ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/‘બ્રાહ્મણભક્તવિવાદ’
Revision as of 06:43, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘બ્રાહ્મણભક્તવિવાદ’'''</span> : દુવૈયા છંદની ૭૦ કડીની દયારામની આ કૃતિ(મુ.)ને કવિએ પોતે ‘નાટક’ તરીકે પણ ઓળખાવી છે એ મધ્યકાળમાં ‘નાટક’ શબ્દના સંકેતની દૃષ્ટિએ નોંધપા...")
‘બ્રાહ્મણભક્તવિવાદ’ : દુવૈયા છંદની ૭૦ કડીની દયારામની આ કૃતિ(મુ.)ને કવિએ પોતે ‘નાટક’ તરીકે પણ ઓળખાવી છે એ મધ્યકાળમાં ‘નાટક’ શબ્દના સંકેતની દૃષ્ટિએ નોંધપાત્ર છે. સ્માર્તધર્મનું ખંડન અને વૈષ્ણવધર્મનું મંડન કરવાના ઉદ્દેશથી રચાયેલી આ કૃતિમાં વેદવિહિત કર્મમાર્ગ કરતાં શ્રીકૃષ્ણસેવાભક્તિમાર્ગ ચડિયાતો છે એવું પ્રતિપાદન થયું છે. વૈચારિક ચર્ચાને આહ્લાદક બનાવવા માટે કવિએ વૈષ્ણવાચાર્યને મળવા જતા વિષ્ણુદત્ત અને સ્માર્તધર્મી શિવશંકર એ ૨ બ્રાહ્મણબંધુઓની કલ્પના કરી છે અને એમની વચ્ચેના સરળ રોચક સંવાદ રૂપે કૃતિની રચના કરી છે.[સુ.દ.]