દેવદાસ/પ્રકરણ ૧૬

From Ekatra Wiki
Revision as of 18:41, 14 August 2022 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૬

કલકત્તા છોડ્યા પછી થોડા દિવસ જ્યારે દેવદાસ અલ્હાબાદમાં રહ્યો હતો, ત્યારે અચાનક એક દિવસ તેણે ચંદ્રમુખીને કાગળ લખ્યો હતો, “વહુ, મેં માન્યું હતું કે હવે કદી પ્રેમ કરીશ નહિ. એક તો પ્રેમ કરીને ખાલી હાથે પાછા આવવું એ જ ભારે દુઃખકર છે, એમાં વળી ફરી વાર પ્રેમમાં પડવા જેવી વિડંબના સંસારમાં બીજી નથી.” જવાબમાં ચંદ્રમુખીએ શું લખ્યું હતું, તે આવશ્યક નથી; પરંતુ એ સમયે દેવદાસને વારેવારે એમ થતું, ચંદ્રમુખી એકવાર અહીં આવે તો સારું. બીજી જ ક્ષણે ભય પામી વિચારતો, ના, ના, કામ નથી- કોઈ દિવસ પાર્વતી એ જાણી જાય તો ! એમ, કોઈક વાર પાર્વતી તો કોઈક વાર ચંદ્રમુખી તેના હૃદયરાજ્યમાં વાસ કરતાં હતાં. કદીક વળી બંને જણનાં મુખ જોડાજોડ તેના હૃદયપટ ઉપર તરી આવતાં- જાણે બંનેનો કેટકેટલો ભાવ છે ! તેના મનમાં બંને જણાં પડખેપડખે વિરાજતાં કોક દિવસ વળી એકાએક તેના મનમાં થતું-જાણે બંને જણાં ઊંઘી ગયાં છે ! એ વખતે એનું દિલ એવું તો શૂન્ય થઇ જતું કે માત્ર એક જડ અતૃપ્તિ જ તેના મનમાં મિથ્યા પડઘાની માફક ઘૂમ્યા કરતી. ત્યાર બાદ દેવદાસ લાહોર ચાલ્યો ગયો. અહીં ચુનીલાલ નોકરી કરતો હતો. ખબર પડતાં તે મળવા આવ્યો. બહુ દિવસે દેવદાસે દારૂને સ્પર્શ કર્યો. તરત તેને ચંદ્રમુખી યાદ આવી- તેણે મનાઈ કરી હતી ! મનમાં થતું, એની કેટલી બધી બુદ્ધિ ! એ કેટલી શાંત ! કેટલી ધીર ! તેનો કેટલો સ્નેહ ! પાર્વતી એ વખતે ઊંઘી ગઈ હતી- માત્ર બુઝાતા દીપકની શિખાની માફક કદી કદી ઝળહળી ઊઠતી. પણ અહીંના હવાપાણી તેને માફક ન આવ્યાં. વચ્ચે વચ્ચે અસુખ થતું. પેટની બાજુમાં પાછું દર્દ થવા લાગ્યું હતું. ધર્મદાસ એક દિવસ રડું રડું થઇ બોલ્યો, “દેવતા, તમારું શરીર પાછું ખરાબ થાય છે- બીજે ગમે ત્યાં ચાલો.” દેવદાસે અન્યમનસ્કભાવે જવાબ આપ્યો, “ચાલ જઈએ.” * દેવદાસ ઘણે ભાગે ઘર આગળ દારૂ પીતો નહિ. ચુનીલાલ આવતો ત્યારે કોક દિવસ પીતો, કોક દિવસ બહાર ચાલ્યો જતો. રાત પૂરી થતાં ઘેર પાછો આવતો, કોક રાતે વળી બિલકુલ જ આવતો નહિ. આજ બે દિવસ થયાં બિલકુલ તેનો પત્તો નથી રડી રડી ધર્મદાસે