દેવદાસ/પ્રકરણ ૧૦

Revision as of 18:24, 14 August 2022 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૦

પાર્વતીએ આવીને જોયું, તો તેના પતિને મોટું ઘર છે. નવી સાહેબશાહી ઢબનું નહિ, જૂની પુરાણી પદ્ધતિનું, બહારની પરસાળ, અંદરનો ઓરડો, પૂજાગૃહ, નૃત્યગૃહ, અતિથિશાળા, દીવાનખાનું, ક્રીડાગૃહ ! કેટલાં દાસદાસી ! પાર્વતી અવાક્ થઇ. તેણે સાંભળ્યું હતું કે તેના પતિ શ્રીમંત માણસ છે, જમીનદાર છે પણ આટલું બધું ધાર્યું નહોતું. અભાવ માત્ર માણસનો હતો. સગાવ્હાલાં, કુટુંબી લગભગ કોઈ નહોતું. આટલું મોટું અંતઃપુર જનશૂન્ય હતું. પાર્વતી-લગ્નની કન્યા, એકદમ ગૃહિણી જેવી થઇ ગઈ. પોંખીને ઘેર લાવવા માટે ઘરડી ફોઈ હતી. એ સિવાય માત્ર દાસદાસીઓના ટોળાં હતાં. સાંજ પહેલાં, એક સુરૂપ, સુંદર વીસ વરસનો જુવાન પુરુષ પ્રણામ કરી પાસે ઊભો રહી બોલ્યો, “મા, હું તમારો મોટો દીકરો.” પાર્વતી ઘૂમટામાંથી સહેજ હસીને જોઈ રહી, પણ કંઈ બોલી નહિ. તેણે ફરી એક વાર પ્રણામ કરીને કહ્યું, “મા હું તમારો મોટો દીકરો, તમને પ્રણામ કરું છું.” પાર્વતીએ લાંબો ઘૂમટો કપાળ સુધી ઊંચો ખેંચી લઇ વાત શરુ કરી; મૃદુ કંઠે બોલી, “આવો, ભાઈ, આવો.” પુત્રનું નામ મહેન્દ્ર. તે થોડીવાર પાર્વતીના મુખ તરફ અવાક્ બની જોઈ રહ્યો; પછી પાસે બેસીને નમ્ર કંઠે બોલવા લાગ્યો, “આજ બે વરસ થયાં અમારી મા મરી ગઈ છે. આ બે વરસ અમારા દુઃખમાં વીત્યાં. આજે તમે આવ્યાં- આશીર્વાદ આપો મા, કે હવે અમે સુખમાં રહીએ.” પાર્વતીએ ખૂબ સ્વાભાવિક અવાજે વાત કરી, કેમ કે એકદમ ગૃહિણી થવા જતાં અનેક વાત જાણવાની અને કહેવાની જરૂર પડે છે. પરંતુ એ વાત ઘણાને થોડીક અસ્વાભાવિક લાગશે. તોપણ જેઓએ પાર્વતીને સારી પેઠે ઓળખી છે, તેમને જણાશે કે પરિસ્થિતિમાં આમ વિવિધ પ્રકારે પરિવર્તન થવાને કારણે પાર્વતી તેની ઉંમરના પ્રમાણમાં અનેકગણી પાકટ થઇ ગઈ. આ સિવાય, નિરર્થક લજ્જાશરમ, અકારણ જડતાસંકોચ તેને કોઈ દિવસ હતાં નહિ. તેણે પૂછ્યું, “મારાં બીજાં દીકરા દીકરી ક્યાં છે, ભાઈ ?” મહેન્દ્ર જરાક હસીને બોલ્યો, “કહું છું. તમારી મોટી દીકરી, પણ મારી નાની બહેન તેને સાસરે જ છે. મેં કાગળ લખ્યો હતો, પણ યશોદાથી કેમે આવી શકાયું નહિ.” પાર્વતીને દુઃખ થયું; તેણે પૂછ્યું, “આવી શકી નહિ કે જાણી જોઇને આવી નહિ ?” મહેન્દ્ર શરમાઈ જઈ બોલ્યો, “બરાબર ખબર નથી, મા !” પરંતુ તેની વાત અને મોઢાના ભાવ ઉપરથી પાર્વતી સમજી ગઈ કે યશોદા ગુસ્સે થઇ આવી નહોતી; તેણે પૂછ્યું, “અને મારો નાનો છોકરો ?” મહેન્દ્રે કહ્યું, “એ તરતમાં આવશે. કલકત્તે છે. પરીક્ષા આપી જલદી આવશે.” ભુવન ચૌધરી જમીનદારીના કામકાજમાં જાતે જ દેખરેખ રાખતા. તે સિવાય, પોતાને હાથે હંમેશા શાલિગ્રામશિલાની પૂજા, વ્રતનિયમ, ઉપવાસ, દેવમંદિર અને અતિથિશાળામાં સાધુસંન્યાસીની સેવા- આ બધાં કામમાં તેમનો સવારથી રાતના દસઅગિયાર સુધીનો વખત જતો. નવું લગ્ન કરવાથી કોઈ પણ પ્રકારનો નવો આનંદ-ઉત્સવ તેમના જીવનમાં દેખાયો નહિ. રાતે કોઈ દિવસ અંદર આવતા, તો કોઈ દિવસ આવી શકતા નહિ. આવતા તો પણ બહુ સામાન્ય વાતચીત થતી. પથારીમાં પડ્યા પડ્યા, ગાલમશૂરિયું ખેંચીને, આંખો બંધ કરીને, બહુ બહુ તો એટલું બોલતા, “હવે તું જ થઇ ઘરની ગૃહિણી; બધું જોઈ કરી, સમજી કારવી જાતે ઉપાડી લે-” પાર્વતી માથું હલાવી બોલતી, “વારુ.” ભુવનબાબુ બોલતા, “વળી જો, આ છોકરાછોકરી. હા, આ તો તારાં જ બધાં-” સ્વામીને શરમ આવતી જોઈ પાર્વતીની આંખના ખૂણામાં હાસ્ય ઊભરાઈ બહાર પડતું. તેઓ વળી જરા હસીને કહેતા, “હોં. વળી આ જો, આ મહેન તારો મોટો દીકરો, પેલે દિવસે બી.એ. પાસ થયો છે- એવો સારો છોકરો ! એવી તો દયામાયા –તને શી ખબર? એની માયામમતા-” પાર્વતી હસવું દબાવી બોલતી : “હું જાણું છું, એ મારો મોટો દીકરો-” “તે જાણે જ ને ! આવો છોકરો કોઈએ કદી જોયો નથી- અને મારી જ્શોમતી ! છોકરી નથી –પ્રતિમા છે. તે આવશે નહિ તો શું ? આવશે જ ને ! ઘરડા બાપને મળવા નહિ કેમ આવે ? એ આવે ત્યારે એને -” પાર્વતી પાસે આવી ટાલ ઉપર મૃણાલ હસ્ત રાખી મૃદુ સ્વરે બોલતી, “તમારે ચિંતા કરવી નહિ. જશોને તેડી લાવવા હું માણસ મોકલીશ- નહિ તો, મહેન પોતે જ જશે.” “જશે ? જશે ? સારું, બહુ દિવસથી એને જોઈ નથી- તું માણસ મોકલશે ?” “મોકલીશ નહિ તો શું ! મારી દીકરીને હું તેડવા માણસ નહિ મોકલું ?” વૃદ્ધ એ વખતે ઉત્સાહમાં આવી જઈ બેઠો હતો- બંનેનો સંબંધ ભૂલી જઈ પાર્વતીના માથા ઉપર હાથ રાખી આશીર્વાદ આપી કહેતો, “તારું કલ્યાણ થશે, હું આશીર્વાદ આપું છું- તું સુખી થઈશ-ભગવાન તને દીર્ઘાયુ બનાવો.” ત્યાર બાદ એકદમ કોણ જાણે શીની શી વાત વૃદ્ધને યાદ આવતી. ફરી પથારીમાં સૂઈ જઈ આંખો બંધ કરી મનમાં મનમાં બોલતો, “મોટી દીકરી, એકની એક દીકરી-તે એને ખૂબ ચાહતી હતી !” એ વખતે કાચીપાકી મૂછની પાસે થઈને એક બિન્દુ આંસુ ઓશીકા ઉપર પડતું. પાર્વતી લૂછી નાખતી. કદીક કદીક વળી એ ચૂપચાપ બોલતા, “અરે, એ બધાંય આવશે, અને ફરી એક વાર ઘર, ઓરડા, દ્વાર બધાં ઊભરાઈ જશે. આહા, પહેલાં કેવો ભર્યો ભર્યો સંસાર હતો ! છોકરા, છોકરી ગૃહિણી ! હોહા- નિત્ય દુર્ગોત્સવ !પછી ? એક દિવસ બધું હોલવાઈ ગયું ! છોકરા કલકત્તા ચાલ્યા ગયા, જશોને તેના સાસરિયા લઇ ગયા- ત્યાર પછી, અંધકાર ! સ્મશાન !