ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણદાસ-કૃષ્ણોદાસ
કૃષ્ણદાસ/કૃષ્ણોદાસ : કૃષ્ણદાસને નામે ઘણી કૃતિઓ નોંધાયેલી છે તે કયા કૃષ્ણદાસની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. તેમાંથી પૂર્વછાયા, ચોપાઈની ૧૨૦ કડીની ‘કર્મકથા/કર્મવિપાક’ (લે.ઈ.૧૭૮૧; મુ.)માં અર્જુન અને કૃષ્ણના સંવાદ રૂપે જુદીજુદી સ્થિતિઓના કારણરૂપ કર્મોનું વર્ણન થયેલું છે. દુહા, ચોપાઈ અને કવચિત્ છપ્પાનો વિનિયોગ કરતી ૨૦૫૬ કડીની ‘ગુલબંકાવલીની વાર્તા’ (લે.ઈ.૧૮૦૯; મુ.)માં બંકાવલીના બગીચાનું ફૂલ મેળવનાર રાજકુમારની મૂળ ફારસી પરાક્રમકથા કોઈક આડકથા સાથે રસાળ રીતે રજૂ થયેલી છે. ચોપાઈબંધની ૫૫ કડીની ‘હૂંડી’ (લે.ઈ.૧૬૫૭; મુ.), ૧૦૭ કડીનું ચોપાઈબંધનું ‘મામેરું/મોસાળું’ (લે.ઈ.૧૬૭૨;મુ.) અને સવૈયાની દેશીની ૫૩ કડીની ‘શ્રીકૃષ્ણની હમચી/રુક્મિણીવિવાહ’ (લે.ઈ.૧૬૭૨; મુ.) - આ ૩ કૃતિઓ આરંભની સ્તુતિમાં ‘દામોદર’ નામના ઉલ્લેખથી તેમ જ સમય, શૈલી વગેરેની દૃષ્ટિએ કોઈ એક જ કૃષ્ણદાસની હોય એમ લાગે છે. એમાંથી ‘હૂંડી’ અને ‘મામેરું’ પ્રેમાનંદ પૂર્વેની આ વિષયની રસપ્રદ કૃતિઓ તરીકે ધ્યાન ખેંચે છે. ‘હૂંડી’નું ‘પ્રબંધ’ નામક ૫ કડવાં અને ૨૦૦ પંક્તિઓમાં કોઈએ વિસ્તારેલું રૂપ (મુ.) પણ મળે છે. ‘અંબરીષ-આખ્યાન’ (લે.ઈ.૧૭૭૨ આસપાસ), ૩૭૮ કડીનું ‘સુધન્વા-આખ્યાન’ (લે.ઈ.૧૮૧૧), ૮૨ કડીનું ‘કાળીનાગનું આખ્યાન’ (મુ.), ૨૦૦ ગ્રંથાગ્રની ‘રાસક્રીડા’ (લે.ઈ.૧૭૫૮), ‘કૃષ્ણની રાવ/રાવલીલા’ (લે.ઈ.૧૮૨૩ લગભગ), ૨૭ કડીની ‘સીતાજીની કામળી’ (લે.ઈ.૧૮૩૬), ‘પાંડવી-ગીતા’ (૨.ઈ.૧૮૧૨), ચંદ્રાવળા રૂપે ‘રામાયણ’ એ પદો (કેટલાંક કૃષ્ણસ્તુતિનાં અને અન્ય મુ.) - એ કૃષ્ણદાસને નામે નોંધાયેલી અન્ય કૃતિઓ છે. આ સિવાય કૃષ્ણદાસને નામે ‘અર્જુન-ગીતા’ પણ નોંધાયેલ છે પરંતુ ત્યાં કર્તાનામ વિશે પ્રશ્નાર્થ મુકાયેલો છે. કૃષ્ણદાસને નામે નોંધાયેલી પણ ‘કૃષ્ણોદાસ’ એવી નામછાપ ધરાવતી ‘રુક્મિણીવિવાહ’ (લે.ઈ.૧૭૭૪)માં નામછાપવાળો ભાગ હિંદી ભાષામાં છે તેથી એના કર્તા ગુજરાતી કવિ હોવાની સંભાવના જણાતી નથી. કૃતિ : ૧. ગુલબંકાવલી, પ્ર. બાપુ હરશેઠ દેવલેકર તથા બાપુ સદાશિવ હેગષ્ટે, ઈ.૧૮૪૭; ૨. નકાદોહન; ૩. નરસૈં મહેતાનું આખ્યાન, સં. હીરાલાલ ત્રિ. પારેખ, ઈ.૧૯૨૩ (+સં.); ૪. બૃકાદોહન : ૮; ૫. બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ફેબ્રુ. અને માર્ચ, ૧૯૨૨ - અનુક્રમે ‘હૂંડી’, ‘મામેરું’, ‘રુક્મિણીવિવાહ’. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૩. પાંગુહસ્તલેખો; ૪. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી, ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ. [ચ.શે.]