ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/‘ભાણગીતા-રવિગીતા’

Revision as of 10:43, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘ભાણગીતા/રવિગીતા’ : ભાણદાસ ગુરુએ આપેલા જ્ઞાનના પ્રગટીકરણ લેખે ‘ભાણ-ગીતા’ એવા નામથી તેમ જ રવિદાસકૃત હોવાને કારણે ‘રવિગીતા’ એવા નામથી ઓળખાયેલી આ કૃતિ(મુ.) વિષયને અનુલક્ષીને ‘ભાણ-દેવગીતા બ્રહ્મપ્રકાશ’ એવું નામાભિધાન પણ ધરાવે છે. બહુધા એક ચોપાઈ, ઢાળ ને દુહો કે સાખી એવા રચનાબંધ ધરાવતાં ૨૧ કડવાંમાં રચાયેલી આ કૃતિમાં છેવટના કેટલાક છપ્પા હિન્દી ભાષામાં છે અને અન્યત્ર પણ હિંદીનો પ્રભાવ વરતાય છે. એમાં અલક્ષ્ય બ્રહ્મતત્ત્વની અગમ્યતાનું વર્ણન કરી, ઈશ્વરી/આદ્ય ભવાની દ્વારા બ્રહ્માંડની - જીવયોનિ, પંચભૂત, ચૌદલોક, ચારવેદ વગેરે બ્રહ્માંડાંતર્ગત પદાર્થોની પણ ઉત્પત્તિની લાક્ષણિક કથા કહેવામાં આવી છે. એ પછી માયામાં રહેવા છતાં એનાથી અલિપ્ત રહેતા અને દશ પવન, દ્વાદશ દ્વાર, નાડીભેદ એ બધાથી પર એવી સિદ્ધ સ્થિતિને પામેલા બ્રહ્માનુભવી સંતનું વર્ણન થયું છે અને એ અવસ્થાના ઉપાયરૂપ નામધૂનના માર્ગનું સદૃષ્ટાંત મહિમાગાન કરવામાં આવ્યું છે. વાણીનાં સ્વરૂપો અને ત્રિગુણ ભોગનું સ્પષ્ટીકરણ કરી, છેવટે, શબ્દાતીત અર્થરૂપ અને જ્ઞાનપ્રકાશરૂપ બ્રહ્મરસના અનુભવનું ચિત્ર આલેખ્યું છે. આ રીતે વેદાંતદર્શનમાં યોગમાર્ગ અને નામભક્તિનાં તત્ત્વો દાખલ કરતી સંપ્રદાયની વિશિષ્ટ સાધનાપ્રણાલીને નિરૂપતી આ કૃતિ મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાધારા તથા ગીતાકાવ્યની પરંપરાની એક નોંધપાત્ર કૃતિ બની રહે છે.[જ.કો.]