ગુજરાતી એકાંકીસંપદા/ફોટોગ્રાફર

From Ekatra Wiki
Revision as of 12:22, 26 August 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
ફોટોગ્રાફર
ચિનુ મોદી
પાત્રો

ફોટોગ્રાફર
હસમુખરાય
સવિતા
ફોટોગ્રાફરનો આસિસ્ટન્ટ


ફોટોગ્રાફર : હું આ સ્ટુડીયોનો માલિક છું. મારે ત્યાં છેલ્લાં કેટલાંય વરસોથી એક ગ્રાહક આવે છે. એનું નામ છે-આમતો અમારા ધંધાની રીતિનીતિ અર્થાત્ Ethics પ્રમાણે ગ્રાહકનું નામ ન અપાય પણ...ધારી લોને કે એનું નામ હસમુખરાય છે. આ હસમુખરાયને મેં પહેલાં જોયા ત્યારે તો આશરે વીસ બવીસના-
(હસમુખરાય જરાક જૂના સમયના જુવાન જેવા વર્ગોમાં ખાદી લેંઘા-ઝભ્ભામાં આવે છે. હાથમાં તકલી છે.) મૂછનો દોરો ફૂટેલો-આવતામાં જ મને કહે :
હસમુખ : આપ સજ્જનનું નામ હું જાણી શકું ?
ફોટોગ્રાફર : હું આ સ્ટુડિયોનો માલિક છું-બોલો, શું કામ છે ?
હસમુખ : (નમસ્તે કરીને) આપ મહાનુભાવને મળીને મને અત્યંત આનંદ થયો.
ફોટોગ્રાફર : ઠીક છે, ઠીક છે, કામ શું છે ?
હસમુખ : આ છબીશાળામાં-
ફોટોગ્રાફર : છબીશાળા ? આ ? એટલે ? (ખડખડાટ હસીને) સમજ્યો, યુ મીન આ સ્ટુડિયોમાં-
હસમુખ : હું અહીં મારી છબી ખેંચાવા આવ્યો છું.
ફોટોગ્રાફર : પાસપોર્ટ સાઈઝનો ફોટો પાડું ?
હસમુખ : એ વિષયમાં મારી ગતિ નથી અર્થાત્....
ફોટોગ્રાફર : એક મિનિટ...(આબ્લમ ઉતારી) આમાંથી તમે કહો તે સાઇઝનો ફોટો લઇ આપું.
(હસમુખ આલ્બમ હાથમાં ન પકડતાં)
હસમુખ : હું આપને છબી ખેંચવા પાછળનો આશય કહું. મારા લગ્ન થવાનાં છે-
ફોટોગ્રાફર : તો તો કન્યાકુમારીને છબી મોકલવાની હશે, નહીં ? તો એવું કરો- આ તકલી મને આપી દો. હું બેબાર ફોટા તમારા લઇ લઉં-(તકલી લઇ લેવા પ્રયત્ન કરે છે.)
હસમુખ : નહીં- આ તકલી છબીમાં અવશ્ય આવવી જોઈએ. હું લગભગ નહીં દેખાઉં તોય ચાલશે. પણ, આ તકલી આવવી જોઈએ,
ફોટોગ્રાફર : તમને છોકરીઓના મનનાં માપ ન હોય. અમારે તો આ બે ઉપરાંત કેમેરાની પણ આંખોથી જોવાનું હોય. એટલે એમાં અમને વધારે ખબર પડે, મેં, યાર, સ્ટુડિયોમાં એટલે કે છબીશાળામાં જે કોઈ આ આશયથી આવ્યા છે એના એટલા સરસ ફોટા લીધા છે એ આશય એમનો બચાવ્યો જ છે. તમે જેમને ફોટો મોકલાવશો એ કુંવારિકાના હ્રદયમાં આ ફોટો જોતાં એક પ્રકારનો ઉશ્કેરાટ વ્યાપશે. તમે જુઓ તો ખરા; -અને આ તકલી મને આપો.
હસમુખ : આ છબી કુંવારી કન્યાના પ્રાતઃસ્મરણીય પિતાશ્રીને મોકલવાની છે અને એમના પિતાજી ગાંધીજીની નિશ્રામાં છે. આપ સુજ્ઞ છો એટલે આ તક્લીનો મહિમા હવે મારે વધુ નહીં કહેવો પડે એમ હું માનું છું.
