ કૃતિ એ બંને ભાષામાં શામળનું સવ્યસાચીપણું બતાવે છે. સાંસારિક રસની કલ્પનાપ્રધાન માનવકથાઓની રચનામાં સવિશેષ રસ ધરાવતા કવિએ અહીં પૌરાણિક કથાવસ્તુ પર પોતાનો હાથ અજમાવ્યો છે તે તરત ધ્યાન ખેંચે એવી હકીકત છે. આ કાવ્યમાં એમણે વાલીપુત્ર અંગદ, સીતાને પાછી સોંપી દેવા સમજાવવા રાવણ પાસે જાય છે એ રામાયણીય પ્રસંગને પોતાનું પદ્યકૌશલ બતાવવાના લોભથી અતિકથન અને વિસ્તારની પરવા કર્યા વિના ખૂબ બહેલાવ્યો છે અને રામ અને અંગદ, અંગદ અને રાવણમંદિરના પ્રતિહાર તેમ જ સામદ, તથા રાવણ અને અંગદ વચ્ચેના સંવાદો વીરરસોચિત ઝમકદાર ભાષામાં ઘણા ચગાવ્યા છે. સંવાદોમાં રામ સિવાયનાં અન્ય પાત્રોની ભાષા જુસ્સા અને ઝનૂનના અતિરેકમાં અશિષ્ટ ગાલિપ્રદાન સુધી પહોંચી જાય છે, એમાં શામળ સમકાલીન શ્રોતાવર્ગના રંજનાર્થે તેની કક્ષાએ ઊતરી પડ્યાનું જોઈ શકાય. બધો વખત અંગદના મુખેથી નીકળતી આવેશપ્રધાન જોશીલી વાણી તેમ જ તેના વીર-પરાક્રમથી થતી વીરરસની નિષ્પત્તિ ધ્યાન ખેંચ્યા વિના રહેતી નથી. શામળની પૌરાણિક વિષયની આ કૃતિ પરંપરાપ્રાપ્ત આખ્યાનોથી જુદી રચનારીતિનું આખ્યાન છે એમ કહી શકાય. [અ.રા.]