અન્નજળ છોડી દીધાં. ત્રીજે દિવસે દેવદાસ તાવભર્યો ઘેર પાછો આવ્યો. પથારીમાં પડ્યો તે ઊઠી શક્યો જ નહિ. ત્રણચાર દાક્તરો આવી દવા કરવા લાગ્યા. ધર્મદાસે કહ્યું, “દેવતા, કાશીમાં માને ખબર આપું ?” દેવદાસ એકદમ તેને અટકાવી, વચ્ચે બોલી ઊઠ્યો, “છી ! છી ! માને આ મોં કેમ બતાવી શકું ?” ધર્મદાસે સમી દલીલ કરી, “રોગશોક તો સૌને હોય; પણ એથી શું આવડી મોટી વિપદના દહાડામાં માથી છુપાવવાનું હોય ? તમે લગીરે શરમાઓ નહિ, દેવતા, કાશીએ ચાલો.” દેવદાસે મોં ફેરવી કહ્યું, “ના, ધર્મદાસ, અત્યારે માની પાસે જઈ શકું નહિ. સારો થાઉં, પછી વાત.” ધર્મદાસને એક વાર થયું કે, ચંદ્રમુખીની વાત કાઢું, પણ એ પોતે એની કેટલી ઘૃણા કરતો હતો કે તેનું મોં યાદ આવતાંવેંત જ તે મૂંગો થઇ ગયો. દેવદાસને પોતાને પણ અનેક એ વાત યાદ આવતી; પણ કશી વાત કરવાનું મન થતું નહિ. એટલે કોઈને ખબર પડી નહિ, કોઈ જ આવ્યું નહિ. ત્યાર બાદ ઘણે દિવસે તે ધીમે ધીમે સારો થવા લાગ્યો. એક દિવસ તે ઊઠી બેઠો થઇ બોલ્યો, “ચાલ ધર્મદાસ, હવે બીજે કયાંક જઈએ.” “બીજે ક્યાંય જ જવાનું કામ નથી; ભાઈ-કાં તો ઘેર ચાલો કે માની પાસે ચાલો.” સરસામાન બાંધી, ચુનીલાલની વિદાય લઇ, દેવદાસ પાછો અલ્હાબાદ આવી પહોંચ્યો. શરીર ઘણું સારું છે. થોડા દિવસ રહ્યા પછી એક દિવસ તેણે ધર્મદાસને કહ્યું, “ધર્મ, કોઈ નવી જગ્યાએ જઈએ તો સારું, મેં કદી મુંબઈ જોયું નથી, જઈશું ?” એનો આગ્રહ જોઈ અનિચ્છા છતાં પણ ધર્મદાસે સંમતિ આપી. જેઠ મહિનો હતો. મુંબઈમાં એટલી ગરમી નહોતી, ત્યાં જઈ દેવદાસ ખૂબ સારો થયો. ધર્મદાસે પૂછ્યું, “હવે ઘેર જઈએ તો ?” દેવદાસે કહ્યું, “ના, અહીં જ સારું છે. મારે અહીં જ હજુ થોડા દિવસ રહેવું છે.” * એક વરસ વીતી ગયું છે. ભાદરવા મહિનાની એક સવારે દેવદાસ ધર્મદાસને ખભે ટેકો દઈ મુંબઈની એક ઈસ્પિતાલમાંથી નીકળી ગાડીમાં બેઠો. ધર્મદાસે કહ્યું, “દેવતા, કહું છું કે, માની પાસે જઈએ તો સારું.” દેવદાસની આંખો આંસુથી ઉભરાઈ ગઈ. આજે કેટલા દિવસ થયાં તેને માત્ર મા જ યાદ આવતી હતી. ઈસ્પિતાલમાં પડ્યો પડ્યો જ્યારે ત્યારે એ જ વાત વિચારતો- આ સંસારમાં તેનાં બધાં છે, છતાં કોઈ જ નથી. તેને મા છે, મોટાભાઈ છે, બહેનથી વધારે પાર્વતી છે, ચંદ્રમુખી પણ છે. તેને બધાં જ છે. પરંતુ તે હવે કોઈનો નથી. ધર્મદાસ રડતો હતો; તેણે કહ્યું, “તો પછી દાદા, માની પાસે જવાનું જ નક્કીને ?” દેવદાસે મોં ફેરવી લઇ આંસુ લૂછ્યાં; તે બોલ્યો, “ના, ધર્મદાસ, માને આ મોં બતાવવાની ઈચ્છા થતી નથી. મારો એ સમય હજુ આવ્યો નથી એમ મને લાગે છે.” વૃદ્ધ ધર્મદાસ ડૂસકે ડૂસકે રડતો બોલ્યો, “દાદા, હજુ મા જીવતાં છે !” આ શબ્દોમાં શું શું સમાઈ જતું હતું તે અંતરમાં બંને જણા સમજ્યા. દેવદાસની તબિયત છેક જ ખરાબ થઇ ગઈ છે. આખું પેટ બરોળના રોગથી ભરાઈ ગયું છે; ઉપરાંત વળી તાવ અને ખાંસી ! રંગ ગાઢો કાળો થઇ ગયો છે, શરીરમાં હાડકાં ચામડાં સિવાય કશું રહ્યું નથી. આંખો છેક ઊંડી ઊતરી ગઈ છે, માત્ર એક અસ્વાભાવિક તેજ ચકચકી રહ્યું છે. માથાના વાળ લુખ્ખા અને સીધા થઇ ગયા છે- ધારીએ તો ગણી શકાય. હાથનાં આંગળાં તરફ નજર નાખતાં ઘૃણા થાય- એક તો પાતળા, ને એમાં વળી ગંદા રોગનાં ડાઘાથી કદરૂપાં થઇ ગયાં છે. સ્ટેશને આવી ધર્મદાસે પૂછ્યું, “ક્યાંની ટિકિટ લઈશું, દેવતા ?” દેવદાસે વિચાર કરી કહ્યું, “ચાલો ઘેર જઈએ-પછી બધું થઇ રહેશે.” ગાડીનો વખત થયો, તેઓ હૂગલીની ટિકિટ લઇ બેઠા. ધર્મદાસ દેવદાસની પાસે જ રહ્યો. સાંજ પડતાં પહેલાં દેવદાસની આંખો બળવા લાગી ને પાછો તાવ આવ્યો. તેણે ધર્મદાસને બોલાવી કહ્યું, “ધર્મદાસ, આજે લાગે છે ક ઘેર પહોંચવુંય કદાચ ભારે પડશે.” ધર્મદાસ ગભરાઈ જઈ બોલ્યો, “શાથી, દાદા ?” દેવદાસે હસવાનો પ્રયત્ન કર્યો; માત્ર બોલ્યો, “પાછો તાવ ચડ્યો છે, ધર્મદાસ.” કાશી વટાવી ગયા ત્યારે દેવદાસ તાવથી બેભાન હતો. છેક પટણા પાસે આવી પહોંચતાં તેને ભાન આવ્યું; તે બોલ્યો, -“જોયું ને ધર્મદાસ, માની પાસે જવાનું સાચે જ બન્યું નહિ.” ધર્મદાસે કહ્યું, “ચાલો દાદા, આપણે પટણા ઊતરી જઈને ડાક્ટરને બતાવી-” જવાબમાં દેવદાસ બોલ્યો, “ના રહેવા દે; આપણે ઘેર જ જઈએ, ચાલ.” ગાડી જયારે પાંડુઆ સ્ટેશને આવી પહોંચી ત્યારે સવાર થવા આવ્યું હતું. આખી રાત વરસાદ પડ્યો હતો. હમણાં જ અટક્યો હતો. દેવદાસ ઊઠી ઊભો થઇ ગયો. નીચે ધર્મદાસ ઊંઘતો હતો. ધીમે ધીમે એક વાર તેના કપાળે સ્પર્શ કર્યો, સંકોચને લીધે એ તેને ઉઠાડી શક્યો નહિ. પછી બારણું ઉઘાડી ધીમે રહીને બહાર નીકળી ગયો. ગાડી