ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નૂર-નૂરુદ્દીન

Revision as of 12:43, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નૂર/નૂરુદ્દીન [                ] : ‘સતગુરુ’ તરીકે ઓળખાયેલા આ નિઝારી ઇસ્લામી સંતનો સમય એક ગણતરીએ ઈ.૯મી સદીની પહેલી પચીસીમાં મુકાય છે, તો બીજી બાજુથી નવસારીમાં આવેલા એમના રોજામાંનો લેખ એમનું અવસાનવર્ષ ઈ.૧૦૯૪ બતાવે છે. કબર કોઈ ઘણા પ્રાચીન ઇસ્માઈલી ધર્મપ્રચારકની હોય ને નૂરુદ્દીન ઇમામશાહ (જ.ઈ.૧૪૫૨-અવ. ઈ.૧૫૧૩)ના સમયમાં ગુજરાતમાં આવ્યા હોય એવો પણ તર્ક થયો છે. સિદ્ધરાજ કે ભીમદેવના સમયમાં એ પાટણ આવ્યા હોવાની ને પછીથી નવસારીના સૂબા સૂરચંદની કુંવરી સાથે પરણ્યા હોવાની માહિતી મળે છે તેની પ્રમાણભૂતતા શંકાસ્પદ છે. એમના ઘણા ચમત્કારો નોંધાયેલા છે. આ બધા પરથી એ પ્રભાવક ધર્મોપદેશક હોવાનું તો નિશ્ચિત થાય છે. એમને નામે જે ‘જ્ઞાન’ નામક પદો(મુ.) મળે છે તેમાં એમનું જ કર્તૃત્વ માનવું કે એમનો ઉપદેશ એમના નામથી કોઈએ વણી લીધો છે એમ માનવું એ કોયડો છે. એ ભક્તિવૈરાગ્યબોધક પદોમાં હિન્દુપરંપરાનો ઉપયોગ કરતા સતપંથના લાક્ષણિક પૌરાણિક કથાસંદર્ભો છે અને આગમવાણીના અંશો છે. એની ભાષામાં હિંદીનાં તત્ત્વો છે. કૃતિ : મહાન ઇસ્માઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગીનાનોનો સંગ્રહ, -. સંદર્ભ : ૧. * ઇસ્માઇલી લિટરેચર, ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૬૩; ૨. કલેક્ટેનિયા : ૧. સં. ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૪૮; ૩. ખોજા કોમની તવારીખ, એદલજી ધનજી કાબા, ઈ.૧૯૧૮; ૪. ખોજા વૃત્તાંત, સચેદીના નાનજીઆણી, * ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૫. મહાગુજરાતના મુસલમાનો : ૧-૨, કરીમ મહમદ માસ્તર, ઈ.૧૯૬૯; ૬. (ધ) એક્ટ ઑવ ઇમામશાહ ઈન ગુજરાત, ડબલ્યૂ. ઇવાનૉંવ, ઈ.૧૯૩૬. [ર.ર.દ.]