(બોલી હસમુખ સ્થિર થઇ જાય છે. ફ્રીજ થઇ જાય છે. એટલે)
ફોટોગ્રાફર : તકલીવાળા મહાશય હસમુખરાયનો આ મારો પ્રથમ મેળાપ અને બાય ગોડ, આ વ્યક્તિમાં મને રસ પડવા માંડ્યો. અમારા ફોટોગ્રાફીના ધંધાના અૉથિક્સ વિરુદ્ધની આ વાત કહેવાય. અમારે વ્યક્તિમાં ગ્રાહકથી વિશેષ રસ ન લેવો જોઈએ. પણ આ તો લવ એટ ફર્સ્ટ સાઈટ જેવો મામલો હતો અને યુ સી, વૉર અને લવમાં ઈચ એન્ડ એવરી થિંગ ઈઝ ગુડ એન્ડ ફેર. મેં તકલી સાથેના હસમુખરાયના ફોટા દિલ દઈને પાડ્યા.
(ફોટોગ્રાફર ફ્રીજ થયેલા હસમુખરાયના વિવિધ ફોટા વિવિધ એંગલ્સથી લે છે- એકાદ ફ્રન્ટ એકાદ પ્રોફાઈલ, એમ વિવિધ ફોટોગ્રાફ્સ લે છે. દરેક વખતે આધિપત્ય રહે છે તકલીફનું.)
હસમુખ : મારી આ છબી ખેંચવા બદલ આભાર. આપ એને તૈયાર કરી મને ક્યારે આપશો ?
ફોટોગ્રાફર : આવતા અઠવાડિયે આવો અને લઇ જાઓ.
હસમુખ : અતિશય દીર્ઘકાળનો વાયદો લેખાય, નહીં ?
ફોટોગ્રાફર : ધોવરાવવી પડેને ભાઈ-
હસમુખ : ધોવરાવો તો ઈસ્ત્રી નહીં કરાવતા. મારી સાથે પરણનારના પિતાશ્રી ગાંધીજીની નિશ્રામાં છે ને એટલે...અને શક્ય હોય એટલી ત્વરા આ કામમાં રાખશો. (એટલું કહી ત્વરાથી હસમુખ જાય છે, ફોટોગ્રાફર એ જાય છે એટલે )
ફોટોગ્રાફર : (હસમુખરાયના ચાળા પાડતો) ધોવરાવો તો ઈસ્ત્રી નહીં કરાવતા. મારી સાથે પરણનારના પિતાશ્રી ગાંધીજીની નિશ્રામાં છેને એટલે....(હસીને)આટલો ભવ્ય, આટલો રોમાંચક હિલેરિયસ હતો અમારો પહેલો મેળાપ. શીયર એક્સાઈટિંગ-હા, એ પછી લગભગ (ગ્લાસ ઉપાડીને) લગભગ, સવા એક વરસે હસમુખરાયનો ફરી મેળાપ થયો. પડાવેલી છબીઓ એ અઠવાડિયા પછી લઇ ગયા ત્યારે હું નહોતો. મારા આસિસ્ટન્ટે એ ફોટોગ્રાફ્સ આપેલા પણ ફરી મારી છબીશાળામાં આવ્યા નહીં. ને એમની સાથે એક કન્યા હતી- હશે આશરે વીસ બાવીસની.
(હસમુખ અને સવિતા પ્રવેશે છે.)
હસમુખ : (ફોટોગ્રાફરને) નમસ્તે, કેમ છો ?
ફોટોગ્રાફર : તમે કેમ છો ? (સવિતાને એકીટશે જોઈ રહી) આ આ...
હસમુખ : હા...એ સવિતા છે.
સવિતા : બળ્યું, તમે તો શરમાતાય નથી-મારું નામ લેશોને તો નરકમાં જશો નરકમાં.
ફોટોગ્રાફર : અને જ્યાં પતિ ત્યાં સતી એટલે તમારી ચિંતા વાજબી છે-પણ આ બેનનો છે ફોટોજેનિક ફેસ. વાહ...
હસમુખ : આજે અમારી પહેલી લગ્નતિથિ છે અને એ નિમિત્તે...
ફોટોગ્રાફર : તમે સજોડે છબીઓ ખેંચાવા આવ્યા છો, કેમ ?