ઊંઘતા ધર્મદાસને લઈને ચાલી ગઈ. ધ્રુજતો ધ્રુજતો દેવદાસ સ્ટેશન બહાર આવ્યો. એક ઘોડાગાડીવાળાને બોલાવી કહ્યું, “બાપુ, હાતિપોતા ગામે લઇ જશો ?” તેણે પળ વાર બોલનારના મોં સામું જોયું, પછી આમતેમ જોયું; પછી કહ્યું, “ના, બાબુ, રસ્તો સારો નથી- ઘોડાગાડી આ વરસાદમાં જઈ શકશે નહિ.” દેવદાસે ઉદ્વેગસહિત પૂછ્યું, “પાલખી મળે કે ?” ગાડીવાન બોલ્યો, “ના.” આ શંકામાં જ દેવદાસ બેસી પડ્યો, તો શું જવાશે નહિ ?તેના મોં ઉપર જ તેની અંતિમ અવસ્થા ગાઢ રીતે છવાઈ રહેલી હતી, આંધળો પણ એ વાંચી શકે. ગાડીવાને દયા લાવી કહ્યું, “બાબુ, એક બળદગાડી ઠેરવી આપું ?” દેવદાસે પૂછ્યું, “કેટલી વારમાં પહોંચાડશે ?” ગાડીવાન બોલ્યો, “રસ્તો સારો નથી, બાબુ, કદાચ બે દિવસ પણ થઇ જાય !” દેવદાસ મનમાં મનમાં હિસાબ ગણવા લાગ્યો, “બે દિવસ જિવાશે શું ? પણ, પણ, પાર્વતી પાસે તો જવું જ જોઈએ. તેને ઘણા દિવસની ઘણી જૂઠી વાતો, ઘણાં જૂઠા આચરણ યાદ આવ્યાં. પણ છેલ્લા દિવસનો આ કોલ સાચો પાડવો જ જોઈએ. ગમે તે રીતે, પણ એક વાર તેને છેલ્લાં દર્શન આપવાં જ પડશે- પણ આ જિંદગીની મુદત હવે કંઈ બહુ બાકી નથી !- એ જ મોટો ભય હતો !” દેવદાસ બળદગાડીમાં બેઠો ત્યારે માની વાત યાદ આવતાં તેની આંખ આંસુથી ઉભરાઈ ચાલી. બીજું એક સ્નેહાળ કોમળ મુખ આજે જીવનની છેલ્લી ક્ષણે અત્યંત પવિત્ર બનીને દેખાવા લાગ્યું- એ મુખ ચંદ્રમુખીનું હતું. જેને પાપિષ્ઠા ગણીને તે હરહંમેશ ઘૃણા કરતો આવ્યો છે તેને જ આજે માતાને પડખે જ ગૌરવસહિત નજરે પડતી જોઇને તેની આંખમાંથી ઝરઝર કરતાં આંસુ ખરી પડ્યાં. આ જિંદગીમાં ફરી મેળાપ થશે નહિ. કદાચ બહુ દિવસો લગી એને સમાચાર પણ મળશે નહિ ! તોપણ પાર્વતીની પાસે જવું જોઈએ. દેવદાસે સોગન ખાધા હતા કે ફરી એક વાર એ મળશે જ ! આજે એ પ્રતિજ્ઞા એણે પૂરી કરવી જ રહી. રસ્તો સારો નથી, વરસાદનું પાણી ગમે ત્યાં રસ્તામાં ભેગું થયું છે, ગમે ત્યાં રસ્તો તૂટી ગયો છે; આખો રસ્તો કાદવ-કીચડ ભર્યો છે, બળદગાડી ખટખટ કરતી ચાલે છે, ક્યાંક ઊતરીને પૈડું ઠેલવું પડે છે, તો ક્યાંક વળી બળદને નિર્દય રીતે મરવા પડે છે- ગમે તે રીતે આ સોળ કોશ રસ્તો વટાવવો જ રહ્યો. સુસવાટા મારતો ઠંડો પવન આવતો હતો. આજે પણ સાંજ પછી તેને સખત તાવ ભરાયો. તેણે