ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષમાકલ્યાણ ઉપાધ્યાય

Revision as of 09:52, 4 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ક્ષમાકલ્યાણ(ઉપાધ્યાય) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - અવ. ઈ.૧૮૧૭/સં. ૧૮૭૩, પોષ વદ ૧૪] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભસૂરિની પરંપરામાં અમૃતધર્મના શિષ્ય. એમનું ૭ કડીનું ‘શંખેશ્વરપાર્શ્વ-સ્તવન’ સૌથી જૂનું રચનાવર્ષ ઈ.૧૭૭૦ (સં. ૧૮૨૬, વૈશાખ - ૩) બતાવે છે એના આધારે કવિના જીવનની પૂર્વમર્યાદા ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ ગણી શકાય. અવસાન બિકાનેરમાં. એમના સમયના ખરતરગચ્છીય વિદ્વાનોમાં અગ્રગણ્ય એવા આ કવિએ વ્રજ-હિન્દી અને ગુજરાતી કરતાં સંસ્કૃતમાં ઘણી રચનાઓ કરી છે અને એમની રચનાઓમાં ગદ્યકૃતિઓનું પ્રમાણ મોટું છે. ગુજરાતી પદ્યમાં એમણે ‘ચૈત્યવંદન-ચોવીશી/જિનનમસ્કાર-ચોવીશી’ (ર.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, જેઠ સુદ ૧૩; મુ.), ૫૩ કડીની ‘થાવચ્ચાપુત્ર અણગાર ચોઢાળિયાં’ (ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, આસો સુદ ૧૦; મુ.), ૩ ઢાળની ‘અઇમત્તાઋષિની સઝાય’ (મુ.) અને તીર્થયાત્રા તથા પ્રતિષ્ઠાના પ્રસંગોએ રચાયેલાં ને તેથી ક્યારેક ઐતિહાસિક માહિતી પણ ધરાવતાં ઘણાં સ્તવનો તેમ જ કેટલીક સઝાયો રચેલ છે. એમનાં પ્રકીર્ણ સ્તવનો-સઝાયોમાંથી ઘણાં મુદ્રિત મળે છે. ગુજરાતી ગદ્યકૃતિઓમાં પાક્ષિકાદિપ્રતિક્રમણ વિધિને સંગૃહીત કરી લેતો ૪૨૦ ગ્રંથાગ્રનો ‘શ્રાવકવિધિસંગ્રહપ્રકાશ’ (ર.ઈ.૧૭૮૨) એ ગ્રંથ આ વિષયના પૂર્વપરંપરાના અનેક ગ્રંથોની સહાયથી રચાયેલો છે. આ ઉપરાંત, એમનું સંસ્કૃતમાં ‘પર્યુષણઅષ્ટાહ્નિ-કાવ્યાખ્યાન’ તેમ જ ગુજરાતીમાં પણ ‘પર્યુષણઅઠ્ઠાઈવ્યાખ્યાન’ (ર.ઈ.૧૮૦૪) નોંધાયેલ મળે છે. એ જ રીતે સ્વરચિત સંસ્કૃત ‘યશોધર-ચરિત્ર’ (ર. ઈ.૧૭૮૩)નો બાલાવબોધ (ર.ઈ.૧૭૮૩) એમણે રચ્યો છે. કવિએ સંસ્કૃતમાં ‘પ્રશ્નોત્તરસાર્ધશતક’ (ર.ઈ.૧૭૯૫) રચેલ છે તેને હિંદી ગદ્યમાં પણ ઉતારેલ છે (ર.ઈ.૧૭૯૭). તે ઉપરાંત, ‘અંબડ-ચરિત્ર’ એ ગદ્યકૃતિ, ‘જયતિહુઅણ-સ્તોત્ર’ અને કેટલાંક સ્તવનાદિ પણ એમણે હિંદીમાં રચેલ છે. કવિની સંસ્કૃત કૃતિઓ અનેક ગ્રંથોના દોહન રૂપે અને સાદી ભાષામાં હોય છે. ઉપર ઉલ્લેખાઈ ગઈ છે તે ઉપરાંતની એમની સંસ્કૃત રચનાઓ આ પ્રમાણે છે : ‘ખરતરગચ્છ-પટ્ટાવલી’ (ર. ઈ.૧૭૭૪), ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૮૧૩), ‘સમરાદિત્ય-ચરિત’, ‘ચાતુર્માસિકહોલિકાદિદશપર્વ-કથા’ (ર.ઈ.૧૭૭૯), અક્ષયતૃતીયા આદિ કેટલાંક પર્વોનાં વ્યાખ્યાનો, ‘સૂક્તમુક્તાવલી’, ‘જીવવિચાર’ વગેરે પર કેટલીક વૃત્તિઓ ને વ્યાખ્યાઓ, ‘પરસમયસારવિચારસંગ્રહ’, ‘વિજ્ઞાનચંદ્રિકા’ (ર. ઈ.૧૭૯૩) તથા પોતાના ગુરુ અમૃતધર્મ વિશેનાં કેટલાંક અષ્ટકો. કવિ કેવળ ‘કલ્યાણ’ એ નામછાપથી પણ કાવ્યો રચે છે તેથી તેમની કૃતિઓ કેલાક સંદર્ભોમાં કલ્યાણને નામે ચડી ગઈ હોવાનું જોવા મળે છે. જુઓ કલ્યાણ. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.); ૨. ચૈત્યવંદનસ્તવનસંગ્રહ, પ્ર. સુગનચંદજી ઉ. બાંઠિયા, સં. ૧૯૮૨; ૩. જૈસસંગ્રહ(ન.); ૪. બે લઘુ રાસકૃતિઓ, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૪; ૫. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ:૩ (૧, ૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]