-” વળી પાછી બંને બાજુની મૂછો પલળી જતી અને ઓશીકું પણ પલળવા માંડતું. પાર્વતી દીન થઇ, લૂછી નાખી કહેતી, “મહેનને કેમ પરણાવ્યો નથી ?” વૃદ્ધ બોલતા, “આહા, એ તો મારો સુખનો દિવસ ! એટલે તો વિચાર કરતો હતો. પણ કોણ જાણે મનમાં શું છે, શી એની હઠ છે- કેમે લગ્ન કર્યું નહિ. એટલે તો ઘરડેઘડપણ ઘર, મેડીઓ ખાલી ખાલી પડી ખાવા ધાય છે. અભાગિયા ઘરની જેમ બધું ઉદાસ – ક્યારે લગારે નૂર નથી- એટલે જ તો-” આ સાંભળી પાર્વતીને દુઃખ થતું. કરુણ સૂરે હસવાનો ડોળ કરી એ માથું હલાવી બોલતી, “તમે ઘરડા થયા. હું કાલે ઘરડી થઇ જઈશ, સ્ત્રીને ઘરડી થતાં શું વાર લાગે છે કંઈ ?” ભુવન ચૌધરી ઊઠી બેઠા થઇ એક હાથે તેની હડપચી પકડી નિઃશબ્દે બહુ વાર સુધી જોઈ રહેતા. કારીગર જેમ મૂર્તિને શણગારીને માથે મુકુટ પહેરાવીને, જમણી અને ડાબી બાજુએ ઢળીને, બહુ વાર સુધી જોયા કરે, જરાક ગર્વ અને અત્યંત સ્નેહ પેલા સુંદર મુખની આસપાસ જામી જાય, બરાબર તેમ જ ભુવનબાબુને પણ થયું. કોક દિવસ વળી તેમનાથી અસ્પષ્ટ રીતે બોલાઈ જતું, “આહા ! સારું કર્યું નથી-” “શું સારું કર્યું નથી, હેં ?” “થાય છે, અહીં તું શોભતી નથી-” પાર્વતી હસી પડી બોલતી, “બરાબર શોભું છું, અમારે વળી શોભતું ન-શોભતું શું ?” વૃદ્ધ પાછા સૂઈ જઈ મનમાં મનમાં બોલતા, “એ તો સમજ્યો. એ તો સમજ્યો. તો, તારું ભલું થશે. ભગવાન તારી રક્ષા કરશે.” એમ કરતાં લગભગ એક મહિનો વીતી ગયો. વચમાં એક વાર ચક્રવર્તી મહાશય કન્યાને લેવા આવ્યા હતા. પાર્વતી પોતે જ રાજીખુશીથી ગઈ નહિ. પિતાને તેણે કહ્યું, “બાપુ, ઘર બહુ અવ્યવસ્થિત છે, વળી થોડા દિવસ પછી આવીશ.” તેમણે ન દેખાય તેવી રીતે મોઢું મલકાવ્યું. મનમાં મનમાં બોલ્યા, “સ્ત્રીઓ આવી જ હોય છે.” તેમના વિદાય થયા પછી પાર્વતીએ મહેન્દ્રને બોલાવી કહ્યું, “ભાઈ, મારી મોટી દીકરીને એક વાર તેડી લાવો.” મહેન્દ્રે આનાકાની કરી. તે જાણતો હતો કે યશોદા કેમે કરી આવશે નહિ. તેણે કહ્યું, “બાપુ એક વાર જાય તો સારું થાય.” “છી ! એ તે શું સારું દેખાય ? એના કરતાં, ચાલો, આપણે બેઉ મા-દીકરો દીકરીને તેડી લાવીએ.” મહેન્દ્ર આશ્ચર્ય પામ્યો, “તમે જશો ?” “ખોટું શું છે, ભાઈ ? મને એમાં શરમ આવતી નથી. મારા જવાથી જશોદા જો આવે –જો એની રીસ ઊતરે તો મારે જવું શું એટલું અઘરું છે ?” પરિણામે મહેન્દ્ર બીજે દિવસે એકલો જશોદાને તેડવા ગયો. ત્યાં એણે શી ચતુરાઈ કરી એ ખબર નથી, પણ ચાર દિવસ પછી જશોદા આવી પહોંચી. તે દિવસે પાર્વતીએ સર્વાંગે વિચિત્ર નવા કીમતી અલંકાર પહેર્યા ! પેલે દિવસે ભુવનબાબુએ કલકત્તાથી મંગાવી આપ્યાં હતાં, તે જ ઘરેણાં પહેરી પાર્વતી આજે બેઠી હતી. રસ્તામાં આવતાં જશોદાના મનમાં ક્રોધ અને રીસની અનેક વાતો ફરી ફરી ઘૂમ્યા કરતી હતી. પણ નવી માને જોતાંવેત તે એકદમ અવાક્ થઇ ગઈ. પેલી વેરઝેરની વાતો તેને યાદ જ આવી નહિ, માત્ર અસ્પષ્ટ રીતે બોલી, “આ જ !” પાર્વતી જશોદાનો હાથ ઝાલી એને પોતાના