ગભરાટમાં પૂછ્યું, “ગાડીવાળા, હજુ કેટલું દૂર છે, ભાઈ ?” ગાડીવાને જવાબ આપ્યો, “હજુ આઠ-દસ કોશ છે, બાબુ.” “જલદી લઇ ચાલ, બાપુ, તને મોટી બક્ષિસ આપીશ.” ખીસામાં એક એકસો રૂપિયાની નોટ હતી તે બતાવી કહ્યું, “એકસો રૂપિયા આપીશ, લઇ ચાલ.” ત્યાર પછી શી રીતે આખી રાત ક્યાં ચાલી ગઈ એ દેવદાસ જાણી પણ શક્યો નહિ, જડ, બેભાન ! સવારે જાગ્રત થતાં તેણે પૂછ્યું, “અરે, હજુ, કેટલો રસ્તો બાકી છે ? રસ્તો શું પૂરો જ થવાનો નહિ ?’ ગાડીવાને કહ્યું, “હજી છ કોશ છે !” દેવદાસ લાંબો નિસાસો નાખી બોલ્યો, “જરા જલ્દી લે બાપુ, હવે વખત નથી.” ગાડીવાન સમજી શક્યો નહિ, પણ નવા ઉત્સાહમાં આવી બળદને મારતો; ગાળો દેતો, હાંકવા, લાગ્યો. બને એટલા વેગમાં ગાડી જતી હતી; અંદર દેવદાસ તરફડિયાં મારતો હતો; વારે વારે મનમાં થતું હતું, “મેળાપ થશે ખરો ? વખતસર પહોંચશે ?” બપોરે ગાડી છોડી, ગાડીવાને બળદને ખવરાવ્યા; પોતે ખાઈ કરી તે પાછો આવ્યો પૂછ્યું, “બાબુ તમે ખાશો નહિ કંઈ ?” “ના બાપુ, પણ તરસ બહુ લાગી છે; પાણી પાશો?” તેણે પાસેના તળાવમાંથી પાણી લાવી આપ્યું. આજે સાંજ પડ્યા પછી તાવની સાથે દેવદાસના નાકમાંથી ટપટપ કરતુ લોહી ટપકવા લાગ્યું. એણે બને એટલા જોરથી નાક દબાવી રાખ્યું હતું. પછી વળી જણાયું કે દાંતની બાજુમાંથી લોહી નીકળે છે. શ્વાસોચ્છવાસ લેતાં પણ જાણે મુશ્કેલી પડે છે. હાંફતો હાંફતો એ બોલ્યો, “હજુ કેટલું ?” ગાડીવાન બોલ્યો, “હવે માત્ર બે કોશ, રાતે દસ વાગ્યા સુધીમાં પહોંચી જઈશું.” દેવદાસે મહાકષ્ટે મોં ઊંચું કરી રસ્તા ભણી જોયું, “ભગવાન!” ગાડીવાળાએ પૂછ્યું, “બાબુ, આમ કેમ કરો છો ?” દેવદાસ એનો જવાબ આપી શક્યો નહિ. ગાડી ચાલવા લાગી. દસ વાગ્યે તો નહિ, પણ લગભગ બાર વાગ્યે ગાડી હાતિપોતાના ગામના જમીનદાર બાબુના ઘરની સામે બાંધેલા પીપળાના ચોતરા આગળ આવી પહોંચી. ગાડીવાને બૂમ પાડી કહ્યું, “બાબુ, ઊતરો, ચાલો.” કશો ઉત્તર ન મળ્યો. ગાડીવાને એને ફરી બોલાવ્યો, તોપણ ઉત્તર ન મળ્યો. ત્યારે તેણે ભયભીત બની દીવો તેના મોં આગળ લાવી પૂછ્યું, “બાબુ, ઊંઘી ગયા શું ?” દેવદાસ જોઈ રહ્યો; હોઠ હલાવી કંઈ બોલ્યો, પણ તેના કંઠમાંથી શબ્દ નીકળ્યો નહિ. ગાડીવાને ફરી બોલાવ્યો, “ઓ બાબુજી !” દેવદાસ હાથ ઊંચો કરવા ગયો, પણ હાથ ઊંચો થયો નહિ; માત્ર તેની આંખના ખૂણામાંથી બે ટીપાં આંસુ સરી પડ્યાં. ગાડીવાને બુદ્ધિ ચલાવી પીપળાની નીચે બાંધેલા ચોતરા ઉપર ઘાસ પાથરી એક પથારી તૈયાર કરી. એની ઉપર મહામહેનતે દેવદાસને ઊંચકી લાવી એણે સુવાડી દીધો. દેવદાસે ભારે કષ્ટ સાથે ખીસામાંથી એકસો રૂપિયાની નોટ બહાર કાઢી. દીવાના તેજમાં ગાડીવાને જોયું કે બાબુ તેની તરફ જોઈ રહ્યા છે, પણ બોલી શકતા નથી., તેણે સ્થિતિ સમજી જઈ, નોટ લઇ ચાદરમાં બાંધી દીધી. શાલ વડે દેવદાસનું મોં સુધ્ધાં ઢાંકેલું હતું. સામે જ દીવો બળતો હતો. તેનો નવો સાથી પગ આગળ વિચારવશ બેઠો હતો.

*

સવાર થયું, સવારમાં જ જમીનદારના ઘરમાંથી લોકો બહાર નીકળતાં હતા- જોયું તો એક આશ્ચર્યજનક દેખાવ ! ઝાડ નીચે એક માણસ મરવા પડ્યો છે- ભદ્રલોક ! શરીર પર શાલ છે, પગમાં ચકચકિત જોડા છે, હાથમાં વીંટી છે. એક એક કરતાં ઘણા માણસો ભેગા થઇ ગયા. ધીમે ધીમે ભુવનબાબુને કાને વાત પહોંચી. ડોક્ટરને બોલાવવા મોકલી પોતે ત્યાં આવી પહોંચ્યા. દેવદાસે સૌની ભણી જોયું; પણ તેનો કંઠ રૂંધાઇ ગયો હતો- એક શબ્દ પણ બોલી શકાયો નહિ. માત્ર આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. ગાડીવાને પોતે જાણતો હતો તે બધું કહ્યું, પણ એથી કંઈ ખુલાસો થયો નહિ. ડોકટરે આવીને કહ્યું, “શ્વાસ ચડી ગયો છે, હવે મરી જશે.” બધાએ કહ્યું, “આહા!” મેડે બેઠેલી પાર્વતીએ પણ એ વાત સાંભળી કહ્યું, “આહા!” કોઈ એક જણ દયા લાવી મોઢામાં એક ટીપું પાણી મૂકી ગયું. દેવદાસે તેના ભણી કરુણ દ્રષ્ટિએ એક વાર જોયું, પછી આંખો બંધ કરી દીધી. થોડી વાર હજી જીવતો હતો- પછી બધુ પૂરું થઇ ગયું ! હવે, કોણ બાળે, કોણ અડે, કઈ ન્યાતજાતનો હશે, વગેરે ચર્ચા ચાલી. ભુવનબાબુએ પાસેના પોલીસ સ્ટેશને ખબર આપી. ઇન્સ્પેકટર આવી તપાસ કરવા લાગ્યો-બરોળ અને લિવરના રોગને લીધે મરણ નીપજ્યું છે; નાક અને મોઢા ઉપર લોહીના ડાઘા છે. મરનારના ખિસ્સામાંથી બે કાગળો નીકળ્યાં; એક, તાલસોનાપુરના દ્વિજદાસ મુખરજીએ મુંબઈના દેવદાસને લખેલો હતો કે, “પૈસા મોકલવાનું અત્યારે બને એમ નથી.” બીજો એક, કાશીથી હરિમતિદેવીએ દેવદાસ મુખર્જીને લખ્યો હતો કે, “તબિયત કેમ રહે છે ?” ડાબા હાથ ઉપર અંગ્રેજી નામના પહેલા