અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/શિખરું ઊંચાં
Revision as of 11:06, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> શિખરું ઊંચાં ને મારગ આકરા. {{space}}નહિ કોઈ સાથ કે સંગાથ, {{space}}નહિ ત્યાં...")
શિખરું ઊંચાં ને મારગ આકરા.
નહિ કોઈ સાથ કે સંગાથ,
નહિ ત્યાં કેડી કે નહિ વાટ,
ચડવાં ચઢાણો તસુ તસુ એકલાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.
લિયે એ મારગ નર કોઈ બંકડા,
છોડી આળ ને પંપાળ,
રાખી રામૈયો રખવાળ,
કાચી રે છાતીનાં બેસે તાકતાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.
ચડે એ ઊંચે, જે માંહે ડૂબતાં,
જેને આતમનો સંગાથ,
એનો ઝાલે હરિવર હાથ
પંડને ખુએ તે પ્રીતમ પામતાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.
(કાવ્યસુષમા, ૧૯૫૯, સંપા. અનંતરાય રાવળ અને બીજા, પૃ. ૧૨૯)