ઓરડામાં લઇ ગઈ. પછી પાસે બેસાડી હાથમાં પંખો લઇ તે બોલી : “બહેન ! મા ઉપર રીસે ભરાઈ છે કે શું ?” યશોદાનું મોઢું લજ્જાથી લાલ થઇ ગયું છે. પાર્વતી પોતાના બધાં ઘરેણાં, એક પછી એક ઉતારી યશોદાના શરીર ઉપર પહેરાવવા મંડી પડી, વિસ્મય પામેલી યશોદાએ પૂછ્યું, “આ શું ?” “કંઈ નહિ. માત્ર તારી માની ઈચ્છા !” ઘરેણાં પહેરવાં યશોદાને ખરાબ ન લાગ્યાં- અને પહેરી લીધાં. પછી તો તેના નીચલા હોઠ આગળ હાસ્યનો આભાસ દેખાયો. તેને સર્વાંગે અલંકાર પહેરાવી દઈ આભૂષણ વિનાની પાર્વતીએ કહ્યું, “મા ઉપર રીસ ચડી છે ?” “ના, ના; રીસ શા માટે ? રીસ શાની ?” “રીસ નહિ તો શું બહેન ! આ તારા બાપનું ઘર –આટલું મોટું ઘર. એમાં કેટલા દાસદાસીઓનો ખપ પડે ? હું પણ એક દાસી જ છું ને ! છી ! બહેન, તુચ્છ દાસદાસી ઉપર ગુસ્સો કરવો તને છાજે ?” યશોદા ઉંમરમાં મોટી હતી, પરંતુ બોલવામાં અત્યારે ખૂબ નાની પડી. તે વિહવળ થઇ ગઈ. તેને પવન નાખતાં નાખતાં પાર્વતી બોલી, “ગરીબની છોકરી, તમારા બધાની દયા ઉપર તો હું અહીં જરાક સ્થાન પામી છું. કેટલાં દીન, દુઃખી, અનાથ તમારી દયા ઉપર અહીં હંમેશા પોષાય છે. મને પણ, બહેન, એમાંની એક જાણો ! જે આશ્રિત-” યશોદા જડસડ થઇ સાંભળતી હતી; એકદમ આત્મભાન ભૂલી પગ આગળ ધબ દઈને પડી, પ્રણામ કરી તે બોલી ઊઠી, “તમારે પગે પડું છું, મા !” પાર્વતીએ તેનો હાથ પકડી લીધો. યશોદા બોલી, “ખોટું લગાડશો નહિ, મા.” *

બીજે દિવસે મહેન્દ્રે યશોદાને એકાન્તમાં બોલાવી કહ્યું, “કેમ રે, ગુસ્સો ઉતરી ગયો ?’ યશોદાએ ઉતાવળે ભાઈના પગે હાથ લગાડી કહ્યું, “દાદા, ક્રોધમાં ને ક્રોધમાં –છી, છી,-હું શું નું શું બોલી ગઈ હતી. જોજો, એ બધું કોઈ જાણી ન જાય.” મહેન્દ્ર હસવા લાગ્યો. યશોદાએ કહ્યું, “વારુ, દાદા, ઓરમાન મા આટલાં લાડ-પ્રેમ કરી શકે ?” *

બે દિવસ પછી યશોદાએ પિતાની પાસે જાતે જઈ કહ્યું, “બાપુ, ત્યાં કાગળ લખી નાખો, હું હમણાં બે મહિના અહીંથી જવાની નથી. “ ભુવનબાબુ જરાક આશ્ચર્ય પામી બોલ્યા, “કેમ, મા ?” યશોદા લાજિજ્ત ભાવે મૃદુ હાસ્ય કરી બોલી, “મારું શરીર જોઈએ એવું સારું નથી. – અહીં થોડા દિવસ નાનીમા પાસે રહું !” વૃદ્ધની આંખોમાંથી આનંદાશ્રુ વહેવા લાગ્યાં, સંધ્યાસમયે પાર્વતીને બોલાવી તેણે કહ્યું, “તે મને લજ્જામાંથી છોડાવ્યો છે. જીવતી રહે- સુખે રહે !” પાર્વતી બોલી, “એ વળી શું ?” “શું તે તને સમજાવી શકતો નથી. નારાયણ ! નારાયણ ! કેટલી લજ્જા, કેટલી આત્મગ્લાનિમાંથી આજે તેં મને મુકત કર્યો !” સંધ્યાના અંધારામાં પાર્વતીએ જોયું નહિ, કે તેના સ્વામીની બંને આંખો પાણીથી ઉભરાઈ ચાલી છે. વિનોદલાલ- ભુવનબાબુનો સૌથી નાનો પુત્ર પરીક્ષા આપીને ઘેર આવ્યો તે આવ્યો; પાછો ભણવા ગયો જ નહિ.