સવિતા : (હસમુખરાયને બતાવી) બળ્યું, આ બધું અસ્ટમપસ્ટમ ભઈડે છે એ. હંધુય તમે સમજી જાવ છો ? ભૈ ના, મને ગતાગમ જ નથી પડતી....(‘ભૈ ના’ કહેતાં કહેતાં સવિતા પોતાના ગળા પર હાથ મૂકે છે-સોગંદ ખાવા એટલે)
ફોટોગ્રાફર : એમ જ હાથ મૂકી રાખો – એકદમ સરસ ફોટોગ્રાફ્સ આવશે. (તરત કેમેરો એડજસ્ટ કરે છે. પણ એ દરમિયાનમાં હસમુખરાય સવિતા સાથે આવી ગોઠવાઈ જાય છે.)

ફોટોગ્રાફર : ભાઈ, તમે જરા આઘા ખસશો ? મારે એમનો-એમના એકલાનો ફોટો લેવો છે. હસમુખ : આપ કેવા માણસ છો ? આજે અમારી લગ્નતિથિ છે. આજે એની સાથે મારું હોવું અનિવાર્ય છે. ફોટોગ્રાફર : તકલી જેમ ? સારું સારું; તમે ગ્રાહક છો. મારા માલિક છો. તમારી ઈચ્છા પ્રમાણે જ ફોટો લેશું- સજોડે. (ફોટોગ્રાફર છબી ખેંચે છે- કિલક અવાજ થાય છે.) થેંક યૂ, અઠવાડિયા પછી આવો અને ફોટો લઇ જાઓ. હસમુખ : ધોવરાવી ઈસ્ત્રી કરાવજો. હવે વાંધો નથી. (હસમુખરાય ચાલવા માંડે છે એટલે) સવિતા : (હસમુખને) તમે તો બળ્યું ચાલવા માંડ્યા... આપડે ગળામાં હાથ ઘાલીને ફોટો પડાવવાનું હતું એ તો... ફોટોગ્રાફર : (હસમુખને) આવો, એવો એક ફોટો લઈએ. આજ તમારી લગ્નતિથિ છે ને ? અને વળી પાછી પહેલી. આવો. (હસમુખને ખેંચી લાવે છે. સવિતા અને એ બાજુબાજુમાં ઊભાં રહે છે એટલે) ફોટોગ્રાફર : કોણ કોના ગળા પર હાથ મૂકશે ? હં, ભાઈ તમે જ તમારો હાથ લંબાવો. (હસમુખનો હાથ સવિતાના ગળા પર એડજેસ્ટ કરી આપીને) ફોટોગ્રાફર : હવે જરાક હસો. હસમુખ : હાસ્ય વિદૂષકને શોભે, મને નહીં. ફોટોગ્રાફર : બેન, તમે હસશો ? સવિતા : હોવ. (જોરથી ખડખડાટ હસે છે.) ફોટોગ્રાફર : એટલું બધું નહી, સ્હેજ મૂછમાં. હસમુખ : સ્ત્રીને મૂછ ? ફોટોગ્રાફર : આઈ મીન – આછું, માત્ર મલકાટ... હસમુખ : એને સમજાય એવી ભાષામાં કહો, મારી ભાષા એ ભાગ્યે જ સમજે છે. ફોટોગ્રાફર : તો તમારો વ્યવહાર કેવી રીતે ચાલે છે ? હસમુખ : એની ભાષા મને સમજાય છે. આપ છબી લેવામાં ત્વરા કરશો ? ફોટોગ્રાફર : સોરી, (સવિતાને) બેન, મોટેથી નહીં; ધીમેથી હસજો હોં. સવિતા : એ હો. (મોઢું દાબીને બહુ ઓછો અવાજ થાય એમ હસે છે.) ફોટોગ્રાફર : અમ નહીં, આમ નહીં, મોઢું દાબશો તો તમારો હાથ જ દેખાશે, બેન. સવિતા : બળ્યું, તમે તો લોહી પી ગયા – (હસમુખને) મારે કંઈ નથી ફોટું પડાવવું; હેંડો, તમતમારે. (સવિતા હાથ ખેંચીને હસમુખને લઇ જાય