અક્ષરોનાં છૂંદણા પડાવેલાં હતાં, ઇન્સ્પેકટરે તપાસ કરી કહ્યું, “હં, આ જ ઇસમ દેવદાસ છે.” હાથમાં નીલમની એક વીંટી-લગભગ દોઢસો રૂપિયાની-હતી, શરીર પર એક શાલ- આશરે બસો રૂપિયાની – પહેરણ, ધોતિયું વગેરે લખી લીધું. ચૌધરી મહાશય અને મહેન્દ્રનાથ બંને હાજર હતા. તાલસોનાપુર નામ સાંભળી મહેન્દ્રે કહ્યું, “નાની માના બાપના ગામનો માણસ છે. તે જુઓ તો-” ચૌધરી મહાશયે એને ધમકાવી કહ્યું, “એ શું અહીં મડદું ઓળખવા આવશે !” ઇન્સ્પેકટર હસતાં હસતાં બોલ્યા, “ગાંડો નહિ તો શું?” બ્રાહ્મણનું શબ હોવા છતાં પણ આખા ગામમાં કોઈ એને અડકવા તૈયાર નહોતું. પરિણામે ભંગીઓ આવી ઉપાડી ગયા. ત્યાર બાદ કોઈ સૂકા તળાવને કાંઠે એને અરધોપરધો બાળી ફેંકી દીધો- કાગડાગીધ ઉપર આવી બેઠાં, શિયાળ કૂતરાં મડદા માટે લડવા તૈયાર થઈ ગયા. તોપણ જેમણે જેમણે સાંભળ્યું તે બધાએ કહ્યું, “આહા !” દાસીચાકર પણ બોલવા લાગ્યાં. “આહા, ભદ્રલોક ! મોટું માણસ ! બસો રૂપિયાની વીંટી ! એ બધું ઇન્સ્પેકટરના કબજામાં છે; બે કાગળ પણ તેમણે સાચવ્યા છે.”

*

ખબર તો સવારે જ પાર્વતીને પડી હતી. પરંતુ કોઈ પણ વાતમાં તેનું દિલ ચોંટતું નહોતું એટલે બધું બરાબર સમજી શકી નહિ પણ બધાંનાં જ મોંએ જ્યારે ત્યારે એકની એક વાત સાંભળી, ત્યારે પાર્વતીએ પણ વિશેષ સાંભળવા માટે સાંજ પહેલાં એક દાસીને બોલાવી પૂછ્યું, “શું થયું અલી ? કોણ મરી ગયું ?” દાસીએ કહ્યું, “આહા, કોણ એ તો કોઈ જાણતું નથી, મા ! પૂરવ જનમનાં એનાં અન્નજળ તે અહીં મરવા આવ્યો ! ટાઢમાં ને હિમમાં એ આખી રાત પડ્યો રહ્યો હતો; આજે સવારે નવ વાગ્યે મરી ગયો !” પાર્વતીએ દીર્ધ નિઃશ્વાસ નાંખી પૂછ્યું, “આહા ! તે કોણ હતું એની કશી ખબર પડી નહિ ?” દાસી બોલી, “મહેનબાબુ બધું જાણે છે, મને એટલી બધી ખબર નથી, મા.” મહેન્દ્રને બોલાવી લાવવામાં આવ્યો કે તરત એ જ બોલી ઊઠ્યો, “મા, તમારા ગામના દેવદાસ મુખરજી !” પાર્વતીએ મહેનની અત્યંત નિકટ જઈ તીવ્ર દ્રષ્ટિપાત કરી પૂછ્યું, “કોણ, દેવદાદા? શી રીતે જાણ્યું ?” “ખીસામાં બે કાગળો હતા, એક દ્વિજદાસ મુખરજીએ લખ્યો હતો-” પાર્વતી વચ્ચે બોલી ઊઠી, “હા, એ તેમના મોટાભાઈ થાય.” “અને બીજો કાશીથી હરિમતિદેવીએ લખ્યો હતો-” “હા, એ તેમનાં બા થાય.” “હાથ પર છૂંદણા પડાવી નામ લખલું હતું.” પાર્વતી બોલી, “હા, કલકત્તા પહેલાવહેલા ગયા ત્યારે ત્રોફાવ્યું હતું.” “એક લીલા રંગની વીંટી-” “જનોઈ દીધી ત્યારે મોટા કાકાએ તેમને આપી હતી. હું જાઉં છું. -” બોલતાં બોલતાં પાર્વતી દોડતી નીચે ઉતરી પડી. મહેન્દ્ર હતબુદ્ધિ થઇ ગયો; તેણે કહ્યું, “ઓ મા, ક્યાં જાઓ છો?” “દેવદાદા પાસે.” “એ તો હવે નથી – ભંગી લોકો ઉપાડી ગયા.” “ઓ રે, ઓ મા!” બોલી રડતી રડતી પાર્વતી દોડી. મહેન્દ્ર દોડતો સામે આવી, વચ્ચે પડી બોલ્યો; “તમે શું કંઈ ગાંડા થયાં, મા? ક્યાં જશો ?’ પાર્વતી મહેન્દ્રની સામે તીક્ષ્ણ કટાક્ષ કરી બોલી, “મહેન, તે મને શું સાચેસાચ ગાંડી માની? રસ્તો છોડ !” તેની આંખો સામે જોઈ, મહેન્દ્ર રસ્તો છોડી, ચુપચાપ પાછળ પાછળ ચાલ્યો. પાર્વતી બહાર નીકળી ગઈ. તે વખતે બહાર નાયબ, ગુમાસ્તા વગેરે કામ કરતા હતા; તેઓ જોઈ રહ્યા. ચૌધરી મહાશય ચશ્માંમાંથી જોઈ બોલ્યાં, “કોણ જાય છે એ ?” મહેન્દ્ર બોલ્યો, “નાની મા.” “હેં એ શું ? ક્યાં જાય છે ?” મહેન્દ્રે કહ્યું, “દેવદાસને જોવા.” ભુવન ચૌધરી રાડ પાડી બોલી ઊઠયા, “તમે બધાં કંઈ ગાંડા થઇ ગયાં કે શું ?પકડો, પકડો- પકડી લાવો એને ગાંડી થઇ છે ! ઓ મહેન ! ઓ નાની વહુ !” ત્યાર બાદ દાસી-ચાકર મળી એને પકડી લાવ્યાં. પાર્વતીના મૂર્છિત દેહને ઊંચકી ઘરની અંદર લઇ ગયાં. બીજે દિવસે તેની મૂર્છા ઊતરી પણ તે કશું બોલી નહિ. એક દાસીને બોલાવી આટલું પૂછ્યું, ‘રાતે આવ્યા હતા ને ? આખી રાત !” ત્યારબાદ પાર્વતી ચૂપ રહી.

*

હવે આટલે દિવસે, પાર્વતીનું શું થયું, એ કેમ છે, કશું જાણતો નથી. સમાચાર મેળવવા પણ મન નથી, માત્ર દેવદાસને માટે ખૂબ દુઃખ થાય છે ! તમે જે કોઈ આ વાત વાંચશો તે મારી જેમ દુઃખી થશો. તોય, જો કદી પણ દેવદાસના જેવા હતભાગ્ય, અસંયમી, પાપિષ્ઠની સાથે તમારો પરિચય થાય, તો તેને માટે જરા પ્રાર્થના કરજો કે બીજું ગમે તે થાય, પણ તેની માફક કોઈને એવું મૃત્યુ ન આવે. મૃત્યુમાં કંઈ ખોટું નથી, પણ એ છેલ્લી ક્ષણે જાણે એક સ્નેહભર્યો હાથ તેના કપાળે ફરતો રહે ! જાણે એક કરુણાર્દ્ર સ્નેહભર્યું મુખ જોતાં જોતાં એનો જીવનનો અંત આવે ! મરતી વખતે કોઈની પણ આંખમાં બે અશ્રુબિંદુ જોઇને એ મરવા પામે !

************