ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ/ડામર
ડામર [ઈ.૧૫૩૬ સુધીમાં] : જ્ઞાતિએ બ્રાહ્મણ. ‘જૈન ગૂર્જર કવિઓ’ ‘બિલ્હણ ચરિત’ની આદિ ગાથાઓમાં ઉલ્લેખાયેલા ગૌડ બ્રાહ્મણ અને ગોપાચલના નિવાસી દામોદર અને પ્રસ્તુત ડામરને એક ગણે છે. પરંતુ મુદ્રિત કૃતિમાં હકીકત માટે કશો આધાર નથી. ભંવરલાલ નાહટા પણ કૃતિની ભાષાને આધારે આ સંભાવનાનો અસ્વીકાર કરે છે. ‘ઢાળ’ અને ‘વાણી’ની ૧૮૩ કડીના આ કવિના ‘વેણીવત્સરાજ-રાસ/વિવાહલુ’ (લે. ઈ.૧૫૩૬; મુ.)માં અમરાવતીના રાજા વત્સરાજના વાસુકિરાજાની પુત્રી સાથેના લગ્નનું વૃત્તાંત વર્ણવાયું છે. વત્સરાજ એ નાગરકન્યાની વેણી કાપે છે પરંતુ પછી વેણી તેજસ્વી હોવાનું ભાન થતાં તેની ખૂબ ભક્તિ કરે છે, વાસુકિરાજાનો કોપ તેના પર થવાનો હોય છે પરંતુ તક્ષક તેને બચાવે છે ને અંતે નાગકન્યાનો વિવાહ વત્સરાજની સાથે થાય છે. લોકવાર્તા પર આધારિત આ રાસમાં જાનનું વીગતે વર્ણન થયું છે. તે ઉપરાંત પણ કેટલાંક આલંકારિક વર્ણનો મળે છે. કૃતિ : સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૭૨ - ‘ડામર બ્રાહ્મણકૃત ‘વેણી વત્સરાજ રાસ’, ભંવરલાલ નાહટા (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).[કી.જો.]