છે.... એ જાય છે એટલે) ફોટોગ્રાફર : એ પછી છઠ્ઠે મહિને હસમુખરાય આવે છે. હસમુખ : નમસ્તે. ફોટોગ્રાફર : કેમ છો ? હસમુખ : આપ કુશળને ? હું ત્વરામાં છું. સવિતા આવશે, કારણ એણે ગર્ભ ધારણ કર્યો છે. ફોટોગ્રાફર : એમની છબી લેવાની છે ને ? જરૂર. હસમુખ : આભાર આપનો. (હસમુખ લગભગ અદ્રશ્ય થવામાં છે ત્યારે જ ) ફોટોગ્રાફર : એક મિનિટ. (હસમુખ પાછો વળીને પાસે આવતાં) હસમુખ : આ પ્રસંગે એની સાથે મારી છબી અનિવાર્ય નથી. ફોટોગ્રાફર : એ તો સમજ્યો, પણ, હવે તમને સારું રહેશે- હસમુખ : આપનો સંદર્ભ હું પામી શક્યો નહીં, માફ કરજો, પણ આપણે માનસિક વાંધો વિરોધ ન હોય તો કહેશો કે આપ ખરેખર શું કહેવા ઈચ્છો છો – ફોટોગ્રાફર : ખાસ કંઈ નહીં, આવજો. હસમુખ : આવજો, સવિતા કાલે આવશે. ફોટોગ્રાફર : જરૂર. (હસમુખ ચાલ્યો જાય છે એટલે) ફોટોગ્રાફર : બાળક આવશે તો બેઉ ઉતર-દક્ષિણને જોડશે, એવી મારી શ્રદ્ધા છે. જોકે અહીં શ્રદ્ધા શબ્દ ના ચાલે, શ્રદ્ધા નહીં, મારી માન્યતા છે કે બાળક આવશે તો (બીજે દિવસે સવિતા આવી. સહેજ ફૂલેલા પેટ સાથે સવિતા આવે છે.) સવિતા : મુંઉ એમનું આ ઘેલું; ના, ના, આ શા મોટા મીર માર્યા છે તે અત્યારે ફોટું પડાવવાનું ? હેં ભૈ, આ તમે જ કહો મુંઉ પેટમાં પેલું ફરકતું હોય ને વોય વોય બધું સખળડખળ થતું હોય, બધું અંદર ચૂંથાતું હોય એ ઘડીએ આ ફોટાનાં તૂત ના કાઢતાં હોય તો ના ચાલે ? ફોટોગ્રાફર : આવો સવિતાબેન. સવિતા : આવેલા જ છીએને ભૈ, લો પાડવું હોય તો પડી લ્યો ફોટું-બોટું પણ મારો ઝટ છુટકારો કરો-મા-બાપ મને તો એવો ઉબકો આવે છે ને. ફોટોગ્રાફર : પાણી આપું ? સવિતા : અત્તાર-તો થુંક ગળીએને તોય ઘમ્મરવલોણું ઘમઘમ. આવી ઘડીએ આવા માદક પદક ના કાઢતા હોય તો... ફોટોગ્રાફર : બેન, સીમંતના પ્રસંગે તો શહેરની બધી સ્ત્રીઓ ફોટા પડાવે એવો રિવાજ છે... સવિતા : ના, ના, ફોટું ના પડાઈએ તો જાણે પેલું માલી’પા, ને માલી’પા રહેવાનું હશે, કેમ ? ના, ના, શું બોલતા હશો ? ફોટોગ્રાફર : ચલો, ચલો, વાતે ગાડાં ભરાય. હું તમારો ફોટો પડી લઉં અહીં બેસો. ફોટોગ્રાફર (સવિતા બેસતાં બેસતાં) સવિતા : ઝટ કરજો હોં ભઈ. ફોટોગ્રાફર : સારું સારું. (કેમેરો એડજસ્ટ કરે છે એટલે) સવિતા : મોઢું દાબીને બેસું કે... ફોટોગ્રાફર : ચાલશે ચાલશે.... (કેમેરાની ચાંપ દાબે છે.) ઓ.કે. ઓ. કે. થેંક યૂ. સવિતા : (બેસી રહીને) હવે ઝટ કરોને ભૈ, મને તો એવો ઉબકો આવે છે ને... ફોટોગ્રાફર : હવે તમતમારે ઊભાં થઈ જાય. સવિતા : પણ ફોટું ? એલા ભૈ, મારા ભોળા બ્રહ્મા જેવા વરને આમ ને આમ ધૂતતા નહીં. ફોટોગ્રાફર : કેમ ?કેમ ? સવિતા : ફોટું પાડ્યા વગર કલદાર ગણી ના લેતા. ફોટોગ્રાફર : ફોટો પડી લીધો- સવિતા : તો ઠીક, લ્યો ત્યારે રામ રામ...બેસો હોં ભૈ... (સવિતા ધીમે ધીમે જાય છે એવામાં) ફોટોગ્રાફર : આ ફોટો તો હસમુખભાઈ લઇ જશે ને... સવિતા : (પાછા ફરીને) આ પદક એમણે કાઢ્યું છે તો એ જ આવશેને ? આ આવી ઘડીએ ઘર વગર ક્યાંય ગોઠે નહીં.... ફોટોગ્રાફર : એ ખરું; પણ, હવે તમારે એક વાતનું સુખ થઇ ગયું. સવિતા : શેનું ? ફોટોગ્રાફર : એ ખરું; પણ, હવે તમારે એક વાતનું સુખ થઇ ગયું. સવિતા : શેનું ? ફોટોગ્રાફર : તમે બોલો છો એવું બોલનાર તો ઘરમાં આવશે. સવિતા : (સહેજ લજાઈને) એય એવું કહેતા’તા (સહેજ રોકાઈને) અને ભૈ આટલા દુઃખ નહીંતર શું કામ વેંઢારવાનાં હેં ? લ્યો, બેસો ભૈ. (સવિતા જાય છે) એટલે... ફોટોગ્રાફર : સાલું, હું ફસાયો છું આ હસમુખરાયના પ્રેમમાં. મારું ધંધાદારી એથિક્સ વીસરાઈ ગયું છે. સવિતાને ગયે મહિનાઓ થયા, ના તો કોઈ આવીને એનો ફોટો લઇ ગયું છે, ના એના કશા સારસમાચાર. હું સ્ટુડિયોમાં હોઉં ને ફ્લેપ ડોર ઠેલાય એટલે હસમુખરાય જ હશે એમ માની ઉમળકો અનુભવું છું. આવો ઉમળકો સારો નહીં, આવો ઉમળકો સારો નહીં, શોભે પણ નહીં, પણ શું થાય ? આવા ઉમળકા દાબ્યા દબાય છે ઓછા ? અરે, કેટલીક વાર તો મને એમ થાય છે કે એ ગામ છોડીને તો નહીં જતા રહ્યા હોય ? ટપાલમાં પણ હસમુખરાયના હસ્તાક્ષરવાળા પતાકડાને શોધું ને નિરાશ થાઉં. બાય ગોડ, ક્યારેક તો મારાથી નિસાસો નંખાઈ જતો. આમ ને આમ ખાસ્સો સમય વીતી ગયો. એવામાં એક દિવસ મારા આસિસ્ટન્ટે મને ડાર્ક રૂમમાંથી બૂમ પાડી. આસિસ્ટન્ટ : સાહેબ અંદર આવી આ નેગેટીવ્સનો ઢગલો જોઈ જશો ? આમાંથી કેટલી રાખવી હોય એ કહો એટલે બાકીની.... ફોટોગ્રાફર : મેં બારણે જઈને કહ્યું – બાકીની નહીં, બધી જ નેગેટીવ્સ ડીસ્પોઝ કરી નાખ. નેગેટીવ્સ રાખીનેય થાક્યા. ક્યાં સુધી રાખવી ? ઢગલો વધતો જાય આમ તો. હજી પોરો ખાઉં ત્યાં તો મારો આસિસ્ટન્ટ ડાર્કરૂમમાંથી એક મોટું કવર લઇ હાજર થયો. આસિસ્ટન્ટ : અને આ કવર જોઈ લો, સાહેબ- ફોટોગ્રાફર : એ વળી શું છે ? આસિસ્ટન્ટ : ગ્રાહકો બી ખરા હોય છે. ફોટા પડાવે ત્યારે તો કેવી ઉતાવળ કરાવતા હોય છે. પછી ફોટા લેવા આવે જ નહીં આ કવરમાં એવી પ્રિન્ટ્સ છે. (કવર આપે છે.) ફોટોગ્રાફર : (કવર લીધા વગર) એ પણ ડિસ્પોઝ કરી નાખ ને. આસિસ્ટન્ટ : ઓલરાઈટ સર. (જવા માંડે છે એટલે) ફોટોગ્રાફર : લાવ લાવ એક વખત જોઈ લઉં. (આસિસ્ટન્ટ કવર આપે છે. ફોટોગ્રાફર કવર ખોલે છે. એક પછી એક ફોટો જોતો જાય છે. બાજુ પર મૂકતો જાય છે અને દરેક ફોટા વખતે કહેતો જાય છે -) આ ડિસ્પોઝ કર અને આ પણ.. આય કાઢી જ નાંખ ! (એમાં સવિતાનો ફોટોગ્રાફ આવે છે – વીજળીનો કરંટ લાગ્યો હોય એમ ફોટોગ્રાફ નીચે પડી જાય છે એટલે આસિસ્ટન્ટ એને નીચેથી ઊંચકીને આપે છે.) આસિસ્ટન્ટ : આ બઉ ફની હતાં, નહીં ? ફોટોગ્રાફર : હં... (પાછો આપતાં) આસિસ્ટન્ટ : ડિસ્પોઝ કરી નાખું ને. ફોટોગ્રાફર : તને સમજણ પડતી નથી કે શું કરવું જોઈએ ? બધી જ બાબતમાં મને પૂછપરછ કરે છે. કેટલા વખત પહેલાંનો આ ફોટોગ્રાફ છે ? હવે કસ્ટમર આટલા બધા વખતે ઓછા લેવા આવવાના છે ? (કવર પાછું આપતાં) હવે મને ડિસ્ટર્બ ન કરતો ! (આસિસ્ટન્ટ મોઢું પાડીને કવર લઈને જાય છે એટલે ફોટોગ્રાફર તેં મને ડિસ્ટર્બ નથી કર્યો હોં તેં નહીં આ હસમુખરાય મારે કેડે પડી ગયા છે. બાય ગોડ સવિતાનો ફોટો જોઈ પાછાં મને લાખ કુતૂહલ થવાં માંડ્યાં છે – સવિતાને બાબો આવ્યો હશે કે બેબી ? હવે એ બેઉંનું કેમ ચાલતું હશે ? સવિતા હસમુખરાયની વાતો સમજી શકતી હશે ? હસમુખરાય હજી પણ સવિતાની વાત સમજવા જેટલી પેસન્સ... માય ગોડ, મારે શું છે ? આ કુતૂહલ મને શું કામ થવાં જોઈએ ? શા માટે ? મારું કામ આવનારના ફોટા પાડવાનું છે – અને ફોટા પણ નેચરલી શરીરના જ – આઉટર એપિયરન્સના. મારે મારું ધંધાકીય એથિક્સ.. પણ આ નીતિ-આ રીતે આ ચાલ અને એ પ્રમાણે ચલગત...ઈમ્પોસિબલ રહી..રહીને હસમુખરાય રહી રહીને સવિતા...રહી રહીને એ બેઉં અંગેના કુતૂહલ સમય વીતતો ગયો એમ કુતૂહલ શમતાં ગયાં. બધું જ વિસરાતું હોય છે. એમ ચિત્તના કોઈ એક અંધારા ખૂણામાં આ આખી ઘટના અને એ પાત્રો હડસેલાતાં ગયાં. બાવીસ ત્રેવીસ વરસના ગાળામાં સહુ ભૂલી ગયો હતો પણ ત્યાં તો ઢળતી સાંજે અચાનક મારા સ્ટુડિયોમાં હસમુખરાય આવ્યા...સવિતાને લઈને...

  	(મોતિયો ઊતરાવે ત્યારે પહેરાવે છે એવાં ચશ્માં પહેરેલી સવિતા અને ભૂંગળી સાથે હસમુખરાય આવે છે.)

હસમુખરાય : (ભૂંગળી હાથમાં ઝાલી રાખીને) નમસ્તે. ફોટોગ્રાફર : (કશું બોલવા જાય એ પહેલાં હસમુખરાય ફોટોગ્રાફરના હાથમાં ભૂંગળી આપે છે એટલે) આ ભૂંગળી મારે શું કરવી છે ? હસમુખરાય : (કશું પણ સાંભળ્યા વગર...) કાનમાં બહેરાશ આવી ગઈ છે, ભૂંગળીનો એક છેડો તમારા મોઢા પાસે રાખો ને બોલો, બીજા છેડો હું કાને માંડું છું. (એમ કરે છે એટલે) હવે બોલો. ફોટોગ્રાફર : (મોઢું ભૂંગળીમાં નાંખી) કેમ છો ? આ બહેરાશ... હસમુખરાય : વયવયનું કામ કરે છે, ઇન્દ્રિયોને સમયના ઘસારો પહોંચે જ મિત્ર. ફોટોગ્રાફર : બરાબર. (હસમુખરાય પાસેથી ભૂંગળી લઇ લે છે અને સવિતાને ભૂંગળી આપી ફોટોગ્રાફર પોતાના છેડેથી બોલતાં) તમે કેમ છો ? સવિતા : (ભૂંગળીનો છેડો મૂકી દેતાં) મને કાને ધાક નથી પડી ભૈ, સસલા જેવા સરવા છે બેય. (પોતાના કાન બતાવે છે.) ફોટોગ્રાફર : (ભૂંગળીના બેય. છેડા પોતાની પાસે રાખી હાથ જોડતાં) તે આટલાં આટલાં વરસે શું ભૂલા પડ્યાં ? તમારા છૈયાં છોકરાં કેમ છે ? મોટાં થઈ ગયાં હશે, નહીં ? સવિતા : ભૈ, અમને વસ્તાર નથી. જે ગણો એ અમે બે. વાંઝિયાનું મહેણું માથે ને માથે રહ્યું ભૈ. ફોટોગ્રાફર : હેં ? એટલે સીમંતનો ફોટો પડાવ્યો ને લઇ ના ગયા. સવિતા : માલીપાનું પડી ગયું માલીપા. કુખે કાણી ડોલ-પાણી કેમનાં સીચવાં ? ફોટોગ્રાફર : (દુઃખ સાથે ) એ...મ (થોડા વખતના મૌન બાદ હસમુખરાય પાસે ભૂંગળી લઇ જઈ એક છેડો પકડાવતાં ) ફોટોગ્રાફર : (ભૂંગળીમાં મોઢું નાંખી) શી સેવા કરું ? હસમુખરાય : આજે અમારાં લગ્નને પચીસ વર્ષ થયાં છે એ નિમિત્તે એક છબી લેવડાવવી છે... સવિતા : (ફોટોગ્રાફર) આ ફોટું ખેંચવાની લ્હાયમાં ને લ્હાયમાં મને મોતિયો ઊતરાવે માંડ દસ દાડાય નથી થયા અને આ ડાબલા ભેગા જ ફોટું પડાવા લઇ આવ્યા છે. મેં કીધું આ ડાબલા કાઢું એ પછી જશું તો કહે... ફોટોગ્રાફર : શું કહે ? સવિતા : એ શું બોલે એ તો એ જાણે પણ એનો અરથ એવો કે લગ્નનાં ગાણાં લગને શોભે. ફોટોગ્રાફર : તે આ તમને એક આંખે મોતિયો આવ્યો છે ? સવિતા : બેય આંખે અંધાપો આવ્યો છે...ફોટોગ્રાફર ફોટોગ્રાફર : (હસમુખરાયને ભૂંગળીમાં મોં નાંખી) પછી ફોટો પડાવજોને. આ સવિતાબેન ડાબલા કાઢે પછી... હસમુખરાય : ધીમે ધીમે અંધારું વધતું જવાનું છે, મિત્ર, ઘટવાનું નથી. અને એક બીજી પણ અગત્યની વાત. એના ડાબલા છબીમાં દેખાવા જ જોઈએ. ચાલો, અમને ત્વરા છે.... ફોટોગ્રાફર : સારું સારું (ભૂંગળીનો છેડો મૂકી દે છે, કેમેરા એડજેસ્ટ કરે છે. હસમુખરાય અને સવિતાને બન્નેને બાજુ બાજુમાં ઊભાં રાખે છે) સવિતાબેન ગળા પર હાથ મૂકેને, હસમુખરાય ? સવિતા : ઓલ્યું એમનું ભૂંગળું મારા હાથમાં મૂકોને એટલે હાંઉં... (ફોટોગ્રાફર હસમુખરાયને ભૂંગળીનો એક છેડો પકડાવે છે. બીજો છેડો સવિતા પકડે છે અને ફોટોગ્રાફર આ તસ્વીર ઝડપવા કેમેરામાં જુએ છે.) ફોટોગ્રાફર : (કેમેરામાંથી મોઢું કાઢીને પ્રેક્ષકોને) ઓન, ઓથ, આવો ફોટો મેં ક્યારેય લીધો નથી. (કેમેરામાં મોઢું ઘાલી) રે..ડી ? (અને આ ફ્રીજ શોટ સાથે પડદો પડે છે.)